Home Blog Page 2579

કમોસમી વરસાદ અને ખાદ્ય ફુગાવાએ RBIની ચિંતા વધારી

જુલાઈ મહિનામાં, છૂટક ફુગાવાનો દર 15 મહિનાના ઉચ્ચ સ્તરે છે, જ્યારે ખાદ્ય ફુગાવાનો દર 2020 પછી 11.51 ટકાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. જુલાઈ-ઓગસ્ટમાં લીલા શાકભાજીના ભાવમાં થયેલા વધારાથી RBIની ચિંતા વધી ગઈ છે. આરબીઆઈ ગવર્નરની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિએ અલ નીનો અને અસમાન વરસાદને કારણે ઊભા થયેલા પડકારો પર નજીકથી નજર રાખવાની હિમાયત કરી છે. 8 થી 10 ઓગસ્ટ 2023 ના રોજ યોજાયેલી RBI MPCની બેઠકની મિનિટ્સ જારી કરવામાં આવી છે અને ત્યાંથી આ બાબતો બહાર આવી છે.

આરબીઆઈની એમપીસીની બેઠકમાં, સમિતિના તમામ સભ્યોએ 6.50 ટકાના રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવા પર તેમની સંમતિ દર્શાવી હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક તણાવનું જોખમ યથાવત છે તેમજ અસમાન હવામાનની અસર કૃષિ પેદાશો પર પડી શકે છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કોમોડિટીના ભાવમાં વધારો અને પુરવઠામાં વિક્ષેપને કારણે ઊર્જાના ભાવમાં વધારો થવાનું જોખમ છે, જે સ્થાનિક ભાવની સ્થિરતાને પડકારી શકે છે.

જૂન-જુલાઈમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે, જે મોસમી વલણ કરતાં વધુ છે અને તાજેતરના વર્ષોમાં તેમાં સૌથી તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે ટામેટાંના ભાવમાં 326 ટકાનો વધારો થયો છે. રાજીવ રંજન અનુસાર, ખરીફ પાકની વાવણી વધી છે પરંતુ શાકભાજી તેમજ અનાજ, કઠોળ અને મસાલાના ભાવમાં વધારો ચિંતાનું કારણ છે અને તેના પર નજર રાખવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે અસમાન વરસાદ અને અલ નીનોની અસર, આગામી બે મહિના માટે વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવમાં અસ્થિરતાને કારણે સ્થાનિક ખાદ્ય ચીજોમાં સ્થિરતાનો દૃષ્ટિકોણ અનિશ્ચિત છે.

સંરક્ષણ મંત્રાલયે ઓપરેશનલ ક્ષમતા વધારવા માટે 7,800 કરોડની દરખાસ્તોને મંજૂરી આપી

સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળોની કાર્યકારી ક્ષમતાઓને વધારવા માટે લગભગ રૂ. 7,800 કરોડની દરખાસ્તોને મંજૂરી આપી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ ગુરુવારે અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ગુરુવારના રોજ યોજાયેલી સંરક્ષણ સંપાદન પરિષદની બેઠકમાં સંરક્ષણ પ્રાપ્તિ સંબંધિત દરખાસ્તોને આવશ્યકતાની સ્વીકૃતિ આપવામાં આવી હતી.

હેલિકોપ્ટર માટે ઈલેક્ટ્રોનિક વોરફેર સૂટ ખરીદવામાં આવશે

ભારતીય વાયુસેનાની કાર્યક્ષમતા વધારવા માટે, DAC એ Mi-17 V5 હેલિકોપ્ટર પર ઇલેક્ટ્રોનિક વોરફેર (EW) સ્યુટની સ્થાપના અને પ્રાપ્તિને મંજૂરી આપી હતી. (ભારતીય-IDDM) પ્રાપ્તિ શ્રેણી હેઠળ મંજૂરી આપવામાં આવી હતી. આનાથી હેલિકોપ્ટરની અસ્તિત્વમાં વધારો થશે. EW સૂટ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) પાસેથી ખરીદવામાં આવશે.

આ પાયદળ અને આર્મર્ડ રેજિમેન્ટ માટે ખરીદવામાં આવશે

DAC એ માનવરહિત દેખરેખ, દારૂગોળાની લોજિસ્ટિક ડિલિવરી, બળતણ અને સ્પેર અને યુદ્ધક્ષેત્રના અકસ્માત ખાલી કરાવવા જેવા વિવિધ મિશન કરવા માટે યાંત્રિક પાયદળ અને આર્મર્ડ રેજિમેન્ટ્સ માટે જમીન આધારિત સ્વાયત્ત સિસ્ટમની પ્રાપ્તિ માટે AoN પણ પ્રદાન કર્યું છે. DAC દ્વારા 7.62×51 mm લાઇટ મશીન ગન (LMG) અને બ્રિજ લેઇંગ ટેન્ક (BLT) ની પ્રાપ્તિ માટેની દરખાસ્ત પણ આગળ મોકલવામાં આવી છે. એલએમજીના ઇન્ડક્શનથી પાયદળ દળોની લડાઈ ક્ષમતામાં વધારો થશે, જ્યારે બીએલટીનો સમાવેશ યાંત્રિક દળોની હિલચાલને વેગ આપશે.

