Home Blog Page 2436

‘સિક્સર કિંગ’ રોહિત શર્મા વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય

રોહિત શર્માનો રેકોર્ડઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે માત્ર 63 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આ રીતે રોહિત શર્મા ODI વર્લ્ડ કપ મેચોમાં ભારત માટે સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ODI વર્લ્ડ કપ મેચોમાં ભારત માટે સૌથી ઓછા બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ કપિલ દેવના નામે હતો. કપિલ દેવે 72 બોલમાં સદી ફટકારી હતી, પરંતુ હવે રોહિત શર્માએ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

રોહિત શર્માએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા

રોહિત શર્માની વર્લ્ડ કપ મેચોમાં આ સાતમી સદી છે. આ રીતે રોહિત શર્માએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. આ પહેલા ભારત માટે વર્લ્ડ કપ મેચોમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિન તેંડુલકરના નામે વર્લ્ડ કપ મેચોમાં 6 સદી છે. રોહિત શર્મા પ્રથમ વખત વર્લ્ડ કપ 2015માં રમ્યો હતો. આ વર્લ્ડ કપમાં રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારી હતી. આ પછી રોહિત શર્માએ વર્લ્ડ કપ 2019માં 5 સદી ફટકારી હતી. જો કે, આ રીતે ODI વર્લ્ડ કપની સાતમી સદી રોહિત શર્માના બેટમાંથી આવી છે.

કપિલ દેવે 72 બોલમાં સદી ફટકારી હતી

આ પહેલા કપિલ દેવે વર્લ્ડ કપ 1983માં ઝિમ્બાબ્વે સામે 72 બોલમાં સદીનો આંકડો સ્પર્શ કર્યો હતો. વર્લ્ડ કપ મેચોમાં ભારત માટે આ સૌથી ઝડપી સદી હતી, પરંતુ હવે રોહિત શર્માએ કપિલ દેવને પાછળ છોડી દીધા છે. જો કે ભારત-અફઘાનિસ્તાન મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાને જીતવા માટે 273 રનનો ટાર્ગેટ છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતીય ટીમે 20 ઓવરમાં 1 વિકેટે 164 રન બનાવી લીધા છે. ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. રોહિત શર્મા 70 બોલમાં 108 રન બનાવીને રમી રહ્યો છે. તે જ સમયે, વિરાટ કોહલી 3 બોલમાં 2 રન બનાવીને ક્રિઝ પર છે.

Video : ભારત સામેની મેચ માટે પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે. જો કે આ મેચ માટે બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

આ પહેલા વર્લ્ડ કપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને હતી. હવે આ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ક્રિકેટ ચાહકો ભારત-પાકિસ્તાન મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે.

 

પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ ટોપ પર

ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. જો કે આજે ભારત અને અફઘાનિસ્તાનની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે પોતાની પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાની ટીમે શ્રીલંકાને હરાવ્યું. હાલમાં ન્યુઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ સાથે જ પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે ભારતીય ટીમ ચોથા નંબર પર છે.

પાકિસ્તાની પત્રકારોને વર્લ્ડ કપ માટે વિઝા મળ્યા

ODI વર્લ્ડ કપ વચ્ચે પાકિસ્તાન ટીમ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં રમાનારી ભારત અને પાકિસ્તાન મેચને કવર કરવા માટે ઘણા પાકિસ્તાની પત્રકારોને ભારતના વિઝા મળ્યા છે. જોકે અત્યાર સુધી માત્ર પાકિસ્તાની ટીમના ખેલાડીઓને જ વર્લ્ડ કપ માટે ભારતના વિઝા મળ્યા હતા. પરંતુ હવે પત્રકારો માટે મોટી રાહત છે. એક અહેવાલ મુજબ પાકિસ્તાનના 60 થી વધુ પત્રકારોને ભારતના વિઝા મળ્યા છે. તમામ પત્રકારો અમદાવાદમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન મેચને કવર કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબર શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. શાનદાર મેચને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

પાકિસ્તાને હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પ્રથમ બે મેચ રમી હતી. પાકિસ્તાને બંને મેચમાં જીત નોંધાવી છે. પ્રથમ મેચ નેધરલેન્ડ સામે અને બીજી શ્રીલંકા સામે રમાઈ હતી. શ્રીલંકા સામેની મેચમાં પાકિસ્તાને ODI વર્લ્ડ કપના સૌથી મોટા લક્ષ્યનો પીછો કર્યો હતો. બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાની ટીમ 27 સપ્ટેમ્બરે ભારત પહોંચી હતી. ટીમ હૈદરાબાદ પહોંચી, જ્યાં તેણે વર્લ્ડ કપ પહેલા બંને વોર્મ-અપ મેચ રમી. હવે પાકિસ્તાન આગામી મેચ માટે અમદાવાદ જશે.

