Home Blog Page 2545

નૌકાદળના જવાનો કદાચ પરંપરાગત કુર્તા-પાયજામામાં દેખાશે

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળમાં હવે નવો અને પરંપરાગત ડ્રેસ કોડ લાગુ કરવામાં આવે એવી શક્યતા છે. અધિકારીઓ અને જવાનો જ્યારે ડાઈનિંગ રૂમ અને વોર્ડરૂમમાં હોય ત્યારે એમણે પરંપરાગત પહેરવેશમાં સજ્જ રહેવું પડે એવી શક્યતા છે.

હાલ દેશમાં ઈન્ડિયા વિરુદ્ધ ભારત ઝુંબેશ જોરમાં ચાલી રહી છે. દેશનું નામ ઈન્ડિયા બદલીને ભારત કરવામાં આવનાર છે એવી જોરદાર અટકળો ચાલી રહી છે. તે દરમિયાન, ભારતીય નૌકાદળના સૈનિકોને પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સજ્જ કરવાની મંજૂરી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. નૌકાદળની હાલમાં યોજાઈ ગયેલી ત્રણ-દિવસીય પરિષદ નિમિત્તે રાષ્ટ્રીય નાગરિક પોશાકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એ વસ્ત્રો સંરક્ષણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન અજય ભટ્ટ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં કુર્તા, પાયજામા, ફોર્મલ વેઈસ્ટકોટ્સ, ચુરીદાર પાયજામા અને બંધગળાના સૂટનો સમાવેશ થાય છે. આ પોશાક અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મુદ્દો હાલ સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

છેક બ્રિટિશ શાસનના સમયથી ભારતીય સેનાની ત્રણેય પાંખોમાં જવાનો અને અધિકારીઓને ભારતીય પરંપરાગત વસ્ત્રો પહેરવાની પરવાનગી નથી. સેનાના મેસ (સૈનિકોના ભોજનગૃહ), સંસ્થાઓ તથા વોર્ડરૂમમાં એમની સાથે કોઈ મહેમાનોને પણ ભારતીય વસ્ત્રો સાથે પ્રવેશ કરવા દેવાતો નથી. પરંતુ, હવે બ્રિટિશ હકૂમતના સમયની અને વેસ્ટર્ન સંસ્કૃતિને દૂર કરવા વિશે ભારતીય નૌકાદળમાં વિચારણા ચાલી રહી હોવાનું કહેવાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના આઝાદી દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી કરેલા રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં પણ પાંચ પ્રણનો ઉલ્લેખ કર્યો હતો. દેશને અંગ્રેજોની ગુલામગીરીની માનસિકતામાંથી આઝાદ કરવાના પોતે દ્રઢનિશ્ચયી છે એવું એમણે કહ્યું હતું. એમણે નૌકાદળના ધ્વજ પરથી બ્રિટિશ કાળના સેન્ટ જ્યોર્જ ક્રોસને કાઢીને શિવાજી મહારાજની રાજમુદ્રા ધરાવતા નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું.

G20 સમિટમાં વિશ્વને ભારતનો ‘વસુધૈવ કુટુંબકમ’નો સંદેશ

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી મજબૂત વૈશ્વિક ગ્રુપ G20ના શિખર સંમેલનનું આયોજન 9-10 સપ્ટેમ્બરે દિલ્હીમાં થવાનું છે. આ સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો. બાઇડન, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રો, જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્જ, જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા, બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક, ચીનના વડા પ્રધાન લી ક્યાંગ, રશિયાના વિદેશપ્રધાન લાવરોવ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓ જેવા મોટા નેતાઓ સામેલ છે.

