Home Blog Page 2512

દેશના ચાહકો માટે વર્લ્ડ કપ જીતવા અમે સજ્જ છીએઃ કોહલી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ કહ્યું છે, તે પોતે અને એની ટીમના સાથીઓ આગામી ODI વર્લ્ડ કપમાં એમનો શ્રેષ્ઠ દેખાવ કરવા અને સ્પર્ધા જીતવા માટે પ્રતિબદ્ધ છે. ઘરઆંગણે વર્લ્ડ કપ ફરી જીતીને ભારતીય ચાહકોનું સપનું સાકાર કરવા અમે સજ્જ છીએ.

ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં બે વાર વર્લ્ડ કપ સ્પર્ધા જીતી છે. 1983માં કપિલ દેવની આગેવાની હેઠળ અને 2011માં મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ હેઠળ. 1983ના વર્લ્ડ કપમાં, લંડનના લોર્ડ્સ મેદાન પર રમાયેલી ફાઈનલમાં ભારતે ફેવરિટ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. જ્યારે 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું. વર્તમાન કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતે ગઈ કાલે કોલંબોમાં એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને 10-વિકેટથી હરાવ્યું હતું. હવે કોહલી 12 વર્ષની પ્રતીક્ષા બાદ ભારત ફરી વર્લ્ડ કપ ચેમ્પિયન બને એ માટે આતુર થયો છે. 2015માં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં અને 2019માં ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવામાં નિષ્ફળ રહી હતી.

આ વખતે વર્લ્ડ કપ જીતવા વિશે કોહલીના વિચારો સાથેે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સૂર પૂરાવ્યો છે. એણે કહ્યું, આખા દેશને અમારી પર અપેક્ષા છે અને અમે અમારો શ્રેષ્ઠ દેખાવ કરીને આપણા ચાહકોને ગર્વ અપાવવા માટે કટિબદ્ધ છીએ.

ભારત આ વખતની વર્લ્ડ કપ સ્પર્ધાનું યજમાન છે. સ્પર્ધાની પહેલી મેચ પાંચ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગયા વખતની વિજેતા ટીમ ઈંગ્લેન્ડ અને રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતની પહેલી મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે છે.

ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે અનેક ટ્રેન રદ્દ

ગુજરાતભરમાં ફરી મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાથી ટ્રેન વ્યવહારને અસર થઈ છે. જેના કારણે 18.09.2023 ના રોજ અમદાવાદ  ડિવિઝનની નીચેની ટ્રેનોને અસર થઈ છે.

ભારે વરસાદના કારણે 18મી સપ્ટેમ્બર 2023ના રોજ આ ટ્રેનો સંપૂર્ણપણે રદ

  • ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ

પશ્ચિમ રેલવેના બાજવા-વડોદરા યાર્ડની વચ્ચે ઇલેક્ટ્રિક લાઇનમાં ટેક્નિકલ ખામીને પગલે અમદાવાદથી ઉપડતી અને પસાર થતી 14થી વધુ ટ્રેનો બેથી 6 કલાક સુધી મોડી થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અનેક ટ્રેનોને જુદા જુદા સ્ટેશનો પર ઊભી રાખી દેવામાં આવી હતી. રેલવે દ્વારા મુસાફરોને યોગ્ય કારણ અને કેટલો સમય થશે તે અંગેની વિગતો ન મળતા રોષે ભરાયા હતા. ટ્રેનોના શિડયુલ ખોરવાતા અમદાવાદ-વડોદરા વચ્ચેની ઇન્ટરસિટી અને મેમુ ટ્રેનને પણ રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એકસ.ને વાપી, ભુજ – દાદર એક્સ.ને પણ વલસાડ સુધી અને જામનગર વડોદરા ઇન્ટરસિટીને આણંદ સુધી શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી.

