Home Blog Page 2664

મસ્તિષ્ક અને હ્રદય વચ્ચે સમતુલન

દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે; એક પ્રકારના ભાવ-પ્રધાન કહેવાય છે–આ લોકો માત્ર તેમની લાગણીઓ દ્વારા દોરવાય છે. બીજો પ્રકાર છે જ્ઞાન-પ્રધાન –આ લોકો હકીકત અને તર્ક દ્વારા દોરવાય છે, અને જ્ઞાન/માહિતી પર આધારિત રહીને નિર્ણય લે છે. તમારે મસ્તિષ્ક અને હ્રદય બન્નેની જાળવણી કરવી જોઈએ. તમારે જીવનમાં આગળ વધવા એ બન્નેનો સમન્વય સાધવો જોઈએ. એ રીતે તમે જીવનમાં પરિપૂર્ણતા લાવી શકો છો. કેટલાક લોકોની લાગણીઓ બહુ પ્રબળ હોય છે,અને તેઓ બધી બાબતોમાં બહુ લાગણીશીલ હોય છે. જ્યારે બીજી બાજુએ કેટલાક લોકો કુદરતી રીતે વિચારશીલ હોય છે.

જો તમે માત્ર તમારી લાગણીઓ પર આધાર રાખો છો,અને જ્ઞાન/માહિતી પર નહીં,તો તમે ઝડપથી ગેરમાર્ગે દોરવાઈ શકો છો અને લાગણીમાં ખેંચાઈ જઈ શકો છો. જ્યારે બીજી બાજુએ,જો તમે માત્ર વિચાર જ કરો છો અને તમારી લાગણીઓને લક્ષ્યમાં લીધા વગર નિર્ણાયક થાવ છો તો તમારા જીવનમાંથી ઉત્સાહ જ તો રહે છે અને શુષ્ક બની જાય છે. પછી તમારા જીવનમાં કોઈ રસ બચતો નથી. માટે તમારે મસ્તિષ્ક (તર્ક,બુધ્ધિ અને જ્ઞાન/માહિતીનું સ્થાન) અને હ્રદય(લાગણીઓનું કેન્દ્ર) બન્નેની જાળવણી કરવી પડે.

જીવનમાં આગળ વધવા માટે તમારે એ બેયનું સંયોજન કરવું પડે. આ રીતે તમે તમારા જીવનમાં પરિપૂર્ણતા લાવી શકો છો. જો તમે પોતાની લાગણીઓથી દોરવાતા લોકોના સંસર્ગમાં આવો અને તેમની સાથે શરણાગતિ તથા પ્રેમની વાતો કરો તો તેની તેમના પર બહુ સરસ અસર થશે. પરંતુ જો તમે કોઈ વૈજ્ઞાનિક પાસે જઈને (એવી વ્યક્તિ કે જે બૌધિક છે,જે હકીકત તથા તર્ક દ્વારા દોરવાય છે ) પ્રેમ અને શરણાગતિની વાતો કરશો તો તે તેને નહીં સમજી શકે. તે એવું કહેશે કે તમારા મગજમાં કંઈક ભાવનાત્મક કે રાસાયણિક અસંતુલન થયું લાગે છે! આમ આ પ્રકારના લોકો દરેક બાબતને જ્ઞાનના કાચ થકી જોતા હોય છે છતાં, એ લોકો પણ એ જ તત્વ (એ જ શુધ્ધ ચેતના)ને સમર્પિત હોય છે. એક વૈજ્ઞાનિક તમને કહેશે કે આ દુનિયાની તમામ વસ્તુઓ એક જ ચીજની બનેલી છે. તે બધી માત્ર એકના એક જ તત્વ કે સિધ્ધાંતની બનેલી છે. આ એ જ સિધ્ધાંત છે જે આ સર્જનના અનેક વિવિધ સ્વરૂપોમાં વ્યાપ્ત છે.

