Home Blog Page 2461

ન્યૂઝીલેન્ડનો ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર સાઉથી પહેલી મેચ ચૂકી જશે

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલથી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધાનો આરંભ થશે. પહેલી મેચ ગઈ વેળાના ચેમ્પિયન્સ ઈંગ્લેન્ડ અને રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ પૂર્વે ન્યૂઝીલેન્ડને બીજો મોટો ફટકો પડ્યો છે. તેનો ફાસ્ટ બોલર ટીમ સાઉથી હાથના અંગૂઠામાં કરેલી સર્જરીમાંથી હજી સાજો થઈ શક્યો નથી અને તે આવતીકાલની મેચમાં રમી નહીં શકે. ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન પણ પહેલી મેચમાં રમી શકવાનો નથી. એ ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણપણે સાજો થયો નથી.

સાઉથીને ગયા મહિને ઈંગ્લેન્ડ સામેની વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે એક કેચ પકડવા જતાં હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. એને અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. જોકે એ ઈજામાંથી સાજો થઈ રહ્યો હોવાથી વર્લ્ડ કપ માટે ભારત રવાના થયેલી ન્યૂઝીલેન્ડ ટીમ સાથે જોડાવાની એને પરવાનગી આપવામાં આવી હતી.

વિલિયમ્સને પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચમાં બેટિંગ જરૂર કરી હતી અને અનુક્રમે 54 અને 37 રનનો સ્કોર કર્યો હતો. તે છતાં તે ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં રમી શકવાનો નથી.

રાજ્યમાં મિશ્ર ઋતુને કારણે વકરતો રોગચાળોઃ બેનાં મોત

અમદાવાદઃ રાજ્યમાં વાદળછાયા વાતાવરણને પગલે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ માઝા મૂકી છે. ગયા મહિના સુધીમાં અમદાવાદમાં મેલેરિયા, ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિત વિવિધ પ્રકારનાં તાવના ૫૦,000થી વધુ દર્દી નોંધાયા છે. અમદાવાદમાં પણ પાણીજન્ય રોગના કેસોમાં ખાસ્સો વધારો થયો છે. અમદાવાદમાં હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે. ડબલ સીઝનને રોજના 1200 જેટલા કેસો માત્ર અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં આવી રહ્યા છે. શહેરમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા છે. તો મલેરિયાના 148 કેસ, ઝેરી મલેરિયાના 22 કેસ, ચિકન ગુનિયાનાનાં 12 કેસ નોંધાયા છે.

સૂત્રોએ કહ્યું હતું કે શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુની સાથે સાથે ઝેરી મેલેરિયા તથા ચિકનગુનિયાનો તાવ લાવતાં મચ્છરોની પણ ઉત્પત્તિ થઈ છે. મ્યુનિ.ના સાત ઝોનમાં ખાસ કરીને છેવાડાનાં વિસ્તારોમાં ડેન્ગ્યુ તથા મેલેરિયા અને વાયરલ ફીવરના ૫૦,000થી વધુ દર્દીઓ હોવાનું એટલા માટે માનવામાં આવે છે. અર્બન હેલ્થ સેન્ટરોમાં તાવ આવ્યો હોવાની ફરિયાદ લઇ આવનારા લોકોનાં ૫૦,000થી વધુ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આરોગ્ય ખાતાનાં સૂત્રોએ માહિતી આપતાં કહ્યું હતું કે વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના વેચાણમાં થયેલા વધારાના કારણે સપ્ટેમ્બર મહિનામાં ટાઇફોઇડ તેમ જ કોલેરાના કેસોમાં ઉછાળો આવ્યો છે.

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો

રાજકોટમાં પણ મેલેરિયાના 25, ડેન્ગ્યુના 96 અને ચિકનગુનિયાના 42 કેસો નોંધાયા છે. આ સાથે શરદી, ઉધરસના છેલ્લા એક સપ્તાહમાં 479 કેસો નોંધાયા છે, જ્યારે તાવના 42 કેસો અને ઝાડા-ઊલટીના 164 કેસો નોંધાયા છે.

