Home Blog Page 2527

iPhone 15 સીરિઝમાં યૂઝર્સ માટે ટાઈપ-C ચાર્જિંગ સિસ્ટમની વિશેષતા

ક્યૂપર્ટિનોઃ એપલ કંપનીએ તેની આઈફોન શ્રેણીનો 15મો ફોન લોન્ચ કરી દીધો છે. iPhone 15ને ગઈ કાલે એપલ ઈવેન્ટ-2023માં રિલીઝ કરવામાં આવ્યો હતો. iPhone 15ની પ્રારંભિક કિંમત 799 ડોલર રહેશે જ્યારે iPhone 15 પ્લસ ફોનની પ્રારંભિક કિંમત 899 ડોલર રહેશે. ભારતીય ચલણ મુજબ, iPhone 15 128 જીબી વેરિઅન્ટની કિંમત રૂ.66,230થી શરૂ થશે અને iPhone 15 પ્લસ 128 જીબી વેરિઅન્ટની કિંમત રૂ.74,518થી શરૂ થશે.

આ બંને ફોનની નવી વિશેષતા એ કે યૂઝર્સને ચાર્જિંગ માટે USB Type-C પોર્ટનો સપોર્ટ પણ મળશે. મતલબ કે, ફોનને લાઈટનિંગ પોર્ટથી હટાવી દેવામાં આવ્યો છે. નોઈસ કેન્સલેશન અને SOS ફીચર આપવામાં આવ્યા છે. એને લીધે તમારી આસપાસ ભલે ગમે તેટલો અવાજ થતો હોય તો પણ ફોન કોલ પર તમને એ અવાજ સંભળાશે નહીં. આ બંને ફોનમાં Type-C પોર્ટ આપવામાં આવ્યો છે જેની મદદથી તમે ઈયરબોટ્સ, iPhone અને બીજા પ્રોડક્ટ્સ ચાર્જ કરી શકશો. iPhone 15માં યૂઝર્સને મળશે 48એમપીનો પ્રાઈમરી કેમેરા. આમાં સેન્સર શિફ્ટ ફીચર અને 2X ઓપ્ટિકલ ઝૂમનો સપોર્ટ પણ મળશે. નવા ફોનમાં ટ્રૂ-ડેપ્થ ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે.

(તસવીર સૌજન્યઃ @iPhone15Ultra)

એપલ કંપનીએ iPhone 15 Pro અને iPhone 15 Pro Max ફોનને પણ લોન્ચ કર્યા છે. આ બંનેની કિંમત અનુક્રમે 999 ડોલર અને 1,199 ડોલર છે. iPhone 15 પ્રો ફોનમાં સ્પેશિયલ વીડિયો ફીચર મળશે. એમાં 12એમપીનો અલ્ટ્રા-વાઈડ કેમેરા છે. નવી શ્રેણીના આઈફોનની સાથે એપલ કંપનીએ નવી શ્રેણીની એપલ વોચ પણ લોન્ચ કરી છે. એપલ કંપનીએ તેનો પહેલો iPhone 2007માં લોન્ચ કર્યો હતો. તે પછી કંપનીએ આઈફોનની 15 સીરિઝ અને 36 મોડેલ લોન્ચ કર્યા છે.

વાહ ભાઈ વાહ! – ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 13/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

નોટ આઉટ @ 82 : ચંદ્રિકાબહેન જોધાણી

ચિત્રકલા, ગરબા, ગુંથણ-સીવણ જેવી અનેક કલાઓમાં પારંગત, નિર્ભય વિચારધારા ધરાવનાર અને કુશળ ગૃહ-લક્ષ્મી એવાં ચંદ્રિકાબેન જોધાણીની વાત સાંભળીએ તેમની પાસેથી