આ સમજવા માટે આપણે કેળાનું એક સાદું ઉદાહરણ જોઈ શકીએ. તમને ખબર છે દુનિયામાં કેટલા પ્રકારના કેળા અસ્તિત્વ ધરાવે છે? દક્ષિણ ભારતમાં લાલ રંગના પણ કેળા મળે છે. તમે ક્યારેય લાલ કેળું જોયું છે? લીલા રંગના કેળા પણ મળે છે જે નાના કદના હોય છે. તેમને ઈલાયચી કેળા કહેવાય છે. આ બધા કેળા જ છે. પરંતુ દરેકના કદ, રંગ અને સુગંધ અલગ અલગ હોય છે. આ જ રીતે સફરજનમાં હોય છે. સફરજનની પણ અનેકવિધ જાત જોવા મળે છે. પીળા, લીલા, લાલ, વિગેરે. સિમલામાં જોવા મળતા સફરજન કાશ્મીરના સફરજન કરતાં અલગ હોય છે. આ રીતે તમને તમારી આસપાસના પુષ્પો, ફળો અને શાકભાજીઓમાં ઘણું વૈવિધ્ય જોવા મળશે. માણસોની બાબતમાં પણ આ જ પ્રમાણે હોય છે.

માણસોના અનેક પ્રકાર છે. કોઈ બે વ્યક્તિ સરખી નથી હોતી. દરેક વ્યક્તિ વિશિષ્ટ અને અન્યોથી અલગ હોય છે. અને તેમના રીતભાત તથા લાગણીઓ પણ અલગ અલગ હોય છે. એ જ રીતે તે સૌ અલગ પ્રકારનું જ્ઞાન અને વિચારો ધરાવે છે. કેટલાક લોકોની લાગણીઓ પ્રબળ હોય છે અને તેઓ તેમની આસપાસની બધી બાબતો માટે એકદમ લાગણીશીલ હોય છે. બીજી તરફ, કેટલાક લોકો કુદરતી રીતે વિચારશીલ હોય છે. તેઓ વિચારે છે, દરેક બાબતના સારા-નરસા પાસા જુએ છે અને પછી સંજોગો પ્રમાણે નિર્ણાયક બને છે. આ બન્ને(લાગણીઓ અને જ્ઞાન/માહિતી) કોઈ પણ વ્યક્તિના જીવનના ખૂબ અગત્યના પાસા છે, અને બન્ને જરૂરી છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

નોટ આઉટ @ 92 : નટુભાઈ પરીખ

ગુજરાત-રાજ્ય લલિત-કલા એકેડેમીના ગૌરવ-પુરસ્કારથી સન્માનિત સિદ્ધહસ્ત છબીચિત્ર (પોર્ટ્રેટ) તથા દ્રશ્યચિત્ર (લેન્ડસ્કેપ) કલાકાર નટુભાઈ પરીખની વાત સાંભળીએ તેમને પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

