Home Blog Page 2489

એશિયન ગેમ્સ-2023: ભારતને મહિલા ક્રિકેટનો ગોલ્ડ અપાવનાર તીતાસ સાધુ કોણ છે?

હાંગ્ઝોઃ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતની મહિલા ક્રિકેટ ટીમે અહીં 19મી એશિયન ગેમ્સમાં આજે 20 ઓવરોની ફાઈનલ મેચમાં શ્રીલંકાને 19-રનથી હરાવીને ક્રિકેટની રમતનો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીતની ખરી નાયિકા મધ્યમ ઝડપી બોલર તીતાસ સાધુ છે. એણે 4 ઓવરમાં માત્ર 6 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. હરમનપ્રીત કૌરે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 116 રન કર્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 97 રન બનાવી શકી હતી. એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓએ આ પહેલી જ વાર ક્રિકેટનો સુવર્ણ ચંદ્રક જીત્યો છે.

તીતાસ સાધુ પશ્ચિમ બંગાળની 18 વર્ષીય ક્રિકેટર છે. આ તેની કારકિર્દીની આ માત્ર બીજી જ મોટી ઈન્ટરનેશનલ સ્પર્ધા છે. તે જમોડી બોલર અને બેટર છે. તે અગાઉ અન્ડર-19 ટીમ વતી, તેમજ સ્થાનિક 20-20 મેચમાં રમી ચૂકી છે. આ જ વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાઈ ગયેલી અન્ડર-19 વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં એણે 4 ઓવરમાં 6 રન આપીને બે વિકેટ લીધી હતી. એશિયન ગેમ્સ-2023માં તેણે બે મેચમાં ચાર વિકેટ લીધી છે. આજની ફાઈનલ મેચમાં કરેલા બોલિંગ પરફોર્મન્સને કારણે એ સોશિયલ મિડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. ઈન્ટરનેટ યૂઝર્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે અને તેને તથા ભારતીય ટીમને અભિનંદન આપી રહ્યાં છે.

તીતાસે એક મુલાકાતમાં કહ્યું હતું, ‘એશિયન ગેમ્સમાં રમવાનું મેં સપનું સેવ્યું હતું, પણ તે આટલું જલદી સાકાર થશે એવું મેં ધાર્યું નહોતું.’

ગુજરાતમાં વરસાદનું જોર યથાવત, અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં વરસાદનું જોર યથાવત છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તો મન મૂકીને મેઘરાજા વરસશે.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં 28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. 2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની અસર વધુ રહેશે. તથા સુરત, નવસારીમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. તથા ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. જયારે બોટાદ અને ભાવનગરમાં વરસાદને લઈ યલો એલર્ટ રહેશે. આવતીકાલે નર્મદા અને તાપીમાં યલો એલર્ટ રહેશે.

રાજસ્થાન ચૂંટણી: PM મોદીએ કર્યું શક્તિ પ્રદર્શન, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયપુર પહોંચ્યા અને પાર્ટીની પરિવર્તન સંકલ્પ મહાસભામાં ભાગ લીધો. આ દરમિયાન કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ નેતા રાજેન્દ્ર રાઠોડ અને વસુંધરા રાજે સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનની જનતાએ કોંગ્રેસના કુશાસનમાંથી મુક્તિ મેળવવાનું બ્યુગલ વગાડ્યું છે. કોંગ્રેસે જે રીતે પાંચ વર્ષ સરકાર ચલાવી છે, તે ઝીરો નંબર મેળવવાને લાયક છે.

શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ કહ્યું કે ગેહલોત સરકારે યુવાનોના પાંચ વર્ષ બરબાદ કરી દીધા છે. રાજસ્થાનમાં ફેરફાર થશે. રાજસ્થાનના હવામાનમાં પલટો આવ્યો હોવાના સ્પષ્ટ સંકેત છે. તેમણે કહ્યું, “ગરીબોને આત્મસન્માન હોય છે. ગરીબો જાણે છે કે કેવી રીતે મહેનત કરવી. હું જે ઘરમાંથી આવ્યો છું, મારી પાસે માત્ર સખત મહેનત છે. હું સેવામાં વ્યસ્ત છું. હું જે કહું તે કરું છું. તેથી મારી ગેરંટી પદાર્થ ધરાવે છે, હું તે પાતળી હવા બહાર નથી કહેતો. છેલ્લા 9 વર્ષનો આ મારો ટ્રેક રેકોર્ડ છે.


