Home Blog Page 2450

હે, હાલો.. રમીએ સંસ્કૃત ગરબા..!

સંસ્કૃતમાં પણ કઇ ગરબા હોય? ગુજરાતી ગરબાને મોડીફાઇડ કરી હિન્દી બનાવવાનો પ્રયત્ન થાય છે. પણ સંસ્કૃતમાં ગરબા હોય..! તો જવાબ છે હા. કારણ કે હવે એક આખો વર્ગ છે જે સંસ્કૃત ગરબા ગાય છે, રમે છે, સાંભળે છે અને એની મજા પણ લે છે. આવો જાણીએ સંસ્કૃત ગરબાને.

‘ત્વાં વિના શ્યામ અહમ એકાંતિ ભવામિ,રાસક્રીડાયૈ આગમ્યતામ..,’ ‘મા ગિરિવરાત ત્વાં અવતિર્ણા મહા કાલી રે..’ આ બંને ગરબાનું સંસ્કૃત વર્જન છે. ‘તારા વિના શ્યામ અને મા પાવાતે ગઢથી નિસર્યા રે મહાકાળી..’ ગરબા આપણી સંસ્કૃતિ, આસ્થા અને અધ્યાત્મનનું પ્રતિક છે. એવી જ રીતે સંસ્કૃત આપણી દેવભાષા છે અથવા એવુ પણ કહી શકાય કે સંસ્કૃત દરેક ભાષાની માતા છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના એકલવ્ય સંસ્કૃત એકેડેમીના ડિરેક્ટર મિહીરભાઈ ઉપાધ્યાય કહે છે કે, “આજથી 14 વર્ષ પહેલા અમે પ્રથમ પ્રયત્ન કર્યો. નવરાત્રી દરમિયાન અમે એક દિવસ એવો નક્કી કર્યો જ્યારે સંસ્કૃત ગરબા ગવાય. ગુજરાતી ગરબાનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો અને પછી દોઢ કલાક સુધી અમે સતત રાગ,તાલ અને ઢાળ સાથે સંસ્કૃતમાં ગરબા ગાયા. જ્યારે અમે ગરબા ગાતા ત્યારે એક પળ માટે પણ અમને એવુ નહોતુ લાગ્યુ કે મજા નથી આવતી. એમ લાગતુ હતુ કે જાણે શક્તિની ભક્તિમાં અમે લીન થઇ ગયા. ગરબા શરૂ કર્યા હતા ત્યારે માંડ ત્રીસેક જેટલા લોકો હતા. ધીમે ધીમે સંખ્યા વધતી ગઇ અને આજે એ સંખ્યા 900થી 1000 લોકો આવે છે. અમને ખુશી છે કે અમારી મહેનત રંગ લાવી. હવે સતત ચાર કલાક સુધી સંસ્કૃત ગરબા ગાવામાં આવે છે.

વધુમાં મિહીરભાઈ કહે છે, 35થી પણ વધુ ગરબાની કૃતિઓ તૈયાર કરવામાં આવી છે. સાથે જ સંસ્કૃતમાં જ ભાંગડા અને સનેડાની પણ રમઝટ જામશે. ખુશીની વાત તો એ છે કે અનેક વિકલ્પ હોવા છતા પણ લોકો હવે સંસ્કૃત ગરબામાં આવવાનું પસંદ કરે છે.

આ વર્ષે પણ નવરાત્રીના પ્રથમ દિવસે સંસ્કૃત ગરબાનું આયોજન છે જે એકલવ્ય સંસ્કૃત એકેડમીમાં કરાયું છે જ્યારે દશેરાના દિવસે મોટા પાયે આયોજન છે જે સોલા ભાગવતમાં માંગલિયા વાટિકામાં સંસકૃત વિધા પ્રતિષ્ઠામ્ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ સંસ્કૃત એકેડમી અને એકલવ્ય સંસ્કૃત એકેડમી દ્ધારા કરવામાં આવ્યું છે. જેમાં અનેક ગુજરાતી ગરબાનો સંસ્કૃતમાં આવિર્ભાવ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે આજે જ્યારે ગરબાની સાથે ફિલ્મી ગીતોનું મિશ્રણ જોવા મળે છે એવા સમયે સંસ્કૃત ગરબામાં શિવતાંડવ સ્ત્રોત, મધુરાષ્ટકમ્ જેવા સ્ત્રોતો વગાડીને ગરબા સંસ્કૃતિની પરંપરાની સાત્વિક્તાને જાળવી રાખવામાં આવી રહી છે.

