હાંગ્ઝૂ (ચીન): આ વર્ષની 23 સપ્ટેમ્બરથી ચીનમાં 19મી એશિયન ગેમ્સ રમાવાની છે. તેમાં ક્રિકેટની હરીફાઈમાં ભારતના પુરુષો અને મહિલાઓ, એમ બંને ટીમ ભાગ લેશે. મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને હાલ શિસ્તભંગના પગલાં અંતર્ગત બે આંતરરાષ્ટ્રીય મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. પરંતુ તે આ સ્પર્ધામાં માત્ર ફાઈનલ મેચમાં જ રમી શકશે, જો ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે તો.
પુરુષો અને મહિલાઓ, બંને વર્ગમાં ચાર-ચાર ટીમ, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ, આખરી 8-ટીમોના ચરણથી રમવાની છે. તમામ મેચોને સત્તાવાર ટ્વેન્ટી-20નો દરજ્જો પ્રાપ્ત થશે. તાજેતરમાં બાંગ્લાદેશ સામેની વન-ડે ઈન્ટરનેશનલ મેચ પૂરી થયા બાદ જાહેરમાં બળાપો કાઢવા બદલ હરમનપ્રીત પર બે-મેચનો પ્રતિબંધ મૂકાયો છે. તે એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલ મેચમાં રમવા પાત્ર નથી. મહિલાઓની મેચો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 26 સપ્ટેમ્બરે સુવર્ણ અને કાંસ્ય ચંદ્રકો માટેની મેચ રમાશે.
મલ્લપુરમઃ સ્થાનિક નગરપાલિકાની પ્લાસ્ટિક કચરો વીણતી સંસ્થામાં કામ કરતી 11 મહિલાઓ કામદારોએ સપનામાં પણ વિચાર્યું હોય કે જે લોટરી ટિકિટને તેમણે પ્રત્યેકે રૂ. 25 આપીને ખરીદી છે, એ તેમને રૂ. 10 કરોડનો જેકપોટ અપાવી દેશે. આ 11 મહિલાઓએ કુલ રૂ. 250 આપીને લોટરીની ટિકિટ ખરીદી હતી. જ્યારે તેમને લોટરી લાગવાના સમાચાર આવ્યા, ત્યારે પણ તે પરપ્પનંગડી નગરપાલિકાના ગોદામમાં ઘરોમાંથી પ્લાસ્ટિકનો કચરો અલગ કરી રહી હતી.
કેરળ લોટરી વિભાગે ઘોષણા કરી હતી કે મહિલાઓ દ્વારા નાણાં એકઠા કર્યા બાદ ખરીદેલી ટિકિટ પર તેમને મોન્સુન બંપરના રૂપે રૂ. 10 કરોડનું ઇનામ લાગ્યું છે. આ મહિલાઓ લોટરીની ટિકિટ એકલી ખરીદે એવી કોઈ સક્ષમ નહોતી, જેથી તેમણે ભેગા મળીને લોટરીની ટિકિટ ખરીદી હતી.
લોટરીવિજેતાઓને મળવા અને તેમને શુભેચ્છાઓ આપવા મોટી સંખ્યામાં લોકો નગર નિગમ ગોદામના પ્રાંગણમાં ઊમટી પડ્યા હતા.
લોટરીવિજેતાઓમાંથી એક રાધાએ કહ્યું હતું કે જ્યારે અમને માલૂમ પડ્યું કે અમને જેકપોટ લાગ્યો છે, ત્યારે અમારી ખુશીના કોઈ ઠેકાણાં નહોતાં. અમે બધી જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને આ પૈસા કેટલીક હદ સુધી અમારી સમસ્યાઓને હલ કરવામાં મદદ કરશે.
નગરપાલિકામાં હરિત કર્મ સેનાનાં અધ્યક્ષ શીજાએ કહ્યું હતું કે ભાગ્ય એ આ વખતે યોગ્ય લોકો પર કૃપા કરી છે. તેમણે કહ્યું હતું કે આ બધી ઇનામવિજેતા મહિલાઓ બહુ મહેનતી છે અને પરિવારનું પાલનપોષણ કરી રહી છે.