મહિલા અનામત પર શું કહ્યું?

મહિલા આરક્ષણનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે માતાઓ અને બહેનોની આશા, તમારા વોટની શક્તિથી તેમને 33 ટકા અનામત મળી છે. તેમણે દાવો કર્યો કે, “કોંગ્રેસનો ક્યારેય મહિલા સશક્તિકરણનો ઈરાદો નહોતો. કોંગ્રેસ આ કામ ત્રીસ વર્ષ પહેલા કરી શકી હોત. સત્ય એ છે કે કોંગ્રેસ ક્યારેય ઈચ્છતી નથી કે મહિલાઓને 33 ટકા અનામત મળે. તમે તમારા હૃદયથી નહીં પરંતુ તમામ મહિલાઓના દબાણને કારણે બિલના સમર્થનમાં આવ્યા છો.તેમણે વધુમાં કહ્યું, કોંગ્રેસ અને તેના ઘમંડી ગઠબંધન ભાગીદારો મહિલા અનામતના કટ્ટર વિરોધીઓ છે. તેઓ મહિલા સશક્તિકરણના આટલા મોટા નિર્ણયને પણ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેઓએ યુપીએ સરકાર દરમિયાન આ બિલને અટકાવ્યું હતું તેઓ હજુ પણ કોંગ્રેસ પર દબાણ બનાવી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે તેમણે કહ્યું છે કે તેઓ સનાતનને ખતમ કરી દેશે. અહંકારી ગઠબંધનને આનો ભોગ બનવું પડશે, તેઓ સંપૂર્ણપણે નાશ પામશે.તેમણે કહ્યું કે જ્યાં લાલ ડાયરીમાં કાળા કામો છે ત્યાં પૈસા કોણ રોકાણ કરવા માંગશે. જ્યાં જાહેરમાં ગળું કાપવાની ઘટનાઓ બને અને સરકારને આવું કરવાની ફરજ પડી હોય ત્યાં રોકાણ કેવી રીતે થઈ શકે? જે સરકાર પોતાની બહેન-દીકરીઓને સુરક્ષા આપી શકતી નથી તેની જવાનું નિશ્ચિત છે.

G20 નો ઉલ્લેખ કર્યો

G-20 નો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, “આજે સમગ્ર વિશ્વમાં ભારતની ક્ષમતાના વખાણ થઈ રહ્યા છે. આપણું ચંદ્રયાન ત્યાં પહોંચ્યું જ્યાં બીજું કોઈ ન પહોંચી શક્યું. ભારતના વિરોધી દેશો પણ G-20માં ભારતની સફળતાથી આશ્ચર્યચકિત છે. ચિંતિત છે. ભારતે ગણેશ ચતુર્થીના દિવસે તેની નવી સંસદ ભવનથી કામ શરૂ કર્યું છે અને નવી સંસદનું પ્રથમ કાર્ય ભાજપ સરકાર દ્વારા તેની બહેનો અને પુત્રીઓને સમર્પિત કરવામાં આવ્યું છે.

