Home Blog Page 2596

ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગાબડું: આઇસી15 ઇન્ડેક્સ 2,711 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ બિટકોઇનની વેચવાલી અને ચીનના અર્થતંત્રની બેહાલીની સ્થિતિમાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે મોટું ગાબડું પડ્યું હતું. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 7.25 ટકા (2,711 પોઇન્ટ) ઘટીને 34,670 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,381 ખૂલીને 37,399ની ઉપલી અને 32,642 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

ઇન્ડેક્સના મુખ્ય ઘટેલા કોઇન યુનિસ્વોપ, ચેઇનલિંક અને બિટકોઇન હતા. બિટકોઇનમાં 7.64 ટકાનો ઘટાડો થઈને ભાવ 26,417.78 ડોલર પર પહોંચ્યો હતો.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમની ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટીએ ફરી એક વાર કહ્યું છે કે ક્રીપ્ટો બિઝનેસોએ એફએટીએફ ટ્રાવેલ રુલનું પાલન કરવું ફરજિયાત છે. આ રુલમાં એન્ટિ મની લોન્ડરિંગ અને આતંકવાદવિરોધી નિયમોનો સમાવેશ થાય છે. બીજી બાજુ, માસ્ટરકાર્ડે ડિજિટલ મનીને પ્રોત્સાહન મળે એ માટે સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) પાર્ટનર પ્રોગ્રામ શરૂ કર્યો છે.

એનએસઈ ફાઉન્ડેશને શ્રીનગરસ્થિત લશ્કરી હોસ્પિટલમાં અત્યાધુનિક સીટી સ્કેન સેન્ટર સ્થાપ્યું

શ્રીનગરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમનએસઈઆઈએલ)ની કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટી કરતા એનએસઈ ફાઉન્ડેશને ભારતીય લશ્કરના શ્રીનગર સ્થિત પ્રતિષ્ઠિત 92 બેઝ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક સીટી સ્કેન વિંગની સ્થાપના કરી છે. આ વિંગનું ઉદઘાટન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના હસ્તે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ (15 કોર્પ્સ કમાન્ડર) અને એનએસઈઆઈએલના એમડી અને મેનેજિંગ ડિરેક્ટર આશિષકુમાર ચૌહાણની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

92 બેઝ હોસ્પિટલ્સ 598 બેડ્સ ધરાવે છે, જ્યાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સારવાર પૂરી પાડવામાં આવે છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે આ અત્યાધુનિક સીટી સ્કેનની આવશ્યકતા હતી. એનએસઈ ફાઉન્ડેશન હોસ્પિટલ સુવિધાઓ અપગ્રેડ કરી રહયું છે, જે અહીંના લોકોને અતિ ઉચ્ચ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડશે.

15 કોર્પ્સના કમાન્ડર જુરલ રાજીવ ઘાઈએ કહ્યું કે હોસ્પિટલ માટે આ એનએસઈ ફાઉન્ડેશને મહત્ત્વની આરોગ્ય સુવિધાઓ માટે ઉચ્ચ ટેક્નોલોજી માળખું પૂરું પાડવાની કામગીરી કરી છે એ બદલ હું ભારતીય લશ્કર વતી એનએસઈ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવું છું.

દેશની સીમાના રક્ષણની નિઃસ્વાર્થ સેવા કરતા સશસ્ત્ર દળોના કલ્યાણ માટે એનએસઈ પ્રતિબદ્ધ છે. આપણા સૈનિકોના કલ્યાણ માટે કામ કરવાની અમને જે તક મળી છે એ અમારા માટે મોટું સન્માન છે , એમ એનએસઈઆઈએલના એમડી આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું.

પર્ફોર્મન્સ રિવ્યુની આડમાં બાયજૂસે 400 કર્મચારીઓની છટણી કરી

નવી દિલ્હીઃ એડટેક કંપની બાયજૂસે ફરી એક વાર છટણી કરી છે. કંપનીએ પર્ફોર્મન્સ રિવ્યુની આડમાં છટણી કરી છે. મેન્ટોરિંગ એન્ડ પ્રોડક્ટ એક્સપર્ટ ડિવિઝનથી 400થી વધુ કર્મચારીઓની ફારગતી કરી હતી. જુલાઇમાં કંપની કર્મચારીઓના પર્ફોર્મન્સનો રિવ્યુ કર્યો હતો. કંપનીએ તેમને 17 ઓગસ્ટે રાજીનામું આપવા નિર્દેશ આપ્યા હતા. કંપની હાલ મુશ્કેલીઓના સમયમાથી પસાર થઈ રહી છે.

કંપનીએ કબૂલ કર્યું હતું કે પિરિયોડિક પરફોર્મન્સ પછી કર્મચારીઓને નોકરી છોડવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે કંપની કર્મચારીઓની કુલ છટણી કેટલી કરી એનો ચોક્કસ આંકડો જણાવ્યો નથી, પરંતુ કંપનીના પ્રવક્તાએ આ વિશે 100 કર્મચારીઓને નોકરી છોડવા વિશે નિર્દેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે કર્મચારીઓએ આ આંકડો ક્યાંય વધુ હોવાનો જણાવ્યો હતો.

કેટલાય હાલના અને ભૂતપૂર્વ કર્મચારીઓએ વાતચીતમાં કંપનીના 400 કર્મચારીઓનો નોકરીમાંથી છટણી કર્યા હોવાનું જણાવ્યું હતું. નામ જાહેર નહીં કરવાની શરતે એક કર્મચારીએ જણાવ્યું હતું કે HRથી કોલ આવ્યો હતો કે કર્મચારીઓને આગામી બે કલાકમાં તેમના ઈમેઇલ એડ્રેસ ડિએક્ટિવ કરવામાં આવશેનું જણાવવામાં આવતું હતું. વળી, તેમને ફોન પર એક્ઝિટ પ્રક્રિયા શરૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

કંપનીના કર્મચારીઓને સ્વેચ્છાએ રાજીનામું આપવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. તેમને ફાઇનલ સેટલમેન્ટ રૂપે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની સેલરી ઓફર કરવામાં આવી હતી.  જે કર્મચારીએ રાજીનામાં આપવાનો ઇનકાર કર્યો હતો, તેમની કંપનીએ છટણી કરી હતી. તેમને માત્ર 17 ઓગસ્ટ સુધીની સેલરી આપવામાં આવી હતી.

 

 

 

 

 

બિહારમાં ગૂંડારાજઃ હુમલાખોરોએ ગોળી મારીને યુવા પત્રકારની હત્યા કરી

પટનાઃ બિહારના અરરિયા જિલ્લામાં એક હિન્દી દૈનિકના અજાણ્યા હુમલાખોરોએ એક પત્રકારને એમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કર્યાનો બનાવ બન્યો છે. આ બનાવ રાણીગંજ પોલીસ સ્ટેશન હેઠળના પ્રેમ નગર વિસ્તારમાં આજે સવારે લગભગ પાંચ વાગ્યે બન્યો હતો. ચાર આરોપીઓ મોટરબાઈક પર આવ્યા હતા અને 35 વર્ષીય વિમલકુમાર યાદવ નામના પત્રકારને એમના ઘરની બહાર આવવા કહ્યું હતું. વિમલકુમાર દરવાજો ખોલીને જેવા ઘરની બહાર આવ્યા કે એક હુમલાખોરોએ એમની પર ગોળીબાર કર્યો હતો. ગોળી પત્રકારની છાતીમાં જમણી બાજુએ વાગી હતી. એ તરત જ ઢળી પડ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. વિમલકુમાર દૈનિક જાગરણ અખબારમાં કામ કરતા હતા.

વિમલકુમાર પર ગોળીબાર થયા બાદ એમના પત્નીએ બૂમાબૂમ કરીને આસપાસનાં લોકોને બોલાવ્યાં હતાં. પરિવારજનો તથા પડોશીઓ ઘાયલ વિમલકુમારને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ એમને મૃત લાવેલા ઘોષિત કર્યા હતા. વિમલકુમારના પરિવારમાં એમના પત્ની, 15 વર્ષનો પુત્ર અને 13 વર્ષની પુત્રી છે. કહેવાય છે કે ચાર વર્ષ પહેલાં વિમલકુમારના નાના ભાઈ શશીભૂષણ ઉર્ફે ગબ્બૂની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે કેસ વિશે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને વિમલકુમાર એકમાત્ર સાક્ષી હતા.

CM નીતિશકુમારે આપ્યો ઉચ્ચ-સ્તરીય તપાસનો આદેશ

રાજ્યના મુખ્ય પ્રધાન નીતિશકુમારે વિમલકુમારની હત્યામાં ઉચ્ચ સ્તરે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. પોલીસતંત્રએ તપાસ શરૂ પણ કરી દીધી છે. નીતિશકુમારે કહ્યું, ‘આ અત્યંત કમનસીબ અને પીડાદાયક બનાવ છે. મેં આ મામલે તપાસ કરવા અને આરોપીઓ સામે પગલું ભરવાનું અધિકારીઓને જણાવી દીધું છે.’ પોલીસને પ્રાથમિક તપાસમાં એવું માલૂમ પડ્યું છે કે વિમલકુમારને એમના કોઈક પડોશી સાથે જૂની દુશ્મનાવટ હતી.

જસપ્રીત બુમરાહ કહે છે, વિશ્વ કપ માટે સજ્જ છું

નવી દિલ્હીઃ જસપ્રીત બુમરાહ 327 દિવસ પછી સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફર્યો છે. પીઠની ઇજાને લીધે ક્રિકેટથી દૂર રહ્યા પછી જસપ્રિત બુમરાહ હવે શાંત અને હળવા મૂડમાં છે. હાલ તે આયર્લેન્ડ સામેની ત્રણ T20 ઇન્ટરનેશનલ શ્રેણીની પ્રથમ મેચમાં તે ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે.

તે કહે છે કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે બધું પૂરું થઈ ગયું છે. હું કોઇ નકારાત્મક વિચારને બદલે એવું જ વિચારતો હતો કે મારી આ સમસ્યાને કેવી રીતે હલ કરવી અને કેવી રીતે ઝડપથી ક્રિકેટમાં પરત ફરવું.તે વધુમાં કહે છે કે  ઇજાની ચિંતા કરવાને બદલે હું મારી સારવાર અને ફિટનેસ પર વધુ ધ્યાન આપતો હતો. કેવી રીતે ઝડપથી સ્વસ્થ અને ફિટ થઇ શકાય એ જ મારી પ્રાથમિકતા હતી. જ્યારે તમે ઇજાગ્રસ્ત થાય ત્યારે કેટલેક અંશે નિરાશા વ્યાપી જાય છે, પરંતુ શંકા રાખવાને બદલે હું વિચારતો રહ્યો કે  હું કેવી રીતે ઝડપથી સ્વસ્થ થઈ શકું અને કેવી રીતે ટીમ ઇન્ડિયાનો ભાગ બનું.

B પોઝિટિવ પર ભાર મૂકતાં તે કહે છે કે રમતથી દૂર થતાં નકારાત્મક થવાને બદલે B પોઝિટિવ રહેવાથી સારી અસર જોવા મળે છે. ઇજાને લીધે હું ઘણી મેચ ચૂકી ગયો, પરંતુ આ સમય દરમિયાન નિરાશ થવાને બદલે હું પોઝિટિવ વિચારતો રહ્યો. શરીરને સાજા થવા માટે સમયની જરૂર હોય ત્યારે એનું સન્માન કરવું જોઈએ. આ સમય દરમિયાન મને પરિવાર સાથે વિતાવવા માટે ઘણો સમય મળ્યો.

પુનરાગમન કરવા ઉતાવળ કરવી યોગ્ય નથી એવું કહેતાં તે જણાવે છે કે ઝડપી બોલરો માટે ઇજામાંથી બહાર આવવા ઉતાવળ કરવી યોગ્ય નથી. ઇંગ્લેન્ડનો જોફ્રા આર્ચર એવું તાજું ઉદાહરણ છે. જોફ્રા આર્ચર ઇજામાંથી પૂર્ણ રીતે મુક્ત થયા પહેલા ઉતાવળે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં જોડાયો અને આઈપીએલમાં ફરી ઇજાગ્રસ્ત થયો. જેને લીધે વર્લ્ડ કપમાં પણ કદાચ તે રમી નહીં શકે.

 

 

ટોચના રોકાણકાર રાધાકિશન દામાણીનો પોર્ટફોલિયો, જાણો…

નવી દિલ્હીઃ શેરબજારના ટોચના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના ગુરુ અને એવેન્યુ સુપરમાર્ટના માલિક રાધાકિશન દામાણી પણ મોટા રોકાણકર્તા છે, જેમની પાસે હાલ નેટવર્થ રૂ. 1.59 લાખ કરોડની આસપાસ છે. તેમના પોર્ટફોલિયોમાં માત્ર 14 શેરો છે, જે શેરો તેમને માલામાલ કરી દીધા છે. 

શેરબજારના ડેટા મુજબ જૂન ત્રિમાસિકના અંતે દામાણીની પાસે યુનાઇટેડ બ્રુવરીઝ લિ.ના 1.2 ટકા શેર છે. જે મુજબ તેમની પાસે 31.14 લાખ શેરોનું હોલ્ડિંગ છે, જેનું મૂલ્ય રૂ. 492.2 કરોડ છે.

દામાણીએ 3m ઇન્ડિયા લિ.માં મૂડીરોકાણ કર્યું છે અને 1.5 ટકા હોલ્ડિંગ પછી 1.66 લાખ શેરોનું મૂલ્ય રૂ. 483 કરોડ છે. ડીમાર્ટના માલિક દામાણએ અડવાણી હોટેલ્સ એન્ડ રિસોર્ટસ લિ.માં 4.2 ટકા હિસ્સો લીધેલો છે, જેમાં તેમની પાસે 19.3 લાખ શેરોનું મૂલ્ય રૂ. 15.8 કરોડ છે.

તેમની પાસે એપ્ટેક લિ.માં ત્રણ ટકો હિસ્સો છે, જેમાં 12.55 લાખ શેરોનું મૂલ્ય રૂ. 38.4 કરોડ છે. BF યુટિલિટીઝ લિ.માં તેમની પાસે એક ટકા હિસ્સો છે, કંપનીના 3.8 લાખ શેરોનું મૂલ્ય રૂ. 21.4 કરોડ છે. આ સાથે બ્લુ ડાર્ટ એક્સપ્રેસમાં 1.3 ટકાના હિસ્સામાં તેમની પાસે 3.06 લાખ શેર છે, જેનું મૂલ્ય રૂ. 197.4 કરોડ છે.

આ સિવાય તેમની પાસે ઇન્ડિયા સિમેન્ટ્સનો 20.8 ટકા હિસ્સા તરીકે રૂ. 1555.5 કરોડના શેરો છે, જ્યે આંધ્ર પ્રદેશમાં 1.3 ટકા હિસ્સો- રૂ. 22.3 કરોડનું મૂલ્ય અને સુંદરમ ફાઇનાન્સ લિ.માં 2.4 ટકા હિસ્સા સાથે રૂ. 665.6 કરોડથી વધુના મૂલ્યના શેરો છે.

 

 

 

 

આત્મનિર્ભર ભારતની પહેલી 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ… બેંગલુરુમાં…

ભારતની સૌપ્રથમ 3D મુદ્રિત (પ્રિન્ટેડ) પોસ્ટ ઓફિસ બેંગલુરુમાં કેમ્બ્રિજ લે આઉટ વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે. તેની આકર્ષક તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. થ્રી-ડી ટેક્નોલોજીથી બનાવવવામાં આવેલી આ અનોખી પોસ્ટ ઓફિસના બિલ્ડિંગનું કેન્દ્રના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવે 18 ઓગસ્ટ, શુક્રવારે કર્યું હતું.

આ પોસ્ટ ઓફિસની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી સરાહના કરી છે અને કહ્યું કે આ પોસ્ટ ઓફિસ ભારતની પ્રગતિનું પ્રમાણ છે અને આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતીક છે. દરેક ભારતીયને આ પોસ્ટ ઓફિસ જોઈને ગર્વની લાગણી થશે. જેમણે આ પોસ્ટ ઓફિસના નિર્માણમાં મહેનત કરી છે એ તમામને અભિનંદન આપું છું.

આ પોસ્ટ ઓફિસ માત્ર 43 દિવસમાં અને 40 ટકા ઓછા ખર્ચમાં બનાવવામાં આવી છે. બાંધકામ આ વર્ષની 21 માર્ચથી શરૂ કરાયું હતું અને 3 મેએ પૂરું કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં મિશ્ર વાતાવરણથી પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર રોગચાળો વકર્યો છે. રાજ્યનાં મુખ્ય શહેરોમાં ફરી એક વાર ઘેરેઘેર વાયરલ તાવ, શરદી,  ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. શહેરમાં વાદળછાયા વાતાવરણને કારણે મિશ્ર ઋતુ થવાથી રોગચાળો વકર્યો છે. ગાંધીનગરમાં પણ રોગચાળો વધ્યો છે.

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ચાલુ મહિનાના ફક્ત 12 દિવસમાં જ શહેરમાં ઝાડા-ઊલટીના 481, કમળાના 76, ટાઈફોઇડના 313 અને કોલેરાના 18 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા છે. રાજ્યમાં પાણીજન્ય કેસો 800ને પાર નોંધાયા છે અને મચ્છરજન્ય કેસોની સંખ્યા 300ને પાર થઈ છે.

અમદાવાદના વટવા, લાંભા, રામોલ, અસારવા, ઈસનપુર સહિત શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરા વકર્યો છે. ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના રોજના 40 કેસ નોંધાઈ રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગે કોર્પોરેશનના આરોગ્ય તંત્રને રોગચાળો ડામવા સૂચના આપી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. શહેરમાં મેલેરિયાના 70 કેસ નોંધાયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના પાંચ અને ચિકનગુનિયાના પાં કેસ નોંધાયા છે.

જ્યારે મધ્ય ઝોનમાં ડેન્ગ્યુના 31 કેસ, પશ્ચિમ ઝોનમાં 79 કેસ, ઉત્તર ઝોનમાં ડેન્ગ્યુના 63 કેસ અને પૂર્વ ઝોનમાં 111 કેસ નોંધાયા છે. જ્યારે દક્ષિણ ઝોનમાં ડેન્ગ્યુના 96 કેસ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ડેન્ગ્યુના 140 કેસ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ડેન્ગ્યુના 104 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના 624 કેસ નોંધાઈ ચૂક્યા છે.આ સાથે સુરતમાં રોગચાળાના વધતા કેસથી ચિંતામાં વધારો થયો છે. કેમ કે છેલ્લા 72 કલાકમાં છ લોકોએ રોગચાળાએ જીવ ગુમાવ્યા છે. જેમાં ત્રણ તો બાળકોનો સમાવેશ થાય છે. આ સાથે છેલ્લા એક મહિનામાં રોગચાળાથી મૃત્યુનો આંક 28 પર પહોંચ્યો છે. સુરતમાં છેલ્લા 12 દિવસમાં ડાયરિયાના 38, મેલેરીયાના સાત, તાવના 76, ડેન્ગ્યુના 24, ગેસ્ટ્રોના 38 કેસ નોંધાયા છે. તો વધતા કેસના કારણે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલ પણ હાઉસફૂલ થઈ રહી છે.

 

 

 

 

 

રજનીકાંતે રાંચીના આશ્રમમાં જઈ મેડિટેશન કર્યું

રાંચીઃ દક્ષિણી ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત હાલ ઝારખંડના પાટનગર શહેર રાંચીમાં બે દિવસના આધ્યાત્મિક પ્રવાસે આવ્યા છે. એમણે ગઈ કાલે યોગદા સત્સંગ આશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યાં થોડીક વાર ધ્યાનમાં પણ બેઠા હતા. તેઓ આશ્રમના વરિષ્ઠ સાધુ-સંન્યાસીઓને પણ મળ્યા હતા.

રજનીકાંત ગુરુ પરમહંસ યોગાનંદમાં ઊંડી આસ્થા ધરાવે છે, જેમણે રાંચીમાં યોગદા આશ્રમની સ્થાપના કરી હતી.

રજનીકાંતે એમના આ પ્રવાસને અત્યંત ગોપનીય રાખવામાં આવ્યો હતો. તેઓ કોઈ મીડિયાકર્મીને મળ્યા નહોતા. યોગદા આશ્રમ ઉપરાંત તેઓ રામગઢસ્થિત છિન્નમસ્તિકા મંદિરમાં પણ ગયા હતા અને ત્યાં એમણે પૂજા-અર્ચના કરી હતી. રજનીકાંતની તામિલ ફિલ્મ ‘જેલર’ હાલમાં જ રિલીઝ થઈ છે અને તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.

UPમાં લિવ-ઇન પાર્ટનરે કરી યુવતીની હત્યા કરી

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સ્થિત સુશાંત ગોલ્ફ સિટીમાં એક યુવકે લિવ-ઇન પાર્ટનરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ યુવતી છૂટાછેડાવાળી હતી. તે આરોપી યુવતી સાથે કેટલાય મહિનાઓથી રહી રહી હતી. આ ઘટના પહેલાં બંને વચ્ચે કોઈ વાત વાદવિવાદ થયો હતો. આ ઘટના બન્યા પછી આરોપીએ પોલીસ સામે ખુદને સરન્ડર કર્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.   

પ્રાપ્ત માહિતી મુજબ રિયા નામની છૂટાછેડાવાળી યુવતી પેરાડાઇઝ ક્રિસ્ટલ અપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 203માં રહેતી હતી. તેને ઋષભ નામના યુવકે ગોળી મારી હતી. લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત પેરાડાઇઝ અપાર્ટમેન્ટના સી બ્લોકમાં ઋષભ ભદોરિયા રિયા ગુપ્તા નામની યુવતી સાથે રહેતો હતો. રિયા ગોમતીનગરની રહેવાસી હતી.

આ ઘટનાની સૂચના મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું હતું કે આરોપીએ યુવતીને છાતી અને માથામાં ગોળી મારી હતી. આ ઘટનાની પાછળનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિકની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.