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજ્ય પ્રવાસે છે, તેમણે આજે ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું. દેશ-વિદેશની અનેક કંપનીઓએ ભારતમાં મૂડીરોકાણ કરવા આવી છે. આ કંપનીઓ ભારતમાં તકો જોઈ રહી છે. જેથી આ કંપની ભારતમાં મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું હતું કે દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવા સરકાર ટેક કંપનીઓને 50 ટકા નાણાકીય સહાય આપશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ડિસ્કશન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ફોક્સકોન, માઇક્રોન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નોલોજીસ, ઇન્ફીનિયોન ટેક્નોલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લીધો હતો.
A semiconductor revolution is in the offing in India. Addressing the SemiconIndia Conference 2023. https://t.co/KhzIyPyxHt
વડા પ્રધાને ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમમાં વિવિધ કંપનીઓના CEOઓને સંબોધતાં કહ્યું હતું કે ભારત હવે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે તકોનું વિશ્વ પ્રદાન કરે છે. આજે વિશ્વ ઇન્ડસ્ટ્રી 4.0નું સાક્ષી છે. વિશ્વમાં જ્યારે પણ કોઈ ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે ત્યારે તેનો પાયો કોઈપણ પ્રદેશના લોકોની આકાંક્ષાઓ રહ્યો છે.તે અગાઉની ઔદ્યોગિક ક્રાંતિ અને અમેરિકન સ્વપ્ન વચ્ચેની કડી હતી. આજે હું ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને ભારતીય આકાંક્ષાઓ વચ્ચે સમાન જોડાણ જોઈ શકું છું. તેમણે વધુમાં કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં દેશમાંથી ઈલેક્ટ્રોનિક્સની નિકાસ બમણી થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ હવે પછી જો તમને કોઈ ચલણી નોટમાં નંબર પેનલમાં સ્ટાર (*) ચિન્હ દેખાય તો ચિંતા કરતા નહીં. સ્ટાર સિમ્બોલવાળી આ બેન્કનોટ્સ કાયદેસર છે. ભારતીય રિઝર્વ બેન્કે આ નોટો વિશે સ્પષ્ટતા કરી દીધી છે.
કેન્દ્રીય બેન્કે જણાવ્યું છે કે સ્ટાર ચિન્હવાળી અને તે વગરની બધી જ બેન્ક નોટ કાયદેસર છે. બેન્ક નોટમાં ઉપસર્ગ અને સીરિયલ નંબરની વચ્ચે સ્ટાર સિમ્બોલનો ઉમેરો કરવામાં આવ્યો છે. સ્ટાર સિમ્બોલવાળી બેન્કનોટ દર્શાવે છે કે તે ખરાબ થઈ ગયા બાદ એના તે જ નંબર અને ઉપસર્ગ વચ્ચે સ્ટાર સિમ્બોલનો ઉમેરો કરવામાં આવ્યો છે અને તેને રીપ્રિન્ટ કરવામાં આવી છે. આ એ નોટો છે જે ખરાબ થયેલી હાલતમાં મળ્યા બાદ એને ફેરફાર સાથે રીપ્રિન્ટ કરવામાં આવી છે.
આ નોટ નકલી કે બનાવટી નથી એવો કેન્દ્ર સરકાર હસ્તકની પીઆઈબી (પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો) સંસ્થાએ પણ ખુલાસો કર્યો છે. રિઝર્વ બેન્કે 2016ના ડિસેમ્બરથી 500 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો પર સ્ટારનું ચિન્હ લગાડવાનું શરૂ કર્યું છે.
નવી દિલ્હીઃ સિરિયામાં સૈય્યદા જૈનબના મકબરાની પાસે કોઉ સુડાન સ્ટ્રીટ પર જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં કમસે કમ છ લોકોનાં મોત થયાં છે અને અન્ય 23 ઘાયલ થયા છે. સિરિયાઈ અરબ સમાચાર એજન્સી (SANA)એ જણાવ્યું હતું કે વિસ્ફોટે દમિશ્કના ગ્રામીણ વિસ્તારમાં અસાયદા જૈનબ શહેરને નિશાન બનાવ્યું હતું. અહેવાલ અનુસાર સૈય્યદા જૈનબમાં કોઉ સુદાન સ્ટ્રીટ પર એક ટેક્સીની પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો.
