Home Blog Page 2640

યુપી પોલીસ અતીક અહેમદ સાથે સાબરમતી જેલ જવા રવાના

પ્રયાગરાજમાં સાંસદ-ધારાસભ્ય કોર્ટે મંગળવારે અપહરણના કેસમાં માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને સખત આજીવન કેદની સજા ફટકારી છે. આ પછી તેને હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પરત લઈ જવામાં આવી રહ્યો છે. યુપી પોલીસનો કાફલો માફિયા અતીક અહેમદ સાથે સાબરમતી જેલ જવા રવાના થયો છે. જ્યારે આ જ કેસમાં નિર્દોષ છૂટેલા તેના ભાઈ પૂર્વ ધારાસભ્ય અશરફને બરેલી જેલમાં પરત મોકલી દેવામાં આવ્યો છે. જેલના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી.

અતીકના ભાઈને બરેલી લઈ જવામાં આવ્યો હતો

નૈની જેલના વરિષ્ઠ સુપ્રિટેન્ડેન્ટ શશિકાંતે જણાવ્યું કે ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને કોર્ટમાંથી જ બરેલી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે, જ્યારે અતીક અહેમદને સાબરમતી જેલમાં લઈ જવા માટે કાફલો મોકલવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ, જેને બરેલીથી અપહરણના કેસમાં અહીંની વિશેષ અદાલતમાં હાજર થવા માટે લાવવામાં આવ્યો હતો, તેને મંગળવારે સાંજે ભારે સુરક્ષા વચ્ચે બરેલી જેલમાં પરત મોકલવામાં આવ્યો હતો.

17 વર્ષ જૂના કેસમાં સજા થઈ

પ્રયાગરાજની એક વિશેષ અદાલતે મંગળવારે પૂર્વ ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલના લગભગ 17 વર્ષ જૂના અપહરણમાં અતિક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને સખત આજીવન કેદ અને દંડની સજા ફટકારી હતી. 1 લાખનો દંડ ફટકાર્યો હતો. જ્યારે કોર્ટે અતીક અહેમદના ભાઈ અશરફ સહિત સાત આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. જણાવી દઈએ કે આ કેસમાં કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું છે.

માફિયા અને તેના ભાઈને નૈની જેલમાં લાવવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે ઉમેશ પાલ હત્યા કેસમાં નામ આપવામાં આવેલા પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેમના ભાઈ પૂર્વ ધારાસભ્ય અશરફને સોમવારે સાંજે ભારે સુરક્ષા વચ્ચે નૈની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા હતા. ફુલપુરથી સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને ઉત્તર પ્રદેશમાં જેલમાં હતા ત્યારે રિયલ એસ્ટેટ બેરોન મોહિત જયસ્વાલનું અપહરણ અને હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યા બાદ તેમને જૂન 2019માં ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

શું કહ્યું પ્રયાગરાજના પોલીસ કમિશનરે?

પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ સોમવારે કહ્યું હતું કે 17 વર્ષના અપહરણ (ઉમેશ પાલ)ના એક કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા પડશે. રમિત શર્માના જણાવ્યા અનુસાર માફિયા અતીક અહેમદને કોર્ટના આદેશ હેઠળ પ્રયાગરાજ (ગુજરાતની સાબરમતી જેલમાંથી) લાવવામાં આવ્યો છે. ફુલપુરના પૂર્વ સાંસદ અતીક અહેમદનું નામ ઉમેશ પાલ હત્યા કેસ સહિત 100થી વધુ ગુનાહિત કેસોમાં છે. તેમને પ્રથમ વખત કોઈ કેસમાં સજા ફટકારવામાં આવી છે.

24 ફેબ્રુઆરીના રોજ બેના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બીજા જ દિવસે, ઉમેશ પાલની પત્નીની ફરિયાદ પર, ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં અતિક અહેમદ, તેના ભાઈ અશરફ, પત્ની શાઇસ્તા પરવીન અને અન્ય ઘણા લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાના 316 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 2000 નજીક

ગુજરાતમાં કોરોના કેસ વધવાની રફતાર યથાવત છે. આજે વધુ 316 કેસ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2000 નજીક પહોંચી ગઈ છે. જો કે સારા સમાચાર એ છે કે આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આજે સૌથી વધુ 111 કેસ અમદાવાદમાં નોંધાયા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?