આ આયોજનને લઈને મોટા ભાગની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. ભારતની યજમાનીમાં આયોજિત 18મી G20ની આ વર્ષે સામૂહિક થિમ ‘વસુધૈવ કુટુંબકમ’ એટલે કે પૃથ્વી એક પરિવાર છે. આ થિમ મુજબ ભારતના પ્રયાસ છે કે એક વિશ્વ, એક પરિવારને આધારે દેશોની સમસ્યાઓનું સમાધાન આ મંચથી કાઢવાના પ્રયાસ કરવામાં આવે.G20 સભ્ય દેશોની વચ્ચે ખુલ્લા મને વાતચીતને પ્રોત્સાહન આપવાની તરફેણ કરે છે. આ સભ્ય દેશોને કોઈ પણ સમસ્યા કૂટનીતિ દ્વારા ઉકેલવા પ્રોત્સાહન આપે છે. આર્થિક સ્થિતિને સ્પષ્ટ રૂપે મજબૂત કરવા પર ભાર આપે છે. આ મંચ અલગ-અલગ પૃષ્ઠભૂમિના નેતાઓ વૈશ્વિક પ્રાથમિકતા નક્કી કરવાના પ્રયાસ કરે છે.

ભારત દ્વારા આયોજિત થઈ રહેલી G20ની 18મી સભ્ય દેશો વૈશ્વિ અર્થતંત્ર, નાણાકીય, વ્યવસાય, મૂડીરોકાણ, જળવાયુ પરિવર્તન સહિત અનેક જરૂરી મુદ્દાઓ પર વિચારવિમર્શ કરશે. આ સાથે સભ્ય દેશો દિલ્હી સમિટમાં નિર્માણ, ફન્ડિંગ ગેપને ઓછો કરવા, રોજગારીની તકો વધારવા, વિકાસ અને સમાવેશી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા સાથે અનેક મુદ્દાઓ પર નક્કર વ્યૂહરચનાનું એલાન કરે એવી શક્યતા છે.

 

 

 

 

 

આ છે વિશ્વના એવા દેશો જેમણે બદલ્યા છે પોતાના નામ

સમગ્ર દેશમાં ઇન્ડિયાનું નામ બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બીજેપી સાંસદ હરનાથ સિંહ યાદવે માંગ કરી છે કે બંધારણમાં ઇન્ડિયાના બદલે ભારત શબ્દનો ઉપયોગ થવો જોઈએ. બીજી બાજુ ઇન્ડિયાના બદલે સરકાર ભારત નામને લઈને સંસદના વિશેષ સત્રમાં બિલ પણ રજૂ કરી શકે છે. હવે ઇન્ડિયાનું નામ બદલયા છે કે નહીં એ તો ભવિષ્યની વાત છે પરંતુ આપણે વાત કરવી છે એવા દેશોની જેમણે પોતાના નામ બદલ્યા છે.

તુર્કી

તુર્કી હવે તુર્કીયે તરીકે ઓળખાય છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને તાજેતરમાં દેશનું આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત નામ બદલીને તુર્કીયે કરવાની જાહેરાત કરી છે. કારણ કે તુર્કીયે શબ્દ તુર્કી રાષ્ટ્રની સંસ્કૃતિ, સભ્યતા અને મૂલ્યોને શ્રેષ્ઠ રીતે પ્રતિબિંબિત કરે છે.

બોત્સવાના

બોત્સવા નામ દેશના સૌથી મોટા વંશીય જૂથ ત્વાનાના નામ પરથી રાખવામાં આવ્યું છે. માર્ચ 1885માં બ્રિટનને સત્તાવાર રીતે બોત્સવાના બેચુયાનાલેન્ડ નામ આપ્યું. પરંતુ 30 સપ્ટેમ્બર 1966ના રોજ દેશ આઝાદ થયો ત્યારે દેશનું નામ બોત્સવાના રાખવામાં આવ્યું હતું.