તમામ ખરીદી સ્વદેશી વિક્રેતાઓ પાસેથી કરવામાં આવશે

AON ને પ્રોજેક્ટ શક્તિ હેઠળ ભારતીય સેના માટે ટકાઉ લેપટોપ અને ટેબલેટની પ્રાપ્તિ માટે પણ પ્રદાન કરવામાં આવ્યું છે. આ તમામ ખરીદી માત્ર સ્વદેશી વિક્રેતાઓ પાસેથી જ કરવામાં આવશે. DAC એ ભારતીય નૌકાદળના MH-60R હેલિકોપ્ટરની ઓપરેશનલ ક્ષમતાને વધારવા માટે પ્રાપ્તિ માટે AoN પણ પુરસ્કાર આપ્યો છે.

ચંદ્રયાન-3 પૃથ્વી પર પાછું ફરશે કે નહીં?

ચેન્નાઈઃ ચંદ્રયાન-3 માટે આવતા 14 દિવસ ખૂબ મહત્ત્વના છે. ગઈ કાલે ચંદ્રમાની ધરતી પર દક્ષિણ ધ્રુવ બાજુએથી સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ હવે સૌની નજર પ્રજ્ઞાન રોવર પર છે. બધી જ પરિસ્થિતિ સામાન્ય થયા બાદ તે ચંદ્રની ધરતી પર ચાલવાનું શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, વિક્રમ લેન્ડરની અંદર મૂકવામાં આવેલું રોવર પ્રજ્ઞાન હવે બહાર આવી ગયું છે.

(તસવીર સૌજન્યઃ ઈસરો)

રોવર અને લેન્ડર તરફથી ઈસરોના વૈજ્ઞાનિકોને જે માહિતી મળશે તે આવતા 14 દિવસ માટે જ હશે. કારણ કે ચંદ્ર ગ્રહને આ સમયગાળા દરમિયાન પૂર્ણ પ્રકાશ મળશે. લેન્ડર અને રોવર આ 14 દિવસમાં સંપૂર્ણપણે સક્રિય રહીને ઈસરો મુખ્યાલયને માહિતી મોકલશે.

14 દિવસ પછી ચંદ્ર પર રાત થશે. તે રાત એક દિવસની નહીં હોય પણ 14 દિવસોની હશે. રાત પડતાં જ ચંદ્ર પર અતિશય ઠંડી પડે છે. વિક્રમ અને પ્રજ્ઞાન માત્ર પ્રકાશમાં જ કામ કરી શકે છે. તેથી 14 દિવસો બાદ તે નિષ્ક્રિય થઈ જશે. ઈસરોના વૈજ્ઞાનિકોએ સૂરજ ઊગ્યા બાદ ચંદ્રમા પર વિક્રમ અને પ્રજ્ઞાન દ્વારા કામ કરવાની શક્યતાને નકારી નથી. ધારો કે 14 દિવસ બાદ પણ વિક્રમ અને પ્રજ્ઞાન સલામત રહીને કામ કરશે તો ભારતના ચંદ્ર-મિશન માટે એ બોનસ સાબિત થશે.

શું ચંદ્રયાન-3 પૃથ્વી પર પાછું આવી જશે?

ચંદ્રયાન-3 પૃથ્વી પર પાછું આવી જાય એવું લાગતું નથી. એવું બની શકે કે વિક્રમ અને પ્રજ્ઞાન કામ કરી શકશે નહીં, પરંતુ તે ચંદ્ર પર જ રહેશે. ચંદ્રયાન-3નું કૂલ વજન 3,900 કિલોગ્રામ છે. પ્રોપલ્શન મોડ્યૂલનું વજન 2,148 કિલો અને લેન્ડર મોડ્યૂલનું વજન 1,752 કિલો છે. પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર રાસાયણિક સંરચના, માટી અને ખડકોની ચકાસણી કરશે. તે ધ્રુવીય ક્ષેત્ર નજીક ચંદ્રની સપાટી પર આયર્ન અને ઈલેક્ટ્રોન્સના ઘનત્વ તથા થર્મલ ગુણોનું પરીક્ષણ પણ કરશે. ચંદ્રના આ ભાગ પર આજ સુધી કોઈ દેશનું અવકાશયાન જઈ શક્યું નથી. આ પહેલી જ વાર ભારતીય યાન પહોંચ્યું છે.

