Home Blog Page 2629

‘ફક્ત નરેન્દ્ર મોદી જ માનહાનિનો કેસ દાખલ કરી શકે છે’ : રાહુલ ગાંધી

સુરતની કોર્ટમાં તેમની દોષિતતાને પડકારતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે માત્ર નરેન્દ્ર મોદી જ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરી શકે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (3 માર્ચ) સુરતની સેશન્સ કોર્ટમાં ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજાને પડકારતી અપીલ દાખલ કરી હતી.

23 માર્ચે સુરતની CJM કોર્ટે મોદી અટકના નિવેદન બદલ રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. 2019 માં, કોલાર, કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં, તેમણે કહ્યું, “લલિત મોદી, નીરવ મોદી, નરેન્દ્ર મોદી, કેવી રીતે બધા ચોરોની સરનેમ છે, મોદી.” ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ નિવેદન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં રાહુલ ગાંધીને સજા સંભળાવવામાં આવી હતી.

3 એપ્રિલે રાહુલ ગાંધીએ સજા પર સ્ટે અને જામીન માટે અરજી દાખલ કરી હતી. અપીલ પર સુનાવણી કરતા કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. દરમિયાન રાહુલ ગાંધીની કાનૂની ટીમે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં માત્ર નરેન્દ્ર મોદી જ અપીલ કરી શકે છે. રાહુલ ગાંધીની કાનૂની ટીમે સજાને પડકારતી 7 મુખ્ય દલીલો આપી છે. રાહુલ ગાંધીએ દલીલ કરી હતી કે પૂર્ણેશ મોદી આ કેસમાં પીડિત નથી અને તેમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. કોર્ટમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ ફોજદારી કાયદા હેઠળ કેસ દાખલ કરી શકે છે, પરંતુ જ્યાં સુધી કલમ 499 અને 500 હેઠળ ફોજદારી માનહાનિનો સંબંધ છે, ફક્ત પીડિત વ્યક્તિ જ ફરિયાદ નોંધાવી શકે છે.

‘ફક્ત નરેન્દ્ર મોદી…’

રાહુલ ગાંધીએ કોર્ટને જણાવ્યું હતું કે, “શ્રી નરેન્દ્ર મોદી સામે વ્યક્તિગત રૂપે કરાયેલા કથિત આરોપો બદલ માનહાનિના ગુના માટે માત્ર નરેન્દ્ર મોદીને જ પીડિત માની શકાય છે અને માત્ર નરેન્દ્ર મોદી જ.” ફરિયાદ દાખલ કરી શકે છે. પૂર્ણેશ મોદી પ્રતિવાદી/ફરિયાદીને ફાઇલ કરવાનો કોઈ અધિકાર નથી.

બેફામ ડ્રાઈવિંગને બિન-જામીનપાત્ર ગુનો બનાવવાનું સૂચન

મુંબઈઃ બેફામ રીતે વાહન હંકારીને સ્વયં તેમજ સહપ્રવાસીઓનો જાન તેમજ રાહદારીઓના જાનને જોખમમાં મૂકવાના બનાવ આજકાલ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. એને કારણે ટ્રાફિક કાયદાઓ વધારે કડક બનાવવાની માગણી થઈ છે. મહારાષ્ટ્ર મોટર વેહિકલ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તો સરકારને સૂચન કરવામાં આવ્યું છે કે બેફામ રીતે અને વધુપડતી સ્પીડમાં વાહન હંકારવા જેવા ટ્રાફિક ગુનાઓને બિન-જામીનપાત્ર ગુના ગણવા જોઈએ.

સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભીમનવારનું કહેવું છે કે ગંભીર ઈજા કરતા કે મોત નિપજાવનાર ચોક્કસ ગુનાઓને મોટર વેહિકલ્સ એક્ટ અંતર્ગત બિન-જામીનપાત્ર ગુનો બનાવવો જોઈએ એવું અમે કેન્દ્ર સરકારને સૂચન મોકલ્યું છે. હાલ રોડ અકસ્માતના તમામ ગુનાઓ જામીનપાત્ર હોય છે. પરિણામે ગુના કરનારાઓ તાબડતોબ જામીન પર છૂટી જાય છે.

