અમદાવાદઃ રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડયો છે. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસવાની વકી છે.
રાજ્યમાં અમદાવાદ, અરવલ્લી, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે વીજળીના કડાકા સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન છે જેથી આગામી 24 કલાકમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ છે. જેથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જનમાષ્ટમીના દિવસે સૌથી વધુ ડાંગના વઘઇમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં નર્મદા, ડાંગ, નવસારી, દમણ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે ડાંગના આહવામાં 2.92 ઇંચ, સુબીરમાં 2.71, વલસાડના કપરાડામાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના સોનગઢ અને ખેડાના કઠલાલમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
વલસાડ તેમ જ આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરેરાશ બેથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
સંગઠનમાં રહેવા છતાં એકબીજા ઉપર આધારિત ન રહેતા સ્વનિર્ભરતાથી ચાલવું. કોઈપણ કામ મન લગાવીને કરવું, પરંતુ બદલામાં મળતી પદવીને મનથી સ્વીકાર ન કરવી. પોતાનાથી ક્યારેય ભારે ન થવું. આ ગુણ સંગઠનની દરેક વ્યક્તિમાં હોય તો એકતાની દોરી દોરડામાં બદલાઈ જાય છે..
એક સમાન લક્ષ્ય બધાને નજીક લાવી દે છે.આ લક્ષ્ય જો થોડા સમયનું અને હદનું હોય થોડા સમયની અને હદની એકતા ઉત્પન્ન થાય છે. સંપૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે બધાનું એક સમાન લક્ષ્ય હોય કે આપણે બધા પિતા પરમાત્મા સમાન ગુણવાન અને શક્તિવાન બનીએ. સૃષ્ટિ રૂપી સાગર માં તરતા આપણા બધાનું લક્ષ્ય પણ પરમપિતા પરમાત્મામાં સમાઈ જવાનું છે. તેમના સમાન બની જવાનું છે. એક સમાન લક્ષ્ય થી એક ધર્મ, એક જાતિ, એક કુળ તથા એક ભાષા વાળા વિશ્વની સ્થાપના થઈ શકે છે.
સમાચાર પત્રોમાં વારંવાર આતંકવાદીઓ ને શરણ ન આપવા માટે અમેરિકા દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. વિવિધ દેશોની સરકારો પણ પોતાના દેશમાં જે ભાગમાં આતંકીઓનો ભય છે તે અંગે નિષ્ણાતો તથા ગુપ્તચર વિભાગની સલાહ લઈને તે વિસ્તારો માં સલામતીના જરૂરી પગલા લે છે. પોલીસ તથા જરૂર પડે સેનાની પણ મદદ લે છે. ટીવી તથા અન્ય પ્રચાર માધ્યમો દ્વારા વારંવાર સાવધાની આપવામાં આવે છે. અપ્રિય ઘટનાઓ માટે માનસિક રીતે તૈયાર રહેવા ની અપીલ નાગરિકોને કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય અપરાધીઓને પકડવા માટે સરકારો બીજા દેશોની મદદ લે છે તથા અપરાધીઓને જીવતા કે મરેલા પકડી લાવવા માટે ઇનામ પણ જાહેર કરે છે.
અપરાધ નો ઇતિહાસ નવો નથી. આપણા દેશમાં પણ અગાઉ ડાકુઓના જૂથ હોતા હતા, જે ક્યારેક શહેરોમાં આવીને આતંક મચાવતા હતા અથવા જંગલોમાં રહીને વેપારીઓના કાફલાને લૂંટી લેતા હતા. આ ડાકુઓને પકડી લેનાર તથા સમર્પણ કરાવનાર વ્યક્તિઓને રાજાઓ દ્વારા મોટા મોટા ઇનામો તથા ઉપાધીઓ આપવામાં આવતી હતી.
