Home Blog Page 2517

પ્રધાનમંત્રીના જન્મદિવસે ગુજરાતને મળશે આ ખાસ ભેટ

આવતીકાલ એટલે કે 17 સપ્ટેમ્બર 2023 એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સહયોગથી રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો ખુલ્લા મુકવામાં આવશે.

નોંધનીય છે કે પીએમ મોદીના જન્મદિને ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સહયોગથી રાજ્યની 73 જેટલા સરકારી હોસ્પિટલો ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો ખુલ્લા મુકવામાં આવશે. ભારત સરકારના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તથા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનું ઉદઘાટન કરશે.

રાજ્યના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં આ સેવાનો શુભારંભ આવતીકાલથી થઈ જશે જેમાં શહેરી વિસ્તારોમાં 35 આદિજાતિ વિસ્તારમાં 25 અને અંતરિયાળ વિસ્તારમાં 13 જેટલા જન ઔષધી કેન્દ્રોનો આવતી કાલે પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તેથી ખુલ્લા મુકાશે.

ઉલ્લેખનીય છે જન ઔષધી કેન્દ્રોમાં 2500 જેટલી જેનરીક દવાઓનો લાભ દર્દી રાહત દરે લઈ શકશે. આ સાથે જ અત્યારે જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર જે શરૂ કર્યા છે તેમાં આગળ જતા ક્રમશ જરૂરિયાત મુજબ વધારો પણ કરવામાં આવશે.

રામનાથ કોવિંદે ‘વન નેશન વન ઈલેક્શન’ને લઈને આપ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાશે પ્રથમ બેઠક

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સમિતિના અધ્યક્ષ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું કહેવું છે કે સમિતિની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાશે. તાજેતરમાં ‘એક દેશ એક ચૂંટણી’ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ માટે કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે, જે એક સાથે ચૂંટણી કરાવવાની રૂપરેખા નક્કી કરશે. અધ્યક્ષ ઉપરાંત, સમિતિના અન્ય 7 સભ્યોમાં અમિત શાહ, અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારીનો સમાવેશ થશે.

વિશેષ સત્રમાં બિલ લાવવાની અટકળો

‘વન નેશન વન ઈલેક્શન’ને લઈને એવી અટકળો ચાલી રહી છે કે મોદી સરકાર 18 સપ્ટેમ્બરથી બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં તેનાથી સંબંધિત બિલનો પ્રસ્તાવ લાવી શકે છે. દરમિયાન, ચૂંટણીને લઈને એક અભ્યાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ, લોકસભાથી લઈને પંચાયત સ્તર સુધી દેશના ત્રણેય સ્તરોમાં ચૂંટણીઓ કરાવવા માટે કુલ 10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. તે જ સમયે, જો તમામ ચૂંટણીઓ એક સાથે અથવા એક અઠવાડિયામાં યોજવામાં આવે છે, તો તેના ખર્ચમાં 3 થી 5 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

2024ની લોકસભા ચૂંટણીમાં આટલો ખર્ચ થવાની ધારણા 

જાહેર નીતિઓના સંશોધન-આધારિત વિશ્લેષક એન ભાસ્કર રાવના જણાવ્યા અનુસાર, 2024ની લોકસભાની ચૂંટણીઓ પર જ 1.20 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. રાવનો અભ્યાસ કહે છે કે ચૂંટણી પંચ 2024ની ચૂંટણીમાં ખર્ચવામાં આવેલા કુલ નાણાંના 20 ટકા ખર્ચ કરી શકે છે. જો તમામ વિધાનસભા ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે તો તેના પર 3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે દેશમાં કુલ 4500 વિધાનસભા સીટો છે.

 

ક્રાઇમ બ્રાન્ચે લક્ઝુરિયસ કારની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ પકડી

 અમદાવાદઃ શહેર ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાંથી 500થી વધુ કારની ચોરી કરનાર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, એમ અધિકારીએ કહ્યું હતું.  આ આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી છે. આ ચોરટોળકીની ટેકનોલોજીના દુરુપયોગની રીતભાત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઉત્તર પ્રદેશના મેરઠના વતની અશરફ સુલતાન તેમ જ રાંચીના ઇરફાન ઉર્ફે પિન્ટુની ધરપકડ કરી છે. અશરફ સુલતાન અગાઉ દિલ્હીમાં ફોરવ્હીલર ગાડીઓની ચોરીમાં ઝડપાઈ પણ ચૂક્યો છે. આરોપીઓએ યુપી, દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળના સાગરીતો સાથે મળીને ગેંગ બનાવી હતી. જેમાં પ્રીમિયમ ગાડીઓનો સુરક્ષા કોડ ડીકોડ કરી ગેંગ દ્વારા 500 જેટલી ગાડીઓ ચોરી કરવામાં આવી હતી. આરોપીઓ લક્ઝુરિયસ ગાડીઓના કોડ લેપટોપ દ્વારા બદલીને જે તે કાર ચોરી કરતા અને ચોરી કરનાર વ્યક્તિને રૂ. 50,000 આપતા હતા. ગાડી ચોરી કર્યા બાદ તેનો ચેસીસ નંબર તેમ જ એન્જિન નંબર બદલીને અન્ય રાજ્યમાં કાર વેચવામાં આવતી હતી.

આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિત અન્ય સેવન સિસ્ટર રાજ્યોમાં RTO સાથે સાઠગાંઠ કરી NOC મેળવી ગાડીઓનું પાસિંગ કરાવવામાં આવતું હતું.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 10 ગાડીઓ કબજે કરી એમાંથી એક ગાડીની યુપીમાં તેમ જ નવ ગાડીઓની દિલ્હી શહેરમાં ચોરી થવા અંગે FIR નોંધાયેલી છે. બંને આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી લક્ઝુરિયસ કાર ચોરી કરતા હતા અને લાખો રૂપિયા મેળવતા હતા. બંને ઝડપાયેલા આરોપીઓને દિલ્હી પોલીસ ઝડપી આગળની વધુ તપાસ હાથ ધરશે.

 

પૂરઃ ડર્ના ડેમ તૂટતાં 40,000નાં મોતની આશંકા

ડર્નાઃ આફ્રિકન દેશ લિબિયામાં વાવાઝોડુ ડેનિયલ અને પૂરે ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડા બાદ એક લાખની વસ્તી ધરાવતા ડેર્ના શહેર નજીક બે ડેમ તૂટી ગયા છે. જેને કારણે શહેરનો વિનાશ થયો છે. વળી, બાંધ તૂટવાથી ઘરોમાં પાણી અને કીચડ ભરાઈ ગયાં છે. માટી અને કાટમાળમાંથી મૃતદેહો સતત નીકળી જ રહ્યા છે. અહીં બીમારીઓ ફેલાવાનું જોખમ છે.

ડર્ના શહેર સંપૂર્ણ રીતે ખતમ થઈ ચૂક્યું છે. ચારે બાજુ તૂટેલી ઇમારતો, કીચડ, કારોની ઉપર લદેલી કારો દેખાઈ રહી છે. કીચડમાં પગ મૂકતાં નીચેથી મૃતદેહ  મળી રહ્યો છે. 40,000થી વધુ લોકોના માર્યા જવાની આશંકા છે.

ડર્નામાં યુગોસ્લાવિયાની કંપની દ્વારા 1970માં બે ડેમ બનાવવામાં આવ્યા હતા. પહેલો ડેમ 70 મીટર ઊંચો હતો અને એમાં 1.80 કરોડ ક્યુબિક મીટર પાણી સંગ્રહ થતું હતું. બીજો ડેમ 45 મીટર ઊંચો હતો. ત્યાં 15 લાખ ક્યુબિક મીટર પામી જમા હતું. બંને ડેમમાં આશરે બે કરોડ ટન પાણી હતું.

જોકે હાલમાં ડેનિયલ તોફાને એટલું પાણી ભરી દીધું કે ડેમના નબળા બાંધકામ એને સંભાળી નહીં શક્યું. ડેમ તૂટ્યો અને એની સાથે ડર્ના શહેર ખતમ થયું.

પૂર્વ લિબિયામાં એમ્બ્યુલન્સ અને ઇમર્જન્સી સેનાના ડિરેક્ટર સલામ અલ-ફરગનીએ ઘોષણા કરી હતી કે ઇમર્જન્સી કર્મચારીઓને તેમનું કામ કરવા દેવા શહેરવાસીઓને શહેરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. માત્ર રાહત અને બચાવ ટીમોને પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

 

 

 

 

 

યોગ્ય જ્ઞાન અને સમજણ દ્વારા પ્રાપ્ત કરેલું ધન પેઢીઓ સુધી ટકી રહે છે

બુદ્ધિવૃદ્ધિકરાણ્યાશુ ધન્યાનિ ચ હિતાનિ ચ ।

નિત્યં શસ્ત્રાણ્યવેક્ષેત નિગમાંશ્ચૈવ વૈદિકાન્ ।।4.19।।

મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 4.19માં બોધ આપવામાં આવ્યો છે કે બુદ્ધિવર્ધક અને ધન-આરોગ્યની બાબતે સમજણ આપનારાં શાસ્ત્રોનું નિત્ય અધ્યયન કરવું જોઈએ અને વેદનો અર્થ સમજાવનારા ગ્રંથોનું વાંચન કરવું જોઈએ.