રાજ્યમાં ત્રણ દિવસ માવઠાની શક્યતાઃ ગોંડલમાં કરાં સાથે વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં વારંવાર માવઠું થઈ રહ્યું છે. ક્યાંક વરસાદ, ક્યાંક આંધી-વંટોળ તો કોઈ ભાગોમાં કરાં પડી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા એપ્રિલથી ગુજરાત અને દેશમાં ફરીથી વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. વરસાદ આવતાં વાતાવરણમાં વધઘટ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે  હજી પણ ત્રણ દિવસ માવઠાનું જોર રહેશે. આગામી 5, 6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટોછવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો ચિંતામાં છે.

દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં સૌથી વધુ 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલનું તાપમાન સામાન્ય કરતાં પણ નીચું છે. આ સિવાય મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. આ સિવાય સુરત, તાપી. ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે.

રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરાં સાથે વરસાદ પડ્યો છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોના વાતવરણમાં પલટો આવ્યો છે. ગોંડલ તાલુકાના પાટિયાળી કોડિથર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતોને ભારે નુકસાનના અહેવાલ છે.

રાજ્યમાં એપ્રિલ 23થી 30 સુધીમાં પણ માવઠાનું સંકટ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વારંવાર માવઠાનું સંકટ વધ્યું છે. 22થી 25 મે સુધીમાં આંધી-વંટોળ સાથે વરસાદની શક્યતા છે. ભાવનગર, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી અને ડાંગ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડવાની સંભાવના છે. હાલમાં ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાન જે હોવું જોઈએ તેનાથી 2 થી 3 ડિગ્રી ઓછું છે. ત્યારે આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો-ઘટાડો થવાની શક્યતા છે.

 

 

 

 

મહારાષ્ટ્રમાં એકેય દર્દી ઓક્સિજન સપોર્ટ પર નથી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના કેસ વધી રહ્યાં છે ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે દાવો કર્યો છે કે કોરોના ચેપી બીમારીના ફેલાવા સામે તંત્રની સજ્જતાની ચકાસણી કરવા માટે આવતી 13-14 એપ્રિલે રાજ્યમાં મોક-ડ્રિલ હાથ ધરવામાં આવશે.

સાવંતે નાગરિકોને કહ્યું છે કે તેમણે ગભરાવાની જરૂર નથી, પરંતુ સજાગ રહેવું અને ભીડ થતી હોય એવા સ્થળોએ સાવચેતી રાખવી. હાલ કોવિડ કેસ વધી રહ્યા છે એ ખરું, પરંતુ આ બહુ હળવા પ્રકારનો વેરિઅન્ટ છે, એની ખાસ અસર નથી. તમામ કોવિડ હોસ્પિટલોનાં સત્તાવાળાઓ સાથે મેં વાતચીત કરી છે અને જનતાને અપડેટ આપું કે હાલ આપણા રાજ્યમાં એકેય દર્દી વેન્ટીલેટર કે ઓક્સિજન સપોર્ટ પર નથી.

હિંસા : ગૃહ મંત્રાલયે મમતા સરકાર પાસેથી 3 દિવસમાં માંગ્યો રિપોર્ટ

પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈને કેન્દ્ર કડક વલણ અપનાવી રહ્યું છે. ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે મમતા સરકાર પાસેથી રામ નવમી રમખાણો અને ખરાબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર રિપોર્ટ માંગ્યો છે. ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને 3 દિવસમાં સમગ્ર ઘટનાનો રિપોર્ટ મોકલવા કહ્યું છે.

બંગાળ બીજેપી અધ્યક્ષે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે બંગાળમાં હિન્દુઓ અને લઘુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ પત્ર બાદ ગૃહ મંત્રાલયે આ રિપોર્ટ માંગ્યો છે. ગુરુવારે ગૃહ પ્રધાન અમિત શાહે બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ અને રાજ્ય ભાજપના વડા સુકાંત મજુમદાર સાથે વાત કરી હતી અને ગુરુવારે હાવડામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચેની અથડામણ બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.

રાજ્યપાલે અમિત શાહને હિંસા અને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. હાવડામાં ટોળાએ ઉશ્કેરણી કરી, વાહનો સળગાવી, પથ્થરમારો કર્યો અને દુકાનોમાં તોડફોડ કર્યા પછી મોટી સંખ્યામાં પોલીસ દળોને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસના અનેક વાહનોને પણ નુકસાન થયું હતું.

 

IITGNનું ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે ‘G20-Ignite’નું આયોજન

ગાંધીનગરઃ ઇજનેરો, વૈજ્ઞાનિકો અને સંશોધકોની આગામી પેઢીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિવિધ આયામો પ્રત્યે જિજ્ઞાસા અને ઉત્સાહ જગાડવાના ઉદ્દેશ સાથે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN) 15 એપ્રિલ, 2023એ ‘G20-Ignite’નું આયોજન કરવા જઈ રહ્યું છે, જે ધોરણ 10થી 12ના શાળાના વિદ્યાર્થીઓ અને તાજેતરમાં ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે વિશેષરૂપે ડિઝાઇન કરાયેલો વિજ્ઞાન અને ટેક્નોલોજી મેળો છે.

દિવસભર ચાલનારા મેળાને રોમાંચક પ્રવૃત્તિઓ, હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ મોડ્યુલ્સ, ઇન્ટરેક્ટિવ શોકેસ અને પ્રદર્શનો, અને IITGN સ્ટુડન્ટ ટેક્નિકલ કાઉન્સિલ અને તેની સંલગ્ન ક્લબ્સ/હોબી ગ્રુપ્સ, સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ (CCL), મેકર ભવન, અને HackRush જેવી IITGNના વિદ્યાર્થીઓની પહેલ દ્વારા ક્યુરેટ કરાયેલી વર્કશોપ અને સ્પર્ધાઓ સાથે આયોજિત કરવામાં આવ્યો છે. સ્પર્ધાઓમાં હાર્ડવેર પ્રોગ્રામિંગ, ગેમ ડેવલપમેન્ટ, બ્લોકચેન ટેક્નોલોજી અને NFTsને સમજવું, વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત ટ્રેઝર હન્ટ અને ક્વિઝ, ખગોળશાસ્ત્ર વર્કશોપ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ સ્પર્ધાઓ વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં, વિદ્યાર્થીઓ સાયલન્ટ ડીજે, લાઇટ એન્ડ સાઉન્ડ શો, 3ડી પ્રિન્ટિંગ અને લેસર કટિંગ ટેક્નોલોજી, સંશોધન શોકેસ, સાઇટેક-થીમ આધારિત એન્ટરટેઇનમેન્ટ અને ઘણીબધી ઈવેન્ટ્સ દ્વારા મેળાને માણી શકે છે.

વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ ઉપરાંત, IITGNનું સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ એક હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન કરશે, જે આઉટ-ઓફ-ધ-બોક્સ વિચારસરણી, સમસ્યાનું નિરાકરણ અને એક્ટિવ લર્નિંગને પ્રોત્સાહન આપશે. આ ઇવેન્ટમાં બે અલગ-અલગ વર્લ્ડ રેકોર્ડ તોડવાના પ્રયાસો પણ કરવામાં આવશે. IIT ગાંધીનગરની અસંખ્ય સંશોધન પ્રયોગશાળાઓ મોડેલો, પ્રાયોગિક સેટ-અપ્સ અને શોકેસનો ઉપયોગ કરીને વિજ્ઞાન અને તક્નિકીની વિભાવનાઓને સરળ બનાવવા માટે નિદર્શન કરશે. આ અનોખું પ્રદર્શન વિદ્યાર્થીઓને IIT ગાંધીનગરના ગતિશીલ સંશોધન અને શૈક્ષણિક ઈકોસિસ્ટમની ઝલક પ્રદાન કરશે.

