Home Blog Page 2674

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં સર્જાયેલી સ્થિતિનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

ગુજરાતમાં વરસાદને કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયાં છે. મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. જેથી સ્થિતિનું રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સૌરાષ્ટ્રના ભારે વરસાદથી અસરગ્રસ્ત માંગરોળ, ગીર સોમનાથ, તલાલા અને માળિયા હાટીના તેમજ હિરણ ડેમ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ કરી તાગ મેળવ્યો છે.

સર્કિટ હાઉસ ખાતે રિવ્યુ મીટિંગ

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવને કારણે અનેક જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે. જેથી હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યા પછી મુખ્યમંત્રીજુનાગઢમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે સંબંધિત અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ પણ યોજવાના છે. જેમાં મુખ્ય સચિવ રાજકુમાર અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ પણ મુખ્યમંત્રી સાથે જોડાશે.

છેલ્લા 4 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ

છેલ્લા 4 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 16 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં સાડા 3 ઈંચ વરસાદ થયો છે. જ્યારે કલ્યાણપુરમાં સવા 3 ઈંચ, પોરબંદરના રાણાવાવ અને માં પોણા જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં 9.1 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે પોરબંદરમાં 6.4 ઇંચ અને કેશોદમાં 6.1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ખંભાળીયા, માણાવદરમાં 5 ઇંચ, માંગરોળ, અબડામાં 5 ઇંચ વરસાદ, જામકંડોરણા, ધ્રોલ, જામજોધપુરમાં પોણાં પાંચ ઇંચ, કલ્યાણપુર, મહુવા, ધોલેરા, વંથલીમાં, ઉપલેટામાં 4 ઇંચ, અમરેલી, કોટડા સાંગાણી 3.5 ઇંચ, ભચાઉ, ધોરાજી, ખંભાત, ગોંડલ, માળીયા હાટીના 3 ઇંચ અને મેંદરડા, સિંહોરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે.

જૂનાગઢમાં મેઘતાંડવ ! વરસાદ બાદ ભયંકર દ્રશ્યો આવ્યા સામે

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ માઝા મૂકી છે.ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર અન્ટ્રી કરી છે. સતત મૂશળધાર વરસતા વરસાદને કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ જૂનાગઢ જિલ્લામાંથી કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ક્યાંક ફસાયેલા લોકોનું રેસ્ક્યં કરવામાં આવી રહ્યું છે. ક્યાંક પાણીના પ્રવાહમાં વિવધ વસ્તુઓ તણાતી જોવા મળી રહી છે.

 

જૂનાગઢમાં વરસાદથી તારાજીના દ્રશ્યો આવ્યા સામે

જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. અહીં છેલ્લા ચાર કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું હતું. જ્યારે શહેરમાં પાણીના પ્રવાહમાં વિવિધ વસ્તુઓ તણાતી જોવા મળી રહી છે. હાલ સોશિયલ મીડિયામાં જૂનાગઢનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા પાણીના પ્રવાહમાં એક કાર રમકડાંની જેમ તરતી જોવા મળી રહી છે.

જૂનાગઢના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા પર આવ્યા

જૂનાગઢમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે્. પૂરની સર્જાતા જૂનાગઢના કલેક્ટર ,એસપી ,મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા ઉપર આવી પહોંચ્યા હતા. અને બચાવ કાર્યમાં જોડાયા હતા.


તંત્રએ લોકોને ઘરમાં રહેવા કરી અપીલ

જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ વરસ્યો છે. અને હજુ પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. જેને પગલે તંત્રએ લોકોને ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી છે. જૂનાગઢ જિલ્લા પોલીવડા રવિતેજા વશ્મસેટ્ટીએ લોકોને ઘર મા રહી સુરક્ષીત રહેવા અપીલ કરી છે.

