Home Blog Page 2565

હવે ફરાળમાં પણ ફ્યૂજન..

આ વર્ષે ભક્તો માટે બે મહિના શ્રાવણ ના આવ્યા છે એક અધિક શ્રાવણ માસ અને દર વર્ષે આવતો પવિત્ર શ્રાવણ. કેટલાક ભકતો એકટાંણુ જમે, કેટલાક ફક્ત ફરાળ પર જ આખોય શ્રાવણ ભજે.

ઉપવાસ અને ફરાળમાં પણ મોર્ડનાઈઝેશન

ભૂખે ભજન ના થાય એટલે કાંઈક આરોગવું પડે એટલે પહેલાં ફરાળની વાત આવે એટલે સુકી ભાજી , રાજગરાનો સીરો પુરી, મોરૈયો અને બફ વડા સુધી ફરાળ સિમિત હતું. પણ હવે શ્રાવણ ના ઉપવાસ અને ફરાળમાં પણ મોર્ડનાઈઝેશન થયું છે. બદલાતા સમય સાથે ફરાળી વાનગીઓ પણ અપગ્રેડ બની છે. ઇન્ટરનેશનલ વિખ્યાત ફૂડ આઈટમોનું પણ ફરાળી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મન્ચુરિયન, પાસ્તા, મોમોઝ, નુડલ્સથી લઈને પિત્ઝા પણ હવે ફરાળી સ્વરૂપે વેચાતા થયા છે. જ્યારે બીજુ બાજુ આજે પણ હોમ મેડ ફરાળનું ચલણ પણ સતત વધતું જાય છે.

ફાસ્ટફૂડે હવે ફરાળનું સ્વરૂપ લીધું

યંગ જનરેશનને ઉપવાસ કરી ભક્તિમય બનવું છે..પરંતુ કેટલાક ને એક દિવસ પણ સ્વાદિષ્ટ વાનગીઓ વગર ચાલતું નથી. માટે જ સામાન્ય દિવસોમાં મળતા ફાસ્ટફૂડે હવે ફરાળનું સ્વરૂપ લીધું છે. આ શબ્દો છે બદલાતા ટ્રેન્ડ બાબતે અમદાવાદના ફૂડ એક્સપર્ટ દિવ્યા દિપક ઠક્કરના. ચિત્રલેખા.કોમને કહે છે, યંગસ્ટર્સ શિવજી પ્રત્યે પોતાની ભક્તિ પ્રગટ કરવા આખો શ્રાવણ માસ પ્રયાસ કરે છે. પરંતુ એમને જૂના ઢબની ફરાળી આઈટમો આરોગવી થોડી મુશ્કેલ લાગે છે. આવા યુવાનો માટે જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ફરાળ માર્કેટમાં આવ્યા છે. હું તમામ પ્રકારના ફરાળી ફૂડ બનાવું છું, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખું છે કે એ હેલ્ધી હોય. જેમ કે ફરાળી મન્યુરિયનમાં દૂધી, સુરણ, રાજગરા, શિંગોડા અને આરાના લોટના ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મોમોઝ આજકાલ યુવાનોનું ફેવરીટ વ્યંજન છે, પછી એ ઉપવાસમાં કેમ પાછળ રહી જાય. આમ તો મોમોઝ મેંદાના લોટ બને છે. પરંતુ ફરાળ માટે મેંદાની જગ્યાએ ફરાળી લોટ, બાફેલા બટેકા અને શેકેલા સીંગદાળાનો ઉપયોગ કરવામાં આવે છે. ફરાળી નૂડલ્સમાં ટામેટા, સાબુદાણાની ચકરી હોય છે. અને એને મસાલા નાખી મજેદાર બનાવાય છે. ફરાળી પાસ્તા પણ યંગસ્ટર્સ ઉપવાસમાં ખાઈ રહ્યા છે. પાસ્તા સમગ્ર વિશ્વમાં ફેમસ ફાસ્ટ ફૂડ છે. એના ફરાળી વર્ઝનમાં બટેટા અને સાબુદાણાની ડ્રાય વેફર સળી હોય છે.

બેસ્ટ તો ફરાળી થાળી જ..

ફરાળી ફૂડ વિશે વધૂ વાત કરતા દેવલ વ્યાસ કહે છે, માર્કેટમાં ફરાળી ફૂડમાં અનેક નવી વેરાયટી આવી છે. પરંતુ મારું માનવું છે કે બેસ્ટ તો ફરાળી થાળી છે. જેમાં ફરાળી થેપલા, ફરાળી લોટના ઢોકળા , કઢી, મૌરેયાનો મસાલાવાળો ઉપમા, અંજીર ડ્રાયફૂટની ખીર, બટાકા- કોઠમીરની સુકીભાજી, વગેરે છે. આ ઉપરાંત પણ યુવાનોમાં સેન્ડવીચ, સ્પ્રીંગરોલ, કોકોનેટ હલવો, રાજગરાના પરાઠા, કોઠમીરના થેપલા ફેવરીટ છે.

