Home Blog Page 2523

ભાજપ નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવા સનાતનનો મુદ્દો ઉઠાવે છેઃ સ્ટાલિન

ચેન્નઈઃ તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ભાજપ પર નિષ્ફળતા અને ભ્રષ્ટાચારથી લોકોનું ધ્યાન હટાવવા માટે સનાતન ધર્મનો મુદ્દો ઉઠાવવાનો આરોપ મૂક્યો હતો. દ્રમુક પ્રમુખે એક નિવેદનમાં પાર્ટીના કાર્યકર્તાઓથી ભાજપના ભ્રષ્ટાચાર વિશે વાત કરવા આહવાન કર્યું છે. તેમણે વડા પ્રધાન પર નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં પોતે આપેલાં ચૂંટણી વચનો પૂરાં નથી કર્યાં. કેન્દ્રની ભાજપ સરકાર લોકોનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે અને પ્રચાર-પ્રસારમાં લાગેલી છે. ભાજપની આ નિષ્ફળતાઓને દ્રમુક અને ઇન્ડિયા ફ્રન્ટના ઘટકો દ્વારા ઉજાગર થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે CAGના રિપોર્ટે સાત યોજનાઓ હેઠળ કેન્દ્રના રૂ. 7.5 લાખ કરોડનાં કૌભાંડોને ઉજાગર કરવામાં આવવા જોઈએ. તેમણે કહ્યું હતું કે કૌભાંડોને છુપાવવા માટે ભાજપ સનાતન ધર્મનો મુદ્દો ઉઠાવે છે, કેમ કે ગઠબંધને હાલમાં પેટા ચૂંટણીમાં ભારેત જીત હાંસલ કરી છે.

 

બીજી બાજુ, સનાતન ધર્મ અંગે કરેલી ટિપ્પણીને લઈને તમિલનાડુ સરકારમાં મંત્રી અને મુખ્ય મંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ વધુ એક FIR નોંધાઈ છે. ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં આ FIR નોંધાવામાં આવી છે. FIRમાં વિભિન્ન સમૂહો વચ્ચે નફરત ફેલાવા માટે IPCની કલમ 153A અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે IPCની કલમ 295Aને સામેલ કરવામાં આવી છે.

ઉદયનિધિના આ નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રીઓથી લઈને ભાજપના તમામ નેતાઓએ તેનો વિરોધ કર્યો છે. આ સાથે જ વિપક્ષના મૌન પર સનાતન ધર્મના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના આ આરોપો પર વિપક્ષનું કહેવું છે કે, INDIA ગઠબંધનને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

 

ભારતના સૌથી મોટા જમીન સોદાને પગલે બોમ્બે ડાઈંગનો શેર 20% ઉછળ્યો

મુંબઈઃ અહીંના વરલી વિસ્તારમાં આવેલી પોતાની જમીન જાપાનની અગ્રગણ્ય લેન્ડ ડેવલપર કંપની સુમિતોમો રિયાલ્ટીની કંપની ગોઈસૂ રિયાલ્ટી પ્રા.લિ.ને વેચવાની જાહેરાત કર્યા બાદ વાડિયા ગ્રુપની કંપની બોમ્બે ડાઈંગ એન્ડ મેન્યૂફેક્ચરિંગ કંપનીનો શેર છેલ્લા પાંચ વર્ષમાં આજે સૌથી ઊંચી સપાટી સુધી વધી ગયો હતો. બોમ્બે ડાઈંગે ગોઈસૂ સાથે રૂ. 5,200 કરોડમાં સોદો કર્યો છે જે ભારતનો મેગા લેન્ડ ડીલ બન્યો છે. વેચાણની જાહેરાતને પગલે બોમ્બે ડાઈંગનો શેર આજે શેરબજારમાં સવારના સત્રના ટ્રેડિંગમાં 20 ટકા જેટલો વધ્યો હતો અને પાંચ વર્ષમાં સૌથી ઊંચી સપાટીએ – રૂ. 168.6ના ભાવનો બોલાતો હતો.

