Home Blog Page 2538

દેવની ફિલ્મથી જયદેવના સંગીતનો જયજયકાર  

સંગીતકાર જયદેવને દેવ આનંદની ‘નવકેતન ફિલ્મ્સ’ માં નોકરી મળ્યા પછી સંગીતકાર તરીકે સારી તક મળી હતી. એમનો જન્મ તો કેન્યા દેશના નૈરોબીમાં થયો હતો. પણ ત્યારે ત્યાં શિક્ષણની બહુ વ્યવસ્થા ન હોવાથી એમને અભ્યાસ માટે લુધિયાણા મોકલી આપ્યા હતા. ચૌદ વર્ષની ઉંમરે જયદેવે ફિલ્મ ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’ જોઈ અને મુંબઇમાં ફિલ્મોમાં કામ કરવાનો શોખ જાગ્યો. એક વખત ભાગીને મુંબઇ જતા રહ્યા પણ પરિવારે શોધી લીધા અને પાછા ઘરે લઈ આવ્યા. માતા ગાયિકા હોવાથી અભ્યાસ સાથે જયદેવે રેડિયો પર ગાવાનું શરૂ કર્યું પણ એમના અવસાન પછી પાછા નસીબ અજમાવવા મુંબઇ આવ્યા. સંઘર્ષ કરતાં ‘વાડિયા મૂવીટોન’માં સ્ટંટ એક્ટરની નોકરી મળી ગઈ.

થોડી ફિલ્મોમાં કામ કર્યું પણ પિતાએ આંખો ગુમાવી દીધી હોવાનો સંદેશ મળતા પાછા ઘરે આવી ગયા. વળી થોડા સમય પછી જયદેવે મુંબઇની વાત પકડી લીધી. એમની સંગીતમાં રુચિ વધતાં મામાના સૂચનથી એક ઉસ્તાદને ત્યાં તાલીમ લેવા લાગ્યા. એમના પછી સંગીતકાર અલી અકબર ખાનના સંપર્કમાં આવ્યા. એમને ‘નવકેતન ફિલ્મ્સ’ની ફિલ્મ ‘આંધિયાં’ (૧૯૫૨) માં સંગીતકાર તરીકે કામ મળ્યું ત્યારે જયદેવને સહાયક બનાવ્યા. જ્યારે ‘નવકેતન ફિલ્મ્સ’ માં સચિનદેવ બર્મનનો પ્રવેશ થયો ત્યારે નિર્દેશક વિજય આનંદે સૂચવ્યું કે માત્ર એમની ફિલ્મોમાં બર્મનદા સંગીત આપે ત્યારે જયદેવ સહાયક તરીકે રહે. એ વખતે એમના ઘણા સહાયકો હતા છતાં બર્મનદાએ એ વાત સ્વીકારી લીધી.

જયદેવે બર્મનદાના મુખ્ય સહાયક તરીકે પણ કેટલીક ફિલ્મો કરી. જયદેવને સ્વતંત્ર સંગીતકાર તરીકે પ્રથમ ફિલ્મ ‘જોરુ કા ભાઈ’ (૧૯૫૫) મળી. પરંતુ શરૂઆતની ફિલ્મો ખાસ સફળ ના રહી. જ્યારે દેવ આનંદ અને વિજય આનંદે ફિલ્મ ‘હમ દોનોં’ (૧૯૬૧) બનાવવાનું નક્કી કર્યું ત્યારે જયદેવને સંગીતની જવાબદારી સોંપી હતી. ફિલ્મના ‘અભી ના જાઓ છોડકર’ સહિતના બધા જ ગીતો લોકપ્રિય રહ્યા હતા અને જયદેવ લાઇમલાઇટમાં આવી ગયા હતા. એમાં ‘અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ’ ગીત એક પ્રાર્થના તરીકે વિશેષ સ્થાન મેળવી ગયું. ‘રાગગીરી’ પુસ્તકમાં એની પણ રસપ્રદ વાત છે. વિજય આનંદ આ ગીત લતા મંગેશકર પાસે જ ગવડાવવા માગતા હતા. પરંતુ સમસ્યા એ હતી કે જયદેવ સાથે કોઈ નાની બાબતે મતભેદ થતાં એમણે એમના સંગીતમાં ગાવાનું બંધ કર્યું હતું.