આજે રાજ્યમાં કોરોનાના 316 કેસ નોંધાય છે જેમાં સૌથી વધુ અમદાવાદ 111, સુરત 34 અને રાજકોટ 30 કેસ નોંધાયા છે. મોરબી 23, અમરેલી 19. વડોદરા 29 કેસ નોંધાયા છે. મહેસાણા 12 ,સાબરકાંઠા 12 વલસાડ 08 કચ્છ 7 ભાવનગર 05 ગાંધીનગર 5 નોંધાયા છે. ભરૂચ 04, જામનગર 05 આણંદ 02 કેસ નોંધાયા છે. ખેડા 02 નવસારી પાટણ સુરેન્ન્દ્રનગર 2-2 કેસ નોંધાયા છે જ્યારે બનાસકાંઠા મહિસાગર 1-1 કેસ નોંધાયા છે.

10 દર્દી વેન્ટિલેટર ઉપર, 189 સાજા થયા

રાજ્યમા હાલ 1976 એક્ટિવ કેસ છે. 10 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાત છેલ્લા 24 કલાકમાં 643 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ આજે 189 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો છે.

31 માર્ચ સુધી આ 7 મહત્વપૂર્ણ કામ કરી લો

2022-23 સમાપ્ત થવામાં માત્ર 3 દિવસ બાકી છે. ત્યારે દરેક કચેરી અને કંપનીઓ ફટાફટ પોતાના કામ કરી રહી છે. જો થોડી પણ ચૂક થાય તો નુકસાન થઇ શકે છે. હવે જયારે માત્ર આ 3 દિવસ જ બાકી હોય ત્યારે તમારે ઝડપથી આ 7 મહત્વપૂર્ણ કામો પુરા કરી દેવા જોઈએ, તમારે PAN-આધાર લિંક અને સુકન્યા ખાતામાં ન્યૂનતમ રકમ જમા કરાવવી, મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન સહિતના 7 જેવા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાના છે. જો તમે આ કામ નહી કરો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અમે તમને આ 7 મહત્વકાર્યો વિશે જણાવી રહ્યા છીએ, જેથી કરીને તમે આ 7 કર્યો ૩ દિવસમાં કરી શકો અને મુશ્કેલીથી બચી શકો.

1. આધાર-PAN લિંક

જો તમે હજુ સુધી તમારા PAN ને આધાર સાથે લિંક કરાવ્યું નથી, તો તેને ઝડપથી લિંક કરાવી દો. જો તમે 31 માર્ચ, 2023 સુધી આ નહીં કરો તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) 30 જૂન, 2022 થી PAN ને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી વસૂલ કરી રહ્યું છે. હવે માત્ર ૩ જ દિવસ બાકી છે તો ઝડપથી PAN સાથે આધારને લિંક કરાવી દો.

2. ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ

નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થવામાં માત્ર ૩ જ દિવસ બાકી છે એવામાં જો તમે હજુ સુધી ટેક્સ રોકાણ કર્યું નથી, તો જલ્દી કરો. તમે PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, 5 વર્ષની FD અને ELSS વગેરેમાં રોકાણ કરીને કલમ 80C હેઠળ ટેક્સમાંથી મુક્તિ મેળવી શકો છો. આ માટે તમારે આવી સ્કીમમાં 31 માર્ચ સુધીમાં રોકાણ કરવાનું રહેશે. તો ઝડપથી ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરો.

૩. મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન

નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થવમાં માત્ર ૩ જ દિવસ બાકી છે અને જો તમે હજુ સુધી પણ મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરી ન હોય, તો આ કામ શક્ય તેટલું ઝડપથી કરો. તમામ ફંડ હાઉસે આ માટે 31 માર્ચની સમયમર્યાદા નક્કી કરી છે. એટલે કે તમારી પાસે માત્ર ૩ જ દિવસ છે. જો તમે આ ૩ દિવસમાં આવું નહિ કરો તો તમારું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે.

4. PM વય વંદના યોજનામાં રોકાણ

સિનીયર સિટીઝન માટે PM વય વંદના યોજનામાં રોકાણએ વરદાનરૂપ સાબિત થઇ શકે છે. જો કોઈ સિનીયર સિટીઝન આ યોજનામાં રોકાણ કરવા માગે છે, તો તેઓ 31 માર્ચ, 2023 સુધી જ કરી શકશે એટલે કે હવે માત્ર ૩ જ દિવસ છે. સરકારે આ યોજનાને આગળ વધારવા માટે કોઈ નોટિફિકેશન બહાર પાડ્યું નથી. આવી સ્થિતિમાં, તમે માર્ચ 2023 સુધી જ તેમાં રોકાણ કરી શકો છો. તે 60 વર્ષ અને તેથી વધુ વયના નાગરિકો માટે પેન્શન યોજના છે.