 સુરતમાં દર્દીઓની સંખ્યામાં વધારો

સુરતમાં જુદી-જુદી બીમારીઓના દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. આજે વધુ બે દર્દીઓનાં મોત થયાં છે. ડેન્ગ્યૂ, ઝાડા-ઊલટી અને અન્ય બીમારીઓના દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. અત્યાર સુધી કુલ 42 દર્દીઓનાં મોત થયાં છે.

 

 

 

 

 

​​​​​​​

 

​​​​​​​

 

 

ઈટાલીમાં ભીષણ બસ અકસ્માતમાં બાળકો સહિત 21 જણનાં મરણ

વેનિસઃ ઈટાલીના આ શહેરમાં પર્યટકોને લઈ જતી એક બસ મંગળવારે મોડી રાતે ફ્લાઈઓવર પરથી નીચે પડતાં બસના ઈટાલીયન ડ્રાઈવર, બે બાળકો સહિત 21 જણના કરૂણ મરણ નિપજ્યા છે. આ અકસ્માતમાં બીજાં 15 જણને ઈજા પણ થઈ છે. ઈટાલીના સત્તાવાળાઓએ આ અકસ્માત વિશે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તે ઈલેક્ટ્રિક બસ હતી અને એમાં વિદેશી પર્યટકો હતાં, જેઓ એક દિવસની ટ્રિપ પૂરી કર્યા બાદ મેસ્ટ્રા શહેરથી વેનિસ પાછાં ફરી રહ્યાં હતાં.

બસ ફ્લાઈઓવર પરની રેલિંગને તોડીને 33 ફૂટ નીચે પડી હતી અને તરત જ એમાં આગ લાગી હતી. અકસ્માત સ્થાનિક સમય મુજબ રાતે લગભગ 8 વાગ્યે બન્યો હતો. આ રોડ સામાન્ય રીતે વાહનવ્યવહાર માટે ખૂબ જ વ્યસ્ત રહેતો હોય છે. તે મેસ્ટ્રા અને વેનિસ શહેરોને જોડે છે. મૃતકોમાં પાંચ યૂક્રેનવાસીઓ હતા જ્યારે એક જર્મન નાગરિક હતો. અકસ્માતમાં એક નાનું બાળક અને 12 વર્ષનો એક છોકરો પણ મૃત્યુ પામ્યા છે. ઈજાગ્રસ્તોમાં જર્મન, ફ્રેન્ચ, ક્રોએશિયન, સ્પેનિયાર્ડ અને ઓસ્ટ્રિયન નાગરિકોનો સમાવેશ થાય છે. પોલીસનું માનવું છે કે બસના ડ્રાઈવરને ઝોકું આવી ગયું હશે અને તેને કારણે એ સ્ટિયરિંગ પરનો અંકુશ ખોઈ બેઠો હશે અને બસ ફ્લાઈઓવર પરથી નીચે પડી હશે.

ઈલેક્ટ્રિક બસ એક વર્ષ જૂની હતી અને તે સારી કન્ડિશનમાં હતી. તે છતાં એની બેટરીઓની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત અંગે ઈટાલીનાં મહિલા વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની તથા અન્ય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.

વાદળ ફાટવાથી આવેલા પૂરમાં સેનાના 23 જવાનો લાપતા

નવી દિલ્હીઃ સિક્કિમમાં વાદળ ફાટવાથી આવેલા પૂરે ભારે વિનાશ વેર્યો છે. વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં સેનાના 23 જવાન લાપતા થયા હતા. ખીણમાં સેનાના કેટલાક કેમ્પને અસર થઈ હતી. આ જવાનોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગૌહાટીના ડિફેન્સ PROએ જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમથી પામી છોડવાને કારણે નીચેની તરફ 15-20 ફૂટની ઊંચાઈ જળસ્તર અચાનક વધ્યું હતું. એને કારણે સિંગતામની પાસે બારદાંગમાં સેનાના વાહનો ડૂબ્યા હતા.

આર્મીના જણાવ્યા અનુસાર વાદળ ફાટવાની ઘટના બાદ તિસ્તા નદીનું જળસ્તર અચાનક 15થી 20 ફૂટ વધી ગયું હતું. આ પછી નદીને અડીને આવેલા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. નદીના પાણી પણ અનેક ઘરોમાં ઘૂસી ગયાં હતાં. લોકો ઘર છોડીને સલામત વિસ્તારોમાં ગયા હતા.