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

તેમનો જન્મ અમદાવાદમાં થયો. બાળપણ સાંકડી-શેરીમાં પસાર થયું. પિતા દાંતના જાણીતા ડોક્ટર….ડોક્ટર પટણી, ઝવેરીવાડમાં દવાખાનું. ચાર ભાઈ અને પાંચ બહેનનું કુટુંબ. ચંદ્રિકાબહેન ભણવામાં હોશિયાર હતાં એટલે એસએસસી અને પછી એસટીસી ભણ્યાં. અભ્યાસ પછી બાળ-મંદિરમાં શિક્ષીકાની નોકરી લીધી. નાની-બહેનોનાં લગ્ન થઈ ગયાં. જમાના પ્રમાણે તેમના બાળ-વિવાહ પણ થઈ ગયા હતા, પરંતુ ઓછું ભણેલા પાત્ર સાથે લગ્ન કરવાનું ચંદ્રિકાબેનનું મન હતું નહીં. ‘ભણેલી છોકરી અભણ છોકરાને કેમ પરણે?’ એમ વિચારી નાતના વડીલોએ પણ સાથ આપ્યો. આજની યુવતીઓને પણ શરમાવે તે રીતે પાંચ વર્ષ ડેટિંગ કરી તેમણે આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કર્યાં અને ઈર્ષા આવે તેવું દાંપત્ય જીવન જીવ્યાં. લેખક-વિચારક ‘જયભિખ્ખુ’ની સહાયથી અને એકદમ સાદગીથી આર્યસમાજની વિધિથી નાત-બહાર લગ્ન કર્યાં. સ્વાતંત્ર-સેનાની સસરા મનુભાઈ જોધાણીના ઘરેથી પૂરેપૂરો સાથ મળ્યો.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

તેઓ સવારે છ વાગે ઊઠી, ચા પાણી કરી, છાપુ જુએ. પછી સેવા પૂજા કરે. માળા ફેરવે અને વાંચન કરે. ખોડિયાર માતામાં અખૂટ શ્રદ્ધા છે. રસોડામાં થોડી મદદ કરે. વહુએ રસોડું  સંભાળી લીધું છે એટલે તેમણે રસોઈ કરવી છોડી દીધી છે! બપોરે જમીને આરામ કરે, ટીવી જુએ, રસોઈ-શો જોવો બહુ ગમે છે. સીવણ અને ભરત-ગુંથણ કરે, કલર-કામ કરે. ચાકળા બનાવવા બહુ ગમે. ઘણાં ચાકળા બનાવ્યા છે. પહેલા તો બાળકોને ટ્યુશન પણ આપતાં. આખો દિવસ મનગમતા કામમાં પ્રવૃત્ત રહે છે.

શોખના વિષયો : 

ક્રોસવર્ડ ભરવા,અંતાક્ષરી રમવું, ગરબા મંડળમાં જવું, વાંચન કરવું , સીવણ અને ભરત-ગુંથણ કરવું, કલર-કામ કરવું, ટીવી જોવું જેવા અનેકવિધ શોખથી તેઓ જીવંત છે!

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:  

તેમને હાઈ બ્લડ પ્રેશર છે, પણ તેઓ ઘરમાં હરતાં-ફરતાં છે. વર્ટીગોની તકલીફને લીધે થોડો સમય તબિયત નાદુરસ્ત રહી પણ મજબૂત મનોબળથી સ્વાસ્થ્ય સારું છે. વહુ બહુ સાચવે છે. આવાં દીકરા-વહુ આ જમાનામાં મળે નહીં! બે વર્ષ પહેલાં જ પતિનું અવસાન થયું એટલે તેમની ગેરહાજરી બહુ સાલે છે. ચંદ્રિકાબહેનને એક પુત્ર, બે પુત્રી છે. એક દોહિત્રી, એક દોહિત્ર અને બે પૌત્રીઓ છે.