આજે આપણે નાણાકીય સાક્ષરતા માટેની સરકારની યોજના બાબતે અનેકવાર સમાચારોમાં સાંભળીએ છીએ-વાંચીએ છીએ. વિવિધ નાણાકીય નિયમનકારો અને સરકાર દેશમાં નાણાકીય સાક્ષરતા ફેલાવવા માટે જોરદાર પ્રયાસ કરી રહ્યાં છે. આ સાથે જ નાણાકીય બજારોની અન્ય સંસ્થાઓ પણ પર્સનલ ફાઇનાન્સ વિશે જાગૃતતા લાવવા માટે અનેક પહેલ કરી રહી છે.

આ તો આજની વાત થઈ, પણ આપણા દેશમાં હજારો વર્ષ પહેલાં શાસ્ત્રોમાં આ વાત કહેવાયેલી છે. કોઇપણ વસ્તુનું સર્જન કરતાં પહેલાં તેના વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે. આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવતાઓનું પૂજન કરીએ છીએ. બ્રહ્માજીનાં પત્ની છે સરસ્વતી. વિષ્ણુનાં છે લક્ષ્મી અને મહેશનાં છે પાર્વતી. સરસ્વતી જ્ઞાનનાં દેવી છે. બ્રહ્મા વિશ્વના સર્જક છે. આથી કોઈ પણ સર્જક પાસે સરસ્વતી એટલે કે જ્ઞાન હોવું આવશ્યક છે. એ જ રીતે સંપત્તિનું સર્જન કરતાં પહેલાં પણ જ્ઞાન હોવું જરૂરી છે.

મનુએ કહ્યું છે કે આપણે વિવિધ શાસ્ત્રોનું પઠન કરીને જ્ઞાન પ્રાપ્ત કરતાં રહેવું જોઈએ. જ્ઞાન પ્રાપ્ત થયા બાદ જ સંપત્તિનું સર્જન કરવું જોઈએ. ધન આપણા રોજબરોજના જીવન માટે જરૂરી છે. વિષ્ણુ દેવતા જગતના પાલનહાર છે અને તેમનાં પત્ની લક્ષ્મીજી સંપત્તિનાં દેવી છે. આજના યુગમાં ઘણા લોકો જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જ સંપત્તિનું સર્જન કરવાનો પ્રયાસ કરતા હોય છે. આ બાબત તેમના માટે ઘાતક પુરવાર થાય છે. યોગ્ય જ્ઞાન વગર પ્રાપ્ત થયેલું ધન નિરર્થક હોય છે. આ વાતને આપણે વીજળીના ઉદાહરણ દ્વારા વધારે સારી રીતે સમજી શકીએ છીએ. વીજળી આપણા જીવનમાં અનિવાર્ય મૂળભૂત જરૂરિયાત છે. મોટા ભાગના લોકોને ખબર જ નથી કે વીજળી વગર કઈ રીતે જીવી શકાય. જો આપણે ભૂલથી વીજળીના સોકેટમાં આંગળી ખોસી દઈએ તો શું થાય એ આપણને ખબર છે. સંપત્તિનું પણ એવું જ છે. જ્ઞાન વગર સંપત્તિ ભેગી કરવામાં આવે તો વીજળીનો શોક લાગવા જેવી જ ઘટના બને.

સંપત્તિ ભેગી કરતાં પહેલાં આપણે બૅન્કિંગ, હિસાબ, વગેરેનું યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. જો આપણે સ્ટોક માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના હોઈએ તો તેના વિશેની જાણકારી પણ પહેલેથી પ્રાપ્ત કરી લેવી જોઈએ. આપણે જોયું છે કે કેટલીક વ્યક્તિઓ ટીવી જોતી વખતે અથવા તો અખબારોમાં કે સામાયિકોમાં લેખો વાંચતી વખતે પર્સનલ ફાઇનાન્સના લેખો ધ્યાનપૂર્વક જોતા-વાંચતા હોય છે અને તેના વિશેની માહિતી મેળવતા હોય છે. જોકે, આ માહિતી અને જ્ઞાન એ બંને વસ્તુઓ અલગ અલગ છે એ પણ સમજી લેવું જોઈએ. આપણે ટીવી શો જોવા માત્રથી કે અખબારોમાં કે સામયિકમાં વાંચી લેવા માત્રથી જ્ઞાની બની જતા નથી, કારણ કે એ જગ્યાએ ફક્ત માહિતી પીરસાયેલી હોય છે. આપણે જે રીતે આરોગ્ય વિશેના લેખો વાંચીને કે ટીવી શો જોઈને જાતે બીમારીઓનો ઈલાજ કરી શકતા નથી એ જ રીતે સંપત્તિસર્જન પણ ટીવી જોવાથી કે લેખો વાંચવાથી શક્ય બનતું નથી.