કાવેરી જળ વિવાદઃ દેવેગૌડાએ PM મોદીને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ તામિલનાડુને કાવેરી નદીનું પાણી છોડવાના સરકારના પગલાની વિરુદ્ધ કર્ણાટકના માંડ્યામાં ખેડૂતો અને વિવિધ કન્નડ સમર્થક સંગઠનોએ ન્યાયની માગને કરતાં સંજય સર્કલ પર ધરણાં કરી રહ્યા છે. આ મુદ્દે બેંગલુરુની એક ખાનગી હોટેલમાં વિવિધ સંગઠનોની સાથે બેઠક પછી ભૂતપૂર્વ વિધાનસભ્ય વટલ નાગરાજે કાવેરી મુદ્દે 29 સપ્ટેમ્બરે કર્ણાટક બંધની ઘોષણા કરી છે.
બીજી બાજુ, ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવેગૌવડાએ વડા પ્રધાન મોદી પાસે જળશક્તિ મંત્રાલયને કાવેરીનાં બધાં જળાશયોનો અભ્યાસ કરવા માટે વિવાદમાં સામેલ રાજ્યો અને કેન્દ્ર સરકાર પાસે સ્વતંત્ર એક એજન્સી નિયુક્ત કરવાના નિર્દેશ માટે અરજ કરી છે. આવી સંકટપૂર્ણ સ્થિતિમાં બધાં સંબંધિત રાજ્ય પર લાગુ થતી એક યોગ્ય સંકટ ફોર્મ્યુલાની જરૂર તેમણે ભાર મૂક્યો હતો.

આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની નિષ્ફળતાને કારણે કર્ણટકમાં કાવેરી બેસિનનાં ચાર જળાશયોમાં અપર્યાપ્ત જળ ભંડાર છે. રાજ્યમાં સિંચાઈની વાત તો દૂર, પણ પીવાના પાણીની જરૂરિયાતો પૂરી કરવી એ બહુ મુશ્કેલભર્યું છે, એમ તેમણે કહ્યું હતું.
જનતા દળ (s) સુપ્રીમોએ વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે કર્ણાટક જળાશયોથી તામિલનાડુ માટે કાવેરી જળ છોડવાને મામલે કર્ણાટક અને તામિલનાડુની વચ્ચે ચાલી રહેલા વિવાદો અને મતભેદોને હલ કરવાના મુદ્દાને ધ્યાન આપવું જરૂરી છે.તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં છેલ્લાં 123 વર્ષમાં સૌથી ઓછો છે. આ એક અભિશાપ છે કે કર્ણાટક કાવેરી બેસિનમાં તટવર્તી રાજ્ય છે અને નીચલાં રાજ્યોની માગ પૂરી કરવા માટે બાધ્ય છે.

 

 

ગણપતિ બાપ્પાના અનેક સ્વરૂપ

સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાન શ્રી ગણેશજીની પૂજા-અર્ચના પછી જ થાય છે ત્યારે સૌ કોઈ ગણેશોત્સવમાં દાદાની આરાધના કરી રહ્યું છે.

સુખ કરતા દુખહર્તા મુંબઈના ‘લાલબાગ કા રાજા’ની જેમ જ અમદાવાદના લાલ દરવાજાના મહારાજાનો પંડાલ સજાવવામાં આવ્યો છે.

છેલ્લા સાડા છ દાયકાથી દક્ષિણી સોસાયટીમાં ગણેશમહોત્સવની ઉજવણી થાય છે. દર વર્ષે વિશેષ થીમ આધારિત દાદાનો પંડાલ સજાવવામાં આવે છે.

ખંભાતના ત્રણ દરવાજા પાસે આવેલા માવચાવાડમાં શંકર ભગવાનના સ્વરૂપે ગણેશજીની વિશાળ પ્રતિમાની સ્થાપના ભક્તોએ આ વર્ષે કરી છે.

અમદાવાદના કલા ભવનમાં ગણેશજીના આ ઉત્સવમાં રંગભૂમિ, સંગીતથી માંડી તમામ કલા સાથે સંકળાયેલા લોકો પોતાની સેવા આપે છે.

સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પ્રથમ વખત ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે. ગુજરાતમાં પ્રથમ વખત બોલતા સાયબર ગણેશ બિરાજમાન કર્યા છે.

આ ગણપતિ અમદાવાદ કા રાજા તરીકે જાણીતા છે. છેલ્લા 17 વર્ષથી અમદાવાદ કા રાજાની સ્થાપના કરવામાં આવે છે.