ઉપવાસમાં જો ગમે તે ફૂડ ખાવામાં આવે તો શરીરને નુકશાન થાય છે. પરંતુ મોરૈયો, રાજગરો, શીંગોડાનો લોટ, શ્રીફળ (કોકોનેટ) બધાની અંદર ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન્સ, પ્રોટીન, મીનરલ્સ, આયર્ન હોય છે. આ ઉપરાંત હેલ્થ માટે કોથમીર પણ ઘણી સારી છે.

ફરાળી વાનગીઓ ના બજાર મોડી રાત સુધી ચાલે છે

અમદાવાદ શહેરમાં ફરાળી વાનગીઓ અને ફરસાણના બજાર મોડી રાત સુધી ચાલે છે. લોકો અવનવી ફરાળી વાનગીઓનો ચટાકો માણે છે. મણીનગરના ફરસાણના વેપારી રસીકભાઇ માલપાણી ચિત્રલેખા.કોમને કહે છે, હવે ગુજરાતમાં જેટલી નોન-ફરાળી વાનગીઓ બને છે એટલી જ ફરાળી વાનગીઓ પણ બને છે, પીત્ઝા, બર્ગર અને દાબેલી પણ આ રેસમાં છે. જૂના સમયમાં ફરાળમાં ફળો ખવાતા, પછી મૌરેયો, રાજગરો, શીંગોડાનો લોટ, સાબુદાણા, બટેટા, શક્કરિયા, રતાળુ, સુરણનું આગમાન થયું અને હવે આ બધાથી અવનવી ફરાળી વાનગી બની રહી છે. અમારા ત્યાં ગરમાગરમ બફવડા, પેટિસ, ઢોકળા, ઢોંસા, રાજગરાના ગોટો, પુલાવ અને ભેળ જેવી અનેક ફરાળી વાનગીઓ બને છે. જ્યારે સુકા ફરાળમાં લીલો ચેવડો, સાબુદાણાનો ચેવડો, ફરારી વડા, ફુલવડી, અને કેળાની વેફરનું ધૂમ વેચાણ થાય છે.

આ વર્ષે ઉપવાસ ના બે મહિના આવતા હોવાથી ફૂડ સ્ટોલ, રેસ્ટોરન્ટ અને હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો પહેલેથી જ સજ્જ થઈ ગયા હતા. મોટા ભાગના ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોની હાટડી દુકાન ફરસાણ સ્વિટ માર્ટ કે રેસ્ટોરન્ટ પર ફરાળની વિવિધ વાનગીઓ ના બેનર્સ બોર્ડ લખાણો જોવા મળી રહ્યા છે. ભક્તોના ઉપવાસમાં પેટપુજા માટે હવે ફરાળ માં પણ ફ્યુજન જોવા મળી રહ્યું છે.

પ્રજ્ઞેશ વ્યાસ

મતદારોને ફ્રીમાં રેવડીઓઃ રાજ્યો વધુ લોન લેવા મજબૂર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને અપેક્ષા છે કે મોટા ભાગની રાજ્ય સરકારો નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે બજારમાંથી ઉધાર લેશે. રાજ્ય સરકારો વર્ષ 2023-24માં વિના કોઈ શરતે 3.5 ટકા સુધી ઉધાર લેવાની લિમિટનો ઉપયોગ કરી શકે છે. રાજ્ય સરકારો મતદારોને આકર્ષવા માટે અનેક ચીજવસ્તુઓને મફતમાં આપવાનાં ચૂંટણી વચનો આપે છે. સ્ટેટ ડેવલપમેન્ટ લોનનો ઉપયોગ કરવામાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ અને પંજાબ સૌથી આગળ રહેવાની અપેક્ષા છે.FY23માં રાજ્યોએ લીધી 7.58 લાખ કરોડની લોન

પાછલા નાણાકીય વર્ષમાં રાજ્યોએ આશરે રૂ. 7.58 લાખ કરોડ ઉધાર લીધા છે. એ વર્ષ 2021-22ના રૂ. 7.01 લાખ કરોડથી વધુ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ઇકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટના એક અહેવાલ મુજબ વર્ષ 2023-24માં રાજ્ય સરકારો બજારમાંથી રૂ. 8.2 લાખ કરોડ ઉધાર લે એવી શક્યતા છે. રાજ્ય સરકારો જોકે આ ઉધારી માટે કેન્દ્રથી મળનારા GSTના વળતર પર નિર્ભર છે.