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર થઈ હતી

આ પહેલા એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 સ્ટેજની મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 228 રને જીતી લીધી હતી. ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. બોલિંગમાં સ્પિનર ​​કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. 2019 વર્લ્ડ કપમાં રમાયેલી મેચમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં આ વખતે પણ બંને વચ્ચેની સ્પર્ધા જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

ગુજરાતમાં 14 ઓક્ટોબર બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે

ગુજરાતમાં અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની આગાહી કરી છે. જેમાં 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે. તેમજ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. તથા દિવસે ગરમી 35 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના સાથે રાતનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી આસપાસ રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં બંને ચક્રવાતો સાથે થતા હોવાથી અરબ સાગરનો ભેજ બંગાળના ઉપસાગર તરફ જતા કદાચ અરબ સાગરનું ચક્રવાત દક્ષિણ ભારતમાં વરસાદ કરી શકે છે. પરંતુ તેની ગતિવિધિ તા.20 પછી જ ખ્યાલ આવે. હાલમાં અરબ સાગરમાં સંભવિત ચક્રવાતની હલચલ દૂર છે જે લક્ષ્યદ્વીપના ભાગો તરફ આવ્યા પછી તેની ગતિવિધિનો ખ્યાલ આવી શકે છે. સમુદ્રનું તાપમાન અન્ય ઉદ્દભવતા પરિબળોની અસર શું થાય છે તેના પર આ સંભવિત ચક્રવાતની અસર રહે. કારણકે ચોમાસું ઓટાય છે એટલે તેના પવન દક્ષિણ તરફ હડસેલાય છે.

આ ગતિવિધિના કારણે આ બાબતની અસર પણ થઈ શકે. બંગાળના ઉપસાગરમાં આંધ્ર, ઓરિસ્સા થઈને મધ્ય પ્રદેશ તરફ ચક્રવાત આવે તે નીચલા સ્તરના પવનના કારણે પાછું ઠેલાઈ શકે છે. તા.7 નવેમ્બરે પણ બંગાળના ઉપસાગર પર ચક્રવાતની અસર જોવા મળશે અને તા.16 થી 20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગર ઉપર મજબૂત ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ અરસામાં દરિયા કિનારે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા રહે. જેની અસર તળે ગુજરાતમાં વાદળવાયું આવી શકે. ચક્રવાતો બંગાળના ઉપસાગરમાં ડિસેમ્બર માસમાં પણ રહી શકે.

આ વખતે શિયાળા અંગે જોતા અલ નિનોની અસર જો થાય તો શરૂઆતનો શિયાળો હુંફાળો રહી શકે. પરંતુ 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા ઠંડી પડી શકે અને જાન્યુઆરી માસ પણ ઠંડો રહી શકે. 5મી ફેબ્રુઆરીથી ઠંડીનું જોર વધવાની શક્યતા રહેશે અને આ ઠંડી લંબાય પણ શકે છે. 12 ફેબ્રુઆરી અને તે પછી પણ ઠંડી રહી શકે છે. ફેબ્રુઆરી માસમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં 8 ડિગ્રીથી નીચું જવાની શક્યતા રહેશે. ભુજ-નલિયામાં 7 ડિગ્રી થવાની શક્યતા રહેશે.

મોદી સરકાર મધ્યમવર્ગ માટે લાવી રહી છે જબરદસ્ત યોજના

નવી દિલ્હીઃ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને લક્ષમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ધમાકેદાર નિર્ણય લીધો છે. રાંધણગેસ સસ્તો કર્યા બાદ હવે સરકાર શહેરોમાં વસતા મધ્યમવર્ગનાં લોકોને મોટી ભેટ દેવાની તૈયારીમાં છે. સરકાર ટૂંક સમયમાં જ શહેરી ગરીબ અને મધ્યમવર્ગનાં લોકો માટે નવી ગૃહનિર્માણ (હાઉસિંગ) યોજનાની ઘોષણા કરે એવી શક્યતા છે.

