Home Blog Page 2528

૨૦,૦૦૦ કરોડનાં ગાંધીનગર મુલસાણા જમીન કૌભાંડ સામે જનમંચમાં ખેડૂતોનો આક્રોશ

ગાંધીનગરઃ આજરોજ ગાંધીનગર ખાતે જનમંચ કાર્યક્રમમાં વહિવટી અને સત્તાપક્ષની મિલીભગતથી ગાંધીનગર મુલસાણા ગામની 20,000 કરોડની રકમના જમીન કૌભાંડની ફરિયાદ કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો આવી પહોંચ્યા હતાં અને પોતાની વ્યથા ઠાલવી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, મહેસાણા જીલ્લાના સ્થાનિક ગ્રામ્ય આગેવાનો દ્વારા પણ ભાજપાના શાસનમાં લાખો હેક્ટર ગૌચરની જમીન પોતાના મળતિયા ભૂમાફિયા અને બિલ્ડરોને પધરાવી દઈ કરોડો રૂપિયાના જમીન કૌભાંડની લેખિત ફરિયાદો આપવામાં આવી છે.

ઉપરોક્ત કાર્યક્રમમાં જનમંચના પ્રણેતા અમિત ચાવડા દ્વારા ઉપરોક્ત ફરિયાદો સ્વીકારી આવનાર દિવસોમાં આ બાબતે સડકથી લઇ વિધાનસભા સુધી જન આંદોલન દ્વારા જમીન કૌભાંડને ઉજાગર કરી ખેડૂત અને ગણોતિયાના હક્ક અધિકાર માટે ન્યાયની લડાઈ લડી લેવાનું આહવાન કરવામાં આવ્યું છે. એમણે કહ્યું, ગાયમાતાના નામે ચરીને સરકારમાં આવેલા કૌભાંડીઓ ગૌચરની જમીન અને ગ્રામ્ય તળાવોની જમીન પચાવવાનું સુનિયોજિત ષડયંત્ર ચલાવી રહ્યા છે જેની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ અને તેનાં ધારાસભ્યો આપ સૌની આ લડાઈમાં આપની સાથે જ છે અને દોષિતોને ખુલ્લાં પાડી ન્યાય ન મળે ત્યાં સુધી લડવા તત્પર છે.

આ જનમંચ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (વડગામ), ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (વાવ), ધારાસભ્ય વિમલ ચુડાસમા (ગીર -સોમનાથ), ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ (લુણાવાડા), ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, ગુજરાત કિસાન કૉંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ અમિત નાયક ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે તેથી ભારે વરસાદ આવશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ચાલુ વર્ષે ચોમાસુ લાંબુ ચાલશે. તથા 16 થી 22 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.

સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે

16 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થશે. તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તથા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અને ઉત્તર ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. તેમજ ડેમોમાં નવા પાણી આવશે. ગુજરાતમાં સારા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. કેટલાક હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેના કારણે ઉત્તર અને પૂર્વ ભાગમાં વરસાદ પડશે. 13 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક નવી સિસ્ટમ બની રહી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે

બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના કારણે વધુ એક વાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવતી કાલથી શરૂ થશે

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવતી કાલથી શરૂ થશે. જેમાં વિધાનસભામાં પેપરલેસ સેવાઓનું લોકાર્પણ થશે તેમ અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું છે. ગૃહમાં પ્રશ્ન પુછવો, પ્રશ્નનોનો ડ્રો હવેથી ઓનલાઈન થશે. તથા વિધેયકની માહિતી ઓનલાઈન મુકવામાં આવશે. તેમજ પ્રેસિડેન્ટ ઓફ ભારત જ કાર્યક્રમમાં લખાશે. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે વિધાનસભાની કાર્યવાહીને લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભાના ચોમાસું સત્ર પહેલા વિધાનસભા અધ્યક્ષે નિવેદન આપતા કહ્યું છે કે આ વખતે વિધાનસભાની કાર્યવાહી પેપરલેસ થવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભામાં પેપરલેસ સેવાઓનું લોકાર્પણ કરવામાં આવશે. આગામી 13 સપ્ટેમ્બરના રોજ પેપરલેસ સેવાઓનું રાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