બૅન્કિંગની વાત કરીએ તો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાની વેબસાઇટ ઉપર ઘણી માહિતી રજૂ કરેલી છે. કેપિટલ માર્કેટનાં સાધનો, જેમ કે ઈક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને ડિબેન્ચરમાં કરાતા રોકાણ બાબતે સ્ટોક એક્સચેન્જોએ પૂરતી માહિતી તેમની વેબસાઈટ પર મૂકેલી છે. તેઓ કેટલાક પ્રશિક્ષણ કાર્યક્રમો પણ ધરાવે છે. વીમાના નિયમનકારે પણ આવી જ વ્યવસ્થા કરેલી છે. નેશનલ સેન્ટર ફોર ફાઇનાન્શિયલ એજ્યુકેશન નામની સંસ્થાએ નાણાકીય જાણકારી આપવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. વિવિધ નાણાકીય નિયમનકારોએ ભેગા મળીને આ સંસ્થાની રચના કરી છે. તેના મારફતે અનેક અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે. નાણાકીય જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત આવે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ધન ફક્ત પૈસા કે સંપત્તિ ન બની રહેતાં તેનું રૂપાંતર લક્ષ્મીના સ્વરૂપે થવું જોઈએ. એ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે તેનું માન રાખીએ, તેનો આદર કરીએ, તેની પૂજા કરીએ. આ ઉપરાંત સમાજના જરૂરિયાતમંદોમાં ધન વહેંચવાથી પણ આપણને સંતોષ થાય છે.

બીજી એક અગત્યની વાત. આપણે ક્યારે પણ પોતાના ધનની બાબતે અન્યો સાથે તુલના કરવી જોઈએ નહીં. આ જ રીતે કોઈનું ધન જોઈને ઈર્ષ્યા પણ કરવી જોઈએ નહીં. ધનની બાબતે અહંકાર, અસલામતી, ચિંતા, લોભ, વગેરે લાગણીઓ હાનિકારક છે. આ લાગણીઓ આપણા મનમાં જન્મવી જોઈએ નહીં. જો આપણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય તો આ લાગણીઓ આપણા મનમાં પેદા થતી અટકે છે. ધન ભેગું કરવાનું સહેલું હોઈ શકે છે, પરંતુ તેને ટકાવી રાખવા માટે યોગ્ય જ્ઞાન હોવું આવશ્યક છે, અન્યથા તે ક્યારે પણ આપણને આપણને છોડીને જઈ શકે છે. આથી ધન ભેગું કરવા માટે ઉતાવળ કરવાને બદલે યોગ્ય પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા ઉપર લક્ષ આપવું જોઈએ. યોગ્ય જ્ઞાન અને સમજણ દ્વારા પ્રાપ્ત કરેલું ધન પેઢીઓ સુધી ટકી રહે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

 

કૃષ્ણકાંત વખારિયાઃ પરોપકારી, પ્રામાણિક, સિદ્ધાંતવાદી

મને મારા સસરા અને ગુજરાત હાઇકોર્ટના જાણીતા લોયર કૃષ્ણકાંત વખારિયા વિશે, એમના અવસાન પછીના એમના પહેલા જન્મદિવસે, એમના વિશે લખવાનું ખૂબ જ અઘરું કામ સોંપવામાં આવ્યું છે. હું એમની પુત્રવધૂ છું એટલે મારા માટે આ કામ થોડુંક વિશેષ અઘરું બની જાય છે. એમના પુત્ર અને મારા પતિ મેહુલને પરણીને આ પરિવાર સાથે રહેવાનું મેં શરૂ કર્યું હતું તે પછી મેં જાણ્યું કે પપ્પા એટલે કે ગુજરાતના બહુ જ જાણીતા એવા લોયર કૃષ્ણકાંત વખારિયા ફક્ત એક લોયર જ નહોતા, એ એક ઉમદા વ્યક્તિત્વના માલિક હતા. એ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી ય હતા અને વિશ્વભરના ગુજરાતીઓને એક મંચ પર લાવનાર સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના સ્થાપક-પ્રમુખ પણ હતા. આ બધા ઉપરાંત સૌથી મહત્વનું તો એ છે કે એ એક નિતાંત પ્રામાણિક અને સિધ્ધાંતવાદી વ્યક્તિ હતા. 

