Home Blog Page 2625

4 કરોડનું ઘર, લક્ઝરી મોટરકારોઃ કેટલી છે રાહુલ દ્રવિડની આવક, સંપત્તિ?

બેંગલુરુઃ ભારતના પુરુષ ક્રિકેટરોની ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ એમના નમ્ર સ્વભાવ માટે જાણીતા છે. ક્રિકેટર તરીકે તેમણે મિસ્ટર ડિપેન્ડેબલ, ધ વોલ જેવા ઉપનામ મેળવ્યા હતા. ક્રિકેટર તરીકે દ્રવિડ ભારત વતી 164 ટેસ્ટ મેચ અને 344 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એમણે 13,288 રન અને વન-ડે ક્રિકેટમાં 10,889 રન કર્યા હતા. પરંતુ આ દ્રવિડ કેટલા કરોડની સંપત્તિના માલિક છે એની તમને ખબર છે? એમનો પગાર કેટલો છે અને એમના સંગ્રહમાં કઈ કઈ વૈભવશાળી કાર છે એની તમને ખબર છે?

દ્રવિડની નેટ વર્થ કેટલી છે?

એક અહેવાલ અનુસાર, રાહુલ દ્રવિડ પાસે 4 કરોડ ડોલરની સંપત્તિ છે. ભારતીય ચલણમાં આ આંકડો 320 કરોડ રૂપિયા થાય. એ દર મહિને લગભગ એક કરોડ રૂપિયા કમાય છે. એમની વાર્ષિક આવક 12 કરોડ રૂપિયા છે. વ્યક્તિગત કોચિંગ અને જાહેરખબરોમાં કામ કરવાથી થતી આવક અલગ. ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા એ પહેલા દ્રવિડ અન્ડર-19 ટીમના કોચ હતા. એ વખતે એમનો વાર્ષિક પગાર પાંચ કરોડ રૂપિયા હતો. તેઓ નેશનલ ક્રિકેટ એકેડેમીના પ્રમુખ પણ હતા. એ માટે તેમને દર મહિને રૂ. 60 લાખનો પગાર મળતો હતો.

આ ઉપરાંત બીસીસીઆઈ સાથેના કરાર, મેચ ફી અને પુરસ્કારો દ્વારા મળતા પૈસા અલગ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ આઈપીએલ ટીમના કોચ પણ હતા. તે ઉપરાંત એમણે કોમેન્ટરી પણ આપી હતી. એમાંથી પણ એમણે સારી એવી કમાણી કરી હતી. રાહુલ દ્રવિડને લક્ઝરિયસ મોટરકારો વસાવવાનો પણ મોટો શોખ રહ્યો છે. એમના કાર કલેક્શનમાં મર્સિડીઝ બેન્ઝ, બીએમડબલ્યૂ 5-સીરિઝ, લેમ્બોર્ગિની અને ઓડી-ક્યૂ 5 કારનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં જન્મેલા અને કર્ણાટકના બેંગલુરુમાં વસવાટ કરનાર દ્રવિડ બેંગલુરુના ઈન્દિરા નગર મોહલ્લામાં આલિશાન બંગલો ધરાવે છે જેની કિંમત આશરે 4 કરોડ રૂપિયા છે.

નવતર પ્રયોગઃ આ રાખડીઓ તુલસીનો છોડ ઉગાડશે

અમદાવાદઃ ભારતીય સંસ્કૃતિ અનુસાર ગાય કામધેનુ છે. ગાયને પૂજનીય ગણવામાં આવે છે. ગૌમૂત્ર અને છાણ પણ ઉપયોગી છે. ગાયના છાણમાંથી અનેક ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. અગરબત્તી, દીવડાં, કૂંડા, ઈંટો અને ખાતર જેવી અનેક ચીજવસ્તુઓ ગાયના છાણમાંથી બનાવામાં આવે છે. અમદાવાદના અસલાલી પાસેના ‘ગો સત્વ’એ એક નવતર પ્રયોગ કર્યો છે, જેમાં ગાયના છાણમાંથી રાખડી તો બનાવવામાં આવી છે, પણ જ્યારે એ રાખડી જેણે પહેરી હોય એને કાઢી નાખવામાં આવે ત્યારે એની ઉપર ચોંટાડલા બીજને રોપતાં એમાંથી તુલસી ઊગે. આ રાખડી બાંધવામાં આવે તો અસંખ્ય તુલસીના છોડ ઊગે અને પર્યાવરણને પણ ફાયદો થાય.

