મુંબઈઃ ચંદ્રયાન-3 મિશને ચંદ્રની ધરતી પર દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ભારત માટે ઈતિહાસ સર્જ્યો છે. ઈસરો સંસ્થાના વૈજ્ઞાનિકોએ આ અવકાશયાન રૂ. 615 કરોડમાં બનાવ્યું છે. વાચકોને નવાઈ લાગશે કે આ અવકાશયાન કરતાં બમણી કિંમતે એક કાર વેચવામાં આવી છે. આ સાથે તે દુનિયાની સૌથી મોંઘી કાર બની છે.
આ કાર છે, 1955 મર્સિડીઝ-બેન્ઝ 300 SLR Uhlenhaut Coupe. ગયા વર્ષે કરવામાં આવેલી હરાજીમાં આ કાર રૂ. 1,203 કરોડમાં વેચાઈ હતી. કાર ખરીદનારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ કાર અગાઉ મર્સિડીઝ-બેન્ઝ કંપની પાસે જ હતી.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં પૂરી થયેલી બ્રિક્સ સમિટમાં વડા પ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં PM મોદીએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર જારી ટેન્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો.આ મુલાકાત પછી વિવાદ થયો હતો, કેમ કે ચીનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે જોહાનિસબર્ગમાં બ્રિક્સ શિખર સંમેલનમાં બંને નેતાઓની વચ્ચે થયેલી વાતચીત ભારતની વિનંતીથી થઈ હતી, પણ ભારતે ચીનના દાવાને ફગાવતાં કહ્યું હતું કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને PM મોદીની વચ્ચે દ્વિપક્ષી બેઠક ચીનની વિનંતીથી કરવામાં આવી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયનાં સૂત્રોએ ચીની દાવાઓને ફગાવતાં કહ્યું હતું કે ચીનની તરફથી દ્વિપક્ષી બેઠક યોજવા માટે અરજ કરવામાં આવી હતી. જેને આધારે બંને નેતાઓની વચ્ચે વાતચીત થઈ હતી. જોકે બ્રિક્સ શિખર સંમેલન દરમ્યાન બંને નેતાઓએ લીડર્સ લાઉન્જમાં વાતચીત કરી હતી અને એ વાતચીત બિનસત્તાવાર હતી.
PM મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ હતી, જ્યારે આવતા મહિને G-20 શિખર સંમેલન થવાનું છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે PM મોદીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સંક્ષિપ્ત મુલાકાતમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર જારી ટેન્શન અને એના પર ભારતની ચિંતાઓને લઈને ચર્ચા કરી હતી.
ચીની વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ચીની વિદેશ મંત્રાલયે મુલાકાત વિશે કહ્યું હતું કે બંને નેતાઓએ ચીન-ભારત સંબંધો અને હિતોના અન્ય મુદ્દાઓ પર વિચારો સ્પષ્ટ કર્યા હતા અને ગહન આદાન-પ્રદાન કર્યું હતું.
મુંબઈઃ માતા ગુર્જરીનાં ખોળે ખૂંદનાર ‘ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટીટ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં સાહિત્યકાર શ્રી નર્મદની જન્મજયંતી એટલે “વિશ્વ માતૃભાષા દિવસ”ની ઉજવણી ‘ગુર્જરી ભ્રમણ’ શીર્ષક હેઠળ આયોજિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નાટક તેમજ ગુજરાતી ધારાવાહિકમાં અભિનેતા તરીકે સુપ્રસિદ્ધ થયેલા દેવાંગ કંકાલને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠના સહાયક પ્રાધ્યાપક ડૉ. કવિત પંડ્યાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત, ગુજરાતી ભાષા સાથે વર્ષોથી કાર્યરત પ્રગતિ મિત્ર મંડળ અને સાંઈ સાર્વજનિક સંસ્થાના અનંતભાઈ મહેતા, ગુજરાતી ભાષા ભવનના સંયોજક કિર્તીભાઈ, બાલાશ્રમના સંચાલક રાજેશ ભાઈ, કે.ઈ.એસ.નાં CEO સંગીતા શ્રીવાસ્તવ તેમજ ગુજરાતી પ્રાથમિક વિભાગનાં પ્રાચાર્યા કવિતાબહેન, અંગ્રેજી માધ્યમનાં પ્રાચાર્યા પ્રેરણાબહેન, પૂર્વ પ્રાથમિક વિભાગનાં પ્રાચાર્યા મનીષાબહેન, માધ્યમિક શાળાના ઉપાચાર્યા ક્ષમાબહેન તથા સર્વ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ કાર્યકમમાં ઉપસ્થિતિ આપી હતી.
શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને સમગ્ર હૉલને ગુજરાતી લોકકળા, સાહિત્યકારોની છબીઓ દ્વારા સુશોભિત કર્યો હતો.
માનનીય અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય, વિદ્યાર્થી દ્વારા શ્લોક, શિક્ષકો દ્વારા ઈશ્વર સ્તુતિ અને સ્વાગતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાંઓ દ્વારા ગ્રામ્ય જીવનને જીવંત કરતું અભિનય ગીત, બાળ નાટક રજૂ કરવામાં આવ્યું. અંગ્રેજી માધ્યમના ગુજરાતી બાળકોએ પણ અભિનય ગીત પ્રસ્તુત કર્યું. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાના ઉદ્દભવ પાછળ સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રાચાર્યની કથા, સાહિત્યકાર નર્મદના સર્જન કર્મની વાત તેમજ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક ઉમાશંકર જોશીનું ‘ભોમિયા વિના મારે ભમવા હતા ડુંગરા… ‘ કાવ્યને કી-બોર્ડની ધૂન પર વગાડી બધાને રસ-તરબોળ કર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ‘માતૃભાષા બચાઓ’ શેરી નાટક પ્રસ્તુત કરી માતૃભાષામાં શિક્ષણનું મહત્ત્વ દર્શાવ્યું હતું. ગુજરાતની લોક સંસ્કૃતિને ટિપ્પણી નૃત્ય, ગરબા, રાસડા, દંડદાવ, અભિનય ગીત દ્વારા ઉજાગર કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ દેવાંગ ભાઈએ પોતાના વક્તવ્યમાં શાળાની ભૂતકાલીન સ્મૃતિઓ વાગોળી વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો હતો કે, “હું પણ એક વિદ્યાર્થીમાંથી મુખ્ય અતિથિ બન્યો છું, એમ તમે પણ ખૂબ પ્રગતિ કરી અહીં સુધીની યાત્રા ખેડજો.”
ડૉ. કવિત પંડ્યાએ પોતાના વક્તવ્યમાં મા, માતૃભાષા અને માતૃભૂમિની સતત સેવા કરવાનો સંદેશો આપ્યો હતો. તેમજ માતૃભાષાનું અસ્તિત્વ કદી પણ લુપ્ત નહીં થાય એ શ્રદ્ધા સાથે નિષ્ઠાવાન શિક્ષકોની મહેનતને બિરદાવી હતી. નર્મદની ‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધને યાદ કરી આજે પણ મા, માતૃભૂમિ અને માતૃભાષાના ઉત્કર્ષ માટે સંગઠનની આવશ્યકતા છે અને સમય સાથે આપણે સહુએ તાલ મેળવવો પડશે તો જ તે ટકી શકશે એવો તેમનો દૃઢ મત હતો. બાળકોને મજા પડે એ માટે ‘મને ગર્વ છે હું ગુજરાતી છું’ – સેલ્ફી પોઈન્ટ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ બનાવ્યું હતું. નાના મોટા સહુએ પોતાની સેલ્ફી લઈને ગર્વ અનુભવ્યો હતો. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહૂતી કરવામાં આવી. આમ, વિશ્વ ગુજરાતી ભાષા દિવસ સહુ માટે અનેક સ્મૃતિઓ અને સુખદ સંભારણા સાથે એક તહેવાર સમાન બની ગયો. ખરેખર શાળા બદલાઈ રહી છે, ગુજરાતી માધ્યમના બાળકો સંસ્કાર, સંસ્કૃતિના સંવર્ધનમાં કે અન્ય કોઈ ક્ષેત્રમાં પાછળ નથી એની અનુભૂતિ થયા વગર રહી નહીં.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પોતાના યો-યો ટેસ્ટનો સ્કોર ફેન્સને બતાવવો ભારે પડી ગયો છે. તેની આ ભૂલને કારણે ટીમ ઇન્ડિયાને BCCIની ફટકારનો સામનો કરવો પડ્યો હતો. એશિયા કપથી પહેલાં બેંગલુરુના અલુરમાં ટીમ ઇન્ડિયાનો કેમ્પ લાગ્યો છે. જ્યાં બધા ક્રિકેટરે યો-યો ટેસ્ટ દેવો ફરજિયાત છે. કિંગ કોહલીએ આ ટેસ્ટમાં 17.2 સ્કોર હાંસલ કર્યો હતો અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સની સાથે આ સ્કોર શેર કર્યો હતો.
