Home Blog Page 2628

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે લારાની જગ્યાએ વેટ્ટોરીને હેડ કોચ બનાવ્યો

IPL 2024 પહેલા, સનરાઇઝર્સ હૈદરાબાદે કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે મુખ્ય કોચ બ્રાયન લારાને હટાવી દીધા છે. હવે બ્રાયન લારાની જગ્યાએ ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ડેનિયલ વેટ્ટોરીને હેડ બનાવવામાં આવ્યો છે. IPL 2023ની સિઝન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે નિરાશાજનક રહી. સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2023 સીઝનમાં પોઈન્ટ ટેબલમાં તળિયે હતું. આ ટીમે આખી સિઝનમાં માત્ર 4 મેચ જીતી છે. જોકે, હવે સનરાઇઝર્સ હૈદરાબાદે ડેનિયલ વેટોરી પર દાવ લગાવ્યો છે.


સનરાઇઝર્સ હૈદરાબાદે સોશિયલ મીડિયા પર માહિતી પોસ્ટ કરી

સનરાઈઝર્સ હૈદરાબાદે સોશિયલ મીડિયા પર ડેનિયલ વેટોરીને મુખ્ય કોચ બનવાની માહિતી આપી હતી. આ પોસ્ટમાં લખ્યું છે કે બ્રાયન લારા સાથેનો અમારો 2 વર્ષનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદમાં તમારા યોગદાન બદલ આભાર… અમે તમને તમારા ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ. નોંધપાત્ર રીતે, બ્રાયન લારા બેટિંગ કોચ તરીકે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે સંકળાયેલા હતા.


IPL 2024 પહેલા, સનરાઇઝર્સ હૈદરાબાદે કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. વાસ્તવમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે મુખ્ય કોચ બ્રાયન લારાને હટાવી દીધા છે. હવે બ્રાયન લારાની જગ્યાએ ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ડેનિયલ વેટ્ટોરીને હેડ બનાવવામાં આવ્યો છે. IPL 2023ની સિઝન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે નિરાશાજનક રહી. સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2023 સીઝનમાં પોઈન્ટ ટેબલમાં તળિયે હતું. આ ટીમે આખી સિઝનમાં માત્ર 4 મેચ જીતી છે. જોકે, હવે સનરાઇઝર્સ હૈદરાબાદે ડેનિયલ વેટોરી પર દાવ લગાવ્યો છે.

 

મહારાષ્ટ્રમાં 35,000 લાપતા બાળકોનું એમના માતાપિતા સાથે પુનર્મિલન કરાયું

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે રાજ્ય વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યમાં 2015ની સાલથી અત્યાર સુધીમાં પોલીસ તંત્ર ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત 35,000થી 40,000 જેટલા લાપતા બાળકોનું એમનાં માતાપિતા સાથે પુનર્મિલન કરાવવામાં સફળ થયું છે.

ફડણવીસે વધુમાં કહ્યું કે, લાપતા બાળકોમાંથી અત્યાર સુધીમાં 76 ટકા જેટલાને શોધીને એમનાં માતાપિતાને સુપરત કરવામાં આવ્યા છે. સંસદે મહારાષ્ટ્રની આ સફળતાને બિરદાવી છે. લાપતા થયેલા બાળકોને શોધી, બચાવી, પુનર્વસન કરાવવા માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે 2015માં ‘ઓપરેશન મુસ્કાન’ અથવા ‘ઓપરેશન સ્માઈલ’ શરૂ કર્યું હતું.

AAP-કોંગ્રેસનું ગઠબંધન INDIA હેઠળ લોકસભાની ચૂંટણી લડશે

અમદાવાદઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ થવા માંડી છે. લોકસભાની ચૂંટણી હવે આમ  આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ એકસાથે મળીને લડશે, એવી જાહેરાત AAP ગુજરાત પ્રદેશપ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી- બંને પાર્ટી INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે. આ ગઠબંધન લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે એકસાથે ચૂંટણીમાં ઊતરશે.