એપ્રિલ-ઓગસ્ટ સુધી રાજ્યોની ઉધારી

આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ (28 ઓગસ્ટ) સુધી રાજ્યોએ રૂ. 2.72 લાખ કરોડ ઉધાર લીધા છે, જે ચાલુ નાણાકીય વર્ષના પહેલા છમાસિકમાં નક્કી કરેલી રૂ. 4.37 લાખ કરોડની રકમ કરતાં ઓછા છે. જોકે રાજ્ય સરકારો નાબાર્ડ પાસેથી પણ ઉધાર લઈ રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર નાણાકીય પંચની સલાહને ધ્યાનમાં રાખતાં સતત રાજ્યોની ઉધાર લેવાની મર્યાદા ઘટાડી રહી છે. કેન્દ્રએ વર્ષ 2021-22માં રાજ્યોની ઉધાર લેવાની લિમિટ વધારીને પાંચ ટકા કરી હતી, પરંતુ આ નાણાકીય વર્ષમાં એને ઘટાડીને 3.5 ટકા કરી દીધી છે.

 

 

 

 

 

 

 

એક રક્ષાબંધન આવી પણ..

‘બહેનાને ભાઈ કલાઈ પે, પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે, સંસાર બાંધા હૈ, રેશમ કી ડોરી સે..સંસાર બાંધા હૈ,’ રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર.

રક્ષાબંધનનો  દિવસ ભાઈ-બહેન માટે ખાસ હોય છે. પરંતુ જે બહેનોને ભાઈ જ ન હોય તો.. ? આ બહેનો માટે પણ હવે આ તહેવાર વિશેષ બની રહ્યો છે. બે બહેનો એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરે છે.

ભગવાને મને સંસારની બધીય ખુશીયો આપી દીધી

દીદી, આ વખતે તું મને રાખડી બાંધીશને, ત્યારે હું તને સરપ્રાઈઝ ગિફ્ટ આપીશ. કાલીઘેલી ભાષામાં વાત કરતા અનાયા પોતાનાથી 12 વર્ષ મોટી બહેન વ્રિતીકા પાસે બેઠી. વ્રિતીકાએ કહ્યું તું મને ગિફ્ટ કે સરપ્રાઈઝ નહીં આપે તો પણ ચાલશે. કારણ કે મારી માટે તો સૌથી મોટી સરપ્રાઈઝ તું જ છું. તને ખબર છે અનાયા જ્યારે હું નાની હતીને ત્યારે ભગવાન પાસે હંમેશા ભાઈ માંગતી, પણ ભગવાને ભાઈની જગ્યાએ તને મોકલી. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા વ્રિતીકા પૂર્વેશ અગ્રવાલ કહે છે, જયારે પણ રક્ષાબંધન આવે ત્યારે હું મારા કઝીન ભાઈને રાખડી બાંધતી, મને સારું લાગતું પણ મનમાં થતું કે કાશ મારે પણ એક ભાઈ હોય તો કેવું સારું. પણ ઈશ્વરે બહેન આપી, છતાં મને આનંદ થયો. ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે ભાઈ નહીં તો હું મારી બહેનને રાખડી બાંધીશ. અને એની રક્ષા કરીશ, ક્યારેય એને તકલીફ નહીં પડવા દઉં.  હું ખૂબ જ ખુશ છું. મારી અનાયા ડોલ જેવી છે. નાની છે પણ મારી બધી વાત માને છે. મને તો એમ લાગે છે કે ભગવાને જાણે કે મને સંસારની બધીય ખુશીયો આપી દીધી. મારી માટે રક્ષાબંધન ખુબ જ વિશેષ છે.

