જિનિવાઃ ભારતીય કફ સિરપને લઈને વિશ્વભરના દેશ ચિંતિત છે. ઇરાકે પણ કહ્યું હતું કે ભારતીય કંપનીમાં બનેલી દવાનું જ્યારે લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું તો માલૂમ પડ્યું હતું કે આ કફ સિરપ ના માત્ર દૂષિત છે, બલકે ઘાતક પણ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ પણ ભારતમાં બનેલા કફ સિરપને લઈને ફરી એક વાર અલર્ટ જારી કર્યું છે. છેલ્લા 10 મહિનામાં આ પાંચમી વાર છે, જ્યારે WHOએ ભારતીય કફ સિરપ માટે અલર્ટ જારી કર્યું છે.
ઇરાકમાં જે કફ સિરપ પર પ્રતિબંધ કરવાની વાત કરવામાં આવી રહી છે, એને ફોર્ટ્સ ઇન્ડિયા લેબ પ્રાઇવેટ લિમિટેડ તરફથી ડેબીલાઇફ ફાર્મા પ્રોડક્ટ લિ.એ તૈયાર કર્યું હતું. WHOએ અહેવાલમાં જણાવ્યું હતું કે આ કફ સિરપમાં એથિવિન ગ્લાયકોલ અને ડાયથિલિન ગ્લાયકોલ –બંને કેમિકલની માત્રા નક્કી મર્યાદાધી 0.10 ટકા વધારે નાખવામાં આવી હતી. આ કોઈના પણ ખતરનાક સાબિત થઈ શકે છે. WHOનું કહેવું છે કે આના ઉપયોગથી ના માત્ર લોકોની તબિયત ગંભીર રીતે ખરાબ થઈ શકે, પણ એનું મોત પણ થવાની શક્યતા છે.
ભારતીય કફ સિરપ પર સવાલો?
સૌથી પહેલાં ઓક્ટોબર, 2022માં ગાંબિયામાં 70 બાળકોનાં મોત થયાં તો એને હરિયાણાની મેડન ફાર્મા દ્વારા કફ સિરપ સાથે જોડવામાં આવ્યું હતું. એ સમયે પણ WHOએ આ મેડિકલ પ્રોડક્ટને લઈને અલર્ટ જારી કર્યું હતું. ત્યાર બાદ ડિસેમ્બર, 2022માં ઉજબેકિસ્તાન સરકારે આરોપ લગાવ્યો હતો કે એને ત્યાં 18 બાળકોનાં મોતની જવાબદાર મેરિયન બાયોટેક લિ. ગણાવી હતી.
મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વાસીમ જાફરનું કહેવું છે કે આગામી એશિયા કપ અને ત્યારબાદ આ જ વર્ષમાં રમાનાર વર્લ્ડ કપ પૂર્વે દેશની વન-ડે ઈન્ટરનેશનલ માટેની ટીમમાં ડાબોડી યુવા બેટર તિલક વર્માને સામેલ કરવો જોઈએ. આંધ્ર પ્રદેશના ગુન્ટૂરમાં જન્મેલો અને 20 વર્ષની વયનો તિલક વર્મા વેસ્ટ ઈન્ડિઝ સામે હજી તો પોતાની કારકિર્દીની પહેલી જ શ્રેણી રમી રહ્યો છે અને તેમાં એની બેટિંગમાં મેચ્યોરિટી અને આત્મવિશ્વાસ જોવા મળ્યો છે. જાફરનું વધુમાં કહેવું છે કે, ‘પહેલી જ શ્રેણીમાં તિલક વર્માના મેચ્યોર બેટિંગ દેખાવ, ટીમ માટે મુશ્કેલ પરિસ્થિતિમાં ક્રીઝ પર ટકી રહેવાની તેની ક્ષમતા, બેટિંગ માટે મુશ્કેલ પિચ પર અને પરિસ્થિતિમાં પણ એણે કેરિબિયન બોલરોનો જે રીતે સામનો કર્યો છે તે પ્રશંસનીય છે.’
