ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળોઃ ૨૧ લાખ જેટલા મંત્રોનું લેખન
અંબાજીઃ આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજીમાં ૨૩થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મહામેળામાં દૂરસુદૂરથી લાખોની સંખ્યામાં યાત્રિકો પદયાત્રા કરીને માતાજીનાં દર્શન કરવા આવે છે. આ મહામેળામાં આવતા માઇભક્તોની મનોકામના પૂર્ણ થાય એ માટે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુરમાં આવેલ મંથન અપંગ કન્યા સેવા સંકુલની દીકરીઓ દ્વારા જય અંબેના ૨૧ લાખ જેટલાં મંત્રોનું લેખન કરવામાં આવ્યું છે. આ સંસ્થામાં ૨૦૦ જેટલી અનાથ, દિવ્યાંગ, માનસિક અસ્થિર અને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ અભ્યાસ કરે છે.
મા જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે અને સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ પથરાય તથા માતાજીના આશીર્વાદ સમગ્ર સૃષ્ટિ પર વરસતા રહે એ માટે આ દિવ્યાંગ દિકરીઓ દ્વારા મંત્ર લેખન કરવામાં આવી રહ્યું છે. જય અંબે.. મંત્ર લેખન કાર્ય પૂર્ણ થયા બાદ જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઇ પટેલ દ્વારા આ દીકરીઓએ લખેલા મંત્રો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલને અર્પણ કરવામાં આવશે. 
મંથન અપંગ કન્યા સેવા સંકુલની કુલ ૨૦૦ જેટલી દિકરીઓ દ્વારા જય અંબેના ૨૧ લાખ જેટલા મંત્રોનું લેખન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ સંસ્થામાં અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ દીકરી શીતલે પણ બ્રેઇનલિપિથી જય અંબેના મંત્રો લખ્યા છે. શીતલે કહ્યું હતું કે હું જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છું, એટલે માતાજીની શક્તિને અનુભવી શકું છું, મને માતાજીમાં ખુબ જ શ્રદ્ધા છે. મેં બ્રેઇન લિપિથી માતાજીના મંત્રો લખવાનો પ્રયાસ કર્યો છે. એ મંત્રો જય ભોલે ગ્રુપના માધ્યમથી માતાજીના ધામ અંબાજીમાં પહોંચશે ત્યારે મને ખૂબ આનંદ મળશે.
આઇસી15 ઇન્ડેક્સ 463 પોઇન્ટ વધ્યો
મુંબઈઃ રોકાણકારોનો ડિજિટલ એસેટ્સ માર્કેટમાં વિશ્વાસ વધ્યો હોવાને પગલે સોમવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિનો દોર આગળ વધ્યો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.35 ટકા (463 પોઇન્ટ) વધીને 34,907 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,444 ખૂલીને 34,934ની ઉપલી અને 34,067 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ચેઇનલિંક 6.60 ટકા વધ્યો હતો. ત્યાર બાદ લાઇટકોઇન, સોલાના, બીએનબી અને બિટકોઇનનો ક્રમ હતો.
દરમિયાન, નેશનલ બેન્ક ઓફ કઝાખસ્તાને દેશની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) – ડિજિટલ ટેન્ગેનો અમલ કરવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશનની રચના કરી છે. બીજી બાજુ, જાપાની સરકાર સ્ટાર્ટઅપ્સ માટે નવી યોજના લઈ આવવાનું વિચારી રહી છે. સ્ટાર્ટઅપ્સ પોતાના રોકાણકારોને સ્ટોક્સ આપવાને બદલે ક્રીપ્ટોકરન્સી ઇસ્યૂ કરી શકે એવી એ યોજના હશે.
અન્ય એક અહેવાલ મુજબ જર્મનીમાં બ્લોકચેઇન ક્ષેત્રે વર્ષ 2023માં વેન્ચર કેપિટલ ફંડિંગ વર્ષાનુવર્ષ ધોરણે 3 ટકા વધીને સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે.
હવે પ્લમ્બિંગમાં એડવાન્સ સ્કિલ્સની તાલીમ અપાશે
અમદાવાદઃ બાંધકામ અને સ્પેશિયલિટી કેમિકલ્સ ક્ષેત્રે જાણીતી કંપની પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝે પિડિલાઇટ વુડવર્કિંગ એન્ડ પ્લમ્બિંગ સેન્ટર ફોર એડવાન્સ સ્કિલ્સ (PWP) શરૂ કરવા રાજ્ય સરકારની કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી (KSU) સાથે જોડાણ કર્યું છે. આ સુવિધાનું તાજેતરમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગો, નાગરિક ઉડ્ડયન, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, રાજ્ય સરકાર દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
દેશમાં પ્રથમ વખત, PWP સેન્ટર એડવાન્સ વુડવર્કિંગ અને પ્લમ્બિંગ સ્કિલ માટે હબ તરીકે ઊભરી આવ્યું છે. પિડિલાઇટ અને KSU દ્વારા આ અગ્રણી પહેલ આ ક્ષેત્રોમાં કુશળ પ્રોફેશનલ્સની વધતી માગને સંબોધિત કરે છે. CNC મશીનો, બેન્ડસો, કોલ્ડપ્રેસ સહિત અત્યાધુનિક મશીનરીથી સજ્જ આ સેન્ટર ફ્રેશર્સ અને અનુભવી પ્રેક્ટિશનર્સ માટે અનુરૂપ ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ ઓફર કરે છે. પ્રશિક્ષકોની તાલીમ, રિસર્ચ અને સ્કીલ હરીફાઈ માટે સમર્થન પર ભાર મૂકતા, PWP દેશમાં કૌશલ્ય વિકાસ માટે એક નવું ધોરણ નક્કી કરે છે.
આ જોડાણ અંગે વાત કરતાં કરતાં કંપનીના CSR અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સ સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ડો. પંકજ શુક્લાએ જણાવ્યું હતું કે પિડિલાઇટ વુડવર્કિંગ એન્ડ પ્લમ્બિંગ સેન્ટર ફોર એડવાન્સ સ્કિલ્સ (PWP) એ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે, જે પિડિલાઇટની તાલીમ અને નવી સ્કિલ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. પિડીલાઈટ અને KSU વચ્ચેનું જોડાણ વુડવર્કિંગ અને પ્લમ્બિંગ સેક્ટરને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સ સાથે સશક્ત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે, જે ઉદ્યોગની વિકસતી માગને પહોંચી વળવા માટે તૈયાર છે.
મુંબઈમાં વરસાદનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી
મુંબઈઃ છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈ શહેર તથા પડોશના વિસ્તારોમાં હવામાનમાં મોટો ફેરફાર થયો છે. વાતાવરણ ભેજવાળું થવાથી અને સહેજ ઠંડક વર્તાતી હોવાથી શહેરીજનો ખુશ છે.
શહેરમાં અનેક સ્થળે રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે. એને કારણે નાગરિકોને રેનકોટ કે છત્રી સાથે ઘરની બહાર નીકળવાની ફરજ પડી છે. એમાં હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં શહેરમાં વરસાદનું જોર વધશે. વેધશાળાએ મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને નવી મુંબઈમાં વરસાદ માટે યલો એલર્ટ ઘોષિત કર્યું છે. આજથી લઈને આવતા બે દિવસ સુધી મુંબઈમાં અમુક ઠેકાણે ધોધમાર વરસાદ પડવાનું અનુમાન છે.
બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થયો છે. એને લીધે ઓડિશા અને છત્તીસગઢ રાજ્યોમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ છે. એની અસર મહારાષ્ટ્રના હવામાન ઉપર પણ થઈ રહી છે. તેથી આવતા બે-ત્રણ દિવસ મુંબઈમાં વરસાદનું જોર વધી શકે છે. આવતીકાલથી 10-દિવસનો ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે, પરંતુ વરસાદી વાતાવરણને કારણે ભક્તોના ઉત્સાહને થોડોક ફટકો પડ્યો છે.
મોદીના બર્થ-ડે પર પાકિસ્તાનમાં કપાઇ કેક!