જુનાગઢની સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી

જૂનાગઢમા વરસાદની સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વહિવટી તંત્ર સાથે સમિક્ષા બેઠક શરુ કરી હતી. અને મુખ્યમંત્રીએ અહીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 

રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ એલર્ટ

રાજ્યમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તો ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે. તેમજ સુત્રાપાડામાં અને ધોરાજીમાં પણ વરસાદે તારાજી સર્જી છે. તેમજ જૂનાગઢમાં પણ વરસાદે તારાજી સર્જી છે. ત્યારે રાજયમાં હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે.

વરસાદને લઈને હવામાન વિભાની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદની વાત કરવામા આવે તો આજે અમદાવાદમાં સામાન્ય અને આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે.

આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા તથા નગર હવેલીમાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામા આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ , જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ અને વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદ વરસી શકે છે.. ઉપરાંત સુરત, ભરૂચ, તાપી, ડાંગમાં પણ ભારે વરસાદ રહેશે. તો દ્વારકા જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમા આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભાવનગર, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

જાણો અંબાલાલ પટેલે શું કહ્યું

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં હજુ પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબઆગામી 24 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો જોર યથાવત રહેશે તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ,મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે વધુમાં તેમણે જણાવ્યું હતુ કે આગામી 27 જુલાઈથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

 

ભારે વરસાદથી ડેમ છલકાયા

મહત્વનું છે કે રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે અનેક ડેમ અને નદીનાળા છલકાયા છે. ભાવનગરમાં સારો વરસાદ વરસ્યો હોવાથી શેત્રુંજી ડેમ 99 ટકા ભરાઈ ગયો છે. ત્યારે હવે પાલિતાણા અને તળાજાના 18 ગામોમાં હાઇએલર્ટ જાહેર કરાયા છે. ડેમની સપાટી 33.11 ફૂટ પર પહોંચી ગઈ છે. તો ડેમના હેઠવાસમાં તથા નદી કાંઠે આવેલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમ જ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

PM મોદીનો આરોપ- ‘પરિવાર’ના ફોન પર હજારો કરોડની લોન અપાઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા 70,000 થી વધુ નિમણૂંક પત્રોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને પાર્ટી પર ફોન બેંકિંગ કૌભાંડનો આરોપ પણ લગાવ્યો. તેમણે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સરકારી કર્મચારી તરીકે યોગદાન આપવું એ ગૌરવની વાત છે. ભારતની જનતાએ દેશને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો છે. આવનારા 25 વર્ષ ભારત માટે નિર્ણાયક છે.

 

 

નાની બેંકોનું વિલીનીકરણ કરીને મોટી બેંકની સ્થાપના

પીએમ મોદીએ કહ્યું કે ફોન બેન્કિંગ કૌભાંડે બેન્કિંગ ક્ષેત્રની કમર તોડી નાખી છે. તેમણે કહ્યું કે વર્ષ 2014માં અમે બેંકિંગ સેક્ટરને પુનર્જીવિત કરવાનું શરૂ કર્યું. અમે દેશની જાહેર ક્ષેત્રની બેંકોના સંચાલનને મજબૂત બનાવ્યું છે. નાની બેંકોને એક મોટી બેંકમાં મર્જ કરવામાં આવી હતી. સરકારે નાદારી સંહિતા લાગુ કરી હતી, જેથી ભવિષ્યમાં કોઈ પણ બેંક બંધ થાય તો તેને ઓછું નુકસાન થાય.

 

કોંગ્રેસ પર ફોન બેંકિંગ કૌભાંડનો આરોપ

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોબ ફેરને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે હાલમાં ભારતનું બેન્કિંગ સેક્ટર વિશ્વમાં સૌથી મજબૂત માનવામાં આવે છે. નવ વર્ષ પહેલા સુધી આ સ્થિતિ નહોતી. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે અગાઉની સરકારમાં બેંકિંગ સેક્ટરમાં ભારે તબાહી થઈ હતી. તેમણે કહ્યું કે આજે આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા સક્ષમ છીએ, પરંતુ નવ વર્ષ પહેલા સુધી 140 કરોડની વસ્તીમાં મોબાઈલ બેન્કિંગ નહોતું. કોંગ્રેસ પર આરોપ લગાવતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકો પાછલી સરકારની નજીક હતા તેમને એક ફોન પર બેંકોમાંથી હજારો કરોડની લોન આપવામાં આવી હતી, જે આજ સુધી ચૂકવવામાં આવી નથી. આ ફોન બેંકિંગ કૌભાંડ અગાઉની સરકારમાં અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડોમાંનું એક હતું.