5. PPF અને સુકન્યા ખાતામાં ન્યૂનતમ રકમ જમા કરો

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા ખાતામાં ન્યૂનતમ રકમ જમ કરવી જરૂરી છે. જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં પણ રોકાણ કરો છો, તો 31 માર્ચ સુધીમાં આ ખાતામાં ન્યૂનતમ રકમ જમા કરો. જો તમે 31 માર્ચ સુધીમાં 500 રૂપિયાની ન્યૂનતમ રકમ જમા નહીં કરાવો તો તમને દંડ થઈ શકે છે. આ સિવાય સુકન્યા ખાતામાં ન્યૂનતમ રકમ રૂ. 250 જમા કરાવવાની રહેશે. તમને જણાવી દઈએ કે આ બંને બચત યોજનાઓમાં તમારે દર નાણાકીય વર્ષમાં ન્યૂનતમ રકમ (સરકાર દ્વારા નિર્ધારિત) જમા કરાવવી પડશે. નાણાકીય વર્ષ 2022-23 માટે લઘુત્તમ રકમ જમા કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે એટલે કે હવે માત્ર ૩ જ દિવસ બાકી છે.

6. SBIની અમૃત કલશ યોજનામાં રોકાણ

SBIની આ અમૃત કલશ યોજના ફિક્સ ડિપોઝિટ કરનાર નાગરિકો માટે સારી યોજના છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની નવી ફિક્સ ડિપોઝિટ સ્કીમ અમૃત કલશ આ મહિને સમાપ્ત થવા જઈ રહી છે. આ અંતર્ગત સિનીયર સિટીઝનને 7.6 ટકા અને અન્યને 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વ્યક્તિએ આ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં 400 દિવસ માટે રોકાણ કરવું પડશે. એટલે કે હવે આ સ્કીમનો લાભ લેવા માત્ર ૩ જ દિવસ બાકી છે.

7. અપડેટ કરેલ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું

દર નાણાકીય વર્ષ પૂરું થતા પહેલા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી હોય છે. નાણાકીય વર્ષ 2019-20 અથવા મૂલ્યાંકન વર્ષ 2020-21 માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. અપડેટેડ રિટર્ન સંબંધિત આકારણી વર્ષના 24 મહિનાની અંદર કોઈપણ વ્યક્તિ ફાઇલ કરી શકે છે. આવકવેરા રિટર્નમાં કોઈ વિસંગતતાના કિસ્સામાં, અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવે છે.

સ્ટીવ સ્મિથ આઈપીએલ-2023માં આપશે એક્સપર્ટ કમેન્ટ્સ

મુંબઈઃ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન અને દુનિયાના દિગ્ગજ બેટર્સમાંનો એક સ્ટીવન સ્મિથ ટાટા આઈપીએલ-2023ના સત્તાવાર ટેલિવિઝન બ્રોડકાસ્ટર્સ સ્ટાર સ્પોર્ટ્સ પર એક્સપર્ટ કોમેન્ટેટર્સના સમૂહમાં સામેલ કરાયો છે. સ્મિથ આ ભૂમિકામાં પહેલી જ વાર જોવા મળશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટટમાં 10,000થી વધારે રન અને 27 સદી ફટકારી ચૂકેલો સ્મિથ ઓસ્ટ્રેલિયા જેમાં વિજેતા બન્યું હતું તે બે વર્લ્ડ કપમાં રમી ચૂક્યો છે. એક્સપર્ટ કોમેન્ટેટર તરીકેની નવી ભૂમિકા વિશે સ્મિથે કહ્યું છે કે, હું રમતને ઘણી સરસ રીતે પારખી શકું છું એટલે આઈપીએલ મેચો જોનારાઓને સારી જાણકારી આપી શકીશ એવી મને આશા છે. સ્ટાર સ્પોર્ટ્સની ટીમ સાથે જોડાવાનો મોકો મળ્યો છે એનાથી હું બહુ ખુશ છું અને આ નવો અનુભવ પ્રાપ્ત કરવા ઉત્સુક છું.