બંને બહેનો ભાઈ બહેનના સબંધમાં અનોખી રીતે બંધાઈ ગયા

રક્ષાબંધનના પ્રેમને ઉજાગર કરતી એક જુદી જ વાત છે. મૂળ ગુજરાતની અને હાલ કેનેડામાં રહેતી બે બહેનો હીરલ કવિ અને ભૂમિકા બારોટ નામની બે બહેનોની. હીરલ-ભૂમિકા, પોતાના મમ્મી-પપ્પા અને ભાઈ સાથે નડિયાદમાં રહેતા. સુખી પરિવાર પરંતુ ઇશ્વરને કઈંક જુદુ જ મંજુર હશે માટે બે બહેનોના એકના એક ભાઈ મિતેષ બારોટનું અકસ્માતમાં મુત્યું થયું. મોટી બહેન હિરલ ખુબ ભાંગી પડી. એ સમયે ભૂમિકાએ પરિવાર અને બહેનને લાગમી સાથે સાચવ્યાં. પણ જયારે ભાઈના ગયા પછી પ્રથમ રક્ષાબંધન આવી ત્યારે હીરલ માટે કપરો સમય હતો. પરંતુ ભૂમિકાએ ભાઈ બનીને બહેન આગળ હાથ લંબાવ્યો અને કહ્યું કે હું ક્યારેય ભાઈની જગ્યા તો નહીં લઈ શકું, પણ પ્રયત્ન કરીશ કે તને ભાઈની કમી મહેસૂસ ન થાય. બસ એ દિવસથી આ બંને બહેનો ભાઈ બહેનના સબંધમાં અનોખી રીતે બંધાઈ ગયા. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા હિરલ-ભૂમિકા કહે છે, અમારા ભાઈ મિતેશેની જગ્યા તો કોઈ લઈ ન શકે, પરંતુ અમે બંને બહેનોએ હકીકતને સ્વીકારી લીધી છે. ભાઈની યાદો હંમેશા દિલમાં જીવંત રહેશે. બંને બહેનો પોતાના પતિ અને સંતાનો સાથે કેનેડામાં રહેશે. માતા-પિતા માટે પણ દિકરાની ફરજ અદા કરે છે. અને રક્ષાબંધનની અનોખી ઉજવણી પણ કરે છે.

માલે નાનો-નાનો ભઈલો આવ્યો..

આઠ વર્ષની ઝહા રક્ષાબંધનને લઈને ખુબ જ ખુશ છે, બહેન ન્યારાને સરપ્રાઈઝ આપવા માટે તૈયારીઓ કરી રહી છે. ઝહા અને ન્યારાની માતા વૈશાલી પ્રશાંત રાઠોડ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, ઝહા માટે ન્યારા એનું વિશ્વ છે, એવું વિશ્વ જેની અંદર એની દરેક ખુશીઓ રહેલી છે. જ્યારે ન્યારાનો જન્મ થયો ત્યારે ઝહા માત્ર ત્રણ વર્ષની જ હતી. પરંતુ આખીય હોસ્પિટલ માથે લીધી હતી, બધાને કહેતી માલે નાનો નાનો ભઈલો આવ્યો, કોઈએ કહ્યું પણ ખરા કે બેટા ભઈલો નહીં બહેન આવી છે. તો મારી નાનકડી ઝહાએ કહ્યું માલા માટે તો એ ભઈલો જ છે. હવે હું મારા ભઈલાને જ રાખડી બાંધીશ. પહેલી રક્ષાબંધને ઝહાએ ન્યારાને રાખડી તો બાંધી સાથે પ્રોમીસ પણ કરી કે ન્યારા હું હંમેશા તારી સાથે રહીશ અને તારી રક્ષા પણ કરીશ. અમે વિચારતા જ રહ્યાં કે આ બહેન છે કે ભાઈ. આજે તો ઝહા 8 વર્ષની થઈ ગઇ છે અને ન્યારા 5 વર્ષની છે. બંને બહેનોમાં જુદો જ પ્રેમ છે. રક્ષાબંધનના દિવસે અમારું ઘર ખુશીઓથી ભરાઈ જાય છે.

હવે આપણે રક્ષાબંધનની આ પરંપરાને પણ ગરિમાપૂર્વક અપનાવીએ. રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો જ નહીં, પણ એકબીજા પ્રત્યે સાચી ફરજ નિભાવવાનો પણ તહેવાર છે.

હેતલ રાવ

રિતિક રોશને લોન્ચ કરી લક્ઝરી મોટરબાઈક ‘હીરો કરિઝ્મા XMR’

હીરો મોટોકોર્પ કંપનીએ તેની નવી સુપરબાઈક બહાર પાડી છે, જેનું નામ છે ‘હીરો કરિઝ્મા XMR’. આ લક્ઝરી બાઈકનું 29 ઓગસ્ટ, મંગળવારે હરિયાણાના ગુરુગ્રામમાં મિડિયાકર્મીઓ સમક્ષ ઉદઘાટન કર્યું બોલીવુડ અભિનેતા રિતિક રોશને. એ પ્રસંગે હીરો મોટોકોર્પના સીઈઓ નિરંજન ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મોટરબાઈકની કિંમત છે રૂ. 1,72,900. કંપનીએ આ બાઈકને પીળા અને કાળા રંગોના કોમ્બિનેશનમાં લોન્ચ કરી છે.