કિરેન રિજિજુએ પીએમ મોદીના વખાણ કર્યા

પીએમ મોદીની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે જોબ ફેર 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન કરવા અને લાયકાત ધરાવતા લોકોને સંબંધિત પદો પર નિયુક્ત કરવાના પીએમ મોદીના વચનનો એક ભાગ છે. અમે તેને માત્ર નોકરી નહીં પરંતુ રાષ્ટ્રની સેવા માનીએ છીએ.

પનીર મસાલા (કાંદા-લસણ વગર)

પવિત્ર અધિક-શ્રાવણ માસમાં કાંદા લસણ વગરનું ભોજન બનાવવું હોય. તેમાં પણ પંજાબી ટેસ્ટવાળું જો પનીરનું શાક બનાવવું હોય તો તે કાંદા લસણ વગર પણ સ્વાદિષ્ટ બની શકે છે!

સામગ્રીઃ

  • પનીર ક્યુબ્સ 3 કપ
  • દહીં – 500 ગ્રામ
  • કાજુ 1 કપ
  • શેકેલો ચણાનો લોટ 1 ટી.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • હીંગ ચપટી
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • હળદર પાવડર ½ ટી.સ્પૂન
  • કાશ્મીરી લાલ મરચાં પાવડર 2 ટી.સ્પૂન
  • સૂકા લાલ મરચાં 2
  • તમાલપત્ર 2
  • લવિંગ 2
  • મગજતરીના બી 2 ટે.સ્પૂન
  • ખસખસ 1 ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • તેલ

રીતઃ કાજુ, ખસખસ તેમજ મગજતરીના બીને એક બાઉલમાં ગરમ પાણી લઈ તેમાં 3-4 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સીમાં પીસી લેવા.

દહીંમાં શેકેલો ચણાનો લોટ, લાલ મરચાં પાવડર, હળદર પાવડર તેમજ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ તતડાવીને હીંગ ઉમેરો. તેમાં તમાલપત્ર તેમજ ઝીણું ખમણેલું આદુ તેમજ લાલ મરચાં ઉમેરીને 1 મિનિટ સાંતળીને કાજુ, ખસખસ તેમજ મગજતરીની પેસ્ટ નાખીને 2-3 મિનિટ સાંતળો. તેમાં લાલ મરચાં પાવડર, હળદર પાવડર તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવી દો. 2 મિનિટ સાંતળીને તેમાં દહીં ઉમેરીને ચમચા વડે એકસરખું ચલાવતા રહો અને તેલ છૂટું પડે ત્યાં સુધી ગરમ થવા દો. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા ઉમેરીને 3-4 મિનિટ સાંતળીને ગેસ બંધ કરી દો. સમારેલી કોથમીર વડે આ શાક ગાર્નિશ કરો.

આ શાક પરોઠા અથવા રોટલી સાથે ગરમા ગરમ પીરસો.

પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરમાં તોડફોડ, આરોપીની ધરપકડ, પરિસ્થિતિ તંગ

પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશના હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે. જ્યાં બ્રાહ્મણબારિયા જિલ્લામાં એક 36 વર્ષીય વ્યક્તિએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી. ઘટના ગુરુવાર રાતની છે. આ ઘટના બાદ હિન્દુ સમુદાયના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહેવાલ મુજબ આ સમગ્ર ઘટના નિયામતપુર ગામની છે જ્યાં સ્થિત દુર્ગા મંદિરને નુકસાન થયું છે. આરોપીની ઓળખ ખલીલ મિયા તરીકે થઈ છે. જેની ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, તોડફોડના સમાચાર ફેલાતા જ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.

