Home Blog Page 249

અભિનેતા રાજપાલ યાદવ શા માટે છે જેલમાં? અહીં જાણો આખો મામલો

અભિનેતા રાજપાલ યાદવ તિહાર જેલમાં છે. ફિલ્મોમાં પોતાની કૉમેડીથી બધાને પેટપકડીને હસાવનાર અભિનેતા રાજપાલ યાદવ હાલમાં કઠોર સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ મામલે દિલ્હી હાઈ કોર્ટથી રાહત ન મળ્યા બાદ અભિનેતાએ તિહાર જેલમાં સરેન્ડર કરવું પડ્યુ. સરેન્ડર કર્યા પહેલા રાજપાલ યાદવે લાગણીશીલ નિવેદન આપ્યુ, જે સાંભળ્યા બાદ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજનીતિ જગતમાંથી કેટલાક લોકોએ મદદ માટે હાથ લંબાવ્યો છે.

કોણે-કોણે મદદ માટે હાથ લંબાવ્યો?

1. રાવ ઈંદરજીત સિંહે જેમ ટ્યુન્સ પરિવાર તરફથી 1.11 કરોડ રૂપિયાની લીગલ મદદ કરવાની જાહેરાત કરી છે.

2. જનશક્તિ જનતા દળ (JJD)ના ચીફ તેજ પ્રતાપ યાદવે જાહેરાત કરી છે કે તે રાજપાલ યાદવને 11 લાખ રૂપિયાની મદદ કરશે.

3. કેઆરકેએ પણ જાહેરાત કરી છે કે તે પણ રાજપાલ યાદવને 10 લાખ રૂપિયાની મદદ કરશે.

4. ગુરમીત ચૌધરી, સલમાન ખાન, વરુણ ધવન, અજય દેવગણ, ગુરુ રંધાવા અને સોનુ સૂદે પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. જોકે, તે લોકો કેટલી રકમની મદદ કરશે તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

અત્યાર સુધીમાં કેટલા કરોડની મદદ મળી?

રાજપાલ યાદવની મદદ માટે ઘણા સેલેબ્સ આગળ આવ્યા છે. કેટલાકે રકમનો ખુલાસો કર્યો છે તો કેટલાકે મદદ કરશે એવી જ જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં તેમને મળેલી મદદના રકમની વાત કરીએ તો એ રકમ 1.32 કરોડ રૂપિયાની છે.

જેલમાંથી બહાર ક્યારે આવશે અભિનેતા?

પહેલા રાવ ઈંદરજીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું કે તેમણે રાજપાલ યાદવના નાના ભાઈ સાથે વાત કરી છે. તેમણે એ પણ કહ્યું કે જો 14 ફેબ્રુઆરી સુધીમાં આવશ્યક રકમ એકત્ર નહીં થાય તો તે પોતે જ બાકીની રકમ કોર્ટમાં જમા કરી આપશે જેથી મહાશિવરાત્રી પહેલા રાજપાલ યાદવ જેલમાંથી મુક્ત થઈ શકે. તો બીજી બાજુ રાજપાલ યાદવના મેનેજરનું નિવેદન સામે આવ્યું છે કે આવતી કાલે એટલે કે 12 ફેબ્રુઆરીએ અભિનેતાના જામીન પર સુનાવણી થશે.

રાજપાલ યાદવ પર કેટલું દેવું છે?

PTIના અહેવાલ અનુસાર કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ઓક્ટોબર 2025માં રજિસ્ટ્રાર જનરલ પાસે 75 લાખ રૂપિયાના બે ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરવામાં આવ્યાં હતાં અને 9 કરોડ રૂપિયાની રકમ બાકી હતી. મતલબ કે હજી રામપાલ યાદવે 9 કરોડ રૂપિયા ચૂકવવાના છે.

શું છે સમગ્ર મામલો?

અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલી 2010માં શરૂ થઈ. તેમણે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતાં. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નહીં. આવી સ્થિતિમાં તે ઉધારી ચૂક્વી શક્યા નહીં અને કેટલાક ચેક બાઉન્સ થયા. જેને કારણે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી થઈ.

વર્ષ 2018માં એક મેજિસ્ટ્રિયલ કોર્ટે એપ્રિલ મહિનામાં રાજપાલ યાદવ અને તેમની પત્નીને ચેક બાઉન્સના કેસમાં દોષી ઠેરવ્યા હતાં. અને બંનેને છ મહિનાની જેલની સજા પણ સંભળાવી હતી.

વર્ષ 2019માં સેશન કોર્ટે મેજિસ્ટ્રિયલ કોર્ટનો આદેશ યથાવત રાખ્યો. બાદમાં રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધાએ સેશન કોર્ટના આદેશને પડકાર આપી દિલ્હી હાઈકોર્ટમાં રિવીજન પિટીશન ફાઈલ કરી હતી.

2024માં દિલ્હી હાઈકોર્ટે તેઓ મોટા ક્રિમિનલ નથી એવું કહીને અભિનેતા અને તેની પત્નીને મળેલી છ મહિનાની સજાને સસ્પેન્ડ કરી હતી. ત્યારથી સસ્પેન્શને સમયાંતરે વધારવામાં આવતું ગયું.

વર્ષ 2025, ડિસેમ્બરમાં રાજપાલ યાદવના વકીલે કોર્ટને ભરોસો અપાવ્યો કે 40 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યા છે અને બાકી 2.10 કરોડની રકમ 19 જાન્યુઆરી, 2026 સુધીમાં ચૂકવી દેવામાં આવશે.

4 ફ્રેબ્રુઆરી, 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટે જેલ સરેન્ડરના સસ્પેંશનને વધારે લંબાવવાનો ઈન્કાર કર્યો.રાજપાલ યાદવને લઈ કોર્ટે એ જ દિવસે આત્મસમર્પણનો આદેશ આપ્યો.

રાજપાલ યાદવની વાત કરીએ તો તે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના પુવૈયાના વતની છે. તેમણે લખનૌની ભારતેન્દુ નાટ્ય એકેડમી અને દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં અભિનયનો અભ્યાસ કર્યો છે. “ભૂલ ભુલૈયા,” “ફિર હેરા ફેરી,” “ચુપ ચૂપ કે,” અને “હંગામા” જેવી ફિલ્મોમાં તેમના યાદગાર પાત્રો માટે જાણીતા છે.

થાઇલેન્ડની સ્કૂલમાં બંદૂકધારીએ શિક્ષકો અને બાળકોને બનાવ્યા બંધક

નવી દિલ્હીઃ થાઈલેન્ડમાં બંદૂકધારીઓનો આતંક જોવા મળ્યો છે. અહીં એક સ્કૂલમાં બંદૂકધારીએ શિક્ષકો અને બાળકોને બંધક બનાવી લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ બંદૂકધારી સ્કૂલમાં ત્યારે ઘૂસ્યો હતો જ્યારે છૂટવાની હતી. સ્થાનિક મિડિયાના અહેવાલ મુજબ હુમલાખોરે કેટલાક શિક્ષકો અને બાળકોને બંધક બનાવ્યાં હતાં.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે દક્ષિણ થાઈલેન્ડના હાટ યાઈ જિલ્લાના એક સ્કૂલમાં ગોળીબારી કરનાર બંદૂકધારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બંધક બનાવાયેલા તમામ લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. પ્રશાસને સોશિયલ મિડિયા પર માહિતી આપી કે બુધવારે સવારે સોંગખલા પ્રાંતના હાટ યાઈમાં આવેલા પાતોંગપ્રથાનકિરિવાત સ્કૂલમાં 18 વર્ષનો યુવક બંદૂક લઈને ઘૂસ્યો હતો.

આ ઘટનાની માહિતી મળતાં જ સશસ્ત્ર પોલીસની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. સૈંકડો બાળકો સ્કૂલમાંથી ભાગી જવામાં સફળ રહ્યાં હતાં. ઘણા શિક્ષકો અને વિદ્યાર્થીઓ હજી પણ ઇમારતની અંદર ફસાયેલા હોવાનું જણાવાયું હતું. હાટ યાઈ જિલ્લાના અધિકારીઓએ કહ્યું કે તેઓ બંદૂકધારી સાથે વાતચીત કરીને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા હતા. સ્થાનિક મિડિયા મુજબ હુમલાખોરથી બચીને ભાગેલા એક સુરક્ષા ગાર્ડે કહ્યું કે બંદૂકધારીએ સ્કૂલના હેડમાસ્ટરને ગોળી મારી હતી.

નળસરોવરમાં ૨૭૦ પ્રજાતિના ૬.૪૨ લાખથી વધુ પક્ષીઓની નોંધણી

અમદાવાદ: વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે ૬,૪૨,૨૩૨ પક્ષીઓની હાજરી નોંધાઈ છે, જે ૨૭૦ જેટલી વિવિધ પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે.

વન્યજીવ વિભાગ દ્વારા વ્યવસ્થિત આયોજન અને કામગીરી

 આ ગણતરી પ્રક્રિયાને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા માટે સમગ્ર અભયારણ્યને ૫૦ સર્વે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. દરેક ઝોન માટે એક સમર્પિત ટીમની નિમણૂક કરવામાં આવી હતી, જેમણે સાંજ અને સવાર એમ બે તબક્કામાં વ્યવસ્થિત ગણતરી હાથ ધરી હતી. માહિતીના સંકલનમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે અનુભવી ગણતરીકારોની દેખરેખ હેઠળ ડેટાની ચકાસણી કરવામાં આવી હતી અને નકલ (duplication) દૂર કરવાની કડક પ્રક્રિયા બાદ જ અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.

સહભાગીઓનું યોગદાન અને સુવિધાઓ

આ અભ્યાસમાં કુલ ૨૨૦ પક્ષીવિદો અને ઉત્સાહીઓએ ભાગ લીધો હતો. આ ટીમમાં ૩૫ વિદ્યાર્થીઓ, ૬૧ પક્ષી નિરીક્ષકો અને ફોટોગ્રાફી નિષ્ણાતો, ગુજરાત બહારથી આવેલા ૧૩ નિષ્ણાતો તેમજ વન વિભાગ તથા અન્ય વિભાગોના ૧૨ કર્મચારીઓ સામેલ હતા. ખાસ કરીને સ્થાનિક ૯૯ બોટમેન અને માર્ગદર્શકોએ આ પ્રક્રિયામાં પાયાની ભૂમિકા ભજવી હતી. વન વિભાગ દ્વારા તમામ સહભાગીઓ માટે નિવાસ, ભોજન અને સેન્સસ કિટ્સની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, અને તેમના અમૂલ્ય યોગદાન બદલ સહભાગિતાના પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. માહિતી સંગ્રહની ચોકસાઈ જળવાય અને વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી ગણતરીના બે દિવસ દરમિયાન અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું, જેની અગાઉથી મીડિયા દ્વારા જાણ કરવામાં આવી હતી. આ દ્વિ-વાર્ષિક અભ્યાસ નળસરોવરની એક મહત્વપૂર્ણ જળપ્લાવિત પરિસ્થિતિતંત્ર તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે અને પ્રવાસી પક્ષીઓના વૈજ્ઞાનિક નિરીક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.

સોમાલિયામાં વિમાન રનવે પરથી લપસીને સમુદ્રમાં ઉતર્યું, 55 લોકોના જીવ અધ્ધર

મંગળવારે સવારે સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક મોટી હવાઈ દુર્ઘટના ટળી ગઈ, જ્યારે ટેકનિકલ ખામી સર્જાતા એક પેસેન્જર વિમાન રનવે પરથી ઉતરી ગયું અને દરિયા કિનારે ઉતરી ગયું. સદનસીબે, તેમાં સવાર તમામ 55 લોકો – 50 મુસાફરો અને 5 ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બચી ગયા. એરલાઇને પાઇલટની સમજદારી અને શાંત નિર્ણય લેવાની પ્રશંસા કરી છે.

અહેવાલો અનુસાર, સ્ટારસ્કી એવિએશન ફોકર-50 વિમાન મોગાદિશુથી પન્ટલેન્ડ માટે રવાના થયું. ટેકઓફ કર્યાના થોડા સમય પછી, ક્રૂને ટેકનિકલ સમસ્યા જણાઈ. પાઇલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને મોગાદિશુ પરત ફરવાની પરવાનગી માંગી. સોમાલિયાની નાગરિક ઉડ્ડયન સત્તામંડળ (CAA) એ જણાવ્યું હતું કે વિમાને સલામત ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રનવે પર ઉતર્યા પછી, તે સમયસર રોકાઈ શક્યું નહીં. વિમાન રનવે પરથી ઉતરી ગયું અને છીછરા પાણીમાં અટકી ગયું.

આ ઘટના પછી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મુસાફરો વિમાનમાંથી ઉતરીને હિંદ મહાસાગરના કિનારા પર સલામત અંતરે ચાલતા દેખાઈ રહ્યા હતા. વિમાનનો એક ભાગ નમેલો દેખાયો હતો અને જમણી પાંખને નુકસાન થયું હોય તેવું લાગતું હતું, પરંતુ કોઈ મોટી જાનહાનિ થઈ નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, કોઈ પણ મુસાફરોને ગંભીર ઈજા થઈ નથી. નાના ખંજવાળ અને નાની ઇજાઓના અહેવાલો છે, પરંતુ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

 

H-1B વિઝા ફી વધુ હોવા છતાં ટેક કંપનીઓમાં ભરતી ચાલુ

નવી દિલ્હીઃ અમેરિકામાં H-1B વિઝા માટે પ્રસ્તાવિત $ એક લાખ ફી લાગુ કરવામાં આવે તો પણ કંપનીઓ દ્વારા આ શ્રમિક વર્ગને નોકરી પર રાખવાની માગમાં ખાસ ઘટાડો નહીં થાય. આ નિષ્કર્ષ અમેરિકન નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ (NBER) દ્વારા કરવામાં આવેલા તાજા અભ્યાસમાં સામે આવ્યો છે.

“H-1B વેતન અંતર, વિઝા ફી અને નિયોક્તાની માગ” શીર્ષક ધરાવતો આ અભ્યાસ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જ્યોર્જ બોર્જાસ દ્વારા લખાયો છે. બોર્જાસ અગાઉ પણ અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ અંગે સલાહ આપી ચૂક્યા છે. તેઓ કહે છે કે જો વિઝા ફી $ 1.5 લાખથી વધારીને $2 લાખ કરવામાં આવે તો પણ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની ભરતીમાં કંપનીઓની રસ ઘટશે નહીં.

H-1B કર્મચારીઓની વેતન સ્થિતિ

બોર્જાસના અભ્યાસ મુજબ મોટા ભાગના કેસોમાં H-1B કર્મચારીઓનું વેતન અમેરિકન કર્મચારીઓ કરતાં ઓછું હોય છે. તેમણે લખ્યું છે કે સમાન શિક્ષણ, ઉંમર, લિંગ, સ્થાન અને વ્યવસાયને આધારે સરેરાશ H-1B કર્મચારી અમેરિકન કર્મચારી કરતાં લગભગ 16 ટકા ઓછું કમાય છે. કંપનીઓ પ્રમાણે H-1B કર્મચારીઓના વેતનમાં મોટો ફરક જોવા મળે છે. મોટી અમેરિકન ટેક કંપનીઓ જેમ કે મેટા, એપલ અને માઈક્રોસોફ્ટમાં H-1B કર્મચારીઓનું સરેરાશ વેતન લગભગ $ 1.5 લાખ છે. જ્યારે ભારતીય IT સેવાઓ આપતી કંપનીઓ જેમ કે ઇન્ફોસિસ અને વિપ્રોમાં તે સરેરાશ $ 80,000 જેટલું છે.

બોર્જાસે નોંધ્યું કે મોટી અમેરિકન ટેક કંપનીઓમાં વેતન અંતર ઘણું ઓછું છે. ઉદાહરણ તરીકે, મેટા અને ટેસ્લામાં આ અંતર માત્ર 1થી 3 ટકા જેટલું છે, જ્યારે ભારતીય મૂળની IT આઉટસોર્સિંગ કંપનીઓમાં H-1B કર્મચારીઓને અમેરિકન કર્મચારીઓ કરતાં નોંધપાત્ર ઓછું વેતન મળે છે.

કંપનીઓ અને કર્મચારીઓની સંખ્યા

H-1B કર્મચારીઓની ભરતી માત્ર મોટી કંપનીઓ સુધી મર્યાદિત નથી. આંકડા મુજબ 46,184 અલગ-અલગ કંપનીઓએ ચાર વર્ષમાં ઓછામાં ઓછો એક H-1B કર્મચારી રાખ્યો છે. મોટા ભાગની કંપનીઓએ માત્ર એકથી ત્રણ H-1B કર્મચારીઓની ભરતી કરી છે.

કોંગ્રેસના સાંસદોએ લોકસભા સ્પીકર સાથે કરી ગાળાગાળીઃ કિરણ રિજિજુ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ સનસનીખેજ આરોપ લગાવતા દાવો કર્યો હતો કે કોંગ્રેસના 20થી 25 સાંસદોએ લોકસભા સ્પીકરની ચેમ્બરમાં ઘૂસી જઈને તેમની સાથે ગાળાગાળી કરી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી વડરા અને કે.સી. વેણુગોપાલની હાજરીમાં કોંગ્રેસી સાંસદોએ સ્પીકરના ચેમ્બરમાં જઈને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. નોંધનીય છે કે વિપક્ષે ઓમ બિરલાને લોકસભા સ્પીકરપદ પરથી હટાવવા માટે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ઓછામાં ઓછા 20-25 કોંગ્રેસ સાંસદો લોકસભા સ્પીકરની ચેમ્બરમાં ઘૂસી ગયા અને તેમને ગાળો આપી. હું પણ ત્યાં હાજર હતો. સ્પીકર ખૂબ સહનશીલ સ્વભાવના છે, નહીં તો કડક કાર્યવાહી થાત. પ્રિયંકા ગાંધી વડરા અને કે.સી. વેણુગોપાલ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ અંદર હાજર હતા અને તેઓ અન્ય સાંસદોને ઉશ્કેરી રહ્યા હતા.ઓમ બિરલાને હટાવવા માટે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર વર્તમાન બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે એટલે કે નવ માર્ચે ચર્ચા થવાની શક્યતા છે. લોકસભા સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ બજેટ સત્રના બીજા ભાગના પ્રથમ દિવસે, એટલે કે નવ માર્ચે જ લોકસભા સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે.

આ મામલાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બિરલા અધ્યક્ષપદના આસન પર નહીં બેસે. બિરલાએ લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને વિપક્ષની નોટિસની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે.

વિપક્ષે બિરલાને પદ પરથી હટાવવા માટેનો પ્રસ્તાવ લાવવાનો નોટિસ મંગળવારે લોકસભાના મહાસચિવને સોંપ્યો હતો. વિપક્ષે બિરલા પર પક્ષપાતપૂર્ણ રીતે સભા ચલાવવાનો, કોંગ્રેસ સભ્યો પર ખોટા આરોપ મૂકવાનો અને પદનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.

ભારતની અધ્યક્ષતામાં પ્રથમ બ્રિક્સ શેરપા બેઠક શરૂ

નવી દિલ્હી: ભારતની બ્રિક્સની અધ્યક્ષતામાં પ્રથમ બ્રિક્સ (BRICS) શેરપા/સોસ-શેરપા બેઠક 9 ફેબ્રુઆરીના રોજ શરૂ કરવામા આવી છે. ત્રણ દિવસ ચાલાનારી આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત છે, જેઓ 11 ફેબ્રુઆરી સુધી મુખ્ય પ્રાથમિકતાઓ, સંકલન અને સભ્ય દેશો વચ્ચેના સહયોગ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરશે.આ મહત્વપૂર્ણ બેઠક અંગે વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જાયસ્વાલે એક્સ પોસ્ટ પર જણાવ્યું હતું કે સચિવ (આર્થિક સંબંધો) અને ભારતના બ્રિક્સ શેરપા, સુધાકર દલેલા આ બેઠકમાં જોડાયા છે. આ ચર્ચામાં ચીનના ઉપવિદેશપ્રધાન મા ઝાઓક્સુ અને ભારતમાં બેલારુસના રાજદૂત એમ. કાસ્કો પણ હાજર રહ્યા હતા. તેમના સંબોધનમાં, રાજદૂત કાસ્કોએ બેલારુસને આમંત્રણ આપવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે  BRICS ભાગીદાર દેશોના પ્રતિનિધિઓએ આવી બેઠકોમાં સામેલ થઇ રહ્યા છે.રણધીર જાયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે શેરપા દલેલાએ ભારતની અધ્યક્ષતાની મુખ્ય પ્રાથમિકતાઓ રજૂ કરી, જે બ્રિક્સ માટે વડાપ્રધાનના ‘પીપલ-સેન્ટ્રિક’ અને ‘હ્યૂમેનિટી-ફર્સ્ટ’ અપ્રોચના વિઝન પર સ્થિત છે અને ‘બિલ્ડિંગ ફોર રેઝિલ્યન્સ, ઇનોવેશન,કોઓપરેશન તથા સસ્ટેનેબિલીટી’ની થીમ સાથે સંરેખિત છે.આ બેઠક દ્વારા આ વર્ષના અંતમાં થનારી બ્રિક્સની ઘણી બેઠકો માટે ગ્રાઉન્ડવર્ક તૈયાર કરવાની અપેક્ષા છે, જેમાં મંત્રી સ્તરની બેઠકો તેમજ બ્રિક્સ સમિટ સામેલ છે. બેઠકનો ઉદ્દેશ્ય આર્થિક, વિકાસલક્ષી અને વૈશ્વિક ગવર્નન્સના મુદ્દાઓ પર સહયોગને મજબૂત બનાવવાનો છે. ખાસ બાબત એ છે કે આ ચોથી વાર છે જ્યારે ભારતે બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે. આ પહેલા ભારતે 2012, 2016 અને 2021માં આ જવાબદારી નિભાવી છે.

રોહિત શેટ્ટી ફાયરિંગ કેસ: 5 આરોપીઓ સામે MCOCA હેઠળ કેસ દાખલ

મુંબઈ પોલીસે જુહુ, મુંબઈમાં ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ગોળીબારના કેસમાં એક મોટું પગલું ભર્યું છે. આ સનસનાટીભર્યા ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (MCOCA) લાગુ કરવામાં આવ્યો છે. આ સનસનાટીભર્યા ઘટનામાં સામેલ તમામ આરોપીઓને આજે સાંજે ખાસ કોર્ટમાં હાજર થવાનું છે.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો એન્ટી-એક્સટોર્શન સેલ સમગ્ર કેસની તપાસ કરી રહ્યો છે. જુહુમાં રોહિત શેટ્ટીના નવ માળના મકાનમાં થયેલા ગોળીબારના સંદર્ભમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની કસ્ટડી બુધવારે પૂરી થઈ રહી છે, તેથી તેમને આજે સાંજે ખાસ MCOCA કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક આરોપીઓ અગાઉ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. તેના આધારે, ક્રાઇમ બ્રાન્ચે કેસમાં કડક MCOCA કલમો ઉમેરી છે. આ ઘટના 1 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12:45 વાગ્યે બની હતી. જુહુ વિસ્તારમાં રોહિત શેટ્ટીના મકાનના પહેલા માળે ઓછામાં ઓછા પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન, એક ગોળી બિલ્ડિંગની અંદરના જીમના કાચ પર વાગી. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો. પોલીસે અત્યાર સુધીમાં આદિત્ય ગાયકી (19), સિદ્ધાર્થ યેનપુરે (20), સમર્થ પોમાજી (18), સ્વપ્નિલ સકત (23) અને આસારામ ફસાલેની ધરપકડ કરી છે. બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર કાવતરાની તપાસ કરી રહી છે.

આ કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગનું નામ પણ સામે આવ્યું છે. તેની ગેંગનો સભ્ય શુભમ લોંકર આ કેસમાં વોન્ટેડ આરોપીઓમાં સામેલ છે. તેણે રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી. શુભમ લોંકર પહેલાથી જ બાબા સિદ્દીકી હત્યા કેસ અને સલમાન ખાનના ઘરે ગોળીબારમાં વોન્ટેડ છે.

દરમિયાન, પોલીસે ખુલાસો કર્યો કે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહને વોટ્સએપ પર અજાણ્યા વ્યક્તિઓ તરફથી ધમકીઓ મળી હતી. પોલીસને શંકા છે કે ખંડણી માટે આ ધમકીઓ પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોનો હાથ હોઈ શકે છે. રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર અને રણવીર સિંહ સામે ધમકી બાદ, પોલીસ હાઈ એલર્ટ પર છે.

ધમકી બાદ રણવીર સિંહ અને દીપિકાના ઘરની સુરક્ષા વધારાઈ

રણવીર સિંહને મળેલી ધમકી બાદ તેમની સોસાયટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેના કારણે સોસાયટીના સભ્યો ચિંતિત છે અને સશસ્ત્ર સુરક્ષા તૈનાત કરવા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને પોલીસ પાસેથી સ્પષ્ટતા માંગી રહ્યા છે.

 

રોહિત શેટ્ટી બાદ હવે રણવીર સિંહને પણ ધમકી આપવામાં આવી છે. એક અજાણ્યા વ્યક્તિએ વોટ્સએપ પર વોઇસ નોટ દ્વારા અભિનેતા પાસેથી કરોડો રૂપિયાની માંગણી કરી છે. એક તરફ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે, તો બીજી તરફ અભિનેતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. અભિનેતાના એપાર્ટમેન્ટની બહાર સશસ્ત્ર દળો તૈનાત કરવામાં આવ્યા છે, જેના કારણે સમાજના અન્ય લોકો ચિંતિત છે. મળતી માહિતી મુજબ, મુંબઈના પ્રભાદેવી સ્થિત BEAU MONDE એપાર્ટમેન્ટમાં અભિનેતાને મળેલી ધમકીભરી નોટ બાદ, જ્યાં સુરક્ષા અને મકાન વિસ્તારમાં સશસ્ત્ર સુરક્ષા તૈનાત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને સોસાયટી કમિટીએ સ્થાનિક પોલીસને એક મેમોરેન્ડમ આપ્યું છે અને સ્પષ્ટતા માંગી છે.

સોસાયટીના સભ્યોએ સશસ્ત્ર સુરક્ષા પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો

સોસાયટીએ સ્થાનિક પોલીસ સ્ટેશનને એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે બિલ્ડિંગના જીમ અને કોમન એરિયામાં છ સશસ્ત્ર ગાર્ડ અને પોલીસ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સોસાયટીએ સ્થાનિક પોલીસ પાસેથી ત્રણ મુદ્દાઓ પર જવાબો માંગ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ સુરક્ષા તૈનાત કરતા પહેલા સોસાયટી પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી, જેના કારણે સોસાયટીના સભ્યોમાં ચિંતા ફેલાઈ છે.

સોસાયટી તરફથી કોઈ પરવાનગી નથી

સોસાયટીની સમિતિએ સોસાયટીમાં સશસ્ત્ર સુરક્ષા કર્મચારીઓની તૈનાત અંગે પોલીસને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમાં ત્રણ પ્રશ્નો ઉભા થયા હતા: 1. શું તૈનાત ખાનગી સુરક્ષા ગાર્ડ રહેણાંક સંકુલમાં લાઇસન્સ પ્રાપ્ત હથિયારો ધરાવે છે? 2. શું તેઓએ દાદર પોલીસ સ્ટેશન પાસેથી પરવાનગી લીધી છે? 3. ફ્લેટમાં તૈનાત પોલીસ કર્મચારીઓની વિગતો, જેમાં વિભાગ અને તૈનાતીની પ્રકૃતિનો સમાવેશ થાય છે.