(હેતલ રાવ-અમદાવાદ)

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

મહિલા કબડ્ડી ટીમે જીત્યો ગોલ્ડ મેડલઃ એશિયાડમાં મેડલની સદી

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા ટીમે કબડ્ડીની ફાઇનલમાં ચીની તાઇપેને હરાવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ જીત સાથે ભારતે સૌપ્રથમ વાર એશિયન ગેમ્સમાં મેડલની સદી વટાવી છે. એશિયન ગેમ્સમાં આ ગોલ્ડ મેડલ ભારતનો 25મો ગોલ્ડ છે.

મહિલા કબડ્ડી ચીની તાઇપેએ રોમાંચક ફાઇનલમાં 26.25થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા કબડ્ડી ટીમનો આ ત્રીજો મેડલ છે. આ પહેલાં જાકાર્તામાં ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલ મેચમાં ચીની તાઇપેએ ટફ ફાઇટ આપી હતી, પરંતુ ભારતે એક પોઇન્ટથી મેચ જીતી લીધી હતી.

આ સાથે એશિયન ગેમ્સના 14મા દિવસે તીરંદાજી કમ્પાઉન્ડમાં ભારતને ચાર મેડલ મળ્યા. જેમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે. દિવસનો પ્રારંભ તીરંદાજીની કમ્પાઉન્ડ વ્યક્તિગત મહિલા ઇવેન્ટમાં બે મેડલ સાથે થઈ હતી. ભારતે મેન્સ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર બંને જીત્યા છે. ફાઇનલમાં ઓજસ દેવતલેએ અભિષેક વર્માને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે અભિષેકને પણ  સિલ્વર મેડલ મળ્યો હતો. આ પહેલા 14માં દિવસે તીરંદાજીમાં પણ પહેલો મેડલ જીત્યો હતો. શનિવારે, અદિતિ ગોપીચંદ સ્વામીએ કમ્પાઉન્ડ વ્યક્તિગત મહિલા તીરંદાજીમાં ભારતનો પહેલો મેડલ જીત્યો. અદિતિએ બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ઇન્ડોનેશિયાની રતિહ ફડલીને 146-140થી હરાવ્યો.આ સાથે વડા પ્રધાન મોદીએ પણ ભારતના 100 મેડલ થવા પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.

આ સાથે જ ભારતને આ જ ઈવેન્ટમાં બીજો મેડલ પણ મળ્યો. ભારતની જ્યોતિ સુરેખા વેન્નમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ગોલ્ડ માટે સાઉથ કોરિયાની સો ચાવોનને 149-145થી હરાવ્યો. ચાવોનને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો.

 

 

 

 

 

 

અહીં ગરુડમાં બેસી ગરબે રમવા ઉતરે છે બાળાઓ

સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના મોટા શહેરોમાં અર્વાચીન રાસોત્સવની સાથે પ્રાચીન ગરબીનું પણ ભારે આકર્ષણ છે. રાજકોટમાં રામનાથપરા ચોકમાં રાજાશાહીના સમયથી પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે.

આ ગરબી મંડળનું વિશેષ આકર્ષણ એ છે કે બાળાઓને ચોકમાં આકાશમાંથી જેમ માતાજી ઉતરતા હોય તેવા ભાવ સાથે ગરુડની મદદથી ચોકમાં લાવવામાં આવે છે. આ દ્રશ્ય જોવા લોકો કલાકો અગાઉથી ઊભા રહી જાય છે.