ફિલ્મ એવોર્ડસ 2023: અલ્લુ અર્જુન-બેસ્ટ એક્ટર, આલિયા ભટ્ટ, કૃતિ સેનન-બેસ્ટ એક્ટ્રેસ

નવી દિલ્હીઃ 69મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની ઘોષણા થઈ ચૂકી છે.  આ વર્ષે નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘ગંગુબાઇ કાઠિયાવાડી’, ‘RRR’ અને ‘સરદાર ઉધમ’ જેવી ફિલ્મોનો દબદબો રહ્યો છે. આલિયા ભટ્ટ, કૃતિ સેનનને સંયુક્ત રપે બેસ્ટ એક્ટર ફીમેલ અને અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટર મેલનો એવોર્ડ મળ્યો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ડિરેક્ટોરેટે આ ફિલ્મ ફેસ્ટિવલ વિશે કહ્યું હતું કે નેશનલ ફિલ્મ એવોર્ડ્સનો ઉદ્દેશ ટેક્નિક, એસ્થેટિક અને સોશિયલ રેલેવન્સને પ્રોત્સાહિત કરવાનો છે.  વર્ષ 2023માં એવોર્ડ્સ –ખાસ કરીને વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મોને સામેલ કરવામાં આવી છે.

આ વખતે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-2023ની જ્યુટીમાં યતેન્દ્ર મિશ્રા, કેતન મહેતા, નીરજ શેખર, વસંત સાંઈ અને નાનુ ભસીન સામેલ છે, જેમાં 31 ફીચર, 24 નોન ફીચર ને ત્રણ કેટેગરી બેસ્ટ રાઇટિંગ કેટેગરીમાં આ એવોર્ડ્સ આપવામાં આવ્યા છે.

વિક્કી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ’ અને માધવનની ‘રોકેટ્રી-ધ નમ્બી ‘ઇફેક્ટને બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ પસંદ કરવામાં આવી છે. તે

બેસ્ટ અભિનેતા: અલ્લુ અર્જુન- પુષ્પા ધ રાઇઝિંગ

બેસ્ટ અભિનેત્રી: આલિયા ભટ્ટ- ગંગુબાઈ કાઠિયાવાડી અને ક્રિતી સેનન-મિમી

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: પંકજ ત્રિપાઠી -મિમી

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: પલ્લવી જોશી-ધ કાશ્મીર ફાઇલ્સ

બેસ્ટ ફીચર ફિલ્મઃ ‘રોકેટ્રી – ધ નામ્બી ઈફેક્ટ’

બેસ્ટ ડિરેક્ટર : નિખિલ મહાજન-ગોદાવરી ધ હોલી વોટર

બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ ‘સરદાર ઉધમ’

બેસ્ટ હિન્દી ફિલ્મ – ‘સરદાર ઉધમ સિંહ’

બેસ્ટ ચિલ્ડ્રન મૂવી: ‘ગાંધી એન્ડ કંપની’

બેસ્ટ બાળ કલાકારઃ ભાવીન રબારી -છેલ્લો શો

બેસ્ટ ગુજરાતી ફિલ્મ – ‘છેલ્લો શો’

બેસ્ટ મરાઠી ફિલ્મ – ‘એકદા કાયજાલાબેસ્ટ’

બેસ્ટ મલયાલમ ફિલ્મ – ‘હોમ’

બેસ્ટ તેલુગુ ફિલ્મ – ‘ઓપન્ના’

બેસ્ટ સંગીત નિર્દેશક – એમ.એમ કિરવાણી-RRR, દેવીશ્રી પ્રસાદ (પુષ્પા)

બેસ્ટ લિરિક્સ : ચંદ્ર બોઝ-કોંડા પોલમ

બેસ્ટ એડિટિંગ – સંજય લીલા ભણસાલી- ગંગુબાઈ કાઠિયાવાડી

બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર – શ્રેયા ઘોષાલ

બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ કાલા ભૈરવ-RRR

બેસ્ટ કોરિયોગ્રાફીઃ પ્રેમ રક્ષિષ્ઠ-RRR

સ્પેશિયલ જ્યુરી એવોર્ડ: વિષ્ણુ વર્ધન-શેરશાહ

બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ : વી. શ્રીનિવાસ મોહન-RRR

 

 

આઇસી15 ઇન્ડેક્સમાં 602 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં અનેક દિવસો બાદ ગુરુવારે વૃદ્ધિનો માહોલ સર્જાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.77 ટકા (602 પોઇન્ટ) વધીને 34,689 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,086 ખૂલીને 35,168ની ઉપલી અને 33,859 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના શિબા ઇનુ સિવાયના તમામ કોઇન વધ્યા હતા, જેમાં ટોચના વધેલા કોઇન સોલાના, કાર્ડાનો, બીએનબી અને બિટકોઇન વધ્યા હતા.