ખેડા જિલ્લાના બાંધણી ગામે જન્મ. ત્રણ ભાઈ (જાણીતા કલાકાર જયંત પરીખ અને મનુ પરીખ) એક બહેનનું કુટુંબ. દાદા રવિશંકર મહારાજના મિત્ર. પિતાને ગામમાં પરચુરણ દુકાન. ધોરણ સાત સુધી ગામમાં ભણ્યા. પછી અમદાવાદ સીએન વિદ્યાલયમાં ભણ્યા. જીવનમાં સીએન વિદ્યાલયના વાતાવરણ અને ફિલોસોફીનો પ્રભાવ સતત રહ્યો. ગુજરાતી ભાષામાં BA કર્યું, કલાકાર એન.એસ.બેન્દ્રે પાસે ભણવા વડોદરાથી Art Criticismમાં MA કર્યું! અનેક સેમિનાર-શો-એક્ઝિબિશન-શિબિરમાં કામ કર્યું. આનંદી અને ઉત્સાહી નટુભાઈ હસતાંહસતાં કહે છે: “ચિત્રોએ ઘડપણમાં પૈસાદાર કર્યો અને ગાંધીજીનાં ચિત્રોએ ઘર કરાવ્યું!” રાજભવનનાં ઘણાં પોર્ટ્રેટ તેમણે બનાવેલાં છે. શામજીભવનનાં ઘણાં ચિત્રો પણ તેમણે બનાવેલાં છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે ઊઠી નિત્યક્રમ કર્યા પછી ચા-પાણી કરે. મન સવારે ફ્રેશ હોય એટલે સવાર-સવારમાં ચિત્રો કરવા બેસી જાય. ક્યારેક કોઈ શિષ્ય આવી ચડે તો પોતાના પ્રિય સ્થળ તારંગા પહોંચી જાય! એક ઠેકાણે બેસી જાત-જાતનું ચિત્ર-સર્જન કરે! વોટર-કલરના કલાકાર, પણ સાધનો બદલી ચિત્રો કર્યાં કરે. 9 વર્ષથી 90 વર્ષ સુધી ચિત્રો કર્યાં છે! જમીને થોડો આરામ કરે. બપોરે ચા-પાણી કરી ચાલવા જાય, કલાકારો અને વિશાળ મિત્ર-વૃંદના સંપર્કમાં રહે. જરૂરતમંદ લોકોને મદદ કરે. રાત્રે જમીને 10:00 વાગે ટીવી જોતાજોતા સૂઈ જાય. દીકરો ગ્રાફિક-આર્ટસનું કામ કરે છે. કુટુંબમાં એક દીકરો, બે દીકરી અને સાત પૌત્ર-પૌત્રીઓ છે. દીકરો-વહુ તેમનું ઘણું ધ્યાન રાખે છે.

શોખના વિષયો : 

ફોટોગ્રાફીનો શોખ, જૂની-પુરાણી વસ્તુઓ ભેગી કરવી ગમે, ગાર્ડનિંગનો શોખ, કુદરતને માણવાનું બહુ ગમે, નદી કિનારે, પર્વત પર રહેવાની મજા આવે! પીંછી અને કલામના કલાકાર! લખવાનું અને વાંચવાનું બહુ ગમે! ચાર પુસ્તકો લખ્યાં છે. ‘કુમાર’ અને ‘નવ-ચેતન’માં કળા-પરિચય અને કળા-વિવેચનનાં લેખો નિયમિત લખતા. ખાવા-પીવાનો શોખ. લાડુ-ભજીયાં આજે પણ બહુ ભાવે છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. ઘરમાં છૂટથી હરે-ફરે છે. કાનની થોડી તકલીફ છે. ડોક્ટરનો એક પૈસો પણ ખર્ચવો પડતો નથી! નેચરોપથીમાં માને છે. “જે ઓછું થાય તે વધારે જીવે” એવું માને! સવારે નાસ્તામાં એક ખાખરો અને બે ખજૂર લે. કાજુ, અંજીર, દ્રાક્ષ, પિસ્તા પણ ખાય. સાંજે એક-દોઢ ભાખરી અને દૂધ લે. જમવામાં ગળ્યું તો જોઈએ જ! કંઈ ન ભાવે તો સુખડી લઈ લે!

યાદગાર પ્રસંગ:  