 

રાજકોટની આ ગરુડની ગરબી ખૂબ પ્રસિદ્ધ છે લોકો દૂર દૂરથી જોવા આવે છે. સૌરાષ્ટ્રમાં ગરબે રમતી બાળાઓને આ રીતે ચાચર ચોકમાં ઉતારવામાં આવતી હોય તેવી આ પહેલી ગરબી છે. જય અંબે ગરબી મંડળ દ્વારા રાજકોટના રાજવી પેલેસની નજીક આ ગરબી યોજાય છે. આયોજકોએ જણાવ્યું હતું કે “ લગભગ ૧૦૦ વર્ષ કરતાં વધુ સમયથી આ ગરબી થાય છે વર્ષો પહેલા ગરબી ચોકમાં દોરડાઓની મદદથી બાળાઓને ઉતારવામાં આવતી હતી પછી લાકડાની મદદથી સાત – આઠ ફૂટનું ગરુડ પક્ષીની પ્રતિકૃતી બનાવવામાં આવે છે અને તેને લોખંડના તારની મદદથી નીચે લાવવામાં આવે છે.

જય અંબે ગરબી મંડળ દ્વારા આ આયોજન થાય છે. આયોજક ટીમના વરિષ્ઠ સભ્ય સહદેવભાઈ ડોડીયાએ ચિત્રલેખા. કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “ ચોક નજીક અંબે માતાજીનું મંદિર છે તેના ઉપરથી ગરુડ નીચે ઉતરે છે ભાવિકો આકાશમાંથી માતાજી ગરબે રમવા આવ્યા તેવું અનુભવી એક અલૌકિક અનુભવ કરે છે. પહેલા રાસમાં બાળાઓ ને ક્રમશ નીચે ઉતારવામાં આવે છે. એક વખતમાં બે – ત્રણ બાળાઓ આવે છે. ગરબે રમતી બાળાઓ જ નહીં ગરબી જોવા આવતા બાળકોને પણ ગરુડમાં બેસી ઉડવાનો અનુભવ કરવી તેમને ખુશ કરવામાં આવે છે.

રાજકોટની આ ગરબીમાં ગરુડનું લોકોમાં અનેરું આકર્ષણ જોવા મળે છે. નવરાત્રિમાં કલાકો પહેલા લોકો આ ચોકમાં ગરુડમાંથી ઊતરતી બાળાઓ જોવા માટે ભીડ જમાવે છે. આ ગરબી મંડળનો ભુવા રાસ , રાંદલમાંનો રાસ, બેડા રાસ પણ શહેરીજનોમાં ખૂબ લોકપ્રિય છે. રાજકોટના રાજવી લાખાજીરાજે આ ગરબી મંડળની સ્થાપના કરવી હતી. લગભગ એક સદી કરતાં જૂની આ ગરબી આજે પણ તેના પ્રાચીન રાસને કારણે લોકોમાં જાણીતી છે.

(દેવેન્દ્ર જાની-રાજકોટ)

 (તસવીરઃ નિશુ કાચા)

જ્ઞાન અને સમજદારીનો અનાદર કાળક્રમે પતન નોતરે

મન્ત્રતસ્તુ સમૃદ્ધાની કુલાન્યલ્પધનાન્યપિ ।

કુલસંખ્યા ચ ગચ્છતિ કર્ષન્તિ ચ મહદ્ યશઃ ।।3.66।।

ભલે ઓછું ધન ધરાવતા હોય, પણ જો વેદાભ્યાસથી સમૃદ્ધ હોય તો એ કુળ સારા ગણાય છે અને તેઓ પ્રતિષ્ઠા પામે છે. (3.66)

ઉક્ત શ્લોક પરથી જોઈ શકાય છે કે મનુસ્મૃતિમાં ધન કરતાં જ્ઞાનને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તમામ મહાન અને ધનવાન લોકોની પાસે વિદ્વાન સલાહકારો રહેતાં આવ્યા છે. પહેલાંના વખતમાં રાજાઓ અતિશય બુદ્ધિશાળી હોય એવા જ લોકોને પ્રધાન બનાવતા. રાજા પાસે વધારે સમૃદ્ધિ હોવા છતાં રાજા વિદ્વાનોને વધારે માન આપતા. અકબરના દરબારમાં બીરબલનું સ્થાન અને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ચાણક્યનું સ્થાન કેટલું ઊંચું હતું એ આપણે સૌ જાણીએ છીએ.