હિન્દુ સમુદાય રોષે ભરાયો 

બ્રાહ્મણબારિયાના પોલીસ અધિક્ષક, મોહમ્મદ શકાવત હુસૈને ખલીલ મિયાની ધરપકડની પુષ્ટિ કરી હતી, પરંતુ આરોપીઓએ આ ઘટના શા માટે અંજામ આપ્યો તે પોલીસ હજુ સુધી જાહેર કરી શકી નથી. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, પોલીસ હજુ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે આવું નિંદનીય કૃત્ય શા માટે કર્યું. નિયામતપુર સર્વજનીન દુર્ગા મંદિરના પ્રમુખ જગદીશ દાસના જણાવ્યા અનુસાર, અચાનક કરવામાં આવેલી તોડફોડથી સ્થાનિક હિંદુ સમુદાયના સભ્યોમાં ગુસ્સો અને નારાજગી ફેલાઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ખલીલ મિયા નિયામતપુર ગામમાં તેની બહેનના ઘરે મળવા આવ્યો હતો ત્યારે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર, આરોપીઓએ દુર્ગા મંદિરની અંદરની પાંચથી છ મૂર્તિઓ તોડી નાખી હતી.

આવી જ ઘટના ફેબ્રુઆરીમાં પણ બની હતી

આ કેસમાં જગદીશ દાસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને સ્પીડી ટ્રાયલ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. અધિકારીઓએ સંપૂર્ણ તપાસની ખાતરી આપી છે અને ખાતરી આપી છે કે આરોપીઓ સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ, આ પ્રકારનો કિસ્સો બાંગ્લાદેશમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં જોવા મળ્યો હતો, જ્યારે અજાણ્યા લોકોએ ઠાકુરગાંવના ઉત્તરી જિલ્લાના બલિયાદંગી ઉપજિલ્લા હેઠળના 12 હિન્દુ મંદિરોમાં 14 મૂર્તિઓ તોડી નાખી હતી.

જુલાઈમાં 100 વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટી શકે છે – નાસા રિપોર્ટ

દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો હોવા છતાં તેનો અર્થ એ નથી કે ગરમીનું મોજું હવે આપણને ત્રાટકે નહીં. આ સંદર્ભમાં નાસાનો અહેવાલ તમારા હોશ ઉડાવી શકે છે. રિપોર્ટ અનુસાર, નાસાના ટોચના ક્લાઈમેટોલોજિસ્ટ ગેવિન શ્મિટનું કહેવું છે કે આ વખતે જુલાઈ મહિનો 100 વર્ષમાં સૌથી ગરમ મહિનો હોઈ શકે છે. જુલાઈમાં અત્યાર સુધી દરરોજ એક યા બીજા દેશમાં ગરમીનો રેકોર્ડ તૂટી રહ્યો છે. યુરોપિયન યુનિયન અને મેઈન યુનિવર્સિટીમાં કરવામાં આવેલા અભ્યાસમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે.

તાપમાન કેમ વધી રહ્યું છે?

આ દરમિયાન ગ્રાઉન્ડ અને સેટેલાઇટ ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં હીટવેવમાં વધારો અને તેના કારણે થનારું નુકસાન સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. ક્લાઈમેટોલોજિસ્ટ ગેવિન શ્મિટે જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. અમેરિકા, યુરોપ, ચીન જેવા દેશોમાં હીટ વેવને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. તે સતત વધી રહ્યો છે અને રેકોર્ડ તોડી રહ્યો છે. આ બધી વિકૃતિઓ અલ નીનોને કારણે થઈ રહી છે.

અલ-નીનો શું છે?

અલ નીનો, જે દર થોડા વર્ષોમાં એકવાર થાય છે, તે વિશ્વના સૌથી મોટા મહાસાગર, પેસિફિક મહાસાગરમાં હવામાન વલણ છે. આમાં, પૂર્વ પેસિફિક મહાસાગરના પાણીનું ઉપરનું સ્તર ગરમ થાય છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ) એ અહેવાલ આપ્યો છે કે આ પ્રદેશમાં સરેરાશ તાપમાન ફેબ્રુઆરીમાં 0.44 ડિગ્રીથી વધીને જૂનના મધ્ય સુધીમાં 0.9 ડિગ્રી થયું હતું.