આંતરિક મંત્રાલયે ટેલિગ્રામ પર એક નિવેદનમાં કહ્યું હતું કે આ દુર્ઘટનામાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પછી સંબંધિત પોલીસ અને અધિકારી વિસ્ફોટ સ્થળે પહોંચ્યા હતા. હાલ તપાસ જારી છે. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે બોમ્બધડાકા પછી સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. મંત્રાલયે કહ્યું હતું કે આ વિસ્ફોટ સિરિયાના સૌથી પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સૈયદા જૈનબ મકબરાની પાસે ઊભેલી ટેક્સીની પાસે કરવામાં આવ્યો હતો. સરકારે કહ્યું હતું કે આ એક આતંકવાદી હુમલો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અમને મોટા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ત્યાર બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ હતો. ત્યાર બાદ એમ્બ્યુલન્સ મગાવવામાં આવી હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. આ વિસ્ફોટ પયગંબર મોહમ્મદ સાહબની દોહિત્રી અને હજરત ઇમામ અલીની પુત્રી સૈયદા જૈનબના મકબરાથી થોડે દૂર એક સુરક્ષા ભવનની પાસે થયો હતો.
મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં પી.ડીમેલો રોડને ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ સાથે જોડતો ઈસ્ટર્ન ફ્રીવે આ શહેરમાં સૌથી જોખમી રોડ તરીકે ઉભરી આવ્યો છે. આ 16.8 કિ.મી. લાંબો રોડ મહારાષ્ટ્ર સરકાર હસ્તકની મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) સંસ્થાએ રૂ. 1,106 કરોડના ખર્ચે બનાવ્યો છે. 2015ની સાલમાં તેણે આ રોડ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ (એમસીજીએમ)ને સુપરત કર્યો હતો. પરંતુ, આ રોડ, ખાસ કરીને રાતના સમયે જોખમી બની જાય છે. એક અખબારી અહેવાલ મુજબ, વાહનચાલકોની ફરિયાદ છે કે રોડ પર, ખાસ કરીને બોગદું પસાર કર્યા બાદ ઉત્તર તરફની દિશામાં છેલ્લા કેટલાય મહિનાઓથી સ્ટ્રીટ લાઈટ્સ બંધ પડેલી હોય છે અને બોગદાની છતમાંથી પાણી ટપક્યા કરતું હોય છે. આ પટ્ટો એવો છે જે રોડને બે ભાગમાં વહેંચે છે. જમણી બાજુની લેન્સ ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ તરફ જાય છે જ્યારે ડાબી બાજુની લેન ચેંબૂરમાં શિવાજી પ્રતિમા તરફ લઈ જાય છે. સ્ટ્રીટ લાઈટ્સ અને રીફ્લેક્ટર્સ ન હોવાથી વાહનોનો અકસ્માત થવાનું જોખમ વધી જાય છે. જે વાહનચાલકો રોડના વિભાજનથી વાકેફ ન હોય એમને અકસ્માત નડવાનું જોખમ રહે છે.