ગાયના છાણમાંથી રાખડીએ રાખડીમાં ચોંટાડવામાં આવેલા બીજમાંથી તુલસી. આ વિશે ‘ગો સત્વ’ના રિંકલ પટેલ ચિત્રલેખા. કોમને કહે છે, આપણે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવાની વાત કરીએ છીએ. આ સાથે પર્યાવરણ સાથે સંવર્ધનની વાત પણ કરીએ છીએ. ગો સત્વમાં બનેલી આ રાખડીઓ સંપૂર્ણ સ્વદેશી છે. જેમાં ચાઇનીઝ માલ નથી. પ્લાસ્ટિક કે અન્ય પર્યાવરણને હાનિ પહોંચાડે એવી કોઈ સામગ્રી નથી.

આ રાખડી ગાયના છાણમાંથી બનાવતી વખતે તુલસીનાં બીજ તો નાખવામાં આવે છે. આ સાથે શાકભાજીનાં બીજ પણ ચોંટાડવામાં આવે છે. જ્યારે રાખડી પહેર્યા પછી જેતે વખતે છોડી કૂંડા કે અન્ય જગ્યાએ રોપ્યા બાદ શાકભાજી ભલે ના ઊગે પણ તુલસી તો ઊગે જ. જેનાથી બાળકોને પણ ખ્યાલ આવે કે આ કુદરતી પવિત્ર વસ્તુ છે. જેને જમીન કે માટી સાથે જોડવાથી છોડ થાય.

ગૌ સત્વના કેમ્પસમાં કામ કરતી બહેનો કહે છે કે..130 જેટલી ગાયો સતત સંગીત સાંભળતી હોય છે.  એની વચ્ચે જ્યારે ગાયના છાણમાંથી બહેનો રાખડી બનાવતી હોય ત્યારે ભાઈ માટેનો રક્ષાનો આ દોરો પવિત્રતાની સાથે વધુ મજબૂત થઈ જાય.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

શરદ પવારની કાર્યવાહી, આ નેતાને NCPની કાર્યકારી સમિતિમાંથી હટાવ્યા

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય થોમસ કે થોમસને તેની કાર્યકારી સમિતિમાંથી હટાવ્યા છે. પવારે ગંભીર અનુશાસનહીનતાને ટાંકીને આ મોટી કાર્યવાહી કરી છે. થોમસ કેરળ વિધાનસભામાં કુટ્ટનાડ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. NCP કેરળમાં શાસક લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)નો ભાગ છે. એનસીપીએ પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ આ કાર્યવાહી ત્યારે કરી છે જ્યારે એક દિવસ પહેલા થોમસે રાજ્યના પોલીસ વડાને તેમના પોતાના પક્ષના કેટલાક સભ્યો તરફથી તેમના જીવને કથિત ખતરો હોવાની ફરિયાદ કરી હતી.

શરદ પવારે થોમસને પત્ર લખ્યો હતો

એનસીપીના પ્રદેશ અધ્યક્ષ પીસી ચાકોએ થોમસના આરોપોને ફગાવી દીધા અને તેને મૂર્ખામીભર્યો ગણાવ્યો. તે જ સમયે, પવારે થોમસને મોકલેલા પત્રમાં લખ્યું છે કે અખિલ ભારતીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષની સત્તાનો ખુલ્લેઆમ અવગણના કરીને અને પક્ષના સભ્યો પર બેજવાબદાર આરોપો લગાવીને લોકતાંત્રિક મોરચામાં પાર્ટીની છબી ખરાબ કરવામાં આવી રહી છે. પત્રમાં આગળ, શરદ પવારે કહ્યું, જૂઠી ફરિયાદો કરવા માટે પાર્ટીમાં તમારા હોદ્દાનો દુરુપયોગ કરવાથી લોકોમાં સારો સંકેત નહીં મળે. તમારી તરફથી ગંભીર અનુશાસનને ધ્યાનમાં રાખીને, હું તમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની ભલામણ કરું છું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની કારોબારી સમિતિમાંથી દૂર કરવામાં આવી છે.

શું હતું ધારાસભ્ય થોમસનું નિવેદન

NCP ધારાસભ્ય થોમસે કહ્યું કે તેમણે રાજ્યના પોલીસ વડાને ફરિયાદ નોંધાવી છે કે પાર્ટીના કેટલાક સભ્યો તેમની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા છે જેથી કરીને અલપ્પુઝાની કુટ્ટનાડ બેઠક માટે પેટાચૂંટણી યોજવામાં આવે, જેના માટે તેમણે ચૂંટણી લડે છે. વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરે છે.