જે સમાજમાં જ્ઞાન અને શાણપણનો આદર કરવામાં આવતો નથી એ સમાજનું કાળક્રમે પતન થાય છે આપણે ઘણી વખત એવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે વિદ્યાર્થીઓના વાલીઓ જ તેમનાં સંતાનોના શિક્ષકો વિશે ઘસાતું બોલતા હોય છે. તેને કારણે સંતાનોના મન પર પણ ખરાબ છાપ ઊભી થાય છે. બાળકોએ જેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એમને જ જો તેઓ માન-આદર નહી આપે તો શિક્ષકો પાસેથી જ્ઞાન નહીં પણ ફક્ત માહિતી પ્રાપ્ત કરી કહેવાશે. કોઈ શિક્ષકની ભણાવવાની રીત બરોબર ન હોય અથવા તો બાળકને તેમની સાથે જામતું ન હોય એવા સંજોગોમાં શિક્ષક બદલી નાખવા, પરંતુ શિક્ષકની ટીકા ક્યારેય ન કરવી. શિક્ષકની ટીકા કરવી એ જ્ઞાનનું અપમાન-જ્ઞાનનો અનાદર કર્યો કહેવાય.

ઘણીવાર બાળકોના મનમાં એવી છાપ ઊભી થાય છે કે શિક્ષણ અને પદવીઓ તો ખરીદી શકાય છે. ઘણીવાર આપણે જોઇએ છીએ કે કેટલાક વાલીઓ સંતાનને મળેલા ગુણ બાબતે શિક્ષક સાથે દલીલબાજી કરતા હોય છે. એવા સમયે વિદ્યાર્થીના મનમાં એવી છાપ ઊભી થાય છે તે શિક્ષક તેના પિતાએ ભરેલી ફી પર નિર્ભર છે અને શિક્ષકનો પગાર એ ફીમાંથી જ મળે છે. આવી સમજ બાળકના વિકાસને અવરોધક બને છે.

શિક્ષણ ખરીદી શકાય છે એવી છાપ સાથે જ જો બાળક મોટું થાય તો મોટી ઉંમરે પછીથી એણે પોતે જ નુકસાન વેઠવું પડી શકે છે. તેને એમ જ લાગ્યા કરશે કે જ્ઞાન તો ખરીદી શકાય છે. ખરીદી શકાતી વસ્તુઓ માટે માણસના મનમાં આદર હોતો નથી. આવું બાળક મોટું થયા પછી જીવનમાં ફક્ત માહિતી પ્રાપ્ત કરી શકશે, કારણ કે માહિતી ખરીદી શકાય છે, જ્ઞાન નહીં. જ્ઞાન ખરીદી શકાતું નથી, એ અમૂલ્ય હોય છે.

જો આપણે આપણાં સંતાનોનું ભાવિ ઉજ્જવળ બનાવવા માગતા હોઈએ તો જ્ઞાનનો આદર કરવાનું એમને શીખવવું જોઈએ. સૌથી પહેલા તો એમને એવી સમજ મળવી જોઈએ કે જ્ઞાન ખરીદી શકાતુ નથી. ખરીદી શકાતી વસ્તુઓ માહિતી અને પદવી જ હોય છે. જ્ઞાની પુરુષ જ્યારે જ્ઞાનની વહેંચણી કરે ત્યારે જ તેના વિદ્યાર્થીઓને ખરું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આથી જ મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 3.66માં સંપત્તિ એટલે કે ધન કરતાં પણ વધારે મહત્વ જ્ઞાનને આપવામાં આવ્યું છે.

શ્રીમંતો હંમેશાં તેમના જ્ઞાની અને સમજુ સલાહકારોનો આદર કરતા હોય છે. આવા જ્ઞાનીઓ હંમેશાં ધનવાનને કોઈ પણ ડર રાખ્યા વગર સાચી સલાહ આપતા હોય છે. અહીં ‘ડર રાખ્યા વગર’ એ શબ્દોનું ઘણું મહત્વ છે. જો સલાહકાર ફક્ત પોતાને મળનારી આવકનો જ વિચાર કરે તો સાચી સલાહ આપી શકે નહીં. એ માણસ તો એવી જ સલાહ આપશે જે ધનવાન વ્યક્તિને ખુશ કરી શકે.

