Home Blog Page 2422

ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા. ૩૧ ઑક્ટોબર સુધી લંબાઈ

ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૨૫-૦૯-૨૦૨૩ થી તા. ૧૬-૧૦-૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેડૂતોએ કરેલી રજૂઆતોને ધ્યાન લઇ ખેડૂતોના વ્યાપક હિતમાં નોંધણી પ્રક્રિયા આગામી તા. ૩૧ ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.

અત્યાર સુધી કેટલા ખેડૂતોએ કરાવી નોંધણી ?

તા. ૧૫ ઑક્ટોબર સુધીની સ્થિતિએ રાજ્યમાં મગફળી માટે ૩૫,૫૮૫ ખેડૂતો, સોયાબીન માટે ૨૩,૩૧૬ ખેડૂતો, મગ પાક માટે ૯૫ ખેડૂતો અને અડદ પાક માટે ૬૨ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ટેકાના ભાવ કેટલા રખાયા છે

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૬૩૭૭/- કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. ૮૫૫૮/- કિવ., અડદનો ટેકાનો ભાવ રૂ.૬૯૫૦/- કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. ૪૬૦૦/- કિવ. જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૨૧-૧૦-૨૦૨૩ શનિવારના રોજથી શરૂ કરવામાં આવશે.

હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યાં નેહા ધુપિયા, પતિ અંગદ

નવી દિલ્હીમાં એપોલો હોસ્પિટલ દ્વારા સ્પેશિયલ બુટિક હોસ્પિટલના 16 ઓક્ટોબર, સોમવારે કરાયેલા શુભારંભ પ્રસંગે બોલીવુડ અભિનેત્રી નેહા ધુપિયા અને એનાં અભિનેતા પતિ અંગદ બેદીએ પણ હાજરી આપી હતી.

ચાલુ નાણાકીય વર્ષમાં રિટેલ ફુગાવો RBI ના અંદાજ કરતાં વધુ રહેશે

દેશની અગ્રણી બિઝનેસ ચેમ્બર FICCI એ વર્તમાન નાણાકીય વર્ષ 2023-24માં GDP વૃદ્ધિ 6.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. FICCI દ્વારા ઇકોનોમિક આઉટલુક સર્વેના નવીનતમ રાઉન્ડ મુજબ, વર્તમાન નાણાકીય વર્ષમાં લઘુત્તમ જીડીપી વૃદ્ધિ 6 ટકા અને મહત્તમ 6.6 ટકા જીડીપી વૃદ્ધિ જોવા મળી શકે છે. સર્વે અનુસાર, RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો 2024-25ના પ્રથમ કે બીજા ક્વાર્ટરમાં જ શક્ય છે.

FICCI એ સપ્ટેમ્બર મહિનામાં એક ઇકોનોમિક આઉટલુક સર્વે હાથ ધર્યો છે જેમાં તેને ઉદ્યોગ, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રોના દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ તરફથી પ્રતિસાદ મળ્યો છે. નાણાકીય વર્ષ 2023-24 સિવાય, આ અર્થશાસ્ત્રીઓને જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટર અને આ નાણાકીય વર્ષના ઑક્ટોબરથી નવેમ્બરના ત્રીજા ક્વાર્ટર માટે તેમના અંદાજો શેર કરવા માટે કહેવામાં આવ્યું હતું.

FICCI અનુસાર વૈશ્વિક તણાવ, ચીનની અર્થવ્યવસ્થામાં મંદી, ચુસ્ત નાણાકીય નીતિની અસર અને સામાન્ય કરતાં ઓછો ચોમાસાનો વરસાદ આર્થિક વૃદ્ધિની ગતિ માટે સૌથી મોટા જોખમ તરીકે ઉભરી આવ્યો છે. સર્વે અનુસાર બીજા ક્વાર્ટરમાં વિકાસ દર 6.1 ટકા અને ત્રીજા ક્વાર્ટરમાં 6 ટકા રહેવાની આશા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા જોવા મળ્યો હતો.

સર્વે મુજબ 2023-24માં રિટેલ ફુગાવાનો દર 5.5 ટકા રહેવાની ધારણા છે. જેમાં ફુગાવાનો દર ઓછામાં ઓછો 5.3 ટકા અને મહત્તમ 5.7 ટકા રહેવાનો અંદાજ છે. સર્વેમાં ભાગ લેનારા ઘણા અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ફુગાવાને લઈને અનિશ્ચિતતા હજુ પણ છે. તેમનું કહેવું છે કે રિટેલ મોંઘવારી તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે પરંતુ કિંમતોમાં વધારાનું જોખમ યથાવત્ છે.