વરસાદની મોસમમાં, જ્યારે વિઝિબિલિટી ખરાબ હોય છે ત્યારે અહીંની હાલત વધારે જોખમી બની જાય છે. ટનલમાં પણ ત્રણ સ્થળે છત પરથી પાણી પડતું હોય છે. અચાનક તમારા વાહનના વિન્ડસ્ક્રીન પર પાણી પડે એટલે તમારી આંખે અંધારું આવી જાય. ચોમાસા સિવાયની મોસમોમાં પણ આ ત્રણ સ્થળે પાણી સતત પડ્યા કરતું હોય છે. ચોમાસામાં ફ્રીવે પર અનેક ઠેકાણે પાણીના ખાબોચિયા ભરાયેલા હોય છે. પરંતુ મહાપાલિકાવાળા આની દરકાર કરતા નથી. વળી,દક્ષિણ તરફની ટનલમાં રીપેરિંગ કામ ચાલતું હોવાથી પ્રકાશ બહુ ઓછો હોય છે. પરિણામે મહાપાલિકા દ્વારા મૂકવામાં આવેલા અવરોધો નજરે ચડતા નથી. રોડ પર વાહનચાલકો માટે વોર્નિંગની નિશાની પણ મૂકાઈ નથી. ફ્રીવે મોટરબાઈક સવારો માટે પ્રતિબંધિત ઝોન છે તે છતાં ઘણી વાર અનેક બાઈક્સ જતી જોવા મળે છે.
નવી દિલ્હીઃ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા ચીન જવા માટે ભારતે અરુણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓને બીજિંગ દ્વારા સ્ટેપ્લ્ડ વિસા જારી કર્યા બાદ નવી દિલ્હી બીજિંગ સામે કડક વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે એણે કોમ્યુનિસ્ટ રાષ્ટ્ર સામે પોતાનો હક સુરક્ષિત રાખ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારત આ મામલે ચીની પક્ષ સમક્ષ કડક વિરોધ નોંધાવી ચૂક્યું છે. તેમણે કહ્યું હતું કે એ સરકારના ધ્યાનમાં આવ્યો છે કે આવા કેટલાક ભારતીય નાગરિકોને સ્ટેપલ વિઝા જારી કરવામાં આવ્યા હતા, જેમણે ચીનમાં એક આંતરરાષ્ટ્રીય ગેમ્સના આયોજનમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું હતું.
તેમણે કહ્યું હતું કે એ અસ્વીકાર્ય છે અને અમે ચીની પક્ષની સાથે આ મામલે સતત સ્થિતિ બેવડાવાતાં આકરો વિરોધ નોંધાવ્યો છે. ભારત આ પ્રકારની કાર્યવાહી પર ઉચિત પ્રતિક્રિયા આપવાનો હક સુરક્ષિત રાખે છે. તેમણે એક પત્રકાર પરિષદને સંબોધતાં ત્યારે કરી, જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું અરુણાચલ પ્રદેશના કેટલાય ખેલાડીઓને સ્ટેપલ વિઝા જારી કરવામાં આવ્યા હતા.
ચીન ના માત્ર અરુણાચલ પ્રદેશના લોકો સાથે પણ લદ્દાખની સાથે-સાથે જમ્મુ-કાશ્મીરમાં રહેતા ભારતીયોને પણ સ્ટેપલ વિઝા જારી કરી રહ્યું છે. ચીન આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોને ભારતનું અભિન્ન અંગ હોવાનું સ્વીકાર નથી કરતું. આ સાથે ચીન અરુણાચલ પ્રદેશના આશરે 90,000 સ્ક્વેર કિમીના વિસ્તાર પર દાવો કરે અને એને દક્ષિણ તિબેટ કહે છે, પણ નવી દિલ્હી ચીનના આ દાવાને હંમેશાં ફગાવતી રહી અને કહે છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે.