યાદગાર પ્રસંગ:  

કુટુંબની દીકરી માટે છોકરો જોવા દિલ્હી ગયાં હતાં. તે સંબંધમાં તો વાત આગળ ચાલી નહીં પણ બાજુના ઘરમાં રહેતી દીકરી તેમને વહુ તરીકે પસંદ પડી ગઈ અને પોતાના દીકરા માટે વહુ લઈ આવ્યાં! પરનાતની વહુ હોવા છતાંય વિસ્તારી કુંટુબનાં શીખેલાં વહાલ થકી સાસરીમાં બધાને પોતાનાં કરી લીધા.

પહેલાં સંયુક્ત-કુટુંબમાં મોટા બંગલામાં રહેતાં હતાં. સમય જતાં કંઈક ગેરસમજને કારણે, નાની-અમથી વાતમાં બોલચાલ થતાં, મોટું ઘર છોડી એક રૂમના નાના ઘરમાં રહેવા જતાં રહ્યાં. એ નાના ઘરમાં જ છોકરાંઓને ભણાવ્યાં-ગણાવ્યાં. પ્રેમલગ્નના પતિએ પૂરેપૂરો સાથ આપ્યો. પતિને મિલની રાતપાળીની નોકરી હતી. એ ચાર વર્ષનું જીવન બહુ આકરું હતું, પણ હિંમતથી તે સમય પસાર કર્યો. સાસુ-સસરાએ પણ સાથ આપ્યો.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજી માટે પોઝીટીવ છે. youtube અને ટીવી ઉપર જૂનાં ગીતો જાતે જોઈ લે છે, સાંભળી લે છે. મોબાઇલનો ઉપયોગ પણ સારી રીતે કરી જાણે છે. ઈન્ફ્લુએન્સર દોહિત્રીની સોશીયલ મિડીયા ગતિ-વિધિથી વાકેફ રહે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તે સમયે મહિલાઓ જાતે ઘરકામ કરતી, એકબીજા સાથે હળતી-મળતી અને આનંદમાં સમય પસાર કરતી.હવે કોઈને જાતે કામ કરવું નથી, સાથે રહેવું ગમતું નથી. સ્વતંત્ર રહેવું છે. તેમનું કહેવું છે કે થોડું લેટ-ગો કરો અને સહન કરો પણ સાથે રહો!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

યુવાનો સાથે મર્યાદિત સંપર્ક છે. પુત્રના મિત્રો સાથે બહુ ફાવે! બધા માસી-માસી કહી બોલાવે! ગાર્ડનમાં ફરવા પણ લઈ જાય! દાદાને પણ પૌત્ર-પૌત્રી સાથે બહુ ફાવતું. અમેરિકાસ્થિત દોહિત્ર સાથે અમેરિકામાં ગાળેલાં વેકેશનમાં મનગમતી રમતો રમ્યાં છે અને ભારતીય સંસ્કાર શીખવ્યાં છે.

સંદેશો :  

થોડું લેટ-ગો કરી, થોડું સહન કરીને પણ મા-બાપને સાચવો અને તેમની સાથે રહો.

શ્રી શ્રી રવિશંકરજી: સંબંધોના રહસ્યો

સંબંધના કયા રહસ્યો છે? એક સંબંધ કેવી રીતે વિકસે છે? સૌથી પહેલા આકર્ષણ થાય છે. તમને કોઈને માટે આકર્ષણ થાય છે અને તે વસ્તુ સહેલાઈથી મળી જાય તો રોમાંચ જતો રહે છે; તે બહુ ઝડપથી અદ્રશ્ય થઈ જાય છે. પણ તમને આકર્ષણ થયું છે તે વસ્તુ મેળવવાનું થોડું અઘરું હોય તો તમને તેના માટે પ્રેમ થાય છે. તમે આવો અનુભવ કર્યો છે?
તમે પ્રેમમાં પડો છો, પછી શું થાય છે? થોડા સમય પછી નાટકીય ઘટનાઓ શરુ થાય છે. તમે કોઈને પ્રેમ કરો છો એટલે તમે એ સંબંધમાં પોતાની જાતને ન્યોછાવર કરો છો,અને પોતાની માંગણીઓ પણ મુકવા માંડો છો. જે ક્ષણથી તમે માંગવાની શરુઆત કરો છો, પ્રેમ અદ્રશ્ય થઈ જાય છે. બધો રોમાંચ, આનંદ જતા રહ્યા હોય તેમ લાગે છે. ત્યારે તમને લાગે છે,”ઓહ! મારી ભૂલ થઈ ગઈ.”હવે તેમાંથી બહાર નીકળવા સંઘર્ષ અને તકલીફ થાય છે. અને તમે તેમાંથી બહાર આવી જાવ છો પછી ફરી એક બીજી ઝંઝટમાં આવી જાવ છો,અને એ જ ઈતિહાસનું પુનરાવર્તન થાય છે.