રોબોટિક્સમાં નિયંત્રણ, IoT ડિવાઇસના ઉપયોગ વિશે વર્કશોપ

અમદાવાદઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટે (IITRAMએ) હાલમાં જ ઓરડુનિયો અને IoT ડિવાઇસિસનો ઉપયોગ, રોબોટિક્સમાં મેઝરમેન્ટ અને નિયંત્રણમાં શોધ કરવા માટેનો સફળ ટૂંકી મુદતનો ટ્રેનિંગ પ્રોગ્રામ (STTP) 31 જુલાઈથી ચોથી ઓગસ્ટ સુધીમાં સંપન્ન કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓS અને ઉદ્યોગના નિષ્ણાતોને ખૂબ રસ લીધો હતો.   

મેકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની ફેકલ્ટીના સભ્યોની ટીમ, ડો. સૌરભ કુમાર યાદવ, ડો. અજિત પારવાનીના સહયોગ સાથે રોબોટિક્સ, ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશનની એડવાન્સ માહિતી આપવાની સાથે STTPમાં વિવિધ ક્ષેત્રોથી 35 સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ યુનિવર્સિટી અને કોલેજોમાંથી આવેલા 35 સહભાગીઓ માટે આ વર્કશોપ ઊભરતા સંશોધકો માટે નિષ્ણાતો પાસેથી અભ્યાસ કરવાનો એક મંચ બની રહ્યો હતો.

આ વર્કશોપને IIT બોમ્બેના પ્રોફેસર મંગલ કોઠારી, NIT- જમશેદપુરના ડો. વિજય દલ્લા અને કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીના ડો. ચિંતન પટેલ જેવા નિષ્ણાત વક્તાઓએ સંબોધી હતી. આ વર્કશોપમાં એન્ટુપોલ ટેક્નોલોજી અને સનફોક્સ ટેક્નોલોજીસના ઓદ્યૌગિક નેતાઓએ સક્રિય રસ લીધો હતો, જેમણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) જેવા ફીલ્ડમાં તાજા સંશોધનો વિશે માહિતી આપી હતી.  આ વર્કશોપમાં સહભાગીઓએ IoTમાં ઊંડાણથી પ્રવેશ કર્યો હતો અને માઇક્રોસોફ્ટ એઝુર અને ગૂગલ ફાયરબેસ IoT જેવા પ્લેટફોર્મો વિશે માહિતી મેળવી હતી, જેનાથી કનેક્ટેડ ડિવાઇસની મદદથી વિશ્વમાં અસીમિત સંભાવનાઓનાં દ્વાર ખૂલ્યાં હતાં. આ વર્કશોપની સફળતા પછી IITRAM ભવિષ્યમાં રોબોટિક્સ અને ઓટોમેશન ક્ષેત્રે માટે પ્રતિબદ્ધ છે. આ STTPની શાનદાર સફળતા પછી નિતનવું શીખવા, પ્રોત્સાહન આપવા માટે અને રોબોટિક્સ અને ઓટોમેશનને ભવિષ્યમાં આકાર આપનારા ઇચ્છુક લોકો માટે IITRAM પ્રતિબદ્ધ છે.

 

 

 

 

 

કંપનીનો IPO લાવવાની તૈયારી કરતા સીઈઓનું હાર્ટએટેકથી નિધન

મુંબઈઃ ફર્નિચર અને હોમ ગૂડ્સ ક્ષેત્રમાં મુંબઈની જાણીતી ઈ-કોમર્સ કંપની પેપરફ્રાયના સહ-સ્થાપક અને ચીફ ઓપરેટિંગ ઓફિસર આશિષ શાહે આજે સવારે ટ્વિટરના માધ્યમથી જ્યારે એવી જાણ કરી કે એમના સાથી સહ-સંસ્થાપક અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અંબરીશ મૂર્તિનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે ત્યારે દેશના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આંચકાનો અનુભવ થયો હતો.