આખો દેશ ભારત લખે છે તો બીજો કોઈ પ્રશ્ન નથી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભામાં તમામ માહિતી ઓનલાઈન મૂકવામાં આવશે. તેમજ પેટા પ્રશ્નો, ભૂતકાળના અધ્યક્ષના આદેશો ઓનલાઈન જાણી શકાશે, વિધાનસભાની એપ અને ઈ સરકાર એપને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. તો, કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના નામને લઈને પણ વિધાનસભા અધ્યક્ષે નિવેદન આપતા કહ્યું હતું કે કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ઓફ ભારત જ લખવામાં આવશે. આખો દેશ ભારત લખે છે તો બીજો કોઈ પ્રશ્ન નથી.

‘વેલકમ 3’નું શૂટિંગ શરૂ ન કરવાની સિને કર્મચારીઓની સંસ્થાની કલાકારોને અપીલ

મુંબઈઃ અક્ષય કુમાર, રવીના ટંડન, દિશા પટની, સંજય દત્ત જેવા કલાકારો દ્વારા અભિનીત નવી હિન્દી ફિલ્મ ‘વેલકમ 3’ (અથવા ‘વેલકમ ટૂ ધ જંગલ’)નું શૂટિંગ શરૂ ન કરવાની FWICE સંસ્થા (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ)એ માગણી કરી છે.

આ સંસ્થાએ ‘વેલકમ 3’ના તમામ કલાકારોને અપીલ કરી છે કે તેઓ શૂટિંગ રોકી દે. સંસ્થાએ આ ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલા પર આરોપ મૂક્યો છે કે તેમણે અગાઉની ‘વેલકમ 2’ ફિલ્મના નિર્માણમાં સામેલ થયેલાં કર્મચારીઓ, ટેક્નીશિયન્સને વળતર ચૂકવ્યું નથી. જ્યાં સુધી એ વળતર ન ચૂકવે ત્યાં સુધી કલાકારોએ ‘વેલકમ’ શ્રેણીની ત્રીજી આવૃત્તિનું કામ (શૂટિંગ) શરૂ કરવું નહીં.

સંસ્થાનો આરોપ છે કે ‘વેલકમ 2’ માટે ટેક્નીશિયન્સને પહેલાં ચાર કરોડ રૂપિયામાં બુક કરવામાં આવ્યા હતા, પણ બાદમાં તે રકમને ઘટાડીને રૂ. બે કરોડ કરવામાં આવી હતી. તે પછી ટેક્નીશિયન્સ જ્યારે બેન્કમાં બે કરોડ લેવા ગયા હતા ત્યારે એ રકમ પણ રદ કરી દેવામાં આવી હતી. એ દરમિયાન 2015માં ‘વેલકમ 2’ રિલીઝ કરી દેવામાં આવી હતી.

ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ MOU થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગરોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટેના MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી પ્રયોજવામાં આવે છે.

25 હજારથી વધુ રોજગાર અવસર ઉપલબ્ધ કરાવતા MoU થયા

તદઅનુસાર ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કેમિકલ્સ ઉદ્યોગ માટે કુલ રૂ. 4 હજાર કરોડથી વધુના સંભવિત મૂડી રોકાણ અને 25 હજારથી વધુ રોજગાર અવસર ઉપલબ્ધ કરાવતા MoU થયા હતા. આ MoU અનુસાર અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગાંગડ ગામે ડેનિમ ડાઈંગ અને પ્રોસેસીંગ યુનિટ શરૂ કરવા માટે શ્રી શ્યામ ફેશન ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 103.25 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યુનિટ માર્ચ-2024માં કાર્યરત થતા 150 જેટલી રોજગારી પ્રાપ્ત થશે.