સુઝૂકીની Gixxer SF 250, યામાહાની R15, બજાજની પલ્સર RS 200 ને ટક્કર આપવા માટે હીરો કંપનીએ પોતાની આ બાઈકને માર્કેટમાં ઉતારી છે.

આ બાઈકની વિશેષતા એ છે કે તેમાં સંપૂર્ણ એલઈડી ફીટિંગ છે. એના વિન્ડસ્ક્રીનની પાછળ અને સાઈડ પેનલ્સમાં એરોડાઈનેમિક્સ સાથે માઉન્ટ મિરર છે. આ બ્લૂટૂથની મદદથી સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકે છે. આમાં 210 સીસી લિક્વિડ કૂલ્ડ સિલિન્ડર એન્જિન છે. આમાં છ સ્પીડ ગીયરબોક્સ છે. બંને પૈડા પર ડિસ્ક બ્રેક છે.

આઇસી15 ઇન્ડેક્સ 72 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટ મંગળવારે સામસામી રાહે અથડાઈ હતી. બજાર સામાન્ય રહેવાનું એક કારણ અમેરિકાના આર્થિક ડેટાની પ્રતીક્ષા છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.21 ટકા (72 પોઇન્ટ) ઘટીને 34,064 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,992 ખૂલીને 34,441ની ઉપલી અને 33,982 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટક કોઇનમાંથી અવાલાંશ, પોલકાડોટ, શિબા ઇનુ અને લાઇટકોઇનના ભાવ વધ્યા હતા, જ્યારે ટ્રોન, ચેઇનલિંક અને સોલાનામાં ઘટાડો થયો હતો.

દરમિયાન, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેર કર્યા મુજબ જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ પોતાની પ્રોડક્ટ્સ માટે બ્લોકચેઇન પ્લેટફોર્મ અને સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવાની છે. બીજી બાજુ, પોલીગોન બ્લોકચેઇન પર સોક્રેટીસ નામનું વેબ3 સોશિયલ મીડિયા અને શૈક્ષણિક પ્લેટફોર્મ શરૂ થયું છે. એની પાછળનો ઉદ્દેશ્ય ખોટી માહિતીનો પ્રસાર થતો રોકવાનો છે.

રસ્તે રખડતા ઢોર હજી કેટલા લોકોને અડફેટે લેશે?

અમદાવાદઃ હાઈકોર્ટે રખડતાં ઢોર મુદ્દે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાલમાં જ આડે હાથ લીધી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર અંકુશ પોલિસીને સુધારાવધારા સાથે મંજૂરી આપી દેવામાં આવી છે. આ પોલિસીનો અમલ કાગળ પર જ જોવા મળી રહ્યો છે. શઙેરના નરોડામાં એક મહિલા પર રસ્તા ઉપર ઊભેલી ગાયે અચાનક હુમલો કર્યો હતો. મહિલા નીચે પડી જતાં તેને ગાયે શિંગડાં માર્યાં હતાં. સ્થાનિક લોકોએ મહિલાને ગાયના હુમલામાંથી બચાવી હતી. જોકે રસ્તા પર રખડતા ઢોરના આવા બનાવ છાસવારે બનતા જ રહે છે, પણ આવા બનાવ અટકાવવા માટે નીંભર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી.

નરોડા વિસ્તારમાં નવરંગ ફ્લેટ પાસેથી વર્ષાબહેન પંચાલ નામની મહિલા રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં. એ દરમિયાનમાં રોડ ઉપર ગાયોનું ટોળું ઊભું હતું. અચાનક જ એક ગાય તેમને જોઈને તેમની પાછળ પડી હતી. વર્ષાબહેન દોડવા ગયાં,પણ એ દરમિયાન તેઓ નીચે પડી ગયાં હતાં અને ગાયે તેમની ઉપર હુમલો કરી દીધો હતો. આ ગાયે 20 સેકન્ડ સુધી મહિલા પર હુમલો કરી તેમને ઇજાઓ પહોંચાડી હતી. ત્યાંના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગાયને ભગાડી હતી. ત્યાર બાદ મહિલાને શરીરના ભાગે ઇજાઓ થતાં 108 બોલાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મહિલાને પાંસળીઓના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.

રખડતાં પશુઓને લઈ નિયંત્રણ માટે ઢોર પોલિસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. જોકે ઢોર નિયંત્રણ પોલિસીનો અમલીકરણ હજી સુધી કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં તમામ વિસ્તારોમાં રોડ ઉપર ઢોર રખડતાં જોવા મળી રહ્યાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આખા દિવસમાં શહેરમાંથી રોજના 50થી પણ ઓછા ઢોર પકડવામાં આવતાં સીએનસીડી વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.

 

 

 

Asia Cup: ભારતીય ટીમને ફટકો, KL રાહુલ પહેલી બે મેચમાં નહીં રમે

એશિયા કપ માટે શ્રીલંકા રવાના થતા પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ફિટનેસ અંગે અપડેટ આપી છે. મુખ્ય કોચે કહ્યું કે તે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ફિટનેસથી ખુશ છે. ટ્રેનિંગ કેમ્પમાં બંને ખેલાડીઓએ સારી બેટિંગ કરી હતી. દ્રવિડે એ પણ માહિતી આપી હતી કે રાહુલ એશિયા કપની શરૂઆતની બે મેચમાં નહીં રમે. જે બાદ તે પરત ફરે તેવી શક્યતા છે. ભારતની શરૂઆતની બે મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને 4 તારીખે નેપાળ સામે છે. બંને મેચ કેન્ડીમાં રમાશે. મતલબ કે રાહુલ ગ્રુપ રાઉન્ડમાં નહીં રમે. જો ટીમ ઈન્ડિયા સુપર-4માં પહોંચશે તો તે મેદાનમાં ઉતરશે. રાહુલ દ્રવિડે કહ્યું, “કેએલ રાહુલે સારી બેટિંગ કરી છે. તે વિકેટકીપિંગ પણ કરી રહ્યો છે. હાલ તે NCAમાં રહેશે. અમે 4 સપ્ટેમ્બરે તેની ફિટનેસનું ફરી મૂલ્યાંકન કરીશું. જો તે ફિટ હશે તો તે શ્રીલંકા આવશે. અમે આશાવાદી છીએ.” અમને ખાતરી છે કે બે મેચો પછી તે સંપૂર્ણ પુનરાગમન કરશે. અમે તેના વિશે વધુ ચિંતિત નથી.

દ્રવિડે કહ્યું, “નંબર ચાર અને નંબર પાંચ વિશે ઘણી વાતો થઈ છે. અમે તમને જણાવી દઈએ કે છેલ્લા 18 મહિનાથી આ ઓર્ડર માટે ત્રણ ખેલાડીઓ હતા. શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને રિષભ પંત. તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે ત્રણેય ખેલાડીઓ બે મહિનામાં ઇજાગ્રસ્ત થયા. તેથી અમારે પ્રયોગો કરતા રહેવાનું હતું. ત્રણેયની સર્જરી પણ થઈ. તેથી અમે વિવિધ ખેલાડીઓનો ઉપયોગ કર્યો. અમારે વર્લ્ડ કપ માટે તૈયાર રહેવું હતું. અમે નથી જાણતા કે વર્લ્ડ કપમાં શું થવાનું છે. એટલા માટે અમે બે-ત્રણ ખેલાડીઓને નીચે ક્રમમાં સતત તક આપી. જ્યારે તમારી પાસે મુખ્ય ખેલાડીઓ નથી, ત્યારે તમારે અન્યને તક આપવી પડશે.

રોહિત શર્માનો નિર્ણય અંતિમ છે

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમને ઘણા કેપ્ટન મળ્યા છે. વિરાટ કોહલી બાદ રોહિત શર્મા સિવાય શિખર ધવન, કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહે મર્યાદિત ઓવરોમાં કેપ્ટનશિપ કરી છે. તેમાંથી ધવન અને પંત એશિયા કપની ટીમમાં નથી. આ અંગે મુખ્ય કોચે કહ્યું, “અમારી ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે. કેટલાક ખેલાડીઓ પહેલા પણ કેપ્ટન રહી ચૂક્યા છે. કેટલાકે તાજેતરના ભૂતકાળમાં કેપ્ટનશીપ કરી છે. આજના સમયમાં વધુ ક્રિકેટ થઈ રહ્યું છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે ફરતા હોઈએ છીએ. જો જૂથમાં દરેકને અનુભવ હોય તો તે સારું છે. અંતિમ નિર્ણય રોહિત શર્માનો જ છે.

ઘરઆંગણે વર્લ્ડ કપનું કેટલું દબાણ?

મુખ્ય કોચે કહ્યું, “વર્લ્ડ કપ ઘરઆંગણે રમવું શાનદાર રહેશે. દર્શકોનું દબાણ રહેશે. આ વાત આપણે બધા જાણીએ છીએ.ભારત વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. તે પહેલા ટૂર્નામેન્ટની શરૂઆત ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચથી થશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

ઈમરાન ખાનને રાહત બાદ બીજા કેસમાં ધરપકડ, આવતીકાલે કોર્ટમાં થશે હાજર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતો હજુ ઓછી થઈ નથી. તોશાખાના કેસમાં રાહત મળ્યાને થોડી મિનિટો પણ નથી થઈ કે ઈમરાન ખાનની ફરી એક અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સાઇફર કેસમાં ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. થોડા સમય પહેલા ઈસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના કેસના નિર્ણયને સ્થગિત કરીને તેમની મુક્તિનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાની ટીવી ચેનલ ટીવી અનુસાર ઈમરાન ખાનને સિફર કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને તેને 30 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. ઓફિશિયલ સિક્રેટ એક્ટ કોર્ટના જજ અબુલ હસનત ઝુલ્કુરનૈને આ આદેશ આપ્યો છે. અગાઉ, ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંગળવારે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની દોષિત અને ત્રણ વર્ષની જેલની સજા પર રોક લગાવી દીધી હતી.

વાસ્તવમાં ચીફ જસ્ટિસ અમીર ફારૂક અને જસ્ટિસ તારિક મેહમૂદ જહાંગીરીની ડિવિઝન બેન્ચે આ બહુપ્રતિક્ષિત ચુકાદો આપ્યો હતો. આ કેસમાં નીચલી કોર્ટના નિર્ણયને પડકારતી ઈમરાનની અરજી પર બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ડિવિઝન બેન્ચે સોમવારે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ઈસ્લામાબાદની એક સેશન્સ કોર્ટે 5 ઓગસ્ટના રોજ તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં 70 વર્ષીય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલાને 2018 અને 2022 ની વચ્ચે તેમના વડા પ્રધાનપદ દરમિયાન તેમને અને તેમના પરિવાર દ્વારા મળેલી રાજ્ય ભેટોને ગેરકાયદેસર રીતે વેચવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટે પીટીઆઈના વડાને આગામી પાંચ વર્ષ માટે રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, જેનાથી તેમને આગામી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઈમરાને નીચલી કોર્ટના નિર્ણયને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

સાયફર રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ છે. સાઇફર એ ગુપ્ત, પ્રતિબંધિત રાજદ્વારી સંચાર છે, જે અમુક પ્રકારની કોડ ભાષામાં લખાયેલ છે. ઈમરાન ખાન પર આરોપ છે કે તેણે પોતાના રાજકીય લાભ માટે સાઈફર દ્વારા અત્યંત ગુપ્ત માહિતીનો ઉપયોગ કર્યો હતો. ઈમરાન પર આરોપ છે કે તેણે પોતાના ફાયદા માટે વોશિંગ્ટન સ્થિત પાક દૂતાવાસને ગુપ્ત માહિતી મોકલી હતી, જેને સાઈફર કેસ તરીકે ઓળખવામાં આવે છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિપક્ષી ગઠબંધન INDIA ના બની શકે છે કન્વીનર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષી ગઠબંધન ‘INDIA’ના સંયોજક બનાવવામાં આવી શકે છે. ગઠબંધનના સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી હતી. મુંબઈમાં યોજાનારી બેઠકમાં ‘INDIA’ જોડાણના સંયોજક તરીકે મલ્લિકાર્જુન ખડગેના નામની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઠબંધનમાં સામેલ પક્ષો લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને રણનીતિ પર ભાર આપી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેમાં મહાગઠબંધનના સંયોજક પદ માટે તેમની પાસે વરિષ્ઠ દલિત ચહેરો છે જે તેનું નેતૃત્વ કરી શકે છે. આ સિવાય તેમના લાંબા રાજકીય અનુભવને પણ પ્રાધાન્ય આપી શકાય છે.

બિહારના સીએમ નીતિશ કુમારનું નામ પણ ચર્ચામાં છે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ સંયોજક બનાવવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે. જો કે, નીતિશ કુમારે ઘણી વખત ઇનકાર કર્યો છે કે તેમને કંઈ જોઈતું નથી. તેમણે સોમવારે (28 ઓગસ્ટ) કહ્યું કે અમને કંઈ જોઈતું નથી, અમે માત્ર લોકોને એક કરવા ઈચ્છીએ છીએ.  સીએમ નીતિશે ફરી એકવાર કહ્યું, અમે મુંબઈ જઈ રહ્યા છીએ અને મારી પાસે દેશના મહત્તમ વિરોધ પક્ષોને એક કરવાનું કામ છે. અંગત રીતે મને કોઈ પોસ્ટમાં રસ નથી. મેં ગઈ કાલે પણ એ જ કહ્યું હતું અને આજે એ જ પુનરાવર્તન કરી રહ્યો છું.