દરેક વ્યક્તિને જાણવું હોય છે કે સંબંધો લાંબા ટકે એ માટે શું કરવું. તમારે સંબંધોના રહસ્ય વિશે જાણવું છે? કોઈ પણ સંબંધમાં ત્રણ બાબતો જરૂરી છે: યોગ્ય ધારણા/વિચારધારા, યોગ્ય અવલોકન અને યોગ્ય અભિવ્યક્તિ. લોકો ઘણી વાર એવું કહેતા હોય છે કે તેમને કોઈ સમજતું નથી. “મને કોઈ સમજતું નથી” એવું કહેવાને બદલે તમે એવું કહી શકો છો કે તમે તમારી જાતને યોગ્ય રીતે વ્યક્ત કરી નથી. જો તમે કોઈ સ્પેનિશની આગળ રશિયન બોલશો તો તે ચોક્કસ સમજવાનો નથી. પોતાની જાતને યોગ્ય રીતે વ્યક્ત કરવા તમારી ધારણાઓ, વિચારો યોગ્ય હોવા જોઈએ. યોગ્ય વિચાર ત્યારે શક્ય બને છે જ્યારે તમે તમારી જાતને સામેવાળાની દ્રષ્ટિએ જુઓ છો.

માત્ર યોગ્ય વિચારધારા હોવી એ પૂરતું નથી; તમારું અવલોકન યોગ્ય હોવું જોઈએ. તમે કોઈ વસ્તુ માટે ધારણા બાંધી હોય ત્યારે તમે કેવી રીતે પ્રત્યાઘાત આપો છો એ અગત્યનું છે. તમને અંદરથી કેવું લાગે છે? તમારા મનનું અવલોકન કરો એ અગત્યનું છે. તમારી પોતાની અંદર આ અવલોકનો: સંવેદનાનું, વલણોનું,તમારી જે રીતભાતો છે તે સંબંધનું બીજું પાસું છે. પોતાની જાતનું અવલોકન અને બીજાનો વિચાર કર્યા પછી યોગ્ય અભિવ્યક્તિ થાય છે, પોતાની જાતને યોગ્ય રીતે વ્યક્ત કરી શકાય છે.

આખું જીવન આ ત્રણ બાબતોનો જ પાઠ છે: ધારણા/વિચારધારા, અવલોકન અને અભિવ્યક્તિ. તમે કરો છો તે ભૂલ ખરેખર ભૂલ નથી હોતી; એ જીવનના ત્રણ અગત્યના પાસાઓ શીખવા માટેની પ્રક્રિયા હોય છે.સંબંધોમાં પ્રેમ જરૂરી છે, માત્ર આકર્ષણ નહીં. આકર્ષણમાં આક્રમકતા હોય છે;પ્રેમમાં શરણાગતિ હોય છે. ભલે આકર્ષણ પહેલું પગથિયું છે,પણ તમે પહેલા પગથિયા પર બહુ લાંબો સમય સુધી ઊભા રહી શકતા નથી. તમારે બીજા પગથિયા તરફ જવું જ પડે છે એ પ્રેમ છે.