સુપ્રસિદ્ધ પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ કહ્યું છે તે તેમના ‘રિચ ડેડી’એ તેમને ઘણા જ મહત્ત્વપૂર્ણ બોધપાઠ આપ્યા હતા. આ પુસ્તક ખરેખર વાંચવાલાયક છે. શ્રીમંતો ધનપ્રાપ્તિ માટે જે સરળ રીત અપનાવે છે તેના વિશે આ પુસ્તકમાં વાત કરવામાં આવી છે. લેખકના ‘રિચ ડેડી’ હંમેશાં જ્ઞાની અને સમજદાર સલાહકારોની વચ્ચે રહેતા. એ સલાહકારો એવા હતા કે જેઓ નીડરપણે-નિખાલસપણે પોતાની સલાહ આપતા.

મનુસ્મૃતિના ઉક્ત શ્લોકમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે પરિવારોએ અને વ્યક્તિઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે તેઓ સમાજમાં આદરભર્યું સ્થાન પામે છે. અહીં આપણે ‘જ્ઞાન’ અને ‘સમજદારી’ એ બન્ને શબ્દો પર ખાસ ધ્યાન આપવાનું છે. આપણે માહિતીની નહીં, પરંતુ જ્ઞાનની વાત કરી છે.

આ લેખ પૂરો કરતાં પહેલાં આપણાં શાસ્ત્રોમાં કહેલી એક અગત્યની વાત આપની સાથે કરવી છે. શાસ્ત્રોએ કહ્યું છે કે શ્રીમંતોએ હંમેશાં જ્ઞાનીઓ-વિદ્વાનોનુંનો પાલનપોષણ કરવું જોઈએ. એમ કરીને ધનવાનો કોઈ ઉપકાર નથી કરતા. તેના બદલામાં જ્ઞાની પુરુષો તેમને યોગ્ય સલાહ આપે છે. આ સંબંધ પરસ્પર આદરનો હોવો જોઈએ.

જે સમયે સમાજમાં જ્ઞાન કરતાં સંપત્તિને વધારેમાં અપાવવા લાગશે ત્યારે સમાજ-વ્યવસ્થા તૂટવાની શરૂઆત થઈ જશે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

હમાસનો તેલ અવિવ પર રોકેટ હુમલોઃ ઇઝરાયલનું યુદ્ધનું એલાન

 યેરુસેલમઃ હમાસની સૈન્યએ ઇઝરાયેલની સામે એક નવી સૈન્ય ઝુંબેશ શરૂ કરી છે, એમ એક નેતાએ કહ્યું હતું. ઓપરેશન અલ-અકસા સ્ટોર્મ શરૂ કરતા ઇઝરાયેલમાં 5000 રોકેટ વડે હુમલો કર્યો હતો, એમ મોહમ્મદ ડીફે કહ્યું હતું. ઇઝરાયેલે ગાઝાપટ્ટી પર ઘૂસણખોરીની પણ માહિતી આપી હતી.   

પ્રાપ્ત માહિતી અનુસાર ગાઝા તરફથી ઇઝરાયેલના ઘણા રહેણાંક વિસ્તારો પર રોકેટ છોડવામાં આવ્યા છે. હમાસના ઘણા ઉગ્રવાદીઓ ઇઝરાઇલમાં ઘૂસ્યા હોવાના સમાચાર છે. જોકે સામે પક્ષે ગાઝાથી રોકેટ હુમલા બાદ ઈઝરાઇલે નિવેદન આપીને કહ્યું હતું કે અમે ‘યુદ્ધ’ માટે તૈયાર છીએ.

અલ જઝીરાના અહેવાલ મુજબ બે શહેરો એશ્કેલોન અને તેલ અવીવ પર અનેક રોકેટ છોડવામાં આવ્યા છે. આ રોકેટ રહેણાક વિસ્તારોમાં પડ્યા છે. આ ઘટના સાથે જોડાયેલા વfડિયો સોશિયલ મીડિયા પર વાFરલ થઈ રહ્યા છે.

ઇઝરાયેલની મેગેન ડેવિડ એડોમ (એમડીએ) બચાવ સેવાએ જણાવ્યું હતું કે ગડેરોટ વિસ્તારમાં કફર અવીવમાં બેરેજને કારણે એક 70 વર્ષીય મહિલાનું મોત થયું હતું. તબીબી ટીમો ગેડેરોટ પ્રાદેશિક પરિષદમાં સીધા રોકેટની અસરમાં પકડાયેલા અન્ય વ્યક્તિની સારવાર કરી રહી છે. વધુમાં, એમડીએએ જણાવ્યું હતું કે તે 20 વર્ષીય વ્યક્તિની પણ સારવાર કરી રહી છે જે યાવનમાં રોકેટ શ્રાપનલથી સહેજ ઘાયલ થયો હતો. આ હુમલામાં 20 લોકોનાં મોત થયાં હહોવાની આશંકા છે.