અનાજના ભાવ સ્થિર છે. ખરીફ પાક હેઠળ કઠોળ અને તેલીબિયાંના વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. બ્લેક સી અનાજનો સોદો રદ થવાથી ભારત પર અસર પડી શકે છે કારણ કે તે યુક્રેન અને રશિયામાંથી સૂર્યમુખી તેલનો મોટો હિસ્સો આયાત કરે છે. તાજેતરના દિવસોમાં, હવામાન સંબંધિત અનિશ્ચિતતાઓમાં વધારો થયો છે, જેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધઘટ રહેશે. ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે મોંઘવારી વધવાનો ભય છે. સર્વેક્ષણમાં ભાગ લેનારા નિષ્ણાતોના મતે ચાલુ નાણાકીય વર્ષ આરબીઆઈના લક્ષ્યાંક કરતાં વધુ રહેવાની ધારણા છે. સર્વેમાં ભાગ લેનારા અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ કે બીજા ક્વાર્ટરમાં જ જોવા મળી શકે છે.

આઇસી15 ઇન્ડેક્સ 896 પોઇન્ટ ઉછળ્યો

મુંબઈઃ ગ્રેસ્કેલ બિટકોઇન ઈટીએફ અરજીના કેસમાં અમેરિકન સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશને અપીલ કરવાનું માંડી વાળ્યા બાદ રોકાણકારોનો ઉત્સાહ વધતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે ઉછાળો આવ્યો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.61 ટકા (896 પોઇન્ટ) વધીને 35,175 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,279 ખૂલ્યા બાદ 35,435ની ઉપલી અને 34,145ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાંથી ટોચના વધેલા કોઇન સોલાના, અવાલાંશ, બિટકોઇન અને બીએનબી હતા.

દરમિયાન, અમેરિકામાં સરકારે વર્ષ 2024 સુધીમાં ક્રીપ્ટોકરન્સી એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ માટે લાઇસન્સિંગના નિયમો લાગુ કરવાનું નક્કી કર્યું છે. આ રીતે ઉદ્યોગનું નિયમન કરવામાં આવશે. સરકારે એના માટે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે.

બીજી બાજુ, લક્ઝરી કારની નિર્માતા ફેરારીએ ક્રીપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કર્યું છે. એના માટે એણે ક્રીપ્ટોકરન્સી પેમેન્ટ પ્રોસેસર બિટપે સાથે સહયોગ સાધ્યો છે.

ચૂંટણી 2023: કોંગ્રેસે મિઝોરમ માટે પ્રથમ મતદાર યાદી જાહેર કરી

મિઝોરમ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. 40 વિધાનસભા બેઠકો ધરાવતા આ રાજ્યમાં કોંગ્રેસે 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ માત્ર લુંગલી દક્ષિણ બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી નથી. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી અનુસાર લાલસાવતાને આઈઝોલ પશ્ચિમ-3 વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આઈઝોલ ઈસ્ટ-1 થી લાલસાંગરા રાતલે, આઈઝોલ વેસ્ટ-1 થી આર. આઈપી જુનિયરને લાલબિયાકાથંગા અને પલકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મિઝોરમની તમામ 40 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બરે સમાપ્ત થશે. આ પૂર્વોત્તર રાજ્યમાં મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં છે.

2018 માં શું પરિણામો આવ્યા?

રાજ્યમાં છેલ્લી ચૂંટણી 28 નવેમ્બર 2018ના રોજ યોજાઈ હતી. આ ચૂંટણીમાં MNFએ 40 સભ્યોની વિધાનસભામાં 27 બેઠકો જીતી હતી. કોંગ્રેસે ચાર બેઠકો જીતી હતી જ્યારે ભાજપે એક બેઠક જીતી હતી. આ સિવાય આઠ બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. આ સાથે રાજ્યમાં મુખ્યમંત્રી જોરામથાંગાના નેતૃત્વમાં MNF સરકારની રચના કરવામાં આવી હતી.

હવે વિધાનસભાની શું સ્થિતિ છે?

હાલના રાજકીય સમીકરણની વાત કરીએ તો 40 સભ્યોની મિઝોરમ વિધાનસભામાં MNFના 28, કોંગ્રેસના પાંચ, ZPMના એક અને BJPના એક ધારાસભ્ય છે. પાંચ બેઠકો પર અપક્ષ ધારાસભ્યો છે.