આઇસી15 ઇન્ડેક્સ 1,240 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં કોમોડિટીઝ ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશને અમેરિકામાં રજિસ્ટ્રેશન વગરનાં ક્રીપ્ટોકરન્સીનાં ડેરિવેટિવ્ઝ ઓફર કર્યા હોવાનો બિનાન્સ અને એના સ્થાપક ચાંગપેંગ ઝાઓ પર આરોપ મૂક્યો છે. આ ઘટનાને પગલે માર્કેટમાં નરમાશ આવી હતી. આઇસી15 ઇન્ડેક્સ 1,240 પોઇન્ટ ઘટી ગયો હતો. એના ઘટકોમાંથી એક્સઆરપીને બાદ કરતાં તમામ કોઇન ઘટ્યા હતા. એક્સઆરપીમાં 3.26 ટકા વૃદ્ધિ થઈ હતી. લાઇટકોઇન, બિનાન્સ, ચેઇનલિંક અને બિટકોઇનમાં 3થી 7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ બિનાન્સે ક્રીપ્ટો ઉદ્યોગ માટે સાનુકૂળ વલણ ધરાવતા જ્યોર્જિયામાં નવું પ્રાદેશિક બ્લોકચેઇન કેન્દ્ર શરૂ કર્યું છે. જ્યોર્જિયામાં બ્લોકચેઇન તથા વેબ3નો પ્રસાર કરવાનો એની પાછળનો ઉદ્દેશ્ય છે. બીજી બાજુ, લક્ઝરી ફેશન બ્રાન્ડ – ગુચ્ચીએ એનએફટી પ્લેટફોર્મ યુગા લેબ્સ સાથે સહયોગ સાધ્યો છે. ફાસ્ટ ફૂડ ચેઇન બર્ગર કિંગે બિટકોઇન તથા અન્ય ક્રીપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારવાની પહેલ કરી છે. કંપનીની પેરિસસ્થિત એક શાખામાં આ સેવાની શરૂઆત કરવામાં આવી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.30 ટકા (1,240 પોઇન્ટ) ઘટીને 36,253 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,493 ખૂલીને 37,643ની ઉપલી અને 35,791 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

PMનો ફોટો ફાડવા બદલ કોંગ્રેસના વિધાનસભ્યને રૂ. 99નો દંડ

નવસારીઃ વડા પ્રધાનનો ફોટો ફાડવા પર નવસારીની એક કોર્ટે વાંસદા બેઠકથી કોંગ્રેસના વિધાનસભ્ય અનંત પટેલ પર રૂ. 99નો દંડ ફટકાર્યો હતો. જો પટેલ રૂ. 99 નહીં આપે તો તેમને સાત દિવસ જેલમાં પણ જવું પડે. પટેલ પર 12 મે, 2017માં કૃષિ યુનિવર્સિટીમાં કુલપતિની ઓફિસમાં દેખાવો દરમ્યાન વિરોધ કરવા દરમ્યાન કુલપતિની ઓફિસમાં ઘૂસીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો ફાડ્યાનો આરોપ છે.

જસ્ટિસ વીએ ધધલે વિધાનસભ્યને સરકારી કર્મચારીના કામમાં વિઘ્ન નાખવા માટે કુલપતિની ઓફિસમાં જબરદસ્તીથી ઘૂસવા માટે દોષી ઠેરવ્યા હતા. કોર્ટે પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો ફાડવાના કેસમાં કોર્ટે વાંસદાના કોંગ્રેસ MLA અનંત પટેલ દોષિત જાહેર કર્યા છે.પટેલ સિવાય થરાદથી કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય ગુલાબસિંહ રાજપૂત, યુવા કોંગ્રેસ નેતા પીયૂષ ઢીમર અને યુવા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ પાર્થિવ કાઠવાડિયાની સામે 2017માં જલાલપુરમાં કેસ નોંધ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે આ ક્રાઇમ માટે ત્રણ મહિનાની કેદ અને રૂ. 500ના દંડની સજાની જોગવાઈ આપવામાં આવે છે, પણ વિધાનસભ્ય સ્ટુડન્ટ્સને ટેકો આપવા માટે એક સારા ઉદ્દેશથી યુનિવર્સિટી ગયા હતા. હા, તેમની રીત યોગ્ય નથી, એટલે તેમને સજા આપવાની જરૂર નથી. માત્ર દંડ ફટકારીને છોડી મૂકવા યોગ્ય રહેશે, જેથી ભવિષ્યમાં લોકો ભીડમાં ઉછેરાતી આવી માનસિકતાથી દૂર રહેશે.