ગુવાહાટીના ડિફેન્સ PROએ જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ લાપતા સેનાના જવાનોની શોધ માટે બચાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર પણ પોતાના સ્તરે બચાવ કાર્ય ચલાવી રહ્યું છે. જોકે હજુ સુધી જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી.

આ પહેલાં સિક્કિમમાં 16 જૂને પણ વાદળ ફાટ્યું હતું. અહીં પાક્યોંગમાં ભૂસ્ખલન અને પછી વાદળ ફાટવાના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેને કારણે અનેક લોકો પ્રભાવિત થયા હતા. હવામાન વિભાગે પૂર્વ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં 4-5 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.

 

 

 

 

 

 

ભારતીય મૂળની બે વ્યક્તિઓનો લાખો ડોલરની છેતરપિંડી કર્યાનો સ્વીકાર

ન્યુ યોર્કઃ અમેરિકામાં ભારતીય મૂળના બે લોકોએ કોવિડ19 રોગચાળા પછી આર્થિક સહાયતા યોજના હેઠળ લોન લઈને લાખો ડોલરની છેતરપિંડી કરી હોવાના ગુનાનો સ્વીકાર કર્યો હતો, એમ ન્યાય વિભાગે જણાવ્યું હતું. વિભાગે જણાવ્યું હતું કે 41 વર્ષીય નિશાંત પટેલ અને હરજિત સિંહ (49)ની સાથે ત્રણ અન્ય લોકોએ લોનમાફી યોજના પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ (PPP) હેઠળ લોન લઈને છેતરપિંડી કરીને લાખો ડોલર પ્રાપ્ત કર્યા હતા અને એને કાયદેસર બનાવવામાં સામેલ હતા.

સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (SBA) કેર્સ એક્ટ આ લોનની ગેરન્ટી આપે છે. આરોપીઓ SBA અને કેટલાક SBAની મંજૂરી પ્રાપ્ત PPP લોનધારકોને નકલી અને છેતરપિંડીવાળી PPP માટે અરજી જમા કરી હોવાની વાત સ્વીકારી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ યોજના હેઠળ પટેલે આશરે 4.75 લાખ અમેરિકી ડોલરની નકલી અને છેતરપિંડીવાળી PPP લોન પ્રાપ્ત કરી હતી અને સિંહે કુલ 9.37,379 અમેરિકી ડોલરની બે નકલી અને છેતરપિંડીવાળી PPP લોન લીધી હતી.

આ છેતરપિંડીમાં સામેલ ત્રણ અન્ય લોકોએ કુલ 14 લાખ અમેરિકી ડોલરથી વધુ રકમ પ્રાપ્ત કરી હતી. આ આરોપીઓને આગામી વર્ષે ચોથી જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે, જેમાં દરેક દોષી વ્યક્તિને મહત્તમ પાંચ વર્ષની સજા થવાની શક્યતા છે. આ પાંચ વ્યક્તિ સિવાય એક અન્ય વ્યક્તિને છેતરપિંડીમાં સામેલ થવાના કેસમાં દોષી ઠેરવવામાં આવી હતી. જ્યારે 15 અન્ય વ્યક્તિઓને લોન છેતરપિંડી યોજનામાં સામેલ થવાનો ગુનો સ્વીકારી લીધો છે.

 

 

 

 

 

 

કોરાનાના 38 નવા કેસો, બેનાં મોત      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 38 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,916 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,034 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,524 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 66 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 396 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,521 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.54 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,71,938 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 184 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

‘સ્વદેશ’ અભિનેત્રી ગાયત્રી જોશી, પતિ ઈટાલીમાં કાર અકસ્માતમાં આબાદ બચી ગયાં

રોમઃ હિન્દી ફિલ્મ ‘સ્વદેશ’માં શાહરૂખ ખાન સાથે ચમકેલી અભિનેત્રી ગાયત્રી જોશી અને એનાં પતિ વિકાસ ઓબેરોયની કારને ઈટાલીમાં અકસ્માત નડ્યો છે. કાર ગાયત્રી ચલાવતી હતી. અકસ્માતમાં પતિ-પત્ની આબાદ રીતે બચી ગયાં છે, પરંતુ એક અન્ય ફેરારી કારમાં બેઠેલાં સ્વિસ દંપતીનું કરૂણ મૃત્યુ થયું છે.

