Home Blog Page 253

સંસદ ચાલશે કે થશે હંગામો?: રાહુલ ગાંધીએ કહ્યું, એક સમજૂતી થઈ

નવી દિલ્હીઃ સંસદમાં ચર્ચા અને તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતા છે. વિપક્ષી પક્ષો લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. સ્પીકર વિરુદ્ધ નોટિસ ક્યારે આપવી તે અંગે આજે નિર્ણય લેવામાં આવશે. ભાજપની મહિલા સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને વિનંતી કરી છે કે સસંદમાં અયોગ્ય અને શરમજનક વર્તન કરનાર વિપક્ષી સાંસદો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આવાં કૃત્યો લોકતંત્રની સંસ્થાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.

લોકસભાની કાર્યવાહી સતત અવરોધિત થઈ રહી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ચર્ચા અને વડા પ્રધાનના ભાષણ વગર જ હંગામા વચ્ચે ધ્વનિમતથી પસાર થયો. બજેટ પર ચર્ચા પણ હજી શરૂ થઈ શકી નથી. ચાલુ ગતિવિધિઓમાં અવરોધ વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ પરિસ્થિતિ સુધારવા માટે તમામ પક્ષોના ફ્લોર લીડરોની બેઠક બોલાવી હતી. આ બેઠક પછી સંકેત મળ્યા છે કે 10 ફેબ્રુઆરીએ સદનની કાર્યવાહી સુચારુ રીતે ચાલી શકે છે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંકેત આપ્યો કે સંસદ ચાલી શકે છે. તેમણે જણાવ્યું હતું કે 10 ફેબ્રુઆરીએ કાર્યવાહી સુચારુ રીતે ચાલે તે અંગે હાલ સહમતી બની છે. એક સમજૂતી થઈ છે અને અમને સંસદમાં જે બોલવું છે તે બોલવાની મંજૂરી મળશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે સ્પીકર સાથેની બેઠકમાં અમે કેટલાક મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા. પ્રથમ, મને બોલવાની મંજૂરી આપવામાં આવી નહોતી. બીજું, અમારા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્રીજું, ભાજપના એક સભ્યે સતત બોલવાનું ચાલુ રાખ્યું અને એક પુસ્તકમાંથી ઉલ્લેખ પણ કર્યો, છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નહોતી.

વડા પ્રધાનમંત્રી સત્યનો સામનો કરી શકતા નથી: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સોમવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં આવવાથી ડરે છે, કારણ કે તેઓ તે સત્યનો સામનો કરી શકતા નથી, જેને તેઓ પૂર્વ સેનાપ્રમુખ એમ. એમ. નરવણેની પુસ્તકના એક અંશના ઉલ્લેખ દ્વારા રજૂ કરવા માગતા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે વડા પ્રધાન પર કોઈ વિપક્ષી સભ્ય દ્વારા હુમલો કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જો કોઈ આવી હરકત કરે તો તેની સામે FIR નોંધાવીને તરત જ ધરપકડ કરવી જોઈએ.

‘વિધાતા’ ની ભૂમિકા દિલીપકુમારના નસીબમાં લખાયેલી હતી!

ભારતીય સિનેમાના ઇતિહાસમાં 1982માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિધાતા’ એક સીમાચિહ્ન સમાન ગણાય છે. સુભાષ ઘાઈ માટે આ ફિલ્મ માત્ર એક વ્યાવસાયિક સફળતા નહોતી પરંતુ દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાની એક અગ્નિપરીક્ષા હતી. આ ફિલ્મની કાસ્ટિંગ પ્રક્રિયા એટલી રસપ્રદ છે કે તેના પરથી જ એક આખી ફિલ્મ બની શકે.