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઈકાલે એટલે કે 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. આ અવસર પર માત્ર દેશના લોકોએ જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનના લોકોએ પણ કેક કાપીને પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. પાકિસ્તાનમાં પીએમ મોદીના સૌથી મોટા પ્રશંસક માનવામાં આવતા આબિદ અલીએ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી દરમિયાન તેના મિત્રો અને પાકિસ્તાની યુટ્યુબર શોએબ ચૌધરી સાથે કેક કાપી હતી. મોદીના જન્મદિવસ પર આબિદ અલીએ કહ્યું કે મેં ખાસ કેક મંગાવી હતી, જે મેં કાપી છે. આ સિવાય તેણે કહ્યું કે હું મારા દિલથી મોદીજીનું સન્માન કરું છું. તે જ પ્રસંગે પાકિસ્તાની યુટ્યુબર શોએબ ચૌધરીએ આબિદ અલીને પૂછ્યું કે આ પહેલા શાહબાઝ શરીફ અને ઈમરાન ખાન જેવા પાકિસ્તાની નેતાઓનો જન્મદિવસ પણ પસાર થઈ ગયો હતો. તે પ્રસંગે તમે કેક કેમ ન કાપી? આ અંગે આબિદ અલીએ કહ્યું કે જે લોકોએ સારું કામ કર્યું છે તેમના વખાણ અને ઉજવણી કરવામાં આવે છે. આ સિવાય તેણે કહ્યું કે મને લાગ્યું કે મોદીજી વૃદ્ધ થઈ ગયા છે. આ પછી યોગીજી આવશે કે બીજું કોઈ આવશે. જોકે મને લાગે છે કે મોદી વધુ બે વખત વડાપ્રધાન બની શકે છે.
‘મોદી ઘણા નાના છે’
પાકિસ્તાની વ્યક્તિએ પીએમ મોદી વિશે કહ્યું કે દુનિયાના બાકીના નેતાઓની ઉંમર ઘણી મોટી છે. ઉદાહરણ તરીકે, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન જે 80 વર્ષના છે. મોદી આવા નેતાઓ કરતા ઘણા નાના છે. આ અર્થમાં તેઓ ભવિષ્યમાં પણ રાજકારણમાં સક્રિય રહેશે અને બે વખત પીએમ રહી શકે છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે પીએમ મોદીનો 73મો જન્મદિવસ હતો. તેમનો જન્મ વર્ષ 1950માં ગુજરાતના વડનગરમાં થયો હતો. આજે મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણાય છે.
મહિલા અનામત બિલ બુધવારે સંસદમાં રજૂ થવાની શક્યતા
નવી દિલ્હીઃ સંસદનું વિશેષ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. આ સત્રમાં સરકાર બુધવારે મહિલા અનામત બિલ સંસદમાં મૂકે એવી શક્યતા છે. વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડિયાએ આ બિલ લાવવા માટે ટેકો જાહેર કર્યો છે. વડા પ્રધાન મોદીએ સંસદમાં ભાષણ આપતાં કહ્યું હતું કે આ સત્ર ઐતિહાસિક થવાનું છે.
પાંચ દિવસીય સત્રની પૂર્વસંધ્યાએ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગ સર્વપક્ષી બેઠકમાં રાજકીય પક્ષોએ સત્રમાં મહિલા અનામત બિલને પસાર કરવાની વકાલત કરી હતી. મોદી સરકારે કહ્યું હતું કે ઉચિત સમયે નિર્ણય લેવામાં આવશે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સાંસદોએ સંસદના પ્રાંગણમાં ગાંધી પ્રતિમાની પાસે મહિલા અનામત બિલની માગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે કેટલાય પક્ષોના નેતાઓએ કહ્યું હતું કે આશરે 27 વર્ષોથી લંબિત મહિલા અનામત બિલને સામાન્ય સહમતીથી રજૂ કરવું જોઈએ અને પસાર કરવું જોઈએ.આ બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ સીટો આરક્ષિત કરવાની જોગવાઈ છે. હાલ લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે, જ્યારે કેટલાય રાજ્ય વિધાનસભાઓમાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે.

તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળના શાસક પક્ષમાં પ્રમાણમાં મોટી સંખ્યામાં મહિલા સાંસદોની નોંધ લીધી અને મહિલા અનામત માટેના બિલની જરૂરિયાતને સમર્થન આપ્યું. સર્વપક્ષીય બેઠક બાદ બીજેડી નેતા પિનાકી મિશ્રાએ કહ્યું કે, સંસદના નવા ભવન સાથે નવા યુગની શરૂઆત થવી જોઈએ અને મહિલા આરક્ષણ બિલ પસાર થવું જોઈએ. તેમણે કહ્યું કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક આ વિચારના મોટા સમર્થક છે. એનસીપી નેતા પટેલે કહ્યું કે તેમને આશા છે કે આ બિલ સર્વસંમતિથી પસાર થશે.
ગણેશ ચતુર્થી પર ટાઈગર શ્રોફની ફિલ્મ ‘ગણપત’નું નવું પોસ્ટર રિલીઝ
બોલિવૂડનો ફિટનેસ ફ્રીક ટાઈગર શ્રોફ આ દિવસોમાં ફિલ્મ ‘ગણપત’ને લઈને ચર્ચામાં છે. જેમાં તે ફરી એકવાર એક્શન અવતારમાં જોવા મળશે. હાલમાં જ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ટાઇગર ડેશિંગ લુકમાં જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીના અવસર પર ટાઈગરનો આ લુક સામે આવ્યો છે. આ ઉપરાંત પોસ્ટર દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ટાઈગર શ્રોફે ‘ગણપત’નું આ નવું પોસ્ટર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે. જેમાં ટાઈગરે હાથ પર લાલ રંગની પટ્ટી બાંધી છે. જેમાં આગ લાગી હોવાનું જણાય છે. પોસ્ટરમાં ટાઇગર ખૂબ જ ઇન્ટિન્સ લુકમાં જોવા મળી રહ્યો છે.
Usko koi kya rokega…jab Bappa ka hai uspe haath
Aa Raha Hai Ganapath… karne ek nayi duniya ki shuruwat#GanapathAaRahaHai#Ganapath in cinemas this Dussehra, 20th Oct @SrBachchan @vashubhagnani @kritisanon @jackkybhagnani #VikasBahl @honeybhagnani @poojafilms #GoodCo… pic.twitter.com/VqaACtaXXI— Tiger Shroff (@iTIGERSHROFF) September 18, 2023
ટાઈગર કૃતિ સેનન સાથે જોવા મળશે
ટાઈગર શ્રોફની આ ફિલ્મ એક પાન ઈન્ડિયા ફિલ્મ છે. જેમાં તે 9 વર્ષ બાદ અભિનેત્રી કૃતિ સેનન સાથે જોડી બનાવતો જોવા મળશે. આ ફિલ્મમાં ફરી એકવાર બંને પોતાની જબરદસ્ત કેમેસ્ટ્રીથી પડદા પર આગ લગાવવા જઈ રહ્યા છે. આ પહેલા આ જોડી ફિલ્મ ‘હીરોપંતી’માં જોવા મળી હતી. જે બંનેની પહેલી ફિલ્મ હતી.
આ ફિલ્મ 23 ઓક્ટોબરે રિલીઝ થશે
તમને જણાવી દઈએ કે આ ફિલ્મને વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને વિકાસ બહલે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 20 ઓક્ટોબર, 2023ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં વિશ્વભરમાં રિલીઝ થવાની છે. હવે ફિલ્મના પોસ્ટરથી ચાહકોમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી ગઈ છે.
સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 173 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ
ગુજરાતના 173 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં ગોધરા તથા શહેરામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ મહીસાગરના વિરપુરમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તથા સાબરકાંઠાના તલોદ તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ સાથે દિવસભર અમદાવાદ-ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. તથા આજે પણ હળવો વરસાદ અમદાવાદમાં યથાવત છે. રાજ્યમાં આજે વરસાદની હેલી જોવા મળી છે. જેમાં ગઇકાલે ગુજરાતના 173 તાલુકાઓમાં અવિરત વરસાદ થયો છે. તેમાં પંચમહાલના ગોધરા અને શહેરામાં 9-9 ઇંચ વરસાદ, મહીસાગરના વિરપુરમાં 8 ઇંચથી વધુ વરસાદ, સાબરકાંઠાના તલોદ તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. 1,30,208 ક્યુસેકનો ઘટાડો થયો છે. જ્યારે પાણીની જાવકમાં પણ મોટો ઘટાડો થયો છે. જેના કારણે કાંઠા કિનારે પૂરના પાણી ઓછા થવાનું શરૂ થયું છે.
#GujaratRain #mahisagar #floods pic.twitter.com/L9ka3i11iA
— अशांत आत्मा (@ashaantaatma) September 18, 2023
NDRF-SDRF સ્ટેન્ડબાય રાખવામાં આવી
વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ શહેરામાં નોંધાયો છે. અહીં 8 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ગોધરામાં 7 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. મોરવા હડફમાં 6 ઈંચ, તલોદમાં 6 ઈંચ, લુણાવાડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ધોધમાર વરસાદ વરસતા નર્મદાનું જળસ્તર વધ્યુ છે. જેના પગલે 3 જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તો નર્મદા, વડોદરા, ભરુચના કુલ 70 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા કાંઠાના 150થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યો છે. વધુ વરસાદના કારણે સંભવિત સંકટના વિસ્તારોમાં NDRF-SDRF સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.