છઠ્ઠી કડીમાં એક જ દિવસમાં રૂ. 4 હજાર કરોડથી વધુના રોકાણો

આ ઉપક્રમના છઠ્ઠા તબક્કામાં ઉદ્યોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં છઠ્ઠી કડીમાં એક જ દિવસમાં રૂ. 4 હજાર કરોડથી વધુના રોકાણો માટે સાત MoU થયા છે. તેનાથી 25 હજારથી વધુ રોજગારીની તકોનું નિર્માણ થશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વાયબ્રન્‍ટ સમિટ-2024નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની પાંચ કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. 8,373 કરોડના રોકાણોના 19 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ 24,300થી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

જનરલ પોલિટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 250 કરોડનું રોકાણ કરવામાં આવશે

સુરત જિલ્લામાં ટેક્ષટાઇલ યુનિટ કાર્યરત કરવા માટે જનરલ પોલિટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 250 કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે 500 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ માર્ચ-2024સુધીમાં કાર્યરત થશે. તેમજ સુરતમાં અન્ય એક ટેક્ષટાઈલ યુનિટ કાર્યરત કરવા APL કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 153.98 કરોડનું રોકાણ કરવામાં આવશે, જેમાંથી 225 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ યુનિટ આગામી માસના અંત સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે. સુરતના પલસાણા તાલુકાના ઈંટાળવા ખાતે 3.31 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક ઔદ્યોગિક પાર્ક માટે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે રૂ. 119.93 કરોડના રોકાણો સાથે MoU થયા છે. 582 પ્લોટની ઉપલબ્ધિ સામે અંદાજે 7 હજાર રોજગારીની તકો અહીં ઉપલબ્ધ થશે અને માર્ચ-2024 સુધીમાં તે કાર્યરત થશે.

પાંચ MoU ઉપરાંત કેમિકલ ક્ષેત્રે રૂ. 3૦૦૦ કરોડના રોકાણો માટે બે MoU થયા હતા.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં એગ્રોકેમિકલ્સ, હાઇપરફોર્મન્સ પોલિમર્સ અને પીગમેન્ટ્સના ઉત્પાદન માટે ઘરડા કેમિકલ્સ લિમિટેડ દ્વારા રૂ. 2600 કરોડના રોકાણ માટે MoU કર્યાં હતા. આ રોકાણથી બે હજાર રોજગારીની તકોનું સર્જન થશે. એમઓયુ મુજબ ઘરડા કેમિકલ્સ દ્વારા એગ્રોકેમિકલ્સનું ઉત્પાદન 2024-25માં શરૂ થઈ જશે, જ્યારે એગ્રોકેમિકલ્સ, હાઈપર્ફોર્મન્સ પોલીમર્સ, રંગદ્રવ્યો તથા એગ્રોકેમિકલ્સ ફોર્મ્યુલશનનું ઉત્પાદન 2025-26માં શરૂ થશે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૩

રોહિત શર્મા ODIમાં 10 હજાર રન બનાવનાર છઠ્ઠો ભારતીય બન્યો

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની મેચમાં વનડે ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કરી લીધા છે. આવું કરનાર તે છઠ્ઠો ભારતીય છે. તેના પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. રોહિતે અત્યાર સુધી 241 ODI ઇનિંગ્સમાં 49ની એવરેજ અને 90ની સ્ટ્રાઇક રેટથી 10 હજારથી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 30 સદી અને 50 અડધી સદી આવી છે.

શ્રીલંકા સામેની મેચમાં રોહિતને માત્ર 22 રન બનાવવાની જરૂર હતી અને તેણે આ સિદ્ધિ સરળતાથી મેળવી લીધી. એશિયા કપમાં ભારતની છેલ્લી મેચ પાકિસ્તાન સાથે હતી. આ મેચમાં વિરાટ કોહલીએ અણનમ 122 રન બનાવ્યા અને વનડે ક્રિકેટમાં પોતાના 13 હજાર રન પૂરા કર્યા. હવે રોહિત શર્મા 10 હજારી બની ગયો છે. રોહિતે પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે તેણે વનડેમાં અડધી સદી પૂરી કરી હતી. હવે તેના નામે વધુ એક સિદ્ધિ છે.

