Home Blog Page 2567

G 20 અને ચંદ્રયાન 3 ની થીમ સાથે ની 325 ફૂટ લાંબી વિશાળ રાખડી

શહેર ના સોલારોડ ભુયંગદેવ ચાર રસ્તા પર આવેલી સાધના વિનય મંદિર ના 35 વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે 325 ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી છે.

શાળાના ટ્રસ્ટી પંકજ પટેલ ચિત્રલેખા.કોમ ને કહે છે આ વર્ષે G 20 અને ચંદ્રયાન 3 ની થીમ સાથે 325 ફૂટ લાંબી રાખડી તૈયાર કરવામાં આવી છે. આ રાખડી માં 100 મીટર કાપડ, 300 નંગ ઝૂમકા, 180 જેટલા સ્ટીકર, ટાંકણી, સેલોટેપ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. થીમ સાથેની રાખડી તૈયાર કરતા વિદ્યાર્થીઓ ને 12 દિવસ જેટલો સમય લાગ્યો હતો. 325 લાંબી રાખડી ને ગુજરાત નું ગૌરવ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર ના ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાત ના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ને અર્પણ કરવામાં આવશે.

પંકજ પટેલ વધુમાં કહે છે અમારી શાળા દ્વારા 2006 – 07 થી સતત જુદા જુદા પ્રસંગોને વણી લઈ થીમ સાથેની રાખડીઓ તૈયાર કરી વિદ્યાર્થીઓ ને જાગૃત, જવાબદાર, સાંપ્રત ગતિવિધિઓ થી અવગત કરી દેશપ્રેમી બને એવા પ્રયત્ન કરીએ છીએ.

સાધના વિનય મંદિર દ્વારા આ પહેલાં ‘ ત્રાસવાદ સામે ગુજરાત ને રક્ષણ ‘, ‘ બેટી બચાવો’ , ” ગ્લોબલ વોર્મિંગ ‘ , સ્વર્ણિમ ગુજરાત, વાંચે ગુજરાત, સ્વચ્છ ભારત અભિયાન, શહીદો અમર રહો, ગુજરાત ની અસ્મિતાની થીમ , ધ માર્ટીયલ ઓફ પુલવામા એટેક, પરમવીર ચક્ર, કોરોના વોરિયર્સ અને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાધીનતા સંગ્રામના 75 શુરવીરો ની થીમ પર વિદ્યાર્થીઓ દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી હતી.

સતત અઢાર વર્ષ થી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિવિધ સાઇઝ અને થીમની માહિતસભર વિશાળ રાખડીઓ તૈયાર કરે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

વિડીયો જોવા માટે કરો ક્લિકઃ 

વિદ્યાર્થીઓને સારા માનવી બનવાની અપાઈ ત્રણ ગુરુચાવી

મુંબઈઃ એટલી સમજણ મને પરવરદિગાર દેજે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં સૌનો વિચાર દેજે…’ આ પંકિત જો પાંચ, છ અને સાતમા ધોરણના વિદ્યાર્થીઓ બોલતાં હોય તો સાંભળનારને કેવું લાગે? કેટલો આનંદ થાય? આવો માહોલ ગયા સોમવારે કાંદિવલીની એસવીપીવીવી શાળામાં રચાયો હતો. મૂલ્ય ઘડતર એ વર્તમાન સમયની મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે. ‘વિદ્યા વિનયેન શોભતે’ને સાચા અર્થમાં સાર્થક કરતી કે.ઈ.એસ. (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં કવિ મુકેશ જોષીએ દોઢસોથી વધુ વિધાર્થીઓને સંબોધતી વખતે પોતાની આગવી શૈલીમાં વ્યક્તિત્વ વિકાસના મૂલ્યોનું સિંચન કરતી રસપ્રદ વાતો કરી હતી.

આ કાર્યક્રમમાં કેઈએસના ટ્રસ્ટી અને વાઈસ પ્રેસિડન્ટ મહેશભાઈ શાહ, કે.ઈ.એસ.નાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (સીએઓ) સંગીતા શ્રીવાસ્તવ અને શાળાનાં શિક્ષિકાઓ હાજર રહ્યાં હતાં.