અપરાધનો ઈતિહાસ જૂનો ભલે હોય પરંતુ તે કાયમનો નથી. આપણે એવું ન કહી શકીએ કે પહેલાના સમયથી અપરાધ થતા આવ્યા છે. સૃષ્ટિના શરૂઆતના સમય અંગે પ્રાચીન ભારતીય, મુસ્લિમ તથા ક્રિશ્ચિયન સાહિત્યમાં વર્ણન છે કે તે સમયે મનુષ્ય સૃષ્ટિ સ્વર્ગ હતી. તે સમયે સંપૂર્ણ સુખ, શાંતિ તથા પવિત્રતા હતી. તે દુનિયાને ખુદાનો બગીચો કહેવામાં આવે છે, જેને નષ્ટ કરવાનું કામ પાંચ વિકાર ( રાવણ ) કરે છે. ત્યારથી પુરુષોએ પરસેવો પાડી કમાવાનું શરૂ કરવું પડ્યું અને સ્ત્રીઓએ સંતાન પેદા કરવાનું દુઃખ સહન કરવાની સાથે પુરુષની દાસી બનીને રહેવું પડ્યું. ભારતીય વિદ્વાનોએ પણ આ સંબંધમાં મનજીતે- જગતજીત કહીને સાવધાની આપી. આ પણ મનને જીતવા પર મળવા વાળા ઇનામની જાહેરાત છે. દરેક કાર્ય નો આધાર મન છે પરંતુ એ પણ સત્ય છે કે મન દરેક સમયે ખોટું નથી વિચારતું. મનમાં તો સારા અને કલ્યાણકારી વિચાર પણ આવે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
કોલંબોઃ પત્ની સંજનાએ પ્રથમ સંતાન રૂપે પુત્રને જન્મ આપ્યો હોવાથી એમની પાસે રહેવા માટે વર્તમાન એશિયા કપમાંથી ટૂંકો બ્રેક લીધા બાદ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા પાછો આવી ગયો છે અને ભારતીય ટીમ સાથે ફરી જોડાઈ ગયો છે. હવે તે 10 સપ્ટેમ્બરે અહીંના પ્રેમદાસ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમાનાર સુપર-4 રાઉન્ડની મેચમાં રમી શકશે. આની સાથે જ, બીજા ખુશખબર એ છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ ભારત-પાકિસ્તાન વચ્ચેની આગામી મહત્ત્વની મેચ માટે એક અનામત દિવસ રાખવાની જાહેરાત કરી છે. આવતા રવિવારે કોલંબોમાં વરસાદ પડવાની 90 ટકા સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અહીં યાદ અપાવવાનું કે, ગઈ 2 સપ્ટેમ્બરે, ગ્રુપ સ્તરે રમાયેલી ભારત, પાકિસ્તાનની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
કોલંબોમાં હવામાન ઓચિંતું બદલાઈ જતું હોય છે. ધારો કે આવતા રવિવારની મેચમાં વરસાદ વિઘ્ન નાખશે તો મેચ જ્યાં અટકી હશે ત્યાંથી જ સોમવારે આગળ રમાડી શકાશે. ઉલ્લેખનીય છે કે, સુપર-4 રાઉન્ડની અન્ય મેચો માટે રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો નથી. કારણ કે તે મેચો ઉપરાછાપરી દિવસોએ રમાશે. ફાઈનલ માટે રિઝર્વ દિવસ રહેશે. રવિવારે પાકિસ્તાન સામેની મેચ બાદ 12 સપ્ટેમ્બરે કોલંબોમાં જ ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે. ત્રણ દિવસ બાદ – 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે થશે. 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન-શ્રીલંકા મેચ રમાશે અને 17મીએ ફાઈનલ મેચ રમાશે.
નવી દિલ્હીઃ માનવ પ્રેરિત જળવાયુ પરિવર્તનને લીધે વિશ્વની મોટા ભાગની વસતિએ જૂનથી ઓગસ્ટ, 2023ની વચ્ચે ઊંચા તાપમાનનો અનુભવ કર્યો, એમ ક્લાયમેટ ચેન્જના એક તાજા અભ્યાસમાં માલૂમ પડ્યું હતું. જોકે વર્ષ 2023માં ઉત્તરીય ગોળાર્ધ ભાગ સૌથી ગરમ રહ્યો હતો. ઉત્તરીય અમેરિકા અને દક્ષિણ યુરોપમાં ગરમી લાંબો સમય રહેવાને કારણે જંગલમાં આગ અને મૃત્યુદરમાં વધારો થયો હતો. એમાં પણ જુલાઈ સૌથી વધુ ગરમ રહ્યો હતો, જ્યારે ઓગસ્ટમાં પણ તાપમાન પ્રી-ઓદ્યૌગિત સ્તરથી 1.5 સેલ્સિયસ વધુ રહ્યું હતું, એમ US સ્થિત રિસર્ચ ગ્રુપનો ક્લાયમેટ સેન્ટ્રલનો અહેવાલ કહે છે.
