Home Blog Page 2505

વાઈબ્રન્ટ સમિટ ગુજરાત પહેલાં વધુ પાંચ MoU થયા

ગાંધીનગરઃ આવતા વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જેના ભાગરૂપે અત્યારથી જ તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જાન્યુઆરી-૨૦૨૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પહેલાં રાજ્ય સરકારે વધુ પાંચ MoU કર્યા છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ પાંચ MoU દ્વારા કુલ રૂ.૧,૯૫ કરોડના સંભવિત મૂડી રોકાણો રાજ્યમાં આવશે. અત્યાર સુધી વિવિધ સાત તબક્કામાં કુલ ૧૩,૫૩૬ જેટલા MoU થયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જે MoU થયા છે એમાં પ્લાસ્ટિક, ટેક્સટાઇલ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગ મટીરિયલ ક્ષેત્રે કરવામાં આવ્યા છે, જેમાં નવા એકમો સ્થાપવામાં આવશે. આ નવા એકમો થકી રાજ્યમાં રોજગારીનું સર્જન પણ થશેય

દિશાદર્શનમાં આગામી વાયબ્રન્‍ટ સમિટની શરૂઆત પૂર્વે જુલાઈ-૨૦૨૩થી અત્યાર સુધીમાં સાત તબક્કામાં કુલ રૂ. ૧૩,૫૩૬ કરોડના સંભવિત રોકાણો માટેના MoU થયા છે. આ MoU સાકાર થતાં ૫૦,૭૧૭ જેટલી નોકરીની તકો રાજ્યમાં ઊભી થશે.

સપ્તાહના પ્રારંભે MoU કરવાના આ પાંચ MoU અવસરે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર તથા અધિક મુખ્ય સચિવઓ અને વરિષ્ઠ સચિવો અને MoU કરનારા ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ જોડાયા હતા.

વાઇબ્રન્ટ સમિટને વૈશ્વિક સ્તરે પ્રમોશન કરવાની છ IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેઆ તમામ છ IAS અધિકારી વિવિધ દેશોમાં જઈને સ્થાનિક ઉદ્યોગપતિઓ અને કંપનીઓ સાથે રોકાણના લક્ષ્યાંકો પૂરા કરવા પ્રયાસ કરશે.

 

 

 

ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ રાજસ્થાન તરફનું સર્ક્યુલેશન સક્રિય થયુ છે. જેમાં ગુજરાતના કેટલાક શહેરમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. તેમાં આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. તથા ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાનવિભાગ (આઇએમડી)એ પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે અને અલગ-અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત ગુરુવાર સવાર સુધીની તેમની આગાહીમાં ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી પણ આપી છે.

આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, અતિભારે વરસાદની શક્યતાની સાથે જૂનાગઢ,સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદમાં આગામી 24 કલાક સામાન્ય વરસાદ સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, આજે રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે 20થી 30 સેમી વરસાદ થઈ શકે છે. ભારે વરસાદના કારણે દક્ષિણ રાજસ્થાનની નદીઓમાં પૂરની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન બનાંસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

બંધ થવાને આરે છે અકાસા એર

નવી દિલ્હીઃ નવી જ લોન્ચ કરવામાં આવેલી એરલાઈન અકાસા એર કટોકટીમાં સપડાઈ ગઈ છે. એના 43 પાઈલટોએ રાજીનામું આપી દીધું છે. આ જાણકારી અને કબૂલાત એરલાઈને પોતે જ દિલ્હી હાઈકોર્ટમાં કરી છે. પાઈલટોએ એમના ફરજિયાત નોટિસ પીરિયડનું પાલન કર્યા વગર અચાનક રાજીનામું આપી દીધું છે. એને કારણે એરલાઈનને દરરોજ તેની અસંખ્ય ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી રહી છે. પરિણામે એરલાઈનનું કામકાજ સ્થગિત થઈ ગયું છે.