સીએન વિદ્યાલયે તેમનું જીવન-ઘડતર કર્યું છે. સ્કૂલમાં પણ ચિત્રકાર તરીકે જ ઓળખાતા! 1949માં શાળામાં મહામંત્રી થયા. સંજોગો-વશાત્ હોસ્ટેલમાં એડમિશનની તકલીફ થઈ ત્યારે આચાર્ય “સ્નેહ-રશ્મિ”ને ઘેર મહિનો રહ્યા! વર્ષો પછી વડોદરામાં ઉમાશંકરભાઈના વ્યાખ્યાનમાં ઝીણાભાઈ (“સ્નેહ-રશ્મિ”)નો ભેટો થઈ ગયો. ઝીણાભાઈએ પાછા સીએન કલા-મહાવિદ્યાલયમાં બોલાવી લીધા! પહેલીવાર રસિકલાલ પરીખના ચિત્ર-વર્ગમાં પગ મુક્યો અને સામે આઠ ફૂટનું ચિત્ર (“બુદ્ધનો ગૃહત્યાગ”) જોઈ તેમની કંઠી પહેરી લીધી! તેમની પાસેથી ચાર વર્ષ ચિત્ર-કળા શીખ્યા.

કલાનો જીવ, કુદરતી વાતાવરણ બહુ ગમે. એકવાર ગોવા ગયા હતા. રિક્ષાવાળાને પાંચ રૂપિયા આપે. તે જ્યાં ઊતારે ત્યાં ઊતરી ચિત્રો કરે! તેમની તે ટુરનાં બધાં જ ચિત્રો મુંબઈમાં વેચાઈ ગયાં! પત્ની શારદાબહેનનું 2001માં અવસાન થયું. તારંગા કાયમ પત્ની જોડે જાય. તેઓ ચિત્ર દોરે અને પત્ની લાકડી લઈ વાંદરાને ભગાડે! એક વાર મોડલ આવ્યાં ન હતાં તો પત્નીનું યાદગાર ચિત્ર બનાવી દીધું!

 

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

કલાના અને ફોટોગ્રાફીના વિષયને જરૂરી ટેકનોલોજીનો ઉપયોગ સરસ કરે છે, તથા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

સામાન્ય લોકો ચિત્રોને સમજતા નથી. તેમને કલામાં રસ પણ નથી. સારા ચિત્રોની કોપી હોટલોમાં મૂકી હોય તેને જ લોકો સાચા ચિત્રો માને છે! પહેલા વસ્તુ-વિષય અને કલાકારનું મહત્વ હતું. હવે વિષય વગરની કલા છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

કલા-મહા-વિદ્યાલયમાં 28 વર્ષ વિદ્યાર્થી-પ્રિય કલા-ગુરુ તરીકે યુવા કલાકારોમાં કલાના સંસ્કાર આપ્યા છે. તેમની પાસે ચિત્ર-કલા શીખવા ઘણા યુવાન વિદ્યાર્થીઓ આવે છે. તેમના સેમિનાર-શો-એક્ઝિબિશન જોવા ઘણા યુવાન-કલાકારો આવે એટલે યુવાનો સાથે સારા સંપર્કમાં છે.

સંદેશો :  

કલાકારો માટે : ચિત્ર વેચાય કે નહીં, પણ કામ ચાલુ રાખો. કામ સારું હશે તો ક્યારેક તેની કિંમત થશે જ! માટે નિરાશ થશો નહીં. કલાનું કામ ચાલુ રાખો!

બિન-બાસમતી ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા આઈએમએફ ભારતને સમજાવશે

વોશિંગ્ટનઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સંસ્થાએ કહ્યું છે કે ચોખાની ચોક્કસ વેરાયટી (નોન-બાસમતી સફેદ ચોખા)ની નિકાસ પર મૂકેલા નિયંત્રણોને હટાવી દેવા તે ભારત સરકારને પ્રોત્સાહિત કરશે. કારણ કે, ભારતે નિકાસ પર નિયંત્રણો મૂકતાં વિશ્વ સ્તરે આ ચોખાની કિંમત વધી જશે, એમ આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ પીએર-ઓલિવિયર ગોરીન્ચેસે ગઈ કાલે અહીં પત્રકાર પરિષદમાં કહ્યું હતું.