જ્યારે તમે સંતુલિત હોવ છો અને તમારી અધિરાઈ ત્યજી શકો છો તો તમારો રોમાંચ લાંબો ટકે છે. વ્યક્તિ તમારી જેટલી નજીક આવે છે એટલો રોમાંચ વધે છે. સંતુલિત રહેવામાં, આપણી અંદર રહેલી ચેતના સાથે જોડાયેલા રહેવામાં આ ફાયદો છે. આપણી ચેતનાનો આ સ્વભાવ છે.

પ્રેમના ગુણોમાંનો એક છે શાશ્વતતા. જ્યારે તમે કોઈના પ્રેમમાં હોવ છો તો તમે એ ક્ષણો શાશ્વત રહે એમ ઈચ્છો છો. પ્રેમ નશ્વર છે; તે સમયથી પર છે અને આપણને તેવું જ જોઈતું હોય છે. અને એ આપણો સ્વભાવ છે,આપણો સ્રોત છે.
થોડો સમય ફાળવો અને તમારામાંના મૌનમાં ઉતરો તો તમે જોશો કે તમારામાં કેટલી બધી તાકાત આવે છે. અને તેમાંથી તમારો રોમાંચ શાશ્વત બને છે, તમારો પ્રેમ બિનશરતી બને છે. આપણે આપણા અસ્તિત્વની સફાઈ કરવાની જરૂર હોય છે. આપણે આપણા મન કે આપણા અસ્તિત્વને સાફ કરવા કંઈ કરતા નથી. તમે ગુસ્સે થતા હોવ છો, વ્યગ્રતા, તનાવ અને ઈર્ષ્યા અનુભવતા હોવ છો, દુખી થતા હોવ આ અવસ્થાઓ દરમ્યાનના શબ્દો શરીરમાં કણોમાં પરિવર્તિત થાય છે અને ત્યાં કોઈ ભાગ કે રસાયણ સ્વરૂપે રહે છે. માત્ર ગહેરા વિશ્રામ, યોગ્ય શ્વસન કે ઉપવાસથી તમે તેમનો નિકાલ કરી શકો છો. જો તમે અઠવાડિયામાં માત્ર અડધો કલાક માટે પણ ધ્યાન કરો તો તમે એમનો નિકાલ કરી શકો છો અને તમારા અસ્તિત્વને જીવંત બનાવો શકો છો.

આપણે આપણા પ્રેમને જૂનો થવા દેતા નથી. આપણો પ્રેમ પ્રાચીન થતો નથી. આપણો પ્રેમ બાળમૃત્યુ પામે છે. આપણા સમાજમાં સૌથી વધારે મૃત્યુદર ધરાવનાર બાબત છે પ્રેમ સંબંધો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

પંચાંગ 13/09/2023

એશિયા કપમાં ભારત શ્રીલંકાને 41 રને હરાવી ફાઈનલમાં પહોંચ્યું

આજે એશિયા કપના સુપર-4 મુકાબલામાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થયો હતો. જેમાં ભારતે શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું. આ સાથે જ ભારતે ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતીય ટીમે શ્રીલંકાને 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દાસુન શનાકાની ટીમ 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

ભારતે શ્રીલંકાને 41 રને હરાવ્યું

સુપર-4ની પોતાની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 41 રને હરાવ્યું. આ સાથે ભારતીય ટીમ 2023 એશિયા કપની ફાઇનલમાં પણ પહોંચી ગઈ છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 213 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 172 રનમાં જ સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી બોલિંગમાં 5 વિકેટ લેનાર ડુનિથ વેલાલાગે 42 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. કુલદીપે ચાર વિકેટ લીધી હતી.