સુભાષ ઘાઈએ વિવિધ ઇન્ટરવ્યુમાં જણાવ્યા મુજબ ફિલ્મની શરૂઆત બિલકુલ અલગ રીતે થઈ હતી. નિર્માતા ગુલશન રાયે 1980 માં જ્યારે આ પ્રોજેક્ટ વિચાર્યો ત્યારે તેમના મનમાં દિલીપકુમાર અને અમિતાભ બચ્ચનની જોડી હતી. તે સમયે અમિતાભ બચ્ચન સ્ટારડમના શિખર પર હતા અને દિલીપકુમાર લાંબા વિરામ બાદ ફરી સક્રિય થયા હતા. જોકે, અમિતાભ બચ્ચન પાસે તારીખો ન હોવાને કારણે અને અમજદ ખાન પણ આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જતાં ફિલ્મની આખી કાસ્ટિંગની જવાબદારી સુભાષ ઘાઈના ખભે આવી પડી હતી.

ઘાઈ માટે સૌથી મોટો પડકાર દિલીપકુમારને નિર્દેશિત કરવાનો હતો. ઘાઈએ એક રમુજી કિસ્સો શેર કર્યો હતો કે જ્યારે તેઓ દિલીપકુમારને મળવા ગયા ત્યારે મનોજકુમારે તેમને ચેતવણી આપી હતી કે દિલીપકુમાર એવા કલાકાર છે જે તમારી આવડતની પહેલા પરખ કરશે. અને દિલીપકુમારે ઘાઈને પૂછ્યું હતું કે તેમણે અગાઉ કઈ ફિલ્મો બનાવી છે. જ્યારે ઘાઈએ ‘કાલીચરણ’ અને ‘વિશ્વનાથ’ જેવી હિટ ફિલ્મોના નામ આપ્યા ત્યારે દિલીપકુમારે તે ફિલ્મો જોયા બાદ જ આ પ્રોજેક્ટ માટે લીલી ઝંડી આપી હતી.

ગોવાના શૂટિંગ દરમિયાન જ્યારે પ્રોડક્શનની ગાડી એરપોર્ટ પર ન પહોંચી ત્યારે દિલીપકુમાર ટેક્સી કરીને સેટ પર આવી ગયા હતા. જે તેમની શિસ્ત અને નમ્રતાનો પુરાવો હતો. ફિલ્મમાં સંજય દત્તનું કાસ્ટિંગ પણ એક અકસ્માત જેવું હતું. નિર્માતા ગુલશન રાય જ્યારે સુનીલ દત્તના ઘરે ગયા ત્યારે તેમણે યુવાન સંજય દત્તને જોયો અને નક્કી કર્યું કે આ છોકરો દિલીપકુમારના પૌત્ર તરીકે યોગ્ય લાગશે. ‘વિધાતા’ની કાસ્ટિંગની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં દિલીપકુમાર, સંજીવકુમાર અને શમ્મી કપૂર જેવા ત્રણ મહાન કલાકારો એકસાથે આવ્યા હતા.

સંજીવકુમાર વિશે વાત કરતા સુભાષ ઘાઈએ જણાવ્યું છે કે તે હંમેશા પૂછતા કે ‘દિલીપકુમારની સામે હું ક્યાંક દબાઈ તો નહીં જાઉં ને?’ હકીકતમાં સંજીવકુમાર દિલીપકુમારના પ્રશંસક હોવા છતાં તેમની સાથે સ્પર્ધા કરવામાં થોડા અચકાતા હતા. ઘાઈએ તેમને સમજાવ્યા હતા કે ફિલ્મમાં તેમનું પાત્ર એકદમ અલગ અને મજબૂત છે. શૂટિંગ દરમિયાન જ્યારે આ બંને દિગ્ગજો સામસામે આવતા ત્યારે આખો સેટ શાંત થઈ જતો. શમ્મી કપૂર માટે પણ આ ફિલ્મ ખાસ હતી. તેમને આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