ઈઝરાઇલ- પેલેસ્ટાઇન વચ્ચે વિવાદ

મધ્ય પૂર્વના આ વિસ્તારમાં ઓછામાં ઓછા 100 વર્ષથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે. ગાઝા પટ્ટી ઇઝરાઇલ અને ઇજિપ્તની વચ્ચે છે. આ જગ્યા હાલ હમાસના નિયંત્રણમાં છે. આ ઈઝરાઇલ વિરોધી જૂથ છે. સપ્ટેમ્બર 2005માં, ઇઝરાઇલે ગાઝા પટ્ટીમાંથી તેના સૈન્યને પાછું ખેંચી લીધું. 2007માં ઈઝરાઇલે આ વિસ્તાર પર અનેક નિયંત્રણો લાદ્યા હતા. પેલેસ્ટાઈનનું કહેવું છે કે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપના થવી જોઈએ.

 

 

 

 

 

રહસ્યો… જાસૂસનાં અને જિંદગીનાં!

અમેરિકામાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ) છે તો ભારતની રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (આર. એ. ડબલ્યુ.) છે. દેશની અંદર કે દેશની બહાર કોઈ ત્રાસવાદી કે એવી કોઈ ભાંગફોડિયા પ્રવૃત્તિ કરનારા પર નજર રાખતી આ સરકારી સંસ્થાના એક યુનિટના વડા રવિ ભૂષણના 2012માં પ્રકાશિત થયેલા પુસ્તક ‘એસ્કેપ ટુ નોવ્હેર’થી પ્રેરિત વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ‘ખુફિયા’નો આરંભ થાય છે ઢાકામાં. 2004નું વર્ષ છે. ડિરેક્ટર આપણે જાણ કરે છે કે કારગિલ યુદ્ધ બાદ ભારત પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાઓ એકબીજા પર નજર રાખી રહી છે. બન્ને વચ્ચે જાણે એક રેસ લાગી છે આગળ નીકળી જવાની. કૃષ્ણા મહેરા (તબ્બુ) રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (આર. એ. ડબલ્યુ.) માટે કામ કરે છે.

ફિલ્મનો ઉપાડ, આરંભના સંવાદ, કૅમેરા ટેકિંગ, વગેરે એવાં છે કે આપણને થાય કે એક જબરદસ્ત થ્રિલર જોવા મળવાનું છે. હકીકતમાં વિન્ડોની સજાવટ જોઈ તમે દુકાનમાં પ્રવેશ અને પછી નિરાશા સાંપડે એના જેવી આ વાત છે. વિશાલ અને રોશન નરુલાએ મળીને લખેલી પટકથા ભારે કન્ફ્યુઝિંગ છે.

કૃષ્ણા મહેરા અથવા કે.એમ. પોતાની એજન્સીમાં જ કામ કરતા ગદ્દાર રવિ (અલી ફૈઝલ)ની પાછળ પડી છે. કે.એમ.ના બૉસને (આશિષ વિદ્યાર્થીને) રવિ દેશનાં રહસ્ય વેચતો હોય એવી શંકા છે, પરંતુ વધુ પુરાવા એકઠા કરવા જરૂરી છે. એટલે રવિના ઘરે ઠેર ઠેર સર્વેલન્સ કૅમેરા લગાડવામાં આવે છે. કદાચ આખો પરિવાર જાસૂસીમાં સંડોવાયેલો હોય તો? કે.એમ.ને પણ આ કામગીરીનો ભાગ બનાવવામાં આવે છે, જેને નામ આપવામાં આવ્યું છેઃ ઑપરેશન બ્રુટસ’. પોતાના જ જાસૂસની જાસૂસી કરતી વખતે, કે.એમ.ને રવિની પત્ની ચારુ (વામિકા ગબ્બી), પુત્ર કુણાલ (સ્વસ્તિક તિવારી) અને રવિની માતા લલિતા (નવનીન્દ્ર બહલ) સાથેના રવિના સંબંધ વિશે ખબર પડે છે. રવિ ખરેખર કોના માટે કામ કરે છે, ભારત સરકારના અમુક ઈરાદા, કેટલાંક ખળભળાવી દે એવાં રહસ્ય, વગેરે ખબર પડતાં કે.એમ.ને આંચકો લાગે છે.