દેશ આઝાદ થયો તે પછી મોટા પ્રમાણમાં લોકસંખ્યાનું સ્થળાંતર શહેરો તરફ થતું રહ્યું છે. આનાં મુખ્ય કારણો છે – સારું શિક્ષણ અને રોજગારની તક. પરંતુ હવે સમસ્યા એ છે કે શહેરીકરણ ખૂબ વેગથી થઈ રહ્યું છે. આને કારણે શહેરોમાં જગ્યા અને પ્રોપર્ટીના ભાવ પ્રચંડ ગતિએ વધી ગયા છે. હાઉસિંગ માટે વિવિધ પ્રકારની યોજનાઓ છે, પરંતુ લોન લઈને ઘર ખરીદવાનું અને લોન પરત કરવાનું સામાન્ય લોકો માટે પડકારજનક હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મોદી સરકાર લોનના વ્યાજ પર મોટી સબસિડી આપનારી ખાસ યોજના લાવવાની તૈયારીમાં છે. આ યોજના રૂ. 60,000 કરોડની હશે, એવું ફાઈનાન્શિયલ એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે.

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૧ ઓક્ટોબર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૧ ઓક્ટોબર, ૨૦૨૩

આઇસી15 ઇન્ડેક્સમાં 452 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ વિશ્વની ભૂરાજકીય પરિસ્થિતિની અસર તળે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.29 ટકા (452 પોઇન્ટ) ઘટીને 34,652 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,104 ખૂલ્યા બાદ 35,109ની ઉપલી અને 34,253ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ડોઝકોઇન સિવાયના બધા કોઇન ઘટ્યા હતા, જેમાંથી અવાલાંશ, એક્સઆરપી, પોલીગોન અને પોલકાડોટમાં 1થી 4 ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમના અલગ અલગ રાજકીય પક્ષોના સભ્યોએ એનએફટીના સર્જકોનું કોપીરાઇટના ભંગથી રક્ષણ કરવા માટે પગલાં ભરવાનો અનુરોધ કર્યો છે. એમણે એનએફટીના ઉપયોગ સંબંધે આચારસંહિતા ઘડવાની વિનંતી કરી છે. બીજી બાજુ, ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગનું નિયમન કરવા માટે સાયપ્રસ મની લોન્ડરિંગ કાયદામાં ફેરફાર કરી રહ્યું છે. એણે ક્રીપ્ટોકરન્સી સર્વિસ પ્રોવાઇડર્સનું ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

જે. પી. મોર્ગને બ્લેકરોક દ્વારા વપરાતી બ્લોકચેઇન કોલેટરલ સિસ્ટમ – ટોકનાઇઝ્ડ કોલેટરલ નેટવર્કનો ઉપયોગ શરૂ કર્યું છે. આ સિસ્ટમની મદદથી શેરનું ટોકનાઇઝેશન કરવામાં આવશે અને ઓવર ધ કાઉન્ટર ડેરિવેટિવ્ઝ સોદાઓના કોલેટરલ માટે બાર્કલેઝને એ ટ્રાન્સફર કરવામાં આવશે.

અંબાજીના પ્રસાદમાં નકલી ઘી કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી

અંબાજીના પ્રસાદમાં નકલી ઘી કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હવે આરોપીઓ જે સત્ય છે તે સામે લાવશે. તેમાં 2ને જામીન 2ના રિમાન્ડ મંજૂર થયા છે. મોહનથાળ પ્રકરણમાં કાર્યવાહી થતા અંબાજી પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. ત્યારે 2 આરોપીઓને જામીન મળ્યા છે.

અંબાજીમાં મોહનથાળમાં નકલી ઘીની ભેળસેળ મુદ્દે અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 4 લોકોની આ મામલે ધરપકડ કરી કોર્ટમાં હાજર કરાયા હતા. જેમાં 2ને જામીન મળ્યા તો 2ની રિમાન્ડ મંજૂર કરાઈ છે. અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ નકલી ઘીના કેસમાં મોહિની કેટરર્સના 4 લોકો કુલદીપ, સુનીલ, લાલસિંહ અને આલોકની ધરપકડ કરવામાં આવી હતી. સાબર દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને અંબાજી પોલીસે મોહિની કેટરર્સના 4 લોકોની ધરપકડ કરી હતી.