હાલની ટ્વેન્ટી-20 શ્રેણીમાં તિલક વર્મા ભારત વતી ટોપ સ્કોરર રહ્યો છે. એણે ત્રણ મેચમાં 69.50ની સરેરાશ સાથે કુલ 139 રન કર્યા છે. તેણે એક અડધી સદી પણ ફટકારી છે. બીજી મેચમાં તેણે 41 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 રન કર્યા હતા. પહેલી મેચમાં એણે 22 બોલમાં બે ચોગ્ગા, 3 છગ્ગાની મદદથી 39 રન કર્યા હતા. ગઈ કાલની ત્રીજી મેચમાં વર્માએ 37 બોલમાં, ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 49 રન કર્યા હતા અને ટોપ સ્કોરર સૂર્યકુમાર યાદવ (83)ને સાથ આપ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. એના જોરે ભારત ત્રીજી મેચ 7-વિકેટથી જીતવામાં સફળ રહ્યું હતું. બંને ટીમ વચ્ચે પાંચ-મેચોની શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝની સરસાઈ ઘટીને 2-1 થઈ છે. બંને ટીમના ખેલાડીઓ હવે અમેરિકા જશે અને ત્યાં ફ્લોરિડા રાજ્યના લોડરહિલમાં ચોથી (12 ઓગસ્ટે) અને પાંચમી મેચ (13 ઓગસ્ટે) રમશે.
જાફરનું કહેવું છે કે, ‘પહેલી ત્રણ મેચમાં તિલકની બેટિંગમાં મેચ્યોરિટી, સાતત્ય અને સ્ટ્રોકપ્લેની આવડત જોવા મળી છે. કપરા સંજોગોમાં એને આક્રમક બેટિંગ કરતો જોવામાં ખૂબ જ મજા આવે છે. હરીફ ટીમની બોલિંગને એ ક્રીઝ પર આવતાવેંત બીજા કે ત્રીજા બોલથી જ ઝૂડવાનું શરૂ કરી દે છે.’
નવી દિલ્હીઃ દેશમાં અનિયમિત ચોમાસાએ સૌથી વધુ અસર શાકભાજીના પાક પર પડી છે. ટામેટાં સહિત તમામ શાકભાજીની કિંમતો આકાશને આંબી રહી છે. છેલ્લા બે મહિનામાં ટામેટાંની વધેલી કિંમતોએ લોકોનો સ્વાદ બગાડી દીધો છે અને હવે ડુંગળી આંખોમાંથી ‘આંસુ’ લાવશે.
છેલ્લા એક મહિનાથી ટામેટાંની કિંમતોએ સામાન્ય જનતાનું બજેટ બગાડી દીધું છે. જેથી અનેક લોકોએ થાળીમાંથી ટામેટાં ગયબ કરી દીધાં છે. જોકે હાલ ટામેટાંની કિંમતો બજારમાં કિલોદીઠ રૂ. 200 પર સ્થિર છે, પરંતું ડુંગળીની કિંમતો બજારમાં અચાનક પ્રતિ કિલો રૂ. 30થી વધીને રૂ. 80એ પહોંચી ગઈ છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે 15 ઓગસ્ટ સુધી ડુંગળીની કિંમતો પ્રતિ કિલો રૂ. 100ને પાર થવાની વકી છે. આ સિવાય બજારમાં લીલાં મરચાં, કોથમીર સહિત અન્ય શાકભાજીની કિંમતોમાં પણ વધારો થયો છે. હાલ બજારમાં શાકભાજી ખરીદવી સામાન્ય જનતાની બહાર થઈ રહી છે. શાકભાજીની કિંમતોએ આમ આદમીની કમર ભાંગી કાઢી છે. મધ્યમ વર્ગના લોકોની થાળીથી ટામેટાં, મરચાં, કોથમીર અને હવે ડુંગળી ગાયબ થતી જઈ છે.
ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સની સાઇટ મુજબ દિલ્હી સહિત UPનાં અનેક શહેરોમાં ડુંગળીની કિંમતો આકાશને આંબી રહી છે. બજારમાં ડુંગળી હાલ પ્રતિ કિલો રૂ. 80થી રૂ. 90એ પહોંચી છે. જોકે રાહતની વાત એ છે કે ડુંગળીનો સરકાર પાસે આશરે 2.50 લાખ ટન રિઝર્વ છે. આવામાં ડુંગળીની કિંમતો પર કાબૂમાં લેવા માટે સરકાર એને બજારમાં ઠાલવે એવી શક્યતા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના યવતમાળ શહેરમાં ૮૦૦ જેટલા ગુજરાતી પરિવારો છે અને ચંદ્રપુર શહેરમાં ૪૫૦ જેટલા ગુજરાતી પરિવારો વસે છે. આ પરિવારો નવરાત્રી નિમિત્તે ભેગા થતાં હોય છે. અહીં નથી કોઈ ગુજરાતી શાળા કે નથી અભ્યાસક્રમમાં ગુજરાતીનો વિષય! તે છતાં બોલચાલની ભાષા તરીકે ગુજરાતી સારી રીતે જળવાઈ રહી છે. આ શહેરોમાં ગુજરાતી સમાજ બધા ગુજરાતી પરિવારોને એક તાંતણે બાંધે છે.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ વર્ષે મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં વસતા ગુજરાતીઓને ગુજરાતી ભાષા તથા સાહિત્યનો પરિચય કરવા કમર કસી છે.
કવિ હિતેન આનંદપરાની પરિકલ્પના ધરાવતો, એકોક્તિ કે નાટ્યઅંશો તથા ગુજરાતી ગીતો અને કાવ્યોનો એક રસપ્રદ કાર્યક્રમ ‘ગમતાંનો કરીએ ગુલાલ’ છેલ્લા ૬ મહિનામાં સોલાપુર, કોલ્હાપુર, આકોલા, અમરાવતી, નાગપુર જેવા શહેરોમાં યોજાઈ ચૂક્યો છે અને તાજેતરમાં જ યવતમાળ તથા ચંદ્રપુરમાં પણ યોજવામાં આવ્યો હતો.
તખ્તા તથા ટીવી સિરિયલોના જાણીતાં કલાકારો – મીનળ પટેલ, સનત વ્યાસ, કલ્પના શાહ તથા યુવાન અદાકારા સેજલ પોંદા, ગિટાર સાથે ગુજરાતી ગીતો રજૂ કરતાં રાઘવ દવે તથા સૂત્રધાર તરીકે ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓનાં કાવ્યોની મોજ કરાવનાર કવિ સંજય પંડ્યા આ શહેરમાં કાર્યક્રમોમાં સહભાગી થયાં છે.
યવતમાળના કાર્યક્રમમાં શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ તથા શ્રી રઘુવંશી મહિલા મંડળનો સહયોગ હતો. ચંદ્રપુરના કાર્યક્રમમાં શ્રી ગુજરાતી સમાજ ટ્રસ્ટ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી લોહાણા મહાજન તથા શ્રી લોહાણા મહિલા મંડળનો સહયોગ હતો. આ બંને કાર્યક્રમનું સંકલન ચંદ્રપુરનાં ડૉ.ઉર્વશી માણેકે કર્યું હતું.
નવી દિલ્હીઃ સંસદના મોન્સુન સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. સંસદ સભ્યપદ પાછું મળતાં પહેલી વાર સંસદ પહોંચેલા રાહુલ ગાંધીએ ભાષણનો પ્રારંભ કરતાં સભ્યપદ પરત મળવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપ પર વધુ આક્રમક વલણ નહીં અપનાવે.