દરમિયાન, બાઇનાન્સે બ્રાઝિલમાં ક્રીપ્ટોકરન્સીથી પેમેન્ટ કરી શકાય એવું બાઇનાન્સ પે નામનું પેમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. બીજી બાજુ, ચીને બ્લોકચેઇન ટેક્નોલોજીથી સજ્જ નવા ડેટા એક્સચેન્જનો પ્રારંભ કર્યો છે.

ભારતના ચંદ્રયાન-3 મિશનનો દક્ષિણ આફ્રિકામાં પડઘો, PM અખબાર વાંચતા જોવા મળ્યા

ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતા પર વિશ્વભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. PM નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ત્યાં પણ ભારતનો ઈતિહાસ રચવા બદલ અભિનંદન મળી રહ્યા છે. દરમિયાન, પીએમ મોદીની એક તસવીર સામે આવી છે જેમાં તેઓ દક્ષિણ આફ્રિકાનું એક અખબાર વાંચી રહ્યા છે જેની હેડલાઇન ભારતના ચંદ્રયાન-3 મિશન પર છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે દક્ષિણ આફ્રિકાના અખબારની હેડલાઇન વાંચતા પીએમ મોદીની આ તસવીર શેર કરી હતી. જેમાં પીએમ અખબાર વાંચીને હસતા હોય છે. દક્ષિણ આફ્રિકાના અખબારે અંગ્રેજીમાં હેડલાઈન લખી છે – “India’s Modi out of this world.” પીએમ મોદી સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા પણ જોવા મળી રહ્યા છે.

ચંદ્રયાન-3 મિશન પર અભિનંદન

બુધવારે, જ્યારે ભારતનું ચંદ્રયાન-3 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરી રહ્યું હતું, ત્યારે પીએમ મોદી દક્ષિણ આફ્રિકાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇવેન્ટના લાઇવ ટેલિકાસ્ટ સાથે જોડાયેલા હતા. દક્ષિણ આફ્રિકાના અખબારે સફળ મિશન માટે ભારતને અભિનંદન આપતાં ISRO અને PMની પ્રશંસા કરી છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ પણ બની ગયો છે. ચંદ્રયાન 3 બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર સોફ્ટ-લેન્ડ થયું કે તરત જ પીએમ મોદીએ જોહાનિસબર્ગથી ઈસરોના વડા એસ સોમનાથને ફોન કર્યો અને તેમને અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા.

પીએમ મોદીએ માનવજાતની સફળતા કહી

જોહાનિસબર્ગમાં 15મી બ્રિક્સ સમિટમાં ચંદ્રયાન-3 મિશનની સફળતા અંગે પીએમ મોદીએ કહ્યું કે અમારા માટે ગર્વની વાત છે કે આ સફળતાને દેશની મર્યાદિત સફળતા તરીકે નહીં પરંતુ માનવજાતની મહત્વપૂર્ણ સફળતા તરીકે સ્વીકારવી જોઈએ. થતો હતો. વૈશ્વિક નેતાઓનો આભાર માનતા પીએમએ કહ્યું કે ભારતનો અવકાશ કાર્યક્રમ હંમેશા વિશ્વના કલ્યાણ માટે શક્ય તેટલું બધું કરશે.

માતૃભાષાનું સ્થાન કોઈ ન લઈ શકે, જાગશો તો જ્ઞાનની સવાર પડશે!

માતૃભાષા એટલે…
*
જે ભાષાના શબ્દો જન્મતાવેંત કર્ણપટલ પર પડે તે
*
જેના શબ્દોથી માનવમાં વાત્સલ્ય અનુભવાય તે
*
જેના શબ્દો આપત્તિ વખતે સહજતાથી ઉચ્ચારાઈ જાય તે
*
જેના શબ્દોથી પોતીકાપણું અનુભવાય તે
*
જેના શબ્દોમાં વ્યક્ત થયેલ પ્રેમથી રોમરોમ પુલકિત થવાય તે
*
જેનો સાહિત્ય સ્પર્શ હૃદયને આર્દ્ર અને સુસંસ્કૃત બનાવે તે
*
જેનાથી સર્વાંગીણ વિકાસ થાય તે
*
જેનું વિસ્મરણ કરવા ચાહો તો પણ જે વિસ્મૃત થાય તે

આ સર્વ લાક્ષણિકતાઓ જે કોઈ ભાષા ધરાવતી હોય તે કેવળ માતૃભાષા જ હોઈ શકે.