રીટેલથી લઈને રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં કાર્યરત બોમ્બે ડાઈંગે વરલી વિસ્તારમાં આવેલી તેની 22 એકરની જમીન સુમિતોમો રિયાલ્ટી એન્ડ ડેવલપમેન્ટ કંપનીની પેટાકંપની ગોઈસૂ રિયાલ્ટીને વેચી દીધો છે. પોતાની પર વધી ગયેલા દેવાની ચૂકવણી કરવા તેમજ ભવિષ્યની યોજનાઓ માટે ભંડોળ એકત્ર કરવા માટે બોમ્બે ડાઈંગે પોતાની જમીનનો પ્લોટ વેચી દીધો છે. કંપનીએ શેરબજારને જણાવ્યું છે કે શેરધારકોની મંજૂરી મળી ગયા બાદ બોમ્બે ડાઈંગને પહેલા ચરણ માટે ખરીદાર કંપની પાસેથી લગભગ રૂ. 4,675 કરોડ મળશે. રૂ. 525 કરોડની બાકીની રકમ બોમ્બે ડાઈંગ દ્વારા અમુક શરતોનું પાલન કરાયા બાદ એને ચૂકવાશે. ઉક્ત જમીનના પ્લોટ પર લગભગ 35 લાખ સ્ક્વેર ફૂટ નિવાસી તથા કમર્શિયલ પ્રોપર્ટીઝ બનાવી શકાશે.

કોર્ટે કેજરીવાલ, સંજય સિંહની સમન્સ રદ કરવાની રિવિઝન અરજી ફગાવી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં સેશન્સ કોર્ટે દિલ્હીના CM કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને આંચકો આપ્યો છે. સેશન્સ કોર્ટે બંનેની મેટ્રો કોર્ટના સમન્સ રદ કરવાની રિવીઝન અરજી ફગાવી દીધી છે. હવે બંને આરોપી પાસે હાઈકોર્ટ જવાનો વિકલ્પ બચ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અરજી પર કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યા હતા. કેજરીવાલ અને સંજય સિંહે આ સમન્સના આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જેથી આજની સુનાવણીમાં કોર્ટે બંનેની અરજી ફગાવી દીધી હતી.

આ કેસ 23 સપ્ટેમ્બરની મેટ્રો કોર્ટની મુદતમાં વધુ કાર્યવાહી માટે ચાલશે. જેમાં સાક્ષીઓને તપાસવાની કાર્યવાહી કરવામાં આવશે. મેટ્રો કોર્ટમાં કેજરીવાલ અને સંજય સિંહના વકીલે અંડરટેકિંગ આપતાં બંને જણને કોર્ટમાં ઉપસ્થિત રહેવામાંથી રાહત મળી છે.

બંનેની રિવીઝન અરજી પર સેશન્સ કોર્ટે અગાઉ તેમના વકીલને અઢી કલાક સુધી સાંભળ્યા હતા. જ્યારે ફરિયાદી પક્ષના વકીલે અડધો કલાક જેટલી દલીલો કરી હતી. હવે મેટ્રો કોર્ટમાં વધુ કાર્યવાહી ચાલશે અને બંને આરોપીઓ સામે હાઈકોર્ટનો વિકલ્પ ખુલ્લો છે.

આરોપીઓના વકીલે સુનાવણીમાં કહ્યું હતું કે યુનિવર્સિટીએ મેટ્રો કોર્ટ સમક્ષ યોગ્ય પુરાવા રજૂ કર્યા નથી. જે વિડિયો ટ્રાયલ કોર્ટ સમક્ષ મુકાયા છે તેને ચકાસવામાં આવ્યા નથી. બંને આરોપીઓના ટ્વિટર હેન્ડલ વેરિફાય કરવામાં આવ્યા નથી. વળી જે લોકો સાક્ષી બન્યા છે. તે યુનિવર્સિટીના જ કર્મચારીઓ છે. આ મુદ્દે યુનિવર્સિટીના વકીલે દલીલ કરી હતી કે સંપૂર્ણ વિડિયો મેટ્રો કોર્ટે જોયા છે. ચાર સાક્ષી ચકાસ્યા છે. ત્યાર બાદ આરોપીઓ સામે સમન્સ નીકળ્યા છે. વળી, રિવિઝન અરજીમાં પૂરાવા ઉપર પ્રશ્ન ન ઉઠાવી શકાય. તે મુદ્દે ટ્રાયલ કોર્ટ નિર્ણય કરશે.