અલ-નીનોની અસર વધશે

આ વર્ષના અંતિમ મહિનામાં અલ-નીનોની અસર વધશે, ક્લાઈમેટોલોજિસ્ટ શ્મિટે જણાવ્યું હતું કે હાલમાં ક્લાઈમેટ ચેન્જ પર અલ-નીનોની અસર ઘટી રહી છે, પરંતુ આગામી સમયમાં તેમાં વધારો થઈ શકે છે. સમુદ્રમાં પાણીનું ઉપરનું સ્તર ઝડપથી ગરમ થઈ રહ્યું છે અને વાતાવરણમાં વધી રહેલા કાર્બન ડાયોક્સાઇડ (CO2)ને કારણે આ તાપમાન વધી રહ્યું છે. આપણે ઇંધણ માટે અશ્મિભૂત ઇંધણ બાળીએ છીએ, જેના કારણે વિશ્વભરમાંથી દર વર્ષે 4000 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થાય છે. તેમણે કહ્યું કે અમને લાગે છે કે આ વર્ષના છેલ્લા મહિનામાં અલ-નીનોની અસર વધશે. જો આમ થાય છે તો વર્ષ 2024 આ વર્ષથી વધુ ગરમ થઈ શકે છે.

3 જુલાઈ વિશ્વનો સૌથી ગરમ દિવસ હતો

3 જુલાઈ એ વિશ્વનો સૌથી ગરમ દિવસ હતો. અમેરિકાના નેશનલ સેન્ટર્સ ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડિક્શન અનુસાર, આ દિવસ અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ બની ગયો હતો. આ દિવસે, સરેરાશ વૈશ્વિક તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું, જે ઓગસ્ટ 2016 (16.92 °C) માં નોંધાયેલા સૌથી ગરમ દિવસ કરતાં વધુ હતું. 2050 સુધીમાં પૃથ્વીના તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રીનો વધારો થવાની ધારણા છે. જો આવું થાય તો નીચેની બાબતો થઈ શકે છે:

  • આગામી 10 વર્ષમાં, આર્કટિક મહાસાગરનો આખો બરફ પીગળી જશે.
  • માલદીવ જેવા દેશો સંપૂર્ણપણે ડૂબી જશે.
  • મુંબઈ, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ જેવા 12 શહેરો 3 ફૂટ પાણીમાં ડૂબી જશે.
  • આવનારા સમયમાં જે પૂર આવશે, તેનો પ્રવાહ વર્ષ 2000ના પૂર કરતાં 6.7 ગણો વધુ હશે.
  • વિશ્વની 14% વસ્તી ગરમીના મોજાનો સામનો કરશે.
  • ક્વોલ્સ, સફેદ રીંછ સહિતના 4% પ્રાણીઓ લુપ્ત થઈ જશે.

અમેરિકામાં ગરમીનું મોજું

અમેરિકામાં 11 કરોડ લોકો હીટવેવની ઝપેટમાં છે. જેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. બીબીસીના અહેવાલ મુજબ અમેરિકામાં આગામી સપ્તાહે તાપમાન ખતરનાક સ્તરે પહોંચવાનું છે અને 113 મિલિયન લોકો તેની ઝપેટમાં છે. ફ્લોરિડા, કેલિફોર્નિયા અને વોશિંગ્ટનમાં આ અંગે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. અમેરિકાની નેશનલ વેધર સર્વિસે લોકોને તેમના સ્વાસ્થ્યને લઈને કોઈ જોખમ ન લેવા જણાવ્યું છે.

અમેરિકાના એરિઝોના રાજ્યમાં 15 જુલાઈના રોજ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. અમેરિકાના હવામાન વિભાગે જણાવ્યું છે કે કેલિફોર્નિયાની ડેથ વેલીમાં આ અઠવાડિયે તાપમાનનો પારો 54 ડિગ્રી સુધી પહોંચી જશે. ડેથ વેલી વિશ્વની સૌથી ગરમ જગ્યાઓમાંની એક છે.