અમદાવાદના દેવમ્ રેસિડન્સીના ગણેશ ઉત્સવમાં બાપ્પાને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. દાદાની મૂર્તિ મનોહર લાગી રહી છે.

ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી હોય અને એમાં બાળકો ન હોય એવુ બને જ કઈ રીતે, અમદાવાદની એક શાળામાં નાના ભુલકાઓ બાપ્પાની ભક્તિમાં લીન જોવા મળે છે.

ગુજરાતમાં સિદ્ધિવિનાયક દેવસ્થાન એક માત્ર ગણેશ મંદિર છે જેના દ્ધારા નિઃશુલ્ક મૂર્તિનું વિતરણ થાય છે ઉપરાંત મંદિરના આગણે જ દાદાની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવે છે.

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના મેફેર એપાર્ટમેન્ટ્સે ગણેશોત્સવ દરમિયાન 3 દિવસ માટે ભગવાન ગણેશની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ – “મેફેર કા રાજા”ની સ્થાપના કરી હતી.

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ

 

ક્લાયમેટ ચેન્જઃ દેશમાં શહેરી વિસ્તારોમાં વધતી ગરમી ચિંતાજનક

નવી દિલ્હીઃ વિશ્વમાં ક્લાયમેટ ચેન્જને કારણે ભીષણ ગરમી આરોગ્ય અને મૃત્યુદર માટે સૌથી મોટું જોખમ બની ગઈ છે. વર્ષ 2050 સુધી હીટવેવ વૈશ્વિક સ્તરે 3.5 અબજથી વધુ વ્યક્તિઓના જીવન અને આજીવિકા પર કબજો કરી લેશે. આ સંખ્યાનો અડધોઅડધ હિસ્સો શહેરી ક્ષેત્રોનો હશે.આ ભીષણ ગરમી શહેરો માટે ગંભીર ચિંતાનો વિષ્ય બની જશે.

દેશમાં દોઢ અબજની વસતિવાળા ભારતની ભૌગોલિક સ્થિતિને કારણે ગરમીના તનાવ પ્તિ સંવેદનશીલ છે. દેશનાં શહેરી વિસ્તારોમાં વસતિની સઘનતા અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટને પ્રોત્સાહન આપે છે, જેનાથી શહેરી જીવનશૈલીને પગલે શહેરોમાં ગીચ વસતિવાળા વિસ્તારો પર સ્થાનિક રીતે ગરમી વધી જાય છે અને એને અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ કહે છે. કલાયમેટ પોલિસી ઇનિશિયેટિવના એક રિપોર્ટથી માલૂમ પડે છે કે ભીષણ તાપમાનને પગલે ભારતે સંભવિત ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (GDP)માં 5.4 ટકાનો ઘટાડો થઈ રહ્યો છે.

ભારતના સૌથી વધુ વસતિ ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશે જળવાયુ પરિવર્તનના વધતા પ્રભાવોનો સામનો કરવા માટે જળવાયુ પરિવર્તન ઓથિરિટીની સ્થાપના કરી હતી. આ પહેલું રાજ્ય છે, જ્યાં ગ્રામ પંચાયત સ્તરે જળવાયુ કાર્ય યોજનાઓને લાગુ કરવામાં આવી રહી છે. ખાસ કરીને દુકાળગ્રસ્ત બુંદેલખંડ વિસ્તારમાં કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

જૂન, 2023માં ઉત્તર પ્રદેશ ભીષણ ગરમીની ચપેટમાં આવી ગયું હતું. ગરમીને કારણે આશરે 100 લોકોનાં મોત થયાં હતા. જોકે રાજ્યમાં હવે રાહત કમિશનર નવીનકુમાર જીએસે જણાવ્યું હતું કે તેઓ રાજ્યમાં હીટ અધિકારીની નિયુક્તિ પર ગંભીરપણે વિચાર કરી રહ્યા છે. આ અધિકારીની પ્રાથમિકતા વધુ ગરમીથી ઊભા થતાં જોખમોને ખાળવાના અને અર્બન હીટ આઇલેન્ડની પ્રતિકૂળ અસરોને ઓછી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.