આવી જાસૂસી કથાવાળી કેટલીક ફિલ્મો જેવી ‘પરમાણુ’, ‘રાઝી’, ‘બેબી’  કે લેટેસ્ટ ‘ધ નાઈટ મૅનેજર,’ ‘ફ્રીલાન્સર’ જેવી ફિલ્મો આપણે જોઈ છે, પણ ખુફિયા એકંદરે નિરાશ કરે છે. એકસાથે એટલું બધું બનતું રહે છે કે એની સાથે તાલ મિલાવવું કપરું થઈ પડે છે. અમુક ઘટના એવી છે કે પ્રેક્ષક ગૂંચવાઈ જાય છે. ફ્લૅશબૅક શરૂ ક્યારે થયો સમાપ્ત ક્યારે થયો એ સમજવામાં પણ સમય લાગી જાય છે. આપણી ગુપ્તચર એજન્સીઓ જે રીતે વિદેશી અધિકારીઓને આસાનીથી છેતરે છે એ પચાવવું થોડું અઘરું છે. પરાકાષ્ઠા આકર્ષક છે, પરંતુ વધુ સારી બની શકી હોત.

કે.એમ. અને તેની ટીમ રવિના ઘરની જાસૂસી કરે છે ત્યારે રવિની પત્ની ચારુ ‘યે જવાની હૈ દીવાની’ના તાલે નૃત્ય કરે છે, કે.એમ.નો પુત્ર તેની માતાને ઉશ્કેરે છે અને રવિ તેની માતા સાથે દલીલ કરે છે જેવાં કેટલાંક દ્રશ્ય મજેદાર છે. વિશાલ ભારદ્વાજના સંવાદો ધારદાર છે. જબ તક યે દુનિયા દેશ ઔર ધર્મ મેં બંટી હૈ તબ તક યે ખૂનખરાબા હોતા રહેગા, ઔર ઈસકે જિમ્મેદાર હમ સબ હોંગે તો એક સીનમાં તબુ અમેરિકનને કહે છેઃ યાર, તમે તમારી ફિલ્મોમાં જ સ્માર્ટ લાગો છો…

એકંદરે, ખુફિયા એક ઘણી સારી ફિલ્મ બનાવવાની ક્ષમતા ધરાવતી ખુફિયા નબળી પટકથા તથા પાત્રલેખનના લીધે એકએવરેજ ફિલ્મ બની ગઈ છે. દાખલા તરીકે રવિ જે કંઈકરે છે એ શું કામ કરે છે એ સમજાવવાની દરકાર લેખક-દિગ્દર્શકે લીધી નથી. ફાઈનલી જ્યારે ખબર પડે છે ત્યારે એ બધું વાહિયાત લાગે છે. ‘ચાર્લી ચોપરા,’ ‘જ્યુબિલી,’ ‘ગ્રહણ’ જેવી ફિલ્મોમાં જોવા મળેલી ચારુ (વામિકા ગબ્બી)નો અભિનય પાવરફુલ છે અને એના પાત્રમાં વિશાલે ખાસ્સો રસ દર્શાવ્યો છે.

વાત ઇન્દીવરના હ્રદયપ્રિય પ્રેમગીતોની

ગીતકાર ઇન્દીવરના અનેક ગીતો લોકપ્રિય થયા છે પણ એમાં કેટલાક ગીતો પાછળની વાતો રસપ્રદ છે. ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ (૧૯૭૦) માં મનોજકુમારને એક ગીત જોઈતું હતું. એમણે બહુ પહેલાં ઇન્દીવર પાસે ‘કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે’ ગીત સાંભળ્યું હતું એની જરૂર લાગતી હતી. ઇન્દીવરે એ ગીત બીજા કોઈ નિર્માતાને વેચી દીધું હતું. મનોજકુમારે એમની પાસેથી એ ગીત મેળવીને સંગીતકાર કલ્યાણજી-આણંદજીને તૈયાર કરવા આપ્યું હતું. આ દર્દભર્યું ગીત મુકેશના સ્વરમાં રેકોર્ડ કરવાનું નક્કી થયું હતું. મુકેશ જ્યારે ગીત રેકોર્ડ કરવા આવ્યા ત્યારે એના બહુ રીટેક થયા હતા. કેમકે એ ‘કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે, તબ તુમ મેરે પાસ આના પ્રિયે’ માં છેલ્લે ‘પ્રિયે’ શબ્દનો ‘પરીયે’ ઉચ્ચાર કરી દેતા હતા.