મણિપુરના મુદ્દે તેમણે વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાન મણિપુર નથી ગયા, કેમ કે તેમના માટે મણિપુર ભારતમાં નથી? મણિપુરમાં ભારત માતાની હત્યા કરવામાં આવી છે. તમે દેશપ્રેમી નથી, તમે દેશદ્રોહી છો. તમે ભારત માતાના હત્યારા છો. તમે મારી માતાને મારી છે. જ્યાં સુધી તમે મણિપુરમાં શાંતિ નહીં સ્થપાય, ત્યાં સુધી તમે હત્યારા કહેવાશો. વડા પ્રધાન હવે હિન્દુસ્તાનનો અવાજ નથી સાંભળતા. હવે તેઓ માત્ર બે લોકોનો જ અવાજ સાંભળે છે- જેમ રાવણ બે લોકોનું સાંભળતો હતો, તેમ મોદીજી બે લોકોને સાંભળે છે. અમિત શાહ અને અદાણી. રાવણના અહંકારે તેને માર્યો હતો. તમે મણિપુર બે ભાગોમાં વહેંચી દીધું છે. એને તોડી નાખ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
भारत हमारे दिल की आवाज है, जनता की आवाज है। मोदी सरकार ने मणिपुर में उस आवाज की हत्या की है।
તેમણે કહ્યું હતું કે આજે એ સાચું છે કે મણિપુર નથી બચ્યું. મેં મણિપુરમાં મહિલાઓ સાથે વાત કરી હતી. હું રાહત શિબિરોમાં ગયો છું. મને એક મહિલાએ કહ્યું હતું કે મારી આંખો સામે મારા પુત્રને ગોળી મારવામાં આવી છે. મેં મારું ઘર છોડી દીધું છે. મારી પાસે માત્ર મારાં કપડાં છે. રાહુલ ગાંધીના નિવેદન પર સત્તા પક્ષે હંગામો કરી દીધો. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજીજુએ કહ્યું હતું કે મણિપુરમાં સાત દાયકામાં જે થયું છે, એના માટે કોંગ્રેસ જવાબદાર છે. રાહુલે એ માટે માફી માગવી જોઈએ.
મુંબઈઃ મુકેશ અંબાણીના નેતૃત્ત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની ગ્રીન એનર્જી ઉદ્યોગક્ષેત્રમાં ગાજતું નામ છે. રૂ. 17 ટ્રિલિયનની માર્કેટ મૂડી ધરાવતી આ કંપની નવી અને હરિત ઊર્જા સ્રોતના ક્ષેત્રમાં મોટા પાયે મૂડીરોકાણ કરવાની છે. આરઆઈએલની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં અંબાણીએ કહ્યું હતું કે, ‘ન્યૂ એનર્જી અને ન્યૂ મટિરિયલ્સ ક્ષેત્રમાં રિલાયન્સને દુનિયાની અગ્રગણ્ય કંપની બનાવવા માટે આપણે 15 વર્ષનું લક્ષ્ય નક્કી કર્યું છે.’ તે જાહેરાતને પગલે કંપનીએ 2021માં જાહેરાત કરી હતી કે તે ન્યૂ એનર્જી બિઝનેસમાં રૂ. 75,000 કરોડનું મૂડીરોકાણ કરશે.
હવે કંપનીના લેટેસ્ટ વાર્ષિક અહેવાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કહ્યું છે કે તે ન્યૂ એનર્જી ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટને બમણું કરશે. તેણે પોતાના વચનનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે તે 2035ની સાલ સુધીમાં નેટ-ઝીરો કાર્બનનો મહત્ત્વાકાંક્ષી ટાર્ગેટને હાંસલ કરવા માટે આ ક્ષેત્રમાં મૂડીરોકાણને બમણું એટલે કે, રૂ. 1.5 ટ્રિલિયન કરશે. ન્યૂ એનર્જી બિઝનેસ હાઈડ્રોજન, પવન, સૌર્ય ઊર્જા, ઈંધણ અને બેટરીઝ સાથે વિશ્વસનીય, સ્વચ્છ અને સસ્તી ઊર્જાના ઉકેલોનું ઉત્તમ મિશ્રણ છે.
