Home Blog Page 26

IIM અમદાવાદ દ્વારા ઓડિશા-ગુજરાતના યુવાનો માટે ‘યુવા સંગમ’ કાર્યક્રમ

અમદાવાદ: ભારત સરકારના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અભિયાન અંતર્ગત આયોજિત ‘યુવા સંગમ ફેઝ-VI’ કાર્યક્રમ યોજાય છે. જેના માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) નોડલ સંસ્થા તરીકે સેવા આપી રહ્યું છે. આ અંતર્ગત IIMA કેમ્પસ ખાતે ઓડિશાના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 41 યુવાનોના જૂથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ ટીમ 1 થી 6 જૂન, 2026 દરમિયાન ગુજરાતની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ઔદ્યોગિક પ્રગતિનો પ્રત્યક્ષ અનુભવ મેળવશે.

IIM-Aના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં ‘યુવા સંગમ’ કાર્યક્રમ યુવાનોને પરસ્પર સંસ્કૃતિ અને વિકાસને સમજવા માટે એક સેતુ સમાન છે.

ગુજરાત પ્રવાસ દરમિયાન આ સ્થળોની મુલાકાત લેવાશે

  • ગાંધી આશ્રમ, અડાલજની વાવ, અને અમદાવાદનો હેરિટેજ વિસ્તાર (ઓલ્ડ સિટી)

  • સાયન્સ સિટી, ગિફ્ટ સિટી (GIFT City) અને અમૂલ ડેરી (આણંદ)

  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ખાસ સંવાદ અને ગુજરાતી ભોજનનો આસ્વાદ

આ પહેલાં, ગત સપ્તાહે (25 થી 30 મે દરમિયાન) IIM-A દ્વારા ગુજરાતના 39 યુવાનોની ટીમને ઓડિશાના પ્રવાસે મોકલવામાં આવ્યા હતા. જ્યાં NIT રાઉરકેલા દ્વારા તેમનું યજમાનપદ કરવામાં આવ્યું હતું. આ છ દિવસીય પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસન, પરંપરા, પ્રગતિ, પરસ્પર સંપર્ક અને ટેકનોલોજીના માધ્યમથી રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાનો છે.

અમદાવાદનું ઐતિહાસિક રણછોડજી મંદિર

ઐતિહાસિક નગરી અમદાવાદના  કોટ વિસ્તારની અંદર જ અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. એમાંનું એક મંદિર સારંગપુર વિસ્તારમાં આવેલું છે. સારંગપુર દરવાજાથી એકદમ નજીક સારંગપુર ખાડિયા વિસ્તારનું રણછોડજીનું મંદિર શહેરમાં ખુબજ જાણીતું છે. આ ઐતિહાસિક મંદિરમાં કારતક વદ પૂનમ, ઉત્તરાયણ,  હોળી, અષાઢી બીજ, દિવાળી જેવા તહેવારો મનાવવામાં આવે છે. ઉત્તરાણ સહિત અનેક તહેવારોમાં રણછોડજીના મંદિર પાસે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં બારેમાસ ભુખ્યાને ભોજન જમાડવા માટે સદાવ્રત ચાલે છે.

શહેરના કોટ વિસ્તારમાં આવેલા રણછોડજીના મંદિરની આસપાસ રામજી મંદિર, અંબાજીનું મંદિર અને ગોવર્ધન મંદિર સાથે અનેક હેરિટેજ મંદિરો ઇમારતો આવેલા છે. પોળો, શેરીઓ અને સાંકડી ગલીઓ વાળા હેરિટેજ અમદાવાદ શહેરમાં રણછોડજી મંદિરનું પ્રાંગણ વિશાળ છે. આ સાથે મંદિરમાં રણછોડજી પત્ની સાથે બિરાજમાન છે. મંદિરના પ્રવેશતાની સાથે જ પ્રથમ ગરુડજીની અનોખી પ્રતિમા મુકવામાં આવી છે. પુરષોત્તમ મહિનામાં આ મંદિરમાં અન્નકુટ, સપ્તાહની સાથે અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સૌરાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રસિકલાલ પરીખના જીવન પર આધારિત પ્રદર્શન

અમદાવાદ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે ખાસ બે દિવસીય પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું.. જે ગુજરાતના જાણીતા રાજનીતિજ્ઞ અને સૌરાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રસિકલાલ યુ. પરીખના જીવન અને વારસાને ઉજાગર કરે છે. આ પ્રદર્શન ‘એ વિઝનરી સ્ટેટ્સમેનઃ ધી પબ્લિક લાઇફ ઑફ રસિકલાલ યુ. પરીખ’ નામે યોજાયું છે. જેમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ, વિદ્વાનો અને નાગરિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ પ્રોજેક્ટ નિરમા યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના ઇન્ટર્ન રાજ પટેલ દ્વારા તેમના ગ્રેજ્યુએશન પ્રોજેક્ટના ભાગરૂપે કરવામાં આવ્યું છે. જેને તેમણે પરીખ પરિવારના સહયોગથી તૈયાર કર્યું છે. રસિકલાલ પરીખની 116મી જન્મજયંતી નિમિત્તે આયોજિત આ પ્રદર્શનનો મુખ્ય હેતુ રાષ્ટ્ર નિર્માણ, જમીન સુધારણા અને શાસન વ્યવસ્થામાં તેમના વિસરાઈ ગયેલા યોગદાનને આર્કાઇવલ સામગ્રી દ્વારા લોકો સમક્ષ લાવવાનો છે.

પ્રદર્શનની મુખ્ય વિશેષતાઓ:

  • પાંચ વિષયગત વિભાગોમાં રસિકલાલ પરીખની આઝાદીની લડતથી લઈને શાસન વ્યવસ્થા સુધીની સફર.

  • દેશી રજવાડાઓ અને જૂનાગઢનું વિલીનીકરણ, આરઝી હકૂમત અને સૌરાષ્ટ્રના જમીન સુધારણામાં તેમનું વહીવટી પ્રદાન.

  • પરંપરાગત પ્રદર્શનથી અલગ, સંશોધન અને દસ્તાવેજીકરણ પર આધારિત વાંચન કેન્દ્રિત અનુભવ.

રસિકલાલ પરીખના પૌત્રી ગૌરી વેગેનાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્રદર્શન ગુજરાતના રાજકીય ઇતિહાસના એક મહત્વના પ્રકરણને સાચવવાનું કામ કરશે. ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ રસિકલાલ પરીખના જાહેર જીવન, કાર્યનીતિ અને શાસનમાં તેમના અતુલ્ય યોગદાનને યાદ કર્યું હતું.

IFFCO ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં ભારત-અમેરિકા વચ્ચે મહત્વની બેઠક

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ ક્ષેત્રે સહયોગને વધુ મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જે IFFCO (ઇફ્કો)ના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાની હેઠળ યોજાયો. વોશિંગ્ટન ડી.સી. સ્થિત ‘યુ.એસ.-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ’ (USIBC) દ્વારા PHDCCIના પ્રતિનિધિમંડળ માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેનું નેતૃત્વ દિલીપ સંઘાણીએ કર્યું હતું.

બેઠક બાદ USIBCએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સંવાદને ભારત-અમેરિકા કૃષિ ભાગીદારીને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું હતું. કાઉન્સિલે તેના સંદેશમાં જણાવ્યું હતું કે, દિલીપ સંઘાણીના નેતૃત્વમાં થયેલી આ ચર્ચાથી બંને દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રે પરસ્પર સહયોગને નવી ગતિ મળશે. આ સંવાદથી પરસ્પર પડકારોના ઉકેલ શોધવામાં અને કૃષિ ક્ષેત્રે ઉભરતી નવી તકોનો લાભ લેવામાં મદદ મળશે.

આ ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો

  • ઇનોવેશન (નવીનતા) આધારિત કૃષિ નીતિઓ

  • ટકાઉ કૃષિ વિકાસ (Sustainable Agriculture)

  • વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને પોષણ સુરક્ષા

  • ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને ઉત્પાદકતામાં વધારો

અમેરિકાની અગ્રણી વ્યાપારી સંસ્થા USIBC દ્વારા આ બેઠકને જાહેરમાં આટલું મહત્વ આપવું, તે ભારતના સહકારી આંદોલનની વૈશ્વિક સ્વીકૃતિ, ઇફ્કો (IFFCO)ની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને વૈશ્વિક મંચ પર ભારતીય ખેડૂતોના હિતોને અસરકારક રીતે રજૂ કરવાની દિલીપ સંઘાણીની નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે.આ બેઠકમાં બંને દેશોના કૃષિ નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ આધુનિક કૃષિ ટેકનોલોજી અપનાવવા, જમીનની ફળદ્રુપતા (Soil Health) સુધારવા અને ખેડૂતોને તકનીકી સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તમામ પ્રતિનિધિઓ સહમત થયા હતા કે ભારત-યુ.એસ. વચ્ચેનો આ વિસ્તારિત સહયોગ કૃષિ ક્ષેત્રે નવા આયામો ખોલશે અને લાંબા ગાળે ખેડૂતોની આવક અને સુરક્ષા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

અમેરિકાની ભારત સહિત 60 દેશો પર નવા ટેરિફ લગાવવાની યોજના

નવી દિલ્હીઃ એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ વેપાર કરાર (Interim Trade Agreement) માટેનું માળખું તૈયાર થઈ ગયાની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ફરી એક વાર ટેરિફનો મોટો નિર્ણય લેવાની તૈયારી શરૂ કરી છે. અમેરિકી સરકારે ભારત સહિત તેના અનેક મોટા વેપારી ભાગીદાર દેશોનાં ઉત્પાદનો પર 10 ટકા અથવા તેનાથી વધુ વધારાનો ટેરિફ (આયાત શૂલ્ક) લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલા પાછળ અમેરિકાનો આરોપ છે કે આ દેશોમાંથી આયાત થતી કેટલીક ચીજવસ્તુઓનું ઉત્પાદન બળજબરીપૂર્વક કરાવવામાં આવેલી મજૂરી (Forced Labour) દ્વારા થયું હોવાની શક્યતા છે.

અમેરિકી સરકારે શું કહ્યું?

અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR) દ્વારા જાહેર કરાયેલી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડા, મેક્સિકો, તાઇવાન, યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) અને કેટલાક અન્ય દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવશે. અમેરિકાનો આરોપ છે કે આ દેશોએ બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલા માલના આયાત પર પ્રતિબંધને યોગ્ય રીતે અમલમાં મૂક્યો નથી. રિપોર્ટ મુજબ, ચીન, જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લૅન્ડ સહિતના અન્ય ઘણા દેશો પર 12.5 ટકા વધારાનો ટેરિફ લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિ રાજદૂત જેમિસન ગ્રીરે કહ્યું હતું કે અમારા સૌથી મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર દેશો બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલા માલના આયાતને રોકવામાં નિષ્ફળ રહ્યા છે, જે સ્વીકાર્ય નથી. તેને કારણે અમેરિકન કામદારોને વૈશ્વિક બજારમાં અસમાન અને અન્યાયી સ્પર્ધાનો સામનો કરવો પડે છે.

શું છે મામલો?

અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR) એ માર્ચ 2026માં સેક્શન 301 હેઠળ 60 અર્થતંત્રો સામે તપાસ શરૂ કરી હતી. આ તપાસોમાં એક બળજબરીપૂર્વકની મજૂરી (Forced Labour) અને બીજી ઔદ્યોગિક અતિરિક્ત ક્ષમતા (Excess Capacity) સંબંધિત હતી. હવે USTRએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરીને ભારત સહિત 54 દેશો પર 12.5 ટકા સુધીનો વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ટેરિફ મોટા ભાગનાં ઉત્પાદનો પર લાગુ થઈ શકે છે. જોકે ટેક્સટાઇલ ક્ષેત્ર માટે તુલનાત્મક રીતે ઓછો ટેરિફ રાખવાની વાત કરવામાં આવી છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો ભારત સહિત ઘણા દેશોના અમેરિકા તરફના નિકાસ વેપાર પર તેની સીધી અસર પડશે.

દિલ્હીમાં ભયાનક અગ્નિકાંડ, રાજ્યપાલે બોલાવી બેઠક, તપાસ શરુ

દેશની રાજધાની દિલ્હીના માલવીય નગરમાં બુધવારે સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી ‘હોટલ ફ્લોરિસ સ્ટે’ (Hotel Floris Stay) નામના રેસ્ટોરન્ટમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતાં મોટો અકસ્માત સર્જાયો હતો. સરકારી રિપોર્ટ અનુસાર, આ ભીષણ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં અંદાજે 21 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ઉપરના માળેથી નીચે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આ દુર્ઘટનાએ ફરી એકવાર દિલ્હીની વ્યાપારી ઇમારતોમાં ફાયર સેફ્ટી (આગથી સુરક્ષા) ના નિયમો પર મોટા સવાલો ઉભા કરી દીધા છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે પરિસ્થિતિ એટલી ભયાનક અને ડરામણી હતી કે લોકોને સંભાળવાની તક પણ મળી ન હતી. દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે તેમને સવારે લગભગ 9:15 વાગ્યે (કેટલાક રિપોર્ટ્સ મુજબ સવારે 9 વાગ્યે) માલવીય નગરના એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હોવાનો ઈમરજન્સી કોલ મળ્યો હતો.

માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ, વોટર બાઉઝર અને ક્વિક રિસ્પોન્સ વાહનો (QRV) ને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. રેસ્ટોરન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ જોતજોતામાં ઉપરના માળ સુધી અને બેઝમેન્ટમાં ફેલાઈ ગઈ હતી. ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ બેઝમેન્ટ અને અન્ય ભાગોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને કેટ્સ (CATS) એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે.

રાજ્યપાલે બોલાવી હાઈ-લેવલ બેઠક, તપાસ તેજ

માલવીય નગરના આ ભયાનક અગ્નિકાંડની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હીના ઉપરાજ્યપાલ (વી.કે. સક્સેના) એ ત્વરિત એક્શન લીધા છે. તેમણે આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, જેમાં દિલ્હી પોલીસ, ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આગ લાગવા પાછળ કોઈ બેદરકારી છે કે કેમ અને બિલ્ડિંગ પાસે ફાયર એનઓસી (NOC) હતી કે નહીં તે અંગે વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા વળતરની જાહેરાત

દિલ્હી આગ દુર્ઘટનાના પીડિતો અને તેમના પરિવારો માટે કેન્દ્ર સરકારે મોટી આર્થિક સહાયની જાહેરાત કરી છે. સરકાર તરફથી જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, માલવીય નગર અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા મૃતકોના આશ્રિતો/પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા તમામ લોકોને યોગ્ય સારવાર માટે 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.

કુવૈત એરપોર્ટ પર ઈરાનનો ઘાતક ડ્રોન હુમલો, 1 ભારતીયનું મોત

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. બુધવારે કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા અચાનક ડ્રોન હુમલાથી સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. આ આંતરરાષ્ટ્રીય હુમલામાં કુવૈતમાં કામ કરતા અથવા મુસાફરી કરી રહેલા એક ભારતીય નાગરિકનું દર્દનાક મોત નીપજ્યું છે. આ હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે તેના કારણે એરપોર્ટ પરિસરમાં ભારે જાનમાલનું નુકસાન થયું છે અને કુવૈત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પરનો તમામ હવાઈ વાહનવ્યવહાર અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધો છે.

ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી સંવેદના, કુવૈત સરકાર સાથે સતત સંપર્કમાં

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સત્તાવાર પોસ્ટ શેર કરીને કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે એરપોર્ટ હુમલામાં ભારતીય નાગરિકના દુઃખદ અવસાન પર ઊંડી સંવેદના અને આઘાત વ્યક્ત કર્યો છે. ભારતીય દૂતાવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ મૃતકના શોકગ્રસ્ત પરિવારની સાથે મજબૂતીથી ઉભા છે. આ ઉપરાંત, હુમલામાં ઘાયલ થયેલા અન્ય લોકોને પણ તમામ સંભવિત તબીબી અને કાનૂની સહાય પહોંચાડવા માટે દૂતાવાસના અધિકારીઓ કુવૈતના વહીવટીતંત્ર અને વિદેશ મંત્રાલય સાથે “નજીકનો તાલમેલ” જાળવી રહ્યા છે. જો કે, સુરક્ષા અને અન્ય કારણોસર દૂતાવાસે હજુ સુધી મૃતક ભારતીય નાગરિકની ઓળખ કે તેના વિશે વધુ વિગતો જાહેર કરી નથી.

ટર્મિનલ વન પર ઈરાની ડ્રોન તૂટી પડ્યા, એર ટ્રાફિક સસ્પેન્ડ

કુવૈતની સત્તાવાર સરકારી સમાચાર એજન્સી ‘કુના’ (KUNA) ના અહેવાલ મુજબ, સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલના પ્રવક્તા અબ્દુલ્લા અલ-રાજહીએ જણાવ્યું હતું કે બુધવારે ઈરાન તરફથી આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાની સીધી અસર કુવૈત એરપોર્ટના ‘ટર્મિનલ વન’ (Terminal One) પર થઈ હતી. આ ઘાતક હુમલામાં એરપોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. વિસ્ફોટ અને આગના કારણે એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી, જેને પગલે મુસાફરોની સુરક્ષા અર્થે તમામ ફ્લાઈટ્સનું ઓપરેશન તાત્કાલિક રોકી દેવામાં આવ્યું છે અને એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

હોસ્પિટલોમાં ઈમરજન્સી: ઘાયલોનો આંકડો 60 ને પાર

હુમલા બાદ કુવૈતના આરોગ્ય તંત્રમાં પણ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા ડો. અબ્દુલ્લા અલ-સનદે બુધવારે સાંજે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલી આ ભયાનક ઘટના બાદ એમ્બ્યુલન્સ મારફતે અત્યાર સુધીમાં કુલ 63 જેટલા ઘાયલ લોકોને સારવાર માટે જુદી જુદી સરકારી હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા છે. ઘાયલોમાં ઘણા લોકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે, જેના કારણે મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી છે. હાલ હોસ્પિટલોમાં તબીબોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે.

દિલ્હીની રેસ્ટોરાંમાં ભીષણ આગઃ 21 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાંમાં બુધવારે ભીષણ આગ લાગતાં 21 લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, એમ અધિકારીઓએ આ માહિતી આપી છે. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘લેમન ગ્રીન રેસ્ટોરાં’ના બેઝમેન્ટમાંથી ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સવારે અંદાજે 8:50 વાગ્યે આગ લાગી હતી, જેના પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત અંગે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ દુર્ઘટનાના સાક્ષી શેર ખાને જણાવ્યું હતું કે હું સવારે દુકાન પર જઈ રહ્યો હતો ત્યારે આગ ઓછી હતી, પરંતુ પછી તે સતત ફેલાતી ગઈ. આગ વધી જતાં લોકો પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો. લોકોએ નીચે ગાદલા પાથર્યા હતા, ત્યાર બાદ એક મહિલા પોતાના નાનકડા બાળક સાથે ત્રીજા માળેથી કૂદી પડી. તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. તે મહિલા સતત કહી રહી હતી કે તેનો પગ તૂટી ગયો છે.

તેમણે વધુમાં જણાવ્યું, ઘણા લોકો ઉપરથી કૂદ્યા હતા. લોકોને બચાવવાના ઘણા પ્રયાસો થયા, પરંતુ આગ સતત વિકરાળ બનતી ગઈ. ફાયર વિભાગના અધિકારી એ.કે. મલિકે જણાવ્યું હતું કે અગ્નિશામક વિભાગને સવારે 8:50 વાગ્યે ઘટનાની જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં સાત ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યાં હતાં. બાદમાં વધુ વાહનો પણ મોકલાયાં અને તમામ જરૂરી યુનિટ્સ સ્થળ પર પહોંચી ગઈ હતી. અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચતા જ ઇમારતમાંથી 37 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. વડા પ્રધાન મોદીએ આ ભીષણ અગ્નિકાંડ પર ઘેરા દુઃખ વ્યક્ત કર્યું હતું.સોશિયલ મિડિયા પર તેમણે સંવેદના વ્યક્ત કર્યું હતું કે દિલ્હીના માલવીયનગરમાં આગ લાગવાની ઘટનાને કારણે લોકોનાં મોત અત્યંત દુઃખદ છે.  મારી સંવેદના એ પરિવારો સાથે છે, જેમણે તેમના પ્રિયજનો ગુમાવ્યા છે.

SME IPO માટે BSE અને મીશો વચ્ચે MoU

મુંબઈઃ દેશના સૌથી મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પૈકીના એક મીશોએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સાથે મળીને ‘પ્રોજેક્ટ શિખર’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલનો હેતુ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝીસ (MSME) ક્ષેત્રની સફળ ઈ-કોમર્સ કંપનીઓને BSEના સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ (SME) પ્લેટફોર્મ પર લિસ્ટિંગ માટે તૈયાર કરી તેમને મૂડીબજારમાંથી વિકાસ માટેનું ભંડોળ મેળવવામાં મદદ કરવાનો છે.

આ બંને સંસ્થાઓ વચ્ચે આ માટે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) કરવામાં આવ્યો છે. આ સહયોગ હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક વિકાસ પામેલા MSMEને જાહેર કંપની બનવા માટે જરૂરી માળખાગત માર્ગદર્શન, નિયમનકારી પાલન, કોર્પોરેટ ગવર્નન્સ અને ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO)ની તૈયારીના વિવિધ તબક્કાઓમાં સહાય પૂરી પાડવામાં આવશે.
આ પ્રસંગે BSEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ સુંદરરમણ રામમૂર્તિએ જણાવ્યું હતું કે BSEનું SME પ્લેટફોર્મ દેશની વૃદ્ધિશીલ અને રોજગારી સર્જતી કંપનીઓને મૂડીબજાર સુધી પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બન્યું છે. આ ભાગીદારી દ્વારા હવે ડિજિટલ ઉદ્યોગસાહસિકો માટે પણ જાહેર મૂડી મેળવવાનો માર્ગ વધુ સરળ બનશે.
મીશોના કોર્પોરેટ અફેર્સ વિભાગનાં વડાં લોપામુદ્રા રાવે જણાવ્યું હતું કે મીશોના વેચાણકર્તા નેટવર્કમાં અનેક ઉદ્યોગસાહસિક કંપનીઓનો સમાવેશ થાય છે, જેમણે આ પ્લેટફોર્મ પર ઝડપી વૃદ્ધિ હાંસલ કરી છે. સફળ ઈ-કોમર્સ બ્રાન્ડમાંથી રોકાણકારો માટે તૈયાર કંપની બનવાની પ્રક્રિયા જટિલ હોય છે, જ્યારે ‘પ્રોજેક્ટ શિખર’ આ અવરોધોને દૂર કરવામાં મદદરૂપ બનશે. તેમણે ઉમેર્યું  હતું કે આ પહેલ માત્ર જાહેર ભંડોળ એકત્ર કરવામાં જ નહીં, પરંતુ પારદર્શક અને નિયમોનું પાલન કરતી કંપનીઓની મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવામાં પણ મદદ કરશે. આ પહેલથી MSME ક્ષેત્રની વધુ કંપનીઓને મૂડીબજાર સાથે જોડાવાની તક મળશે અને દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે.

TMCમાં બે ફાડ?: બે બળવાખોર વિધાનસભ્યો વિધાનસભા પહોંચ્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં થયેલી કારમી હાર બાદ મમતા બેનર્જીની પાર્ટી મોટા રાજકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. પાર્ટીમાં ફૂટ પડવાની અટકળો વધુ તેજ બની છે. અહેવાલ મુજબ TMCમાંથી હકાલપટ્ટી કરાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જી 59 ધારાસભ્યોના હસ્તાક્ષર સાથે વિધાનસભા પહોંચ્યા છે અને ટૂંક સમયમાં અલગ TMC જૂથ બનાવવાનો દાવો કરી રહ્યા છે. એવી પણ માહિતી મળી રહી છે કે એક પછી એક તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા પહોંચી રહ્યા છે, જોકે હજી સુધી કોઈ ખુલ્લેઆમ આ અંગે બોલવા તૈયાર નથી.

બળવાખોર ધારાસભ્યો સ્પીકરને મળશે

પ્રાપ્ત માહિતી અનુસાર TMCના બે બળવાખોર ધારાસભ્યો ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાએ પોતાને “અસલી TMC”ના પ્રતિનિધિ ગણાવતાં દાવો કર્યો છે કે તેમની પાસે 59 ધારાસભ્યોના હસ્તાક્ષર છે. મમતા બેનર્જીએ તાજેતરમાં જ ઋતબ્રત બેનર્જીને પાર્ટીમાંથી બહાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે તાજેતરની ચૂંટણીમાં TMCના 80 ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. પક્ષમાં કાયદેસર ફૂટ માન્ય થવા માટે ઓછામાં ઓછા 54 ધારાસભ્યોનું સમર્થન જરૂરી ગણાય છે. આ રીતે જો 59 ધારાસભ્યો અલગ જૂથ બનાવી મમતા બેનર્જીથી અલગ થઈ જાય, તો તેમના પર દલબદલવિરોધી કાયદો લાગુ નહીં થાય અને તેમનાં ધારાસભ્યપદ પણ યથાવત્ રહી શકે છે.

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી ગરમાવો

ભાજપના ધારાસભ્ય તપસ રોયે અગાઉ પણ TMCની અંદર વધતા અસંતોષ અંગે મોટો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની TMC ધીમે-ધીમે વિભાજન તરફ આગળ વધી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો પાર્ટીમાં ફૂટ પડશે તો પશ્ચિમ બંગાળમાં પણ વર્ષ 2022માં મહારાષ્ટ્રમાં સર્જાયેલી રાજકીય ઊથલપાથલ જેવી સ્થિતિ જોવા મળી શકે છે.