અભ્યાસક્રમ દ્વારા કારકિર્દીનું નિર્માણ થાય છે પણ કેળવણી ઉચ્ચ વ્યક્તિત્વનું ઘડતર કરે છે, એ વાતને ધ્યાનમાં રાખીને બાર અને તેર વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ માટે આ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉંમર એટલે બૌદ્ધિક ગ્રહણશક્તિ કેળવવાની ઉંમર. મહેશભાઈ શાહના શબ્દોમાં: ‘ટીનએજ – ટીન એટલે ડબ્બો અને ડબ્બામાં પથરા પણ ભરી શકાય અને પૈસા પણ… નક્કી આપણે કરવાનું હોય.’

કવિ મુકેશ જોષીએ પોતાના વક્તવ્યમાં મરીઝની ઉપયુક્ત પંક્તિ સાથે બાળકોને સારા માણસ બનવા માટે ત્રણ ગુરુચાવી આપી: વડીલોને માન આપવું, પોતાના સુખ કે ખુશીની વહેંચણી કરવી અને કદી જૂઠું ન બોલવું. આ ત્રણ ગુરુચાવી સાથે બે કહેવત જણાવી: “અન્ન એવો ઓડકાર” અને “અન્ન તેવું મન.” આ કહેવતો પરથી એમણે મહાભારત આધારિત દુર્યોધન અને ભીષ્મ પિતામહની વાર્તા પણ કહી હતી. આ વાર્તામાં દુર્યોધને પોતાનું એંઠું અન્ન ભીષ્મ પિતામહને ખવડાવીને કેવી રીતે પોતાના તરફથી યુદ્ધ કરવા મનાવ્યા હતા એ વાત સમજાવી હતી. આ ઉદાહરણ ઉપરાંત વક્તાએ બહારનું ખાવાનું અને ઘરમાં માતાનાં હાથનું બનાવેલું જમવામાં કેવો અને શા માટે ફરક હોય છે તેની ગળે ઉતરી જાય એવી સરળ સમજ આપી હતી.

મુકેશ જોષી એ માત્ર વાર્તા જ નહીં પણ સાથેસાથે મહાભારત મહાકાવ્યના રચયિતા – મહર્ષિ વેદ વ્યાસનું સાચું નામ કૃષ્ણદ્વૈપાયન છે તે પણ જણાવ્યું. પાંચ પાંડવોના નામ તો સહુ કોઈને ખબર હોય, પણ સો કૌરવોમાંથી પાંચ કૌરવના નામ જાણમાં ન હોય. મુકેશ જોષીએ દુર્યોધન, દુઃશાસન, વિકર્ણ, વિચિત્રસેન અને સામ જણાવ્યા જેના પરથી એમના જ્ઞાનભંડારનો પરિચય મળતો અને વિધાર્થીઓની જિજ્ઞાસાને સંતોષ મળતો હતો. આમ, આપણી ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડનાર મહાકાવ્ય ‘મહાભારત’ વિશે જાણકારી આપીને કવિ મુકેશ જોષીએ મુલ્ય ઘડતરના શિક્ષણનો પહેલો મણકો આજના વકતવ્યથી મૂકી આપ્યો. મહેશભાઈએ આ વક્તવ્ય વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવા કહ્યું અને કવિ મુકેશ જોષીના હસ્તે જ આગલા કાર્યક્રમમાં ઈનામ વિતરણની જાહેરાત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.

વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે જીવનના પાયાના મૂલ્યો પણ શીખે-સમજે એવા હેતુ સાથે સંસ્થાએ આ પ્રકારના કાર્યક્રમો વારંવાર નિયમિતપણે શાળામાં યોજવાનું નક્કી કર્યુ છે.

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની આશંકાઃ વીજ બિલ રૂ. 20,000ને પાર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં વધતી મોંઘવારીને લઈને સામાન્ય જનતા ગુસ્સામાં છે. વધતાં વીજ બિલો અને સરકાર દ્વારા લગાવવામાં આવેલા ઊંચા કરોની વિરુદ્ધ વિરોધ કરવા માટે પાકિસ્તાનમાં હજ્જારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. સરકારનાં ઊંચાં વીજ બિલો અને કરોની વિરુદ્ધ દેખાવકારોએ હજ્જારો વીજ બિલો સળગાવ્યાં હતાં. સોશિયલ મિડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પંજાબ પ્રાંતમાં રૂ. 12,000નું વીજ બિલ આવતાં એક વ્યક્તિએ આત્મહત્યા કરવાના પ્રયાસ કર્યા હતા. આ વ્યક્તિ માત્ર એક પંખો અને બે બલ્બનો ઉપયોગ કરે છે.