 

રોહિત શર્મા ODI ક્રિકેટમાં 10,000 રનનો આંકડો પૂરો કરનાર વિરાટ કોહલી પછી બીજો સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યો. કોહલીએ 2018માં વિશાખાપટ્ટનમમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ODIમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ 205 ઇનિંગ્સમાં પોતાના 10 હજાર વનડે રન પૂરા કર્યા હતા. રોહિતે પોતાની 241મી ઈનિંગમાં આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.

 

રોહિત શર્માએ આ સિદ્ધિ એક ખાસ પ્રસંગે હાંસલ કરી હતી, કારણ કે તે શ્રીલંકા સામેની તેની 50મી ODI હતી. રોહિત, જેણે 2007 માં તેની ODI ડેબ્યૂ કર્યું હતું, તે ત્રણ બેવડી સદી અને 50 અર્ધસદી સહિત 30 સદીઓ સાથે મહાન ODI ખેલાડીઓમાં સામેલ છે. રોહિત શર્માએ વનડેમાં સૌથી વધુ ત્રણ બેવડી સદી ફટકારી છે. આ સાથે જ ODI ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર (265 રન) પણ રોહિતના નામે છે. રોહિત શર્માએ 2013માં ODI ક્રિકેટમાં ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને ત્યારથી તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તે 2019 વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ બન્યો હતો.

IITGNના પ્રોફેસર વિમલ મિશ્રાને શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર વિમલ મિશ્રાને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિટ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઇન્ડિયા ( CSIR) દ્વારા શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રોફેસર મિશ્રા આ વર્ષે પૃથ્વી, વાતાવરણ, સમુદ્ર અને પ્લેનેટરી સાયન્સિસની શ્રેણીમાં એકમાત્ર એવોર્ડના વિજેતા છે. આ સંસ્થા માટે આનંદની ક્ષણ છે.

તેમને આ પુરસ્કાર ભારતમાં હાઇડ્રોલોજિકલ અને જળસંસાધનો પર માનવ અને કુદરતી પરિબળોની ભૂમિકાની તપાસ કરવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે આપવામાં આવ્યો છે.  પ્રોફેસર મિશ્રાએ વર્ષ 2003માં CSA યુનિવર્સિટીમાંથી બી.ટેક. કર્યું છે. ત્યાર બાદ તેમણે IIT ખડગપુરથી એમ ટેક્. અને 2010માં USAની પર્ડ્યુ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી કરી છે. તેઓ 2012માં IITGN સાથે જોડાયા હતા. તેમની શોધ હાઇડ્રોલોજી વોટરની સર્ફેસ, ક્લાયમેટ પરિવર્તન અને ક્લાયમેટ ચેન્જ, ગ્લોબલ ફૂડ અને વોટર સિક્યોરિટી, વોટર રિસોર્સિસ મેનેજમેન્ટ અને લાર્જ-સ્કેલ હાઇડ્રોલોજિક મોડેલિંગ પર કેન્દ્રિત હતી. આ સિવાય તેમણે લેબોરેટરીમાં દુકાળ અને પૂર માટે વાસ્તવિક સમયની દેખરેખ અને ભવિષ્યવાણી પ્રણાલી વિકસિત કરવામાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રાપ્ત કરવો એ દરેક સંશોધન કરનાર સાયન્ટિસ્ટનું સપનું હોય છે. હું હાલ બહુ ગૌરવાન્વિત અનુભવ કરી રહ્યો છું. મને આ એવોર્ડ આપવા બદલ હું CSIRનો આભાર માનું છું. આ સાથે હું મારા સહ કર્મચારીઓ, ગુરુઓ, વિદ્યાર્થીઓ અને સહયોગોનો અને પરિવારનો મને પ્રોત્સાહન આપવા બદલ આભાર વ્યક્ત કરું છું.

શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર 45 વર્ષથી ઓછી વયના વૈજ્ઞાનિકોને છેલ્લાં પાંચ વર્ષમાં વિશેષ યોગદાન માટે વડા પ્રધાન દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારમાં એક પ્રશસ્તિ પત્ર અને રૂ. પાંચ લાખ રોકડા આપવામાં આવે છે.