જ્યોર્જટાઉનઃ વેસ્ટ ઇન્ડિઝની સામે પાંચ મેચોની T20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર વાપસી કરી છે. આ સિરીઝમાં પ્રારંભની બે મેચો હાર્યા પછી ત્રીજી મેચ જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાએ આ મેચ સાત વિકેટથી જીતી લીધી છે. હવે સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝ 2-1થી આગળ છે.
ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે રમાઈ રહેલી સિરીઝમાં ત્રીજી મેચમાં ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આક્રમક બેટિંગ કરી હતી, તેણે 44 બોલમાં ચાર છક્કા અને 10 ચોક્કાની મદદથી 83 રન બનાવ્યા હતા અને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.
🚨 Milestone Alert 🚨
A SKY special! 👏 👏
Suryakumar Yadav completes a 𝗖𝗘𝗡𝗧𝗨𝗥𝗬 💯 of Sixes in T20Is 💪 💪
સૂર્યકુમાર યાદવે હવે ટીમ ઇન્ડિયા તરફથી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 100 છક્કા લગાવનાર બેટ્સમેનોની યાદીમાં પહેલા ક્રમે આવી ગયો છે. આ પહેલાં રોહિત શર્માને નામે આ રેકોર્ડ હતો, જેણે 84 ઇનિંગ્સમાં 100 છક્કા પૂરા કર્યા હતા. જોકે ઓવરઓલ સૂર્યકુમાર ક્રિસ ગેઇલની સાથે સંયુક્ત રૂપે બીજા ક્રમે આવી ગયો છે, જેણે 49 ઇનિંગ્સમાં 100 છક્કા લગાવ્યા હતા. યાદવના હવે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 51 મેચોમાં 101 છક્કા થઈ ગયા છે.
બીજી બાજુ, તિલક વર્માએ આ સિરીઝથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે, જે ડેબ્યુ કર્યા બાદ પ્રારંભની ત્રણ મેચોમાં સતત 30 કે એનાથી વધુ સ્કોર બનાવનારો બીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. આ સાથે તિલક વર્મા સૂર્યકુમાર યાદવ પછી પહેલી ત્રણ T20I ઇનિંગ્સમાં 30+ નો સ્કોર બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં ત્રણ ઇનિંગ્સમાં દીપક હુડા (172 રન), સૂર્યકુમાર, તિલક વર્મા (139 રન) અને ગૌતમ ગંભીર (109 રન) બનાવ્યા છે.
જે વ્યક્તિ જવાબદારી લે છે,તે મોટે ભાગે પ્રાર્થના નથી કરતા હોતા, અને ઘણી વાર,જે પ્રાર્થના કરે છે તે જવાબદારી નથી લેતા. આધ્યાત્મથી આ બન્ને એક સાથે શક્ય છે. સેવા અને સાધના એક સાથે થાય છે. તમે ધ્યાનમાં જેટલા ઊંડા ઉતરો છો તેટલું તમને પોતાનો આનંદ બીજા સાથે વહેંચવા ઈચ્છો છો. જો તમે બીજાની સેવા કરો છો તો તમને તેનું પુણ્ય મળે છે. કેટલાક લોકો માત્ર એટલા માટે સેવા કરે છે કે તેનાથી તેમને પુષ્કળ લાભ અને પુણ્ય મળે છે. લોકો જો પ્રસન્ન થાય છે તો તેમને એવું લાગે છે કે ભૂતકાળમાં ક્યારેક એમણે કોઈ સેવા કરી હશે.