AAPના પ્રદેશપ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે  INDIAનું ગઠબંધન રાજ્યમાં પણ લાગુ પડશે. રાજ્યમાં હાલમાં સીટો વહેંચણી કરીને ચૂંટણી લડીશું. આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો સીટોની વહેંચણીમાં યોગ્ય નિર્ણયો લેવાશે તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટો નહીં લઈ જઈ શકે.

તેમણે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે રાજ્યમાં જે રીતે ભ્રષ્ટ ભાજપ શાસનમાં એના નેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાના ભૂતકાળમાં પણ દાખલાઓ બન્યા છે. આવશે તો ભાજપ કહેનારાઓ ગુજરાતને કેવી રીતે લૂંટી રહ્યા છે, એ આપણે સૌ જાણીએ છીએ. તાજેતરમાં જ ભાજપમાં ઉકળતો ચરું બહાર આવ્યો છે. જેમાં એવી વાત વહેતી થઈ છે કે  વિવિધ યુનિવર્સિટીના ટેન્ડોરોથી લઈને વિવિધ જગ્યાના કૌભાંડોથી માંડીને જમીન કૌભાંડમાં પણ ભાજપના નેતાનાં નામ ખૂલ્યાં છે અને આ ચર્ચાને પગલે રાજીનામાં પણ પડ્યાં છે, પરંતુ રાજ્યની જનતાને ટેક્સના પૈસાનો હિસાબ નથી મળતો અથવા તો તે ટેક્સના પૈસા કોઇ ઉલેચી જાય છે તેના પગલે રાજીનામાં પડ્યાં છે તો તેની યોગ્ય તપાસ થવી જોઇએ.

હાલમાં પત્રિકાકાંડમાં જે રીતે નામો ઊછળ્યાં છે અને ત્યાર બાદ ભાજપમાંથી કેટલાંક રાજીનામાં પડ્યાં છે. ત્યારે ગુજરાતના નાગરિક તરીકે એક સવાલ આપણને થાય. જો રાજીનામાં પડે છે, કૌભાંડો થાય છે, કંઈક દુરુપયોગ થયો છે, સત્તાના વગનો દુરઉપયોગ થયો છે..આજે પોલીસની ભૂમિકા પર પણ શંકા ઊપજાવે છે જેને લઇને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ખુલાસો કરવો જોઈએ.

 

 

 

 

 

 

 

 

સંસદ/લોકસભામાં રાહુલ ગાંધીનું પુનરાગમન

કોંગ્રેસના નેતા અને કેરળના વાયનાડ ખાતેના સંસદસભ્ય રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટ, સોમવારે નવી દિલ્હીસ્થિત સંસદભવનમાં લોકસભા ગૃહમાં એમની બેઠક પુનઃ પ્રાપ્ત કરી હતી.

સંસદમાં હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. મોદી અટકની કથિત બદનામીના કેસમાં રાહુલને સજા ફરમાવતા ગુજરાતની કોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે. એને કારણે રાહુલનું સાંસદપદ પ્રસ્થાપિત થયું છે.

રાહુલ ગાંધીએ સંસદભવન પહોંચ્યા બાદ સંકુલ ખાતે મૂકવામાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા ઊભીને રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઠાકોર પરિવારની ત્રણ પેઢી વિન્ટેજ કારમાં કરશે 12,000 કી.મી. નો અનોખો પ્રવાસ

અમદાવાદમાં રહેતા ઠાકોર પરિવાર બ્રિટીશ વિન્ટેજ કાર લાલ પરીમાં 12 હજાર કી.મીનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે. ત્યારે સ્વાભાવિક જ આ યાત્રા વિશે જાણવાની કુતૂહલતા થાય.

ઠાકોર પરિવારની ત્રણ પેઢી એક સાથે 1950ની બ્રિટીશ વિન્ટેજ કાર લાલ પરીમાં પ્રવાસ કરીને ભારતથી લંડન સુધીનો 12,000 કી.મી.નો પ્રવાસ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ 16 દેશોને આવરી લેશે. છેલ્લા બે વર્ષથી આ પ્રવાસની તૈયારી કરવામાં આવી રહી છે. જેના માટે વિશ્વભરમાંથી કાર માટે દુર્લભ સ્પેરપાર્ટ્સ પણ મંગાવવામાં આવ્યા હતા. આ મહિનાના અંતે ઠાકોર પરિવાર પ્રવાસે નિકળશે.