સામાન્ય જનતાએ વીજ બિલોને લઈને મોટી સંખ્યામાં રસ્તાઓ પર પ્રદર્શન કર્યાં હતા. જનતાના આક્રોશને લીધે કાર્યકારી વડા પ્રધાન અનવારુલ હકને નોટિસ લેવા અને મુદ્દા પર ચર્ચા કરવા માટે ઇમર્જન્સી મીટિંગ બોલાવવી પડી હતી.

રાવલપિંડીમાં એક દેખાવકારે કહ્યું હતું કે આ સરકારે પાયાની જરૂરિયાતની દરેક ચીજવસ્તુઓ વધારીને નાના પરિવારો માટે ઘરખર્ચ કાઢવો અસંભવ કરી દીધો છે. તેઓ અમને ઊંચા ટેરિફ અને કરોવાળાં બિલ મોકલે છે. એક એવાં ઘરોની કલ્પના કરો- જેમાં બે પંખા અને ત્રણ લાઇટો છે, પરંતુ એનુ વીજ બિલ 20,000 પાકિસ્તાની રૂપિયાથી વધુ છે. આ અસ્વીકાર્ય છે અને અમે ત્યાં સુધી વિરોધ કરીશું, જ્યાં સુધી લોકોનું લોહી પીવાના આ પ્રયાસ બંધ ના થાય.

એક દેખાવકારે કહ્યું હતું કે એક તરફ નોકરીઓ નથી, ના વેપાર-ધંધા અને બધું મોંઘું છે, ત્યારે આ બિલો મોકલીને અમને દફનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ બિલોની અમે ચુકવણી નથી કરી શકતા. અમે અધિકારીઓને અમારાં વીજ જોડાણો કાપવા અને મીટર પણ નહીં લઈ જવા દઈએ.

 

 

 

 

 

એશિયા કપ જીતવા માટે ભારત કરતાં પાકિસ્તાનને તક વધુઃ કનેરિયા

નવી દિલ્હીઃ પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ 30 ઓગસ્ટથી શરૂ થતા એશિયા કપ માટે ભારતની ટીમ પસંદગીએ વિશે નિરાશા વ્યક્ત કરી છે. તેણે આ ટુર્નામેન્ટ માટે યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનને ટીમથી બહાર રાખવા બદલ ભારતીય પસંદગીકારોની ટીકા કરી છે.

તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે યશસ્વી જયસ્વાલ જબરદસ્ત ફોર્મમાં હોવા છતાં એશિયા કપ 2023 માટે ટીમમાં તેને નથી લેવામાં આવ્યો. યશસ્વી એક દિગ્ગજ બેટ્સમેન છે અને તેણે વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટમાં નોંધપાત્ર દેખાવ કર્યો છે, જ્યારે T20 સિરીઝમાં પણ તે સારું રમ્યો છે.

યશસ્વી હાલ જબરદસ્ત ફોર્મમાં છે, તો પછી પસંદગીકારોએ તેને બહાર કેમ બેસાડ્યો છે? સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને બહાર બેસાડવામાં આવ્યા છે, જ્યારે KL રાહુલ અને શ્રેયસનો ટીમમાં સમાવેશ કર્યો છે, જે મેચ પ્રેક્ટિસમાં નહોતા.

તેણે કહ્યું હતું કે એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ ભારતની ટીમ કરતાં વધુ બેલેન્સ ટીમ છે. વળી ટીમ ઇન્ડિયાનો આ ટુર્નામેન્ટમાં કંઈ સારો રેકોર્ડ નથી. વળી, વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં સાતત્યભર્યા ફોર્મમાં નથી, જ્યારે બીજી બાજુ બાબર આઝમ, ઇમામ ઉલ હકે હાલમાં સાતત્યભરી બેટિંગ કરી છે, એમ તેણે કહ્યું હતું.