શિક્ષણ એટલે અંતર્ગત સુષુપ્ત ગુણોને પ્રગટ કરે તે. શિક્ષણ પ્રાપ્તિના માધ્યમ અનેક હોય પણ મુખ્ય છે ઘર અને શાળા. જન્મીને તરત મળે છે ઘર. ઘરમાં બોલચાલની જે ભાષા હોય તે બાળક શીઘ્ર ગ્રહણ કરે. તે ભાષામાં થતો બધો સારો નરસો વ્યવહાર બાળકને ઘડે. તેથી પાપા પગલી માંડતાં જ તેનું શિક્ષણ શરૂ થઈ જાય. પછી શાળાએ જતાં ચાર પાંચ કલાક જે ભાષાનું પ્રત્યાયન (communication) એના કર્ણપટલ પર સતત થતું રહે તે ભાષા તેને પોતીકી લાગવા માંડે. સાથે સાથે તે ભાષા દ્વારા તેના જાગૃત અને અજાગૃત મન પર પરિણામ થવા લાગે; તેથી ઘર અને શાળા બંને સ્થળોએ જો એક જ ભાષા વપરાતી હોય તો તેને ગ્રહણ કરવામાં બાળક સરળતા, સુગમતા અનુભવે. તેથી તે ભાષામાં થતો બધો વ્યવહાર બાળક શીઘ્રાતિશીઘ્ર ગ્રહણ કરવા લાગે. પણ બંને સ્થળોએ થતા અલગ અલગ ભાષા વ્યવહારને કારણે તેના મન બુદ્ધિને ગ્રહણ કરવામાં શ્રમ પડવા લાગે. સર્જનહારે માનવીને આપેલી ભેટ એવી બુદ્ધિના અનેક કાર્યો છે. તેમાં સ્મૃતિ શક્તિનું પણ સ્થાન છે. તેથી માતૃભાષામાં મળતું શિક્ષણ સહજગ્રાહી હોવાથી વધુ પરિણામગામી બને એ નિ:શંક વાત છે.

જન્મના અઢી વરસ બાદ

જન્મ બાદ અઢી વર્ષ સુધીમાં ઘર પરિવારની ભાષા તે સ્વીકારીને અને તેના કેટલાક શબ્દો શીખીને સમજવા લાગે એ જ વયમાં અન્ય ભાષા કાનપર પડતાં તેની વાણીમાં મૂંઝવણ અને બુદ્ધિમાં અવઢવ ઉત્પન્ન થવા લાગે; તેથી સંતાનના સર્વાંગી વિકાસ માટે મન વચન અને બુદ્ધિમાં સંશુદ્ધિ અને એકવાક્યતા હોવાં અનિવાર્ય છે. માતૃભાષા જ એ લાવવામાં સહાયક બની શકે. સહજ પ્રાપ્ય પુસ્તકો દ્વારા તે પોતાને ઉત્તમ, ચરિત્રવાન, વિવેકી, નમ્ર, સુસંસ્કૃત નાગરિક બનાવી શકે.
મૂળભૂત વિચારણીય પ્રશ્ન એ છે કે અત્યારે જ્યારે પાણી બચાવવા માટે કોશિશ, વિચારણા, ચિંતા થઈ રહ્યા છે ત્યારે હવાડામાં જ્યાંથી પાણી આવવાનું છે તે કૂવામાં પહેલાં પાણી છે ખરું? કૂવાને સભર થઈ હવાળા સુધી પાણી પહોંચાડવાની તત્પરતા છે ખરી? :જાગ્યા ત્યાંથી સવાર’ ભલે કહેવત હોય ;પણ હવે તો સંધ્યા થવા આવી છતાં અંધારું થયું નથી એટલે હજી ખૂણે ખાંચરે થતા વિવિધ પ્રામાણિક પ્રયત્નો બહુ સંખ્યક વસ્તીવાળા માતૃભાષી વિસ્તારમાં વેકેશન દરમિયાન યોજાતી હજારો શિબિરો ઉપરાંત વિવિધ ભાષા સંસ્થાઓના પ્રયાસો દ્વારા આજની ગૃહસ્થાશ્રમની પેઢી સુધી તો કદાચ માતૃભાષા ટકી જશે પણ પછીની પેઢી માટે વિચાર કરવામાં વિલંબ  થયેલો ભાસે છે છતાં આશા અમર છે.