આ વધેલા તાપમાનની અસર 180 દેશો અને 22 વિસ્તારો પર પડી હતી. વિશ્વની 98 ટકા ટકા વસતિએ -આશરે 7.95 અબજ લોકો છે, તેણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રદૂષણને કારણે ગરમીના તાપમાનનો અનુભવ કર્યો, જે અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી.આ ત્રણ મહિનામાં આશરે 6.2 અબજ લોકોએ કમસે કમ એક દિવસ એવે અનુભવ કર્યો હતો, જે જળવાયુ પરિવર્તનને કારણે વધુ બદતર થઈ ગઈ હતી. આ સિવાય 41 દેશોમાં આશરે 2.4 અબજ ડોલોએ 60થી વધુ દિવસો સુધી સરેરાશ વધુ તાપમાનનો સામનો કરવો પડ્યો હતો. ક્લાયમેટ સેન્ટ્રલમાં વિજ્ઞાનના ઉપાધ્યક્ષ ડો. એન્ડ્ર્યુ પર્શિગે કહ્યું હતું કે પૃથ્વી પર આશરે કોઈ પણ જણ છેલ્લા ત્રણ મહિનામાં ગ્લોબલ વોર્મિંગની અસરમાંથી બચી નથી શક્યું. સામાન્ય રીતે જ્યાં ઠંડી રહે છે, ત્યાં પણ આ વખતે વધુપડતી ગરમી જોવા મળી હતી, એમ તેમણે કહ્યું હતું.
આજથી બે વર્ષ પહેલાં હિંદી સિનેમાના સુપરસ્ટાર શાહરુખ ખાનના બેટા આર્યન ખાનની ડ્રગ્ઝના મામલે અરેસ્ટ થઈ. પચીસ દિવસ બાદ એ કાળકોટડીમાંથી બહાર આવ્યો. આ પચીસ દિવસ અને તે પછી શાહરુખના કાન ફાડી નાખતા મૌન વિશે, એણે દાખવેલી ગરિમા વિશે દેશઆખો ઈમ્પ્રેસ થયેલો. હવે એ પ્રકરણ ઓલમોસ્ટ બંધ થઈ ગયું છે, અને એ કેવળ એક તરકટ હતું એવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે શાહરુખને થયું, હવે (‘જવાન’માં) ડાયલોગ બોલવામાં વાંધો નહીં- “બેટે કો હાથ લગાને સે પેહલે બાપ સે બાત કર”. તો ફિલ્મની ક્લાઈમેક્સમાં એ લોકશાહી વિશે, વોટની તાકાત વિશે, દેશના નેતા બનવા ઈચ્છુકને સવાલો પૂછવા વિશે, જાત-પાત-ધરમને ઈગ્નોર કરવા વિશે એક મોનોલોગ પણ ઠપકારે છે. આપણને થાય કે, શું શાહરુખ 2024માં ચૂંટણીમાં ઊભો રહેવાનો છે કે?
ચાર સુપરહિટ તમિળ ફિલ્મ સર્જનાર ડિરેક્ટર ઍટલીની ‘જવાન’ ફિલ્મ નથી. બલકે ત્રણેક કલાકની વેબસિરીઝ છે. નાના નાના એક પછી એક એપિસોડ્સ આવતા જાય છે, યાદદાશ્ત ચાલી જવી, રોબિનહૂડ, લવસ્ટોરી, ખેડૂતોની આત્મહત્યા, મિલિટરીનું એક ખૂફિયા સશસ્ત્ર દળ, એ બહાદુર સિપાઈના જાન જોખમમા મૂકતાં અણીના સમયે ન ચાલતાં ફૉલ્ટી હથિયાર, દેશની માંદી સરકારી હૉસ્પિટલ, ઉફ્ફ… હાંફી જવાય.