આ એક સારી ટુર્નામેન્ટ થશે. બેલેન્સ જોઈને લાગે છે કે પાકની ટીમ સારી છે, જ્યારે ઇન્ડિયાનો દેખાવ આ ટુર્નામેન્ટમાં કંઈ ખાસ રહ્યો નથી. પાકિસ્તાન વધુ સારી ટીમ છે.  ઇન્ડિયાની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ પણ હારી ગઈ હતી. પાકિસ્તાનને આ વખતે ભારત સામે સારી તક છે, એમ તેણે કહ્યું હતું.

 

 

હાથમાંથી કોઈ લઈ જશે, નસીબમાંથી કોઈ નહીં લઈ જાય

હાથમાંથી કોઈ લઈ જશે, નસીબમાંથી કોઈ નહીં લઈ જાય

 

એવી માન્યતા છે કે દરેક માણસ પોતાનું નસીબ લઈને આવે છે. સંસ્કૃતમાં કહ્યું છે કે:

भाग्यं फ़लति सर्वत्र न विद्या न च पौरुषम् ।

भाग्य हि फ़ल देता है, विद्या या पौरुष नहीं ।

ભાગ્ય પ્રમાણે ફળ મળે છે. માણસ ગમે એટલો ઉદ્યમી કે બુદ્ધિશાળી હોય તો તેનાથી કાંઈ ફરક પડતો નથી.

જોકે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે એટલે પુરુષાર્થ તો કરવો જ પડે, પુરુષાર્થ માટે પણ કહેવાયું છે કે

उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।

न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः॥

આપણે દૈવ એટલે કે નસીબમાં માનવાવાળી પ્રજા છીએ જેનો પડઘો આ કહેવતમાં પડે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

કોરાનાના 56 નવા કેસો, એક પણ મોત નહીં  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 70 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,036 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,929 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,63,618 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 38 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1509એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 32,046 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,67,273 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 86 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ગીતકાર સમીર ‘બેખબર’ થી ખબરમાં આવ્યા

1990 માં ‘દિલ’ અને ‘આશિકી’ ના ગીતોથી જાણીતા થયેલા સમીરને ગીતકાર બનવું હતું પણ ગીતકાર પિતા અન્જાન એને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવા માગતા હતા અથવા બેન્કમાં નોકરી કરે એમ ઇચ્છતા હતા. સમીરે એમની ઈચ્છા મુજબ કોમર્સમાં અભ્યાસ કર્યો અને પોતાના દાદાની જેમ બેન્કમાં નોકરી શરૂ કરી દીધી. પરંતુ એમનું મન આ નોકરીમાં લાગ્યું નહીં અને બનારસ છોડીને કામની શોધમાં મુંબઇ આવી ગયા હતા. સમીર મુંબઈમાં સંઘર્ષ કરી રહ્યા હતા અને ગીતકાર તરીકે તક શોધી રહ્યા હતા અને ભટકતા હતા ત્યારે ભોજપુરી ફિલ્મોના સંગીતકાર શ્યામ સાગર સાથે મુલાકાત થઈ. એ અન્જાનના મિત્ર હોવાથી સમીર અવારનવાર એમને ત્યાં પણ જતા રહેતા હતા.

એમને ખબર હતી કે સમીર શાયર અને હિન્દી ફિલ્મોમાં ગીતકાર બનવા માગે છે. સમીરે આકાશવાણીને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે કે શ્યામ સાગરે એક વખત કહ્યું કે મારી પાસે હિન્દી ફિલ્મ તો નથી પણ એક ભોજપુરી ફિલ્મ ‘બૈરી સાવન’ (૧૯૮૪) કરી રહ્યો છું. એમાં એક સિચ્યુએશન છે. એના પર ગીત લખવા માગતો હોય તો વિચાર કરીને આવી જજે. સમીરની માતૃભાષા ભોજપુરી હતી એટલે ગીત લખી આપ્યું. એ પહેલું ગીત શ્યામ સાગરે રેકોર્ડ કરી લીધું. જોકે, આ ફિલ્મ પહેલી હિન્દી ફિલ્મ પછી રજૂ થઈ હતી. એ પછી એમણે સમીરને કહ્યું કે તારી પાસે હિન્દી ગીતો લખેલા હોય તો સંભળાવ. હું જોઈ લઉં કે કેવા લખે છે. ભોજપુરી સંગીતકાર શ્યામ સાગરે સમીરના હિન્દી ગીતો સાંભળીને સ્પષ્ટ કહી દીધું કે તું બનારસની ટિકિટ કઢાવીને પાછો જતો રહે. હું દાવા સાથે કહી શકું છું કે તું હિન્દી ફિલ્મનો ગીતકાર બની શકે એમ નથી. તેં જેટલી પણ કવિતાઓ સંભળાવી એ બધી બકવાસ હતી. તું પાછો જતો જ રહે. આટલા મોટા શાયરનો છોકરો છે તો એમનું નામ ખરાબ ના કરીશ.

એમની વાત સાંભળીને સમીર દુ:ખી થયા. પણ એમને ત્યાંથી નીકળીને જતા હતા ત્યારે પિતાની એક પંક્તિ ‘જગ અભી જીતા નહીં હૈ, મેં અભી હારા નહીં હૂં, ફેંસલા હોને સે પેહલે હાર ક્યૂં સ્વીકાર કર લૂં’ યાદ આવી રહી હતી. સમીરે નક્કી કર્યું કે એક જણનો અભિપ્રાય આખરી ના માનવો જોઈએ. સમીર એ દિવસોમાં ક્યારેક સંગીતકાર ઉષા ખન્નાને ત્યાં પણ જતા હતા. અને એમનો અભિપ્રાય લેવા પહોંચી ગયા. સમીરે ઉષા ખન્નાને પોતાની આખી કહાની સંભળાવી દીધી અને શ્યામ સાગરને ત્યાંથી દુ:ખી થઈને આવ્યો હોવાનું કહ્યું. પછી એમને કહ્યું કે તમે મારા ગીતો સાંભળીને અભિપ્રાય આપો. જો તમે પણ ના પાડશો તો હું આ ડાયરી લઈને બનારસ પાછો જતો રહીશ. ઉષાએ સમીરની હિન્દી કવિતાઓ સાંભળીને પ્રોત્સાહિત કર્યો અને વિશ્વાસ અપાવ્યો કે તું એક દિવસ જરૂર સફળ ગીતકાર બનીશ. આ અઠવાડિયે જ એક સારી ફિલ્મ માટે હું તારા ગીતનું રેકોર્ડિંગ કરીશ. ઉષાએ વચન આપ્યા મુજબ ફિલ્મ ‘બેખબર’ (૧૯૮૩) માટે સમીરનું પહેલું હિન્દી ફિલ્મ ગીત ‘ગોરી પરેશાન હૈ’ અલકા યાજ્ઞિકના સ્વરમાં રેકોર્ડ કર્યું હતું. આ ગીતથી સમીરે એક હિન્દી ફિલ્મ ગીતકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી.

મમતા બેનરજી અમિતાભના નિવાસે જઈ એમને રાખડી બાંધશે

મુંબઈઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીને એમની આગામી મુંબઈની મુલાકાત દરમિયાન જુહૂ વિસ્તારસ્થિત પોતાના નિવાસસ્થાને ચા માટેનું આમંત્રણ આપ્યું છે. બેનરજી વિરોધપક્ષોએ નવા રચેલા ‘ઈન્ડિયા’ની 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બર 1 તારીખે મુંબઈમાં નિર્ધારિત બેઠકમાં હાજરી આપવા આવવાનાં છે. તેઓ 30 ઓગસ્ટના બુધવારે મુંબઈ પહોંચવાનાં છે. એ જ દિવસે રક્ષાબંધનનો તહેવાર છે.

અમિતાભ અને એમના પત્ની જયા બચ્ચન સાથે મમતા બેનરજીને સારાં સંબંધ છે. અમિતાભે ગયા વર્ષે કોલકાતામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે બેનરજીએ એવી માગણી કરી હતી કે ભારત સરકારે અમિતાભને ‘ભારત રત્ન’ ખિતાબ આપવો જોઈએ. જયા બચ્ચન, જેઓ સમાજવાદી પાર્ટીનાં સાંસદ છે, એમણે 2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોલકાતા જઈને તૃણમુલ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો.

ઈન્ડોનેશિયાના બાલીમાં 7.1ની તીવ્રતાના ભૂકંપનો આંચકો લાગતાં ગભરાટ

જકાર્તાઃ પર્યટન માટે જગપ્રસિદ્ધ થયેલા ઈન્ડોનેશિયાના બાલી ટાપુના બાલી કુટા શહેરમાં ગઈ મધરાત પછી ધરતીકંપનો તીવ્ર આંચકો લાગ્યો હતો. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 7.1ની માપવામાં આવી હતી. ભૂકંપનો આંચકો એટલો બધો તીવ્ર હતો કે રસ્તાઓ અને મકાનોની દીવાલો પર તિરાડ પડી ગઈ છે. લોકો ડરના માર્યા રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં. એમને આખી રાત રસ્તા પર ગુજારવી પડી હતી. ભારતમાંથી અસંખ્ય પર્યટકો પણ બાલી ખાતે ગયા છે. એ લોકો પણ ફસાઈ ગયાં છે.

ધરતીકંપનો આંચકો ઈન્ડોનેશિયાના સમય મુજબ ગત વહેલી સવારે 2.55 વાગ્યે (ભારતીય સમય મુજબ મધરાતે દોઢેક વાગ્યાના સુમારે) આવ્યો હતો. ધરતીકંપનું કેન્દ્રબિંદુ ઈન્ડોનેશિયાની ઉત્તરમાં 201 કિ.મી. અંતરે આવેલા માતારમમાં અને પૃથ્વીની સપાટીથી 518 કિલોમીટર (322 માઈલ) નીચે હોવાનું માલુમ પડ્યું છે. ધરતીકંપને કારણે જાનહાનિ થયાનો હજી સુધી કોઈ અહેવાલ નથી. સત્તાવાળાઓ દ્વારા સમુદ્રમાં સુનામી મોજાં ઉછળવાની કોઈ ચેતવણી પણ બહાર પાડવામાં આવી નથી.

‘ઘેલા સોમનાથ’ના શ્રાવણી મેળામાં ઉમટી રહ્યો છે માનવ મહેરામણ

વિદેશી આક્રમણોથી બચાવવા ‘સોમનાથ’ના પ્રાચીન શિવલિંગને રાજકોટ જિલ્લાના સોમ પીપળીયા ગામે સ્થાપિત કરાયું જે ‘ઘેલા સોમનાથ’ના નામે ઓળખાયું

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

આકર્ષક એમ્યુઝમેન્ટ પાર્ક, સ્નાનઘર, યજ્ઞશાળા, યાત્રાળુઓ માટે રહેઠાણની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધઃ બંને સમય ભોજન પ્રસાદીની સુવિધાઃ ગૌશાળામાં ૧૫૦ ગાયોનો નિભાવઃ રૂ.દસ કરોડથી પણ વધુ રકમના શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામો પ્રગતિમાં


હાલમાં યાત્રાધામ ઘેલા સોમનાથના શ્રાવણી મેળામાં ભારતભરમાંથી માનવ મહેરામણ ઉમટતો રહે છે. આ તીર્થસ્થાન અનેક નાગરિકોનું આસ્થાસ્થાન છે. શ્રાવણ મહિનામાં ભારતભરમાંથી અહીં યાત્રાળુઓ આવે છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલનારા આ મેળામાં અનેક ધાર્મિક કાર્યક્રમો લોકડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહયા છે. આ મેળાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ “ઘેલા સોમનાથ”નો સોમનાથ સાથેના જોડાણનો ઇતિહાસ રસપ્રદ બની રહેશે.

વિક્રમની ૧૫મી સદી એટલે કે વિક્રમ સંવત ૧૪૫૭ની આસપાસ ગુજરાત પર સુલતાન જાફર મોહમદની આણ વર્તાતી હતી. ત્યારે જુનાગઢ પર કુંવર મહિપાળનું શાસન ચાલતું હતું. ચંદ્રએ આરાધેલા સોમનાથ મહાદેવ પર રા’મહિપાલને તથા રાણી મિનલદેવીને અનન્ય શ્રદ્ધા હતી. સુલ્તાન જાફર સોમનાથ પર ચઢી આવે છે એવી જાણ થતાં રા’એ તમામ શાખાના ક્ષત્રિયોને સોમનાથની સખાતે ચઢતા કહેણ મોકલ્યા.

લાઠીથી નોંઘણજી ગોહિલના પુત્ર હમીરજી ગોહિલ પોતાના કારભારી વેણીદાસ ગોરડિયા (કપોળ વણિક)ને સાથે લઇ સોમનાથની વ્હારે ચાલી નીકળ્યા. સોમનાથને રસ્તે જતાં કુંવર હમીરજી સાથે ગોરડકાથી ત્રીસ ધોડેસ્વારો થયા. વેણીદાસ ગોરડિયાના ચારેય પુત્રો ગોગન, ઘેલો, ગોઈયો અને કરશનજી તેમજ વેજલ ભટ અને મેહુર ભરવાડ પણ હમીરજી સાથે સોમનાથના રક્ષણ કાજે નીકળી પડ્યા. સૌ ક્ષત્રિય સોમનાથની વાટે જઇ રહ્યા હતા.

પ્રભાસના ગોંદરે જુનાગઢના રાજવી, વળાના ક્ષત્રિયો, ચુડાસમાઓ વગેરે ક્ષત્રિયો, ‘સોમનાથ દાદા’ને પોતપોતાના પ્રદેશમાં ખસેડી જવાની વાતો કરી રહ્યા હતા. તે દરમ્યાન ‘હિરાગરજી’ સામા મળ્યા. તેમણે કહ્યું કે “હું પ્રભાસથી આવું છું ‘સોમનાથ દાદા’એ મને સ્વપ્નમાં કહ્યું છે કે ‘સોમનાથ પાલખીએ ચઢે-આગળ પોઠિયો પડે-જયાં જયાં પોઠિયો જાય ત્યાં ત્યાં દાદો જાય, પોઠિયો બેહક પડે ત્યાં સ્થાપન થાય’ (અસલ ભાષામાં) (અર્થાત સોમનાથ લિંગને પાલખીમાં પધરાવવું, આગળ તેમનો પોઠિયો ચાલે અને તેની પાછળ પાલખી ચાલે, પોઠિયો જ્યાં બેસી જાય ત્યાં લિંગનું સ્થાપન થાય.) હિરાગરજીની આ વાત સૌને ગળે ઉતરી, અને સૌએ કહ્યું કે ‘“ભલે ભલે ‘સોમનાથ દાદા’ની મરજી હોય ત્યાં જાય.’’ ત્યારપછી બધા પ્રભાસ પહોંચ્યાં. “દાદા”ની પાલખી તૈયાર કરાવી, ‘“દાદા’”ની બાણને (લિંગ)ને પાલખીમાં પધરાવ્યું. જ્યારે સુલ્તાનને “દાદા”ની પાલખી “ગોરડકે” પહોંચ્યાના વાવડ મળ્યા ત્યારે તેના સૈન્યે ગોરડકાને ઘેર્યું. આ વખતે ધિંગાણું થયું. તેમાં ગોઇયો (વેણીદાસ ગોરડિયાનો દીકરો) મરાયો, તેની યાદમાં ગોરડકામાં વાવ પાસે તેની ખાંભી કરવામાં આવી. આ વાવને “ગોઇયાની વાવ” કહેવામાં આવે છે જે હાલ પણ મોજુદ છે,

“સોમનાથ દાદા’”ની પાલખી આગળ ને આગળ નીકળી ગઇ છે, તેવા વાવડથી સુલતાન તેની પાછળ પડયો. ગોરડકાથી ચાલીશ કોશ દૂર ભડલી અને માલગઢના માર્ગે પાલખી પહોંચી ત્યાં સુલ્તાનનું સૈન્ય જઇ પહોંચ્યું. આ વખતે ચુડાસમાનું રક્ષકદળ જે પાલખીની ફરતે ચાલતું હતું તેમાં ઘેલો ગોરડિયો પાલખીમાંથી કૂદી પડ્યો. પાલખી આગળ વધતી ચાલી, ઘેલો ગોરડિયાની સરદારી હેઠળ સુલ્તાનના સૈન્ય સાથે આઠ દિવસ સુધી ધિંગાણું ચાલ્યું…

“ગોમન, ઘેલો, ગોઇયો, કરશન, વેજલ ભટ્ટ …

સોમનાથ, શરણે ગયા, રાખી ધારિયા વાટ….”

જ્યારે એક બાજુ ધીંગાણું ચાલતું હતું ત્યારે બીજી બાજુ ભડલી અને માલગઢથી બે કૌશ દૂર ‘‘પોઠિયો’’ બેહક પડ્યો. ત્યાં આગળ તે જ જગ્યાએ ભગવાન સોમનાથનું સ્થાપન વેજલ ભટ્ટે કરાવ્યું અને પૂજા ભણાવી. ઘેલા ગોરડિયાને અમર બનાવવા આ સ્થાનકને “ઘેલા સોમનાથ”નું નામ આપવામાં આવ્યું. ઘેલા સોમનાથની સ્થાપનાના દિવસોમાં સુલ્તાનના સૈન્યના વેરણછેરણ થયેલા સૈનિકો ત્યાં ચઢી આવ્યા અને ત્યાં જ ધિંગાણું થયું. તેમાં વેજલ ભટ્ટ મરાયા. આ વખતે દાદાના બાણ ઉપર પણ તલવારના  પ્રહારો પડ્યા હતા. જે આજે પણ શિવલીંગ પર કળાય છે. નદી કિનારે આવેલ ઘેલા સોમનાથ મંદિરની સામે જ પર્વત ઉપર જૂનાગઢના રાણી મિનળ દેવીએ સમાધિ લીધી હતી ત્યાં મીનળદેવીનું મંદિર પણ છે.

ઘેલા સોમનાથ મંદિરનું સંચાલન રાજકોટ જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિ દ્વારા થાય છે. જેના દ્વારા આ તીર્થસ્થળનો સગવડભર્યો સુંદર વિકાસ થઇ રહયો છે. અહીં સત્સંગ હોલ, આકર્ષક બગીચાઓ, સ્નાનઘર, યજ્ઞશાળા, યાત્રાળુઓ માટે રહેવાની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બંને સમય ભોજન પ્રસાદી પણ વિનામૂલ્યે અપાય છે. ટ્રસ્ટની પોતાની જ ગૌશાળા પણ છે. જેમાં ૧૫૦ જેટલી નાની મોટી ગાયો નિભાવ થાય છે. આ ઉપરાંત રૂ. દસ કરોડથી પણ વધુ રકમના શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનું લોંન્ચીંગ તથા ઘેલા સોમનાથ મંદિર નજીકમાં એમ્યુઝમેન્ટ પાર્કના લોકાર્પણ થયા છે. જેનાથી યાત્રિકોને વધુ સગવડો મળશે અને પ્રવાસનને વેગ મળશે.

અંદાજિત રૂ.૧,૮૬,૨૬,૦૦૦ના ખર્ચે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મીનળદેવી મંદિરનું રાજસ્થાની સેન્ડ સ્ટોનથી મારબલ ફલોરીંગ અંદાજિત રૂ.૧૬,૯૦,૦૦૦ના ખર્ચે, મંદિર ટેકરી ઉપર જવા માટે ૩.૬૫ મીટર પહોળાઈના પગથીયા તથા રેલીંગનું કામ રૂ.૪૪૫૬૦૦૦ના ખર્ચે , રૂ. ૬ લાખના ખર્ચે પગથીયાની બન્ને તરફ વચ્ચેના ભાગમાં વિશ્રામ કુટીર, રૂ.૪૪,૭૫,૦૦૦ના ખર્ચે ટેકરીની ઉપરના ભાગમાં ગાર્ડન તથા રમતગમતની રાઈડ, રૂ.૨૫,૬૫,૦૦૦ ના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, રૂ.૩,૪૦,૦૦૦ના ખર્ચે પગથીયા પાસે સેન્ડ સ્ટોનની ડેકોરેટીવ પ્રવેશદ્વાર, રૂ.ર,૦૦,૦૦૦ લાખના ખર્ચે ધ્વજા દંડ શિખર ઉપરનું સ્ટીલ પ્લેટફોર્મ તથા સ્ટીલ સીડી તથા રૂ.૨૧,૫૦,૦૦૦ના ખર્ચે સબમર્શીબલ પંપ, વોટર પંપ, વોટર સ્ટોરેજ ટેન્ક તથા પાઈપ લાઈન તથા રૂ. ૨૧,૫૦,૦૦૦ ના ખર્ચે પાવર સપ્લાયની સુવિધાઓ પુરી પાડવામાં આવશે.


(પારૂલ આડેસરા)