 

 

 

 

 

 

 

આઇસી15 ઇન્ડેક્સ 745 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે દિવસના પ્રારંભે ઘટાડાનું વલણ હતું, પણ પછીથી ઓચિંતી વૃદ્ધિ થવા લાગી હતી. પરિણામે, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.24 ટકા (745 પોઇન્ટ) વધીને 33,947 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,202 ખૂલીને 34,105ની ઉપલી અને 32,290 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ ઘટક કોઇન વધ્યા હતા. સોલાના, યુનિસ્વોપ, અવાલાંશ અને કાર્ડાનોમાં 4થી 7 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી. બિટકોઇન અનેક દિવસ બાદ 26,000 ડોલરની ઉપર ગયો હતો.

દરમિયાન, બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સે નાણાકીય ક્ષેત્રમાં સસ્ટેઇનેબિલિટી લાવવાની દૃષ્ટિએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની મદદથી બ્લોકચેઇન આધારિત સસ્ટેઇનેબલ ફાઇનાન્સ સોલ્યુશન્સ વિકસાવવાની હાકલ કરી છે. બીજી બાજુ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની પેટા કંપની ઝોડિયા કસ્ટડીએ સિંગાપોરમાં ડિજિટલ એસેટ ઉદ્યોગની કસ્ટડી સંબંધિત જરૂરિયાતો પૂરી કરવા માટે એ દેશમાં પોતાની સેવાઓ આપવાની શરૂઆત કરી છે.

ADR રિપોર્ટઃ 40 ટકા સાંસદો સામે ગુનાઇત કેસો

નવી દિલ્હીઃ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા જારી એક રિપોર્ટ અનુસાર સંસદના 763 સાંસદોમાંથી 306 (40 ટકા)એ પોતાની સામેના ગુનાઇત કેસો જાહેર કર્યા છે. આ ડેટા સાંસદો દ્વારા પોતાની પાછલી ચૂંટણી લડ્યાથી પહેલાં દાખલ કરેલા એફિડેવિટમાંથી કાઢવામાં આવ્યા છે. આશરે 194 સાંસદોએ (25 ટકા) ગંભીર ગુનાના કેસો જાહેર કર્યા છે, જેમાં હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, મહિલાઓની વિરુદ્ધ ગુના વગેરે સંબંધિત કેસો સામેલ છે.

કેરળ ટોચે

પોતાની એફિડેવિટમાં ગુનાઇત કેસોની ઘોષણા કરનારા સાંસદોની યાદીમાં કેરળ 73 ટકાની સાથે ટોચ પર છે. ત્યાર બાદ બિહાર, મહારાષ્ટ્ર (57 ટકા) અને તેલંગાણા (50 ટકા)નું સ્થાન છે. બિહાર (50 ટકા)માં ગંભીર ગુનાઇત કેસોવાળા સાંસદો સૌથી વધુ છે. ત્યાર બાદ તેલંગાણા (નવ ટકા), કેરળ (10 ટકા), મહારાષ્ટ્ર (34 ટકા) અને ઉત્તર પ્રદેશ (37 ટકા) છે.

પાર્ટીદીઠ ડેટા પર નજર નાખીએ તો ભાજપના 385 સાંસદોમાંથી 139 (36 ટકા), કોંગ્રેસના 81 સાંસદોમાંથી 43 (53 ટકા), TMCના 36 સાંસદોમાંથી 14 (39 ટકા), RJDના છમાંથી પાંચ (83 ટકા) સાંસદ, CPI-Mના આઠમાંથી છ (75 ટકા) અને NCPના આઠ સાંસદોમાંથી ત્રણ (38 ટકા)એ એફિડેવિટમાં ગુનાઇત કેસો જાહેર કર્યા છે. આ એફિડેવિટ અનુસાર 32 સાંસદોએ હત્યાના પ્રયાસ (IPC કલમ 307)ના કેસોની ઘોષણા કરી છે. 21 સાંસદોએ બળાત્કાર (IPC કલમ 376)થી સંબંધિત કેસો જાહેર કર્યા છે.