 

 

 

 

 

 

આમિર ખાનની પુત્રી ઈરા પરણશે એનાં ફિયાન્સ નુપૂરને

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઈરા ખાન આવતા વર્ષના જાન્યુઆરીમાં ઉદયપુરમાં ખાનગી કાર્યક્રમમાં એનાં ફિયાન્સ નુપૂર શિખારે સાથે લગ્ન કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ઈરા-નુપૂરનાં લગ્ન ઉજવણી કાર્યક્રમ ત્રણ-દિવસનો રહેશે, જેમાં માત્ર બે પરિવારનાં સભ્યો જ હાજર રહેશે. ઈરા અને નુપૂર ડિસેમ્બરના આખરી સપ્તાહમાં મુંબઈમાં કોર્ટમાં જઈને એમનાં લગ્ન રજિસ્ટર કરાવશે અને ત્યારબાદ ઉદયપુર જશે અને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં લગ્ન સમારોહ યોજશે. ઈરા આમિર ખાન અને તેની પહેલી પત્ની રીના દત્તાની પુત્રી છે. તેણે 2022ની 18 નવેમ્બરે નુપૂર સાથે સગાઈ કરી હતી. તે કાર્યક્રમમાં આમિર, રીના, કિરણ રાવ, આમિરનો પિતરાઈ ભાઈ ઈમરાન ખાન તથા યુગલનાં પરિવારનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. નુપૂર ફિટનેસ ટ્રેનર છે.

2022ના સપ્ટેમ્બરમાં ઈટાલીમાં એક ટ્રાયથ્લોન વખતે નુપૂરે ઈરા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. બંને જણ સોશિયલ મિડિયા પર એમનાં પ્રેમને પ્રદર્શિત કરવામાં ક્યારેય સંકોચ અનુભવતાં નથી.

SBSમાં રાષ્ટ્રીય કક્ષાનો ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)- અમદાવાદ દ્વારા એસોસિયેશન ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ સ્કૂલ્સ (AIMS)ના સહયોગથી સ્ટ્રક્ચરલ ઇક્વેશન મોડેલિંગ (SEM) પર બે દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. IIM વિશાખાપટ્ટનમના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. અમિત શંકર મુખ્ય રિસોર્સ હતા.

આ ઉપરાંત ડો. જુન હ્વા ચેહ, એસોસિયેટ પ્રોફેસર, નોર્વિચ બિઝનેસ સ્કૂલ, યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિયા દ્વારા બે કલાકનું સત્ર લેવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામને ભારતભરની સંસ્થાઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. IIT દિલ્હી, MANIT ભોપાલ, BHU અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ જેવી સંસ્થાઓના રિસર્ચ સ્કોલર, રિસર્ચ અસોસિયેટ અને ફેકલ્ટી સભ્યો સહિત લગભગ 50 લોકોએ FDPમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે શાંતિ બિઝનેસ સ્કૂલનાં ડાયરેક્ટર ડૉ. નેહા શર્માએ કહ્યું હતું કે SBS હંમેશાં તેના ફેકલ્ટી સભ્યોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરે છે, જેથી સંશોધન અને શિક્ષણ ક્ષમતાઓ વધારી શકાય. ડો. અમિત શંકરે ભારતીય એકેડેમિશ્યન તરફથી ગુણવત્તાયુક્ત પ્રકાશનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિશિષ્ટ સંશોધન અને પ્રકાશન-સંબંધિત પ્રશ્નોના નિરાકરણ રિસોર્સ પર્સન દ્વારા સંબોધવામાં આવ્યા હતા.

 

 

 

 

વિદ્યાર્થિનીના મોત પર અમેરિકી પોલીસ અધિકારી હસતાં વિવાદ

નવી દિલ્હીઃ 23 વર્ષીય ભારતીય જાહ્નવી કંડુલાનું આ વર્ષના જાન્યુઆરીમાં એક રોડ અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માતની તપાસમાં બહાર આવ્યું છે કે જાહ્નવી કંડુલાને જે કારે ટક્કર મારી હતી, એ સ્થાનિક પોલીસની હતી. ભારતે અમેરિકાને વિનંતી કરી છે કે એ સિયેટલ પોલીસ કર્મચારીના બોડીકેમ ફુટેજની સઘન તપાસ કરાવવામાં આવે. એ ફુટેજમાં એક તેજ પોલીસની કારની ચપેટમાં તે આવ્યા પછી એક ભારતીય વિદ્યાર્થિનીના મોત વિશે મજાક કરી રહ્યો હતો.

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય એમ્બેસીએ રોડ દુર્ઘટનામાં કંડુલાના મોતની તપાસ માટે સ્થાનિક પોલીસથી કરાવવામાં આવેલી માગ વિશે સોશિયલ મિડિયા પર ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે આ મોતના મામલામાં સામેલ લોકોની સામે ઊંડી તપાસ અને કાર્યવાહી માટે સિયેટલ અને વોશિંગ્ટનના સ્થાનિક અધિકારીઓની સાથે વોશિંગ્ટન ડીસીના વરિષ્ઠ અધિકારીઓની સામે આ ઉઠાવ્યો છે. એમ્બેસી અને એમ્બેસીના બધા સંબંધિત અધિકારીઓ આ મામલે ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.

જાહ્નવી કંડુલાનું જાન્યુઆરીમાં અધિકારી કેવિન દવે દ્વારા ચલાવવામાં આવી રહેલા પોલીસ વાહનની ચપેટમાં આવવાની મોત થયું હતું. તે આશરે તેની કાર પ્રતિ કલાક 120ની સ્પીડે હંકારી રહ્યો હતો. કંડુલા નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીના સિયેટલમાં માસ્ટરની વિદ્યાર્થિની હતી.

આ દરમ્યાન એક પોલીસ અધિકારી બોડીકેમ (શરીર પર લાગેલા કેમેરા)ના ફુટેજ સામે આવ્યા છે, જેમાં તે વિદ્યાર્થિનીના મોત પર હસી રહ્યો હતો અને મજાક ઉડાડતો જોવા મળ્યો હતો. ત્યારે બાદ ભારતે સઘન તપાસ અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો મામલો અમેરિકી અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો હતો.

 

 

 

 

 

જીવન આનંદ અને ઉત્સાહયુક્ત કેવી રીતે બને?

એક બહુ જાણીતી કથા છે. કોઈ ગામના પ્રતિષ્ઠિત શેઠનું અકાળે મૃત્યુ થયું. મૃત્યુ પછી એમના પુત્રે મુનિમને બોલાવીને પૂછ્યું: ‘આપણી પાસે કેટલું ધન છે?’

મુનિમે કહ્યું: ‘તમારી ત્રણ પેઢી બેસીને ખાય એટલું.’

શેઠના પુત્રે કાંઈ જવાબ ન આપ્યો, પણ એ દિવસથી એને પોતાની ચોથી પેઢી શું ખાશે એની ચિંતા થવા લાગી. ચિંતાને લીધે એનું શરીર સુકાવા લાગ્યું. ઘણા વૈદ-હકીમોની દવા કરી, પણ કંઈ ફાયદો ન થયો. એક વાર ગામમાં એક મોટા સંત આવ્યા. શેઠનો પુત્ર એમની પાસે ગયો અને મનની શાંતિ માટે ઉપાય પૂછ્યો.

સંતે કહ્યું: ‘તમે રોજ સવારે એક ગરીબને એક શેર અનાજ આપવાનો નિયમ લો.’

એમની વાત માની શેઠના પુત્રે દરરોજ સવારે એક ગરીબને એક શેર અનાજ આપવાનું ચાલુ કર્યું. સંજોગવશાત્ એક સવારે કોઈ અનાજ લેવા ન આવ્યું. નિયમ તૂટવાના ડરથી શેઠના પુત્રે રસ્તે જતા એક નિર્ધન જણાતા માણસને બોલાવી એક શેર અનાજ લઈ જવા કહ્યું.

પેલાએ કહ્યું: ‘ઊભા રહો. હું ઘરે જઈને જરા તપાસ કરું કે મારે આજે અનાજની જરૂર છે કે નહીં?’

થોડી વારે એણે પાછા આવીને કહ્યું: ‘શેઠ, આજે ચાલે એટલું અનાજ તો મારી પાસે છે એટલે મારાથી આ નહીં લેવાય.

શેઠને નવાઈ લાગીઃ ‘ભલા માણસ, તો આવતી કાલ માટે લઈ જા.’

‘આવતી કાલની ચિંતા હું આજે નથી કરતો’ કહીને પેલો ત્યાંથી ચાલી નીકળ્યો.

એનો જવાબ સાંભળી શેઠનો પુત્ર ચોંકી ઊઠ્યો. એને થયું: આ ગરીબ માણસ આવતી કાલની ચિંતા કરતો નથી અને હું સો વર્ષ પછી મારા પરિવારનું શું થશે એની ચિંતાથી દૂબળો પડું છું. ધીરે ધીરે એનું શરીર સુધરવા લાગ્યું. જોવા જઈએ તો, વધતા-ઓછા પ્રમાણમાં આપણે બધા આ શેઠના પુત્ર જેવા જ છીએ.

ચિંતા અને ચિતામાં માત્ર એક અનુસ્વારનો જ ભેદ છે, છતાં ચિતા જીવનમાં એક જ વાર બાળે છે, જ્યારે ચિંતા સતત બાળ્યા કરે છે. આપણે આપણા વ્યાં જીવનની તપાસ કરીએ તો આ વાતનો તરત ખયાલ આવશે. એવી કઈ બાબત હતી કે જેના વિશે આપણે ચિંતા નથી કરી? એવી કઈ આપણી ચિંતાવિહોણી ગઈ ક્ષણ છે? જ્યારથી આપણે થયા સમજણા ત્યારથી વસ્તુ, વ્યક્તિ, વ્યાપાર કે વિકારના કારણે આપણે સતત ચિંતામાં ડૂબતા આવ્યા છીએ.

થૉમસ ફૂલર નામના એક અંગ્રેજ લેખક અને પાદરીએ લખ્યું છેઃ વી આર બોર્ન ક્રાયિંગ, વી લિવ કમ્પ્લેઈનિંગ ઍન્ડ વી ડાઈ ડિસ્અપોઈન્ટેડ અર્થાત્  ‘આપણે રડતાં જન્મીએ છીએ. ફરિયાદ કરતાં જીવીએ છીએ અને હતાશ થતાં મરીએ છીએ.’

આવું શું કામ?

શું આપણી આખી જિંદગી ચિંતામાં અને વિષાદમાં જ પૂર્ણ થઈ જશે? શું આનંદ અને ઉત્સાહયુક્ત જીવન એક સ્વપ્ન બની રહેશે?

ના. આનંદ તો જીવનનો મૂળભૂત સ્વભાવ છે. તો પછી ચિંતાનું કારણ શું? ચિંતાનું કારણ છે દિશા વગરની દોડ. માત્ર ભૌતિક પદાર્થોના આધારે ઘડાયેલું જીવન અંતે ચિંતા, તાણ અને હતાશામાં પરિણમે છે, જ્યારે અધ્યાત્મ સાથે સંકળાયેલું જીવન આત્યંતિક આનંદ તરફ ગતિ કરાવે છે, જેના પરિણામે આ લોકની ચિંતાઓ આપણને આપણા માર્ગમાંથી ક્યારેય વિચલિત કરી શકતી નથી.

સંત તુકારામને આજીવન અનેક દુઃખો આવ્યાં, પરંતુ તેમનું જોડાણ ભગવાન સાથે અતૂટ હતું. તો આ દુ:ખો અને તેમાંથી જન્મેલી ચિંતાને તેઓએ હસતા મુખે સહન કરી શક્યા. આર્થિક ચિંતા હોય કે સામાજિક ચિંતા, સ્વાસ્થ્યની ચિંતા હોય કે સગાંની ચિંતા, આધ્યાત્મિક જીવન આ બધાથી પર થઈ જાય છે, કારણ કે તેમાં સૌથી પર એવા પરમાત્મા સાથે નાતો જોડાયેલો હોય છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કોરાનાના 58 નવા કેસો, એકનું મોત   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 58 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,975 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,029 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,415 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 63 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 531 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 32,487 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.50 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,69,470 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 169 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

‘નસીરુદ્દીન શાહે એકવાર ‘ગદર 2’ જોવાની જરૂર છે’: દિગ્દર્શક અનિલ શર્મા

મુંબઈઃ ‘કશ્મીર ફાઈલ્સ’, ‘ગદર 2’ અને ‘કેરાલા સ્ટોરી’ ફિલ્મોની સફળતા અને લોકપ્રિયતા પોતાને પરેશાન કરનારી છે એવી હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહે કરેલી ટીકા ચર્ચાસ્પદ બની ગઈ છે. ‘ગદર 2’ ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માએ નસીરુદ્દીનની ટીકા વિશે પ્રત્યાઘાત વ્યક્ત કર્યા છે અને કહ્યું છે કે, ‘નસીર સાહેબની કમેન્ટ વાંચીને મને આઘાત લાગ્યો છે.’