અકાસા એરના એક એક્ઝિક્યૂટિવનો આરોપ છે કે પાઈલટો એમના કોન્ટ્રાક્ટની શરતોનું ઉલ્લંઘન કરીને હરીફ જૂથોમાં જોડાઈ ગયા છે. એમનું આ પગલું અનૈતિક છે. જો પાઈલટો દ્વારા આ રીતે રાજીનામા આપવાનું ચાલુ રહેશે તો એને આ મહિને પણ 600-700 ફ્લાઈટ્સ રદ કરવી પડશે. ગયા મહિને તેણે 700 ફ્લાઈટ્સ રદ કરી હતી. એરલાઈને હાઈકોર્ટને વિનંતી કરી છે કે તે દેશની એવિએશન રેગ્યૂલેટર સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને આદેશ આપે કે તે ફરજિયાત નોટિસ પીરિયડ નિયમોનો અમલ કરે. આ ઉપરાંત અકાસા એરે એવી માગણી પણ કરી છે કે ફ્લાઈટ્સ રદ કરવાથી એને જે આર્થિક નુકસાન ગયું છે એની સામે રાજીનામું આપનાર પાઈલટો પાસેથી વળતર પેટે રૂ. 22 કરોડની ચૂકવણી કરાય એવો કોર્ટ એમને આદેશ આપે. આ માત્ર કોન્ટ્રાક્ટનો જ નહીં, પરંતુ દેશના એવિએશન નિયમોનો પણ ભંગ છે. એમનું પગલું ગેરકાયદેસર છે એટલું જ નહીં, પરંતુ અનૈતિક અને સ્વાર્થી છે.

સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના 2.5 લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ ફેડ રિઝર્વની મીટિંગમાં લેવાયેલા નિર્ણયોના એલાન પહેલાં HDFC બેન્ક, રિલાયન્સ ઇન્ડ. અને ઇન્ફોસિસની આગેવાની હેઠળ શેરોમાં જોરદાર નફારૂપી વેચવાલી થઈ હતી, જેથી સેન્સેક્સ 67,000ની નીચે આવ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ 19,900ની સપાટી તોડી હતી. જોકે બજાર બંધ થતા સમયે નિફ્ટી 19,900એ બધ આવ્યો હતો. રોકાણકારોના ટ્રેડિંગ સેશનમાં આશરે 2.5 લાખ કરોડ ડૂબ્યા હતા. યુટિલિટી અને પાવર સિવાય બાકીના સેક્ટોરલ ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. કોમોડિટી, ફાઇનાન્શિયલ, મેટલ અને રિયલ્ટી શેરોમાં જોવા મળી હતી.

ભારત અને કેનેડા વચ્ચેના ટેન્શનને કારણે પણ બજારમાં વેચવાલી ફરી વળી હોવાનું કેટલાક રોકાણકારોનું માનવું છે, કેમ કે બંને દેશો વચ્ચે વેપારી સંબંધો પર અસર પડી શકે છે. ભારતીય ઈક્વિટી બજારમાં કેનેડા પેન્શન ફંડ દ્વારા મોટા પાયે મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. આ સાથે બ્રેન્ટ ક્રૂડ પણ 10 મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું.સ્થાનિક બજારોમાં ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 796 પોઇન્ટ તૂટીને 66,800.84 બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 222.85 પોઇન્ટ તૂટીને 19,901.40ના મથાળે બંધ રહ્યો હતો.

રોકાણકારોના 2.34 લાખ કરોડ ડૂબ્યા

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને 320.66 લાખ કરોડ હતું, જે સોમવારે રૂ. 323 લાખ કરોડ હતું. આ રીતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આશરે 2.34 લાખ કરોડ ઘટ્યું હતું.

BSE પર ઘટીને બંધ થનારા શેરોની સંખ્યા વધુ રહી છે. એક્સચેંજ પર કુલ 3803 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1555 શેરો વધીને બંધ રહ્યા હતા, ત્યારે 2103 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 145 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 198 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 19 શેરોએ 52 શેરોની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

 

 

 

 

 

શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના લાખો ધોવાયા

બુધવારે સ્થાનિક શેરબજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને HDFC બેન્કના ભારે ઘટાડાથી શેરબજારમાં નબળાઈ પ્રવર્તી રહી છે અને ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઘટીને 66728ની નીચી સપાટીએ પહોંચી ગયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લગભગ 1.25 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. આજે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પહેલા નબળા સેન્ટિમેન્ટના કારણે ભારતીય શેરબજારમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 796 પોઈન્ટ અથવા 1.18 ટકાના ઘટાડા સાથે 66,800 પર બંધ થયો હતો. NSEનો નિફ્ટી 231.90 પોઈન્ટના ઘટાડાથી 1.15 ટકા ઘટીને 19,901ના સ્તરે બંધ રહ્યો હતો. આજે BSE નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3,20,65,122.43 કરોડ હતું અને તે બંધ થવાના સમયે અગાઉના ટ્રેડિંગ સત્રની સરખામણીએ લગભગ રૂ. 2.5 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ પીએસયુ અને સ્મોલકેપ પીએસયુમાં ઘટાડો

આજે બેંકિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ મિડકેપ પીએસયુમાં તુલનાત્મક રીતે ઓછો ઘટાડો જોવા મળ્યો હતો. પાવર સ્ટોક્સમાં બહુ હલચલ જોવા મળી નથી પણ પાવર ઓક્સિલરી સ્ટોક્સમાં બહુ એક્શન જોવા મળ્યું નથી. સુગર સ્ટોક્સ અને ટેક્સટાઇલ શેરોમાં આજે વધુ મજબૂત સેન્ટિમેન્ટ જોવા મળ્યું ન હતું જેના કારણે બજારોને આ સ્ટોક્સથી ટેકો મળ્યો ન હતો.