-અને આ બધા એપિસોડ્સ-સીન્સ જોઈને થાય કે યાર, આ તો આપણે અનેક ફિલ્મમાં જોઈ ચૂક્યા છીએ. અને બધા એપિસોડમાં ઈમોશન એક જ છેઃ સરકાર સામે, સિસ્ટમ સામે ગુસ્સો ગુસ્સો ગુસ્સો. એક હીરો વિક્રમ રાઠોડ (શાહરુખ ખાન) મરવાની અણી પર છે, પણ ભારતની નૉર્ધર્ન સરહદ પર કોઈ એક ગામના અનુભવી વૈદ એને બચાવી લે છે. ભાનમાં આવ્યા પછી યાદદાશ્ત ગુમાવી દેનાર હીરો પૂછે છેઃ “મૈં કૌન હૂ”? પછી જ્યારે ગામ પર આફતનો પહાડ તૂટી પડે છે ત્યારે બચી ગયેલો હીરો ગામવાસીઓની વહારે આવે છે.
આ કહેવાતા ધમાકેદાર ઓપનિંગનાં 30 વર્ષ બાદ પ્રેક્ષક એક વિચિત્ર-ટાઈપના આઝાદ રાઠોડને (શાહરુખ ખાનને) જુવે છે. ટાલિયો, મજાકમસ્તી કરતો, સરકાર સામે સતત વ્યંગબાણ તાકતો આઝાદ વરસોવા-ઘાટકોપરની મેટ્રો ટ્રેનને હાઈજૅક કરે છે. આમાં એને સાથ આપે છે છ ફાયરબ્રાન્ડ માનુનિ (સાન્યા મલ્હોત્રા-પ્રિયમણિ, વગેરે). આમાંની અમુકની દર્દભરી દાસ્તાન છે. એ જ ટ્રેનમાં ટીનએજનર આલિયા છે, જે દુનિયાના ચોથા નંબરના શસ્ત્રના વેપારી કાલી ગાયકવાડ (વિજય સેતુપતિ, સુપર્બ)ની દીકરી છે. આ આઝાદ રાઠોડ ઍક્ચ્યુઅલી હાઈ-સિક્યોરિટીવાળી મહિલા જેલનો જેલર છે, પણ દેશની પ્રજાને ન્યાય અપાવવા એ ક્યારેક એથિકલ ટેરરિસ્ટ બની જાય છે. જેમ કે બૅન્કલોનના બોજ તળે દબાયેલા ગરીબ ખેડૂતોની લોન ભરપાઈ કરવા એણે મેટ્રો હાઈજૅક કરી છે. પવિત્ર ઉગ્રવાદી આઝાદની શરત છે કે એ વાટાઘાટ કરશે તો માત્ર ટોચની બહાદુર પોલીસ અફ્સર નર્મદા (નયનતારા) સાથે જ. અને નેગોશિયેશન્સ દરમિયાન આઝાદ એને એક હિંદી સિનેમાનું સોંગ ગાવા કહે છે…
ફિલ્મડિરેક્શનના પાઠ ‘જેન્ટલમૅન’, ‘નાયક’, ‘રોબો’ તથા ‘2.0’ જેવી ફિલ્મોના સર્જક એસ. શંકર પાસેથી ભણનાર ઍટલીની ખાસિયત છેઃ ક્યારેય એક ફિલ્મમાંથી લેવાનું નહીં. 3-4 ફિલ્મની વાર્તામાંથી એક વાર્તા બનાવવાની, તમિળ સુપરસ્ટાર (બહુધા વિજય) લેવાનો, અને મોટા કૅન્વાસ પર રજૂ કરવાની. મસ્સાલેદાર મનોરંજક ફિલ્મ બનાવવાની આ છે એની રેસિપી. આ પહેલાંની એની ચારેય ફિલ્મ- ‘મર્સેલ’, ‘બિગીલ’, ‘થેરી’, ‘રાજા રાની’ (કૉપીરાઈટના) વિવાદમાં સપડાઈ છે. એની મોટા ભાગની ફિલ્મો હીરોની મલ્ટિપલ આઈડેન્ટિટીવાળી છે. ‘મર્સીલ’માં ત્રણ વિજય હતા, ‘બિગીલ’માં બે.