બાજવા – વડોદરા યાર્ડમાં ઇલેક્ટ્રિક લાઈનમાં ક્ષતિ સર્જાતા અમદાવાદથી પસાર થતી મુંબઈ સહિતની ટ્રેનો કલાકો સુધી મોડી પડતા હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અમદાવાદથી વડોદરા વચ્ચેના વિવિધ સ્ટેશનો પર ગાડીઓને ઉભી રાખી દીધા બાદ લાંબા સમય બાદ જાણ કરાઈ હતી. આ સાથે ટ્રેનો જે સ્ટેશનો પર ઊભી રખાઇ હતી ત્યાં પણ રેલવે કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ પણ ન મળતાં અનેક મુસાફરો રીફ્ંડની માગ કરવા લાગ્યા હતા. આ વચ્ચે ઘણા કેટલાક મુસાફરો લાંબા સમય સુધી રાહ જોયા બાદ ટ્રેનમાંથી ઉતરીને બસ મારફતે આગળની સફર કરવા મજબૂર બન્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. 14થી વધુ ટ્રેનો 6 કલાક સુધી મોડી થતાં વરસાદી માહોલ વચ્ચે પણ ટ્રેનમાં બેસી રહેવા મજબૂર થયા હતા.

એશિયા કપ જીત્યા પછી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે

નવી દિલ્હીઃ એશિયા કપમાં જીત્યા પછી ભારતીય ટીમ હવે વિશ્વકપની તૈયારી માટે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. આ સિરીઝ ઘણી મજેદાર થવાની છે, જેમાં કેટલાય ક્રિકેટરો વચ્ચે રસાકસી જોવા મળશે. આ વર્ષના પ્રારંભમાં ઓસ્ટ્રેલિયાએ ચાર મેચોની બોર્ડર-ગાવસકર ટ્રોફી 1-2થી હારવા છતાં વનડે સિરીઝ 2-1થી પોતાને નામ કરી લીધી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ જાહેર કરી છે, તેની કમાન પેટ કમિન્સને આપવામાં આવી છે. આ ટીમમાં મિચેલ સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથની વાપસી થઈ છે. આ ખેલાડીઓની વાપસી બાદ કાંગારૂ ટીમ મજબૂત લાગી રહી છે. ભારત ઓસ્ટ્રેલિયા પ્રથમ વનડે- 22 સપ્ટેમ્બર, મોહાલીમાં, બીજી વનડે- 24 સપ્ટેમ્બર, ઈન્દોરમાં અને ત્રીજી વનડે- 27 સપ્ટેમ્બર, રાજકોટમાં રમશે.

આ સાથે ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐય, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠક્કર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ થાય છે.

ભારત સામે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), શોન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિશ, સ્પેન્સર જોનસન, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોયનિસ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સંસદના વિશેષ સત્ર માટે સંસદસભ્યોનું આગમન…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 18-22 સપ્ટેમ્બર સુધી, પાંચ દિવસ માટે નવી દિલ્હીમાં સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. 18 સપ્ટેમ્બર, સોમવારે સત્રમાં હાજરી આપવા માટે વિવિધ પક્ષોના સંસદસભ્યો જૂના સંસદભવન ખાતે આવી પહોંચ્યા હતા. ઉપરની તસવીરમાં લોકસભા ગૃહના સ્પીકર ઓમ બિરલા મીડિયાકર્મીઓનું અભિવાદન સ્વીકારે છે.

 

સત્ર શરૂ થયા બાદ વડા પ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું અને વિરોધપક્ષોનાં સભ્યોને પણ બોલવાનો મોકો આપવામાં આવ્યો હતો.

રાજ્યસભા ગૃહમાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે (કોંગ્રેસ)

કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરી

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને ભાજપના સંસદસભ્ય રવિશંકર પ્રસાદ

કોંગ્રેસનાં સંસદસભ્ય સોનિયા ગાંધી

કોંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી

ભાજપના પ્રમુખ અને રાજ્યસભાના સદસ્ય જે.પી. નડ્ડા

આમ આદમી પાર્ટીના સંસદસભ્ય સંજય સિંહ (જમણે)

19 સપ્ટેમ્બર, મંગળવારથી સંસદની તમામ કાર્યવાહી બાજુમાં જ નવા બાંધવામાં આવેલા સંસદભવનમાં ચલાવવામાં આવશે અને તમામ સભ્યો ત્યાં જ બેસશે.