જવાબદાર કોણકોણ

માતૃભાષાની પકડ ઢીલી કરવામાટે જવાબદાર માધ્યમો – શાળા, સંચાલક, વાલી,સરકાર, પ્રસાર માધ્યમો માની શકાય. માતૃભાષામાં શિક્ષણના અભાવે બાળકોએ પોતાની ભાષામાં સાહિત્ય વૈભવ અને સંસ્કૃતિ સમૃદ્ધિથી વંચિત રહેવું પડે છે. જીવનમાં આદર્શો, નૈતિક મૂલ્યોની વાવણી ન થવાથી લણણી સમયે પસ્તાવા સિવાય કંઈ હાથમાં આવતું નથી. શાળાકાળ દરમિયાન શીખવવામાં આવતા માતૃભાષાના ઉત્તમ ગદ્યપદ્યથી પ્રાપ્ત થતાં માતૃપ્રેમ, રાષ્ટ્રપ્રેમ પારિવારિક ભાવના, જીવ દયા, શૌર્ય, જીવનનું લક્ષ્ય વગેરે સંસ્કારલક્ષી જ્ઞાનનો છેદ ઊડી જતાં અન્ય અનેક પ્રશ્નો ઊભા થઈ જાય છે. વૃદ્ધાશ્રમોની ભરમાર, સ્વાતંત્ર્યને નામે થતાં આંદોલનો, અપાત્રો દ્વારા થતો વિરોધ, બંડ, વિભક્ત પરિવાર, અભક્ષ્ય આહાર, જીવનના પરમધ્યેયના સ્થાન પર સત્તા ને સંપત્તિ વગેરે અડ્ડો જમાવી શક્યા છે.

ભાષાની તાકાત

સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા ચાલતી મૂષક દોડમાં સંતાનથી માંડી વાલી, શિક્ષણ ક્ષેત્ર, મનોરંજન ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર સૌએ સક્રિય ભાગ લેવામાં કશી કસર છોડી નથી. તેથી તેનો ભોગ ભાવિ પેઢીએ બનવું પડે છે. શિક્ષણ શાસ્ત્રીઓએ, ભાષા વિજ્ઞાનીઓએ શિક્ષણનું માધ્યમ માતૃભાષાને જ ગણ્યું છે. જે ભૂમિમાં કુળમાં, જાતિમાં વ્યક્તિ જન્મી હોય તે તેની માની જ ભાષા પામે. તે જ સંસ્કૃતિનો, સંસ્કારનો સમાજનો અધિકૃત વારસદાર બને. જેમ અસંગ શસ્ત્રથી સંસાર રૂપી અશ્વત્થને છેદવાનું સૂચન શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કરે છે તેમ માતૃભાષા રૂપી ખડ્ગથી આપણી અંધશ્રદ્ધા વહેમ, ભ્રાંતિ વગેરેનું ખંડન થઈ શકે છે. ભાષામાં એવી તાકાત છે કે જે કાતર જેવી જીભથી કપાયેલ સંબંધોને પણ જોડી શકે છે.

સિધ્ધહસ્ત લોકોનું શિક્ષણ માતૃભાષામાં

* જર્મન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને પોતાનું બધું સંશોધન જર્મનમાં જ કર્યું છે એટલે જ એ કહી શક્યા કે અન્યને કાજે જીવાયેલી જિંદગી જ સમુચિત છે.
* વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર વિજેતા શ્રી રામને માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
* ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિખ્યાત અણુવિજ્ઞાની સ્વર્ગવાસી અબ્દુલ કલામ આઝાદ અંતિમ શ્વાસ સુધી માતૃભાષામાં શિક્ષણના આગ્રહી રહ્યા. *અવકાશયાત્રી મહિલા કલ્પના ચાવલા પણ માતૃભાષા ચાહક હતી. *ભારતીય બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરનું શિક્ષણ માતૃભાષામાં જ થયું હતું.
* ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના પ્રમુખ અને એમ.આઈ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રો ફિઝિક્સના માનદ ડિરેક્ટર ડો. જે જે રાવળ વર્તમાનકાળનું ઉમદા ઉદાહરણ સિદ્ધ થાય છે. તેમનું માતૃભાષામાં લીધેલું શિક્ષણ તેમણે લખેલા 2000 વ્યાખ્યાનોમાં, લેખોમાં, રેડિયો અને દૂરદર્શન પર આપેલા વાર્તાલાપોમાં અને સંશોધન પત્રોની દેશ-વિદેશમાં થયેલી રજૂઆતમાં ક્યાંય અવરોધ રૂપ બન્યું નથી. તેઓ કહેતા : “મારા મસ્તકમાં જે પણ વિશાળતા અને પ્રભુતા આવી છે તે સંસ્કૃતના અને ભારતીય સંસ્કૃતિના અભ્યાસને આભારી છે.

માતૃભાષાનો ખોળો

વ્યક્તિ વયમાં કે વિખ્યાતિમાં ગમે તેટલો મોટો થાય પણ માતૃભાષા, માતૃભૂમિ અને જન્મદાત્રી માતાનું સન્માન ઘવાતું જોતો રહે તો તે કાયર જ કહેવાય‌. પહેલી મા -માતૃભાષાનો ખોળો છૂટ્યો કે બીજી માં માતૃભૂમિથી હજારો માઈલ દૂર જઈ વસવાટ કરવા મન લલચાવાની શક્યતા વધી જાય છે. જે મા એ ઘરમાં માતૃભાષાને સ્થાને અન્ય ભાષામાં શિક્ષણનો આગ્રહ રાખ્યો તેને પરિણામે મોબાઈલ, whatsapp, facebook, instagram વગેરેને અંગત કુટુંબીજનો બનાવીને ફાઝલ સમયમાં માતૃભાષા શીખવવાનો યત્કિંચિત્ આશ્વાસક પ્રયત્ન કર્યો હોય તો તે સાર્થક છે. તે અવશ્ય સફળ બની શકે.