હવે ‘જવાન’ની વાત કરીએ તો સરખાવો એને ‘આખરી રાસ્તા’ અને ‘શેહનશાહ’ સાથે. ‘જવાન’નો રોબિનહૂડ હીરો (જેલર શાહરુખ ખાન) સરકાર તથા માફિયા-ટાઈપ બિઝનેસમૅન (વિજય સેતુપતિ) પાસેથી અબજો રૂપિયા લઈને ગરીબ ખેડૂતોને આપે છે, જેમને અન્યાય થયો છે એમને ન્યાય અપાવે છે, સરકારી હેલ્થ સિસ્ટમ સુધારે છે. ટીનુ આનંદની ‘શહેનશાહ’માં અમિતાભનાં બે સ્વરૂપ છે. પાન ચાવતો કોમિક ઈન્સ્પેક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ અને પિતા (કાદર ખાન)ના મોત તથા એમની પર લાગેલા કરપ્ટ પુલીસ અફસરનો ડાઘ મિટાવવા નીકળેલો શેહનશાહ એટલે કે ઈન્સ્પેક્ટર વિજય, જે ઈન્સ્પેક્ટરનો યુનિફૉર્મ ઉતારી ગરીબ મઝલૂમોને ન્યાય અપાવે છે.
-અને ઓ હેલ્લો, જે લોકો જવાનના દિલધડક ઍક્શન સિક્વન્સીસની દુહાઈ દે છે એમને કહેવાનું કે વીએફએક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કળિયુગમાં આ બધું ટેબલ પર તૈયાર થાય છે. અલબત્ત, એવું નથી કે એ ચપટી વગાડતાં કે કમ્પ્યુટર પર અમુક કી-કમાન્ડ આપતાં બની જાય છે. એક્સપર્ટીઝ તો લાગે છે. ઍટલીને આ માટે માર્ક્સ આપવા પડેઃ એણે મૉડર્ન ટેક્નોલોજીની સાથે દેશની સળગતી સમસ્યા અને પાછલી ફિલ્મનું થોડું થોડું લઈને, શાહરુખ ખાન-વિજય સેતુપતિ-નયનતારા-સુનીલ ગ્રોવર (મહેમાન કલાકાર દીપિકા પદુકોણ), વગેરે સાથે મળીને મિડિયોકર, પણ મસાલેદાર-એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી. ફિલ્મ ઈન્ટરવલ પહેલાં ધમધમધમ ભાગે છે, પણ પછી લાં…બો ફ્લૅશબૅક ગતિ મંદ પાડે છે, પછી ફરી અચાનક દોડવા લાગે છે. અનિરુદ્ધ રવિચંદરે ઍક્શન સિક્વન્સીસને અનુરૂપ ઈમ્પ્રેસિવ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સર્જ્યું છે, પણ ગાયનોમાં કશોય ભલીવાર નથી.
ધી એન્ડઃ ટિપિકલ સાઉથ ઈન્ડિયન ફૉર્મ્યુલાથી બનાવેલી, લૉજિકથી કરોડો માઈલ દૂર, દર પાંચમી મિનિટ “અરે યાર, આવું તે કંઈ હોતું હશે”ની યાદ અપાવતી, તથા કોઈ પણ જાતની નૉવેલ્ટી વગરની ફિલ્મ જો તમારો ટેસ્ટ હોય અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ- શાહરુખ ખાનના ડાઈ હાર્ડ ફૅન હોવ તો જજો જોવા જવાન.
મુંબઈઃ અહીંના પવઈ વિસ્તારમાં રૂપલ ઓગ્રે નામની 24 વર્ષની એક તાલીમાર્થી એર હોસ્ટેસની હત્યા કરનાર આરોપી વિક્રમ અટવાલ (35)એ પોલીસ કોટડીમાં આત્મહત્યા કરી છે. આજે સવારે લગભગ સાડા છ વાગ્યાના સુમારે એણે પોતાના પેન્ટની મદદથી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
(ફાઈલ તસવીર)
વિક્રમ અંધેરી (પૂર્વ)ના મરોલ વિસ્તારની એન.જી. કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં હાઉસ કીપિંગનું કામ કરતો હતો. મૃતક રૂપલ એની બહેનનાં ઘરમાં રહેતી હતી. આરોપી એમને ત્યાં પણ કામ કરતો હતો. પરંતુ, એ દરમિયાન એને રૂપલ સાથે અનેક મુદ્દે સતત ઝઘડો થતો હતો. એને કારણે ગુસ્સામાં આવીને વિક્રમે ગળું ચીરીને રૂપલનું ખૂન કરી નાખ્યું હતું. એ દિવસે રૂપલની બહેન એનાં બોયફ્રેન્ડ સાથે ક્યાંક ફરવા ગઈ હતી. ખૂન કર્યા બાદ વિક્રમે લોહીથી ખરડાયેલા પોતાના કપડાં અને ખૂન કરવા માટે વાપરેલો છરો સોસાયટી નજીકના ઝાડીઝાંખરામાં ફેંકી દીધા હતા અને બાદમાં ફરાર થઈ ગયો હતો.