કંટાળેલા મુકેશે ઇન્દીવરને કહ્યું હતું કે કેવું ગીત લખ્યું છે? આવા ગીત ક્યાં ચાલે છે? તેં ‘બડે અરમાન સે રખ્ખા હૈ કદમ’ જેવા સરસ ગીત લખ્યા છે. તને આવા હિન્દી શબ્દના પ્રયોગનું ક્યાંથી સૂઝયું? ત્યારે ઇન્દીવરે કહ્યું કે મનોજકુમારને આ ગીત બહુ પસંદ છે. મનોજકુમારે વળી આ ગીતમાં માત્ર ચાર વાજિંત્રનો જ ઉપયોગ કરવાની સૂચના કલ્યાણજી-આણંદજીને આપી ત્યારે એમને નવાઈ લાગી હતી. પણ ‘કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે’ ગીત એવું સરસ બન્યું કે સૌને હ્રદયપ્રિય બની રહ્યું અને મુકેશના અમર ગીતોમાં સમાવેશ પામ્યું. એ પહેલાં કલ્યાણજી-આણંદજીને ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ (૧૯૬૮) માટે સંગીત તૈયાર કરવાનું કામ મળ્યું ત્યારે એમણે સંગીત તૈયાર કરતા પહેલાં ઇન્દીવરને ગીતો લખવા કહ્યું હતું. ત્યારે ‘છોડ દે સારી દુનિયા કિસી કે લિયે’ ગીત વખતે કલ્યાણજી-આણંદજી સાથે એક શબ્દ માટે ઈન્દીવરને મતભેદ થયો હતો.

આ ગીતમાં ‘યે મુનાસિબ નહીં આદમી કે લિયે’ માં ‘મુનાસિબ’ શબ્દ એમને યોગ્ય લાગતો ન હતો. એને બદલવા એમણે એક અઠવાડિયા સુધી ઈન્દીવર સાથે એનો કોઈ પર્યાયવાચી શબ્દ રાખવા મગજમારી કરી હતી. ઈન્દીવરનું કહેવું હતું કે ‘મુનાસિબ’ ના સ્થાને ‘યોગ્ય’ કે ‘ઉપયુક્ત’ જેવા બીજા કોઈ શબ્દ બંધબેસતા ન હોવાથી બદલવાની ના પાડી હતી. આખરે કલ્યાણજી-આણંદજીએ ‘મુનાસિબ’ શબ્દ સાથે જ લતા મંગેશકરના અવાજમાં ગીત રેકોર્ડ કર્યું હતું. એ ગીત પણ લોકોને બહુ પસંદ આવ્યું હતું. આ ગીત માટે ઇન્દીવરને અનેક પત્રો મળ્યા હતા. જેમાં લખ્યું હતું કે ગીતને કારણે એમને જીવનની પ્રેરણા મળી હતી. પ્રેમ નહોતો મળ્યો એટલે જીવનનો અર્થ નથી એમ સમજતા પોતાના જીવનનો અંત લાવવાનો વિચાર કરતા હતા પણ ગીતના ‘પ્યાર સે ભી જરૂરી કઇ કામ હૈ, પ્યાર સબ કુછ નહીં જિંદગી કે લિએ’ શબ્દોને કારણે એને પડતો મૂક્યો હતો.

કોરાનાના 39 નવા કેસો, એક પણ જણનું મોત નહીં     

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 39 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,243 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,034 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,890 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 55 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 361 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 21,082 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.54 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,72,328 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 122 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ગુલકંદ – ૦૭ ઓક્ટોબર, ૨૦૨૩

ગુલકંદ – ૦૭ ઓક્ટોબર, ૨૦૨૩

૦૭ ઓક્ટોબર, ૨૦૨૩

૦૭ ઓક્ટોબર, ૨૦૨૩