એમના વિશે મારી પહેલી સ્મૃતિ એ વખતની છે જ્યારે હું એમની ચેમ્બરમાં કામ કરતી હતી. એ વખતે હું સૌથી જુનિયર કક્ષાની લોયર હતી અને થોડા સમય પહેલાં જ લૉ સ્કૂલમાંથી ભણીને બહાર નીકળી હતી. મને કાનૂની બાબતોમાં અંતિમ સુનાવણી વખતે હાજર રહેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. મને યાદ છે કે એક જૂનો કેસ હતો. તેથી બોર્ડ પર જ્યારે ચર્ચા કરાઈ ત્યારે મને એ વિશે દલીલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કેસમાં મેં દલીલબાજી કરી ત્યારે ક્લાયન્ટ્સ કોર્ટમાં હાજર હતા. ઓફિસે પાછા ફર્યાં બાદ કૃષ્ણકાંત વખારિયાએ ક્લાયન્ટ્સને પૂછ્યું કે, મારી કામગીરી કેવી રહી? ત્યારે ક્લાયન્ટે જવાબ આપ્યો કે, હું એમનો વારસો આગળ ધપાવવા સક્ષમ છું..

પરંતુ ત્યારે મને એક વાત સમજાઈ ગઈ કે લોયર તરીકે દલીલબાજી કરવાની મારી ક્ષમતા બહુ પ્રભાવશાળી નહોતી. વાસ્તવમાં એ કેસ અંગેનો ડ્રાફ્ટ જ એવી સચોટ, સ્પષ્ટ રીતે અને સંક્ષિપ્તમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને એમાં કાનૂની મુદ્દા એટલા સરસ રીતે રજૂ કરાયા હતા કે કોઈ પણ લૉયર દલીલબાજીમાં ચમકી ઉઠે. આ એમની એક લોયર તરીકેની ક્ષમતા જ હતી, જેનો મને એ દિવસે પાક્કો પરિચય થયો.

હવે જો હું કૃષ્ણકાંત વખારિયા વિશે એક દાનવીર કે મદદગાર તરીકેના એમના વ્યક્તિત્વની વાત કરું તો એમને પૂરતો ન્યાય આપી શકે એવા શબ્દો જ મળે એમ નથી. અમારાં નિવાસસ્થાનનું નામ એમણે યોગ્ય રીતે જ ‘પરિશ્રમ’ રાખ્યું હતું, કારણ કે તેનું નિર્માણ ખૂબ જ પરિશ્રમથી કરવામાં આવ્યું હતું. એ ઘરમાં હું વર્ષો સુધી રહી છું. ‘પરિશ્રમ’માં આવનાર કોઈ પણ ક્લાયન્ટ, મિત્ર કે પરિવારનાં સભ્યો ક્યારેય ચા-નાશ્તો કર્યા વિના ગયા હોય એવું મને કે ઘરના કોઇપણ સભ્યને યાદ નથી. પછી ભલેને કોઈ ક્લાયન્ટ રાજ્યના જુદા જુદા ભાગોમાંથી વહેલી સવારે આવ્યા હોય કે મોડી બપોરે! ઘરમાં દરેક જણ આરામ કરતું હોય કે પછી રસોડું સંપૂર્ણપણે બંધ હોય તો પણ આવનાર કોઇપણ વ્યક્તિ ખાલીહાથે પાછું ન જ જાય. અનેક ગરીબ ક્લાયન્ટને એમણે ફી લીધા વિના મદદ કરી હશે. અનેક જરૂરિયાતમંદોને એમણે ખાનગીમાં મદદ કરી હશે. ગાડીના ડ્રાઇવરને રસ્તામાં ક્યાંય તકલીફ પડી હોય, ટ્રાફિક પોલીસે અટકાવ્યા હોય તો પપ્પાને મેં એમની મદદ માટે ખુદને દોડી જતા જોયા છે. પરિવારજનો કે સ્ટાફના સભ્યો કે એમના કોઈ અન્ય ઓળખીતાના કોઈ પણ પ્રકારના સામાજિક કાર્યક્રમો હોય ત્યારે સૌને પોતાનાથી બનતી કોઈ પણ પ્રકારની મદદ કરવામાં એમને કાયમ આનંદ આવતો. એ માટે અમારું ઘર 24/7 ખુલ્લું રહેતું.