વિરાટ કોહલીની આ હરકત પછી BCCIએ અન્ય ક્રિકેટરોને આવું કરવાથી અટકાવ્યા હતા અને યો-યો ટેસ્ટનો સ્કોર જાહેર રીતે શેર કરવો એ કોન્ટ્રેક્ટની કલમોનું ઉલ્લંઘન જણાવ્યું હતું.વિરાટ દ્વારા યો-યો ટેસ્ટનો સ્કોર શેર કર્યા પછી અન્ય ક્રિકેટરોને ટીમ મેનેજમેન્ટ દ્વારા યો-યો ટેસ્ટનો સ્કોર જાહેર કરવાની મનાઈ ફરમાવી હતી, એમ ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ કહે છે. આ અહેવાલ અનુસાર આ આદેશ BCCIના ટોચના મેનેજમેન્ટ તરફથી આવ્યો હતો, જેમને સ્ટાર ક્રિકેટરોખાનગી માહિતી જાહેર કરે એ પસંદ નથી.
આ બાબતથી વાકેફ એક BCCI સૂત્રએ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે ક્રિકેટરોને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ ખાનગી મામલાને પોસ્ટ કરવાથી બચવા માટે મૌખિક રૂપે સૂચિત કરવામાં આવ્યા છે. તેઓ તાલીમ દરમ્યાન ફોટો પોસ્ટ કરી શકે છે, પરતું સ્કોર પોસ્ટ કરવો એ કરારની શરતોનું ઉલ્લંઘન છે, એમ BCCIના અધિકારીએ કહ્યું હતું. એશિયા કપ-2023થી પહેલાં ભારતીય ક્રિકેટરોએ ગુરુવારે ફિટનેશ ડ્રિલ્સની આકરી મહેનત કરી હતી, જેમાં યો-યો ટેસ્ટ પણ સામેલ હતી.
ચેન્નાઈઃ ચેસની રમતમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક ભારતીય ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યું છે. આ યાદીમાં નવું નામ ઉમેરાયું છે, 18 વર્ષીય આર. પ્રજ્ઞાનંદ. અઝરબૈજાનના બાકુ શહેરમાં રમાઈ ગયેલી ચેસ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રજ્ઞાનંદ નોર્વેના પાંચ વખત વિશ્વવિજેતા બની ચૂકેલા મેગ્નસ કાર્લસન સામે રમ્યો હતો. એમાં તે હારીને રનર-અપ રહ્યો હતો, પરંતુ આ સગીર વયના ગ્રેન્ડમાસ્ટરના દેખાવે દુનિયાભરના લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
ભારતીય ગ્રેન્ડમાસ્ટર વિશ્વનાથ આનંદે પણ પ્રજ્ઞાનંદનાં વખાણ કર્યા છે. આનંદનું કહેવું છે કે હાલની પેઢી ભારતીય ચેસની સુવર્ણ પેઢી છે. આનંદ પોતે 2000 અને 2002ની સાલમાં વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા હતા.
આનંદે એક સાપ્તાહિકને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે આપણા દેશમાં અનેક ખેલાડીઓના ELO રેટિંગમાં 2,700થી વધારે છે. 20 વર્ષથી ઓછી વયનાં ખેલાડીઓને આટલું સરસ ચેસ રમતાં જોઈને મને આનંદ થાય છે. આ ખેલાડીઓ સુવર્ણ પેઢીના છે. આવું કંઈ વારંવાર બનતું નથી એટલે તેઓ વાસ્તવમાં વિશેષ ખેલાડીઓ છે.
અમદાવાદઃ રખડતા ઢોરના વધતા ત્રાસ અને હુમલાઓને લઈને હાઇકોર્ટ દ્ધારા ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકારે રખડતા ઢોર અંગે નિયમો જાહેર કર્યા છે. હાઇકોર્ટની વારંવાર ફટકાર બાદ આખરે રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ઢોર રાખવા અને રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે કડક નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર મનપા અને નપામાં ઢોર રાખવા માટે પશુપાલકે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત ઢોર રસ્તા પર રખડતા દેખાશે તો તેના માલિક પાસેથી રૂ. 1000થી લઈ રૂ. 10,000 સુધીનો દંડ વસૂલવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત મહાનગરપાલિકા તેમ જ નગરપાલિકાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. મંજૂરી માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર જો રસ્તા પર જો ઘોડા રખડતા પકડાશે તો રૂ. 3000નો દંડ થશે. તેવી જ રીતે ગધેડા, ઘેટાં-બકરાં અને ડુક્કર (ભૂંડ) રખડતાં પકડાશે તો રૂ. 1000નો દંડ વસૂલવામાં આવશે.
રખડતા ઢોરોને નિયંત્રણમાં રાખવા માટે માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ તૈયાર કરવા 10 સભ્યોની કમિટીને જવાબદારી સોંપવામાં આવી હતી. તમામ પાસાંઓના વિચારણાની અંતે રાજ્ય સરકારે રખડતા ઢોર માટે માટે એક સર્વમાન્ય માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમા હવે મહાનગરપાલિકા ઉપરાંત નગરપાલિકાઓમાં ઢોરનું રજિસ્ટ્રેશન કરી લાયસન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પશુઓની ઓળખ કરી શકાય તે માટે ચિપ અને ટેગ પણ લગાવવાં પડશે.
Big!
✅રાજ્ય સરકારે રખડતા ઢોર અંગે માર્ગદર્શિકા કરી જાહેર!
સરકારની નવી ગાઇડલાઇન અનુસાર, રોડ પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને જો રજિસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
નવા નિયમો અનુસાર મનપા લાયસન્સ અને નોંધણી પેટે સરકાર રૂપિયા 750 ઉઘરાવશે. સાથે દર ત્રણ વર્ષે પશુઓના લાયસન્સ અને નોંધણી રિન્યુ કરવવાં પડશે. જો પકડાયેલા પશુઓ માલિક નહિ છોડાવે તો દુધાળા પશુઓની હરાજી કરવામાં આવશે. પશુ પકડવાની ટીમમાં સ્થાનિક પોલીસનો સમાવેશ કરવામાં આવશે. પશુ પકડવાની કામગીરીમાં અડચણ કરનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરાશે. જે પશુ માલિકો પાસે જગ્યા નહિ હોય તેમને પશુઓ શહેરની બહાર લઈ જવા પડશે. રખડતાં પશુઓના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મેડિકલ પંચ (NMC)એ હાલમાં ડોક્ટરો માટે જેનેરિક દવાઓ લખવી ફરજિયાત કરી હતી, પરંતુ હવે પંચે આ નિર્ણય પર તત્કાળ અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. હવે ડોક્ટરો જેનેરિક દવાઓ સિવાય અન્ય દવાઓ પણ પ્રિસ્ક્રાઇબ કરી શકશે.
આ સાથે IMA અને IPAએ કહ્યું હતું કે ડોક્ટરોને ફાર્મા કંપનીઓ દ્વારા પ્રાયોજિત સંમેલનોમાં ભાગ લેવા માટે રોકવાવાળા નિયમ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. એમણે એ પણ માગ કરી હતી કે સંગઠનોએ NMCના દિશા-નિર્દેશોના દાયરામાંથી રાહત અપાવવી જોઈએ.
આ સંબંધે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA), ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિયેશન (FORDA) એ કેન્દ્ર સરકાર અને આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાનો સંપર્ક સાધ્યો હતો, જે પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વાસ્તવમાં ડોક્ટર્સ NMCના RMP રેગ્યુલેશન, 2023નો વિરોધ કરતાં કહ્યું હતું કે ભારતમાં જેનેરિક દવાઓની ગુણવત્તા યોગ્ય નથી અને આ પ્રકારના નિયમોથી દર્દીઓના જીવને જોખમ થઈ શકે છે.
The NMC puts on hold regulations that made it mandatory for doctors to prescribe generic drugs and barred them from accepting gifts from pharma companies or endorsing any drug brands
NMCએ એક નોટિફિકેશનમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય મેડિકલ પંચ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર નિયમ, 2023ને તત્કાળ અસરથી સ્થગિત કરવામાં આવે છે. રાષ્ટ્રીય મેડિકલ પંચ દ્વારા આગામી નોટિફિકેશન જારી થવા સુધી આ નિયમ અમલમાં નહીં આવે.