આ ઘટના 12 મે, 2017એ બની હતી. જ્યાં સ્ટુડન્ટ ફોરેસ્ટ અને બીટ ગાર્ડ પોસ્ટ પર ભરતી કરવા માટે નોન ફોરેસ્ટ્રી વિષયવાળા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા. વાંસદા નગરપાલિકાના તત્કાલીન અધ્યક્ષ કોંગ્રેસી વિધાનસભ્ય પટેલ જબરદસ્તી કુલપતિ સીજે ડોગરિયાની ઓફિસમાં ઘૂસ્યા અને અધિકારીઓને ધમકાવ્યા હતા. તેમણે અહીં જ વડા પ્રધાન મોદીનો ફોટો ફાડ્યો હતો.

 

 

 

 

મહાઠગ કિરણ પટેલની પત્નીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

મહાઠગ કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ પ્રધાનના ભાઈનો બંગલો પચાવી પાડવા, 35 લાખની ઠગાઈ અને છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે માલિનીએ આગોતરા જામીનની અરજી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં મકાન પચાવી પાડી છેતરપીંડીની ફરિયાદ થઈ હતી.

શું છે સમગ્ર મામલો 

પીએમઓમાં ટોચના અધિકારી તરીકે રજૂ કરીને શ્રીનગરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવનારા કિરણ પટેલની પોલીસે ધરપકડ કરી હતી.તે સમયે કિરણ પટેલની પત્ની માલિની પટેલે ધરપકડના ડરથી આગોતરા જામીન માટે શહેરની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જો કે ગયા અઠવાડિયે જ આ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી. માલિની પટેલે પોતાની ધરપકડ પૂર્વેની જામીન અરજીમાં દાવો કર્યો છે કે, તે પોતાના પરિવારનો મુખ્ય આધાર છે અને ઘરમાં એકમાત્ર કમાઉ વ્યક્તિ છે. જો તેને કોઈ કાનૂની સુરક્ષા આપવામાં ન આવી તો તેના પરિવારના સભ્યો ભૂખે મરશે. તણે એવું કહ્યું કે, તે નોકરી કરે છે અને તેના ખભા પર પરિવારની સંપૂર્ણ જવાબદારી છે અને તેથી ન્યાયથી ભાગી જવાની કોઈ શક્યતા નથી.

આ મામલે કરાઈ ધરપકડ 

ભાજપના નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવી હતી. જે બાદ માલિવની પટેલે કાયદાકીય રક્ષણ માટે કોર્ટનો દરવાજે ખખડાવ્યો હતો. જગદીશ ચાવડાએ આરોપ લગાવ્યો છે કે, કિરણ પટેલે તેમના 15 કરોડના બંગલા પર ગેરકાયદે રીતે કબજો કર્યો હતો. તેમજ એવો દાવો કરવામાં પણ કરવામાં આવ્યો હતો કે, તે રૂપિયાની ચૂકવણી કરશે, કારણ કે એક કોર્પોરેટ કંપનીની યોજના માટે તે ચૂકવણીની રાહ જોઈ રહ્યો છે. પોતાની ફરિયાદમાં ચાવડાએ આરોપ લગાવ્યો હતો કે પટેલે પોતાની ઓળખ પીએમઓના ટોપના અધિકારી તરીકે આપી હતી અને એવું પણ કહ્યું હતું કે તે ટી પોસ્ટ ચેઈનનો ભાગીદાર તથા રિયલ એસ્ટેટ બ્રોકર પણ છે.

મારે કોઈ લેવાદેવા નથી

મહાઠગ કિરણ પટેલે ચાવડાને એવું કહ્યું હતું કે, તે રિનોવેટ કર્યા બાદ બંગલાને વેચી દેશે. આ વાત ફેબ્રુઆરી 2022ની છે અને એ પછી ચાવડાને અમદાવાદ જિલ્લા કોર્ટ દ્વારા એક નોટિસ મળી હતી. જેમાં પટેલ દ્વારા તેમની વિરુદ્ધ બંગલા પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોતે નિર્દોષ હોવાની દલીલ કરતા માલિની પટેલે જણાવ્યું કે, કથિત ગુના સાથે તેણીને કોઈ લેવા દેવા નથી.