રૉબિન્સવિલ, ન્યુ જર્સી: બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને રોબિન્સવિલ, ન્યૂ જર્સીના મેયર ડેવિડ ફ્રાઈડની શુભ ઉપસ્થિતિમાં જુલાઇ ૧૬, ૨૦૨૩ ના દિને રોબિન્સવિલમાં “પ્રેરણાના મહોત્સવ”નો આરંભ થયો હતો. આ મહોત્સવ એ એવી ઉજવણી છે જે હિંદુ ધર્મની વિવિધતા, કલા, સ્થાપત્ય, મૂલ્યો અને સંસ્કૃતિનાં સમૃદ્ધ તાણાવાણાને જોડે છે. જટિલ રીતે રચિત શિલ્પોથી માંડીને મંત્રમુગ્ધ કરતાં નૃત્ય પ્રદર્શન અને વળી આત્માને ડોલાવતાં કાર્યક્રમો, આ ઉત્સવના જાણે પ્રાચીન પ્રજ્ઞા અને કાલાતીત ઉપદેશોના પ્રવેશદ્વારરૂપ બને છે. આ ઉત્સવ ઉત્તર અમેરિકાના અતિથિઓને માનવ ભાવનાને પ્રેરિત અને પ્રજ્વલિત કરતા ગહન ઉપદેશોમાં જોડાઈ જવા માટે પ્રોત્સાહિત કરશે. તે મૂલ્યો અને સિદ્ધાંતોને સ્વીકારવાનું એવું આમંત્રણ છે, જે સમયની કસોટીએ પાર ઉતર્યાં છે. સાથે એ ‘સ્વ’ને અને વિશ્વને ઊંડાણથી જાણવા પ્રોત્સાહન આપે છે. આ પ્રેરક પ્રવાસ સર્વને પ્રેરણાની ચિનગારી પોતાના જીવનમાં લઈ જવા માટે આમંત્રિત કરે છે અને આમ તેની પરિવર્તનશીલ ઊર્જાને દૂર-દૂર સુધી ફેલાવે છે.
પરંપરાગત નૃત્ય પેશ કરતા બાળકો અને યુવાઓ
બીએપીએસ મહિલા પ્રવૃત્તિઓના રાષ્ટ્રીય સંયોજક અલક પરમારે જણાવ્યું હતું કે, “પ્રેરણાનો મહોત્સવ જીવનના તમામ ક્ષેત્રના લોકો માટે સાર્વત્રિક મૂલ્યોને શોધવા અને સ્વીકારવા માટે એક મંચ તરીકે સેવા આપે છે, જે આપણને એક તાંતણે બાંધે છે. સાંસ્કૃતિક પ્રદર્શનો અને પ્રેરણાદાયી વાર્તાઓ દ્વારા, અમારો હેતુ વિશાળ શ્રેણીના પ્રેક્ષકોને જોડવાનો અને અર્થપૂર્ણ પ્રભાવ બનાવવાનો છે. આ મહોત્સવ વ્યક્તિને કરુણા, સમજણ અને સંવાદિતાથી ભરપૂર જીવન જીવવા માટે પ્રેરણા આપશે અને સંનિષ્ઠ બનાવશે.”
ઉત્સવમાં યુવાનો, વ્યાવસાયિકો અને સમુદાયના સભ્યો માટે અનન્ય રીતે કરાયેલા કાર્યક્રમો હશે જેનો ઉદ્દેશ્ય પ્રેરણા અને ઉત્થાનનો છે. વિવિધ સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રકતદાનનો સમાવેશ થાય છે. એ દ્વારા સર્વે પેઢીઓમાં વહેંચણીની ભાવનાને પ્રોત્સાહન મળશે. સાથે-સાથે પ્રત્યેક વ્યક્તિને અંતર સાથે અને વિશ્વ સાથે શાંતિ અને સુમેળ થાય એવા હેતુને સિદ્ધ કરવા માટે ત્રણ મહિના લાંબો પરંપરાગત વૈદિક યજ્ઞ કરવામાં આવશે.
પ્રેરણાનો મહોત્સવ એ મૂલ્યોની ઉજવણી કરે છે જે નિર્માણાધીન બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ દ્વારા પણ મૂર્તિમંત છે. હિંદુ સ્થાપત્ય અને સંસ્કૃતિનું આ સીમાચિહ્ન પ્રાચીન ભારતના સમૃદ્ધ વારસાને અમેરિકાની ગતિશીલ આધુનિકતા સાથે જોડે છે. ધર્મસ્થાન હોવા ઉપરાંત, બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ એક ગતિશીલ સામુદાયિક કેન્દ્ર તરીકે સેવા આપશે, સાથે વિવિધ વ્યક્તિઓને જોડાવવા અને શીખવા માટે આવકારશે. તે યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય અમેરિકન સમુદાયના શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના પુરાવા તરીકે ઊભું છે અને તેની રચનામાં સામેલ અસંખ્ય સ્વયંસેવકો દ્વારા પ્રદર્શિત સેવા અને ભક્તિની સમર્પિત ભાવનાને શ્રદ્ધાંજલિ અર્પે છે.