ગાયત્રી દ્વારા જણાવાયા મુજબ, તે અને વિકાસ ઈટાલીમાં એમની કારમાં સફર કરી રહ્યાં હતાં ત્યારે એક રોડ પર અનેક વાહનોને આવરી લેતો અકસ્માત થયો હતો. એક લેમ્બોર્ગિની અને એક ફેરારી કાર સહિત કેટલીક કારોએ એક કેમ્પર વેનને ઓવરટેક કરવાનો એક સાથે પ્રયાસ કરતાં મોટો અકસ્માત સર્જાયો હતો. ટક્કર લાગતાં કેમ્પર વેન પલટી ખાઈ ગઈ હતી. ફેરારી કારમાં આગ લાગી હતી અને એમાં પ્રવાસ કરી રહેલાં દંપતીનું મૃત્યુ થયું હતું. મૃતકને મેલિસા ક્રોટ્લી (63) અને માર્કસ ક્રોટ્લી (67) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા.

તે અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. ગાયત્રીએ વધુમાં કહ્યું છે કે ભગવાનની દયાથી પોતે અને વિકાસ બચી ગયાં છે.

ગાયત્રીએ અનેક પ્રોડક્ટ્સની જાહેરખબરોમાં કામ કર્યું હતું. 2000માં જાપાનમાં યોજાઈ ગયેલી ‘મિસ ઈન્ટરનેશનલ’ સૌંદર્ય સ્પર્ધામાં ગાયત્રીએ ‘મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ’ તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું. 2004માં આવેલી ‘સ્વદેશ’ ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો. મોટા પડદા પર ગાયત્રીની તે એકમાત્ર ફિલ્મ હતી. એણે ત્યારબાદ ફિલ્મલાઈન છોડી દીધી હતી અને ઉદ્યોગપતિ વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યાં હતાં.

AAP સંસદસભ્ય સંજય સિંહના નિવાસે EDનો દરોડો

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ રાજ્યસભા ગૃહમાં આમ આદમી પાર્ટીના સદસ્ય અને વરિષ્ઠ નેતા સંજય સિંહના નિવાસસ્થાને આજે સવારે દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી એક્સાઈઝ નીતિ સંબંધિત મની લોન્ડરિંગને લગતા એક કેસના સંબંધમાં પાડવામાં આવ્યા છે. આ જ કેસ સાથે સંકળાયેલા કેટલાક અન્ય લોકોની સામે પણ તપાસ ચાલી રહી છે.

ઈડી અધિકારીઓએ આ કેસમાં 51 વર્ષીય સંજય સિંહ અને એમના સ્ટાફના સભ્યોની અગાઉ પણ પૂછપરછ કરી હતી. એવો આક્ષેપ છે કે શરાબના વેપારીઓને લાઈસન્સ મંજૂર કરવા માટે દિલ્હી AAP સરકારે 2021-22માં ઘડેલી એક્સાઈઝ નીતિમાં કેટલાક એવા વેપારીઓને ફાયદો કરાવવામાં આવ્યો હતો જેમણે એ માટે લાંચ આપી હતી. આ આક્ષેપને જોકે આમ આદમી પાર્ટી રદિયો આપી ચૂકી છે. એ નીતિને બાદમાં રદ પણ કરી દેવામાં આવી હતી અને દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નરે આ મુદ્દે સીબીઆઈ દ્વારા તપાસ કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. એને પગલે ઈડી એજન્સીએ મની લોન્ડરિંગને લગતા કાયદા (PMLA) અંતર્ગત કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

 

વાહ ભાઈ વાહ! – ૦૪ ઓક્ટોબર, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૦૪ ઓક્ટોબર, ૨૦૨૩

૦૪ ઓક્ટોબર, ૨૦૨૩

૦૪ ઓક્ટોબર, ૨૦૨૩