પહેલ વિશે વાત કરતાં પ્રોફેસર અમિત પ્રશાંત, ડીન, R&D, IITGNએ જણાવ્યું હતું કે શરૂઆતથી જ IIT ગાંધીનગર STEAM ક્ષેત્રોમાં શિક્ષણ, જ્ઞાન પ્રસાર, નવીન સંશોધન અને ઇન્ટરેક્ટિવ આઉટરિચ પ્રોગ્રામ્સ માટેનું એક મહત્વપૂર્ણ સૂત્રધાર રહ્યું છે. ‘G20-Ignite’ દ્વારા અમે ઇચ્છીએ છીએ કે Gen-Z વિજ્ઞાન, ટેક્નોલોજી, શોધ, અને નવીનતાની અજાયબીઓની ઉજવણી કરે અને તેને આગળ વધારે. તે શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના પ્રતિનિધિઓ અને રસ ધરાવતા હિતધારકોને IITGNની આંતરિક તક્નિકી કુશળતા, અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંશોધન સુવિધાઓ, અને સર્જનાત્મક શિક્ષણ કાર્યક્રમોનો અનુભવ કરવાની તક પણ પૂરી પાડશે.”

 

 

 

 

 

 

 

નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલનો અમદાવાદમાં તા. 6 એપ્રિલથી આરંભ

દેશનાં ચુનંદા તસવીરકારોનાં ફોટોગ્રાફ્સ સહિતનાં ફોટોગ્રાફીનાં વિવિધ પાસાઓને આવરી લેતો નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ ગુજરાતમાં સર્વપ્રથમવાર યોજાઈ રહ્યો છે. નવજીવન ટ્રસ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓનાં ઉપક્રમે યોજાઈ રહેલો આ ફેસ્ટિવલ નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ ખાતે તા. 6 એપ્રિલથી તા. 9 એપ્રિલ 2023 દરમિયાન યોજાશે.

નવજીવન ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ જણાવ્યું છે કે દેશનાં જાણીતાં ફોટોગ્રાફર્સનાં ફોટોગ્રાફી એક્ઝિબિશન્સ, પોર્ટફોલિયો એક્ઝિબિશન્સનો આ નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ફેસ્ટિવલમાં સ્ટીલ એન્ડ ટ્રાવેલ ફોટોગ્રાફી વર્કશોપ અને ક્રિયેટીવ નેચર ફોટોગ્રાફી વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શાહીદુલ આલમ, સુચિ કપૂર અને નતાશા રાહેજા, અનુશ્રી ફડનવિસ, પ્રશાંત પંજિયાર, સુધાકર ઓલ્વે, અમિત દવે, દૃષ્ટિમાન મુખર્જી અને વરૂણ આદિત્ય જેવા ટોચનાં ફોટોગ્રાફર્સનાં ફોટોગ્રાફી એક્ઝિબિશન્સ આ ફેસ્ટિવલમાં જોવા મળશે. આ ઉપરાંત શિવાંગ મહેતા, ઈન્દ્રજીત ખાંબે, મનીષ લાખાણી, અનેરી નિહલાની, લોપામુદ્રા તાલુકદાર અને જયેશ જોષી જેવા ફોટોગ્રાફર્સનાં પોર્ટફોલિયો એક્ઝિબિશન્સ પણ આ ફેસ્ટિવલનું આકર્ષક પાસું બની રહેશે.

તા. 7 અને 8 એપ્રિલ 2023નાં રોજ લોપામુદ્રા તાલુકદાર દ્વારા સ્ટીલ એન્ડ ટ્રાવેલ ફોટોગ્રાફી વર્કશોપ અને તા. 8 એપ્રિલ અને તા. 9 એપ્રિલ 2023 દરમિયાન સૌરભ દેસાઈ દ્વારા ક્રિયેટીવ નેચર ફોટોગ્રાફી વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ફેસ્ટિવલમાં ફોટોગ્રાફર્સનાં ઈન્ટરેક્ટિવ સેશન્સ પણ રાખવામાં આવ્યા છે. જેનાથી ફોટોગ્રાફીના ચાહકોને નિષ્ણાતોનાં જ્ઞાન અને અનુભવનો લાભ મળશે.

નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ સવારે 11 કલાકથી રાત્રિનાં 9 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

નાથુલામાં ભારે હિમસ્ખલનઃ અનેક પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા

ગુવાહાટીઃ સિક્કિમમાં ગંગટોકના નાથુલાથી જોડનારા જવાહરલાલ નેહરુ રોડની પાસે મોટું હિમસ્ખલન થયું છે. સિક્કિમના નાથુલા પહાડોમાં આજે ભારે હિમસ્ખલનથી છ પ્રવાસીઓનાં મોત થયાં છે અને 11 લોકો ઘાયલ થઈ ગયા છે. હિમસ્ખલન પછી બરફમાં ફસાવાની આશંકા છે. બચાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. હિમસ્ખલનમાં 150થી વધુ પ્રવાસીઓ હોવાની સૂચના મળી છે. કેટલાક લોકોને નજીકની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાની માહિતી મળી છે. હાલ ઘટના પછી બચાવ કાર્ય જારી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું હતું કે ગંગટોકના નાથુલાના જવાહરલાલ નેહરુ રોડ પર પર 15મા માઇલ પર થયેલા હિમસ્ખલનમાં છ પ્રવાસીઓનાં મોત થયાં છે, જ્યારે 80થી વધુ લોકોના બરફમાં ફસાયેલા હોવાની આશંકા છે. આ હિમસ્ખલન મંગળવારે બપોરે આશરે 12.20 કલાકે થયું હતું. આ હિમસ્ખલનમાં ઘાયલ થયેલા છ લોકોએ નજીકની સેનાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળક સામેલ છે.  

પોલીસ જણાવ્યાનુસાર 150થી વધુ પ્રવાસીઓ હજી પણ 15 માઇલથી આગળ ફસાયેલા છે. દરમ્યાન બરફમાં ફસાયેલા 30 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને ગંગટોક એટીએનએમ હોસ્પિલ અને સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

 

 

 

 

પિચાઈએ ચેટ જીપીટીથી બાર્ડ કેમ હાર્યું એનાં કારણ બતાવ્યાં

વોશિંગ્ટનઃ ચેટ જીપીટી (ChatGPT)ને ટક્કર આપવા માટે ગૂગલે હાલમાં પોતાનું AI ટૂલ બાર્ડ (Bard) લોન્ચ કર્યું છે. એને ચેટ જીપીટીનું સ્પર્ધક બતાવવામાં આવી રહ્યું છે. જોકે એ ટૂલ ચેટ જીપીટીની સામે અત્યાર સુધી નથી ટકી શક્યું. લોન્ચ થયા પછી એ ટીકાઓનો શિકાર થઈ રહ્યું છે. જે કામ ચેટ જીપીટી સરળતાથી કરી લે છે એ કરવામાં બાર્ડ નિષ્ફળ થઈ રહ્યું છે. આને જોતાં ગૂગલના CEO સુંદર પિચાઈ ટૂંક સમયમાં વધુ કેપેબલ અને પાવરફુલ AI મોડલ લોન્ચ કરવાની વાત કરી હતી.  

ગૂગલે આ વર્ષે 21 માર્ચે સામાન્ય લોકો માટે ગૂગલ બાર્ડને રોલઆઉટ કર્યું હતું. એ ઓપન AIના ચેટ જીપીટી અને માઇક્રોસોફ્ટના બિંગ ચેટબોટ સામે હારી ગયું, જેને લઈને ન્યુ યોર્ક ટાઇમ્સના હાર્ડ ફોર્ક પોડકાસ્ટમાં સુંદર પિચાઈએ કહ્યું હતું કે તેમની ટીમ જલદી વધુ સક્ષમ મોડલ લઈને આવશે. એવું જલદીમાં જલદી થયું હતું. બાર્ડને પણ અપગ્રેડ કરવામાં આવશે. સારા પાથવેઝ લેન્ગવેજ મોડલમાં બાર્ડનું અપડેશન થશે. એનો લાભ એ થશે કે બાર્ડ વધુ સક્ષમ અને રીજનિંગ, કોડિંગ અને મેથ્સના સવાલોને સોલ્વ કરી શકશે.

તેમણે જણાવ્યું હતું કે આગામી સપ્તાહથી બાર્ડમાં પ્રોસેસ જોઈ શકશો. બાર્ડની ક્ષમતા ઘણી લિમિટેડ હતી. બાર્ડને એટલા માટે લિમિટેડ રાખ્યું છે, જેથી કન્ફર્મ થઈ શકે કે એ સામાન્ય લોકો માટે ઠીક છે કે નહીં. આવી પરિસ્થિતિમાં વધુ સક્ષમ મોડલ લાવવું ઠીક નથી. તેમણે કહ્યું હતું કે કંપનીના ફાઉન્ડર લેરી પેજ અને સર્ગેઇ બ્રિનથી સતત ચર્ચા કરી રહ્યા છે.

 

 

 

અટલ ઈન્ક્યુબેશન સેન્ટરના નેજા હેઠળ યુવા બિઝનેસ સાહસિકોને માર્ગદર્શન

મુંબઈઃ અત્રેની કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે.ઈ.એસ. શ્રોફ કોલેજમાં મેનેજમેન્ટ સ્ટડી વિભાગે તાજેતરમાં “અટલ ઈન્ક્યુબેશન સેન્ટર – રામતાઉ મ્હાલગી પ્રબોધિની” સંલગ્ન એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આજના આ પ્રગતિશીલ યુગમાં વેપાર ક્ષેત્રે નવા નવા પ્રવેશતા ઉદ્યોગવીરો અને યુવકોને સાચું જ્ઞાન અને પ્રોત્સાહન મળે તે દ્રષ્ટિએ આ સેમિનાર આયોજિત કરાયો હતો.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી અને મહારાષ્ટ્રના ગ્રામ્ય વસાહતીકરણ વિભાગના પ્રમુખ ઉજ્જવલ ઉકે પ્રમુખ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રીનાથ શ્રીધરન મુખ્ય વક્તા હતા. આ ત્રિદિવસીય સેમિનારમાં પેપર પ્રેઝન્ટેશન પણ સમાવિષ્ટ કરાયું હતું.

અતિથિ વિશેષે બિઝનેસ ક્ષેત્રે નવા-નવા પ્રવેશતા યુવાનોને વિવિધ શક્યતાઓ વિષેની જાણકારી આપી હતી. પેપર પ્રેઝન્ટ કરવા માટે લગભગ 480 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિભાગમાં વિન્ડ પ્લસ પ્રાઇવેટ લિમિટેડનાં ડાયરેક્ટર માનસી ઠક્કર, યુવા નેતા અને વિચારક અપૂર્વ ગંગર તેમજ પ્રમુખ એચ.આર. ઓફિસર સંજીવ બહેરી હતા. નીક્કી વાન ડેનબર્ગ દુબઈથી ઓનલાઇન જોડાયા હતા, જેમાં તેમણે બિઝનેસ સફળતા વિષે સૂચનો આપ્યા હતા.

“વેપાર અને વાણિજ્યના વિકાસ” પર નમન જૈન તેમજ મીતાક્ષરા સીરગાંવકરના વક્તવ્યએ નવો ઉત્સાહ પૂરો પાડ્યો હતો. સંસ્થાના સંચાલકોએ આધુનિક યુગમાં વિદેશ સુધી વિદ્યાર્થી વ્યાપક બની જ્ઞાન પ્રાપ્તિ કરે તે માટે ખૂબ ઉત્સાહ સીંચ્યો હતો. કેઈએસ સંસ્થાના ટ્રસ્ટીગણમાંથી રજનીકાંત ઘેલાણી, સંસ્થાના વાઈસ પ્રિન્સિપાલ વી.એસ. કન્નન અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.