જેનેરિક દવાઓ અને અન્ય દવાઓ વચ્ચે ભેદને હોવા વિશે તેમણે કહ્યું હતું કે બ્રાન્ડેડ જેનેરિક દવાઓ બનાવતી કંપનીઓ ઊંચા નફાના માર્જિન તો રાખે છે, પણ આ કંપનીઓ USFDAની પ્રક્રિયાનું પાલન નથી કરતી. વળી, આ કંપનીઓ ભારતના વધુ હળવા ‘શિડ્યુલ M’ના નિયમોનું પણ પાલન નથી કરતી.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 73 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,859 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,927 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,63,424 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 48 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1508એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 33,847 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,66,383 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1981 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
ધર્મને વ્યાખ્યાન્વિત કરવો હોય તો કદાચ સમગ્ર પૃથ્વી પર કાગળ પાથરી દઈએ તો પણ ઓછો પડે. વિવિધ જગ્યાઓ પર ધર્મની વિવિધ વ્યાખ્યાઓ જોવા મળે છે. તો ક્યારેક વિચાર આવે પણ ખરો કે ધર્મની સાચી વ્યાખ્યા કઈ હોઈ શકે? એનું મુખ્ય કારણ એ છે કે કેટલીક જગ્યાએ વ્યક્તિગત વિચારો તો કેટલીક જગ્યાએ સામુહિક વિચારો પણ જોવા મળે છે. મજાની વાત એ છે કે જે લોકો વધારે વિચારે છે એમને જ આવા સવાલો વધારે થાય છે. ધર્મ એટલે શું? સામાન્ય રીતે વિચાર કરીએ તો માનવ જાતિને માટે રચાયેલા એવા નિયમો જે વ્યક્તિ અને સમાજનું ઉત્થાન કરે? તેથીજ કદાચ વિશ્વના સર્વ પ્રથમ ધર્મને કોઈ નામ નહિ આપવામાં આવ્યું હોય. જે વિચારો અને નિયમો સમગ્ર માનવ જાતી માટે રચાયા હોય એને કોઈ વાડામાં તો ન જ રખાય ને? પણ મારી રીતે જો ધર્મે વિચારું તો એવું કહી શકાય કે જેવો વ્યવહાર કોઈ આપણી સાથે કરે અને આપણને ન ગમે એવો વ્યવહાર આપણે અન્ય સાથે ન કરીએ એ ધર્મ.
મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: કેટલાક સમયથી મને ખુબ ડર લાગ્યા કરે છે. રાત્રે અચાનક ઝબકીને જાગી જાઉં છું. નકારાત્મક વિચારો આવે છે. કેટલીક માન્યતાઓના લીધે એવું લાગે છે કે આવું નહિ કરું તો મારું શું થશે? પાછો વિચાર આવે છે કે આપણા વડવાઓ અને ઈશ્વર એ કારણ વિના આપણું ખોટું તો ન જ કરે. તમારા પર વિશ્વાસ છે કે તમે સાચી સલાહ આપશો. તો આવી બાબતોને કેવી રીતે લેવી જોઈએ?
જવાબ: કોઈ પણ શાસ્ત્રો કે નિયમો કોઈને ડરાવવા માટે નથી રચાયા. એનો મૂળ ઉદ્દેશ્ય માનવ જાતિને કોઈ ને કોઈ રીતે મદદ કરવાનો જ રહ્યો છે. તેથી કોઈ પણ એવી બાબત જે જીવનની ઉર્જા સાથે જોડાયેલી છે એને સમજવી જરૂરી છે. એનાથી ડરવાનો કોઈ અર્થ નથી. વળી ડરવાથી તમને પણ કોઈ ફાયદો થવાનો નથી. ઈશ્વર એ તત્વ છે. એ કોઈને શું કામ રંજાડે? અને વડવાઓ? ખોટી ભ્રમણાઓથી ગભરાવાની જરૂર નથી. ઈશ્વરમાં શ્રદ્ધા કેળવો, સત્કર્મો કરો અને શાસ્ત્રોને સાચી રીતે સમજો. સવારે વહેલા ઉઠો, વડીલોને સન્માન આપો અને પ્રાણાયામ કરો.
સવાલ: સર, મારે લગ્ન કરવા છે પણ લગ્ન થતા નથી. મને કોઈએ એવું કહ્યું છે કે મારો ભાગ્યોદય લગ્ન પછી જ થશે? મારે કશુક કરવું છે પણ જો લગ્ન પછી જ ભાગ્યો હોય તો અત્યારે કાઈ કરવાનો અર્થ ખરો? વળી જો લગ્ન ન થાય તો મારું શું થશે?
જવાબ: તમારો પ્રશ્ન અટપટો છે. તમારે માત્ર ભાગ્યોદય માટે જ લગ્ન કરવા છે? તો ન જ કરો. તમને જયારે લગ્ન કરવાની ઈચ્છા જાગે ત્યારે લગ્ન કરવા જોઈએ. જો લગ્ન ન થાય તો? એવો સવાલ જ દર્શાવે છે કે તમને તમારી આવડત પર ભરોસો નથી. કેટલાય એવા લોકો છે જેમણે લગ્ન નથી કર્યા પણ સફળ છે. તેથીજ આત્મવિશ્વાસ કેળવો. તમારી આવડત પ્રમાણે ખંતથી કામ શરુ કરો. સવારે વહેલા ઉઠી અને સૂર્યને જળ ચડાવો. ગાયત્રી માત્ર સાચી રીતે કરો. મહામૃત્યુંન્જય મંત્ર યોગ્ય રીતે કરો.