રૂપલ મૂળ છત્તીસગઢની રહેવાસી હતી. તે એર ઈન્ડિયામાં તાલીમ લેવા માટે મુંબઈ આવી હતી. વિક્રમ પરણેલો હતો અને એને બે દીકરી છે. એણે રૂપલનું ખૂન કયા કારણસર કર્યું હતું એની પોલીસ તપાસ કરતી હતી, પરંતુ હવે વિક્રમે આત્મહત્યા કરતાં રૂપલની હત્યાના ખરા કારણનું રહસ્ય વધારે ઘેરું બન્યું છે.
નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી G20 સમિટમાં 15 દ્વિપક્ષી બેઠક કરે એવી શક્યતા છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફ્રાંસનમા રાષ્ટ્રપ્રમુખ ઇમાન્યુઅલ મેક્રો સામેલ છે. બે દિવસીય શિખર સંમેલનમાં વૈશ્વિક મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવશે. શિખર સંમેલનમાં મુખ્ય અર્થતંત્રોવાળા ગ્રુપના G20ના નેતાઓ ભાગ લેશે અને જળવાયુ પરિવર્તન અને ગરીબી જેવી વિશ્વની કેટલીક ગંભીર સમસ્યાઓ પર ચર્ચા કરશે. આ દરમ્યાન યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ પર પણ ચર્ચા સંભવ છે.
G20 સભ્યોના મહેમાનોના આવવાનું શરૂ થઈ ગયું છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની ભારત પહોંચી ગયા છે. કૃષિ રાજ્ય મંત્રી શોભા કરંદલાજે તેમનું સ્વાગત કર્યું છે. આ સમિટમાં 19 દેશો અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ હાજરી આપશે. આ સિવાય નવ વધુ દેશોને સમિટમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. વડા પ્રધાન મોદી આ આશરે સભ્ય દેશોમાંથી મોટા ભાગના નેતાઓ સાથે દ્વિપક્ષી મંત્રણા કરશે.બ્રિટિશ પીએમ ઋષિ સુનક બપોરે 1.40 વાગ્યે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાંજે 6:55 વાગ્યે ભારત આવશે. G-20 સમિટ માટે 4 મોટા દેશોના 5 રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી પહોંચશે.
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ આજે સવારે ભારત આવી પહોંચ્યા હતા. તેમજ મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનૌથ અને નાઈજિરિયાના રાષ્ટ્રપતિ અહેમદ તિનુબુ પણ આવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ અહેમદ તિનુબુનું સ્વાગત મરાઠી ધૂન સાથે કરવામાં આવ્યું હતું. તેઓ G20માં ગેસ્ટ તરીકે સામેલ થવા પહોંચ્યા છે.
G20 સમિટનો એકમાત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ ભારતીય સંગીતના સમૃદ્ધ વારસા અને શક્તિને દર્શાવવા માટે ભારત સંગીત દર્શનમ કાર્યક્રમ હશે. ‘ગાંધર્વ ઓટોદ્યમ’ નામનો આ કાર્યક્રમ ત્રણ કલાકનો રહેશે. જેમાં હિન્દુસ્તાની સંગીત, કર્ણાટક સંગીત અને ભારતીય લોકસંગીતમાં વપરાતા તમામ પરંપરાગત વાદ્યોને એકસાથે રજૂ કરવામાં આવશે.
Welcome to Incredible India! 🙏✨
With its rich culture, vibrant heritage & unparalleled hospitality, 🇮🇳 stands united in a heartfelt embrace to host global leaders & delegates for the #G20 Summit.#G20Indiapic.twitter.com/5P8IqnKxiK
નવી દિલ્હીઃ G20 સમિટ માટે દિલ્હી તૈયાર છે. સમિટ સ્થળ –ભારત મંડપમમાં 9-10 સપ્ટેમ્બરે G20 મેગા ઇવેન્ટ થશે. આ સમિટમાં આવેલા દિગ્ગજોનું સ્વાગત પણ સામાન્ય રીતે નહીં પણ ખાસ થશે. કેટલીક નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સમિટમાં વિદેશની મહેમાનોનું AI સ્વાગત કરશે. AI એન્કર મહેમાનોને ભારતનો સ્વર્ણિમ ઇતિહાસ, લોક સંસ્કૃતિનું દર્શન કરાવશે.
AI એન્કર હોલોબોક્સમાં સાડી પહેરીને વિદેશી મહેમાનોનું સ્વાગત કરશે. એ સાથે ચહેરો ડિટેક્ટ કરીને બતાવશે કે તેઓ કયા દેશના છે અને શું નામ છે. 30 સેકન્ડમાં મધર ઓફ ડેમોક્રસી વિશે જણાવશે.
Get a sneak peek into the delegation offices at the #G20 Summit!
મોહનજોદડોની ડાન્સિંગ ગર્લ પાંચ ફૂટની હશે, જે સરસ્વતી સિંધુ સભ્યતાને બતાવશે. આ ડાન્સિંગ ગર્લને રામજી સુતારે તૈયાર કરી છે. એ રિસેપ્શન એરિયાની સામે રોટેશન પેનલ પર હશે. આ એક્ઝિબિશન કેવું હશે એ AI દ્વારા બતાવવામાં આવશે. આ એન્કર 16 ભાષાઓમાં વાત કરી શકશે, જેમાં હિન્દી, અંગ્રેજી, જાપાન, કોરિયન, ચીન, રશિયા, ટર્કી, એરેબિક ડચ, પોર્ટુગીઝ, બાંગ્લા અને ઇન્ડોનેશિયાની ભાષા સામેલ છે.
દરેક સવાલનો જવાબઆ એક્ઝબિશનનું એક વધુ આકર્ષણ ગીતા AI પણ છે. એક કિયોસ્ક છએ, જેમાં ભારતીય ધર્મ ગંર્થ ભગવદ ગીતા દ્વારા જીવનના ગૂઢ પ્રશ્નોનો ઉત્તર આપવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી મંત્રાલયે ભારત મંડપમમાં એ ડિજિટલ ઇન્ડિસાનો સંસાર વસાવ્યો છે.
આ ખાસ એક્ઝિબિશન 11 સપ્ટેમ્બર પછી સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 71 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,537 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,024 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,074 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 68 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 485 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 22,848 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.48 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,68,692 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 156 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ અત્રેના કાંદિવલી (વેસ્ટ)સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં જન્માષ્ટમી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાથમિક સ્તરના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બાળ ગોપાલ અને રાધા બનીને આવ્યાં હતાં. શાળામાં જાણે સાક્ષાત વૃંદાવન ખડું થયાનું, ગોકુળ અવતર્યું હોય એવું દ્રશ્ય સર્જાયું હતું.
ભગવાન શ્રી કૃષ્ણના જન્મની એક નાનકડી નાટિકા પણ દ્વારા બાળકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. એ દ્વારા એમને આપણા તહેવાર, ધર્મ અને સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. તદુપરાંત, બાળ ગોપાળનું પારણું સજાવીને, નૈવેદ્ય ધરીને બાળકો પાસે એ પારણું ઝુલાવડાવી હિંડોળાની ઝાંખી પણ કરાવવામાં આવી હતી. જેથી સહભાગી બાળકોનાં કૂણાં મનમાં આપણી સંસ્કૃતિનાં બીજ વાવી શકાય.
આ કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગનાં આચાર્યા કવિતાબહેન મારૂ, પૂર્વ પ્રાથમિક વિભાગનાં આચાર્યા મનીષાબહેન ભટનાગરનાં માર્ગદર્શન હેઠળ શિક્ષક મંડળે ઉત્સાહ અને આનંદપૂર્વક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.