દિલીપકુમાર પોતે શમ્મી કપૂરના રોલ માટે ખૂબ જ આગ્રહી હતા અને ઘાઈને કહેતા કે શમ્મીના સીન્સ ખૂબ જ પ્રભાવશાળી હોવા જોઈએ. હીરોઈનની શોધ પણ કંઈ ઓછી રસપ્રદ નહોતી. ઘાઈ પહેલા રતિ અગ્નિહોત્રીને લેવા માંગતા હતા પરંતુ નિર્માતા ગુલશન રાયે તેમના વિશે નકારાત્મક વાતો સાંભળી હોવાથી ના પાડી દીધી હતી. અંતે પદ્મિની કોલ્હાપુરેની પસંદગી થઈ હતી. પદ્મિની તે વર્ષે ત્રણ મોટા સુપરસ્ટાર્સ (દિલીપકુમાર, દેવ આનંદ અને રાજ કપૂર) સાથે કામ કરી રહી હતી. તેની એનર્જી અને ડાન્સિંગ સ્કીલ્સે ‘સાત સહેલિયાં’ ગીતને અમર બનાવી દીધું.

જેકી શ્રોફની વાત કરીએ તો તેઓ આ ફિલ્મમાં એક નાનો રોલ લેવા આવ્યા હતા પરંતુ સુભાષ ઘાઈએ તેમનો ચહેરો જોઈને જ કહી દીધું હતું કે ‘તું અત્યારે નાનો રોલ ન કર, હું તને મોટી ફિલ્મમાં લોન્ચ કરીશ.’ અને આ રીતે ‘વિધાતા’ના સેટ પરથી જ ‘હીરો’ ફિલ્મનો પાયો નખાયો હતો. ફિલ્મના વિલન અમરીશ પુરી માટે પણ ‘વિધાતા’ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. ‘જગાવર ચૌધરી’ના પાત્રમાં તેમની ગર્જના અને દેખાવે તેમને બોલીવુડના સૌથી ખતરનાક વિલન બનાવી દીધા હતા. મજાની વાત એ હતી કે અમરીશ પુરીના મોટાભાઈ મદનપુરી આ ફિલ્મમાં હતા પરંતુ તેઓ અમરીશ પુરીના હાથ નીચે કામ કરતા એક ગૌણ પાત્રમાં હતા.

સુભાષ ઘાઈએ દરેક કલાકારના વ્યક્તિત્વનો ઉપયોગ કરીને આ ફિલ્મને એક કલ્ટ ક્લાસિક બનાવી હતી. ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી અને ૧૯૮૨ની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ હતી. સુભાષ ઘાઈને ‘વિધાતા’એ શીખવ્યું કે જ્યારે તમારી પાસે દિગ્ગજ કલાકારો હોય ત્યારે તમારે માત્ર દિગ્દર્શક તરીકે નહીં પરંતુ એક કુશળ મેનેજર તરીકે પણ કામ કરવું પડે છે. આ ફિલ્મની કાસ્ટિંગની વાતો આજે પણ નવોદિત ફિલ્મમેકર્સ માટે એક પાઠ સમાન છે. કેવી રીતે યોગ્ય પાત્ર માટે યોગ્ય કલાકારની પસંદગી કરવી અને તેમનું સંચાલન કરવું કે ફિલ્મને ઈતિહાસમાં અમર બનાવી શકે.

૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬

પંચાંગ 10/02/2026

બોર્ડર 2 બાદ સની દેઓલની ધુંઆધાર ફિલ્મ ‘લાહોર 1947’ની રિલીઝ તારીખ જાહેર

‘બોર્ડર 2’ બાદ અભિનેતા સની દેઓલની બીજી એક ધુંઆધાર ફિલ્મ આવી રહી છે. સની દેઓલની ફિલ્મ ‘લાહોર 1947’ ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસની આસપાસ રિલીઝ થશે.