સંસ્કાર ધામ સંસારધામ બની ગયા
શિક્ષણ પ્રાપ્તિના માધ્યમ એવા સરસ્વતી મંદિર હવે આજીવિકા પ્રાપ્તિના કેન્દ્રો બની ગયા છે; તેથી જે જીવન મૂલ્યો સહજતાથી મળતાં ,તે ન મળતાં કંચન મૂલ્યવાદી સંસ્થા હવે સંસ્કારધામ ન રહેતાં સંસારધામ બનવા લાગી. દુનિયાના 180 દેશોમાંથી માત્ર 12 કે 13 દેશ સિવાય દરેક દેશ પોતાનો વ્યવહાર માતૃભાષામાં જ કરે છે. ત્યાંના દેશવાસીઓને તેનું ગૌરવ છે. ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ભૂતાન વગેરે દેશોના નાગરિકો માતૃભાષા માટે અનહદ આદર ધરાવે છે.
કોઈપણ ભાષાના ચશ્મા પહેરીને ફરતાં સંતાનને માતૃભાષામાં આવતા કોયડાઓ, રમતો, વાર્તાઓ, કાવ્ય પંક્તિઓ, શ્લોકો દ્વારા પૂરક સામગ્રી પહોંચાડાય તો હજી પણ પ્રકાશિત સામગ્રી તેમના સુધી પહોંચે,તેઓ વાંચે, વિચારે, સમજે અને આચરી શકે તો હજી પણ મોડું થયું નથી -એવી આશા અચૂક રાખી શકાય.

(નિરંજના જોશી)

(લેખિકા કવયિત્રી છે)

BRICS સમિટ 2023: PM મોદી અને શી જિનપિંગ વચ્ચે ‘વાતચીત’ થઈ, જુઓ વીડિયો

બ્રિક્સ સમિટ 2023: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 15મી બ્રિક્સ સમિટ દરમિયાન તમામ સભ્ય નેતાઓ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાગ લીધો હતો અને તેમની સાથે વાતચીત કરી હતી. કોન્ફરન્સની શરૂઆત પહેલા પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ટૂંકી વાતચીત થતી જોવા મળી હતી. ન્યૂઝ એજન્સીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને નેતાઓ વાતચીત કરતા જોઈ શકાય છે. અગાઉ, બંને નેતાઓ બ્રિક્સ બિઝનેસ ફોરમની બેઠકમાં સાથે આવે તેવી અપેક્ષા હતી. જોકે, શી જિનપિંગ આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. તેમણે તેમના સ્થાને ચીનના વાણિજ્ય પ્રધાન વાંગ વેન્ટાઓને મોકલ્યા. આ બેઠકને પીએમ મોદીએ સંબોધિત કરી હતી.

બંને નેતાઓ SCO ના મંચ પર જોવા મળ્યા હતા

અગાઉ બંને નેતાઓ 2022માં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના એક મંચ પર જોવા મળ્યા હતા. તે સમયે પણ બંને નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થઈ ન હતી. જો કે ગોગરા ઘર્ષણ પોઈન્ટ પર વિવાદ ઉકેલવાના પ્રયાસો વચ્ચે આ બેઠક થઈ હતી.

બંને દેશો વચ્ચે ત્રણ વર્ષથી તણાવ છે

તમને જણાવી દઈએ કે છેલ્લા 3 વર્ષથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા તણાવને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. પૂર્વી લદ્દાખમાં સરહદી મુદ્દાઓને ઉકેલવા માટે બંને પક્ષોએ 2020 થી 19 રાઉન્ડની વાતચીત કરી છે, પરંતુ કોઈ ઉકેલ મળી શક્યો નથી.

PM મોદી BRICS સમિટમાં પહોંચ્યા

PM મોદી 15મી BRICS સમિટ માટે મંગળવારે (22 ઓગસ્ટ) દક્ષિણ આફ્રિકા પહોંચ્યા અને જોહાનિસબર્ગમાં BRICS બિઝનેસ ફોરમના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ. બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ ડાયલોગમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે અને આવનારા વર્ષોમાં વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે.

પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાના વખાણ કર્યા

સમિટના બીજા દિવસે આયોજિત ઓપન સેશનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતે તેના G20 અધ્યક્ષતા હેઠળ ગ્લોબલ સાઉથના દેશોને ખૂબ મહત્વ આપ્યું છે. આ સાથે જ તેમણે બ્રિક્સ સમિટની અધ્યક્ષતા માટે દક્ષિણ આફ્રિકાની પ્રશંસા કરી હતી.