શ્રીલંકા

શ્રીલંકા બ્રિટિશ શાસન હેઠળ 1815 થી 1948 સુધી સિલોન તરીકે જાણીતું હતું. 20મી સદીની શરૂઆત પછી જ્યારે સ્વતંત્રતા ચળવળ તેજ થઈ ત્યારે દેશનું નામ શ્રીલંકા રાખવાની માંગે પણ વેગ પકડ્યો. આ પછી વર્ષ 1972માં દેશને સત્તાવાર રીતે શ્રીલંકાનું રિપબ્લિક નામ આપવામાં આવ્યું. જેને 1978 માં ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઓફ શ્રીલંકા કરવામાં આવ્યું.

જોર્ડન

જ્યારે મધ્ય પૂર્વનો દેશ જોર્ડન બ્રિટન હેઠળ હતો ત્યારે એનું નામ ટ્રાન્સજોર્ડન હતું. એને 1946માં આઝાદી મળી અને 1949માં દેશનું નામ બદલીને જોર્ડનનું હાશેમાઈટ કિંગડમ રાખવામાં આવ્યું.

ઇથોપિયા

ઇથોપિયાના ઉત્તરીય ભાગ પર અગાઉ એબિસિનિયન સામ્રાજ્યનું શાસન હતું. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રાજા હેઇલ સેલાસીએ દેશનું નામ એબિસિનિયાથી બદલીને ઇથોપિયા કરી દીધું.

મ્યાનમાર

મ્યાનમારને પહેલા બર્મા કહેવામાં આવતું હતું. સૈન્ય સરકારે 1989માં દેશનું નામ બદલીને મ્યાનમાર રાખ્યું. ફ્રાન્સ અને જાપાને આ નામ સ્વીકાર્યું. પરંતુ અમેરિકા અને બ્રિટને લાંબા સમય સુધી બર્મા નામનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું.

હોલેન્ડ (નેધરલેન્ડ)

વર્ષ 2020માં હોલેન્ડની સરકારે દેશનું નામ બદલીને નેધરલેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. આ દેશના બે પ્રદેશો છે દક્ષિણ હોલેન્ડ અને ઉત્તર હોલેન્ડ.

ચેક ગણરાજ્ય (ચેકિયા)

એપ્રિલ 2016થી ચેક ગણરાજ્ય ચેકિયા તરીકે જાણીતું બન્યું. એ મધ્ય યુરોપમાં એક દેશ છે જે અગાઉ બોહેમિયા તરીકે પણ ઓળખાતો હતો.

ઈરાન

માર્ચ 1935 પહેલા ઈરાનનું નામ પર્શિયા હતું. વર્ષ 1935માં અહીંની સરકારે એમની સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા દેશોને એમના દેશને ઈરાન તરીકે સંબોધવા કહ્યું હતું.

સિયામ (થાઇલેન્ડ)

વર્ષ 1939માં સિયામનું નામ બદલીને થાઈલેન્ડ કરવામાં આવ્યું હતું. એ સમયે રાજાશાહી હતી. સ્થાનિક ભાષામાં એને ‘PRATHET THAI’ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે ‘મુક્ત લોકોનો દેશ’.

કોલંબોમાં ભારત, પાકિસ્તાનની 10 સપ્ટેમ્બરની મેચમાં વરસાદની શક્યતા

કોલંબોઃ એશિયા કપ 2023માં ગ્રુપ સ્ટેજ પૂરું થઈ ચૂક્યું છે. હવે સુપર-ચારમાં ભારત, પાકિસ્તાન, બંગલાદેશ અને શ્રીલંકાની ટીમે જગ્યા બનાવી છે. સુપર-ચારમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે કોલંબોના કેઆર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે, પરંતુ આ મેચ પર વરસાદનું જોખમ છે. આ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. હવામાન વિભાગના અહેવાલ મુજબ વરસાદની સંભાવના 90 ટકા છે.