 

 

 

 

 

 

 

C-295 MW ટ્રાન્સપોર્ટ વિમાન ભારતીય હવાઈ દળમાં સામેલ

 

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 25 સપ્ટેમ્બર, સોમવારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદસ્થિત હિંડન એર ફોર્સ સ્ટેશન ખાતે ‘ભારત ડ્રોન શક્તિ-2023’ પ્રદર્શનનું ઉદઘાટન કર્યા બાદ C-295 MW ટ્રાન્સપોર્ટ વિમાનને વિધિવત્ ભારતીય હવાઈ દળમાં સામેલ કર્યું હતું. આ પ્રસંગે હવાઈ દળના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિમાન પર સનાતન પદ્ધતિ અનુસાર કંકુથી સાથિયો (સ્વસ્તિક) બનાવતા રાજનાથ સિંહ. સ્વસ્તિક ચિન્હને હિન્દૂ ધર્મમાં શુભ ગણવામાં આવે છે. માંગલિક કે શુભ કાર્ય માટે લાલ રંગનો સાથિયો શુભ પુરવાર થાય છે.

આ વિમાનના ઉમેરાથી ભારતીય હવાઈ દળની વ્યૂહાત્મક ક્ષમતામાં વધારો થશે. આ વિમાન હવાઈ દળમાં જૂના થઈ ગયેલા એવરો-748 વિમાનોનું સ્થાન લેશે.

આ વિમાનને આ મહિને સ્પેનમાંથી લાવવામાં આવ્યું હતું. ભારતીય હવાઈ દળનું આધુનિકીકરણ કરવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે 56 C-295 ટ્રાન્સપોર્ટ વિમાનની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની સાથે રૂ.21,935 કરોડનો સોદો કર્યો છે. એરબસ કંપની 2025 સુધીમાં 16 C-295 વિમાન ભારતને સુપરત કરશે. બાકીના 40 વિમાનોનું નિર્માણ વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડમાં કરવામાં આવશે. (તસવીર સૌજન્યઃ @IAF_MCC)

ગોલ્ડન મન્ડેઃ શૂટિંગ પછી મહિલા ક્રિકેટરોએ જીત્યો ગોલ્ડ મેડલ

હાંગજોઉઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હાંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને 19 રનોથી હરાવી હતી. આ મેચમાં 117 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં શ્રીલંકન ટીમ આઠ વિકેટે 97 રન બનાવી શકી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સૌપ્રથમ વાર ભાગ લઈ રહી છે. આવામાં ટીમે પહેલા પ્રયાસમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

આ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમે કોઈપણ એશિયન ગેમ્સમાં ભાગ લીધો ન હતો. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા અને શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો. લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 97 રન બનાવી શકી હતી.

ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 45 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. મંધાના સિવાય જેમિમાહ રોડ્રિગ્સે 40 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી ઇનોકા રણવીરા, સુગંધિકા કુમારી અને ઉદેશિકા પ્રબોધિનીએ 2-2 વિકેટ લીધી હતી.

જોકે ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. 14 ઓવર સુધી ભારતીય ટીમે એક વિકેટ ગુમાવીને 86 રન બનાવી લીધા હતા, પરંતુ આગામી છ ઓવરમાં ટીમ છ વિકેટ ગુમાવીને 30 રન જ બનાવી શકી હતી. મંધાના અને જેમિમા સિવાય કોઈ પણ ખેલાડી વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શકી નહોતી.

લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ છ ઓવરમાં ટીમે ત્રણ વિકેટ ગુમાવીને માત્ર 28 રન બનાવ્યા હતા. તિતાસ સાધુએ પાવરપ્લેમાં ત્રણેય વિકેટ લીધી હતી.

એ સાથે ભારતે અત્યાર સુધી બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ હાંસલ કરી લીધા છે.