એવા તો ઘણા પ્રસંગો છે જેનું હું વર્ણન કરી શકું, પરંતુ મારે એક સૌથી મહત્વનો ઉલ્લેખ કરવો છે એ એમના કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા તરીકેની કારકિર્દીનો છે. વર્ષો સુધી એમણે કોઇ પદ કે અન્ય અપેક્ષા વિના કોંગ્રેસના એક કાર્યકર તરીકે પક્ષની અને લોકોની સેવા કરી છે. એ ખૂબ મોટા દિલના અને ઉદાર સ્વભાવના હતા અને સિદ્ધાંતોમાં માનનારા હતા. રાજકારણમાં રહીને પણ એમણે પોતાના સિધ્ધાંતો સાથે ક્યારેય કોઇ સમાધાન કર્યું નહોતું. એ જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે એમના પ્રચાર માટે હું એમની સાથે એમના વતન બગસરામાં (અમરેલી જિલ્લો) એક મહિનાથી પણ વધારે સમય સુધી રહી હતી. દરરોજ પાર્ટીના કાર્યકર્તાઓ આવતા અને એમને કામ કરવા બાબતે અમુક પ્રકારના સલાહ-સૂચન કરતા, પરંતુ તેઓ ક્યારેય એમના સિદ્ધાંતોથી હટ્યા નહોતા, પછી ભલેને એ માટે એમણે ચૂંટણી ગુમાવવી પણ પડી હોય!

આજે એમના જન્મદિવસ નિમિત્તે, હું પરોપકારી, ધીરજવાન અને પ્રામાણિક એવા એડવોકેટ, રાજકીય અને સામાજિક અગ્રણી એવા કૃષ્ણકાંત વખારિયાને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. એક એવી વ્યક્તિ, જે કોઈ પણ પ્રયાસમાં સકારાત્મક દ્રષ્ટિકોણ, જુસ્સા અને કરુણા સાથે પોતાની માન્યતાને વળગી રહી હતી. એમને સલામ!

(ડો. જૂલી દેસાઈ)

(લેખિકા અમદાવાદસ્થિત લોયર અને માનવ અધિકારોના કાર્યકર્તા છે.)

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદઃ ડેમની સપાટી 136 મીટરે પહોંચી

અમદાવાદઃ હવામાન વિભાગે 16થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDએ સોશિયલ મિડિયા પોસ્ટમાં લખ્યું છે કે પશ્ચિમ મધ્ય પ્રદેશ રેડ એલર્ટ પર છે, કારણ કે 17 સપ્ટેમ્બર સુધી અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ મુજબ 16થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ, ભારે તેમ જ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

બીજી તરફ, દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદ, વડોદરા, આણંદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી સહિત કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

 નર્મદા ડેમની સપાટી 136 મીટરેએ પહોંચી

નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે અને ડેમની સપાટી 135.82 મીટરે પહોંચી છે. પાણીની વિપુલ આવક સામે ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પૂરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલ ડેમમાં 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 1,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં પાણીની સપાટી 136.11 મીટર છે. આ સાથે વડોદરા જિલ્લાનાં 25 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરાના ડભોઇ તાલુકાના ત્રણ, શિનોર અને કરજણ તાલુકાનાં કુલ 22 ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે.

નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે કે સંપૂર્ણ ડેમ ભરાવામાં 3.26 મીટરનું છેટું છે. પાણીની ધરખમ આવકથી ડેમ છલોછલ થાય તોપણ નવાઈ નહીં. બીજી તરફ, ઇન્દિરાસાગર ડેમના 12 દરવાજા 10 મીટર ખોલવામાં આવ્યા છે તેમ જ પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં નર્મદા ડેમમાં આવક વધી રહી છે.

 

 

 

 

 

 

 

પાકિસ્તાનમાં મોંઘવારીનો મારઃ પેટ્રોલમાં રૂ. 26નો તો ડીઝલમાં રૂ. 17નો વધારો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં લોકો મોંઘવારી ત્રસ્ત છે. પાણીપીણીની ચીજવસ્તુઓની વધતી કિંમતોની સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વદારો થઈ રહ્યો છે. સરકારે અહીં રાતોરાત પેટ્રોલ અને ડીઝલની કિમતોમાં વધારો કર્યો છે. અહીં પેટ્રોલની કિંમતોમાં લિટરીઠ રૂ. 26.02 અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર રૂ. 17.34નો વધારો કરવામાં આવ્યો છે. જેથી પેટ્રોલ પ્રતિ લિટર રૂ. 331.38 પૈસા અને ડીઝલ રૂ. 329.18એ વેચાઈ રહ્યું છે.