વિજય આનંદે લતાજીને કહ્યું કે આ ગીતમાં એમનો જ અવાજ લેવા માગે છે. જરૂર પડશે તો એ સંગીતકાર બદલી નાખશે. લતાજી નહોતા ઇચ્છતા કે એક નાનકડી વાત પર થયેલા મતભેદને કારણે સંગીતકાર જયદેવ ફિલ્મમાંથી નીકળી જાય. એમણે ગીત ગાવાની સંમતિ આપી દીધી હતી. પછીથી આ ગીત લતા મંગેશકર પોતાના સ્ટેજ કાર્યક્રમોમાં પણ ગાતાં રહેતા હતા. લતાજીએ પાછળથી જયદેવના સંગીતમાં ‘યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાએ’ (પ્રેમ પર્વત) જેવા ઘણા ગીત ગાયા હતા. બીજી જાણવા જેવી વાત એ છે કે જયદેવે આ ભજન પ્રકારનું ગીત રાગ ગૌડ સારંગમાં તૈયાર કર્યું હતું. આ રાગમાં ઘણા ફિલ્મ ગીતો બન્યા છે પણ ‘અલ્લાહ તેરો નામ’ જેટલું કોઈ લોકપ્રિય થયું નથી. જયદેવને ત્રણ ફિલ્મો રેશ્મા ઔર શેરા (૧૯૭૧), ગમન (૧૯૭૮) અને ‘અનકહી’ (૧૯૮૫) ના સંગીત માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.

ચહેરા પર ભૌતિકવાદની ચમક નહીં, આંતરિક વિશ્વની આભા હોવી જોઈએ

વયસઃ કર્માણોઙર્થસ્ય શ્રુતસ્યાભિજનસ્ય ચ ।

વેષવાગ્બુદ્ધિસારુપ્યામાચરન્વિચરેદિહ ।।4.18।।

“મનુષ્યે પોતાની ઉંમર, વ્યવસાય, સંપત્તિ, સમજ અને પરિવારને છાજે એવો પોશાક ધારણ કરવો, એવી વાણી રાખવી અને એવા વિચારો કરવા” ।।4.18।।

મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 4.18માં આપણને સમાજમાં રાખવાના વ્યવહાર વિશેનો બોધ આપવામાં આવ્યો છે. મનુનું કહેવું છે કે આપણી ઉંમર, વ્યવસાય, સંપત્તિ, સમજણ અને પરિવારને અનુરૂપ વેશ, વચન અને બુદ્ધિ રાખવાં જોઈએ.

આપણી આ કટારનો ઉદ્દેશ ફક્ત ધનને લગતાં પાસાંની ચર્ચા કરવાનો હોવાથી આપણે અન્ય પાસાંનો વધુ વિચાર નહીં કરીએ.

આપણે એવા અનેક દાખલા જોયા છે, જ્યાં વ્યક્તિઓ અને પરિવારો સામાજિક દબાણને વશ થઈને પોતાના ગજા બહારનો ખર્ચ કરી કાઢતા હોય છે.

લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય એ કહેવત આપણે વર્ષોથી સાંભળતાં આવ્યા છીએ. વર્તમાન યુગમાં તેને “પીઅર પ્રેસર” કહેવાય છે. લોકો કેટલાંક સામાજિક વર્તુળોની દેખાદેખી એવો પોશાક ધારણ કરતા હોય છે અને તેમની રહેણી-કરણીને અનુસરવાનો પ્રયાસ કરતા હોય છે. એવા વખતે તેઓ એ નથી વિચારતા કે પોતાને પરવડશે કે નહીં. “બીજાઓ મારા વિશે શું વિચારશે” એવું જ તેઓ વિચારતાં હોય છે.

થોડા વખત પહેલાં મારા મિત્રે મને કહ્યું, “ગૌરવ, તારે પોતાના સામાજિક મોભાને છાજે એવો મોબાઇલ હેન્ડસેટ વાપરવો જોઈએ”. મારે હવે શોફર-ડ્રિવન કાર વાપરવી જોઈએ એવું પણ કેટલાક લોકોનું કહેવું છે. “હવે પછી તું સારી કાર જ લેજે” એવું તો મને અનેક વાર કહેવામાં આવ્યું છે.

મારો સામાજિક મોભો એટલે શું એ મને સમજાતું નથી. મેં અનેક લોકોને આ સવાલ કર્યો, પરંતુ કોઈની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો નહીં. સમાજમાં મારું શું સ્થાન છે એ જાણવા માટે મેં આજુબાજુ જોયું તો મારા પગ જમીન પર જ ટેકવાયેલા હતા. મારું સ્થાન બીજા બધા જેવું જ હતું. છેવટે હું ગૂગલ દેવતા પાસે ગયો અને પૂછ્યું, “સમાજમાં શું સ્થાન છે એ કેવી રીતે જાણી શકાય?” ગૂગલ દેવ પણ આ સવાલનો જવાબ આપી શક્યા નહીં.

એ તો ઘણો મોટો માણસ છે એવું જ્યારે સાંભળવામાં આવે ત્યારે મને આશ્ચર્ય થાય છે. શું એ ઉંમરમાં મોટો છે, કદથી મોટો છે, બુદ્ધિથી મોટો છે કે પછી વજનથી મોટો છે?

સામાજિક મોભાની આખી વાત ભૌતિકવાદ સાથે સંકળાયેલી છે. એ બીજું કંઈ નહીં પણ આપણી અસલામતી દેખાડે છે. “લોકો મારા વિશે શું વિચારશે?” એવું શું કામ વિચારવું જોઈએ? આપણે જાતે જ આ પ્રપંચ ઊભો કર્યો છે. આપણે ‘કંઈક’ છીએ એવું માનીને આપણે એ ભ્રમણાને અનુરૂપ જીવવાનો પ્રયાસ કરીએ છીએ. જો આપણે એ ભ્રમણા અનુસાર જીવી શકીએ નહીં તો લઘુતાગ્રંથિ જન્મે છે અને અસલામતી વર્તાય છે.

મનુસ્મૃતિમાં આ જ બાબત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. મનુએ જે કહ્યું છે તેની પાછળ ઊંડો વિચાર છે. આપણે પોતાના વિશે રચેલી છબિ એ ભ્રમણા છે. આપણું વર્તન પણ દેખાડો છે. આપણે આ બાહ્ય દેખાવમાં વધારે રાચવા લાગશું એટલા અંતરમનથી દૂર થતાં જઈશું. તેને લીધે અસલામતી અને નિરાશા જન્મશે.

આપણે કેટલા દિવસ સુધી આપણાં સાધનો કરતાં વધારે ખર્ચ કરી શકીશું? ક્યારેક તો વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડશે. એ વખતે ફરી પાછી માનસિક ઊથલપાથલ સર્જાશે.

ધન હોય તો તેનો આનંદ માણો. ક્યારેક પૈસા ઉડાડવાનું મન થાય તો એ પણ કરો. ભૌતિકવાદ માણવામાં કંઈ ખોટું નથી, પરંતુ જો એ ભૌતિકવાદ આપણી ઓળખ બની રહેવાનો હોય તો એ ખોટી વાત છે. મારી પાસે અમુક વસ્તુ છે એટલે જ હું જે છું એ છું એવો વિચાર સમસ્યાને જન્મ આપે છે. આપણી આસપાસનું જગત સતત બાહ્ય પરિબળોને લીધે સુખ ઊપજતું દેખાડે છે. ખરેખર તો એ બધું ટૂંકા ગાળા માટે હોય છે. સાપેક્ષ આનંદ ક્ષણભંગુર હોય છે.

પછેડી હોય એટલી જ સોડ તાણવી. અંતરાત્મા સાથેનું અનુસંધાન તૂટવું જોઈએ નહીં. માણસ જેટલો અંતરમનથી વધારે નિકટ હશે એટલો જ એ વધારે પ્રતિભાવાન બનશે. આપણા ચહેરા પર ચમક નહીં, આભા હોવી જોઈએ. એ આભા અંદરથી પ્રગટ થતી હોય છે, જ્યારે ચમક તો બહારની કોઈ વસ્તુથી દેખાય છે. મનુએ કહ્યા મુજબ આપણી જીવનશૈલી પોતાની પાસેનાં સાધન-સંપત્તિને માફક આવે એવી જ હોવી જોઈએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

પંચાંગ 09/09/2023

નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી ગાંધીનગર ખાતે જન્માષ્ટમીની ભવ્ય રીતે ઉજવણી

ગાંધીનગરઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીએ 7 સપ્ટેમ્બર, 2023ના રોજ NIFT ગાંધીનગર કેમ્પસના એમ્ફીથિયેટર ખાતે જન્માષ્ટમી પર્વની ખૂબ જ સફળતા સાથે ઉજવણી કરી હતી.

NIFT ની જીવંત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ઇવેન્ટ ભગવાન કૃષ્ણના જન્મની ભવ્ય ઉજવણીમાં પરંપરા, સર્જનાત્મકતા અને આધ્યાત્મિકતાને એકસાથે લાવી. પ્રો. ડૉ. સમીર સૂદે દહીહાંડી સમારોહમાં ભાગ લીધો હતો તે આ પ્રસંગની વિશેષતા હતી.

કાર્યક્રમની વિશેષતાઓ આ રહીઃ

  • દહીહાંડી સમારંભ ઇવેન્ટની ખાસિયત હતી, જેમાં ટીમોએ નોંધપાત્ર ટીમવર્ક દર્શાવ્યું હતું.
  • NIFT ના વિદ્યાર્થીઓએ શાસ્ત્રીય અને લોકનૃત્યો અને સંગીતમય પ્રસ્તુતિઓ સહિત મનમોહક સાંસ્કૃતિક પ્રદર્શન રજૂ કર્યાં. એમનાં પરફોર્મન્સે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
  • પરંપરાગત પોશાકનું પ્રદર્શન એક તહેવાર સમાન હતું, કારણ કે NIFT વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ ભારતીય વસ્ત્રોની શૈલીઓ પ્રદર્શિત કરી હતી, જે આપણા સાંસ્કૃતિક વારસાની વિવિધતા અને સમૃદ્ધિને પ્રકાશિત કરે છે.

પ્રોફેસર ડૉ. સમીર સૂદે, NIFT ગાંધીનગરના નિયામક, આ ઇવેન્ટની શાનદાર સફળતા સુનિશ્ચિત કરવામાં તેમના અમૂલ્ય યોગદાન માટે તમામ સહભાગીઓને અભિનંદન આપ્યા હતા.

આઇસી15 ઇન્ડેક્સ 61 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સીને જી-20 રાષ્ટ્રસમૂહના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા પ્રતિબંધિત કરવામાં નહીં આવે એવા અહેવાલો પ્રગટ થવા છતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટ શુક્રવારે ફ્લેટ રહી હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.18 ટકા (61 પોઇન્ટ) ઘટીને 33,744 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,805 ખૂલીને 34,455ની ઉપલી અને 33,570 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી સોલાના અને બિટકોઇનને બાદ કરતાં બધા જ કોઇન ઘટ્યા હતા. પોલીગોન, યુનિસ્વોપ, શિબા ઇનુ અને લાઇટકોઇન 1થી 3 ટકાના ઘટાડા સાથે મોખરે હતા.

નોંધનીય છે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડે જી-20ની વિનંતીને પગલે સંયુક્ત પેપર પ્રકાશિત કર્યું છે. એમને ક્રીપ્ટોકરન્સી સંબંધે ભલામણો કરવાનું કહેવામાં આવ્યું હતું.

દરમિયાન, દક્ષિણ કોરિયાની નાણાકીય ક્ષેત્રની અગ્રણી કંપની મિરાઇ એસેટ સિક્યોરિટીઝે વેબ3 ટેક્નોલોજીસને પ્રોત્સાહન આપવાની દૃષ્ટિએ ટોકનાઇઝેશનના વિકાસ માટે પોલીગોન લેબ્સ સાથે સહકાર સાધ્યો છે.

 

દિલ્હીમાં G20 શિખર સંમેલન: ‘ભારત મંડપમ’ ખાતે ‘ક્રાફ્ટ બાઝાર’

9-10 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં નિર્ધારિત પ્રગતિ મેદાન ખાતે G20 18મા શિખર સંમેલનનું આયોજન કરાયું છે. આ માટે ભારત મંડપમ નામક ખાસ આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન-કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સ્થળે G20 થીમ આધારિત પૃથ્વીનો એક ગોળો મૂકવામાં આવ્યો છે.

પ્રગતિ મેદાન ખાતેના મીડિયા સેન્ટર ખાતે પ્રદર્શન-કમ-વેચાણ કેન્દ્ર ‘G20 ક્રાફ્ટ્સ બાઝાર’નું દ્રશ્ય

‘G20 ક્રાફ્ટ્સ બાઝાર’નું દ્રશ્ય

‘G20 ક્રાફ્ટ્સ બાઝાર’નું દ્રશ્ય

‘ભારત મંડપમ’નું બહારનું દ્રશ્ય

G20 શિખર સંમેલન દરમિયાન મોરિશ્યસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જુગનૌથને દ્વિપક્ષીય ચર્ચા માટે આવકારતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ચર્ચામાં વ્યસ્ત મોરિશ્યસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જુગનૌથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી

પાલમ એરપોર્સ એરપોર્ટ ખાતે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (યૂએન)ના મહામંત્રી એન્ટોનિઓ ગુટેરેસનું સ્વાગત.

રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવનું પાલમ એરફોર્સ એરપોર્ટ ખાતે આગમન

ભૂતપૂર્વ PM મનમોહન સિંહે મોદી સરકારની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ  ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન G-20 સમિટ પહેલા એક ઇન્ટરવ્યુમાં રશિયા-યુક્રેન યુદ્ધ, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભૂમિકાને લઈને ભારોભાર પ્રશંસા કરી હતી. તેમણે ભારતનાં હિતોને ધ્યાનમાં રાખીને શાંતિની અપીલ દ્વારા યોગ્ય વ્યૂહાત્મક પગલાંની પણ પ્રશંસા કરી હતી.

 G-20 સમિટ પહેલાં રશિયા-યુક્રેન સંઘર્ષ અને ચીન અને પશ્ચિમી દેશો વચ્ચેના તણાવને કારણે વિશ્વ વ્યવસ્થામાં ઘણું પરિવર્તન આવ્યું છે. આ નવી સિસ્ટમના સંચાલનમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે અને આજે વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વસનીયતા વધી છે. ભૂતપૂર્વ વડા પ્રધાનના કાર્યકાળ દરમ્યાન 2008માં G-20 ગ્રુપ બનાવવામાં આવ્યું હતું., જેનો હેતુ નાણાકીય સંકટોથી લડવાનો હતો, એમ તેમણે કહ્યું હતું.2047 સુધીમાં દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના પીએમ મોદીના દાવા પર મનમોહન સિંહે કહ્યું કે આવનારા વર્ષોમાં ભારત આર્થિક પાવર હાઉસ બનશે.

તેમણે કહ્યું હતું કે મને ભારતના ભવિષ્યની ચિંતા કરતાં વધુ આશાઓ છે. મને બહુ ખુશી છે G-20ની અધ્યક્ષતા માટે ભારતને તક મારા જીવનકાળ દરમ્યાન મળી છે અને હું G-20 શિખર સંમેલન માટે ભારયની અધ્યક્ષતાનો સાક્ષી છું. વિદેશ નીતિ મજબૂત હોવી જરૂરી છે અને અમારી વૈશ્વિક રાજકારણમાં હાજરી હોવી જોઈએ અને એ દેશના આંતરિક રાજકારણનો એક ભાગ હોવો જોઈએ, પરંતુ વ્યક્તિગત રાજકારણને લઈને સંયમ વર્તવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આવનારાં વર્ષોમાં ભારત આર્થિક પાવર હાઉસ બનશે. તેમણે ભારત-ચીન મુદ્દે પણ વાત કરતાં કહ્યું કે દુઃખની વાત છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે G20 કોન્ફરન્સમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીન સાથેના સંબંધો સુધારવા માટે વડા પ્રધાન મોદીએ શું કરવું જોઈએ તેના પર બોલવું મારા માટે યોગ્ય નથી. મને ખાતરી છે કે વડા પ્રધાન મોદી આ માટે ચોક્કસપણે જરૂરી પગલાં લેશે.

 

 

 

 

 

 

અક્ષયકુમારની ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’નું ટીઝર બહાર

નવી દિલ્હીઃ બોલીવૂડ સ્ટારર  ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’નું પહેલાં મોશન પોસ્ટર પછી હવે એક્શનથી ભરેલી આ ફિલ્મનું ટીઝર બહાર આવ્યું છે.  ખિલાડીકુમાર રિયલ લાઇફ આધારિત ફિલ્મ અને પાત્રો પર ધ્યાન આપવા માટે જાણીતો છે. તેની બહુ ચર્ચિત ફિલ્મ  ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ પણ એક મિસાલ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અક્ષયકુમારે ફેન્સની ઉત્તેજના વધારી દીધી છે.

‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ રેસ્ક્યુ છઠ્ઠી ઓક્ટોબર, 2023એ થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ રાનીગંજ કોલફીલ્ડમાં એક રિયલ લાઇફ ઘટના આધારિત છે અને દિવંગત જસવંત સિંહ ગિલ પર આધારિત છે. જેણે 350 ફૂટ નીચે 65 ખાણ મજૂરોના જીવ બચાવ્યા હતા. અક્ષયે ટીઝર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે 1989માં એક વ્યક્તિએ સાહસ અને દ્રઢ વિશ્વાસ દાખવતાં અનેક લોકોના જીવ બચ્યા હતા. #મિશનરાનીગંજ ટીઝર હજી જારી છે. છઠ્ઠી ઓક્ટોબરે #મિશનરાનીગંજની સાથે ભારતના સાચા નાયકની સ્ટોરી જુઓ.

વીર જસવંત સિંહ ગિલે નવેમ્બર, 1989માં રાનીગંજમાં પૂરગ્રસ્ત કોલસાની ખામમાં અંદર ફસાયેલા બધા મજૂરોને બચાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એને વિશ્વનું સૌથી મોટું અને સફળ બચાવ મિશન માનવામાં આવે છે. આ ફિલ્મ વાસ્તવિક સ્ટોરી પર આધારિત છે, જેને જણાવવી બહુ મુશ્કેલ છે. આવામાં આ ફિલ્મનું ટીઝર રહસ્ય, હિંમત અને આકર પડકારો પર કાબૂ મેળવવા પર ભરપૂર છે.

 

 

 

તમામ ભારતીયોનાં મન પર રાજ કરનાર આશા ભોસલે થયાં ૯૦ વર્ષનાં

મુંબઈઃ આઠ દાયકાઓથી ભારતનાં સંગીતપ્રેમીઓનાં મન પર છવાઈ જનાર લોકપ્રિય પાર્શ્વગાયિકા ‘પદ્મવિભૂષણ’ સમ્માનિત આશા ભોસલે આજે એમનો 90મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આજના વિશેષ દિવસે એમની પર અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. 90મા વર્ષે પણ આશાજી સ્વસ્થ છે. એમને ઓ.પી. નૈયરથી લઈને એ.આર. રહેમાન સુધી – સંગીતકારોની ચાર પેઢી સાથે કામ કરવાનું નસીબ પ્રાપ્ત થયું છે. આશાજી આટલી મોટી ઉંમરે પણ રોજ ગાયકીનો રિયાઝ કરવાનું ચૂકતાં નથી.

જાણવા જેવી વાત છે કે, 1947માં, એક ફિલ્મ માટે એક અજમાયશ વખતે આશા ભોસલેને ગાયિકા તરીકે નાપસંદ કરવામાં આવ્યાં હતાં. સહ-ગાયક (જે કિશોરકુમાર હતા) એમની સાથે આશાજીનો સ્વર સાઉન્ડ રેકોર્ડિંગ એન્જિનીયરને ઠીક લાગ્યો નહોતો. આશાજીને સહાયક અભિનેત્રીઓ માટે ગીતોમાં સ્વર આપવાની તક મળતી નહોતી. બ્રેક મળવા માટે એમને એક દાયકા જેટલા સમયની રાહ જોવી પડી હતી. એનું મુખ્ય કારણ એ હતું કે એ અરસામાં શમશાદ બેગમ, ગીતા રોય-દત્ત, સુરૈયા અને આશાજીનાં મોટાં બહેન લતા મંગેશકર જેવાં પાર્શ્વગાયિકાઓ છવાઈ ગયાં હતાં અને બીજી કોઈ ગાયિકા માટે અવકાશ નહોતો. છેક 1950ના દાયકાના અંતભાગમાં, બે સંગીતકાર – ઓ.પી. નૈયર અને એસ.ડી. બર્મને આશા ભોસલેને બ્રેક આપ્યો હતો. એ બંને સંગીતકારે લતાજીને બદલે આશાજી પાસે ગીત ગવડાવવાનું પસંદ કર્યું હતું.

1956માં ‘સીઆઈડી’ ફિલ્મમાં આશાજીએ મોહમ્મદ રફી અને શમશાદ બેગમ સાથે ગીત ગાયું હતું ‘લે કે પેહલા પેહલા પ્યાર ભર કે આંખો મેં ખુમાર…’ 1957માં, બી.આર. ચોપરાએ ‘નયા દૌર’ ફિલ્મમાં વૈજયંતીમાલા માટે આશાજી પાસે ગીત ગવડાવ્યાં હતાં. હિરોઈન માટે આશાજીએ તે પહેલી જ વાર ગીત ગાયું હતું અને એ ગીતો સુપરહિટ થઈ ગયા. ગીત હતાઃ ‘ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી’, ‘માંગ કે સાથ તુમ્હારા મૈંને માંગ લિયા સંસાર’, ‘રેશમી સલવાર કુર્તા જાલી કા’, ‘સાથી હાથ બઢાના’…

એ પછી ચોપરાની ફિલ્મોમાં આશા ભોસલેને કાયમી સ્થાન મળી ગયું હતું. જેમ કે, ‘વક્ત’ (1965)માં ‘આગે ભી જાને ન તૂ, પીછે ભી જાને તૂ, જો ભી હૈ બસ યે હી ઈક પલ હૈ’ અને ‘હમ જબ સીમટ કે આપ કી બાહોં મેં આ ગયે…’ ‘ધૂંદ’ (1973)માં ‘ઉલઝન સૂલઝે ના, રસ્તા સૂઝે ના, જાઉં કહાં મૈં…’ કિશોરકુમારની ‘ચલતી કા નામ ગાડી’ (1958) ફિલ્મમાં મધુબાલા માટે એસ.ડી. બર્મને આશાનો સ્વર પસંદ કર્યો અને લોકોને ખૂબ ગમી ગયો. ગીતો હતાઃ ‘હાલ કૈસા હૈ જનાબ કા’ અને ‘મૈં સિતારોં કા તરાના’. એસ.ડી. બર્મને તે પછી 1960માં ‘કાલા બાઝાર’ ફિલ્મમાં (અચ્છા જી મૈં હારી ચલો માન જાઓ ના), ‘બમ્બઈ કા બાબૂ’ (1960)માં (દીવાના મસ્તાના હુઆ દિલ), ‘સુજાતા’ (1959)માં આશાજી પાસે ગીત ગવડાવ્યા હતા.

અમરેલીમાં સિંહણે પાંચ વર્ષની બાળકીનો કર્યો શિકાર

અમરેલીઃ રાજ્યના સૌરાષ્ટ્રમાં સિંહ અને દીપડાના હુમલા વધતાં સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. અમરેલીના બગસરામાં મોડી રાત્રે ભર ઊંઘતી બાળકીને સિંહણ ઉઠાવી જતાં ખળભળાટ મચી ગયો છે. વન વિભાગ અને ગ્રામજનોએ આખી રાત શોધખોળ કરી હતી, પરંતુ બાળકી કે સિંહણ બંનેમાંથી કંઈ હાથ લાગ્યું નહોતું, પણ સવારના સમયે બાળકીનાં અંગો મળી આવ્યાં હતાં. આ ઘટનાને લઈને લોકોમાં ભય ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બગસરાના હાલરિયા ગામમાં એક વાડીમાં બહારથી મજૂરી માટે આવેલો પરિવાર સૂતો હતો. આ દરમિયાન ત્યાં સિંહણ આવી પહોંચી હતી અને બાળકીને ઉઠાવી ગઈ હતી. સિંહણ બાળકીને ઉપાડી જતાં પરિવારે બૂમાબૂમ કરી મૂકી હતી અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં. લોકોએ સિંહણની પાછળ બાળકીને છોડાવવા માટે દોડાદોડ કરી મૂકી હતી. બાળકીને સિંહણ ઉઠાવી ગઈ હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી અને વધુ શોધખોળ હાથ ધરી હતી.

અમરેલી ઇન્ચાર્જ IFS સાદિક મુંઝવારે આ ઘટનાની ગંભીરતા દાખવી સ્થાનિક RFOએ સહિત અધિકારીઓને સૂચના આપી સિંહણને પાંજરે પૂરવા અલગ-અલગ ત્રણ જેટલી ટીમો બનાવી હતી. નાની બાળકીને સિંહણે ભરખી જતાં પરિવાર પર આભ ફાટી પડ્યુ હતું.

પાંચ વર્ષની દીકરી ગુમાવતાં પરિવાર માથે દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે. જ્યારે આસપાસના લોકોને હજી પણ એક જ ડર સતાવી રહ્યો છે કે સિંહણ આટલામાં જ હશે અને એમનો કે એમના પરિવારજનનો શિકાર કરશે તો? જેથી ડરને કારણે સ્થાનિકો ધ્રૂજી રહ્યા છે.