અમદાવાદ-લંડન ગેટવિક વચ્ચે એર ઈન્ડિયાની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ

અમદાવાદઃ દેશની અગ્રગણ્ય એરલાઈન અને સ્ટાર અલાયન્સની સભ્ય એર ઈન્ડિયાએ અમદાવાદ અને બ્રિટનના બીજા નંબરના મોટા એરપોર્ટ લંડન ગેટવિક વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઈટ્સનો આજથી શુભારંભ કર્યો છે. કેન્દ્રના સિવિલ એવિએશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વર્ચ્યુઅલ સમારોહમાં આ ઉદઘાટક ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. એ પ્રસંગે સિવિલ એવિએશન વિભાગના સેક્રેટરી રાજીવ બંસલ અને એર ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ કેમ્પબેલ વિલ્સન ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે વરિષ્ઠ એક્ઝિક્યૂટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા.

(તસવીર સૌજન્યઃ @Gatwick_Airport)

આ ફલાઈટ (AI-171) અમદાવાદથી સવારે 11.50 વાગ્યે ઉપડી હતી અને લંડન ગેટવિક ખાતે તેના પહોંચવાનો સમય સાંજે 4.40 (સ્થાનિક સમય) હતો.

સિંધિયાએ આ પ્રસંગે કહ્યું, દેશની મુખ્ય એરલાઈન એર ઈન્ડિયાએ અમદાવાદ અને લંડન ગેટવિક વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરી છે ત્યારે આજનો દિવસ અમદાવાદ અને ગુજરાત માટે મહત્ત્વનો છે.

કેમ્પબેલ વિલ્સને કહ્યું, અમદાવાદ અને લંડન ગેટવિક વચ્ચે સેવા શરૂ કરવાથી અમે બેહદ આનંદનો અનુભવ કરીએ છીએ. આ સેવાથી ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપાર અને પર્યટનનો વધુ બળ પ્રાપ્ત થશે.

બ્રિટનમાં અંદાજે 8 લાખ જેટલા ગુજરાતીઓ વસે છે. ગુજરાતીઓની આટલી મોટી સંખ્યા ભારત બહાર દુનિયામાં બીજા કોઈ દેશમાં નથી. એર ઈન્ડિયા હવે ભારત અને બ્રિટન વચ્ચે દર સપ્તાહે 49 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.

રાજસ્થાનમાં બમ્પર ઓફરઃ લગ્ન કરવા પર મળશે રૂ, 10 લાખ, શરતો લાગુ

જયપુરઃ રાજસ્થાનની ગહેલોત સરકારે છેલ્લા કેટલાક સમયથી એક પછી એક મોટા નિર્ણય લઈ રહી છે. મુખ્ય પ્રધાન ગહેલોતે હાલમાં રાજ્યમાં 19 નવા જિલ્લા બનાવવાની ઘોષણા કરી હતી. હવે રાજ્ય સરકારે એક મોટું એલાન કર્યું છે. સામાજિક સમરસતા અને એકતા વધારવાના ઉદ્દેશથી સરકારે આંતરજાતીય લગ્નોને પ્રોત્સાહન રકમને બે ગણી કરી છે.

સરકારે ઇન્ટર કાસ્ટ મેરેજની પ્રોત્સાહન રકમને વધારીને હવે રૂ. 10 લાખ કરવાનું એલાન કર્યું છે. આ પહેલાં રૂ. પાંચ લાખ આપવામાં આવતા હતા. હવે આંતરજાતીય યુગલને રૂ. 10 લાખ આપવામાં આવશે. સરકારે કહ્યું હતું કે આનાથી સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળશે. સમાજમાં એકતા અને ભાઇચારો વધશે. સરકારે હાલમાં વિધાનસભામાં રજૂ કરેલા બજેટ 2023-24માં આ રકમ વધારવાનું એલાન કર્યું હતું. સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટે હવે એનું નોટિફિકેશન જારી કરી દીધું છે.