શુક્રવાર સુધી પાકિસ્તાનમાં સરકાર દ્વારા પેટ્રોલની કિંમતોમાં રૂ. 10-14નો વધારો કરવાની આશંકા દર્શાવવામાં આવતી હતી  સરકારે વધતી ઓઇલની કિંમતોનો હવાલો આપતાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો વધારી હતી. પાકિસ્તાન સરકાર દરેક પખવાડિયે પેટ્રોલિયમ કિંમતોની સમીક્ષા કરે છે. જોકે આ પહેલાં પાકિસ્તાની સરકારે ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયામાં થયેલા ઘટાડાનો બોજ જનતા પર નહોતો નાખ્યો.

પાકિસ્તાનમાં મોંઘવારીમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટમાં અહીં વાર્ષિક ધોરણે મોંઘવારી દર 27.38% હતો. પાકિસ્તાનમાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં વધારાને કારણે ખાદ્યપદાર્થોનો ફુગાવો 38.5% પહોંચી ગયો છે. એક વર્ષ પહેલાં ઓગસ્ટમાં તે 6.2% હતો.

તાજેતરમાં જ પાકિસ્તાનમાં વધતી મોંઘવારી અને વીજળીના બિલના વિરોધમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. લાહોર, કરાચી અને પેશાવરથી વેપારીઓએ દેશભરમાં દુકાનો બંધ કરી દીધી હતી. જ્યારે કાર્યકારી વડાપ્રધાન અનવર ઉલ હક કાકરને વધતી મોંઘવારી પર પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે લોકોએ બિલ ચૂકવવાં પડશે. આ સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

 

 

 

 

SP નેતા આઝમ ખાનને ત્યાં દરોડાઃ રૂ. 800 કરોડની કરચોરીની શક્યતા

લખનઉઃ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન અને તેમની સાથે સંકળાયેલા લોકો પર ત્રણ દિવસના દરોડા પછી રૂ. 800 કરોડથી વધુની કરચોરીની આશંકા છે. આવકવેરા અધિકારીઓ, સુરક્ષા દળો શુક્રવારે સાંજે SP નેતાના નિવાસસ્થાનમાંથી બહાર નીકળ્યા હતા. ત્યાર બાદ ખાને કહ્યું હતું  કે આ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓને આઝમ ખાનના ઘરેથી રૂ. 83.90 લાખ રોકડા મળ્યા હતા.

આવકવેરા વિભાગે ખાન વિરુદ્ધ કરચોરીની તપાસના ભાગરૂપે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં 30થી વધુ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. વિભાગે ઉત્તર પ્રદેશના રામપુર, સહારનપુર, લખનૌ, ગાઝિયાબાદ અને મેરઠ ઉપરાંત પડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં કેટલીક જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.

ગાઝિયાબાદમાં આવકવેરા વિભાગે બુધવારે રાજનગર કોલોનીમાં એક ઘરમાં દરોડા પાડ્યા હતા. આ ઘર એકતા કૌશિકનું છે, જે ખાન પરિવારનું નજીક માનવામાં આવે છે. આ દરોડામાં આવકવેરા વિભાગના 42 લોકો સામેલ હતા. આશરે 60 કલાક IT વિભાગના અધિકારી અને સીમા સશસ્ત્ર દળના જવાન આઝમ ખાનના ઘરમાં રહ્યા હતા.

જોકે આઝમ ખાન અને પાર્ટી વિરુદ્ધ દરોડા પર SP તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. પાર્ટીએ ખાનને સમર્થન આપતાં ભાજપ સરકાર પર તાનાશાહી અને કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. બુધવારે દરોડા પછી પાર્ટીએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું હતું કે આઝમ ખાન સાહેબ સત્યનો અવાજ છે. તેમણે બાળકોના સારા ભવિષ્યનો પાયો નાખ્યો અને શિક્ષણ માટે યુનિવર્સિટી બનાવી.જોકે, ભાજપના નેતા અને યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓ ભારતને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે તેમના અધિકારોમાં કામ કરી રહી છે.

 

 

 

 

 

 