બેન્ક નિફ્ટીમાં 700થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો

બજારના ઘટાડા પાછળનું મુખ્ય કારણ બેન્ક નિફ્ટીમાં ઘટાડો પણ હતો. આજના ટ્રેડિંગમાં, બેંક નિફ્ટી 703 પોઈન્ટ્સ લપસી ગયો હતો અને હાલમાં 45,390 ની નીચે એટલે કે 45400 ની નીચે પહોંચી ગયો છે.

રોકાણકારોને 3 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે

માર્કેટ કેપમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને 18 સપ્ટેમ્બરે ભારતીય શેરબજારનું માર્કેટ કેપ 3,23,00,115.59 કરોડ રૂપિયા હતું અને આજે તે ઘટીને 3,20,43,114.30 કરોડ રૂપિયા પર આવી ગયું છે. આનો અર્થ એ થયો કે આજના ટ્રેડિંગ સેશનમાં અત્યાર સુધીમાં માર્કેટ કેપમાં રૂ. 3 લાખ કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ રીતે આજે ઘટી રહેલા માર્કેટમાં રોકાણકારોના રૂ. 3 લાખ કરોડથી વધુના નાણાંનો નાશ થયો છે.

નિફ્ટીના 50માંથી 40 શેરો ઘટ્યા હતા

નિફ્ટીના 50માંથી 40 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને માત્ર 10 શેરો એવા છે જે નજીવા વધારા સાથે વેપાર કરી રહ્યાં છે. HDFC બેંક આજે નિફ્ટીમાં ટોપ લૂઝર છે જે 3.91 ટકા અને JSW સ્ટીલ 2.73 ટકા ઘટ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.19 ટકા અને બીપીસીએલ 2.11 ટકા નીચે ટ્રેડ કરી રહી છે. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ 2.03 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહી છે.

ખાલિસ્તાનીઓને મુદ્દે મોદી સરકારે કેનેડાને આપ્યો જડબાંતોડ જવાબ

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે સંબંધો તંગ બન્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં વધતી ભારતવિરોધી કામગીરી અને રાજકીય રૂપે દ્વેષપૂર્ણ અપરાધો અને હિંસાને જોતાં કેનેડામાં હાલ જવાનો વિચાર કરી રહેલા નાગરિકો માટે અત્યંત સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવે છે. કેનેડાએ પણ ભારતમાં રહેતા કેનેડા નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કર્યા બાદ ભારતે વળતો પ્રહાર કર્યો છે.

આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું કે હાલની ધમકીઓમાં ભારતીય રાજકારણીઓ અને ભારતીય સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ ધમકીમાં એ લોકોને ખાસ લક્ષ્ય કરવામાં આવ્યા છે, જે ભારત વિરોધી એજન્ડાની ટીકા કરે છે. એટલે ભારતીય નાગરિકોને સલાહ છે કે તેઓ કેનેડાના એ વિસ્તારોમાં અને સંભવિત સ્થળોએ યાત્રા કરવાથી બચવાની સલાહ છે- જ્યાં એવી ઘટનાઓ થઈ છે.કેનેડાએ મંગળવારે તેના નાગરિકો માટે ભારત સંબંધિત નવી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. એડવાઇઝરી “અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે” કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ટાળવા નિર્દેશ આપ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે સંઘર્ષ વધી ગયો છે કેનેડાએ પણ એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે, જેના જવાબમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે.

કેનેડામાં ખાલિસ્તાન તરફી સંગઠનો જેમ કે વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન (WSO), ખાલિસ્તાન ટાઇગર ફોર્સ (KTF), શીખ ફોર જસ્ટિસ (SFJ) અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) કથિત રીતે પાકિસ્તાનના ઇશારે સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે એમ અધિકારીઓ જણાવી રહ્યાં છે.