ઘરઆંગણાની છૂટક બજારોમાં આ ચોખાની કિંમત વધે નહીં અને પૂરવઠાને માઠી અસર ન પડે એટલા માટે કેન્દ્ર સરકારે ગઈ 20 જુલાઈએ નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. ભારતમાંથી ચોખાની જે નિકાસ કરવામાં આવે છે તેમાં આ વેરાયટીના ચોખાની નિકાસનો હિસ્સો 25 ટકા છે.

ક્રિકેટ વર્લ્ડકપ-2023: 15 ઓક્ટોબરની ભારત-પાકિસ્તાન મેચની તારીખ કદાચ બદલાશે

અમદાવાદઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધા આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ભારતમાં યોજાવાની છે. તેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. ઘોષિત કાર્યક્રમ મુજબ, બંને વચ્ચેનો લીગ મુકાબલો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે, પરંતુ એ જ દિવસથી ગુજરાતમાં નવરાત્રી ઉત્સવનો આરંભ થવાનો છે. આમ, મેચની તારીખનું ઘર્ષણ થાય છે. તેથી મેચની તારીખ બદલવામાં આવે એવી ધારણા છે, એમ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે. વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ સૌથી મોટો મુકાબલો હશે અને તે બાબતને લક્ષમાં રાખીને અમદાવાદના પોલીસ તંત્રએ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને વિનંતી કરી છે કે તે આ મેચની તારીખને બદલે. 15 ઓક્ટોબરે નવરાત્રીનો પહેલો જ દિવસ હશે અને અમદાવાદમાં ગરબા નાઈટ્સનું મોટા પાયે આયોજન કરવામાં આવતું હોય છે.

ક્રિકેટ બોર્ડ માટે તારીખ બદલવાનું કામ બહુ કપરું બની રહેશે, કારણ કે વર્લ્ડ કપ કાર્યક્રમની જાહેરાત થયા બાદ તરત જ અમદાવાદમાં ભારત-પાક મેચ જોવા માટે ઉત્સૂક થયેલા હજારો ક્રિકેટપ્રેમીઓએ હોટેલોમાં રૂમ બુક કરાવી દીધી છે. ક્રિકેટ મેચની ટિકિટો પણ વેચાણમાં મૂકાતાં અમુક મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી.

૨૬ જૂલાઈ, ૨૦૨૩

૨૬ જૂલાઈ, ૨૦૨૩

પંચાંગ 26/07/2023

ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરિક્ષાનું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ-2023માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સાથે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાની જુલાઈ 2023ની પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક મેળવીને પરિણામ મેળવી શકશે. જુલાઈ માસમાં લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ 23.86% જાહેર થયું છે. પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી આ વર્ષે જ કોલેજમાં વિવિધ વિદ્યા શાખાઓમાં પ્રવેશ મેળવી શકશે અને વર્ષ બગડતું અટકશે.

પરિણામ માત્ર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું

ગત મહિનામાં લેયાવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી હતી.આ પરીક્ષાનું આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ માત્ર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે વિદ્યાર્થીઓને ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર લેવા અંગે હવે પછી જાણકારી આપવામાં આવશે.વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ પોતાની શાળામાંથી જ મળશે.

ભારતીય ટીમનું આગામી ડોમેસ્ટિક સીઝન માટે સંપૂર્ણ શેડ્યૂલ જાહેર

BCCIએ 2023-24ની ડોમેસ્ટિક સીઝન માટે મેચોના શેડ્યૂલ અને મેદાનોના નામ જાહેર કર્યા છે. આ ડોમેસ્ટિક સીઝન દરમિયાન ભારતીય ટીમ 16 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. જેમાં 5 ટેસ્ટ મેચો સિવાય 3 ODI અને 8 T20 મેચ સામેલ છે. આ સિવાય ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝનું શેડ્યૂલ અને સ્થળ પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ટીમ વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે 3 વનડે મેચોની સીરીઝ રમશે. આ શ્રેણીની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે. જ્યારે બીજી અને ત્રીજી મેચ અનુક્રમે 24 અને 27 સપ્ટેમ્બરે રમાશે. આ સિવાય મોહાલી, ઈન્દોર અને રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીની મેચો યોજાશે. તે જ સમયે, વર્લ્ડ કપ પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 T20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 23 નવેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે.