સરકારની આ શરતો થશે લાગુ

ડોક્ટર સવિતાબહેન આમ્બેડકર આંતરજાતીય સંશોધિત વિવાહ યોજના હેઠળ લગ્ન કરનાર કપલ ઇન્ટર કાર્ય જ હોવું જોઈએ. એ કપલને લગ્ન કરવા પર રૂ. 10 લાખ આપવામાં આવશે. એમાંથી રૂ. પાંચ લાખ આઠ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખવામાં આવશે, જ્યારે બચેલા રૂ. પાંચ લાખ કપલને જોઇન્ટ બેન્ક અકાઉન્ટમાં જમા કરવામાં આવશે. જોકે ફિક્સ્ડ ડિપોઝિટવાળા નાણાંના આઠ વર્ષથી પહેલાં કાઢી નહીં શકાય.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 2006માં આ યોજના હેઠળ રૂ. 50,000 આપવામાં આવતા હતા, ત્યાર બાદ એપ્રિલ, 2013માં એને વધારીને રૂ. પાંચ લાખ કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો પૈસા આપે છે, એમાં રાજ્ય સરકાર 75 ટકા અને 25 ટકા કેન્દ્ર સરકાર યોગદાન આપે છે.

 

 

 

ધો.12 સાયન્સ-કોમર્સના આ પેપરમાં 5 પ્રશ્નો એક જેવા જ

ગુજરાતી માધ્યમના પેપરમાં છબરડો જોવા મળ્યો છે. જેમાં ધો.12 સાયન્સ-કોમર્સના આ પેપરમાં 5 પ્રશ્નો એક જેવા જ છે. તેમાં 21,509 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. તથા 149 ગેરહાજર છે. ગુજરાતી માધ્યમના પેપરમાં ટાઈપ્સને બદલે ડેટા શબ્દનો ઉલ્લેખ કરાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. તેમજ ધો.12 કોમર્સનું કમ્પ્યુટરનું પેપર એકદંરે સરળ પુછાયું હતું. શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષા અંતર્ગત ધો.10નું ગુજરાતી અને ધો.12 કોમર્સનું કમ્પ્યુટરનું પેપર એકદંરે સરળ પુછાયુ હતું. જોકે, ગત શનિવારે ધો.12 સાયન્સના કમ્પ્યુટર પેપરમાં પુછાયેલા પાંચ પ્રશ્નો આજના ધો.12 કોમર્સના પેપરમાં પણ પુછાયા હોવાનું વિષય શિક્ષકે જણાવ્યું હતું.

પાંચ માર્ક્સના પ્રશ્નો સાયન્સ અને કોમર્સના કમ્પ્યુટરના પેપરમાં એકસરખા

શહેર અને જિલ્લામાં ધો.10ના 10,665 વિદ્યાર્થીઓએ ગુજરાતીની પરીક્ષા આપી હતી. જે પૈકી 59 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયાં હતાં. ધો.12 કોમર્સના 10,844 વિદ્યાર્થીઓએ કમ્પ્યુટરની પરીક્ષા આપી, જે પૈકી 90 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયાં હતાં. ગત શનિવારે યોજાયેલ ધો.12 સાયન્સના કમ્પ્યુટરનું પેપરમાં પુછાયેલા પાંચ પ્રશ્નો આજે ધો.12 કોમર્સના કોમ્પ્યુટરના પેપરમાં પુછાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભે વિષય શિક્ષકે જણાવ્યું હતું કે, ક્લાસ મેથડ, નોર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરવાની રચના, કોન્સોલ ક્લાસ, લોકલ વેરિયેબલ અને ડુ વહાઈલ લુપના પાંચ માર્ક્સના પ્રશ્નો સાયન્સ અને કોમર્સના કમ્પ્યુટરના પેપરમાં એકસરખા હતાં.

શબ્દને બદલે ડેટા શબ્દનો ઉલ્લેખ કરાતા વિદ્યાર્થીઓ મુંઝાયા

ગુજરાતી મીડીયમના વિદ્યાર્થીઓને પ્રિન્ટિનાં છબરડાને કારણે એક માર્ક્સનું નુકસાન થવાની શક્યતા છે. ગુજરાતી માધ્યમના પેપરમાં પ્રશ્ન પુછાયો હતો કે, નીચેનામાંથી કયો ડેટા વાસ્તવિક સંખ્યાનો સમાવેશ કરે છે ? જ્યારે અંગ્રેજી માધ્યમના પેપરમાં પ્રશ્ન પુછાયો હતો કે, વિચ ઓફ્ ધ ફેલોઈંગ પ્રીમિટિવ ડેટા ટાઇપ્સ હોલ્ડ રીયલ નંબર? ગુજરાતી માધ્યમના પેપરમાં ટાઈપ્સ શબ્દને બદલે ડેટા શબ્દનો ઉલ્લેખ કરાતા વિદ્યાર્થીઓ મુંઝાયા હતાં.