રાજ્યમાં કુલ ૧૨,૪૪૪ વ્યક્તિઓનું સ્થળાંતરઃ ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ રાજ્યમાં બારે મેઘ ખાંગા થયા છે. નર્મતા, તાપી નદીઓનાં પૂરનાં પાણી આસપાસના ગામોમાં છોડવામાં આવતાં લોકોની સ્થિતિ કફોડી થઈ છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક પગલાંઓ લઈ પુનઃ એક વાર ‘ઝીરો હ્યુમન લાઇફ લોસ’ના સૂત્રને સફળ બનાવવામાં આવ્યું છે, એમ તેમ રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેએ જણાવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના ૧૨૬ તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે.. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને ૧૩ પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે.

તેમણે કહ્યું હતું કે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૧૨,૪૪૪ વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, NDRF અને SDRFની વિવિધ ટુકડીઓ દ્વારા ૬૧૭ વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના ૮૦ ડેમ ૯૦ ટકાથી ઉપર ભરાઈ ગયા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.

 

 

જ્ઞાન સહાયક યોજના: જાણો, અમલ અને એના વિરોધના કારણો…

રાજય સરકારે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી માટે જ્ઞાન સહાયક યોજનાની શરૂઆત કરી છે. તો બીજીબાજુ ટેટ-ટાટ પાસ ઉમેદવારો અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી (AAP)દ્ધારા આ યોજના સંદર્ભે સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જ્ઞાન સહાયક યોજના શું છે અને કેમ એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એ જાણીએ…

જ્ઞાન સહાયક યોજના શુ છે..?

રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્ય મુજબ શિક્ષણના હેતુઓ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પદ્ધતિથી ભરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઊભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે. જ્ઞાન સહાયક યોજના, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને હંગામી ધોરણે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

 આ યોજના કેમ કરવામાં આવી અમલ

ધોરણ 10 ના બોર્ડના પરિણામમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના ગુણ ઘટયા પછી, કેટલીક શાળાઓના આચાર્યએ પરિણામનું એનાલિસિસ કર્યા બાદ પ્રવાસી શિક્ષકોની ભરતીને જવાબદાર ઠેરવી હતી આ ઉપરાંત પ્રવાસી શિક્ષકની ભરતી યોજના બાબતે પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા. રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જ્ઞાન સહાયક યોજનાના અમલીકરણ કરવામાં આવી છે.

પ્રવાસી શિક્ષકોની જગ્યાએ જ્ઞાન સહાયક યોજના

રાજ્યમાં શિક્ષકોની વ્યાપક ઘટ છે જેના કારણે સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવામાં આવતી હતી પણ ચાલુ વર્ષે એકપણ શાળામાં પ્રવાસી શિક્ષક મુકવામાં આવ્યા નથી. હવે સરકારે આ યોજના બંધ કરીને જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી દીધી છે.પ્રવાસી શિક્ષક કરતા આ યોજના અંતર્ગત પગારમાં વધારો કરવામાં આવ્યો છે પણ આ ભરતી માત્ર 11 માસના કરાર આધારિત થવાની છે.  જેમાં ખાસ કરીને શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી કરાર આધારિત જ્ઞાન સહાયક શિક્ષકની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. આ યોજના હેઠળ નિમણૂક મેળવેલ ઉમેદવારોને પ્રાથમિક વિભાગમાં 21,000 રૂપિયા, માધ્યમિક વિભાગમાં 24,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 26000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.

 વિરોધ કેમ..?