વિવિધતાનાં મૂલ્યોની રજૂઆત કરતાં પ્લેકાર્ડ્સને આનંદપૂર્વક દર્શાવતાં બાળકો
સમારોહનો આરંભ ઉત્કૃષ્ટ ભક્તિ ભજન, પરંપરાગત નૃત્યો, અને મૂલ્યો તથા ઉત્સવોના મહત્વ પરના ભાષણોથી થયો હતો. પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામીએ મૂલ્યનિષ્ઠ જીવન જીવવાનાં સકારાત્મક પરિણામ સમજાવ્યા હતા, જ્યારે સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ આવા ઉત્સવોમાં ભાગ લેવાથી થતાં ઉપસ્થિત લોકોના વ્યક્તિગત વિકાસ પર ભાર મૂક્યો હતો. ત્રણ મહિના સુધી ચાલનારા આ ઉત્સવનું ઉદઘાટન મહંત સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. મહંત સ્વામી પોતે આજીવન મૂલ્યોની દીવાદાંડી રૂપે જીવ્યા છે. તેમની ઉપસ્થિતિએ બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામના મહત્વને વધુ અસરકારક કર્યું, જે માત્ર ઉપસ્થિતોને જ નહીં પરંતુ ભાવિ પેઢીઓને પણ પ્રેરણા આપતું રહેશે.
બીએપીએસના દિવંગત આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની એક સરળ પરંતુ સ્થાયી દ્રષ્ટિ હતી કે, “બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામમાં પ્રવેશનારા સર્વેને શાંતિ અને પ્રેરણાનો સાર મળે.” ટૂંક સમયમાં પૂર્ણ થનાર બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ પરિસર આ દૃષ્ટિને પરિપૂર્ણ કરવાની આશા રાખે છે.
મહોત્સવ સભાના આરંભે સંબોધન કરતા પૂજ્ય નિલકંઠસેવાદાસ સ્વામી
“અમે બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામના અતૂટ સમર્થન અને ઉષ્માભર્યા સ્વીકૃતિ અન્વયે રોબિન્સવિલ સમુદાયનો અત્યંત આભાર વ્યક્ત કરીએ છીએ.”, આમ ચંદ્રેશ પટેલ, બીએપીએસ રોબિન્સવિલ, ન્યૂ જર્સીના મુખ્ય સ્વયંસેવકે જણાવ્યું હતું.
મહોત્સવનો આનંદ માણતાં શ્રદ્ધાળુઓ
મર્યાદિત સ્થાનને કારણે, આ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પૂર્વ-નોંધણી આવશ્યક છે. રસ ધરાવનાર વ્યક્તિઓ https://na.baps.org પર લાઇવ વેબકાસ્ટ દ્વારા વિવિધ સમારોહ જોઈ શકે છે. દૈનિક પરિસર સમય વિશે કે અન્ય વિગતો માટે કૃપા કરીને baps.org/robbinsville ની મુલાકાત લો.
આજે એટલે 28 જુલાઈએ આલિયા ભટ્ટ-રણવીરસિંહ તથા ધર્મેન્દ્ર-જયા ભાદુરી-શબાના આઝમી જેવા કલાકારોને ચમકાવતી ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ રિલીઝ થઈ છે. ફિલ્મમાં પંજાબી-બંગાળી સંસ્કૃતિના સંઘર્ષની વાત છે અર્થાત્ દિલ્હીનો છોકરો અને બંગાળી છોકરી. બન્નેનાં કુટુંબ વચ્ચે કલ્ચરના તફાવતનો સંઘર્ષ. યાદ હોય તો યામી ગૌતમ અને આયુષ્માન ખુરાનાની, સ્પર્મ ડોનેશનની પૃષ્ઠભૂમાં સર્જાયેલી ‘વિકી ડોનર’માં આ જ વાત હતીઃ યામી બંગાળી અને આયુષ્માન દિલ્હીનો. બન્નેનાં કુટુંબ વચ્ચે જાતજાતની ખેંચતાણ. અર્જુન કપૂર-આલિયા ભટ્ટની ‘ટુ સ્ટેટ’માં મદ્રાસી વિરુદ્ધ દિલ્હીનો મામલો હતો. છેક 1981માં આવેલી ‘એક દૂજે કે લિયે’માં મદ્રાસ વર્સીસ યુપી હતાં.
એવું નથી કે સાત વર્ષના ગાળા બાદ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ ડિરેક્ટ કરનાર કરણ જોહરે આ બધી ફિલ્મોની કૉપી કરી છે. એણે ટિપિકલ ‘ધર્મા પ્રોડક્શન’ની પારિવારિક ચિત્રપટની પરંપરા જાળવીને ઈમોશન-પ્યાર-કૉમેડી-નાચનાગાનાની ભેળ બનાવીને પીરસી છે. હશે. આપણે વાત કરવી છે રૉકીની પ્રેમિકા રાનીની એટલે કે આલિયા ભટ્ટની.
બાબત એવી છે કે ગયા અઠવાડિયે, ‘દંગલ’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારીની લેટેસ્ટ ફિલ્મ ‘બવાલ’ ઓટીટી પર રિલીઝ થઈ. ફિલ્મમાં વરુણ ધવન-જાહ્નવી કપૂર લગ્ન બાદ યુરોપનાં વિવિધ સ્થળની મુલાકાત લે છે, જેમાંનું એક છેઃ જર્મનીનું ઑશવિત્ઝ. ઑશવિત્ઝ એટલે કૉન્સન્ટ્રેશન કૅમ્પ, ગૅસ ચેમ્બરની ત્રાસદીનો વિશાળ વિસ્તાર. ગૅસ ચેમ્બરમાં જાહ્નવી પતિ વરુણને કહે છેઃ “તને નથી લાગતું કે, આપણી અંદર પણ થોડોઘણો હિટલર વસે છે?” અને “દરેક સંબંધે ઑશવિત્ઝમાંથી પસાર થવું પડે છે.” આની પર ખાસ્સી બવાલ મચી છે. હિટલરના દમનનો ભોગ બનેલા જ્યુઈશો રોષે ભરાયા છે. એમનું કહેવું છે કે “અમારી પર જે વીતી એને નિતેશ તિવારીએ સાવ ક્ષુલ્લક, ગૌણ બનાવી દીધું.” જ્યુઈશ માનવઅધિકાર સંઘે તો કહી દીધું કે ‘બવાલ’ને ઓટીટી (અમેઝોન પ્રાઈમ) પરથી ઉતારી જ લો.
આ સીન-સંવાદ જોઈસાંભળીને મારું મરકટ જેવું મન હૂપાહૂપ કરતું 2018માં પહોંચી જાય છે અને ‘રૉકી ઔર રાની ઍટ સૅટરા’ની હીરોઈન આલિયા ભટ્ટની વાત સાંભરે છે. 2018ના ઉનાળામાં મેઘના ગુલઝારની ‘રાઝી’ રિલીઝ થવાની હોય છે. મુખ્ય અદાકારઃ આલિયા ભટ્ટ-વિકી કૌશલ. રિલીઝ પહેલાં અમે થોડાક પત્રકારો આલિયા ભટ્ટનો ઈન્ટરવ્યુ લઈ રહ્યા હોઈએ છીએ. ‘રાઝી’નો વિષય ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ટેન્શનનો, પડોશી મુલ્કની લશ્કરી હિલચાલની ખૂફિયા બાતમી મેળવવાનો હતો. તે વખતે આલિયાએ કહેલું, “મને પહેલી વર્લ્ડ વૉર, બીજી વર્લ્ડ વૉરમાં શું થયેલું એ જાણવામાં રસ પડે. ખાસ તો એડોલ્ફ હિટલર કૅરેક્ટર તરીકે મને ઈન્ટરેસ્ટિંગ અને ઈન્ટ્રિગિંગ લાગતોઃ કાફી અજીબ લગતે થે. એણે શું શું કર્યું એમાં રસ પડતો. તમને ખબર છે કે નહીં એની મને ખબર નથી, પણ હું અમુક અંશે જર્મન છું. મારાં નાનીમા 1929માં બર્લિનમાં જન્મેલાં. નાનીમાના પિતા જર્મન હતા. 1930ના દાયકામાં હિટલરના શાસન વખતે નાનીમાના પિતા ભૂગર્ભમાંથી નાઝી અને હિટલર વિરુદ્ધ અખબાર પ્રકાશિત કરતા. છેવટે 1937ની આસપાસ હિટલરના સૈનિકોએ એમને શોધી કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં ધકેલી દીધા. પિતાની ધરપકડ બાદ મારાં નાનીમા અને એમનાં માતા બર્લિનથી રાતોરાત ભાગી છૂટ્યાં. ચેકોસ્લોવેકિયાની સરહદ વટાવી જંગલમાં પગપાળા જેમતેમ ઈન્ગ્લેન્ડ પહોંચીને ત્યાં આશ્રય લીધેલો. મારી મમ્મીનો જન્મ બર્મિંઘામમાં થયો.”
આલિયાનાં મમ્મી એટલે સોનીનાં જર્મન માતા કશ્મીરી નરેન્દ્ર નાથ રાઝદાનને પરણેલાં. 1986માં એમનાં લગ્ન મહેશ ભટ્ટ સાથે થયાં ને એમનું સંતાન તે આલિયા ભટ્ટ.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અજિત પવારની પ્રશંસા કરી છે. શિવસેનાના મુખપત્ર સામનાને આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવે મહારાષ્ટ્ર સરકારમાં ડેપ્યુટી CM અજિત પવારને ઇમાનદારીથી કામ કરવાવાળા નેતા ગણાવ્યા છે. તેમણે અજિત કુશળ વહીવટકાર જણાવતાં કહ્યું હતું કે રાજ્યમાં જ્યારે પણ મહાવિકાસ આઘાડીની સરકાર હતી, ત્યારે તેમણે તેમની જવાબદારીવાળા વિભાગ બહુ સારી રીતે સંભાળ્યા હતા.
બીજી બાજુ NCP પર અજિત પવારના દાવાને લઈને ચૂંટણી પંચે શરદ પવાર પાસે જવાબ માગ્યો છે. અજિતની સાથે ત્રણ મુલાકાત પછી શરદ પવારનું વલણ નરમ પડ્યું છે. પવારના નરમ વલણે તેમના ટેકેદાર વિધાનસભ્યોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે. ઉદ્ધવે પણ અજિત પવારની ઓફિસ પહોંચીને મુલાકાત કરી હતી. પહેલાં મુલાકાત અને હવે પ્રશંસા- ક્યાંક આ મહારાષ્ટ્રમાં બનતા નવા સમીકરણનાં તો એંધાણ નથી?
ઉદ્ધવ ઠાકરે શિવસેનાના બે ફાડિયામાં અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે, ત્યારે તેઓ ક્યારેક શરદ પવારની સાથે દેખાય છે તો ક્યારેક તેઓ NCPમાં પડેલી તિરાડનું કારણ માનતા અજિત પવારની પ્રશંસાના પૂલ બાંધી રહ્યા છે, ત્યારે સવાલ એ થાય કે તેઓ મધ્યસ્થની ભૂમિકા તો નથી ભજવી રહ્યા?
આવું એટલા માટે કે અજિત પવાર પાછલા દિવસોમાં સતત ત્રણ દિવસથી શરદ પવારને મળી રહ્યા છે. જે પછી શરદ પવાર કૂણા પડ્યા છે. બીજી તરફ આ ઘટનાક્રમ દરમ્યાન ઉદ્ધવ ઠાકરે શરદ પવારની સાથે ઊભા હતા. રાજકીય ક્ષેત્રે એ અટકળો ચાલી રહી છે કે શું અજિતને સહારે ઉદ્ધવ ક્યાંક NDAમાં વાપસી કરવાના પ્રયાસ નથી કરી રહ્યા?