આ ચૂંટણી માટે કોની તૈયારી કેવી છે?

આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો MNF, ZPM, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થવાની ધારણા છે. હાલમાં રાજ્યમાં MNFની સરકાર છે જે ચૂંટણીમાં પોતાની સત્તા બચાવવાના પડકારનો સામનો કરશે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ઝોરામથાંગા છે. આ વખતે પણ MNF પોતાના ચહેરા સાથે જ ચૂંટણીમાં ઉતરશે. અગાઉ 4 ઓક્ટોબરે MNF એ 40 સભ્યોની મિઝોરમ વિધાનસભા માટે તમામ સીટો માટે નામોની જાહેરાત કરી હતી. જોરામથાંગા આઈઝોલ ઈસ્ટ-1થી ચૂંટણી લડશે.

‘પૈસા અને ગિફ્ટ’ આક્ષેપોઃ દુબેને મહુઆ મૌઈત્રાની લીગલ નોટિસ

નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રા પૈસા લઈને સંસદમાં સવાલ પૂછે છે એવા (કેશ ફોર ક્વેરી) આક્ષેપો કરનાર ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય નિશિકાંત દુબેને કાનૂની નોટિસ મોકલી છે અને તેમણે કરેલા આક્ષેપો બદલ 24 કલાકમાં માફી માગવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઝારખંડના ગોડ્ડા સંસદીય મતવિસ્તારમાં 2009, 2014 અને 2019માં લોકસભા ચૂંટણી જીતનાર દુબેએ ગઈ કાલે એવો આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ક્રિષ્નાનગર મતવિસ્તારનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રાએ સંસદમાં સવાલો પૂછવા માટે મુંબઈના ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી ‘રોકડ અને ગિફ્ટ’ લીધી હતી. દુબેએ લોકસભા સ્પીકર, ઈન્ફોર્મેશન-ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને નાયબ આઈટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરને વિનંતી કરી છે કે એમના આક્ષેપોને પગલે મહુઆ મોઈત્રા સામે તપાસ કરવામાં આવે.

મોઈત્રાએ તેમની સામેના આક્ષેપોને નકારી કાઢ્યા છે. એમણે દુબે ઉપરાંત દુબેના આક્ષેપોને દર્શાવવા બદલ યૂટ્યૂબ, X (ભૂતપૂર્વ ટ્વિટર), ગૂગલ તથા બીજા અનેક પ્રકાશનગૃહોને પણ કાનૂની નોટિસ મોકલી છે અને માફી માગવા કહ્યું છે.

 

લિકર કૌભાંડ કેસમાં ‘આપ’ પાર્ટીને આરોપી બનાવવાની શક્યતા

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણી દરમ્યાન CBI અને EDએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે એજન્સી દિલ્હી આબકારી નીતિ સંબંધિત મામલામાં આમ આદમી પાર્ટી (આપ)ને આરોપી બનાવવા પર વિચાર કરી રહી છે. સિસોદિયા દિલ્હી લિકર કૌભાંડ કેસમાં આ વર્ષના ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે.

બંને એજન્સીઓ તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ. વી. એન. ભટ્ટીની ખંડપીઠે કહ્યું હતું કે તેમણે રાજ્યને નિર્દેશ આપ્યો હતો કે એજન્સીઓ આપ પાર્ટીને આરોપી બનાવવા પર વિચાર કરી રહી છે. જોકે આ વિશે રાજુને વલણ સ્પષ્ટ કરવા કરતાં કહ્યું હતું કે CBI અને EDની તપાસ મામલે આપની વિરુદ્ધ અલગ-અલગ આરોપ નક્કી થશે.

ASG રાજુએ નિવેદન ત્યારે આપ્યું હતું, જ્યારે ખંડપીઠ આપ નેતા સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. એજન્સીઓએ વારંવાર કહ્યું છે કે આપ પાર્ટી હિતધારકોથી પ્રાપ્ત લાંચની લાભાર્થી છે, જેને બદલામાં લિકરનાં લાઇસન્સ પ્રાપ્ત થયાં હતાં. આ એ નાણાંનો ઉપયોગ ગોવા વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કર્યો હતો.

શું છે મામલો?

દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની પાસે અનેક વિભાગોની જવાબદારી હતી, જેમાં આબકારી વિભાગ પણ સામેલ હતો. CBIએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની કૌભાંડમાં કથિત ભૂમિકા માટે ધરપકડ કરી હતી. દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2021એ લિક નીતિ લાગુ કરી હતી.

 

 

 

 

 

વર્લ્ડકપ 2023 : ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકા 209 રનમાં ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયન ટીમે શ્રીલંકાની ઈનિંગને 43.3 ઓવરમાં 209 રનમાં સમેટી દીધી હતી. લંકાની ટીમ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શકી ન હતી. કુસલ પરેરા અને પથુમ નિસાન્કાએ પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરીને શ્રીલંકાને મજબૂત શરૂઆત અપાવી હતી. નિસાંકા 61 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી કુસલ મેન્ડિસ 78 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. બંનેના આઉટ થયા બાદ લંકાની ટીમ ફંગોળાઈ હતી અને 209 રનમાં સમેટાઈ ગઈ હતી.

નિસાન્કા અને મેન્ડિસ સિવાય માત્ર ચારિત અસલંકા જ ડબલ ફિગરને સ્પર્શી શક્યો હતો. તેણે 25 રન બનાવ્યા હતા. દાસુન શનાકાના આઉટ થયા બાદ સુકાની સંભાળી રહેલો કુસલ મેન્ડિસ માત્ર નવ રન બનાવી શક્યો હતો. પાકિસ્તાન સામે સદી ફટકારનાર સાદિરા સમરવિક્રમા આઠ રન બનાવીને આઉટ થયો હતો. ધનંજય ડી સિલ્વા સાત અને લાહિરુ કુમારા ચાર રન બનાવીને આઉટ થયા હતા. ચમિકા કરુણારત્ને અને દુનિથ વેલાલાગે માત્ર બે જ રન બનાવી શક્યા હતા. મહિષ તિક્ષિણા ખાતું ખોલાવી શક્યો ન હતો. જ્યારે, દિલશાન મદુશંકા ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સને બે-બે સફળતા મળી હતી. ગ્લેન મેક્સવેલે એક વિકેટ લીધી હતી.

કેસરિયા ગરબામાં રાષ્ટ્રધ્વજ સાથે શૌર્ય મહાયાત્રા યોજાઈ

ગાંધીનગરઃ ઉત્તર વિધાનસભાનાં ધારાસભ્ય રીટાબહેન દ્વારા પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ગરબાનું આયોજન કર્યું હતું.

આ આયોજિત કેસરિયા ગરબા મહોત્સવનો લોકપ્રિય નેતા, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમ જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિ વચ્ચે રંગારંગ પ્રારંભ થયો હતો.

તેમના આગમન સાથે જ ખેલૈયાઓ અને દર્શકોનો ઉત્સાહ બમણો થયો હતો. ધારાસભ્ય રીટાબહેન પટેલ તેમ જ સહાય ફાઉન્ડેશન દ્વારા અમિતભાઈ શાહનું અયોધ્યા રામ મંદિરના મોમેન્ટો અને ખેસથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેસરિયા ગરબાના પ્રથમ દિવસે ભવ્ય આતશબાજી યોજાઈ હતી.

સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેસરિયા ગરબામાં પ્રથમ દિવસે અંદાજે ૨૯,૦૦૦ કરતાં વધારે  ફૂટફોલ નોંધાયા હતાં. પ્રથમ નોરતે ગાયક પ્રહર વોરા અને ટીમે ખેલૈયાઓને ગરબાના તાલે ઝુમાવ્યા હતાં.

ગરબાની શરૂઆત અને સમાપન રાષ્ટ્રગીતથી કરવામાં આવ્યું હતું.

રાધે રાધે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયના સહયોગથી કેસરિયા ગરબાના પ્રાંગણમાં ૧૫૫૧ ફૂટ લાંબા અને ૧૦ ફૂટ પહોળા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે ગૌરવવંતી શૌર્ય મહાયાત્રા યોજાઇ હતી.

આ ઉપરાંત કેસરિયા ગરબા મહોત્સવ દરમિયાન એકત્રિત થયેલા પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ કરી તે વેસ્ટમાંથી બાંકડાઓ, લખવાના પેડ અને કુંડા બનાવવાની વ્યવસ્થા સહાય ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.

સહાય ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ બાલ-બાલિકા (વય: ૭ વર્ષ સુધી), શ્રેષ્ઠ ગોપાલ-ગોપી (વય ૭થી ૧૨ વર્ષ), શ્રેષ્ઠ કિશોર- કિશોરી (વય ૧૩થી ૧૭ વર્ષ); શ્રેષ્ઠ રાજકુમાર- રાજકુમારી (વય ૧૮થી ૩૫ વર્ષ).