ટીમનું નેતૃત્વ કરી રહેલા 50 વર્ષીય દમન ઠાકોર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, હું નાનો હતો ત્યારે મારી માતા જુદી-જુદી પરીઓની વાર્તા કહેતી. એ સમયે મેં લાલ પરી નામની પરીની વાર્તા સાંભળી હતી. માટે અમે અમારી વિન્ટેજ કારનું નામ પણ લાલ પરી જ રાખ્યું છે. પ્રવાસના મુખ્ય ઉદ્દેશ વિશે વાત કરતા દમન ઠાકોર કહે છે, અમે માત્ર મોજ મસ્તી માટે આ પ્રવાસ નથી કરી રહ્યાં. આની પાછળ એક હેતુ પણ છે. અમારો આ પ્રવાસ વિવિધ દેશોની સરહદો પાર કરીને અનેક કથાઓને પુનઃતાજી કરશે. સાથે જ  દરેક વયના લોકોને પ્રેરણા પણ પુરી પાડશે.

વધુમાં દમન ઠાકોર કહે છે, આ અનોખા પ્રવાસમાં મારી સાથે પિતા દેવલ ઠાકોર અને મારી દિકરી દેવાંશી ઠાકોર  જોડાયેલી છે.  પ્રસિધ્ધ ડોક્યુમેન્ટરી, આર્કિટેક્ચરલ ફોટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા વિનય પંજવાણી તથા વિન્ટેજ કાર નિષ્ણાંત મુકેશ બારરીયા પણ આ પ્રવાસમાં અમારી સાથે આવશે.

અનન્ય પ્રયાસના પડકારોને ધ્યાનમાં લેતા આ પ્રવાસને મેડ ઈન ઈન્ડિયા કેમ્પર વાન સમર્થ આપશે, જેને ‘લાલ પરીકી સહેલી’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રવાસના અનોખા પડકારોને ધ્યાનમાં લઈને આ ટીમ તેમના રોકાણ દરમ્યાન વિજળીની જરૂરિયાત માટે સોલાર પેનલ્સનો ઉપયોગ કરશે અને એ રીતે સમગ્ર પ્રવાસ દરમ્યાન ઈકોફ્રેન્ડલી પ્રણાલિને પ્રોત્સાહન આપશે. આ પ્રવાસની શરૂઆત અમદાવાદથી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી શરૂ કરવામાં આવશે.

આ અનોખી યાત્રા દરમિયાન યુએઈ, ઈરાન, અઝેરબીજાન, જ્યોર્જિયા, તુર્કી, બલ્ગેરિયા, નોર્થ મેસેડોનિયા, આલ્બેનિયા, મોન્ટેનેગ્રો , ક્રોએશિયા, ઈટલી, સ્વિત્ઝર્લેન્ડ, લક્ઝમબર્ગ, જર્મની, બેલ્જીયમ અને ફ્રાન્સ જેવા દેશોની મુસાફરી કરવામાં આવશે. પ્રવાસનું સમાપન યુનાઈટેડ કિંગ્ડમ ખાતે થશે. મુસાફરી દરમિયાન ટીમ એમના માર્ગમાં આવતી વિન્ટેજ કાર ક્લબની મુલાકાત પણ લેશે.

લાલ પરી કાર ઉપર જ્વેલર સી. ક્રિશ્ના ચેટ્ટીએ એક્સક્લુઝીવ સિલ્વર હુડ ઓર્નામેન્ટથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દર્શાવતી  ડિઝાઈન કરી છે. આ ઓર્નામેન્ટલ એડીશન દુનિયાને ‘વન વર્લ્ડ, વન ફેમિલી’ નો સંદેશ આપશે, જે ગુજરાત અને ભારતના લોકો વતી યુકેના લોકોને ભેટ સમાન બની રહેશે.

મોરોક્કોમાં રોડ અકસ્માતમાં 24 લોકોનાં મોત

નવી દિલ્હીઃ મધ્ય મોરોક્કોમાં થયેલી બસ દુર્ઘટનામાં 24 લોકોનાં મોત થયાં છે. આ ઘટના મોરોક્કોના અજિલાલ પ્રાંતમાં થઈ છે, જે હાલનાં વર્ષોમાં દેશની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક છે. મોરોક્કોની સત્તાવાર ન્યૂઝ જન્સી મેપ (MAP)ના જણાવ્યા મુજબ આ બસ દુર્ઘટના એ સમયે બની હતી, જ્યારે પ્રવાસીઓ ભરેલી એક બસ અચાનક પલટી ગઈ હતી. આ બસ સ્પીડમાં જઈ રહી હતી અને પહાડી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.

એ દરમ્યાન એક વળાંક પર ડ્રાઇવરે બેલેન્સ ગુમાવ્યું હતું કે ત્યાર બાદ આ બસ પલટીને ખીણમાં પડી હતી. આ બસ ડેમનાટે જઈ રહી હતી. આ દુર્ઘટના પછી રાહત બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાનાં કારણો માલૂમ કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં કાસાબ્લાન્કામાં થયેલી બસ દુર્ઘટનામાં 23 લોકોનાં મોત થયાં હતાં. આ પહેલાં 2015માં એક સેમી ટ્રેલર ટ્રક અને બસની ટક્કર થઈ હતી, જેમાં 33 લોકોનાં મોત થયાં હતાં.

યુવા એથ્લીટોથી જોડાયેલી દુર્ઘટના -2012 પછી મોરોક્કોમાં સૌથી મોટી ગમ્ખ્વાર દુર્ઘટના હતી, જ્યારે એક બસ ખાડામાં પડી હતી, જેમાં 42 લોકોનાં મોત થયાં હતાં. ગયા વર્ષે આ આંકડો જોઈએ તો એ આશરે 3200 હતો. જોકે અધિકારીઓએ રોડ અકસ્માતના કારણે મૃત્યુદરને 2026 સુધી અડધો કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

 

 

 

આઝાદે આર્ટિકલ 370 દૂર કર્યા મુદ્દે વિરોધીઓને આડે હાથ લીધા

ડોડાઃ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે આર્ટિકલ 370ને નાબૂદ કરવાનો વિરોધ કરવાવાળા લોકોને કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસ અને ભૂગોળની કોઈ માહિતી નથી. તેમની આ ટિપ્પણી ત્યારે આવી છે, જ્યારે સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 370 હેઠળ રાજ્ય રહેલા જમ્મુ-કાશ્મીર પાસેથી વિશેષ દરજ્જો દૂર કર્યાના કેન્દ્રના પગલાની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુનાવણી થઈ રહી છે. બીજી બાજુ આ મહિને કલમ 307 ખતમ કર્યાનાં ચાર વર્ષ પૂરાં થવાના પ્રસંગે ભાજપે કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને સમૃદ્ધિના નવો યુગ ઊભરી આવ્યાની વાત કરી છે.

આઝાદે ક્ષેત્રીય પાર્ટીઓનું નામ લીધા વગર તેમના પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે લોકો આર્ટિકલ 370 રદ કરવાનો વિરોધ કરી રહ્યા છે, તેઓ વાસ્તવિક સ્થિતિની સાથે-સાથે જમ્મુ-કાશ્મીરના ઇતિહાસ અને ભૂગોળથી અજાણ છે. આર્ટિકલ 370 કોઈ વિશેષ વિસ્તાર, રાજ્ય અથવા ધર્મ માટે નથી, બલકે બધા માટે સમાન રૂપે લાભકારક હતી. મને સુપ્રીમ કોર્ટ પર પૂર્ણ વિશ્વાસ છે. મારું માનવું છે કે કોર્ટ આ પગલા પર બધાં પાસાંઓનો પર વિચાર કરશે.