આમિર ખાન પ્રોડક્શન્સે તેમના આગામી પીરિયડ ડ્રામા ‘લાહોર 1947’ની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. આ ફિલ્મ સની દેઓલ દિગ્દર્શક રાજકુમાર સંતોષી અને નિર્માતા આમિર ખાન વચ્ચેનો પ્રથમ સહયોગ છે. આ ફિલ્મ 13 ઓગસ્ટ, 2026 ના રોજ સ્વતંત્રતા દિવસની નજીક સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આમિર ખાને ફિલ્મ વિશે શું કહ્યું?

આમિર ખાને ફિલ્મ વિશે કહ્યું,”આ ધરમજીની પ્રિય સ્ક્રિપ્ટોમાંની એક હતી. જો તેઓ તેને જોઈ શક્યા હોત તો મને ખૂબ આનંદ થયો હોત.”

ફિલ્મની સ્ટારકાસ્ટ

‘લાહોર 1947’માં સની દેઓલ, શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા અને કરણ દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાન દ્વારા રચિત છે, અને ગીતો જાવેદ અખ્તર દ્વારા લખાયેલા છે.

સની દેઓલનું કાર્યક્ષેત્ર

સની દેઓલ તાજેતરમાં વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી અભિનીત ફિલ્મ ‘બોર્ડર 2’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. સની દેઓલ ટૂંક સમયમાં ‘ઇક્કા’, ‘રામાયણ 1’ અને ‘રામાયણ 2’ માં જોવા મળશે.

ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઈલસ્ટોન

ગાંધીનગર: રાજ્ય સરકારે એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) કર્યા છે. આ LoIને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ LoI અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSC), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોને જોડવાનું આયોજન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે.નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત રાજ્યના ટ્રાયબલ ડિસ્ટ્રીક્ટમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે મહત્વપૂર્ણ કદમ બનશે. આ જિલ્લાઓમાં પોલીસ આઉટપોસ્ટ્સ, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રો, વન્યજીવ મોનિટરિંગ અને કૃષિ સંશોધન કેન્દ્રો માટે મજબૂત કનેક્ટિવિટી દ્વારા સિક્યુરિટી અને સ્ટેબિલિટી વધવા સાથે રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી પણ આ LoIનું અમલીકરણ થવાથી સુનિશ્ચિત થશે.

આ પહેલ અંતર્ગત રાજ્યની શાળાઓમાં શિક્ષણ માટે સ્માર્ટ કનેક્ટિવિટી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં (PHC)આરોગ્ય સુખાકારીની સેવાઓ અને ટેલિ-મેડિસિન સુવિધાઓ સરળતાએ અને ઝડપથી ઉપલબ્દ્ધ થશે. સાથોસાથ વિવિધ સરકારી એજન્સીઓ, વિભાગો, શાળાઓ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના કેપેસિટી બિલ્ડીંગ માટેના સંયુક્ત તાલીમ કાર્યક્રમોનું ભવિષ્યમાં આયોજન કરાશે. રાજયમાં સીમલેસ અને ઇઝી કનેક્ટિવિટીની જરૂરિયાતોના સંદર્ભમાં આ LOIના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓની જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગાંધીનગરમાં આ LoI એક્સચેન્જ સેરેમની યોજવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફથી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને સ્ટારલિંક તરફથી સ્ટારલિંક ઇન્ડિયાના હેડ પ્રભાકર જયકુમારે આ LoIની પરસ્પર આપ-લે કરી હતી. રાજ્યની જી.આઈ.ડી.સી.ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, હાઈવે સેફટી સિસ્ટમ્સ, મેરિટાઈમ-પોર્ટ કનેક્ટિવિટી તેમજ કોસ્ટલ પોલિસ ઓપરેશનમાં પણ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાના વિષયો આ LOIમાં આવરી લેવાયા છે.