શ્રેષ્ઠ રાજા-રાણી (વય ૩૫ વર્ષથી વધુ), શ્રેષ્ઠ પ્યારી જોડી (વય ૧૮થી ૩૫ વર્ષ)ની શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને વસ્ત્ર સહિતની કેટેગરીમાં ૩૮ ખેલૈયાઓને વિજેતા અને રનર્સ-અપ તરીકે સરાહના કરી.

શ્રીરામ મંદિર મોમેન્ટો, આકર્ષક ગિફ્ટ, રોકડ ઇનામ તેમ જ ગિફ્ટ વાઉચર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

LA ઓલિમ્પિકસ 2028માં ક્રિકેટનો સમાવેશ

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ઐતિહાસિક મુંબઈ સેશનમાં 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવા માટે મત આપ્યો હતો. IOC સભ્ય નીતા અંબાણીએ લોકપ્રિય રમતના સમાવેશને આવકારતા કહ્યું હતું કે વિશ્વના નવા ભૌગોલિક વિસ્તારોમાં ઓલિમ્પિક મૂવમેન્ટ માટે તેમાં ઘણી નવી રુચિ અને તકો આકર્ષવાની ક્ષમતા છે.

મુંબઈમાં ચાલી રહેલા 141મા IOC સેશનમાં ક્રિકેટને ઓલિમ્પિક રમત તરીકે સ્વીકાર થયા પછી નીતા અંબાણીએ કહ્યું, “આઈઓસીના સભ્ય, ગૌરવશાળી ભારતીય અને પ્રખર ક્રિકેટ ચાહક તરીકે, મને આનંદ છે કે IOC સભ્યોએ LA સમર ઓલિમ્પિક્સ 2028 માં ક્રિકેટને ઓલિમ્પિક રમત તરીકે સમાવવા માટે મત આપ્યો છે.”

અગાઉ વર્ષ 1900ની ઓલિમ્પિક્સમાં ફક્ત એક જ વખત ક્રિકેટ જોવા મળી છે. ત્યારે પણ ફક્ત બે ટીમે ભાગ લીધો હતો. નીતા એમ. અંબાણીએ વધુમાં કહ્યું કે, “ક્રિકેટ વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિય રમતોમાંની એક અને વિશ્વમાં બીજી સૌથી વધુ જોવાતી રમત છે. 1.4 અબજ ભારતીયો માટે ક્રિકેટ એ માત્ર રમત નથી, તે એક ધર્મ છે!,”

નીતા એમ. અંબાણીએ ઉમેર્યું કે,આઇ.ઓ.સી.ના ઇતિહાસમાં આ ફક્ત 2જી વખત તેનું સત્ર ભારતમાં યોજાઈ રહ્યું છે, આ પહેલાં તે 40 વર્ષ અગાઉ ભારતમાં યોજાયું હતું. ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવાનો ઐતિહાસિક નિર્ણય આ રમતના હાર્દસમા ગણાતા ભારતમાં લેવાયો છે. “આપણા દેશમાં મુંબઈમાં બરાબર અહીં આઈઓસીના 141મા સત્રમાં આ ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો તેનો મને ખૂબ આનંદ છે”. એમણે આશા વ્યક્ત કરી હતી કે આ જાહેરાત સાથે વિશ્વભરમાં આ રમતની અપીલમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. “ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ નવા ભૌગોલિક વિસ્તારોમાં ઓલિમ્પિક અભિયાનના ઊંડા જોડાણની રચના કરશે. અને તેની સાથે-સાથે, ક્રિકેટની વધતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાને પણ પ્રેરકબળ પૂરું પાડશે.”

આઇ.ઓ.સી. સભ્ય બનનારા પ્રથમ ભારતીય મહિલા નીતા એમ. અંબાણીએ આને ભારત માટે ખૂબ જ આનંદનો દિવસ ગણાવતા કહ્યું કે, “હું આ સીમાચિહ્નરૂપ નિર્ણયના સમર્થન બદલ આઇ.ઓ.સી. અને એલ.એ. ઓર્ગેનાઇઝિંગ કમિટીનો આભાર માની તેમને અભિનંદન પાઠવું છું. આ ખરેખર વિશેષ આનંદ અને ઉલ્લાસનો દિવસ છે.”