સીધી ભરતી, બદલી કે ફાજલ ફાળવણીથી ઉમેદવાર ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા હોવાથી અને કરાર આધારિત સેવાઓના કારણે જ્ઞાન સહાયક તરીકે આવનાર ઉમેદવારોને કોઈ અન્ય સેવા વિષયક હકક દાવો મળી શકશે નહીં અને જ્ઞાન સહાયકોની કામગીરીનો સમયગાળો માત્ર 11 માસનો રહેશે (વેકેશન સિવાય) 11 મહિનાનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ ગણાશે. ત્યારે કરાર આધારિત ભરતી બાદ શું ? આ ભરતી જ્ઞાન સહાયક શિક્ષકોના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ છે. પોતાના ભવિષ્યની સુરક્ષા અને સલામતીની અસમંજસતા રહેવાની સંપૂર્ણપણે શક્યતાઓ છે અને 11 માસની નોકરી પૂર્ણ થયા બાદ એમને ફરીથી કરાર આધારિત નોકરી મેળવવા માટેની દોડધામ કરવી પડશે આ કારણોસર રાજયમાં હાલ વિરોધના વમળો ઉમટયા છે.

ભારતમાં સૌથી મોંઘી કાર કોની પાસે છે?

મુંબઈઃ ભારતમાં સૌથી મોંઘી કિંમતની કાર કોની પાસે હોઈ શકે? કોઈક કહેશે કે મુકેશ અંબાણી પાસે તો કોઈક કહેશે, ગૌતમ અદાણી પાસે. પરંતુ હકીકત એ છે કે ભારતમાં સૌથી મોંઘી કાર, જે બ્રિટનની બેન્ટ્લે મોટર્સ લિમિટેડ કંપનીની ‘બેન્ટ્લે મલ્સેન EWB સેન્ટેનરી આવૃત્તિ’ છે, તેના માલિક ન તો અંબાણી છે કે ન તો અદાણી છે. એ માલિકનું નામ છે, વી.એસ. રેડ્ડી, જેઓ બેંગલુરુના છે અને બ્રિટિશ બાયોલોજિકલ્સ કંપનીના સ્થાપક ચેરમેન છે. વેંકટસ્વામી શ્રીનિવાસ રેડ્ડીને મોંઘીદાટ ખરીદવાનો મોટો શોખ છે.

ડીએનએના અહેવાલ મુજબ, ‘બેન્ટ્લે મલ્સેન EWB’ સેન્ટેનરી આવૃત્તિની કિંમત રૂ. 14 કરોડ છે.

રેડ્ડીએ તાજેતરમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે બેન્ટ્લેની કારને તમે બધી બ્રાન્ડની કારમાં તાજમહેલ તરીકે ઓળખાવી શકો. દેશમાં તમામ બ્રાન્ડની કારનો સંગ્રહ કરવાનો મને નાનપણથી જ શોખ હતો. મલ્સેન એક સમયે બેન્ટ્લેની મુખ્ય કાર તી. પરંતુ કંપનીએ એને બનાવવાનું હવે બંધ કરી દીધું છે. મલ્સેનની રેગ્યૂલર મોડેલની કારની કિંમત આશરે રૂ. 6 કરોડ છે, પરંતુ એની સ્પેશિયલ એડિશન (સેન્ટેનરી આવૃત્તિ)ની કિંમત રૂ. 14 કરોડ છે. આમ, તે સૌથી મોંઘી કાર બની છે.

કંપનીએ તેની સ્થાપનાની 100મી વર્ષગાંઠ વખતે (2019માં) મલ્સેનની સ્પેશિયલ મોડેલને લોન્ચ કરી હતી. તેણે એવી માત્ર 100 કાર જ બનાવી હતી. વી.એસ. રેડ્ડી તેમાંના એક ગ્રાહક છે. આ કારમાં એક્સ્ટેન્ડેડ વ્હીલબેઝ છે, એટલે તેમાં બેસવાની જગ્યા વધારે મળે છે. કારનું ઈન્ટીરિયર સુપર લક્ઝરી પ્રકારનું છે. આરામદાયક સીટ દુર્લભ ચામડામાંથી ડાયમંડ-રજાઈ સિલાઈથી બનાવવામાં આવી છે. પ્રવાસીઓની આવશ્યક્તા મુજબ સીટને ઠંડક અથવા ગરમાટો આપે એવી કે વેન્ટિલેટેડ (હવાવાળી) બનાવી શકાય છે. કારમાં ખાનગી પડદા પણ આપવામાં આવ્યા છે, જેને ઈલેક્ટ્રિકથી નિયંત્રીત કરી શકાય છે. આ કારની સ્પીડ લિમિટ 296 કિ.મી./પ્રતિ કલાક છે. રેડ્ડીએ રોઝ ગોલ્ડ મલ્સેન ખરીદી છે. એમની બ્રિટિશ બાયોલોજિકલ કંપની સૌથી મોટી મેડિકલ ન્યૂટ્રિશન (પોષણદાયક દવાઓની) ઉત્પાદક છે. તે બાળકોની ચિકિત્સા માટે તેમજ ડાયાબિટીસ, હૃદયની બીમારી, હેપેટાઈટિસ, વૃદ્ધાવસ્થા ન્યૂટ્રિશનલ સોલ્યૂશન્સ બનાવે છે.

જોહાનિસબર્ગમાં ત્રણ વર્ષ પછી ગાંધી વોકનું આયોજન

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના લેનાસિયા ઉપનગરમાં રવિવારે વાર્ષિક ગાંધી વોકની 35મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. છ કિલોમીટર લાંબી આ પદયાત્રામાં 2000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. વર્ષ 2020માં પ્રસ્તાવિત ગાંધી વોકથી આશરે એક મહિને પહેલાં કોવિડ19 રોગચાળા આવ્યો હતો, જેથી ગાંધી વોક સમિતિએ આ પદયાત્રાને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.

જોકે વર્ષ 2020માં ગાંધી વોકને બે ભાગમાં આયોજિત કરવાની યોજના હતી, જેમાં દોડવીરો માટે 15 કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને સામાન્ય લોકો અને વરિષ્ઠ નાગરિકો માટે પાંચ કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2020માં પ્રસ્તાવિત ગાંધી વોકના આયોજન પર મોટું ફંડ ખર્ચ કરવામાં આવ્યું હતું અને આશરે 4000 લોકોએ એમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ આ પદયાત્રા માટે નિર્ધારિત તારીખે એક પખવાડિયા પહેલાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની ઘોષણા કરી હતી. તેમણે આ પહેલાંના વાર્ષિક આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા અને તેમણે સામાજિત એકતા અને સદભાવને પ્રોત્યાહન આપવા માટે ગાંધી વોક સમિતિની પ્રશંસા કરી હતી.

રવિવારે આયોજિત ગાંધી વોકમાં મહાત્મા ગાંધીના હમશકલ હરિવદન પીતાંબર ફરી સામેલ થયા હતા. તેઓ આ પદયાત્રાનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. તેમણે સફેદ ધોતી અને ચશ્માં પહેરીને હાથમાં લાકડી પકડીને પદયાત્રામાં ભાગ લીધો હતો. રામાફોસાએ તેમની તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે મને આમંત્રિત કરવા અને આ મહાન ગાંધી વોકનો ભાગ બનાવવા માટે તમારો આભાર.

 

 

 

 

 

 

ભૂતકાળની યાદો, 75-વર્ષની સંસદીય સફળતાઓઃ આઠ બિલ રજૂ થશે

નવી દિલ્હીઃ સંસદનું પાંચ દિવસનું સત્ર આજથી શરૂ થયું છે. આ સત્ર નવા સંસદ ભવનમાં  22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં દેશમાં એક ચૂંટણી, મહિલા અનામત, સમાન નાગરિક સંહિતા બંધારણ સંશોધન સહિત આશરે આઠ બિલો રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. સંસદમાં રાજ્યસભામાં સંસદીય યાત્રાની સફળતાઓ, અનુભવ, યાદો અને શીખ વર વાત થશે.ત્યાર બાદ લોકસભામાં અધિવક્તા (સંશોધન વિધેયક, 2023, પ્રેસ અને પત્ર-પત્રિકા રજિસ્ટ્રેશન વિધેયક 2023 પર ચર્ચા થશે.

જૂની સંસદમાં સોમવારે સંસદીય કાર્યવાહીનો છેલ્લો દિવસ છે. મંગળવારથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં ચાલશે. જૂની સંસદના છેલ્લા ભાષણમાં પીએમ મોદીએ કહ્યું હતું કે દેશે ફરી એક વાર 75 વર્ષની સંસદીય યાત્રાને યાદ કરવી જોઈએ અને નવા ગૃહમાં જતા પહેલાં તે પ્રેરણાદાયી ક્ષણો અને ઇતિહાસની મહત્વપૂર્ણ ક્ષણોને યાદ કરીને આગળ વધવું જોઈએ. આપણે બધા આ ઐતિહાસિક ઇમારતને વિદાય આપી રહ્યા છીએ. આ ભવનમાં પીએમ મોદીએ 50 મિનિટનું છેલ્લું ભાષણ આપ્યું હતું. આ સાથે આશરે 27 વર્ષથી લંબિત મહિલા અનામત બિલ સંસદમાં રજૂ થવાની શક્યતા છે. હાલમાં લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી પણ ઓછી છે, જ્યારે કેટલાંય રાજ્યોની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી પણ ઓછું છે.

સર્વપક્ષી બેઠકમાં નેતાઓને સૂચિત કરવામાં આવ્યા હતા કે વરિષ્ઠ નાગરિકોથી જોડાયેલું એક બિલ તથા અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિ આદેશ સંબંધિત બિલનો એજન્ડામાં જોવામાં આવ્યો હતો. સંસદના વિશેષ સત્ર પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના વિશેષ સત્ર પહેલાં સંસદ બહાર મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બન્યો. તેમણે કહ્યું કે ચંદ્ર પર આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે. સંસદનું આ સત્ર ઐતિહાસિક નિર્ણયોથી ભરપૂર હશે.

 

 

 

 

 

 

 

આધ્યાત્મિકતા શું છે?

સદગુરુ: આધ્યાત્મિકતાનો અર્થ એક ખાસ અભ્યાસ નથી. તે એક ચોક્કસ રીતે હોય છે. ત્યાં પહોંચવા માટે ઘણી વસ્તુઓ કરવાની હોય છે. આ તમારા ઘરમાં બગીચો ઉગડવા જેવું છે. જો છોડનું બીજ, માટી અને સૂર્યપ્રકાશ એક યોગ્ય રીતે નથી, તો છોડ ફૂલ નહીં ખીલવે. તમારે તે વસ્તુઓની પહેલા કાળજી રાખવી પડશે. એ જ પ્રમાણે જો તમે તમારું શરીર, મન, ભાવનાઓ અને ઊર્જાઓ એક ચોક્કસ સ્તરની પરિપક્વતા સુધી વિકસિત કરો છો, તો બીજું કઈ તમારામાં ખીલી ઉઠશે.

લોકો કહે છે કે તેઓ જ્યારે મહાસાગર કે પર્વતો પર જાય છે, ત્યારે તેમને આધ્યાત્મિક અનુભવો થાય છે. મહાસાગરો અને પર્વતો સુંદર હોઈ શકે છે – તમારે વિશ્વને તે જેમ છે તેમ માણવું જોઈએ – પણ તમારે સમજવું જોઈએ કે મહાસાગરમાંની એક માછલી એમ વિચારતી નથી કે તે એક આધ્યાત્મિક અનુભવ કરી રહી છે કેમ કે તે બધો જ સમય ત્યાં છે.

તે ક્ષણોમાં જે અનુભવ થયો તેનું કારણ મૂળભૂત રીતે તમારમાની કોઈ મર્યાદા તૂટી હશે. તમે એક કવચમાં હતા. આ તૂટ્યું અને એક મોટું કવચ બન્યું. એકવાર તમે આ મોટા કવચ સાથે ટેવાઇ જાવ છો, તો તે પાછલા કવચ સમાન અનુભવ કરે છે. કેટલું મોટું કવચ તમને સંપૂર્ણ સંતોષ આપવા માટે પૂરતું રહેશે? કેટલું વિસ્તરણ તમને સંતોષ આપશે? જો તમને આ ગ્રહના રાજા કે રાણી બનાવવામાં આવે છે તો પણ તમે તારાઓ તરફ જોશો કેમ કે તમારામાં કોઈ વસ્તુ એવી છે જેને કોઈ પણ સરહદો પસંદ નથી. દરેક માનવી અમર્યાદિત થવા ઈચ્છે છે. જો તમે તેને જે કઈ જોઈએ છે તે આપો છો, તો તે ત્રણ દિવસ સુધી ઠીક રહેશે. ચોથા દિવસે તે કોઈ બીજી વસ્તુને શોધવા લાગી જાય છે. કોઈ વ્યક્તિ આને લાલચ તરીકે નામ આપી શકે છે. હું આને જીવનની પ્રક્રિયા ખોટી દિશામાં હોવાનું કહું છું.

જો તમે અમર્યાદિત બનવા ઇચ્છતા હોવ અને તમે તેને ભૌતિકતાથી પામવાની કોશિશ કરી રહ્યા છો, તો તમે અમર્યાદિત બનવા માટે ટુકડા-ટુકડામાં પ્રયત્ન કરી રહ્યા છો. શું તમે 1, 2, 3, 4, 5 એમ ગણતરી કરી એક દિવસ અનંતની ગણતરી કરી શકશો? તમે ફક્ત અંત હિન ગણતરીઓ કરતાં રહેશો. તે રસ્તો નથી. જો તમારે અમર્યાદિત પ્રકૃતિ જાણવી હોય તો, તમારે ભૌતિકતાથી પરે કોઈ વસ્તુ જાણવી જોઈએ – કોઈ વસ્તુ જેને તમે સ્પર્શ કર્યો હોય જ્યારે તમે મહાસાગરમાં કૂદકો માર્યો અથવા એક પર્વતને જોયો અથવા એક ગીત ગાયું. તમે તેને ઘણી બધી રીતે સ્પર્શી હોઈ શકે. પણ હવે પ્રશ્ન ટકાઉપણાનો છે.

ત્યાં ઘણી સરળ, વ્યક્તિગત ટેક્નોલોજીઓ છે – એક સરળ અભ્યાસ – જેમાં દિવસની 21 મિનિટોનું રોકાણ કરવાથી તમે તમારો દિવસ તમારી અંદર એક ખૂબ જ અસાધારણ આધ્યાત્મિક અનુભવથી શરૂ કરી શકો છો, જે તમને આખો દિવસ શાંતિમય અને આનંદિત રાખશે. તેના સિવાય એક સામાન્ય વસ્તુ દરેક માણસે જે કરવાની રહે છે તે છે તેની સંપૂર્ણ ભાગીદારી. જો તમે એક વ્યક્તિ, એક વૃક્ષ અથવા એક વાદળને જુઓ છો, તો તમે તમારા શરીર અને શ્વાસની માફક તે બધાને એક સરખી ભાગીદારીથી જુઓ છો. જો તમે કયું સારું તેનો ભેદ ના રાખો અને તમે જીવનના દરેક પાસાં પ્રત્યે સરખી ભાગીદારી દાખવો છો, તો તમે સતત આધ્યાત્મિક રહેશો.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.