શ્રીલંકાને વાઇબ્રન્ટ સમિટ 2027માં જોડાવા ગુજરાતનું આમંત્રણ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે શ્રીલંકાના શાસક પક્ષના જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વા અને પ્રતિનિધિ મંડળ આવ્યું. મુખ્યમંત્રીએ આ ડેલિગેશનને ગુજરાતમાં આવકાર્યું. બે દેશો વચ્ચે લાંબાગાળાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને જે વધુ ગતિ મળી છે તેમાં આ બેઠક ફળદાયી બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટ છે ત્યારે વિવિધ સેક્ટર્સની પોલીસીઝનો લાભ શ્રીલંકા પોતાના રસ ધરાવતા સેક્ટર્સ માટે લઈ શકે તે માટે રાજ્ય સરકાર અને શ્રીલંકા વચ્ચે પરસ્પર સંકલનની હિમાયત કરી હતી. એટલું જ નહીં, વધુને વધુ ગુજરાતીઓ શ્રીલંકા પ્રવાસે જઈ શકે તે દિશામાં પણ આયોજન માટે ચર્ચા-વિમર્શ આ બેઠકમાં કર્યા હતા.જે.વી.પી.ના જનરલ સેક્રેટરી મહાત્મા ગાંધીજી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભૂમિ એવા ગુજરાત અને ભારતની તેમની આ પ્રથમ મુલાકાતથી તેઓ ભાવવિભોર થયાની અને ગુજરાતની પ્રગતિથી પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરી હતી.તેમણે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલા પ્રદર્શન માટે ગુજરાતે આપ્યા છે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રીયુત ટિલ્વિન સિલ્વાએ જરૂરિયાતના સમયે ભારતે હંમેશા શ્રીલંકાને ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સહિતની મદદની તત્પરતા દર્શાવી છે અને પડખે ઉભું રહ્યું છે તેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.તેમણે ગુજરાત-શ્રીલંકાની ઔદ્યોગિક ક્ષેત્રે ભાગીદારી અંગે પણ ઉત્કૃષ્ટતા દર્શાવી હતી અને અમૂલની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરીને સહકાર ક્ષેત્ર સહિતના વિવિધ સેક્ટર્સમાં ગુજરાત પાસેથી એક્સપર્ટિઝ, નોલેજ શેરિંગ અને ક્નો-હાઉ વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રીએ આગામી વાઇબ્રન્ટ સમિટ 2027માં શ્રીલંકાને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

રિઝર્વ બેન્ક નાણાકીય સાક્ષરતા સપ્તાહ ઊજવશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) નવથી 13 ફેબ્રુઆરી દરમિયાન “KYC – Your First Step to Safe Banking” થીમ સાથે નાણાકીય સાક્ષરતા વીક 2026 ઊજવી રહી છે. આ પહેલનું ઉદ્ઘાટન RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ મુંબઈમાં કર્યું હતું. આ સપ્તાહ દરમિયાન RBI, બેંકો અને અન્ય સંસ્થાઓ સાથે મળીને દેશભરમાં જાગૃતિ કાર્યક્રમો યોજી રહી છે.

નાણાકીય સાક્ષરતા વીક 2016થી RBI દ્વારા દર વર્ષે ઊજવવામાં આવે છે, જેથી લોકોમાં નાણાકીય બાબતો અંગે સમજ વધે. દર વર્ષે એક ખાસ થીમ નક્કી કરવામાં આવે છે. 2026માં KYC પાલન અને સુરક્ષિત તથા અવરોધરહિત બેંકિંગ સેવાઓમાં તેની ભૂમિકા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

KYC પાલનનું મહત્ત્વ

KYC (Know Your Customer) એ એવી પ્રક્રિયા છે જેમાં બેંકો ગ્રાહકની ઓળખ અને સરનામાની ચકાસણી કરે છે. બેંક એકાઉન્ટ ખોલવા અને મોટા ભાગની નાણાકીય સેવાઓ મેળવવા માટે આ પ્રક્રિયા ફરજિયાત છે. જોખમ વર્ગીકરણ મુજબ બેંકોને સમયાંતરે ગ્રાહકની માહિતી અપડેટ કરવી જરૂરી છે.