51 વર્ષના મૂર્તિ લદાખના લેહમાં એક મોટરસાઈકલ ટ્રિપ પર ગયા હતા. તેઓ મનાલી-લેહ હાઈવે પર મોટરસાઈકલ ચલાવી રહ્યા હતા ત્યારે એમને હાર્ટ એટેક આવ્યો હતો. એમણે પોતાની એ સફરની તસવીરો એમના ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કરી હતી. આશિષ શાહે ટ્વીટમાં લખ્યું છે કે મૂર્તિના નિધન સાથે મેં મારો મિત્ર, માર્ગદર્શક, ભાઈસમાન અને આત્મજન ગુમાવ્યો છે. શાહના આ ટ્વીટ બાદ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના અનેક અગ્રણીઓ દ્વારા શોકસંદેશા આવવાનું શરૂ થયું હતું.

અંબરીશ મૂર્તિ ઈ-કોમર્સ ક્ષેત્રમાં જાણીતા બન્યા હતા. તેઓ દિલ્હીની એન્જિનિયરિંગ કોલેજમાં અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કલકત્તામાં ભણ્યા હતા. 2021માં એમણે આશિષ શાહ સાથે મળીને ભારતની ઓનલાઈન ફર્નિચર અને હોમ ગૂડ્સ કંપની પેપરફ્રાય કંપનીની સ્થાપના કરી હતી. તે પહેલાં એમણે ઈબે ઈન્ડિયા, ફિલિપિન્સ અને મલેશિયાની કંપનીઓમાં કન્ટ્રી મેનેજર તરીકે કામ કર્યું હતું. તેઓ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના વાઈસ-ચેરમેન પદે પણ રહ્યા હતા.

પેપરફ્રાય કંપનીએ 2020માં ભંડોળ એકત્ર કર્યું હતું ત્યારે એની માર્કેટ વેલ્યૂ 50 કરોડ ડોલર હતી. એમણે આઈપીઓ દ્વારા એમની કંપનીને શેરબજારમાં રજિસ્ટર કરવાનું વિચાર્યું હતું. એની પર તેઓ કામ કરી રહ્યા હતા, પરંતુ એમની ઈચ્છા પૂરી થાય એ પહેલાં એમનું નિધન થયું છે.

ઇરાન-તાલિબાનો વચ્ચેનો જળવિવાદ ચરમસીમાએઃ સેના સામસામે

તહેરાનઃ ઇરાન સરહદે પાણીને લઈને પારાયણ શરૂ થઈ છે. અફઘાનિસ્તાન સાથે લાંબા સમયથી જળ વિવાદમાં વધારો થયો છે. હેલમંદ નદીના પાણીને લઈને વિવાદ એટલો વધી રહ્યો છે કે પાણી માટે યુદ્ધ થવાની શક્યતા છે. ઇરાનનો દાવો છે કે હેલમંદ નદીના જળ વહેંચણીની સમજૂતી પર તાલિબાન અમલ નથી કરી રહ્યું. બીજી બાજુ, તાલિબાને સેંકડો ફિદાયિન ઉતાર્યા છે.

ઇરાન હાલના સમયે ભીષણ દુકાળથી ઝઝૂમી રહ્યું છે. જેથી ઇરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીએ તાલિબાનને ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાન સમજૂતીનું સન્માન કરે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે. આ ચેતવણીના એક સપ્તાહ પછી ઇરાન અને તાલિબાનની વચ્ચે સરહદે ભારે ગોળીબાર થયો, જેમાં ઇરાની ગાર્ડ ને એક તાલિબાની લડાકુનાં મોત થયાં છે. આ બંને દેશોની વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. તાલિબાન આ મામલે જરા પણ ઝૂકવા તૈયાર નથી, એણે યુદ્ધની તૈયારી કરી લીધી છે.તાલિબાને સરહદે હજારો સૈનિકો અને સેંકડો આત્મઘાતી હુમલાખોરો મોકલ્યા છે. સૈનિકો અને ફિદાયિનોની સાથે મોરચા પર અમેરિકા દ્વારા મૂકી જવામાં આવેલા વાહનો અને હથિયારો પણ મોકલ્યાં છે. થિન્ક ટેન્ક મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટના ફતેમેહ અમાનનું કહેવું છે કે આ સ્થિતિ માટે ઇરાન ખુદ દોષી છે.

