Home Blog Page 2498

ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે આપ્યો 277 રનનો લક્ષ્યાંક

મોહાલીઃ ભારત ને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની પહેલી મેચ પંજાબના મોહાલમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા ઓસ્ટ્રેલિયાને બેટિંગ આપી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 277 રનનું લક્ષ્ય આપ્યું હતું. મોહમ્મદ શમીએ પાંચ વિકેટ લીધી હતી.ટીમ ઇન્ડિયાએ નવ ઓવરમાં વિના વિકેટે 57 રન બનાવ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 50 ઓવરમાં 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર ડેવિડ વોર્નરે 52 રનની ઇનિંગ રમી હતી. તો જોસ ઈંગ્લિસે 45 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથે 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીને પાંચ વિકેટ, જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને 1-1 વિકેટ મળી હતી.આ મેચમાં ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની માત્ર 35.4 ઓવર જ રમાઈ હતી જ્યારે વરસાદ આવ્યો અને રમત રોકવી પડી.  જોકે થોડી જ વારમાં વરસાદ બંધ થઈ ગયો અને મેચ ફરી શરૂ થઈ.

ઓપનર ડેવિડ વોર્નરે તેની વન-ડે કારકિર્દીની 29મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 49 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વોર્નર 98.11ના સ્ટ્રાઈક રેટથી 53 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.મિચેલ માર્શની વિકેટ ગુમાવ્યા બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 106 બોલમાં 94 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી રવીન્દ્ર જાડેજાએ વોર્નરને આઉટ કરીને તોડી હતી.

 ભારત: કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, કેમરૂન ગ્રીન, જોશ ઈંગ્લીસ(વિકેટકીપર), માર્કસ સ્ટોઈનીસ, મેથ્યુ શોર્ટ, સીન એબોટ અને એડમ ઝામ્પા.

 

 

 

 

આશુતોષ ‘લગાન’ ગોવારીકર બનાવશે આદિ શંકરાચાર્યના જીવન પરથી ફિલ્મ ‘શંકર’

મુંબઈઃ નિર્માતા-દિગ્દર્શક આશુતોષ ગોવારીકર ‘શંકર’ શિર્ષકવાળી નવી ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મ 8મી સદીમાં થઈ ગયેલા વેદોના વિદ્વાન, ફિલસૂફ, આચાર્ય અને સંત આદિ શંકરાચાર્યના જીવન અને જ્ઞાન પર આધારિત હશે.

મધ્ય પ્રદેશમાં ઓમકારેશ્વર ખાતે નર્મદા નદીના કાંઠે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી એક પ્રતિમાનું અનાવરણ કર્યાના પ્રસંગે ફિલ્મ નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. ગોવારીકરે કહ્યું છે કે, ‘આદિ શંકરાચાર્ય ભારતના ઈતિહાસમાં ઉલ્લેખનીય વ્યક્તિ હતાં અને એમના જ્ઞાન-ઉપદેશો દુનિયાભરમાં લોકોને પ્રેરણા આપતા રહેશે.’

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩

દક્ષિણમાં ભાજપને સફળતા, NDAમાં સામેલ થઈ JDS

નવી દિલ્હીઃ એચડી કુમારસ્વામીની JDSએ NDA ગઠબંધનમાં સામેલ થઈ છે.. છેલ્લા કેટલાય દિવસોથી એની ચર્ચા ચાલી રહી હતી. બંને પાર્ટીઓ વચ્ચે અનેક બેઠક થઈ ચૂકી છે. ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે એલાન કરતાં સ્પષ્ટતા કરી હતી કે JDS આ વખતે લોકસભા ચૂંટણીમાં NDAની સાથે રહેશે.

JDS કર્ણાટકમાં એક મજબૂત પાર્ટી છે. દક્ષિણના વિસ્તારોમાં એની પકડ મજબૂત છે. એના પર વોકલિંગા સમાજની વચ્ચે ભૂતપૂર્વ વડા પ્રધાન દેવેગોવડાને કારણે પાર્ટીની સારીએવી લોકપ્રિયતા છે. આવામાં ચૂંટણીમાં ભાજપને JDSનો સાથ મળશે. આ વખતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સજ્જડ હાર થઈ હતી, એ જોતાં JDSની સાથે આવતાં પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થશે.

ભાજપાધ્યક્ષે ટ્વીટ કરતાં લખ્યું હતું કે ગૃહપ્રધાન અમિત શાહજી મને જણાવતાં આનંદ થાય છે કે JDS NDAનો હિસ્સો બનશે. અમે તેનું દિલથી સ્વાગત કરીએ છીએ. હવે NDAની તાકાત વધુ મજબૂત થઈ છે. જોકે વિધાનસભાની ચૂંટણીંમાં JDSને આ વખતે માત્ર 19 સીટો મળી હતી. એનો મતહિસ્સો પણ 13 ટકા હતો. બીજી તરફ કોંગ્રેસે 135 બેઠકો જીતીને રાજ્યમાં સત્તા હાંસલ કરી હતી. જ્યારે ભાજપને 66 સીટો સાથે સંતોષ માનવો પડ્યો હતો. જોકે JDS સાથે આવતાં NDAને રાજકીય લાભ થવાની વકી છે.

 

 

 

 

જોગેશ્વરીમાં હીરા-પન્ના મોલમાં આગ લાગી; સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નથી

મુંબઈઃ અહીં જોગેશ્વરી (વેસ્ટ) ઉપનગરમાં ઓશિવરા વિસ્તારમાં આવેલા હીરા-પન્ના શોપિંગ મોલમાં આજે બપોરે 3.10 વાગ્યે મોટી આગ લાગી હતી. એ વખતે કેટલાક લોકો મોલમાં સપડાઈ ગયા હતા. પરંતુ સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પણ થઈ નથી. આ મોલની નજીકમાં જ ઓશિવરા પોલીસ સ્ટેશન આવેલું છે.

આગની જાણ થતાં તરત જ અગ્નિશામક દળના જવાનો 12 ફાયર એન્જિન્સ, એમ્બ્યુલન્સ સાથે ત્યાં પહોંચી ગયા હતા. પોલીસો પણ પહોંચી ગયા હતા અને મકાનને ખાલી કરાવ્યું હતું. ફાયર બ્રિગેડ વિભાગે આગને લેવલ-2 તરીકે જાહેર કરી હતી.

કેવી છે ધ ગ્રેટ ઈન્ડિયન ફૅમિલી?

આદિત્ય ચોપરાના પપ્પા યશ ચોપરાએ કારકિર્દીના આરંભમાં એક ફિલ્મ બનાવેલી ‘ધૂલ કા ફૂલ’. ફિલ્મનું એક પ્રસિદ્ધ સોંગ છેઃ “તૂ હિંદ બનેગા ન મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હૈ ઈન્સાન બનેગા”… હવે, આદિત્યને થાય છે કે યાર, 62-63 વર્ષ પહેલાં પાપાજીની ફિલ્મમાં સાહિર લુધિયાણવી સાહેબે જે વાત કરી એ આજે કહીએ તો? વાત કહેવાનું કામ એમણે સોંપ્યું વિજય કૃષ્ણ આચાર્યને. અને, ‘ધૂમ 3’, ‘ટશન’, ‘ઠગ્ઝ ઑફ હિંદોસ્તાન’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરનાર વિજયભાઈએ સિનેમાપ્રેમીઓ સામે ધરીઃ ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફૅમિલી’. વાત એમણે ‘ધૂલ કા ફૂલ’ના સોંગવાળી જ કરી, પણ જરા જુદી રીતે.

વાર્તા ઉત્તર ભારતના એક કાલ્પનિક શહેર બલરામપુરમાં આકાર લે છે. નગરનો એક કર્મકાંડી બ્રાહ્મણ ત્રિપાઠીપરિવાર છે. પરિવારના મોભી (કુમુદ મિશ્રા) અને એના છોટા ભાઈ (મનોજ પાહવા) નદીના ઘાટ પર કે સંસદ ભવનની સાઈઝના બંગલામાં પૂજા-પાઠ-હવન કરાવે છે. દીકરો વેદવ્યાસ ત્રિપાઠી (વિકી કૌશલ) આખા વિસ્તારમાં ભજનસમ્રાટ તરીકે પંકાયેલો છે. આ ભજનકુમારની જીવનની ગાડી સડસડાટ દોડી રહી છે એવામાં એક દિવસ ખબર પડે છે કે બાય બર્થ એ બ્રાહ્મણ નહીં પણ મોમેડન છે. પોતાના વિશેની આ હકીકત જાણ્યા બાદ રૉકસ્ટાર ભજન કુમારની લાઈફમાં કેવાં પરિવર્તન આવે છે એ દેખાડ્યું છે સર્જકે.

હવે, ગમ્મત એ છે કે આ જ મૂળ વિચાર પર આધારિત ફિલ્મ થોડાં વરસ પહેલાં આવેલી, ‘ધરમ સંકટ મેં’… ફૌવાદ ખાન દિગ્દગ્શિત આ ફિલ્મમાં અમદાવાદમાં વસતા મધ્યમવર્ગી રૂઢિચુસ્ત હિંદુ પંચાવન વર્ષી ધરમપાલ ત્રિવેદી (પરેશ રાવલ)ને એક દિવસ ખબર પડે છે કે એ તો જન્મે મુસલમાન છે. મઝહબ વિશેની હકીકત જાણ્યા બાદ એના જીવનમાં કેવાં પરિવર્તન આવે છે એના પર આધારિત આ ફિલ્મની મૂળ વાત સારી હતી, પણ લેખન, દિગ્દર્શન નબળાં હતાં.

 

અહીં, એટલે કે ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફૅમિલી’માં એવું દેખાડવામાં આવ્યું છે કે ખરેખર તો ઊંચી વર્ણના હિંદુઓ જ નફરત ફેલાવે છે, બાકી વિધર્મીઓ તો કેટલા સારા છે. અને ઓ હેલો, આ વિશેના ઉપદેશ પણ ફિલ્મમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા છે.

ફિલ્મનો ઓપનિંગ ડાયલૉગ છેઃ “માઈક ચેકિંગ, માઈક ચેકિંગ”. કાશ ફિલ્મ શરૂ કરતાં પહેલાં સ્ક્રિપ્ટ ચેક કરી હોત. નબળા પાત્રાલેખનનો એક નમૂનોઃ કાનુડાનાં ભજન (કન્હૈય્યા ટ્વિટ્ટર પે આજા) ગાતો ભજનકુમાર અચાનક ઉર્દૂમિશ્રિત પંજાબી સોંગ “જપદા મેરા નામ સાહિબા” ગાવા માંડે છે, અચાનક નયા ભારતમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ એ વિશેનું લેક્ચર આપવા માંડે છે. મધ્યાંતર પહેલાં ફિલ્મ સરરરર જાય છે, પ્રીતમે બે ગીત દિલડોલ બનાવ્યાં છે, ઈન્ટરવલ સમયે પણ એક ધમાકેદાર કૉન્ફ્લિક્ટ જોવા મળે છે, પણ તે પછી ફિલ્મ રીતસરની પછડાય છે. વિકી કૌશલ, કુમુદ મિશ્રા, મનોજ પાહવા જેવા કેટલાક પાવરફુલ પરફોરમન્સ થોડોઘણો રસ જાળવી રાખે છે. અરે હા, ફિલ્મમાં 2017ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ છે. કમનસીબે એ કેવળ એક ડેકોરેટિવ પીસ બનીને રહી જાય છે.

તો ફિલ્મ જોવાય કે નહીં? ધાર્મિક સુસંવાદિતા તથા હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી નહીં પણ માનવી બનો એ વિશેનો બે કલાકનો ક્લાસ ભરવો હોય તો પહોંચી જાઓ નજીકના થિએટરમાં.

પવિત્રતા: મનુષ્ય આત્માનો મૂળભૂત સંસ્કાર

આપણું મન જ પ્રાર્થના, ભજન, ધ્યાન, વાંચન વિગેરે સારી વૃત્તિઓનો પણ આધાર છે. આમ મન અપરાધી નથી હોતું પરંતુ મનની એ ખરાબ વૃત્તિઓ જે કામ, ક્રોધ વિગેરે ઉત્પન્ન કરે છે તે અપરાધી છે. મનુષ્ય સૃષ્ટિમાં પહેલો વિનાશ આ કામ-ક્રોધની વૃત્તિઓ જ કરે છે. ત્યારબાદ તેની સેનામાં અનેક વિકારો રૂપી સિપાઇ જોડાઈ જાય છે. આજે સંસારમાં જ્યાં પણ અમાનવીય ઘટનાઓ બને છે, તેમાં કામ સહિત તેના વંશજ ક્રોધ, લોભ, મોહ, અહંકાર, નફરત વિગેરેનો જ હાથ હોય છે.

એટલા માટે ભગવાન શિવે પણ જાહેરાત કરી છે કે – કામ જીતે જગત જીત. આ કામ છે પ્રથમ આતંકવાદી અને વિશ્વની બાદશાહી છે ઇનામ. વિશ્વની બાદશાહીનું આટલું મોટું ઇનામ આ વિકારની ભયાનકતાનું જીવતું-જાગતું પ્રમાણ છે. આજ સુધીના કલ્પના ઈતિહાસમાં આ પ્રકારના અપરાધીને કાબુ કરવા માટે કોઈપણ જાતનો પ્રયત્ન કરવામાં આવેલ નથી. ભગવાન શિવે જ આટલી મોટી જાહેરાત કરી છે.

વિશ્વ વિજયી બનવાના સપના નેપોલિયન તથા સિકંદરે પણ રાખ્યા હતા પરંતુ તેઓ બની ન શક્યા. કારણ કે સૈન્ય બળથી, ભૌતિક સંપત્તિના બળથી ક્યારેય કોઈ વ્યક્તિ વિશ્વ વિજઈ નથી બની શકતો. માટે જ કહેવાયું છે કે – ફક્ત તપસ્યા દ્વારા જ રાજાઇ પ્રાપ્ત થાય છે. ” કામ જીતે જગત જીત”. કામ પર વિજય મેળવવો તે સૌથી મોટી તપસ્યા છે. આજકાલના સમયમાં થોડા સમયની જીત પણ ઇનામ સાથે જોડાયેલ હોય છે. જેવી રીતે ચૂંટણી જીતવા વાળાને રાજનીતિમાં પદની પ્રાપ્તિ થાય છે. હરીફાઈમાં જીત મેળવવા વાળાને પ્રમાણપત્ર આપવામાં આવે છે. તે જ રીતે “કામજીત” ને “નિર્વિકારી વિશ્વની બાદશાહી” મળે છે. જેમાં નારી અને નર દિવ્ય તેજ તથા ડબલ તાજ થી સુશોભિત હોય છે. તે દુનિયામાં શરીર કંચન જેવું, વ્યવહાર ચંદન જેવો, ઘર મંદિર જેવું તથા અનાજ ખુટે નહીં તેટલું હોય છે. મૃત્યુનો ત્યાં ડર નથી તે દુનિયામાં અખંડ સૌભાગ્ય તથા તત્વો ઉપર અધિકાર પ્રાપ્ત થાય છે.

દ્વાપર અને કળિયુગ એ બે યુગોમાં મનુષ્ય કામને જીતવાનો પુરુષાર્થ કરે છે, પરંતુ તેમાં અસફળ રહે છે. માટે જ તે ભગવાનને પ્રાર્થના કરે છે કે “વિષય વિકાર મિટાવો”, “મનને શુદ્ધ કરો” વિગેરે વિગેરે. પરમ કલ્યાણકારી ભગવાન શિવ મનુષ્ય માત્રની પ્રાર્થના સાંભળી 1936 ના વર્ષમાં આ ધરતી પર અવતરીત થયા છે. તેઓ પ્રજાપિતા બ્રહ્માના મુખ દ્વારા સર્વ પ્રથમ વરદાન “પવિત્ર ભવ” નું જ આપે છે. ભગવાન કહે છે પવિત્રતા તમારો મૂળભૂત સંસ્કાર છે. જેને પ્રાપ્ત કરવા માટે કોઈ મહેનત નથી કરવી પડતી. સંપૂર્ણ પવિત્રતાનો અર્થ છે મન-વચન-કર્મ તથા સપનામાં પણ સંપૂર્ણ પવિત્રતા. પવિત્રતાની અગ્નિથી વિશ્વનો કિચડ એક સેકન્ડમાં ભસ્મ થઈ શકે છે. પવિત્રતાની દુઆમાં ઘણી શક્તિ છે, જે માયાના વિઘ્નો થી બચાવે છે. માટે જ પવિત્રતાની મહિમાને સમજી અત્યારથી જ પૂજ્ય દેવાત્મા બનો.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

પરિણીતી ચોપડા, રાઘવ ચઢ્ઢાનાં લગ્નમાં 100 સુરક્ષા ગાર્ડ તહેનાત

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા અને રાજકારણી રાઘવ ચઢ્ઢાના વેડિંગ વેન્યુ હોટેલ લીલા પેલેસ પર બહુ ટાઇટ સિક્યોરિટી થવાની છે. આ બંનેનાં શાહી લગ્નમાં 100 સિક્યોરિટી ગાર્ડ અને ફોન પર બ્લુ ટેપના નિયમની સાથે આકરી સુરક્ષા વ્યવસ્થા હશે.

આ બંનેનાં પંજાબી લગ્નમાં હોટેલ લીલા પેલેસમાં ભવ્ય સમારંભ યોજવામાં આવશે. ઉત્સવ સ્થળ પર પિચોલા સરોવરમાં ચારથી પાંચ બોટો પર સુરક્ષા ગાર્ડ તહેનાત હશે. ઘાટ પર પણ વિશેષ સુરક્ષા ગાર્ડ તહેનાત કરવામાં આવશે. બધા મહેમાન ધીમે-ધીમે ઉદયપુર પહોંચી રહ્યા છે.

આ લગ્નમાં પ્રાઇવસી જાળવી રાખવામાં આવશે, જેથી હોટેલ આખી સિક્યોરિટી સિસ્ટમને ફેરવી કાઢવામાં આવશે. જો કર્મચારી વગર કોઈ પણ વ્યક્તિ હોટેલમાં આવશે તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. પોલીસે પણ 15 જગ્યાએ સિક્યોરિટી કારણોસર બંદોબસ્ત રાખ્યો છે. સિક્યોરિટી પર સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવશે. પરિણીતી અને અન્ય મહેમાનોની એરપોર્ટથી હોટેલ સુધીની સિક્યોરિટી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે, વધારાની ફોર્સ અને ખાનગી ગાર્ડ એરપોર્ટ પર ગોઠવી દેવામાં આવશે.

રાઘવ અને પરિણીતીનાં શાહી લગ્નમાં મહેમાનો માટે નો-ફોન પ્રતિબંધ થશે. આ લગ્ન પ્રસંગમાં સીમિત લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં વરવધૂના પરિવાર અને નજીકના મિત્રો સામેલ થશે. આ લગ્નના ફોટો અને વિડિયો ક્લિક અને રેકોર્ડ થવાથી અટકાવવા માટે મોબાઇલ કેમેરા પર બ્લુ ટેપ ચિપકાવવામાં આવશે. આ બંને જણની સગાઈ મેમાં થઈ હતી, ત્યારે ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, છતાં સગાઈના ફોટો અને વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયા હતા.

 

 

 

 

 

 

બોલીવુડ હસ્તીઓએ કર્યાં ‘લાલબાગચા રાજા’ ગણપતિનાં દર્શન

શિલ્પા શેટ્ટી, પૂજા હેગડે, સની લિઓની, રિદ્ધિ ડોગરા જેવી બોલીવુડ અભિનેત્રીઓ અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ 22 સપ્ટેમ્બર, શુક્રવારે મુંબઈમાં પરેલના લાલબાગ વિસ્તારસ્થિત ‘લાલબાગચા રાજા’ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ખાતે જઈને ભગવાન ગણપતિનાં દર્શન કર્યાં હતાં. ઉપરની તસવીરમાં શિલ્પા શેટ્ટી તેની માતા સુનંદા શેટ્ટી સાથે છે.

પૂજા હેગડે

રિદ્ધિ ડોગરા

કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને એમના પત્ની લિઝેલ ડિસોઝા

સની લિઓની એનાં પતિ ડેનિયલ વેબર સાથે

અરુણાચલના ખેલાડીઓ મુદ્દે ચીનને ભારતનો જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના ત્રણ વુશુ ખેલાડીઓને એશિયન ગેમ્સ માટે પ્રવાસની મંજૂરી નહીં આપવામાં આવતાં ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. ચીનની સામે આકરો વિરોધ દર્શાવવા ઉપરાંત સ્પોર્ટ્સ અને યુવા મામલાના મંત્રી અનુરાગ ઠાકુરે પણ એશિયન ગેમ્સ માટેનો ચીનનો પ્રવાસ રદ કર્યો છે.

આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ ચૌધરીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારને માલૂમ પડ્યું છે કે ચીની અધિકારીઓએ પૂર્વ નિર્ધારિત રીતે અરુણાચલ પ્રદેશના કેટલાક ભારતીય ખેલાડીઓને ચીનના હાંગઝુમાં થવારા 19મી એશિયન ગેમ્સમાં માન્યતા અને પ્રવેશથી વંચિત કરીને તેમની સાથે ભેદભાવ કર્યો છે. ભારત દ્રઢતાથી જાતીયતાને આધારે ભારતીય નાગરિકોની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહારને અસ્વીકાર કરે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ હતું, છે અને રહેશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ચીન દ્વારા અમારા ખેલાડીઓને જાણીબૂજીને અટકાવવાની વિરુદ્ધ નવી દિલ્હીએ બીજિંગ સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. ચીનની કાર્યવાહી એશિયન ગેમ્સની ભાવના અને તેમના આચરણને નિયંત્રિત કરવાવાળા નિયમો- બંનેનું ઉલ્લંઘન કરે છે. આ સિવાય ચીની કાર્યવાહીનો ભારત સખત વિરોધ કરે છે.

ભારતના ત્રણ વુશુ ખેલાડીઓ-ન્યેમાન વાંગ્સુ, ઓનિલ તેગા અને મેપુંગ લામ્ગુને ચીને એશિયન ગેમ્સમાં પ્રવેશ આપવાથી વંચિત કરી દીધા હતા. આ ત્રણે ભારતીય ખેલાડીઓ અરુણાચલ પ્રદેશથી છે. ભારતીય વુશુ ટીમના બાકીના સભ્યો- જેમાં સાત અન્ય ખેલાડીઓ અને કર્મચારીઓ સામેલ હતા. અરુણાચલ પ્રદેશના ખેલાડીઓને વિમાનમાં બેસવાની મંજૂરી નહોતી આપવામાં આવી, કેમ કે બોર્ડિંગ માટે કોઈ ઉચિત મંજૂરી નહોતી. આના વિરોધમાં ભારતે પૂરી વુશુ ટીમને ઇવેન્ટમાંથી દૂર કરી હતી.