RBIએ સ્પષ્ટ કર્યું છે કે KYC અપડેટ ન કરવા અથવા વિલંબ કરવા પર બેંક ખાતા પર પ્રતિબંધ લાગી શકે છે, જેમાં રૂપિયા ઉપાડવા અને ટ્રાન્સફર કરવાની મર્યાદા પણ સામેલ છે. આ અભિયાન હેઠળ RBI KYC પ્રક્રિયા અને માહિતી અપડેટ કરવાની રીત અંગે સમજ આપી રહી છે.

છેતરપિંડીના જોખમ અને મની મ્યુલ

નાણાકીય સાક્ષરતા વીક 2026 દરમિયાન KYC સંબંધિત ઠગાઈ અંગે જાગૃતિ પણ એક મુખ્ય મુદ્દો છે. RBIએ ગ્રાહકોને ચેતવણી આપી છે કે KYC અપડેટ કરવા માટે આવતા અજાણ્યા ફોન, મેસેજ અથવા લિંક્સનો જવાબ ન આપવો. આવા સંદેશાઓ દ્વારા વ્યક્તિગત માહિતી મેળવી અથવા બેંક ખાતામાં ગેરકાયદે પ્રવેશ મેળવવાનો પ્રયાસ થતો હોય છે.

આ અભિયાનમાં “મની મ્યુલ” પ્રવૃત્તિ અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે, જેમાં લોકો પોતાના બેંક ખાતાનો ઉપયોગ ગેરકાયદે નાણાંના લેવડદેવડ માટે કરવા દે છે. RBI મુજબ ખાતાધારક પોતાના ખાતામાં થતી તમામ લેવડદેવડ માટે જવાબદાર ગણાશે.

પ્રાદેશિક સ્તરે જાગૃતિ કાર્યક્રમો

RBIની પ્રાદેશિક કચેરીઓ, જેમાં પણજી રિજનલ ઓફિસ પણ સામેલ છે, બેંકો અને સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને જાગૃતિ અને આઉટરીચ કાર્યક્રમો યોજી રહી છે. આ પ્રયાસો અગાઉના નાણાકીય સમાવેશ અભિયાન અને બેંક ખાતાના re-KYC અભિયાનને આધારે કરવામાં આવી રહ્યા છે.

400થી વધુ મીડિયા એવેન્જર્સએ દેખાડી પ્રખર પ્રતિભાની ઝલક

અમદાવાદઃ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) દ્વારા મીડિયોત્સવની ત્રીજી સીઝનનું આયોજન કરવામાં આવ્યું. ગત શનિવારે ગુજરાત યુનિવર્સિટીના ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે મીડિયોત્સવ-૨૦૨૬ યોજાયો હતો. રાજ્યભરની કોલેજ અને શાળાઓના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.મેવેન્જર્સની થીમ સાથે, વિદ્યાર્થીઓ મીડિયા એવેન્જર્સ બની મીડિયાલક્ષી અલગ-અલગ 19 સ્પર્ધામાં સહભાગી થયા હતા. ઉત્સાહભેર ભાગ લેનાર વિદ્યાર્થીઓએ અંકિત ગોરના માર્ગદર્શન હેઠળ સર્જનાત્મક લેખન તથા ડો. રવિન્દ્ર ઝાલાના નેતૃત્વ સાથે ગ્રાફિક અને એનિમેશનના વર્કશોપનો પણ લાભ લીધો હતો.