લોકસભાની ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે

આ સાથે બિહારના સીએમએ દાવો કર્યો કે દેશમાં ગમે ત્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે. તેમણે કહ્યું, “એવું જરૂરી નથી કે ચૂંટણી નિર્ધારિત સમય પર થાય. કેટલાક લોકો દેશમાં કંઈ પણ કરવા સક્ષમ છે, હું છેલ્લા સાત મહિનાથી આ વાત વારંવાર કહી રહ્યો છું.

મુંબઈમાં વિપક્ષી ગઠબંધન INDIAની બેઠક ક્યારે છે?

તમને જણાવી દઈએ કે મુંબઈમાં યોજાનારી વિપક્ષી ગઠબંધન INDIA ની બેઠકમાં 11 સભ્યોની સંકલન સમિતિ પણ નામાંકિત થઈ શકે છે. તાજેતરમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ માહિતી આપી હતી કે આ બેઠક 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરે યોજાશે.

મુંબઈમાં ઈન્ડિયા એલાયન્સની ત્રીજી બેઠક

તમને જણાવી દઈએ કે આ ગઠબંધનમાં સામેલ મોટાભાગના વિપક્ષી દળોની પહેલી બેઠક બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના કહેવા પર 23 જૂને પટનામાં થઈ હતી. આ પછી, 17-18 જુલાઈના રોજ બેંગલુરુમાં બીજી બેઠક યોજાઈ હતી, જેમાં આ જોડાણ (ભારતીય રાષ્ટ્રીય વિકાસ સમાવિષ્ટ ગઠબંધન) ના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ ગઠબંધનમાં 26 વિપક્ષી દળો જોડાયા છે. ‘ભારત’ જોડાણની ત્રીજી બેઠક મુંબઈમાં યોજાવા જઈ રહી છે.

મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે ‘સરસ્વતી સન્માન’ સમારોહ

મુંબઈઃ મહારાષ્ટ્રની માતૃભાષા ગુજરાતી માધ્યમની બધી જ શાળાઓ માટે છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત મુંબઈ ગુજરાતી સંગઠને દર વર્ષની જેમ આ વર્ષે પણ દસમા ધોરણમાં દરેક શાળામાં પ્રથમ આવનાર તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વધુ સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો તેમજ ૧૦૦ ટકા પરિણામ લાવનાર શાળાઓનો ‘સરસ્વતી સન્માન’ સમારોહ તા. ૨ સપ્ટેમ્બર , શનિવારના રોજ બપોરે ૩ થી સાંજે ૭ સુધી ઘાટકોપરની એસ.પી.આર. જૈન કન્યા શાળાનાં શ્રીમતી ભૂરીબેન ગોળવાળા સભાગૃહમાં રાખ્યો છે. આ સમારોહમાં દરેક વિદ્યાર્થીઓને સ્મૃતિચિન્હ, રોકડ ઈનામી રકમ, પુસ્તકો તથા અન્ય ભેટો આપવામાં આવશે.

મહારાષ્ટ્રની કુલ ૬૨ શાળાઓનાં ટોપર વિદ્યાર્થીઓ તેમજ અંગ્રેજી અને ગુજરાતી વિષયનાં ૧૩૫ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવશે. આ સાથે બારમા ધોરણ અને અનુસ્નાતકમાં પણ સૌથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.

આ સમારોહમાં માતૃભાષાની ખાટી મીઠી વાતો સાથે હસતા હસતા હકીકત સમજાવતું એક નાટક પણ રજૂ કરવામાં આવશે, જેથી સમાજમાં માતૃભાષાના ભણતર માટે જાગૃતિ ફેલાવી શકાય.

આ સમારોહમાં મહારાષ્ટ્રના મુંબઈ, નાશિક, પૂણે, દહાણુ, સાંગલી જેવા વિવિધ શહેરોમાંથી પણ આચાર્ય, શિક્ષકો અને સંચાલકો હાજર રહેશે.

એસ.પી.આર. જૈન કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા એક પ્રસ્તુતિ કરવામાં આવશે. સંગઠનની યુવા ટીમ દ્વારા જનજાગૃતિ અને આત્મ ગૌરવ માટેનું એક શેરી નાટક પણ ભજવાશે. તેમજ યુવાનોને માતૃભાષાના સંવર્ધનના આ કાર્યમાં જોડાવા અનુરોધ કરાશે.