OMG ! કરીના કપૂર ખાન છોડી શકે છે એક્ટિંગ, નિવૃત્તિને લઈને મોટી જાહેરાત

આ દિવસોમાં કરીના કપૂર તેની આગામી ફિલ્મ ‘જાને જાન’ને લઈને ચર્ચામાં છે. તેની ક્રાઈમ થ્રિલર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં તેની સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. કરીના કપૂરની આ ફિલ્મ નેટફ્લિક્સ પર તેના જન્મદિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ‘જાને જાન’ની રિલીઝ પહેલા કરીના કપૂરે એક્ટિંગમાંથી નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું છે. કરીનાએ કહ્યું કે તે હજુ પણ એક્ટિંગને લઈને ઉત્સાહિત છે. તેણીએ કહ્યું, ‘જો હું હારીશ તો મને લાગે છે કે મારે નિવૃત્તિ લેવી જોઈએ. કારણ કે 43 વર્ષની ઉંમરે પણ સેટ પર આવવાનો ઉત્સાહ અને કેમેરાનો સામનો કરવાની ઈચ્છા છે. ‘જાને જાન’ અભિનેત્રીએ આગળ કહ્યું, ‘મને ખબર છે કે જે દિવસે આ ઉત્તેજના નહીં હોય, ત્યારે મને ખબર પડી જશે કે હું કામ નહીં કરીશ કારણ કે હું આ પ્રકારની વ્યક્તિ છું. હું દરેક વસ્તુની ખૂબ શોખીન છું, મને ખાવાનું ગમે છે, મિત્રો સાથે ફરવું અને મુસાફરી કરવી ગમે છે અને હું તે પ્રકારની વ્યક્તિ છું. તેથી જો કોઈ દિવસ એવો આવે જ્યારે મને ખ્યાલ આવે કે હું કોઈક રીતે તેમને ગુમાવી રહ્યો છું, તો હું સમજીશ કે નિવૃત્તિનો સમય આવી ગયો છે.

આ ફિલ્મોમાં બેબો જોવા મળશે

કરીના કપૂર કઈ ઉંમરે અભિનયમાંથી નિવૃત્તિ લઈ શકે છે તેવા પ્રશ્ન પર તેણે જવાબ આપ્યો, ‘આશા છે કે 83 કે 93 વર્ષની ઉંમરે, મને ખબર નથી! કારણ કે મારે કામ કરવાનું ચાલુ રાખવું છે. કરીના છેલ્લે આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળી હતી. તેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, જ્યારે તે વિજય વર્મા સાથે ‘જાને જાન’માં જોવા મળશે, ત્યારે તેની પાસે હંસલ મહેતાની રોમાંચક ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ પણ છે.

AAP ના આદિવાસી નેતા અર્જુન રાઠવા સહિતના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા

હાલમાં એકબાજુ લોકસભાની ચૂંટણી નજીક આવતી હોવાથી રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે તો બીજી બાજુ પક્ષપલટાની સિઝન પણ ચાલી રહી છે. ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 45,૦૦૦થી વધુ વોટ મેળવનાર અર્જુનભાઈ રાઠવાએ આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા હવે કોંગ્રેસ તરફ વળી રહ્યા છે અને દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડેલા આદીવાસી નેતા અર્જુન રાઠવા આજે અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયાં છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ અને છોટાઉદેપુરના પ્રભારી મયંક શર્મા, કાંકરેજ વિધાનસભાના ચૌધરી સમાજના આગેવાન અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તથા પાટણ જિલ્લા પ્રભારી પ્રશાંત ચૌધરી, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ટ્રેડ વિંગ અને ઉપપ્રમુખ, સાબરકાંઠા જિલ્લો તથા ખેડબ્રહ્મા નગરપાલિકાના ઈન્ચાર્જ શિરીષભાઈ ત્રિવેદી, સાબરકાંઠા જિલ્લા મહામંત્રી હસમુખ કાપડીયા, વડોદરા જિલ્લા યુથ પ્રમુખ વિશાલ પટેલ, પાટણ જિલ્લા મહામંત્રી દેવેનભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા એસ.સી. સેલના પ્રમુખ શામળભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાન-હોદ્દેદાર-કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.