કાર્યક્રમના ઉદ્ઘઘાટનસત્રના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહા, ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકાર રોનક કામદાર તથા પ્રસિદ્ધ પોડકાસ્ટર જય થડેશ્વર ઉપસ્થિત રહ્યા હતા. સાથે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદિપ જૈન અને ટ્રસ્ટીગણ વિશેષ હાજર રહ્યા હતા.સંસ્થાના નિયામક પ્રો(ડો.) શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે, “મીડિયોત્સવની બે સીઝનની જ્વલંત સફળતા બાદ આ વર્ષે પણ કાર્યક્રમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.ડો. ભાગ્યેશ જ્હાએ વિદ્યાર્થીઓને સમજણ અને સંયમનો સંદેશ આપ્યો હતો. અભિનેતા રોનક કામદારે સંસ્થા તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. પોડકાસ્ટર જય થડેશ્વરે લાઈફ એન્ડ કરિઅર આધારિત માર્ગદર્શન આપતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.”આ વર્ષે ન્યૂઝ એન્કરિંગ, જિંગલ મેકિંગ, આરજે, એકપાત્રીય અભિનય, વક્તૃત્વ જેવી વિવિધ ૧૯ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. મીડિયા તથા મનોરંજન જગત સાથે જોડાયેલા મહાનુભાવોએ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિતોએ મનોરંજન કૃતિઓ માણી હતી. સહભાગીઓને પ્રમાણપત્ર તથા વિજેતાઓને ઈનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. મીડિયોત્સવ ૨૦૨૬ની સફળતા પાછળ સેન્ટર ફોર પ્રોફેશનલ સ્ટડીઝ, ગુજરાત સાહિત્ય અકાદમી, જમાવટ મીડિયા, ફૌજી બેગ્ઝ અને રિવોઇ મીડિયાનો અતુલ્ય સાથ રહ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ માટે સંસ્થાના નિયામક પ્રો(ડો.) શિરીષ કાશીકર, નાયબ નિયામક ઈલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, ડો. ગરિમા ગુણાવત, રીતુ વર્મા, લાઈબ્રેરીયન માનસી સરવૈયા, ટેકનિકલ આસિસ્ટન્ટ ચારુદત્ત અખાડે, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ સતત જહેમત ઉઠાવી હતી.

SIR મુદ્દે પશ્ચિમ બંગાળ સરકારને ‘સુપ્રીમ’ ફટકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું કે તે બી-રેન્કના જે 8505 અધિકારીઓ ચૂંટણી પંચને ઉપલબ્ધ કરાવવા માગે છે, તેમની યાદી તાત્કાલિક ચૂંટણી પંચને સોંપે.

ચોથી ફેબ્રુઆરીએ થયેલી અગાઉની સુનાવણીમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી પોતે કોર્ટમાં હાજર રહ્યાં હતાં અને SIR પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે અન્ય રાજ્યોમાંથી માઇક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવાની પ્રક્રિયાનો પણ વિરોધ કર્યો હતો. તે સમયે ચૂંટણી પંચે કહ્યું હતું કે રાજ્ય સરકારે અધિકારીઓ ઉપલબ્ધ કરાવ્યા નથી, તેથી બહારથી અધિકારીઓ બોલાવવા પડી રહ્યા છે. આ પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને બી-રેન્કના અધિકારીઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી.

સોમવારે સુનાવણીમાં બંગાળ સરકારના વકીલ શ્યામ દિવાને મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચને જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકાર માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામ કરવા માટે ચૂંટણી પંચને 8505 અધિકારીઓ આપવા તૈયાર છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે આ સારું પગલું રહેશે. સ્થાનિક અધિકારીઓને ત્યાંની પરિસ્થિતિની સારી સમજ હોય છે. તમે તાત્કાલિક અધિકારીઓની યાદી ચૂંટણી પંચને આપો. જોકે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે હજુ સુધી તેમને ન તો અધિકારીઓની યાદી મળી છે અને ન અધિકારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. એના પર મુખ્ય ન્યાયાધીશે બંગાળ સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે 4 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી — તમે 5 ફેબ્રુઆરીએ જ યાદી આપી દીધી હોત તો પંચ અત્યાર સુધી નિર્ણય લઈ શક્યો હોત.