ઘણા દેશો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે

યુરોપના ઘણા દેશોમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ગયું છે અને યુરોપની સ્પેસ એજન્સીએ ઈટાલી, સ્પેન, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડમાં ગરમીને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ઇટાલીએ રોમ અને ફ્લોરેન્સ સહિત તેના 16 શહેરો માટે હીટવેવની ચેતવણી જારી કરી છે. સરકારે લોકોને સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તડકામાં ન રહેવાની સલાહ આપી છે. ભારતનો પાડોશી દેશ ચીન પણ હીટવેવથી પ્રભાવિત છે. અહીં તાપમાનનો રેકોર્ડ 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. વધતા તાપમાનના કારણે સ્પેનના કેનેરી ટાપુઓમાં જંગલમાં આગ લાગી છે. સાથે જ ગ્રીસમાં પણ લોકો ગરમીથી પરેશાન છે. ગ્રીસના જંગલમાં આગ લાગવાનું જોખમ વધી ગયું છે. લગભગ બે વર્ષ પહેલા આ જંગલમાં આગ લાગી હતી.

PM મોદીના આહવાન પર 2400થી વધુ અમૃત સરોવરોનું નિર્માણ

અમદાવાદઃ વડા પ્રધાન મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે તેમનું સપનું સાકાર કર્યું છે. વડા પ્રધાન મોદી રાજ્યના દરેક જિલ્લામાં 75 તળાવોનું નિર્માણ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં અમૃતકાળમાં છે તો રાજ્યના દરેક દિલ્લામાં 75 અમૃત સરોવર હોવા જોઈએ.રાજ્ય સરકારે 33 જિલ્લામાં 2400થી વધુ અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય પૂરું કરી લીધું છે.

વડા પ્રધાને એપ્રિલ, 2022ના મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને દેશના પ્રત્યેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા માટે આહવાન કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવના અવસરે પાણી બચાવવાના સંકલ્પ લેવાની તેમણે વિનંતી કરી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં નોંધનીય કાર્ય કર્યું છે. રાજ્ય સરકારે 100 ટકાથી વધુ કાર્ય પૂરું કરી લીધું છે. અત્યાર સુધી 2475ના લક્ષ્યની તુલનાએ રાજ્યમાં 2652 અમૃત સરોવરોની ઓળખ કરવામાં આવી છે અને 2612 અમૃત સરોવરોનું નિર્માણ પૂરું થઈ ચૂક્યું છે.

વડા પ્રધાને પ્રત્યેક અમૃત સરોવર એક એકરમાં (0.4 હેક્ટર)નું તળાવ બનાવવાનો માપદંડ રાખ્યો હતો, જેમાં 10,000 ઘનમીટરની સંગ્રહક્ષમતા હોય. રાજ્યમાં ગયા મહિને યોગ દિવસે 1597 સરોવરો પર 65,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ રીતે એક જુલાઈએ કેટલાય અમૃત સરોવરો પર આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રએ સ્થઆનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ગામના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજ્ય સરકારે વડા પ્રધાનના સૂચન અનુસાર રાજ્યમાં અમૃત સરોવરો બનાવ્યાં હતાં.

 

 

 

 

ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ઓપેનહાઇમર’નો ભારતમાં અદ્દભૂત ક્રેઝ

ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ઓપેનહાઇમર’નો ભારતમાં અદ્દભૂત ક્રેઝ જોવા મળી રહ્યો છે. પહેલા જ દિવસે આ ફિલ્મ બ્લોકબસ્ટર તરફ ઈશારો કરી રહી છે. થોડા દિવસો પહેલા રીલિઝ થયેલી ટોમ ક્રૂઝની ‘મિશન ઈમ્પોસિબલ 7’ બોક્સ ઓફિસ પર અજાયબીઓ કરી રહી હતી, હવે ‘ઓપેનહિમરે’ ફિલ્મને પહેલા જ દિવસે પાછળ છોડી દીધી છે. ફિલ્મના પહેલા જ દિવસે દર્શકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