આ તમામ લોકોને લઈને દાંતા કોર્ટમાં તેમને અંબાજી પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 2 આરોપી આલોક, લાલસિંહને 10 હજાર બોન્ડ પર જામીન મળી ગયા હતા. જેથી તેઓ જામીન પર મુક્ત થઈ ગયા હતા અને કુલદીપ અને સુનીલ નામના 2 આરોપીના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેને લઈને કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે આ મામલે અંબાજી મોહનથાળના પ્રસાદ માટેની કામગીરી મોહિની કેટરર્સ પાસેથી લઈ લેવામાં આવી છે. હવે પ્રથમ નોરતેથી આ પ્રસાદની કામગીરી અક્ષયપાત્ર નામની સંસ્થા કરશે. આ બધાની વચ્ચે આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ દુષ્યંત સોની હજુ પણ ફરાર છે.

World Cup : અફઘાનિસ્તાને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ અફઘાનિસ્તાને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો છે. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન શાહિદીએ 80 રનની ઇનિંગ રમી હતી અને ઓમરઝાઇએ 62 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કોઈ પણ બેટ્સમેન મોટી શરૂઆત કરી શક્યો ન હતો. જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બર્થડે બોય હાર્દિક પંડ્યાને બે વિકેટ મળી હતી.

 

પાંચ અધ્યાપકોનો ટોચના બે ટકા સાયન્ટિસ્ટની યાદીમાં સમાવેશ

ચાંગા: ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી)ની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા દુનિયાના ટોપ બે ટકા સાયન્ટિસ્ટ્સ-2023ની પ્રકાશિત કરવામાં આવેલી યાદીમાં યુનિવર્સિટીના પાંચ અધ્યાપકોના સમાવેશ કરવામાં આવ્યો છે. ચારુસેટ પરિવાર માટે આ ગૌરવપ્રદ ક્ષણ છે.

ચારુસેટ યુનિવર્સિટીના પાંચ અધ્યાપકોમાં ચારુસેટના સાયન્ટિફિક એડવાઇઝર ડો. દત્તા મદમવાર (PDPIAS), ડો. સી. કે. સુમેશ (PDPIAS), ડો. અર્પણ દેસાઇ (CSPIT), ડો. વી. પ્રકાશ (ARIP-ફિઝિયોથેરાપી) અને ડો. પ્રતીક પાટણિયા (PDPIAS)નો સમાવેશ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક ક્ષેત્રે માતબર પ્રદાન કરવા બદલ અને સમગ્ર શૈક્ષણિક કારકિર્દીમાં તેમના દ્વારા કરવામાં આવેલા રિસર્ચને ધ્યાનમાં રાખીને તેમનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગૌરવ સમાન બાબત એ છે કે બાયોટેક્નોલોજી ક્ષેત્રમાં માતબર પ્રદાન કરવા બદલ ડો. દત્તા મદમવારનો અત્યાર સુધીમાં ચાર વાર આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  ડો. દત્તા મદમવારના અત્યાર સુધીમાં 280 રિસર્ચ પેપર્સ ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયા છે. જ્યારે ડો. અર્પણ દેસાઈએ એન્ટેના ડિઝાઇન ક્ષેત્રમાં કરેલી નોંધપાત્ર કામગીરી બદલ સમાવેશ કરવામાં આવ્યો છે. 

દર વર્ષે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિશ્વના અગ્રણી સાયન્ટિસ્ટ્સની યાદી સંકલિત કરવામાં આવે છે અને એલ્સેવિયર પબ્લfશર દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે જેમાં વિશ્વના ટોપ બે ટકા સાયન્ટિસ્ટ્સ હોય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત વિશ્વના ટોચના બે વૈજ્ઞાનિકો- 2023 યાદી, વૈશ્વિક શૈક્ષણિક સમુદાયમાં એક દીવાદાંડી તરીકે કામ કરે છે. પસંદગી પ્રક્રિયામાં પ્રકાશનો, સાઇટેશન, ઇન્ડેક્સ વગેરેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.