એક પોર્ટલ સાથેની મુલાકાતમાં જ્યારે નસીરુદ્દીનની ટીકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે શર્માએ કહ્યું કે, ‘નસીર સાહેબે કરેલી ટીકા વિશે મેં વાંચ્યું. મને એ વાંચીને આશ્ચર્ય થયું છે. નસીર સાહેબ મને સારી રીતે ઓળખે છે અને હું કઈ વિચારધારામાં માનું છું એની પણ તેમને ખબર છે. ‘ગદર 2’ ફિલ્મ વિશે તેઓ આવું બોલે છે એ જાણીને મને આશ્ચર્ય થયું છે. મારું કહેવું છે કે ‘ગદર 2’ ફિલ્મ કોઈ સમુદાયની વિરુદ્ધમાં નથી કે કોઈ દેશની વિરુદ્ધમાં પણ નથી. ગદર ફિલ્મ દેશભક્તિથી ભરપૂર છે. તે એક સીક્વલનો ભાગ છે. આ એકદમ મસાલા ફિલ્મ છે. લોકો વર્ષોથી એ જુએ છે. એટલે નસીર સાહેબને મારી વિનંતી છે કે એકવાર તેઓ ‘ગદર 2’ જુએ, મને ખાતરી છે કે એ પછી તેઓ ચોક્કસપણે એમનું નિવેદન બદલી નાખશે. એમણે આવી ટીકા કરવી ન જોઈએ. હું એમની અભિનયક્ષમતાનો પ્રશંસક છું. મેં હંમેશાં મસાલા ફિલ્મો બનાવવા પર ધ્યાન આપ્યું છે. ફિલ્મો બનાવવામાં મેં ક્યારેય કોઈ રાજકીય પ્રચાર કર્યો નથી.’

સનાતન ધર્મનું અપમાન કરનાર ઉદયનિધિ સ્ટાલીન સામે મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી

મુંબઈઃ સનાતન ધર્મનું અપમાન કરતી ટકોર ગઈ બીજી સપ્ટેમ્બરે કરવા બદલ તામિલનાડુના પ્રધાન ઉદયનિધિ સ્ટાલીન સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ એફઆઈઆર મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરા રોડ ઉપનગરની પોલીસે નોંધી છે. સ્ટાલીન વિરુદ્ધ ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી)ની 153-એ અને 295-એ કલમ અંતર્ગત આ એફઆઈઆર નોંધવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિમંડળે ગઈ 12 સપ્ટેમ્બરે પોલીસને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદન કરવા બદલ તામિલનાડુની ડીએમકે પાર્ટીના નેતા ઉદયનિધિ સામે એફઆઈઆર નોંધવાની માગણી કરી હતી. ઉદયનિધિ તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલીનના પુત્ર છે. એમણે ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં સનાતન ધર્મને મચ્છર તેમજ અનેક પ્રકારના રોગ સાથે સરખાવ્યો હતો અને કહ્યું હતું આ ધર્મને નાબૂદ કરવો જોઈએ.

એમના આવા દ્વેષપૂર્ણ નિવેદનને કારણે એમની વિરુદ્ધ આખા દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમના સાથી પ્રધાનોને કહેવું પડ્યું છે કે સનાતન ધર્મ અંગે વાસ્તવિક દલીલો સાથે તેઓ વિરોધપક્ષોની ટીકાનો વળતો જવાબ આપે. ઉદયનિધિને કોંગ્રેસ સહિત 28 વિરોધપક્ષોએ રચેલા ‘ઈન્ડિયા’ જૂથે ટેકો આપ્યો છે. ઉદયનિધિ સામે આ વાંધાજનક નિવેદન બદલ ઉત્તર પ્રદેશમાં પણ એક પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી છે.

ડીએમકે પાર્ટીના સંસદસભ્ય એ. રાજાએ 6ઠ્ઠી સપ્ટેમ્બરે એમ કહીને આ વિવાદમાં બળતણ નાખ્યું હતું કે સનાતન ધર્મ અંગે ટીકાટિપ્પણ કરવામાં ઉદયનિધિ નરમ રહ્યા હતા. રાજાએ ઉમેર્યું હતું કે સનાતન ધર્મની સરખામણી એચઆઈવી અને સામાજિક કલંક સાથે કરવી જોઈએ.