એ જ રીતે, જો તમે ખુશ નથી તો સેવા કરો;તમારું મનોબળ વધશે અને તમને આનંદ આવશે. તમે જેટલું બીજાને આપશો એટલી જ શક્તિ અને સમૃધ્ધિ તમારા જીવનમાં આવશે. જ્યારે આપણે જીવનમાં સેવાને પ્રાથમિકતા આપીએ છીએ ત્યારે ભય નાશ પામે છે,આપણા મનમાં એકાગ્રતા આવે છે,આપણા કર્મોમાં નિરુદ્દેશ્યતા આવે છે અને આપણે આનંદિત રહીએ છીએ. જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે આપોઆપ સહજ થઈ જઈએ છીએ અને આપણામાં માનવીય મુલ્યો પુનઃજાગૃત થાય છે, તેનાથી આપણે એક ભયરહિત અને સુસ્તીમુક્ત સમાજનું નિર્માણ કરવા માટે સક્ષમ બનીએ છીએ. યુવાઓ માટે આધ્યાત્મનું લક્ષ્ય બીજાઓ સાથે વહેંચવાના ગુણ અને આત્માવિશ્વાસનો વિકાસ કરવાનો છે.
જો તમારામાં સેવા કરવાનો ભાવ જાગે છે તો તમે તમારી ચિંતા ના કરો; આ દિવ્યતા તમારું ધ્યાન રાખશે. તમે પૈસાની પણ વધારે ચિંતા ના કરો. જો તમે પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરપૂર છો તો ભયનું કોઈ સ્થાન નથી. સેવા એ સુસ્તીનો શ્રેષ્ઠ ઉપચાર છે. જે દિવસે તમે નિરાશ અને દુખી હોવ ત્યારે બહાર નીકળો અને લોકોને પૂછો,”હું તમારા માટે શું કરી શકું છું?”તમે જે કંઈ સેવા કરશો તે તમારી અંદર એક આંદોલન લાવશે.જ્યારે તમે એવું પૂછો છો કે “કેમ હું જ?” અથવા “મારું શું?” ત્યારે જ તમે દુખી થાવ છો. એના કરતાં તો સારું એ છે કે તમે થોડા પ્રાણાયામ કરો,સુદર્શન ક્રિયા કરો અને રોજ થોડીવાર મૌન રાખો. એ તમારા મન અને શરીરને ઊર્જાવાન બનાવશે અને તમારી ઊર્જાનું સ્તર વધશે.
આનંદ બે પ્રકારના હોય છે. પહેલો એ જે કંઈક મળવાથી અનુભવાય છે-જેવું બાળકોમાં થાય છે,”જો મને આ રમકડું મળશે તો હું ખુશ થઈશ.” મોટેભાગે આપણે આ સ્તર પર રહેતા હોઈએ છીએ અને એનાથી આગળ નથી વધતા. બીજા પ્રકારનો આનંદ આપવામાં છે. એક દાદી પોતાના પૌત્ર પૌત્રીઓને મિઠાઈ આપવામાં જ ખુશ છે. એ એવું નથી વિચારતી કે તેને પોતાને કેટલું મળ્યું છે.જે આનંદ આપવામાં મળે છે તે પરિપક્વ છે. ઈશ્વર તમારી પાસે કોઈ અપેક્ષા નથી રાખતા. જ્યારે તમે કોઈ પણ કાર્ય માત્ર એટલા માટે જ કરો છો કે તમને તેમાં આનંદ મળે છે, જ્યારે તમને કંઈ મેળવવાની લાલસા નથી-તો એ સેવા છે. સેવા તમને તરત સંતોષ અને લાંબાગાળાનો લાભ, બન્ને પ્રદાન કરે છે.