ભારતીય ટીમ આ ટીમો સાથે હોમ સિરીઝ રમશે?

ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે સીરીઝ રમશે. ભારત-અફઘાનિસ્તાન શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરી 2024ના રોજ રમાશે. આ સિરીઝમાં ભારત-અફઘાનિસ્તાનની ટીમો 3 T20 મેચ રમશે. તે જ સમયે, આ પછી, ભારતીય ટીમની સામે ઇંગ્લેન્ડનો પડકાર રહેશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2023 ભારતની ધરતી પર રમાશે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તે જ સમયે, ભારતીય ટીમ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ચેન્નાઈમાં આમને-સામને થશે.

ભારતીય કેપ્ટન પર ICC એ લગાવ્યો 2 મેચનો પ્રતિબંધ, જાણો કેમ ?

ICCએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મોટો ઝટકો આપ્યો છે. બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં ખરાબ વર્તન અને અમ્પાયરિંગના સ્તર પર સવાલ ઉઠાવવા બદલ ટીમ ઈન્ડિયાના કેપ્ટનને 2 આંતરરાષ્ટ્રીય મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ રીતે હરમનપ્રીત કૌર ભારતની આગામી 2 મેચોમાં જોવા નહીં મળે. બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં આઉટ થયા બાદ હરમનપ્રીત કૌરે ગુસ્સામાં તેનું બેટ વિકેટ પર માર્યું હતું. ઉપરાંત, તેણે મેચ પુરી થયા બાદ અમ્પાયરિંગના સ્તર પર સવાલો ઉઠાવ્યા હતા. જો કે હવે ICCએ ભારતીય કેપ્ટન પર મોટી કાર્યવાહી કરી છે. આઈસીસીએ હરમનપ્રીત કૌર પર 2 ઈન્ટરનેશનલ મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડે દરમિયાન અમ્પાયરના નિર્ણયથી નારાજ ભારતીય કેપ્ટને અમ્પાયરિંગના સ્તર પર સવાલો ઉઠાવ્યા હતા. આ સિવાય હરમનપ્રીત કૌર આઉટ થયા બાદ વિકેટ પર બેટ માર્યું હતું.

હરમનપ્રીત કૌર બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડે દરમિયાન તેના ખરાબ વર્તનને કારણે સતત ચર્ચામાં રહી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ ભારતીય કેપ્ટન પર સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. આ સિવાય માનવામાં આવી રહ્યું હતું કે ICC હરમનપ્રીત કૌર વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જો કે હવે ICCએ હરમનપ્રીત કૌર વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તે ભારતની આગામી 2 મેચોમાં મેદાન પર જોવા નહીં મળે.

સંસદમાં હંગામો : અમિત શાહે મલ્લિકાર્જુન ખડગેને લખ્યો પત્ર

મણિપુર પર સંસદના બંને ગૃહોમાં મડાગાંઠ ચાલુ છે. એક તરફ વિપક્ષ એ વાત પર અડગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહની અંદર મણિપુર હિંસા પર નિવેદન આપવું જોઈએ, તો બીજી તરફ સરકાર કહી રહી છે કે અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ વિપક્ષ ભાગી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે લોકસભામાં કહ્યું કે સરકારને ચર્ચા કરવામાં કોઈ ડર નથી. તેમણે કહ્યું કે મેં લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાને પણ પત્ર લખ્યો છે. મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એમેન્ડમેન્ટ બિલ પરની ચર્ચાના જવાબમાં અમિત શાહે કહ્યું કે, તેમને દલિતો, મહિલાઓના કલ્યાણ અને સહકારમાં કોઈ રસ નથી. તેમના માટે સૂત્રોચ્ચાર કરવો સ્વાભાવિક છે, પરંતુ હું કહેવા માંગુ છું કે મેં બંને ગૃહોમાં વિપક્ષના નેતાને પત્ર લખ્યો છે કે અમે મણિપુર પર ચર્ચા કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું, સરકારને મણિપુર પર લાંબી ચર્ચા કરવામાં કોઈ ડર નથી. જનતા તમને જોઈ રહી છે. જનતાના ડરને ધ્યાનમાં રાખો. સંવેદનશીલ મુદ્દા માટે ગૃહમાં યોગ્ય વાતાવરણ બનાવો.