આ પહેલાં ભાજપે એ સત્તાવાર પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આર્ટિકલ 370ને દૂર કરવાથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ આવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય ખંડપીઠે આર્ટિકલ 370 પર સુનાવણી દરમ્યાન સવાલ પૂછ્યો હતો કે એક જોગવાઈ ખાસ કરીને બંધારણમાં એક અસ્થાયી જોગવાઇના રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, એ સ્થાયી કેવી રીતે થઈ શકે?

 

 

 

 

 

મંગળવારની મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવવું જ પડશે: ટીમ ઈન્ડિયા દબાણમાં

ગયાનાઃ પાંચ મેચોની શ્રેણીની આવતીકાલે અહીંના પ્રોવિડેન્સ સ્ટેડિયમ ખાતે રમાનાર ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવવું જ પડશે, નહીં તો એનો શ્રેણી પરાજય થશે. ગૃહ ટીમ પહેલી બંને મેચ જીતી ચૂકી છે. 3 ઓગસ્ટે ટ્રિનિડાડમાં રમાઈ ગયેલી પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમે ભારતને 4-રનથી અને 6 ઓગસ્ટે ગયાનાની બીજી મેચમાં બે-વિકેટથી પરાજય આપ્યો હતો. શ્રેણી જીતવી હોય તો ભારતે હવે ત્રણેય મેચ જીતવી પડે. ભારતીય ટીમ 2016માં વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર દ્વિપક્ષીય ટ્વેન્ટી-20 શ્રેણી હારી ગયું હતું.

આજની મેચ જીતવા માટે ભારતના બેટ્સમેનોએ માનસિક દબાણનો સામનો કરીને જોરદાર પરફોર્મન્સ બતાવવો પડશે. પહેલી બે મેચમાં ઈશાન કિશન, શુભમન ગિલ, સૂર્યકુમાર સહિતના ટોપ-ઓર્ડર બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા. એને કારણે સંજુ સેમસન અને નવોદિત બેટર તિલક વર્મા પર પ્રેશર વધી ગયું હતું.

સંસદમાં 137 દિવસ પછી પહોંચ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ મોદી સરનેમ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર પ્રતિબંધ પછી સંસદીય સભ્યપદ બહાલ થઈ ગયું છે. એના માટે લોકસભા સચિવાલય નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. રાહુલ ગાંધી સંસદમાં પહોંચ્યા છે. તેઓ 137 દિવસ પછી સંસદમાં પહોંચ્યા છે. INDIA ગઠબંધનના સાસંદોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પહેલાં રાહુલ ગાંધીએ ટ્વિટર બાયો પણ બદલી કાઢ્યું હતું. એમાં તેમણે સંસદના સભ્ય લખ્યું હતું. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે રાહુલ ગાંધીનું સભ્યપદ બહાર થવાનું યોગ્ય પગલું છે. આ ચુકાદો ભારતના લોકો, ખાસ કરીને વાયનાડની જનતા માટે રાહતના સમાચાર છે.સંસદમાં આજે મણિપુર હિંસા પર હંગામા, અવિશ્વાસ પ્રસ્તાવની તારીખોના એલાન પછી શાંત થયું છે. PM મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં પોતાનો પક્ષ રજૂ કરશે. આ પ્રસ્તાવ પર આઠથી 10 ઓગસ્ટ સુધી ચર્ચા-વિચારણા થશે.

દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં આજે રજૂ થશે. લોકસભામાં બિલ પાસ થયા પછી હવે INDIA ગઠબંધન એને રાજ્યસભામાં પડકારવા તૈયાર છે. આમ આદમી પાર્ટીએ ત્રણ સાંસદોને 7-8 ઓગસ્ટે સંસદમાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હિપ જારી કર્યો છે. રાજ્યસભામાં કુલ 245 સીટો છે, જેમાં આઠ સીટો હાલ ખાલી છે. એ સાથે હવે સીટોની કુલ સંખ્યા 237 થઈ ગઈ છે અને રાજ્યસભામાં બિલને પાસ કરવા માટે બહુમતનો આંકડો 119 હશે.

 

 

 

 

 

કોરાનાના 47 નવા કેસો, એકનું પણ મોત નહીં    

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી  થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,980 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,918 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,542 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 48 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1574એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,766 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.40 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,55,623 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 83 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.