 

 

 

 

 

 

 

શાહીન અફરિદીના લગ્ન રિસેપ્શનમાં કેપ્ટન બાબર આઝમે હાજરી આપી

કરાચીઃ પાકિસ્તાનના ડાબોડી ફાસ્ટ બોલર શાહીન શાહ અફરિદીએ ગયા શુક્રવારે અહીં અંશા અફરિદી સાથે લગ્ન કર્યા હતા. અંશા પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ અફરિદીની પુત્રી છે.  શાહીનના લગ્નનું રિસેપ્શન ગઈ કાલે ડીએચએ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ યોજવામાં આવ્યું હતું. એમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે પણ હાજરી આપી હતી. છેલ્લા એક અઠવાડિયાથી એવા અહેવાલો વાંચવા મળ્યા હતા કે હાલમાં જ રમાઈ ગયેલી એશિયા કપ સ્પર્ધામાં સુપર-4 રાઉન્ડમાં શ્રીલંકા સામેની મેચમાં પાકિસ્તાનનો પરાજય થયા બાદ ટીમના ખેલાડીઓ એમના કેપ્ટન બાબર આઝમથી નારાજ થયા હતા. ખાસ કરીને બાબર અને શાહીન અફરિદી વચ્ચેના સંબંધમાં કડવાશ ઊભી થઈ છે, પરંતુ શાહીનના રિસેપ્શનમાં બાબરે હાજરી આપતાં એમની વચ્ચે કોઈ વિખવાદ થયાની અટકળોનો અંત આવી ગયો છે. બાબરે લગ્ન સમારંભમાં જઈને શાહીનને અભિનંદન આપ્યા હતા અને શાહીને બાબરને આવકાર આપ્યો હતો. આના વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે.

(તસવીર સૌજન્યઃ @babarazam258)

બાબર આઝમે X (ટ્વિટર) પ્લેટફોર્મ ઉપર તેના એકાઉન્ટ પર શાહીન અને અંશાને લગ્ન માટે અભિનંદન આપ્યા હતા.

રિસેપ્શનમાં પાકિસ્તાન ટીમના અમુક અન્ય ખેલાડીઓએ પણ હાજરી આપી હતી. બાબર અને શાહીન વચ્ચે કોઈ ઝઘડો થયો હતો એવા અહેવાલોને પાકિસ્તાન ટીમના એક સિનિયર સભ્યએ રદિયો આપ્યો છે.

પાકિસ્તાનના ખેલાડીઓ હવે ભારત જશે અને આઈસીસી ODI વર્લ્ડ કપમાં રમશે. પાકિસ્તાનની પહેલી મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં નેધરલેન્ડ્સ સામે છે. એ પહેલાં તેઓ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે વોર્મ-અપ મેચ રમશે.

પેટ્રોલ-ડિઝલની કાર પર પ્રતિબંધ સામે જગુઆર લેન્ડ રોવરને કોઈ વાંધો નથી

લંડનઃ બ્રિટિશ સરકાર પાંચ વર્ષ એટલે કે 2035ની સાલ સુધી નવી પેટ્રોલ અને ડિઝલ કારના વેચાણ પર પ્રતિબંધ મૂકવા વિચારતી હોવા વિશેના અહેવાલોને બ્રિટનની લક્ઝરી કાર ઉત્પાદક કંપની જગુઆર લેન્ડ રોવરે આવકાર આપ્યો છે.

ટાટા મોટર્સની માલિકીની કંપની જગુઆર લેન્ડ રોવરના એક પ્રવક્તાએ કહ્યું છે કે, અમારી યોજનાઓ તો વ્યવસ્થિત રીતે આગળ ચાલી રહી છે અને પેટ્રોલ, ડિઝલથી ચલિત મોટરકારોના વેચાણ પર પ્રતિબંધના કાયદાની નિશ્ચિતતાને અમે આવકાર આપીએ છીએ.

