Home Blog Page 2504

અમારા માટે મહિલા અનામત રાજકારણનો મુદ્દો નથી પરંતુ માન્યતાનો પ્રશ્ન : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે આ યુગ બદલતું બિલ છે. મારી પાર્ટી અને મારા નેતા વડાપ્રધાન મોદીજી માટે મહિલા અનામત એ રાજકારણનો મુદ્દો નથી, પરંતુ માન્યતાનો પ્રશ્ન છે. મે મહિનાની કાળઝાળ ગરમીમાં પટવારીથી માંડીને મુખ્યમંત્રી સુધીની આખી સરકાર દરેક ગામડામાં જઈને છોકરીઓની શાળાઓમાં નોંધણી કરાવતી હતી. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાત રાજ્યમાં ભાજપ સંગઠનમાં મહામંત્રી હતા ત્યારે વડોદરા કારોબારીમાં સંગઠનાત્મક પદોમાં મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવાનો નિર્ણય લેવાયો હતો. હું ગર્વથી કહી શકું છું કે અમારો આમ કરનાર પ્રથમ પક્ષ છે.

અગાઉ તેમણે કહ્યું હતું કે આવતીકાલ ભારતીય સંસદના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. ગઈકાલે વર્ષોથી પેન્ડિંગ રહેલું મહિલાઓને અધિકાર આપવાનું બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. અમુક પક્ષો માટે મહિલા સશક્તિકરણ રાજકીય એજન્ડા અને ચૂંટણી જીતવાનું રાજકીય સાધન હોઈ શકે છે, પરંતુ ભાજપ અને પીએમ મોદી માટે તે રાજકીય મુદ્દો નથી.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩

નોએડામાં શાકભાજી વિક્રેતાને નિર્વસ્ત્ર કરીને મંડીમાં ફેરવાયો, જાણો…

નવી દિલ્હીઃ દિલ્હીની બાજુમાં નોએડાથી માનવતાને નેવે મૂકતો એક વિડિયો વાઇરલ થયો છે. આ વાઇરલ વિડિયોમાં એક શાકભાજી વિક્રેતાને સંપૂર્ણ નિર્વસ્ટ્ર કરીને બજારમાં ફેરવવામાં આવ્યો હતો. આ સાથે તેનો બજારમાં ફરતો વિડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જે વાઇરલ થયો હતો.

આ પીડિત શખસ રૂ. 3100ના ઉધાર બાકી હતા. આ બાકી રકમ ના ચૂકવતા તેને મંડીના કેટલાક લોકોએ બેરહેમીથી મારપીટ કરી હતી અને એ પછી એને નિર્વસ્ત્ર કરીને બજારમાં ફેરવ્યો હતો. જોકે વિડિયો વાઇરલ થયા પથી એક કમિશન એજન્ટ સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

વાસ્તવમાં આ શાકભાજી વિક્રેતાએ આરોપીઓ પાસેથી રૂ. 3100 ઉધાર લીધા હતા અને એ પૈસાથી તેણે લસણની ખરીદી કરી હતી. ત્યાર બાદ એને લસણના વેચાણમાં નુકસાન થતાં તે જેતે વેપારીને પૈસા ચૂકવી નહોતો શક્યો. સમય પર પૈસા નહીં ચૂકવામાં આવતાં તે ટેન્શનમાં હતો. ઉધાર આપનારા આરોપીઓ તેને હેરાન પરેશાન કરતા હતા. જોકે આ વિડિયો વાઇરલ થતાં સોશિયલ મિડિયા પર  લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. લોકોએ આરોપીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહીની માગ કરી હતી.

આ મામલે SHOનું કહેવું હતું કે આ ઘટનાની તપાસમાં માહિતી મળી હતી કે લેવડદેવડના ચક્કરમાં પીડિતની મારપીટ કરવમાં આવી હતી. પીડિતના નિવેદનને આધારે FIR નોંધવામાં આવી હતી. આરોપીઓ ફરાર છે, પણ ધરપકડ માટે ટીમ મોકલવામાં આવી છે.

 

 

 

 

 

મહિલા અનામત બિલ પર રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન

લોકસભામાં મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ બિલ) પરની ચર્ચામાં ભાગ લેતા બુધવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બિલને પરિવર્તનકારી ગણાવ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે, અમે મહિલા અનામત બિલને સમર્થન આપીએ છીએ, તે મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. દેશની આઝાદી માટે પણ મહિલાઓએ લડત આપી છે. આ લોકો આપણા સમાન છે અને ઘણી બાબતોમાં આપણા કરતા પણ આગળ છે, પરંતુ બિલ અધૂરું છે. આમાં અમે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની મહિલાઓ માટે અનામતની માંગણી કરીએ છીએ. તેમણે કહ્યું કે બિલને લાગુ કરવા માટે નવી વસ્તી ગણતરી અને સીમાંકનની જરૂર છે, પરંતુ મારો અભિપ્રાય છે કે તેને હવે લાગુ કરી શકાય છે. આ માટે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની રહેશે.

જ્ઞાતિની વસ્તી ગણતરી પર શું કહ્યું?

કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ગૃહમાં કહ્યું, જ્યારે વિપક્ષ જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવે છે, ત્યારે ભાજપ ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે.” આ માટે એક નવી ઇવેન્ટનું આયોજન કરે છે. આ એટલા માટે કરવામાં આવે છે જેથી ઓબીસી અને ભારતીય લોકો તેના પર ધ્યાન ન આપે. રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકારના 90 સચિવોમાંથી માત્ર 3 OBCના છે. તેમણે કહ્યું, “સંસ્થાઓમાં ઓબીસીની ટકાવારી અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, પરંતુ કેન્દ્ર સરકારમાં 90 સચિવોમાંથી માત્ર 3 OBC સમુદાયમાંથી આવે છે. તેઓ ભારતના બજેટના પાંચ ટકાનું નિયંત્રણ કરે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંસદના નીચલા ગૃહમાં દાવો કર્યો હતો કે આ ઓબીસી સમુદાયનું અપમાન છે. કેટલા દલિત અને આદિવાસીઓ છે? આ પ્રશ્નના જવાબ માટે જાતિની વસ્તી ગણતરી જરૂરી છે. અમારા દ્વારા હાથ ધરવામાં આવેલી વસ્તીગણતરીનો ડેટા વહેલામાં વહેલી તકે જાહેર કરો અન્યથા અમે તે કરીશું.

નિફ્ટ ગાંધીનગરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરાઈ

ગાંધીનગરઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી-ગાંધીનગરમાં ગણેશ ચતુર્થીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાએ ઇકો ફ્રેન્ડલી અને ખૂબ ઉત્સાહપૂર્વક ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. સંસ્થાના વિદ્યાર્થીઓ સમર્પણ ભાવ અને પર્યાવરણને ધ્યાનમાં રાખતા ઉત્સાહપૂર્વક ગણપતિની મૂર્તિ લાવ્યા હતા.

ગણેશોત્સવનો પ્રરંભ તાનારિરિની સાથે થયો હતો, જ્યાં ભગવાન શ્રીગણેશનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર ડો. સમીર સુદ અને જોઇન્ટ ડિરેક્ટર પ્રો. પ્રણવ વોરા હાજર રહ્યા હતા.  ભગવાન ગણેશ મૂર્તિને મહારાષ્ટ્રિયન ઢોલ-નગારાં અને પરંપરાગત રીતે જ્યારે કેમ્પસમાં લાવવામાં આવી, ત્યારે ડિરેક્ટર અને વિદ્યાર્થીઓ સહિત હાજર રહેલા લોકોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ ભર્યું વાતાવરણ હતું.ભાગવાન ગણેશની સ્તુતિ અને મંત્રથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.  

ત્યાર બાદ ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યા પછી આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભગવાનને પ્રિય મોદકનો પ્રસાદ કરવામાં આવ્યો હતો અને એને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ તેમ જ હાજર રહેલા સૌને વહેંચવામાં આવ્યો હતો. સંસ્થામાં ગણેશોત્સવ વખતે ખૂબ ઉલ્લાસનું વાતાવરણ હતું.  આ સાથે ગણેશ મૂર્તિનું વિસર્જન આજે સાંજે કરવામાં આવ્યું હતું, ત્યારે બધા વિદ્યાર્થીઓ, ફેકલ્ટીના સભ્યો આ પ્રસંગે હાજર રહ્યા હતા.

 

 

ટીવી સિરિયલના સેટ પર વીજળીનો આંચકો લાગતાં કર્મચારીનું મૃત્યુ

મુંબઈઃ અહીંના ગોરેગાંવ ઉપનગરમાં એક ટીવી સિરિયલના શૂટિંગ માટેના સેટ પર વીજળીનો કરંટ લાગતાં યૂનિટના એક કર્મચારીનું મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. મૃતકનું નામ છે મહેન્દ્ર યાદવ. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના પ્રમુખ સુરેશ ગુપ્તાએ કહ્યું છે કે યાદવને સિરિયલના શૂટિંગ વખતે વીજળીનો આંચકો લાગ્યા બાદ નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ત્યાંના ડોક્ટરોએ એને મૃત લાવેલો ઘોષિત કર્યો હતો.

ગુપ્તાએ માગણી કરી છે કે મહારાષ્ટ્ર સરકાર મૃતક યાદવના પરિવારજનોને વળતર પેટે રૂ. 50 લાખ ચૂકવે. તદુપરાંત આ સિરિયલના નિર્માતા અને નિર્માણ કંપની સામે પોલીસ કેસ પણ નોંધવામાં આવે.

ગુજરાત: નર્મદા ડેમમી જળ સપાટી 138.67 મીટર પહોંચી

નર્મદા ડેમમી જળ સપાટી 138.67 મીટર પહોંચી છે. જેમાં પાણીની આવક 4.15 લાખ ક્યૂસેક થઇ છે. તથા પાણીની જાવક 4 લાખ ક્યુસેક છે. તેમાં 23 દરવાજા ખોલી હજુય પાણી છોડાય છે. તથા મુખ્ય કેનાલમાં 17 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. તેમજ ધરોઇ ડેમમાંથી પાણી છોડાતાં વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા છે. જેમાં 18,183-ક્યૂસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. સંતસરોવર અને નર્મદા કેનાલમાંથી પાણી વહેલી સવારથી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે. હાલમાં પાણીની આવક વધતાં સાબરમતી નદીનું લેવલ 128 રાખવામાં આવ્યું છે. ધરોઇ ડેમ અને સંત સરોવરમાંથી જે પાણી હાલમાં છોડવામાં આવ્યું છે તેની અસર લોઅર પ્રોમિનાડને થશે નહીં. જોકે, અમદાવાદ જિલ્લામાં આવેલા નીચાણવાળા ગામડામાં તેની અસર દેખાશે.

ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતાં વાસણા બેરેજના 15 દરવાજા ખોલીને 18,183 ક્યુસેક પાણીનો નિકાલ કરાયો હતો. પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. વાસણા બેરેજના 15 ગેટ ઓપન કરતાં પાણીનો નિકાલ કરવાને પગલે નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસી જવા માટે રહીશોને સૂચના અપાઈ છે.

વાસણા બેરેજના 10 ગેટ ખોલવામાં આવ્યા હતા. જેમાં ગેટ નં.- 19 થી 24 અઢી ફૂટ અને ગેટ – 26,27,29 અને 30 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. સાંજે 4 વાગ્યા સુધીમાં વસાણાં બેરેજના 15 ગેટ ખોલવામાં આવ્યા હતા. જેમાં 14 થી 14 ગેટ અઢી ફૂટ, 26 અને 27 ગેટ 5 ફૂટ અને 29., 30 ગેટ 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને 18,183 ક્યુસેક પાણીનો નિકાલ કરાયો હતો. વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક જોવા મળી છે.

ગુજરાતમાં નવા સીમાંકન બાદ વિધાનસભામાં મહિલાઓ માટે બેઠકો વધી જશે

રાજ્યમાં નવા સીમાંકન બાદ વિધાનસભામાં મહિલાઓ માટે બેઠકો વધી જશે. જેમાં નવા સીમાંકન બાદ ગુજરાત વિધાનસભામાં 76 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. 50 % મહિલા અનામતવાળા ગુજરાતને ’33 ટકા’નો મજબૂત લાભ મળશે. તથા હાલમાં 182 પૈકી 13 મહિલા MLA છે, નવા સીમાંકનથી કુલ બેઠકો 230ને પાર થશે! લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ પર આજે ચર્ચા થશે. જેમાં લોકસભામાં સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી ચર્ચા થશે. તેમાં બિલ પર ચર્ચા માટે 7 કલાકનો સમય નક્કી કરાયો છે. બિલ પર કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી બોલશે. ભાજપ તરફથી નિર્મલા સીતારમણ બિલ પર બોલશે. તથા સ્મૃતિ ઈરાની, દીયા કુમારી, ભારતી પવાર પણ બોલશે. તેમજ ભાજપથી અપરાજિતા સારંગી, સુનીતા દુગ્ગલ પણ બોલશે.

લોકસભાની કુલ બેઠકો 800 પહોંચશે તો ગુજરાતમાં 42માંથી 14 મતક્ષેત્રો મહિલા માટે રહેશે. ભારતની સંસદે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવા વિધેયક રજૂ કર્યુ છે. આ વિધેયક પસાર થયા બાદ તેનો અમલ નવા સીમાંકન પછી કરવામાં આવશે. પ્રાથમિક અનુમાન મુજબ નવા સીમાંકનથી ભારતમાં લોકસભાની બેઠકો 543માંથી વધીને 800ને પાર થશે. તે જ પ્રમાણે ગુજરાત વિધાનસભાની બેઠકો પણ 182થી વધીને 230 થવાની ધારણાં છે. આ સ્થિતિમાં 33 ટકા મહિલા જનપ્રતિનિધિત્વ દાખલ થતા આગામી ચાર- પાંચ વર્ષ પછી ગુજરાત વિધાનસભામાં મહિલાઓ માટે 76 બેઠકો અનામત રહી શકે છે.

માત્ર વિધાનસભા જ નહી પરંતુ, નવા સીમાંકન બાદ લોકસભાની બેઠકો જો 800ને પાર થશે તો ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોની સંખ્યા પણ 26થી વધી 42 આસપાસ રહશે. તેમાંથી 33 ટકા લેખે 14 મતક્ષેત્રો મહિલાઓ માટે અનામત રહેશે તેવુ પ્રારંભિક અનુમાન છે. સંસદમાં રજૂ થયેલા 33 ટકા મહિલા અનામતના સુધારાથી ગુજરાતને મજબૂત લાભ મળશે ! કારણ કે, ગુજરાતમાં 12 વર્ષ પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અર્થાત ત્રિ- સ્તરીય પંચાયતી રાજની સંસ્થાઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકામાં 50 ટકા જનપ્રતિનિધિત્વ (બેઠકો) અને મેયર, પ્રમુખ સહિતના હોદ્દાઓ મહિલાઓ માટે અનામત છે.

મહિલા અનામતઃ બિલ કરતાં ‘વીલ’ જરૂરી

ક્યારેક લોકસભામાં તો ક્યારેક રાજ્યસભામાં, ક્યાંક પસાર થતું તો ક્યાંક અટવાતું આવેલું મહિલા અનામત બિલ ફરીથી લોકસભાના ટેબલ પર ધડામ કરતુંકને પછાડવામાં આવ્યું છે. ફરક એટલો જ છે કે અગાઉ જ્યારે જ્યારે બિલ રજૂ થયું ત્યારે તત્કાલિન સરકાર પાસે સંસદના બન્ને ગૃહમાં પૂરતું સંખ્યાબળ નહોતું (કે પછી પૂરતી ઇચ્છાશક્તિનહોતી). આ વખતે મોદી સરકારે લાગ જોઇને તીર મારેલું છે અને એમની પાસે સંખ્યાબળ ય છે એટલે આ વખતે મહિલા બિલ બન્ને ગૃહની વૈતરણી પાર કરીને વાસ્તવિકતાના કિનારે લાંગરે એવી શક્યતા ઊજળી દેખાય છે.

 

અલબત્ત, એને કાંઠે આવતાં આવતાં હજી ઘણા રાજકીય તોફાનોનો સામનો કરવાનો છે એટલે એની ચર્ચા તો લાંબી ચાલશે, પણ એ હકીકત છે કે દેશના બદલાયેલા રાજકીય હવામાનમાં હવે કોઇપણ રાજકીય પક્ષ આ બિલને આડે આવીને અટકાવવાનું જોખમ લઇ શકે એમ નથી.

કેમ આ બિલ હંમેશા રાજકીય તોફાનને તાણી લાવે છે? આ સમજવા માટે નીચેના મુદ્દાઓ પર નજર ફેરવીએઃ

એકઃ બિલ નહીં, ‘વીલ’નો અભાવ હતો  

છેક 1989ના મે મહિનામાં રાજીવ ગાંધી સરકારે એને લોકસભામાં પસાર કરાવ્યું, પણ રાજ્યસભામાં એ પસાર ન થઇ શક્યું.  એ પછી 1992-93માં પી. વી. નરસિંહારાવની સરકારે મહિલાઓને અનામત આપવાની વેતરણ તો કરી, પણ બંધારણના એ 72 અને 73મા સુધારામાં ફક્ત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પંચાયતો અને નગર-મહાનગરપાલિકાઓમાં જ આરક્ષણની જોગવાઇ થઇ શકી. 12 સપ્ટેમ્બર, 1996 ના રોજ દેવગૌડા સરકારે 81મો બંધારણીય સુધારો રજૂ કરીને આ બિલ રજૂ કર્યું, પણ ખુદ દેવગૌડાજીની સરકાર જ ખોડંગાતી ખોડંગાતી ચાલતી હતી તો એમાં આ બિલ ક્યાંથી પસાર થાય?

વચ્ચે ગીતા મુખરજીના વડપણ હેઠળ કમિટી ય બની અને એની ભલામણો ય આવી, પણ એ સમયગાળાની સરકારો બહુમતીવાળી નહીં, પણ ટેકણલાકડીથી ચાલતી સરકારો હતી એટલે કોઇપણ સરકાર પાસે બિલને કાયદો બનાવવાનું વીલ કે બહુમતી નહોતા. વાજપેયી સરકારે 1998, 1999, 2002 અને 2003માં એમ ચાર પ્રયત્ન કર્યા, પણ નિષ્ફળતા જ હાથ લાગી. માયાવતી, જયલલિતા અને મમતા જેવી બહેનોથી પરેશાન થતી આવેલી વાજપેયી સરકાર બહેનોનું જ બિલ પાસ ન કરાવી શકી!

છેલ્લે, મનમોહનસિંહની સરકારે 9 માર્ચ, 2010ના રોજ રાજ્યસભામાં આ બિલ પસાર કરાવ્યું, પણ લોકસભામાં એ ઠેબે ચડ્યું તે ચડ્યું તે છેક હવે 2023માં મોદી સરકારે ફરીથી એને લોકસભામાં રજૂ કર્યું છે. જે રીતે આ બિલ બન્ને ગૃહમાં વારંવાર પછડાતું આવ્યું છે એમાંથી એક જ અર્થ નીકળે છેઃ જે તે સમયની સરકારો અને વિરોધ પક્ષોમાં બિલ માટેના વીલનો અભાવ હતો.

બેઃ  આવું ખાલી ભારતમાં જ છે?

યુનાઇટેડ નેશન્સની પાંખ યુએન-વિમેનના અહેવાલ પ્રમાણે, 1 જાન્યુઆરી, 2023ની સ્થિતિએ વિશ્વના 31 દેશમાં 34 મહિલા કાં તો રાષ્ટ્રના વડા તરીકે, કાં તો સરકારના વડા તરીકે કાર્યરત છે. ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનના આંકડા કહે છે કે, વિશ્વભરના પાર્લામેન્ટ્સમાં મહિલાઓની ભાગીદારી સરેરાશ 26.2 ટકા છે. ભારતમાં 2019માં લોકસભામાં સૌથી વધારે 78 મહિલા સભ્યો છે તો રાજ્યસભામાં 2014માં સૌથી વધારે 31 મહિલા સભ્યો હતી. આ દ્રષ્ટિએ ભારતમાં આ સરેરાશ 12.7 થી 14 ટકા રહી છે.

એક સમયે દુનિયાએ માર્ગારેટ થેચર, એન્જેલા માર્કેલ અને ઇન્દિરા ગાંધી જેવી મહિલાઓને શક્તિશાળી રાષ્ટ્ર પર શાસન કરતી પણ જોઇ છે. ન્યુઝીલેન્ડ અને ફિનલેન્ડ જેવા નાનકડાં રાષ્ટ્રોની યુવાન મહિલા શાસકો હમણાં સુધી ન્યુઝમાં રહેતી આવી છે, તો આઇરની એ પણ છે કે અમેરિકા જેવા વિશ્વના સૌથી લિબરલ અને ડેમોક્રેટિક ગણાતા દેશમાં હજુ કોઇ મહિલા પ્રમુખ બની શકી નથી.

ત્રણઃ ભારતમાં વિરોધાભાસ કે ફક્ત ભાસ?

આપણે ત્યાં મહિલાના દરજ્જા, સમાનતાની વાત નીકળે (ખાસ કરીને મહિલા દિન વખતે) એટલે સોશિયલ મિડીયાના ચોતરે વાકપટુઓ બન્ને તરફની લોકપ્રિય દલીલો ફેંકવા માંડે છે કે, આ દેશમાં તો ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા’ના સંસ્કાર છે. તો સામે એ જ દેશમાં સતીપ્રથા જેવા કુરિવાજો ય છે અને મહિલાને પુરુષ પોતાની ‘સંપત્તિ’ કે ‘ચીજ’ પણ ગણે છે.

ઇનશોર્ટ, મહિલાના દરજ્જાને લઇને આપણે ત્યાં જે વિરોધાભાસ છે એ રાજકારણમાં ય છે. 1947માં જે દેશની ગણના સાવ પછાત અને ગરીબ દેશ તરીકે થતી હતી એ દેશનું બંધારણ ઘડવામાં રાજકુમારી અમ્રિત કૌર, હંસા મહેતા અને સરોજિની નાયડુ જેવી પંદર વિદૂષીનો પણ સિંહણફાળો હતો. અમુક રાષ્ટ્રોમાં મહિલાઓને મતાધિકાર નહોતો ત્યારે ભારતમાં મહિલાઓ કોને મતાધિકાર આપવો એ નક્કી કરવામાં આગળ હતી. અમેરિકાએ હજુ મહિલા રાષ્ટ્રપ્રમુખ આપી નથી, પણ ભારત વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ એમ બન્ને પદ પર મહિલાને ક્યારનુંય બેસાડી ચૂક્યું છે.

અલબત્ત, ફેસબુકમાં પોપ્યુલર લાગે એવી આ બધી દલીલો સામસામે અસ્તિત્વ ધરાવતી હોવા છતાં સત્ય એ છે, મહિલાઓની રાજકારણમાં ભાગીદારીના વાત આવે તો ભારત વિશ્વની એવરેજ કરતાં હજુ પાછળ છે. આપણે ત્યાં અમુક અપવાદો સિવાય મહિલાઓની રાજકારણમાં ભાગીદારી એ પણ ફક્ત એક ‘ભાસ’ છે.

ભાસ એટલા માટે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામત આવ્યા પછી દેશભરમાં અંદાજે 15 લાખ મહિલાઓ પંચાયત અને પાલિકાઓમાં (ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના અંબર કુમાર ઘોષના એક સંશોધનપત્ર પ્રમાણે) બિરાજતી હોવા છતાં સાચો વહીવટ એમના પતિદેવો જ કરે છે. અપવાદો સિવાય વિધાનસભા અને લોકસભામાં આવતી મહિલાઓમાંથી મોટાભાગની મહિલાઓ કાં તો રાજકીય ઘરાનામાંથી આવે છે અને કાં તો એ એમના પતિ-પિતા-ભાઇની ‘પ્રોક્સી’ તરીકે ચૂંટાઇને આવેલી છે. એક અંદાજ પ્રમાણે, 2019ની લોકસભા ચૂંટણીમાં 716 મહિલા ઉમેદવાર હતી, જે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા છે, પણ એમાંથી 41 ટકા મહિલાઓ કોઇકને કોઇક રાજકીય પરિવારમાંથી જ આવતી હતી. કહેવાનો મતલબ એ જ છે કે હિલેરી ક્લિન્ટન અમેરિકાની સેક્રેટરી ઓફ સ્ટેટ જેવા પાવરફૂલ પદ પર હોય એ મહિલાની રાજકારણમાં ભાગીદારીની વાસ્તવિકતા છે, પણ રાબડીદેવી બિહારની મુખ્યમંત્રી હોય એ મહિલા ભાગીદારીનો ફક્ત ભાસ છે.

એ પણ ભૂલવા જેવું નથી કે આપણા સામાજિક-રાજકીય માહોલમાં મહિલાઓ માટે રાજકારણમાં સ્વતંત્ર રીતે, પોતાની મહેનત અને ક્ષમતાથી આગળ વધવું એ એટલું જ દુષ્કર પણ છે. રાત-દિવસ જાહેરજીવનમાં રખડવા માટે કાં તો ‘કાસ્ટીંગ કાઉચ’નો ય સામનો કરવો પડે ને મહત્વાકાંક્ષી હો તો કેટલાય સમાધાનો કરવા પડે. ન ગમે, પણ આ નગ્ન સત્ય છે.

આ સંજોગોમાં વિધાનસભા-લોકસભામાં 33 ટકા મહિલા અનામત આવ્યા પછીય ખરા અર્થમાં લાયક અને સક્ષમ હોય એવી કેટલી મહિલાઓ ત્યાં સુધી પહોંચી શકે છે એ પણ સવાલ છે.

ચારઃ બિલ વિપક્ષી એકતાનું ‘વીલ’ તોડશે?  

2024ની લોકસભા ચૂંટણીના સાત મહિના પહેલાં જ આ બિલ લાવીને મોદી સરકારે રાજકીય રીતે આમ તો પાક્કું તીર માર્યું છે. બિલનો અમલ 2024 ની ચૂંટણીમાં થવાનો નથી, કેમ કે 2021ની વસતી ગણતરી હજુ બાકી છે અને નવા સિમાંકનની પ્રક્રિયા હજુ 2026માં હાથ ધરાવાની છે એટલે ચૂંટણીમાં અમલ નહીં થાય તો ય બિલ પાસ કરાવવાનો જશ આ સરકારને મળવાનો છે.

વળી, આ બિલ વિપક્ષી એકતામાં પણ ભંગાણ પડાવી શકે છે. 2010માં મનમોહનસિંહની સરકાર વખતનો રાજકીય ઘટનાક્રમ યાદ કરી જોજો. નીતિશકુમાર અને શરદ યાદવ વચ્ચેના ભંગાણનું કારણ આ બિલનું સમર્થન જ હતું. સમાજવાદી પક્ષ અને આરજેડી પણ આડા ફાટેલા. આ વખતે વિપક્ષી મોરચો નામે ઇન્ડિયા માંડમાંડ એક અને મજબૂત દેખાતો હતો એમાં આ બિલના કારણે ફાચર પડી શકે છે.

કોંગ્રેસ તો આઉટરાઇટ આ બિલના સમર્થનમાં છે, પણ અન્ય કોઇ પક્ષ પણ સીધી રીતે મહિલા અનામતનો વિરોધ કરી શકે એમ નથી, પણ અનામત ક્વોટામાં ય એસસી-એસટી-ઓબીસી માટે આરક્ષણને લઇને એમાં રોડાં તો નાખી જ શકાય છે. આ સંજોગોમાં બિલ ક્યાંક અટવાય તો અપજશ ય વિપક્ષને જ મળે. વિપક્ષી મોરચો તૂટવાને કારણ ય મળે. ઇનશોર્ટ, આ બિલ આગામી સમયનો રાજકીય ઘટનાક્રમ નક્કી કરશે.

સૌથી મજાની વાત એ છે કે, દેશની કોઇપણ મહિલાને મત આપવાની સાથે સાથે ચૂંટણી લડવાનો અધિકાર છે એ વાત તો બંધારણના આર્ટીકલ 325 અને 326માં લખીને આપી દેવાઇ છે. રાજકારણમાં મહિલાઓની ભાગદારી વધે એ માટે બંધારણ ઘડનારાઓએ દૂરંદેશી વાપરીને આ જોગવાઇ કરેલી. કમનસીબે, એને વાસ્તવમાં લાવતા 75 વર્ષ લાગ્યા છે, અને તો પણ, આ દર(બિલ)માંથી હિલેરી ક્લિન્ટનો વધારે નીકળે છે કે રાબડીદેવીઓ એ હજુ અનિશ્ચિત છે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)   

(તસવીરો પ્રતીકાત્મક છે.)

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જર્સીમાં મોટો ફેરફાર

વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. 5 ઓક્ટોબરથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં ટીમ ઈન્ડિયાની નવી જર્સી બહાર આવી છે જે હાલની જર્સીથી એકદમ અલગ છે. તેનો રંગ વાદળી રહે છે પરંતુ તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જર્સી બનાવનારી કંપની Adidas એ 2 મિનિટનું રાષ્ટ્રગીત લોન્ચ કર્યું છે જેમાં વિરાટ-રોહિત અને અન્ય ખેલાડીઓ જોવા મળે છે. આ ગીતમાં વિરાટ-રોહિતે નવી જર્સી પહેરી છે. તમને જણાવી દઈએ કે નવી જર્સીમાં ટીમ ઈન્ડિયાના ખભા પરની ત્રણ પટ્ટીઓ સફેદ નથી. આમાં ત્રિરંગાના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે આ વીડિયોમાં ખેલાડીઓની છાતી પર સ્પોન્સર ડ્રીમ 11 લખવામાં આવ્યું છે, પરંતુ ICC ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની છાતી પર ભારત લખવામાં આવશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની જર્સી 20 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે.

 

તેનો હેતુ ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાનો છે

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ બે વખત વર્લ્ડ કપ જીતી ચુકી છે. 1983 બાદ ટીમ ઈન્ડિયાએ 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. હવે ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું જોઈ રહી છે. આ એડિડાસ રાષ્ટ્રગીતની થીમ પણ છે. આ થીમ સોંગ પ્રખ્યાત રેપર રફ્તાર દ્વારા ગાયું છે. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ પણ વર્લ્ડ કપ જીતે તેવી આશા છે. આ ટીમ શાનદાર ફોર્મમાં છે અને તેના તમામ ખેલાડીઓ ફોર્મમાં આવી ગયા છે. કેએલ રાહુલ અને જસપ્રિત બુમરાહની ફિટનેસ પણ શાનદાર છે અને તેઓ સારી સ્થિતિમાં હોવાનું જણાય છે. ઉપરાંત એશિયા કપમાં મોહમ્મદ સિરાજે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ જીત્યો છે અને હવે તેને વર્લ્ડ કપ જીતવાની આશા છે.