ચેસ વર્લ્ડ કપ ફાઈનલ: મેગ્નસ કાર્લસન પ્રજ્ઞાનંદને હરાવી ચેમ્પિયન બન્યો

વિશ્વના નંબર 1 ચેસ ખેલાડી નોર્વેના મેગ્નસ કાર્લસને ચેસ વર્લ્ડ કપની બંને ટાઈબ્રેક મેચમાં ભારતના રમેશબાબુ પ્રજ્ઞાનંદને હરાવીને ખિતાબ જીત્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચની બંને મેચ ડ્રોમાં સમાપ્ત થયા બાદ ટાઈબ્રેક મેચ દ્વારા પરિણામ નક્કી કરવામાં આવ્યું હતું. ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદ ચેસ વર્લ્ડ કપ 2023ની બીજી ટાઈબ્રેકર મેચમાં વિશ્વના નંબર-1 ખેલાડી કાર્લસનથી પાછળ પડી ગયા છે. આ પછી બંને વચ્ચેનો અંતિમ સ્કોર કાર્લસન માટે 1.5 જ્યારે પ્રજ્ઞાનંદ માટે 0.5 હતો. આ મેચમાં 18 ચાલ પછી રાણીઓ બદલાઈ હતી. પરંતુ કાર્લસનને ફાયદો મળ્યો.

ટાઈબ્રેકર મેચમાં બંને ખેલાડીઓને 25-25 મિનિટ મળે છે. અને દરેક ચાલ પછી, ખેલાડીના સમયમાં 10 સેકન્ડ ઉમેરવામાં આવે છે. જો આ વર્લ્ડકપની ફાઈનલની પ્રથમ 2 મેચોની વાત કરીએ તો પ્રથમ મેચ 22 ઓગસ્ટે રમાઈ હતી. જેમાં પ્રજ્ઞાનંદે આ મેચ સફેદ અને કાર્લસને કાળા પીસ સાથે રમી હતી, ત્યારબાદ 35 ચાલ બાદ બંને ખેલાડીઓએ હાથ મિલાવ્યા હતા અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

GIDCએ ઉદ્યોગપતિ વસંત ગજેરાને રૂ. 600 કરોડનો દંડ ફટકાર્યો

સુરતઃ શહેરના મોટા ઉદ્યોગપતિ વસંત ગજેરાનું દેશના સૌથી મોટા પીએનબી બેંક કૌભાંડમાં સામેલ હોવાની હકી થોડા સમય પહેલાં જ સામે આવી હતી. પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની સાથે સુરતના વસંત ગજેરાનું સીધું કનેક્શન હતું અને તેની સાથે મળીને અનેક કૌભાંડો કર્યા છે, ત્યારે હવે સચિન GIDCમાં આવેલા તેમના લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કને સરકાર દ્વારા જમીનની ફાળવણી કર્યા બાદ નિયમોનું પાલન નહીં કરવાને કારણે GIDCએ કરોડો રૂપિયાની આવક ગુમાવવાની સ્થિતિ થઇ હતી. જેથી GIDCએ રાજ્યના ઉદ્યોગપતિ વસંત ગજેરા સંચાલિત લક્ષ્મી ડેવલપર્સને 600 કરોડથી વધુની રકમ ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સચિનમાં 17 ઓગસ્ટ, 2000એ સરકાર દ્વારા અભિષેક એસ્ટેટ પ્રા. લિ.ને રૂ. છ લાખ ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે તેનો કબજો બીજી મે 2000એ જ અભિષેક એસ્ટેટના જવાબદારોને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ 14 ઓગસ્ટ, 2008એ લક્ષ્મી ઇન્ફા ડેવલપર્સ લિ.ને જમીન સોંપવામાં આવી હતી.

આ જમીનમાં 21 ડિસેમ્બર, 2009ના રોજ વધારો કરીને 929987.62 ચોરસ મીટર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ નિયમ પ્રમાણે મંજૂરીની પ્રક્રિયા પાર પાડવાની હોય છે, પરંતુ લક્ષ્મી ઇન્દા ડેવલપર્સ લિ.ના વસંત ગજેરા સહિતનાઓએ આવા નિયમોની મંજૂરી લીધા વિના જ સ્થળ પર પ્લોટ ફાળવણી કરવાની સાથે બાંધકામ પણ શરૂ કરાવી દીધું હતું.

આ માટે GIDC દ્વારા વખતોવખતના પત્રવ્યવહારથી તાકીદ કરવામાં આવી હતી, તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખ્યું હતું. તેના કારણે GIDCએ અલગ-અલગ નિયમો તોડવા બદલ તેમને રૂ. 600 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે.