Home Blog Page 2614

ચોકલેટ કૂકીઝ ડેઝર્ટ

ફક્ત પાંચ જ મિનિટમાં આ ડેઝર્ટ તૈયાર થાય છે!  મોંઢામાં મૂકતાં જ સ્વાદ મનને તરબતર કરી નાખે તેવો સ્ટ્રેસ બસ્ટર છે!

સામગ્રીઃ

  • કૂકીઝ 200 ગ્રા. (અથવા પારલે અથવા મારી બિસ્કિટ)
  • શેકેલા શીંગદાણા 2 કપ
  • કોકો પાઉડર 2 ટે.સ્પૂન
  • બટર 60 ગ્રા.
  • ડાર્ક ચોકલેટ અથવા સાદી ચોકલેટ 200 ગ્રા., તેમજ 150 ગ્રા.
  • ડ્રાઈફ્રુટના નાના ટુકડા
  • કિસમિસ 100 ગ્રા

રીતઃ શીંગદાણાને તેમજ બિસ્કીટને અલગ અલગ બહુ બારીક નહીં તેવા અધકચરા મિક્સીમાં ગ્રાઈન્ડ કરી લો. (રવા જેવો ભૂકો)

એક બાઉલમાં શીંગદાણા અને બિસ્કીટને મેળવી લો. તેમાં કોકો પાઉડર ચાળણીમાં ચાળીને મેળવી લો. હવે તેમાં બટર પણ મેળવી દો.

બીજા એક વાસણને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં ચોકલેટ નાખીને ગરમ થવા મૂકો. ચોકલેટ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ચોકલેટને બિસ્કીટવાળા મિશ્રણમાં સ્પેટ્યુલા વડે મેળવો. આ મિશ્રણ થોડું ઠંડું થાય એટલે તેમાંથી નાના ગોળા વાળી લો. દરેક ગોળા વાળતી વખતે તેમાં ડ્રાઈફ્રુટના થોડાં ટુકડા સાથે એક કિસમિસ મૂકીને ગોલા વાળી લો. આ તૈયાર ગોળાને ફ્રીઝમાં 1-2 કલાક માટે મૂકો.

2 કલાક બાદ ચોકલેટ કૂકીઝ બહાર કાઢી લો. હવે ચોકલેટ ઓગાળવાના વાસણમાં બાકી રાખેલી 150 ગ્રામ ચોકલેટ ઓગાળી લો અને તૈયાર કૂકીઝ ઉપર રેડી દો. સજાવટ માટે ઉપર ડ્રાઈ ફ્રુટનો ભૂકો ભભરાવી દો. ઉપર રેડેલી ચોકલેટને ફરીથી ફ્રીઝ કરવા 10 મિનિટ માટે ટ્રેને ફ્રીઝરમાં મૂકી દો. ત્યારબાદ આ ચોકલેટ કૂકીઝને ખાવાના ઉપયોગમાં લો.

પંચાંગ 12/08/2023

ઓનલાઈન ગેમ્સ પર લાગશે 28% જીએસટી; સંસદમાં ખરડો પાસ

નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને ઘોડા રેસનું આયોજન કરતી ક્લબોમાં મૂકાતી બેટ્સની સંપૂર્ણ ફેસ વેલ્યૂ પર 28 ટકા જીએસટી લાગુ કરવા માટેના સુધારાઓને સંસદે આજે મંજૂરીની મ્હોર મારી દીધી છે. હાલ આ ગેમ્સ પર 18 ટકા જીએસટી લેવાય છે. 28 ટકા જીએસટી વસૂલીનો નિયમ આવતી 1 ઓક્ટોબરથી લાગુ થશે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને તૈયાર કરેલા સેન્ટ્રલ જીએસટી (સુધારા) ખરડા, 2023 અને ઈન્ટીગ્રેટેડ જીએસટી (સુધારા) ખરડા, 2023ને મંજૂરી આપવામાં આવી છે. આ બંને ખરડામાં ભારતમાં પ્રવૃત્ત ઓફ્ફશોર ઈ-ગેમિંગ કંપનીઓ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. જે કોઈ કંપની જીએસટી રજિસ્ટ્રેશન અને કરવેરા ચૂકવણીના નિયમોનું પાલન નહીં કરે એમના એક્સેસને બ્લોક કરી દેવામાં આવશે. સીજીએસટી સુધારા ખરડામાં ઓનલાઈન ગેમિંગને ઈન્ટરનેટ અથવા ઈલેક્ટ્રોનિક નેટવર્ક પરની ગેમ તરીકે ગણવામાં આવી છે.

ફિલ્મ અભિનેત્રી, ભૂતપૂર્વ સાંસદ જયાપ્રદાને છ મહિનાની જેલ

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી અને રામપુરનાં ભૂતપૂર્વ સાંસદ જયાપ્રદાને ચેન્નાઈની કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી છે. ચેન્નાઈના રાયપેટામાં તેમની માલિકીના મૂવી થિયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંબંધમાં તેમને કેસમાં સજા ઉપરાંત રૂ. 5000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ફિલ્મઅભિનેત્રી અને ભૂતપૂર્વ સાંસદ જયાપ્રધાનની વિરુદ્ધ મુરાદાબાદની સ્પેશિયલ MP MLA કોર્ટે 17 ઓગસ્ટે બિનજામીન વારંટ જારી કર્યું હતું.

ચેન્નાઈના આ સિનેમા હોલનું સંચાલન રામ કુમાર અને રાજા બાબુ કરે છે. આ ઘટનામાં સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે મેનેજમેન્ટ થિયેટર કામદારોને ESI ચૂકવવામાં નિષ્ફળ ગયું અને તેમણે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. બાદમાં, અભિનેત્રીએ સ્ટાફને સંપૂર્ણ રકમ ચૂકવવાનું વચન આપ્યું હતું અને કોર્ટમાં કેસને રદ કરવાની અપીલ કરી હતી.જયાપ્રદા સહિત આરોપીઓને આ કેસમાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી જોકે  શ્રમ સરકારી વીમા નિગમના વકીલે તેમની અપીલ સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર દ જયાપ્રદા અને આ કેસ સાથે જોડાયેલા અન્ય ત્રણને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. એ સાથે દરેકને રૂ. 5000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

રામપુરથી સાંસદ રહી ચૂકેલાં જયાપ્રદાની રાજકીય કારકિર્દી 1994માં તેલુગુ દેશમ પાર્ટીથી શરૂ થઈ હતી. જયા પ્રદા આંધ્ર પ્રદેશમાંથી 1996માં પ્રથમ વખત રાજ્યસભામાં ચૂંટાયાં હતાં. ત્યાર પછી  2004માં તે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયાં હતાં અને બે વાર લોકસભા સાંસદ પણ બન્યાં હતાં. તેઓ રાષ્ટ્રીય લોકદળ તરફથી લોકસભાની ચૂંટણી પણ લડ્યાં હતાં. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં હતાં.

 

 

 

GU માનહાનિ મામલામાં કેજરીવાલને રાહત આપવાનો HCનો ઇનકાર

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી માનહાનિ મામલામાં  દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને સંસદસભ્ય સંજય સિંહની અરજી પર HCએ કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે તમને નીચલી કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. તમે હાજર રહેવા માટે કોર્ટને આશ્વસ્ત કરી હતી. વળી હાલ દિલ્હીમાં પૂરની સ્થિતિ પણ નથી. કોર્ટને તમે અસમંજસમાં મૂકવાના પ્રયાસ કરી રહ્યા છો. હવે  કેજરીવાલે હાજર રહેવું પડશે.

અરવિંદ કેજરીવાલના વકીલે અલગ-અલગ કોર્ટના ચુકાદા અને કેસો ટાંકતા હાઈકોર્ટે ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે તમે કોર્ટને મૂંઝવવા જોરદાર પ્રયાસો કરી રહ્યા છો. કેજરીવાલની રજૂઆત હતી કે મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રિવિઝન અરજી પર નિર્ણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે તેવો અરજીમાં ઉલ્લેખ હતો.

કેજરીવાલની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓને હાજર થવા માટેના સમન્સને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇશ્યુ થયા હતા.

PM મોદીની ડિગ્રીના કેસમાં કોર્ટમાં હાજરીથી મુક્તિ માટે કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સેશન્સ કોર્ટે અરજી ફગાવી દેતાં કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

 

 

 

 

 

આઇસી15 ઇન્ડેક્સમાં 99 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના આંકડા ધારણા કરતાં સારા આવ્યા હોવા છતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું.

3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.25 ટકા (99 પોઇન્ટ) ઘટીને 38,699 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,798 ખૂલીને 39,112ની ઉપલી અને 38,617 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મોટાભાગના કોઇન ઘટ્યા હતા, જેમાં યુનિસ્વોપ, ચેઇનલિંક, લાઇટકોઇન અને પોલીગોન ટોચના ઘટેલા કોઇન હતા. શિબા ઇનુ, એક્સઆરપી, સોલાના અને ડોઝકોઇનમાં ત્રણ ટકા સુધીની વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન, ભારતના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે દસ્તાવેજો પર ડિજિટલ સહી કરવા માટે ક્રીપ્ટો ટોકનનો ઉપયોગ કરી શકાય એવું સ્થાનિક વેબ બ્રાઉઝર બનાવવાનું આયોજન કર્યું છે. બીજી બાજુ, નાઇજિરિયા નેશનલ યુથ સર્વિસ કોરનાં સર્ટિફિકેટ ઇસ્યૂ કરવા માટે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માગે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સર્ટિફિકેટને લગતી છેતરપિંડી અટકાવવાનો છે.

લેપટોપ, ટેબ્લેટ્સ બાદ પ્રિન્ટર, કેમેરાની આયાત પર પ્રતિબંધની શક્યતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હાલમાં ચીન અને કોરિયાથી આવતા શિપમેન્ટ્સને પ્રતિબંધિત કરવા માટે  લેપટોપ, ટેબ્લેટ્સ અને કેટલાંક પ્રકારનાં કોમ્પ્યુટર્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સિવાય પ્રિન્ટર, કેમેરા, હાર્ડ ડિસ્ક્સ પર પણ આયાત્ર નિયંત્રણો લાદવામાં આવે એવી વકી છે.

આ આયાતી ચીજવસ્તુઓની સ્થાનિકમાં બહું ઊંચી માગ છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા તત્કાળ હસ્તક્ષેપ કરવાની જરૂર છે, એમ આ બાબતથી માહિતગાર લોકોએ જણાવ્યું હતું. જોકે ગયા સપ્તાહે મોટી-મોટી ટેક જાયન્ટ્સના ટોચના એક્ઝિક્યુટિવ્સ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન મંત્રાલયના સિનિયર અધિકારીઓને મળ્યા હતા અને તેમણે સરકાર પાસે ઉત્પાદન એકમો સ્થાપવા માટે સમય આપવા માગ કરી હતી, એમ અહેવાલ કહે છે.  નાણાકીય વર્ષ 2023માં આ ચીજવસ્તુઓની આયાત 10.08 અબજ ડોલરને પાર થઈ હતી. FY23માં દેશની કુલ મર્ચન્ડાઇઝ આયાત 16.5 ટકા વધીને 714 અબજ ડોલરે પહોંચી હતી, જેનાથી દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) બે ટકા વધીને GDPના 1.2 ટકા વધીને બે ટકા થઈ હતી.

આ વેબસાઇટે અગાઉ જણાવ્યું હતું કે ટોચના લેપપટોપ, પર્સનલ કોમ્પ્યુટર (PC) અને સર્વરના ઉત્પાદકો જેવા કે ડેલ, HP, એપલ, લિનોવો અને એસુસ સહિતના એકમોની સંસ્થા- મેન્યુફેક્ચર્સ એસોસિયેશનન્સ ફોર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (MAIT)એ નવી આયાત પર મર્યાદિત કરવાના નિયમોના અમલીકરણની રજૂઆત કરી હતી.

 

 

 

કોંગ્રેસ અધીર રંજન ચૌધરીને મામલે ‘સુપ્રીમ’નાં દ્વાર ખટખટાવશે

નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસ નેતા સંસદમાં અધીર રંજન ચૌધરીના સસ્પેશન મામલે વિપક્ષ આક્રમક છે. તેમના સસ્પેશનનો મુદ્દો રાજ્યસભામાં પણ ઊઠ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ‘નીરવ મોદી’નું નામ લેવા પર અમારા સાથી નેતાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ખડગેએ કહ્યું હતું કે જરા અમથી વાતમાં સસ્પેન્ડ કોણ કરે છે? કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સુપ્રીમ કોર્ટ જવાના સંકેત આપ્યા છે.

કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સંસદમાં દલીલબાજી દરમ્યાન કોઈ સભ્ય અસંસદીય શબ્દોનો ઉપયોગ કરે છે, તો તેમને ત્યાં જ અટકાવવા જોઈએ. તેમના શબ્દો પર વાંધો ઉઠાવવો જોઈએ, પરંતુ તમે લોકસભામાં અમારા નેતાને સસ્પેન્ડ કરી દીધા છે.

બીજી બાજુ, INDIAના સાંસદોએ લોકસભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ સંસદની કાર્યવાહીને અનિશ્ચિતકાર  માટે સ્થગિત કરવામાં આવી છે. ત્યાર બાદ વિપક્ષી સાંસદો સંસદના પ્રાંગણમાં માર્ચ કાઢી હતી. આ પ્રદર્શનમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત વિપક્ષના સાંસદ સામેલ થયા હતા.

બીજી બાજુ, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડેએ આપના સાંસદ રાઘવ ચઢ્ઢાને પણ સસ્પેન્ડ કરી દીધા છે અને સાંસદ સંજય સિંહનું સસ્પેન્શન પણ વધારી દીધું છે. અધીર રંજન ચૌધરી સહિત ત્રણ સાંસદો વિશેષાધિકાર સમિતિના રિપોર્ટ આવવા સુધી સસ્પેન્ડ રહેશે. આ સાથે રાજ્યસભામાં એ સાંસદોને વિદાય આપવામાં આવી હતી, જેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.

 

 

 

 

કંપનીએ જ ભૂતપૂર્વ CFO, પત્ની સામે કર્યો છેતરપિંડીનો કેસ

મુંબઈઃ અહીંના દાદર ઉપનગરમાં પોલીસે એક દંપતી સામે છેતરપિંડીનો કેસ કર્યો છે. આ બંને જણ સર્વાઈવલ ટેક્નોલોજી લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા. દિનેશ ભાલોટિયા નામનો પતિ આ કંપનીમાં ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (સીએફઓ) તરીકે કામ કરતો હતો અને તેણે એની પત્ની સબિતાને પણ કંપનીમાં નોકરીએ રાખી હતી, પરંતુ પત્ની એક દિવસ માટે પણ કામ કરવા આવી નહોતી.

કંપનીના એચ.આર. વિભાગના વડા જોન પરમાર તથા સ્ટાફ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં છે. એણે આરોપ મૂક્યો છે કે દિનેશ ભાલોટિયા કંપનીમાં સીએફઓ પદે હતા અને એમણે એમની પત્ની સબિતાને એક ટેક્સ એક્ઝિક્યૂટિવ તરીકે અપોઈન્ટ કરી હતી. સબિતા 2021ની 1 ફેબ્રુઆરીએ કંપનીમાં જોડાઈ હતી અને આ વર્ષના જુલાઈ સુધીમાં કર્મચારી તરીકે રૂ. 46 લાખનો પગાર લીધો હતો, પરંતુ એ ક્યારેય ઓફિસે આવી નહોતી. ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ભાલોટિયા સ્ટાફમાં દરેક જણ સાથે ઉદ્ધતાઈથી વાત કરતા હતા. ત્યારબાદ એમને ચેતવણી પણ આપવામાં આવી હતી. તે છતાં એણે પોતાનું વર્તન સુધાર્યું નહોતું. એ પછી પરમારે ભાલોટિયાના દસ્તાવેજો ચેક કર્યા હતા અને ત્યારે એમને જાણવા મળ્યું હતું કે એમણે દસ્તાવેજોમાં આપેલા નામોમાં ફરક હતો. ભાલોટિયાનો માસિક પગાર રૂ. ચાર લાખ હતો અને સબિતાનો પગાર રૂ. 1.69 લાખ હતો. પગારની તે રકમ ઉપર દંપતીએ ટીડીએસ પણ ભર્યો નહોતો. ભાલોટિયાએ કંપનીને એમ જણાવ્યું હતું કે એણે ટેક્સ ચૂકવી દીધો છે, પરંતુ એ જૂઠ્ઠું બોલ્યા હતા. આખરે એમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ભાલોટિયાની પત્નીને આટલા વખતમાં પગાર તરીકે રૂ. 46 લાખ ચૂકવવામાં આવ્યા હતા. કંપનીને જ્યારે આની જાણ થઈ કે તરત જ એણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ભાલોટિયા દંપતી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

પસંદગીકારો શિખર ધવનને અવગણીને ભૂલ તો નથી કરતા?

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા સૌપ્રથમ વાર એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. વર્લ્ડ કપ 2023માં પણ હવે બે મહિનાથી ઓછો સમય બચ્યો છે. પાંચ સપ્ટેમ્બરે બધી ટીમોનું એલાન થવાનું છે, પરંતુ ટીમ ઇન્ડિયાની ચિંતા એ છે કે વર્લ્ડ કપમાં પ્લેઇંગ 11માં કયા ક્રિકેટરને જગ્યા આપવી? ટીમ ઇન્ડિયા પોતાના ‘ગબ્બર’ ક્રિકેટરને મિસ કરીને ક્યાંક મોટી ભૂલ તો નથી કરી રહી? કેમ કે એશિયન ગેમ્સમાં પણ શિખર ધવનની અવગણના કરવામાં આવી હતી.

પસંદગીકર્તાઓએ સિનિયર બેટ્સમેન શિખર ધવનને નજરઅંદાજ કરી રહ્યા છે, કેમ કે શિખર ધવન લાંબા સમયથી ટીમથી દૂર છે. ટીમ ઇન્ડિયાના ‘ગબ્બર’ શિખર ધવનનો રેકોર્ડ ઘણો સારો છે. વર્લ્ડ કપની ટીમ માટે પણ તેની અવગણના કરવામાં આવે એવી શક્યતા છે. ધવન એવો બેટ્સમેન છે, જે ટીમમાં હોવાથી ટીમ ઇન્ડિયાને લાભ જ લાભ છે. આવો જાણીએ શિખર વર્લ્ડ કપની ટીમમાં કેમ હોવો જોઈએ?

શિખર ધવનને ઇન્ટરનેશનલ ક્રિકેટનો 10 વર્ષથી વધુનો અનુભવ છે. તેણે 2010માં ડેબ્યુ કર્યું હતું. તેની મદદથી ટીમ ઇન્ડિયા ઘણી મેચો જીતી છે. વળી, તેણે ICC ઇવેન્ટમાં હંમેશાં સારો દેખાવ કર્યો છે. તેનો રેકોર્ડ જબરદસ્ત છે. તેણે 2013 અને 2017ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 10 મેચ રમી હતી, જેમાં તેણે 77.88ની સરેરાશથી 701 રન બનાવ્યા હતા. તેના નામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ સદી અને ત્રણ અર્ધસદી છે. એ સિવાય 2015 અને 2019- બંને વર્લ્ડ કપ મળીને ધવને 10 મેચમાં 53.70ની સરેરાશે 537 રન બનાવ્યા છે. વનડે વર્લ્ડ કપમાં તેણે ત્રણ સદી અને એ ફિફ્ટી ફટકાર્યા છે.