ઇરાની સાંસદોએ કહ્યું હતું કે સિસ્તાન અને બલૂચિસ્તાનમાં સ્થિતિ એટલી ગંભીર છે કે જો પાણી નહીં મળે તો માનવો માટે સંકટ ઊભું થશે. ગયા વર્ષે 10,000થી વધુ પરિવારો પ્રાંતની રાજધાનીથી ભાગી ગયા છે. ડેમ સુકાઈ રહ્યા છે અને દેશનો 97 ટકાથી વધુ ભાગ દુકાળથી પ્રભાવિત છે. વળી, સિંચાઈના સાંધનો ના હોવાથી બે કરોડ લોકો શહેરોમાં ચાલી ગયા છે.

 

 

 

 

 

 

 

 

‘ડોન’ની ત્રીજી આવૃત્તિ બનાવવા વિચારે છે ફરહાન અખ્તર

મુંબઈ: નિર્માતા ફરહાન અખ્તરે એમની લોકપ્રિય નીવડેલી એક્શન શ્રેણી ‘ડોન’ની ત્રીજી આવૃત્તિની ફિલ્મ બનાવવાનો સંકેત આપ્યો છે. એમણે શાહરૂખ ખાનને શિર્ષક ભૂમિકામાં ચમકાવતી બે ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. હવે એમણે તેમના નવા પ્રોજેક્ટ અંગે સંકેત આપતી એક પોસ્ટ એમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એમણે ‘ડોન’ની થીમ પર તૈયાર કરાયેલી એક શોર્ટ ક્લિપ મૂકી છે જેની ટેગલાઈનમાં વંચાય છેઃ ‘એક નવા યુગનો આરંભ થાય છે.’

અખ્તરના દિગ્દર્શન હેઠળ પહેલી ‘ડોન’ ફિલ્મ 2006માં આવી હતી અને બીજો ભાગ 2011માં આવ્યો હતો. બંને ફિલ્મમાં શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરાની જોડી હતી. ઓરિજિનલ ‘ડોન’ ફિલ્મ 1978માં આવી હતી જેમાં અમિતાભ બચ્ચન (ડબલ રોલમાં) અને ઝીનત અમાનની મુખ્ય જોડી હતી. તે ફિલ્મની પટકથા ફરહાનના પિતા જાવેદ અખ્તર અને સલીમ ખાને લખી હતી.

નિર્માતા રિતેશ સિધવાનીએ કહ્યું છે કે, ‘જ્યાં સુધી મારા ભાગીદાર (અખ્તર) લખવાનું પૂરું નહીં કરે, ત્યાં સુધી અમે કોઈ રીતે આગળ નહીં વધીએ. હાલને તબક્કે એ પટકથા પૂરી કરવાના પ્રથમ તબક્કામાં છે. અમે સહુ આતુર છીએ કે પટકથા પૂરી થાય અને ડોનની ત્રીજી આવૃત્તિ જોઈએ.’

એવા અહેવાલો છે કે ‘ડોન’ની ત્રીજી આવૃત્તિમાં શાહરૂખ ખાન અને પ્રિયંકા નહીં હોય. નવા હિરો તરીકે રણવીરસિંહનું નામ સંભળાય છે.

PM મોદીનું મૌનવ્રત તોડવા ઇચ્છીએ છીએઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ લોકસભામાં મોદી સરકારની વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર દલીલો શરૂ થઈ ચૂકી છે. આ દલીલનો પ્રારંભ કરતાં કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે વડા પ્રધાન સંસદમાં ના બોલવાનું મૌનવ્રત લીધું છે. તેમનું મૌન તોડવા માટે અમારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો છે. અમારી પાસે તેમની માટે ત્રણ સવાલ છે- 1, તેઓ આજ સુધી મણિપુર કેમ નથી ગયા? 2, મણિપુર પર બોલવામાં 80 દિવસ કેમ લાગી ગયા? અને ત્રણ, તેમણે અત્યાર સુધી મણિપુરના મુખ્ય પ્રધાનને રાજીનામું કેમ નથી લીધું?

 તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે તેમની ડબલ એન્જિનની સરકાર મણિપુરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ થઈ ગઈ છે. મણિપુરમાં 150 લોકોનાં મોત થયાં છે અને આશરે 5000 ઘર બાળી નાખવામાં આવ્યાં છે. આ અવિશ્વાસના પ્રસ્તાવના માધ્યમથી હું તેમનું મૌનવ્રત તોડવા ઇચ્છું છું. મણિપુર મુદ્દે અમે તેમનું નિવેદન ઇચ્છીએ છીએ.

 


જોકે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. લોકસભામાં મણિપુર હિંસા અંગે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. 2014 પછી આ બીજી વખત છે જ્યારે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ ચર્ચા ત્રણ દિવસ સુધી ચાલશે. વડા પ્રધાન મોદી ચર્ચાના છેલ્લા દિવસે 10 ઓગસ્ટે પોતાનો જવાબ આપી શકે છે. મણિપુર હિંસા તેમ જ અન્ય મુદ્દાઓ પર બોલે એવી શક્યતા છે.

ગોગોઈ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી અગાઉ બે વખત મુખ્ય મંત્રી બદલાયા હતા, ઉત્તરાખંડ અને ત્રિપુરામાં પણ મુખ્ય મંત્રી બદલાયા હતા. પરંતુ મણિપુરના મુખ્યમંત્રીને ખાસ આશીર્વાદ શા માટે?

 

 

 

 

 

 

 

 

અધિક 2023: ઉજ્જૈનનું 114 વર્ષ જૂનું સૌથી મોટું ગણેશ મંદિર

ઇન્દોરઃ વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરની પાસે હરસિદ્ધિ મંદિર જતા માર્ગ પર ખીણની પાસે શહેરની સૌથી મોટી ગણેશ મૂર્તિ વિરાજમાન છે. એવું કહેવાય છે કે આ મૂર્તિ આશરે 114 વર્ષ પૂર્વે આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ મંદિરની કીર્તિ એટલીબધી છે કે ભગવાન શ્રી ગણેશની બહેનો દેશ-વિદેશથી પ્રતિ વર્ષ રક્ષા બંધનના તહેવાર તેમને રાખડીઓ મોકલે છે. અત્યાર સુધી શહેરવાસી આ મંદિરને શહેરની સૌથી મોટા ગણેશના નામથી ઓળખે છે, પરંતુ આ મંદિરમાં મહાદેવનું એક અનોખું શિવલિંગ છે, જેમાં મધ્યમમાં બાબા મહાકાળ અને આસપાસ 11 જ્યોતિર્લિંગ બનેલાં છે.મંદિરના પૂજારી પંડિત સંજય વ્યાસે જણાવ્યું હતું કે મંદિરમાં 12 જ્યોતિર્લિંગનું આ શિવલિંગ 90 વર્ષ જૂનું છે, જેની પ્રતિદિન પૂજા-અર્ચના અભિષેક કરવા સાથે સમયાંતરે સહસ્રનામાવલિથી 1000 બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે.મંદિરમાં સૌથી મોટા ગણેશજી, દ્વાદસ જ્યોતિર્લિગની સાથે નવગ્રહનું એક વિશેષ સ્થાન છે, જેમાં ખગોળની દિશા અનુસાર બધા ગ્રહો અહીં વિરાજમાન છે. એ સાથે દુર્ગા માતાની એક પ્રતિમા છે, જે દુર્ગા બાગ પેલેસ દેવાસથી મહારાજ પવારના ત્યાંથી અહીં લાવવામાં આવી હતી. આ પ્રતિમા કાળા પાષાણની છે, જે અત્યંત ચમત્કારી અને દિવ્ય છે.

આ મૂર્તિઓની સાથે મંદિરમાં 100 વર્ષ જૂની હનુમાનજીની અષ્ટધાતુની પંચમુખી મૂર્તિ છે. જેને એક તાંત્રિક દ્વારા આ મંદિરને આપવામાં આવી છે.તાંત્રિકે કહ્યું હતું કે આ મૂર્તિ એવા સ્થાન પર વિરાજિત કરવાની કે જ્યાં એ મૂર્તિને શ્રદ્ધાળુઓ દ્વારા ટચના થઈ શકે. અહીં માતા યશોદાના ખોળામાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ વિરાજમાન છે.

 

 

 

પાંચેય આંગળા ઘીમાં

 

            પાંચેય આંગળા ઘીમાં

 

જ્યારે એવી પરિસ્થિતીનું નિર્માણ થાય જેમાં પરિણામ ગમે તે આવે તે ફાયદાકારક જ રહે, બધી જ અનુકૂળતાઓ હોય, કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતાઓ ના હોય.

આંખ બંધ કરીને પથ્થર ફેંકે તો પણ નિશાન પર વાગે તેવી સંપૂર્ણ અનુકૂળ અને ફાયદાકારક પરિસ્થિતિનું વર્ણન કરવા ‘પાંચેય આંગળા ઘીમાં છે’ મતલબ કે ફાયદો જ ફાયદો છે એમ કહેવાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)