કાદર ખાન નાટકથી ફિલ્મોમાં આવ્યા     

અભિનેતા તરીકે પણ જાણીતા રહેલા કાદર ખાનને એમના લેખનને કારણે નાટકો પછી ફિલ્મોમાં લેખક અને અભિનેતા તરીકે તક મળી હતી. કાદરને શાળા જીવનથી જ નાટક લખવાનો અને એમાં અભિનયનો શોખ જાગી ચૂક્યો હતો. જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો ત્યારે કોલેજના એક નાટક માટે સ્ટેજના જાણીતા લેખક પ્રબોધ જોશી ઓડિશન લઈ રહ્યા હતા. મિત્રના સૂચનથી કાદર ઓડિશન માટે ગયા ત્યારે પહેલાં એક પાનનું લખાણ વંચાવ્યું. પછી પ્રભાવિત થઈ અનેક પાનાં વંચાવ્યા અને અગાઉ નાટકોમાં કામ કર્યું હતું એ પણ જાની લીધું. પછી ‘બહાદુરશાહ જફર’ નાટકમાં એક ફકીરની મહત્વની ભૂમિકા આપી. એમણે જ્યારે નાટકની સ્ક્રીપ્ટ વાંચવા આપી ત્યારે કાદરને થયું કે વાર્તામાં ગરબડ છે. એણે પ્રબોધ જોશીને કહ્યું ત્યારે એમને પણ એમાં કોઈ ઝોલ હોવાનો ખ્યાલ હતો પણ ક્યાં હતો એની સમજ પડતી ન હતી. કાદરે કહ્યું કે તે ફરીથી લખીને પ્રયત્ન કરી જુએ? એમણે હા પાડી દીધી.

કાદરે નાટકની આખી સ્ક્રીપ્ટ લઈ જઈ ચાર-પાંચ કલાકમાં ફરીથી લખી નાખી અને એમને બતાવીને સંભળાવી. એ સાંભળીને એમણે કહ્યું કે આ મારું નાટક જ નથી. આખું નાટક બદલાઈ ગયું છે. એમણે એ નાટક ‘તાશ કે પત્તે’ ના લેખક તરીકેની ક્રેડિટ એને આપી. એ પછી પ્રબોધ જોશી એના ગુરુ બની ગયા હતા. એમને કોઈ વિચાર આવે ત્યારે કાદરને લખવા માટે કહેતા હતા. કાદર કોઈ વિચાર કરે તો એના પરથી એને લખવા કહેતા હતા. એટલું જ નહીં જરૂરિયાત ઊભી થાય ત્યારે કાદર એમના ગુજરાતી નાટકનું હિન્દી રૂપાંતર કરી આપતા હતા. એક વખત કાદરે હિન્દીમાં ‘તીન બંદર’ લખ્યું ત્યારે એમણે એનું ગુજરાતીમાં રૂપાંતર કરી બનાવ્યું. પ્રબોધ જોશીએ એક વખત પૂછ્યું કે તું શું વાંચે છે? અને કોનામાંથી પ્રેરણા મેળવે છે? કાદર કોઈ લેખકને વાંચતાં ન હતા એટલે એમણે મોટા લેખકોના નામ આપી વાંચવાની સલાહ આપી.

કોલેજમાં કાદરના નાટકો એટલા જાણીતા થયા કે બીજી જગ્યાએથી છોકરા- છોકરી એને જોવા આવતા હતા અને ઓટોગ્રાફ લઈ જતા હતા. એ ભણીને કોલેજમાં શિક્ષક બની ગયા હતા ત્યારે ઓલ ઈન્ડિયા નાટ્ય સ્પર્ધા જાગૃતિનું આયોજન થયું. એમાં કાદરે ઉમેદવારી ના નોંધાવી ત્યારે એના આયોજકો સામે ચાલીને આવ્યા અને પ્રવેશપત્ર ભરવા વિનંતી કરીને કહ્યું કે તમારું નામ સાંભળીને બીજી કોલેજ અને સંસ્થાવાળા પણ ભાગ લેવા આવશે. એમણે કહ્યું કે એવોર્ડ પણ મળશે.

કાદર એવોર્ડ માટે ઉત્સુક ન હતા. જ્યારે કહ્યું કે રૂ.1500 રોકડ ઈનામ છે ત્યારે શફી ઇનામદાર વગેરે મિત્રોએ પણ પ્રોત્સાહન આપ્યું અને ફી પણ ભરી દીધી એટલે તૈયાર થઈ ગયા. કેમકે શિક્ષક તરીકે રૂ.300 નો પગાર મળતો હતો. સ્પર્ધા માટે કાદરે ‘લોકલ ટ્રેન’ નામનું નાટક લખ્યું અને ભજવ્યું. એને શ્રેષ્ઠ નાટકનો જ નહીં બીજા બધા જ એવોર્ડ મળ્યા. એ નાટ્ય સ્પર્ધામાં જજ તરીકે ફિલ્મી દુનિયાની હસ્તીઓ હતી. એમાંથી નિર્દેશક નરેન્દ્ર બેદી આવ્યા અને ફિલ્મ લખવા કહ્યું. કાદરે પહેલાં તો ના પાડી દીધી પણ પછી એમના આગ્રહથી ફિલ્મ ‘જવાની દિવાની’ લખી. એ પછી ફિલ્મો મળતી ગઈ અને એ ફિલ્મોમાં લેખક સાથે અભિનેતા તરીકે જોડાતા ગયા હતા.