પોતાની અંદર ઈશ્વરને જોવા એ જ ધ્યાન છે અને બીજી વ્યક્તિમાં ઈશ્વર જોવા એ સેવા છે. ઘણા લોકો મોટાભાગે એવું સમજે છે કે જો તે સેવા કરશે તો બીજા એમનો ફાયદો ઉઠાવી લેશે. સતર્ક અને બુદ્ધિશાળી રહીએ,પરંતુ કુટીલના થઈએ. સેવાથી યોગ્યતાઓ વધે છે; આ યોગ્યતાઓ તમારા ધ્યાનને વધારે ગહેરુ બનાવે છે અને ધ્યાનથી તમારું સ્મિત જળવાઈ રહે છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,059 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,918 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,655 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 56 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1539એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 32,254 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.40 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,56,326 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 422 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
સાહિત્ય-વૃંદ, વાર્તા-પ્રતિલિપ, વિશ્વકોષ, જેવી સાહિત્યની સંસ્થાઓમાં સતત વ્યસ્ત રહેનાર અને સ્ટોરી-મિરર તથા વડનગર નાગર-મંડળ મેગેઝીન (મોસાળ)નાં વાર્તા-લેખિકા બેંગ્લોરનાં કલ્યાણીબહેન ધવલભાઈ દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
કલ્યાણીબહેનનો જન્મ વડોદરાના નાગર કુટુંબમાં. ત્રણ બહેન, એક ભાઈનું મધ્યમ-વર્ગનું કુટુંબ. પિતાને ગવર્મેન્ટ જોબમાં વારંવાર બદલી થતી, પણ તેમનો અભ્યાસ વડોદરામાં. એમએસ યુનિવર્સિટીમાંથી બીએસસી હોમ-સાયન્સમાં કર્યું. સુરતથી ઇંગ્લિશ અને વિજ્ઞાન જેવા અસામાન્ય કોમ્બિનેશન સાથે બી.એડ. કર્યું. પતિ ધવલ દેસાઈ આઇડીપીએલમાં નોકરી કરતા. તેમની સાથે તેઓ ઋષિકેશ, ઇન્દોર, કલકત્તા, વડોદરા, બેંગ્લોર એમ ઠેકઠેકાણે ફર્યાં છે. શાળાની નોકરીમાં કલ્યાણીબહેન કાયમ પ્રવૃત્ત રહેતાં. પતિનું 2018માં ઓચિંતું અવસાન થયું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે છ વાગે ઊઠે. ત્રણ ગ્લાસ પાણી પીએ. 45 મિનિટ માતાજીના પાઠ કરે. પછી ચા-નાસ્તો કરે. ઘરનું નાનું-મોટું કામ કરે. દીકરો-વહુ તેમને કામ કરવાં દેતાં નથી! ઘરમાં 30 મિનિટ ચાલે. જો તડકો-વરસાદ ન હોય તો ખુલ્લામાં પણ થોડું ચાલે. થોડું વાંચન-લેખન કરે, ફોન પર મિત્રો અને સગા-વહાલા સાથે વાતો કરે. જમીને આરામ કરે. ત્રણ વાગ્યે વિદ્યાર્થીઓનાં ટ્યુશન લે. સાંજે લેપટોપની મદદથી કસરત કરે. સૂર્ય-નમસ્કાર, યોગ, પ્રાણાયામ, મેડીટેશન…..બધું થઈને લગભગ દોઢ કલાક થાય. જમીને થોડું ચાલે, ટીવી જુએ, ક્યારેક પાડોશી અને આસપાસનાં બાળકોને ભેગા કરી જુદા-જુદા પ્રોગ્રામ કરાવે! હાલ તેઓ પોતાના અનુભવો પર આધારિત એક નવલકથા (GIVE THEM SOME SUNSHINE) લખી રહ્યાં છે.
શોખના વિષયો :
વાંચન-લેખન કરવું ગમે. ગાર્ડનીંગ અને ફ્લાવર એરેન્જમેન્ટ કરવાનું ગમે, ઘર સજાવવાનો બહુ શોખ, રસોઈ કરવી પણ ગમે. સંગીત અને ગરબાનો શોખ. તહેવારો ઉજવવા ગમે. બહુ જ સોશિયલ છે. કુટુંબમાં બધાંની વર્ષગાંઠ યાદ રહે, અને સમયસર શુભેચ્છાઓ મોકલે!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે, બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ જેવી કોઈ બીમારી નથી. પગની તકલીફ છે,પોતાનું કામ જાતે કરી લે છે, પણ હવે લાંબો સમય ઊભાં રહેવાતું નથી. રોજની ચાલવાની ટેવ અને યોગ-પ્રાણાયામ-મેડીટેશન તેમની સારી તંદુરસ્તીનું રહસ્ય છે! પુત્રવધૂ બહુ સમજદાર છે, તેમને સમજી શકે છે. સાસુ-વહુના સંબંધો બહુ પોઝિટિવ છે.
યાદગાર પ્રસંગ:
પાડોશમાં અમેરિકાથી એક ભારતીય કુટુંબે સ્થળાંતર કર્યું. બાળકોને સ્કૂલમાં દાખલ તો કર્યાં પણ હિન્દી શીખવું ફરજિયાત. શિક્ષકોએ મા-બાપને ચેતવણી આપી કે બાળકોને છ મહિનામાં હિન્દી આવડવું જોઈએ! મા-બાપ પરેશાન! કલ્યાણીબહેને બીડું ઝડપી લીધું! કોઈપણ ફી લીધા વગર, અમેરિકાથી આવેલાં બાળકોને ક-ખ-ગથી શરૂ કરી સરસ હિન્દી બોલતાં શીખવાડી દીધું. કલકત્તા, ઈન્દોર, વડોદરા… તેમણે જ્યાં પણ કામ કર્યું ત્યાંથી તેમને કોઈ છોડવા તૈયાર નહીં. ઈન્દોરમાં પતિની ચાલુ વર્ષે બદલી થઈ. શાળાના આચાર્યે તેમને શાળાની પાસે નાનું ઘર શોધી આપ્યું અને બીજી સગવડો કરી આપી જેથી કલ્યાણીબહેન દીકરી સાથે ત્યાં રહ્યાં અને વર્ષનો અભ્યાસક્રમ પૂરો કર્યો!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ટેકનોલોજીનો ઘણો સારો ઉપયોગ કરે છે. લેખન માટે વિષય-વસ્તુ અને અન્ય માહિતી શોધવા, બાળકોને યોગ્ય રીતે ભણાવવા તથા યોગ, કસરતો, મેડીટેશન માટે રોજનું લગભગ ત્રણથી ચાર કલાક લેપટોપ ઉપર કામ કરે છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
આજકાલ યુવાનોને બહુ કામ રહે છે, ઘણીવાર રાતના પણ કામ કરતા હોય છે. યુવા માતા-પિતા પોતાનાં કામમાં વ્યસ્ત હોય છે. બાળકો માટે મા-બાપ પાસે સમય નથી, મા-બાપ બાળકોને સમજતાં નથી. આજકાલ છોકરાંઓની સહનશક્તિ ઘટી ગઈ છે. વાત કોઈવાર આત્મહત્યા સુધી પહોંચી જાય છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
વર્ષોથી તેમણે બાળકો સાથે કામ કર્યું છે. બાળકો માટે તેમને બહુ પ્રેમ. તેમને એક દીકરો, એક દીકરી, એક પૌત્ર અને ત્રણ પૌત્રીઓ છે. પૌત્ર-પૌત્રીઓને તેમણે ભણાવ્યાં છે. તેમની સાથે સારું ફાવે છે.તેમના મતે, બાળકો સાથે ક્યારે ય ખરાબ શબ્દો વાપરીને વાત કરવી જોઈએ નહીં. દરેક બાળકમાં કંઈક તો સારું હોય જ છે, તે શોધી કાઢો. બાળકોને (પ્રેમ)તડકો આપશો તો ફૂલની જેમ ખીલી ઊઠશે!
સંદેશો :
આજનો માણસ આત્મ-કેન્દ્રીય બની ગયો છે. વડીલો, માતા-પિતા બાળકોને પૂરતો સમય આપે, બાળકોને સમજે તે માટે આખા કુટુંબે અઠવાડિયામાં એકવાર સાથે બેસીને જમવું જોઈએ,વાતો કરવી જોઈએ, એકબીજાના પ્રશ્નો સમજવા જોઈએ, એકબીજાની લાગણીઓ તપાસવી જોઈએ. એકલાં રહેતાં વડીલો માટે થોડો સમય કાઢવો જોઈએ, તેમની સાથે વાત કરવી જોઈએ.