એ સાથે  તેજ પવન ફૂંકાવાની અને 45 ટકા ચાન્સ વંટોળ આવવાની શક્યતા છે. જોકે આ મેચને હમ્બનટોટામાં શિફ્ટ કરવાની ચર્ચા-વિચારણા હતી, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપની સુપર ચાર મેચો અને ફાઇનલ મેચોને કોલંબોમાં જ રમાડવા વિશે નિર્ણય કર્યો હતો. આ સ્ટેડિયમમાં રાત્રે વરસાદ થવાની સંભાવના 80 ટકા છે, જ્યારે ભેજ 89 ટકા રહેવાની શક્યતા છે. વળી-રાત્રિ-દિવસે વાદળો છવાયેલાં રહેવાની સંભાવના છે. 

એશિયા કપની સુપર-ચારમાં કુલ છ મેચો રમાશે, જેમાં પાકિસ્તાન અને બંગલાદેશની વચ્ચે છઠ્ઠી સપ્ટેમ્બરે લાહોરમાં રમાશે, જ્યારે અન્ય બાકીની મેચો કોલંબોમાં જ રમાશે, જેમાં ફાઇનલ પણ સામેલ છે.

એશિયા કપ 2023માં લીગ સ્ટેજમાં ભારતીય ટીમની પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ હતી, જે વરસાદના કારણે રદ થઈ હતી. જયારે બીજી મેચમાં ભારતે નેપાળ વિરુદ્ધ ડકવર્થ લુઇસ નિયમ અનુસાર 10 વિકેટથી જીત મેળવી હતી. આ જીત સાથે જ ભારત સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગયું હતું. ભારતીય ટીમની ટક્કર 10 સપ્ટેમ્બરે ફરી પાકિસ્તાન સાથે થશે. ત્યાર બાદ 12 સપ્ટેમ્બરે ભારત-શ્રીલંકા સામસામે હશે. ભારતીય ટીમ સુપર-4ની અંતિમ મેચ 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે.

 

 

 

 

ભારત ‘ઈન્ડિયા’ નામ છોડે તો પાકિસ્તાન એને માટે દાવો કરી શકે?

મુંબઈઃ દેશનું નામ ‘ઈન્ડિયા’ બદલીને ‘ભારત’ કરવાની ચર્ચા ચાલુ છે. ભારતના બંધારણની કલમ ૧માં ભલે બેઉ નામ વાપરવામાં આવે છે, પરંતુ આ મુદ્દો ફરીથી ચર્ચાસ્પદ થયો છે. બંધારણની કલમ ૧માં લખ્યું છે કે, ‘ઈન્ડિયા એટલે કે ભારત, જે રાજ્યોનો સમૂહ હશે.’ બંધારણમાંથી ‘ઈન્ડિયા’ શબ્દ હટાવી દઈને માત્ર ‘ભારત’નો જ ઉલ્લેખ કરવાની માગણી કરતી એક અરજીને 2020ના જૂન મહિનામાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. પરંતુ હવે એ જ માગણી ફરી કરવામાં આવી છે.

પાકિસ્તાન કઈ રીતે કરી શકે ‘ઈન્ડિયા’ નામ પર દાવો?

આ પ્રકરણ માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી. કહેવાય છે કે, જો ભારત ઈન્ડિયા શબ્દનો ત્યાગ કરશે તો પડોશી દેશ પાકિસ્તાન એ નામ પર દાવો કરી શકે છે. ‘સાઉથ એશિયા ઈન્ડેક્સ’ નામના એક ટ્વિટર હેન્ડલે પાકિસ્તાની મીડિયાનો હવાલો આપીને લખ્યું છે કે, ‘જો ભારત સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સ્તરે પોતાનું ઈન્ડિયા નામ સત્તાવાર રીતે છોડશે તો પાકિસ્તાન ઈન્ડિયા નામ પર દાવો કરી શકે છે. પાકિસ્તાનના રાષ્ટ્રવાદી લોકો છેલ્લા અનેક વર્ષોથી એવો તર્ક રજૂ કરી રહ્યા છે કે ઈન્ડિયા નામ પર પાકિસ્તાનનો અધિકાર છે, કારણ કે આ શબ્દ પાકિસ્તાનના સિંધુ ક્ષેત્ર (ઈન્ડસ રીજન)માંથી ઉત્પન્ન થયો છે.’

ભારતને આઝાદી મળી એ પછી એક મહિના બાદ, એટલે કે સપ્ટેમ્બર, 1947માં ભારતના પહેલા વાઈસરોય લુઈસ માઉન્ટબેટને પાકિસ્તાનના સર્જક મોહમ્મદ અલી જિન્નાને ડોમિનિયન્સ ઓફ ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન નામક એક કલા પ્રદર્શનમાં હાજર રહેવા માટે માનદ્દ અધ્યક્ષપદ માટે આમંત્રિત કર્યા હતા. તે નિમંત્રણ પત્રિકામાં હિન્દુસ્તાનને બદલે ઈન્ડિયા શબ્દનો ઉપયોગ કરાયો હતો. એ વખતે જિન્નાહે તે નામ પર આક્ષેપ કર્યો હતો. એમણે માઉન્ટબેટનને પત્ર લખીને કહ્યું હતું કે આ બહુ જ કમનસીબ છે કે કોઈક રહસ્યમય કારણને લીધે હિન્દુસ્તાને ઈન્ડિયા શબ્દ સ્વીકાર્યો છે, જે ચોક્કસપણે ગૂંચવણ પેદા કરનારું છે.

ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીમાં યોજાનાર આગામી G20 શિખર સંમેલન માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી મોકલવામાં આવેલી નિમંત્રણ પત્રિકા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ‘પ્રેસિડન્ટ ઓફ ભારત’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. એને કારણે ભારતમાં રાજકીય ઉહાપોહ મચી ગયો છે. વિરોધપક્ષોએ આક્ષેપ કર્યો છે કે મોદી સરકાર દેશના બે નામમાંથી ઈન્ડિયા શબ્દ કાઢવાનો પ્રયત્ન કરી રહી છે.

USના લુઇસવિલે શહેરમાં ત્રીજી સપ્ટેમ્બર ‘સનાતન ધર્મ દિવસ’ ઘોષિત

નવી દિલ્હીઃ તામિલનાડુના CM એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિના સનાતન પરના વિવાદિત નિવેદન પછી ભારતમાં વિરોધનો વંટોળ ઊઠ્યો હતો. જોકે અમેરિકાના લુઇસવિલે (કેન્ટકી) શહેરમાં મેયરે ત્રીજી સપ્ટેમ્બરે ‘સનાતન ધર્મ દિવસ’ ઘોષિત કર્યો છે.

લુઇસવિલેમાં હિન્દુ મંદિરમાં મહાકુંભ અભિષેકમ ઉત્સવ દરમ્યાન મેયર ક્રેગ ગ્રીનબર્ગ તરફથી ડેપ્યુટી મેયર બાર્બરા સેક્સ્ટન સ્મિથે ત્રીજી સપ્ટેમ્બરે ‘સનાતન ધર્મ દિવસ’ તરીકે ઊજવવાનું સત્તાવાર એલાન કર્યું હતું.

તામિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન હાલમાં જ સનાતન ઉન્મૂલન સંમેલનમાં સામેલ થયા હતા. તેમણે એ દરમ્યાન કહ્યું હતું કે સનાતનનો માત્ર વિરોધ ના કરવો જોઈએ, પણ એને ખતમ કરી દેવો જોઈએ. આપણે ડેંગ્યુ, મચ્છર, મલેરિયા અને કોરોનાનો વિરોધ નથી કરી શકતા. આપણે એને નાબૂદ કરવો જોઈએ. આ રીતે આપણે સનાતનને પણ નાબૂદ કરવો જોઈએ.

તેમણે કહ્યું હતું કે સનાતન શું છે? એ સંસ્કૃત ભાષાથી આવેલો શબ્દ છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ હોવા સિવાય કંઈ નથી. સનાતન વિશે શો અભિપ્રાય છે? એ શાશ્વત છે, જેને બદલી નથી શકાતું. કોઈ સવાલ નથી કરી શકતું અને એ જ એનો અર્થ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સનાતને લોકોને જાતિઓને આધારે વહેંચ્યો છે.

સ્ટાલિનના પુત્રના નિવેદન પર ભાજપે INDIA ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે વિપક્ષના ગઠબંધનમાં સામેલ પાર્ટીઓ પર મતબેન્ક અને તુષ્ટિકરણના રાજકારણ માટે સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

 

 

 

 

 

 

‘ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના’માં શોર્ટકટ રસ્તો બનાવનાર બેની ધરપકડ

બીજિંગઃ વિશ્વભરમાં જાણીતી અને ચીનમાં આવેલી ‘ધ ગ્રેટ વોલ ઓફ ચીન’ને નામે ઓળખાતી દીવાલને નુકસાન પહોંચાડવાના ગુનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને લોકોએ મધ્ય શાંક્સી પ્રાંતમાં ચીનની દીવાલના એક ભાગને ગંભીર રૂપે ક્ષતિ પહોંચાડી હતી.

પોલીસનું કહેવું છે કે બે લોકોએ પોતાના બાંધકામ કાર્ય માટે શોર્ટકટ રસ્તો બનાવવાના પ્રયાસ કર્યા હોવાની આશંકા છે. આલ આ બંને જણની ધરપકડ કરવામાં આવી ને આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે કહ્યું હતું.

પોલીસે કહ્યું હતું કે તેમને 24 ઓગસ્ટે એક સૂચના મળી હતી કે યાંગકિયાન્હે ટાઉનશિપમાં દીવાલમાં એક કાણું પડી ગયું છે. તપાસ પછી પોલીસને માલૂમ પડ્યું હતું કે એક 38 વર્ષીય પુરુષ અને 55 વર્ષીય મહિલાએ દીવાલ તોડવા માટે ખોદકામ માટેના મશીનનો ઉપયોગ કર્યો હતો, જેથી ત્યાંથી પસાર થવા માટે શોર્ટકટ બનાવી શકાય.

‘ધ ગ્રેટ વોલ ઓફ ચીન’ને વિસ્વની સૌથી લાંબી દીવાલ હોવાનો દરજ્જો હાંસલ છે. એને ચીને 2241 વર્ષ પહેલાં બનાવી હતી. એને અનેક સમ્રાટોએ મળીને દેશની સુરક્ષા માટે બનાવી હતી. ચીનની એક બાજુ પ્રશાંત મહાસાગર છે અને બીજી તરફ તિબેટ છે, પણ ઉત્તરી વિસ્તારમાં શત્રુઓથી સુરક્ષા કરવ માટે કુદરતી અડચણો ન હોવાને કારણે આ દીવાલ બનાવવામાં આવી હતી. આ દીવાલને બનાવવા માટે ઇંટ, પથ્થર અને ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરેટેજ સાઇટ પર આ દીવાલને ‘ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના‘ નામ આપ્યું છે.

 

 

કોરાનાના 66 નવા કેસો, એકનું મોત       

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 66 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,466 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,024 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,64,951 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 68 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 491એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 32,420 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.48 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,68,385 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 142 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સ્થિર સરકારે દુનિયાના દેશો સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવ્યા છેઃ મોદી

મુંબઈઃ ‘મનીકન્ટ્રોલ’ પોર્ટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ લીધો છે. તે મુલાકાતમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા હતા અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. એમણે કહ્યું, 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય જનતાને આપેલા વચન વિશેનો હતો, તો 2019ની ચૂંટણીનો વિજય છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ સરકારના પરફોર્મન્સ અને ભવિષ્ય માટે સરકારે ઘડેલી યોજનાઓ પર આધારિત હતો.

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે જી-20 દેશોના વડાઓનું બે-દિવસીય શિખર સંમેલન યોજાઈ રહ્યું છે તે પૂર્વે આપેલી આ મુલાકાતમાં પીએમ મોદીએ દેશની સ્થિર કેન્દ્ર સરકાર અને વિશ્વના દેશો સાથે ભારતના સંબંધોની મજબૂતી વચ્ચે સંબંધ હોવાનું જણાવ્યું છે. એમણે કહ્યું, દુનિયાના અનેક દેશો સાથે અનેક ક્ષેત્રોમાં ભારતના સંબંધ વધારે મજબૂત બન્યા છે. રાજકીય સ્તરે દાયકાઓથી ચાલી રહેલી અસ્થિરતા બાદ 2014માં દેશની જનતાએ એક સ્થિર સરકારને વોટ આપ્યો હતો, જેની પાસે વિકાસનો સ્પષ્ટ એજન્ડા હતો.

આ વર્ષના અંતભાગમાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આવતા વર્ષના એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી નિર્ધારિત છે ત્યારે વડા પ્રધાને કહ્યું કે આર્થિક રીતે બેજવાબદાર હોય એવી નીતિઓના અમલથી બચવું પડશે. આપણા દેશમાં પણ એવા અનેક મંચ છે, જ્યાં આપણે એવી આર્થિક નીતિઓ સામે ચેતવાની જરૂર છે જે બેજવાબદાર હોય. એવી નીતિઓની લાંબા સમયની અસરો દેશના અર્થતંત્રને જ નહીં, પણ સમાજને પણ નષ્ટ કરે છે. એની કિંમત ગરીબ લોકોને ચૂકવવી પડે છે.

બાયોપિક ફિલ્મમાં સૌરવ ગાંગુલીનો રોલઃ રણબીર આઉટ, આયુષ્માન ઈન

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીના જીવન પર આધારિત ફિલ્મ બનાવાશે એવા અહેવાલો છેલ્લા કેટલાક વખતથી વાંચવા મળે છે. અગાઉ એવો અહેવાલ હતો કે ફિલ્મમાં ગાંગુલીનું પાત્ર રણબીર કપૂર ભજવશે, પરંતુ હવે એવું લાગે છે કે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના આ હિરોની જગ્યાએ બીજાની પસંદગી કરવામાં આવી છે.

એવી અફવા છે કે ગાંગુલીના પાત્ર માટે આયુષ્માન ખુરાનાને કરારબદ્ધ કરવામાં આવ્યો છે. ‘અંધાધૂંધ’ ફિલ્મના હિરો આયુષ્માનને જ્યારે ‘પિન્કવિલા’ પોર્ટલ દ્વારા આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું, હાલને તબક્કે હું કંઈ કહી શકું એમ નથી. સમય આવ્યે અમે સત્તાવાર જાહેરાત કરીશું.’ આયુષ્માનના આ જવાબથી સ્પષ્ટ થાય છે કે એણે રોલ મેળવી લીધો છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતભાગમાં શરૂ થવાની ધારણા છે. આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ 2’ હાલમાં જ રિલીઝ થઈ હતી. અગાઉ એવો અહેવાલ હતો કે અંકુર ગર્ગ અને લવ રંજન નામના બે દિગ્દર્શક તથા નિર્માતાઓએ કોલકાતામાં સૌરવ ગાંગુલીને મળીને એમના જીવન પરથી એક હિન્દી ફિલ્મ બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો. એ વિશે તેમની વચ્ચે વિગતવાર ચર્ચા પણ થઈ હતી. બંને દિગ્દર્શકે ગાંગુલીના જીવનને લગતી અનેક ઘટનાઓ રેકોર્ડ પણ કરી હતી. કહેવાય છે કે ફિલ્મની પટકથા લખાઈ ગઈ છે.