 

 

 

 

 

સનાતન ધર્મનું અપમાનઃ હિન્દૂ સંતોએ દિલ્હીમાં ઉદયનિધિ, અન્ય નેતાઓનાં પૂતળા બાળ્યા

નવી દિલ્હીઃ સનાતન ધર્મનું અપમાન કરવા બદલ હિન્દૂ સંતોએ આજે અહીં તામિલનાડુ ભવન નજીક જોરદાર દેખાવો કર્યા હતા અને ડીએમકે પાર્ટીના ઉદયનિધિ સ્ટાલિન તથા અન્ય નેતાઓના પૂતળા બાળ્યા હતા.

દેખાવકાર સંતોએ ઉદયનિધિને ટેકો આપતા નિવેદનો કરીને સનાતન ધર્મનું અપમાન કરનાર રાજકીય નેતાઓ વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા. આ સંતો દિલ્હી સંત મહામંડલના બેનર હેઠળ એકત્ર થયા હતા. તેઓ સરોજિની નગરમાં એક મંદિરથી તામિલનાડુ ભવન સુધી કૂચ કરીને ગયા હતા. દિલ્હી સંત મહામંડલના પ્રમુખ નારાયણગિરિ મહારાજે કહ્યું કે તામિલનાડુના મુખ્ય પ્રધાન સ્ટાલિને એમના પ્રધાન-પુત્ર ઉદયનિધિએ સનાતન ધર્મના કરેલા અપમાન બદલ માફી માગવી જોઈએ.

પરિણીતિ ચોપડા, રાઘવ ચઢ્ઢાનાં વેડિંગ રિસેપ્શન ત્રણ શહેરોમાં

ઉદયપુરઃ બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને યુગલની પહેલો મેરિડ ફોટો પણ બહાર આવી ચૂક્યો છે. કપલના રિસેપ્શનના ફોટો પણ વાઇરલ થઈ રહ્યો છે. પરિણીતિએ રિસેપ્શન માટે મિનીમલિસ્ટિક ગુલાબી સાડી લુક પસંદ કરી છે અને વાળને ખુલ્લા રાખ્યા છે.

રાઘવે કાળા રંગનો બો-ટાઇ શૂટ કેરી કર્યો હતો અને તે ઘણો આકર્ષક દેખાઈ રહ્યો છે. આ કપલે નજીકના મિત્રૌ માટે ઉદયપુરની હોટેલ ધ લીલા પેલેસમાં એક રિસેપ્શન રાખ્યું હતું. હવે બંનેના વેડિંગ રિસેપ્શનને લઈને માહિતી આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાનાં વેડિંગ રિસેપ્શન ત્રણ શહેરોમાં હોસ્ટ કરવામાં આવશે. તેમનું પહેલું રિસેપ્શન 30 સપ્ટેમ્બરે ચંડીગઢમાં થશે, જેમાં બંનેનાં સગાવહાલાં અને ખાસ મહેમાનો સામેલ થશે. આ માહિતી કપલના લગ્નના કાર્ડ પછી સામે આવી છે. એક રિસેપ્શન દિલ્હીમાં થશે. દિલ્હીના રિસેપ્શન કેટલાય રાજકારણીઓ સામેલ થશે. બીજું રિસેપ્શન મુંબઈમાં થશે, જેમાં બોલીવૂડ સેલેબ્સ સામેલ થવાની અપેક્ષા છે. જોકે આ બંને જગ્યાઓનાં રિસેપ્શનની તારીખ જાણવા નથી મળી.પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાનાં લગ્ન ધામધૂમથી થયાં હતાં. દિલ્હી સ્થિત રાઘવના ઘરેથી જશ્ન શરૂ થયો હતો. ત્યાર બાદ કપલ પ્રસંગ ઊજવવા ઉદયપુર પહોંચ્યો હતો. રવિવારે સાંજે ચારથી છ કલાકની જાન, વરમાળા, મંગળ ફેરા અને વિદાયની રીતરસમ થઈ હતી. કપલ મંગળવારે ઉદયપુરથી પરત ફરશે.