અમિત શાહે પત્રમાં શું લખ્યું?

અધીર રંજન ચૌધરી અને ખડગેને લખેલા પત્રમાં અમિત શાહે કહ્યું કે હું તમને મણિપુરની ઘટનાઓ પર ચર્ચા કરવા માટે તમારો સહયોગ માંગવા માટે પત્ર લખી રહ્યો છું. તેમણે કહ્યું કે આપણી સંસદ એ ભારતના જીવંત લોકતંત્રનો પાયાનો પથ્થર છે. તે અમારી સામૂહિક ઇચ્છાના પ્રતીક તરીકે ઊભું છે અને રચનાત્મક ચર્ચા, અર્થપૂર્ણ ચર્ચા અને લોકો તરફી કાયદા માટે પ્રાથમિક મંચ તરીકે કામ કરે છે. શાહે વધુમાં કહ્યું કે તમે જાણો છો કે મણિપુર ભારતનું ખૂબ જ મહત્વપૂર્ણ સરહદી રાજ્ય છે. મણિપુરનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો માત્ર મણિપુરની જ નહીં પરંતુ સમગ્ર ભારતની સંસ્કૃતિનું રત્ન છે.


અમિત શાહે વિરોધ પક્ષોને શું કરી વિનંતી?

અમિત શાહે કહ્યું કે મણિપુરમાં ભાજપના છ વર્ષના શાસનમાં પ્રદેશ શાંતિ અને વિકાસના નવા યુગનો અનુભવ કરી રહ્યો છે. પરંતુ કોર્ટના કેટલાક નિર્ણયો અને કેટલીક ઘટનાઓને કારણે મે મહિનાની શરૂઆતમાં મણિપુરમાં હિંસાની ઘટનાઓ બની હતી. કેટલીક શરમજનક ઘટનાઓ પણ સામે આવી છે, જેના પછી સમગ્ર દેશના લોકો, પૂર્વોત્તરના લોકો અને ખાસ કરીને મણિપુરના લોકો દેશની સંસદ પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે આ મુશ્કેલ સમયમાં તમામ પક્ષો પક્ષની રાજનીતિથી ઉપર ઉઠીને મણિપુરના લોકોની સાથે ઉભા રહે. તેમણે કહ્યું કે આ સમયે મણિપુરના લોકો ઈચ્છે છે કે અમે તમામ પક્ષોના સંસદસભ્યો તેમને ખાતરી આપીએ કે અમે મણિપુરની શાંતિ માટે એકજૂટ અને સંકલ્પબદ્ધ છીએ. ભૂતકાળમાં આપણી મહાન સંસદે પણ આ બતાવ્યું છે. વિપક્ષની માંગ છે કે સરકાર મણિપુર પર નિવેદન આપે. હું તમને જણાવવા માંગુ છું કે સરકાર માત્ર નિવેદન માટે જ નહીં પરંતુ સમગ્ર ચર્ચા માટે પણ તૈયાર છે, પરંતુ આમાં તમામ પક્ષોનો સહયોગ અપેક્ષિત છે. હું વિરોધ પક્ષોને વિનંતી કરું છું કે તેઓ સારા વાતાવરણમાં ચર્ચા માટે આગળ આવે.