સરકારે સોશિયલ મિડિયાના ઉપયોગ માટે વયમર્યાદા નક્કી કરવી જોઈએઃ HC

બેંગલુરુઃ સોશિયલ મિડિયાના ઉપયોગ કરવા માટે ઉંમરને લઈને કર્ણાટક હાઇકોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં સોશિયલ મિડિયાના ઉપયોગ કરવામાટે વયમર્યાદા નક્કી કરવા પર વિચાર કરવો જોઈએ. હાઇકોર્ટે એક મૌખિક ટિપ્પણીમાં કહ્યું હતું કે સોશિયલ મિડિયાના ઉપયોગ માટે લોકોની વય કમસે કમ 21 હોવી જોઈએ.
કર્ણાટક હાઇકોર્ટમાં બે જસ્ટિસની ખંડપીઠે કહ્યું હતું કે જો યુવકો અને ખાસ કરીને સ્કૂલનાં બાળકો માટે સોશિયલ મિડિયાનો પ્રતિબંધ મૂકવામાં આવે તો એ દેશ માટે સારું હશે. એ સાથે કોર્ટે સલાહ આપતાં કહ્યું હતું કે જે ઉંમરમાં તેમને મત આપવાનો અધિકાર મળે છે, ત્યારે તેમને સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવાની તક મળવી જોઈએ. આ વય 21 અથવા 18 હોઈ શકે છે.
વાસ્તવમાં જસ્ટિસ જી. નરેન્દ્ર અને જસ્ટિસ વિજયકુમાર એ. પાટિલની ખંડપીઠે X કોર્પ (ટ્વિટર)ની અપીલની સુનાવણી કરી રહી હતી. ખંડપીઠે કહ્યું હતું કે સ્કૂલ જવાવાળાં બાળકોને સોશિયલ મિડિયાની લત લાગી ચૂકી છે.

શું છે મામલો?

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ તરફથી સિંગલ જજની પીઠના આદેશને પડકાર આપતી અપીલ પર સુનાવણી કરતાં હાઇકોર્ટે ઉપર મુજબની ટિપ્પણી કરી હતી. કોર્ટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયના વિવિધ આદેશોની વિરુદ્ધ એક્સની અરજી ફગાવી દીધી હતી.
મંત્રાલયે બીજી ફેબ્રુઆરી, 2021 અને 28 ફેબ્રુઆરી, 2022ની વચ્ચે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના અધિનિયમની કલમ 69 A હેઠળ 10 સરકારી આદેશ જારી કર્યા હતા. ટ્વિટરે એમાં 39 URLથી જોડાયેલા આદેશોને પડકાર આપ્યો હતો.

 

X યુઝર્સે હવે માસિક ફી ચૂકવવી પડે એવી શક્યતા

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X (ભૂતપૂર્વ ટ્વિટર)ના માલિક એલન મસ્કનો ઇરાદો Xના ઉપયોગ કરનારા યુઝર્સ પાસેથી માસિક ફીસ વસૂલવાનો છે. મસ્કનું કહેવું છે કે X પ્લેટફોર્મ પર હાલ બોટ્સ (Bots)ની સમસ્યાના ઉકેલ માટે આવું કરવું જરૂરી છે. જોકે તેમણે એ વાતે સ્પષ્ટતા નહોતી કરી કે તેઓ મન્થલી ફીસ લેવાનું ક્યારથી શરૂ કરશે. સ્પેસએક્સ અને ટેસ્લા માલિકે ગયા વર્ષે ટ્વિટરને ખરીદી હતી. ત્યાર બાદ તેમણે આમાં અનેક ફેરફાર કર્યા છે.

મસ્કે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુની સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે પ્લેટફોર્મ પર બોટ્સની સંખ્યા વધી ગઈ છે. બોટ્સ એટલે નકલી અકાઉન્ટ્સની સમસ્યાથી નિપટવા એકમાત્ર ઉપાય સ્મોલ મન્થલી પેમેન્ટ જ છે. તેમણે કહ્યું હતું કે Xના હાલના 55 કરોડ માસિક યુઝર્સ છે, જે પ્રતિ દિન 100-200 મિલિયન પોસ્ટ કરે છે અને એમાં કેટલાક બોટ્સ પણ સામેલ છે, જેના ઉપાય રૂપે પ્રતિ દિન કેટલીક ફી લેવામાં આવશે.

ઇઝરાયલના PM નેતાન્યાહુએ જ્યારે મસ્કને પૂછ્યું હતું કે X બોટ્સ પર કેવી રીતે કાબૂ મેળવશે, જે નફરત ફેલાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મસ્કે એના જવાબમાં કહ્યું હતું કે બધા યુઝર્સ પાસેથી માસિક ફી વસૂલવાની યોજના છે. જોકે તેમણે ખુલાસો નહોતો કર્યો કે યુઝર્સે Xના ઉપયોગ માટે કેટલા પૈસા ચૂકવવા પડશે. X પ્રીમિયમ માટે હાલ અમેરિકામાં પ્રતિ મહિને આઠ ડોલર ચૂકવવા પડે છે. આ ફીસ અલગ-અલગ દેશોમાં અલગ-અલગ છે. તેઓ યુઝર્સ માટે સસ્તો વિકલ્પ લાવવા પર વિચાર કરી રહ્યા છે, એમ મસ્કે કહ્યું હતું.