રણવીરને ધમકીભર્યો વોઇસ મેસેજ મળ્યો

પ્રાથમિક માહિતી સૂચવે છે કે આ ધમકીભરી ઘટનામાં રણવીર સિંહના આસિસ્ટન્ટને વોઇસ નોટ મોકલવામાં આવી હતી. ઓડિયો મેસેજ દ્વારા ધમકી મોકલવામાં આવી હતી. એવી શંકા છે કે લગભગ 8 થી 10 અન્ય ફિલ્મ હસ્તીઓને ધમકીઓ મોકલવામાં આવી હશે. જોકે, મોટાભાગના કિસ્સાઓમાં કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. નોંધનીય છે કે તાજેતરમાં જ, દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરની બહાર ગોળીબારની ઘટના બની હતી. મુંબઈ પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે.

US ટ્રેડ ડીલ એ હોલસેલ સરન્ડર છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમના ભાષણ દરમિયાન સત્તાપક્ષ તરફથી સતત હંગામો થઈ રહ્યો હતો. રાહુલ ગાંધીએ બજેટ અંગે પણ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા અને પોતાની વાત સમજાવવા માટે માર્શલ આર્ટ્સનું ઉદાહરણ આપ્યું હતું.

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ડીલ અંગે પણ વાત કરી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકારે ભારતની જનતાને અમેરિકાના હાથમાં વેચી દીધી છે. તેમના મુજબ આ ડીલને કારણે ભારતનો મોટો ડેટા અમેરિકા સુધી જઈ રહ્યો છે.તેઓ આર્થિક સર્વેક્ષણ જોઈ રહ્યા હતા ત્યારે તેમને બે મહત્વની બાબતો સમજાઈ. પહેલી એ કે દુનિયામાં ભૂરાજકીય ટકરાવ વધી રહ્યો છે. અમેરિકાના પ્રભુત્વને હવે ચીન, રશિયા અને અન્ય શક્તિઓ પડકાર આપી રહી છે. બીજી બાબત એ છે કે આપણે ઊર્જા અને નાણાકીય હથિયારકરણના યુગમાં પ્રવેશી રહ્યા છીએ. દુનિયા સ્થિરતાથી અસ્થિરતાની દિશામાં જઈ રહી છે.

વડા પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કહે છે કે યુદ્ધનો યુગ સમાપ્ત થઈ ગયો છે, પરંતુ હકીકતમાં દુનિયા યુદ્ધના નવા તબક્કામાં પ્રવેશી રહી છે. ડોલરને પડકાર મળી રહ્યો છે અને અમેરિકાનું પ્રભુત્વ પણ સવાલ હેઠળ છે. આપણે એક મહાશક્તિ કેન્દ્રિત દુનિયામાંથી એક નવી અને અનિશ્ચિત વૈશ્વિક વ્યવસ્થાની તરફ જઈ રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે માર્શલ આર્ટ્સમાં જ્યારે ચોક લાગે છે ત્યારે પકડાયેલી વ્યક્તિની આંખોમાં ડર દેખાય છે. તેવી જ રીતે અહીં નરેન્દ્ર મોદીની આંખોમાં ડર દેખાય છે, તેઓ આંખમાં આંખ મેળવીને વાત કરતા નથી. એપ્સ્ટિન કેસની 3 મિલિયન ફાઇલો હજુ બહાર આવવાની બાકી છે. રશિયન તેલના વિવાદ અંગે પણ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ એવી ડીલ કરી છે જે કદાચ દેશનો કોઈ પણ વડા પ્રધાન ન કરતો. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે દેશના નાગરિકોના ભવિષ્યને સરન્ડર કરી દીધું છે.

કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ રાહુલ ગાંધીના તમામ આરોપોને બિનઆધારભૂત ગણાવ્યા. તેમણે કહ્યું હતું કે ભારતને કોઈ વેચી પણ શકતું નથી અને ખરીદી પણ શકતું નથી. તેમણે ઉમેર્યું હતું કે દેશને અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી પ્રધાનમંત્રી મળ્યો હોય તો તે નરેન્દ્ર મોદી છે.