‘Openheimer’ ઓપનિંગ ડે કલેક્શન

સીલિયન મર્ફી અને રોબર્ટ ડાઉની જુનિયરની જોરદાર એક્ટિંગ દર્શાવતી ‘ઓપનહેઇમર’ એ પહેલા દિવસે જ જોરદાર કમાણી કરી છે. સકનિલ્કના પ્રારંભિક ટ્રેડ રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન 13.50 કરોડ રહ્યું છે. આ સંદર્ભમાં, આ ફિલ્મ આ વર્ષની પહેલી હોલીવુડ ફિલ્મ બની છે, જેણે આટલું મજબૂત ઓપનિંગ લીધું છે. આ પહેલા 12 જુલાઈએ રિલીઝ થયેલી ‘મિશન ઈમ્પોસિબલ 7’નું ઓપનિંગ ડે કલેક્શન 12.25 કરોડ હતું. બીજી તરફ, 19 મેના રોજ રીલિઝ થયેલી વિન ડીઝલની ‘ફાસ્ટ એક્સ’એ શરૂઆતના દિવસે લગભગ 12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

 

ફિલ્મની વાર્તા શું છે

‘ઓપનહેઇમર’ એક બાયોગ્રાફિકલ ડ્રામા છે. જે પરમાણુ બોમ્બના પિતા ‘જે રોબર્ટ ઓપેનહાઇમર’ના જીવન પર આધારિત છે. આ ફિલ્મ ઓપેનહેઇમરના પ્રથમ પરમાણુ પરીક્ષણ ‘ટ્રિનિટી’ વિશે જણાવે છે. જેમાં ટ્રાયલ પહેલા અને પછીની ઘટનાઓનું રસપ્રદ વર્ણન છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. જે અમેરિકા દ્વારા કરવામાં આવ્યું હતું. આ હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો, સાથે જ જાપાનને આ હુમલામાંથી બહાર આવવામાં ઘણા વર્ષો લાગ્યા હતા. આ ફિલ્મમાં તેનો એક ભાગ લઈને બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મનુષ્યની ઈચ્છા માનવ જીવનના વિનાશ તરફ દોરી જાય છે.

એશિયા કપની ફાઇનલમાં પહોંચી ભારત અને પાકિસ્તાન, આવતીકાલે મુકાબલો

એશિયન ક્રિકેટનો મહાકુંભ 30 ઓગસ્ટથી શરૂ થશે. 2023ના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે શાનદાર મેચ રમાશે. 2023 એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાશે. આ પહેલા 2023 ઇમર્જિંગ એશિયા કપની મેચો શ્રીલંકામાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટ પણ તેના છેલ્લા તબક્કામાં છે.


પાકિસ્તાન A એ પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકા A ને હરાવ્યું હતું

2023 ઇમર્જિંગ એશિયા કપની પ્રથમ સેમિફાઇનલ મેચ પાકિસ્તાન-A અને શ્રીલંકા-A વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાન-A ટીમે આ મેચ સરળતાથી જીતી લીધી હતી. પાકિસ્તાન-એ પહેલા રમતા 50 ઓવરમાં 322 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા-A ટીમ 45.4 ઓવરમાં 262 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન-A તરફથી ઉમૈર યુસુફે 88 અને કેપ્ટન મોહમ્મદ હરિસે 52 રન બનાવ્યા હતા. આ સાથે જ શ્રીલંકા-A તરફથી અવિશકા ફર્નાન્ડોએ સૌથી વધુ 97 રન બનાવ્યા હતા.

બીજી સેમિફાઇનલમાં ભારત A એ બાંગ્લાદેશ A ને હરાવ્યું હતું

2023 ઇમર્જિંગ એશિયા કપની બીજી સેમિફાઇનલ મેચ લો સ્કોરિંગ હતી. ભારત-A ટીમ પ્રથમ રમત રમીને 49.1 ઓવરમાં માત્ર 211 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ પછી બાંગ્લાદેશ-A ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 70 રન બનાવ્યા હતા, પરંતુ ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી હતી અને અંતે 51 રનથી મેચ જીતી લીધી હતી. ઈન્ડિયા-A તરફથી નિશાંત સંધુએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.

ફાઇનલ મેચની સંપૂર્ણ વિગતો

હવે ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ ભારતના સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે.