Home Blog Page 2683

મહાન લોકો મહાન બને કેવી રીતે?

આજથી ચારેક વર્ષ પહેલાં’ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ (‘ઈસરો’)ના વિજ્ઞાનીઓની 11 વર્ષની મહેનત અને પૃથ્વીથી ચંદ્ર સુધી 47 દિવસની મહેનત બાદ લૅન્ડર ‘વિક્રમ’ લક્ષ્યની નજીક પહોંચીને ક્રૅશ થઈ થયું. નિષ્ફળતાથી ઈસરોના તત્કાલીન વડા કે. શિવનની આંખોમાં આંસુ ઊમટી આવ્યાં ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભેટીને સાંત્વન આપ્યું હતું. 14 જુલાઈએ ઈસરો દ્વારા ચંદ્રયાન-3 મિશન શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવ્યું એ ક્ષણે શિવનની આંખોમાં જરૂર હર્ષાશ્રુ હશે.

શિવન સાહેબ ઉદાહરણ છે એ હકીકતનું કે પ્રતિભા હોય તો વિષમ પરિસ્થિતિમાં પણ સફળતાની ઉડાન ભરી જ શકશો. આ સાથે મને યાદ આવી જાય છે આપણા વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામનો એક પ્રસંગ. એ પણ વિષમ પરિસ્થિતિમાંથી આવતા હતા. એક દિવસ એક વિજ્ઞાનીએ પ્રોજેક્ટ લીડર ડૉ. અબ્દુલને કહ્યું, “આજે મેં મારાં બાળકોને આપણા શહેરમાં આવેલું વિજ્ઞાન પ્રદર્શન બતાવાનું વચન આપ્યું છે. હું થોડો વહેલો જાઉં તો ચાલે?” કલામ સાહેબે હા પાડી.

વિજ્ઞાની તો કામે લાગ્યા. જો કે પ્રોજેક્ટ જટિલ હતો, સમય ક્યાં વીતી ગયો તેની તેમને જાણ ન રહી. અચાનક એમને યાદ આવ્યું કે આજે બાળકોને સાયન્સ એક્ઝિબિશનમાં લઈ જવાનાં હતા. રાતના આઠ, સાડાઆઠ થઈ રહ્યા હતા. વિજ્ઞાની હાંફળાફાંફળા થતા ઘરે પહોંચ્યા, પણ આ શું? ઘરે બાળકો દેખાય નહીં. એમણે પત્નીને પૂછ્યું, તો પત્ની કહેઃ “એ તો કલામ સાહેબ એક્ઝિબિશન જોવા લઈ ગયાં છે. સર તો સાંજે સાડાપાંચ વાગ્યે જ આવી ગયેલા.”

અહીં એક સવાલ થાય કે મહાન પુરુષો મહાન બને છે કેવી રીતે? એ પોતાની આવડત, દેખાવ કે પૈસાથી મહાન નથી બનતા, પરંતુ તેમનામાં રહેલા સદગુણો તેમને મહાન બનાવે છે. બીજાની મુશ્કેલીને સમજવી એને બનતી મદદ કરવી એ ખૂબ મોટો ગુણ છે. સામાન્ય માણસો અને મહાન પુરુષોમાં આ જ તફાવવત છે. લોકો પોતાના સ્વાર્થી આનંદમાં એટલા ડૂબેલા હોય છે કે બીજાનો ઉદાસ ચહેરો જોવાની સૂઝ તેમને નથી હોતી. કદાચ એ બીજાની મુશ્કેલી સમજી પણ લે, તો મદદ નથી કરતા. ઊલટું જાણે જોયું જ નથી એવું વર્તન કરીને ત્યાંથી નીકળી જાય છે. માટે જો મહાન બનવું હોય તો તેનો ઉપાય છે, જરૂરતમંદોની પરિસ્થિતિ સમજી, હૃદયમાં તેને મદદ કરવાની ભાવના જગાડવી. સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી જરૂરતમંદ વ્યક્તિ મળે તો તેને અવશ્ય મદદ કરવી જોઈએ.

૧૯૬૨માં અમદાવાદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ હતો. ઉત્સવના સમાપનની રાતે સ્વચ્છતા વિભાગમાં સેવા બજાવી રહેલો એક યુવાન, એંઠવાડથી ભરેલી લારીને ધક્કા મારી રહ્યો હતો, પણ ઢાળ હોઈને લારી આગળ જતી નહોતી. વળી ભાર ખૂબ હતો. આસપાસ કોઈ દેખાય નહીં, સર્વત્ર સુનકાર વ્યાપેલો હતો. એટલામાં તેણે પ્રમુખસ્વામી મહારાજને થોડે દૂરથી પસાર થતા જોયા, પણ સંસ્થાના પ્રમુખ,મહોત્સવના મોવડી અને લાખો લોકોના આદરણીય એવા પ્રમુખસ્વામી મહારાજ પાસે કાંઈ આવું કામ કરાવાતું હશે? યુવાન આવી ગડમથલમાં હતો ત્યાં પ્રમુખસ્વામીની નજર યુવાન પર પડી. પેલો યુવાન હજુ કંઈ સમજે-વિચારે એ પહેલાં તો પ્રમુખસ્વામી મહારાજ તેની મદદે પહોંચી ગયા અને એંઠવાડની લારીને ધક્કો મારવા લાગ્યા. લારી ઢાળ ચઢી ગઈ, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ ત્યાં અટક્યા નહીં. લારીને ખાલી કરવાની હતી ત્યાં સુધી ખેંચી જવામાં પણ એ યુવાનની સાથે રહ્યા.

આથી જ ભારતીય દલિત સમાજના ધાર્મિક વડા પૂજ્ય શંભુ મહારાજ એક પ્રસંગે બોલી ઊઠ્યા, “પ્રમુખસ્વામી મહારાજની કરુણાગંગા સમાજના છેવાડાના માનવી સુધી પહોંચી છે.”

આપણે કદાચ મહાપુરુષોની જેમ સૂર્ય બનીને સમગ્ર સમાજને પ્રકાશ ન આપી શકીએ, પણ એમનાં જીવનમાંથી પ્રેરણા લઈને દીપક તો બનીએ, આપણી આસપાસની વ્યક્તિઓને પ્રકાશ આપીએ. રોજ સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણને એવી કેટલીયે વ્યક્તિઓનો ભેટો થતો હશે, જેને કંઈક મદદની જરૂર હોય. આપણાથી થઈ શકે એટલી અને બધાને નહીં તો અમુક વ્યક્તિને મદદ કરીએ, કરી શકીએ ને?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

અમદાવાદમાં ઈસ્કોન ફ્લાઈઓવર પર કારે 9 જણને કચડી નાખ્યા

અમદાવાદઃ ગઈ કાલે મધરાત બાદ લગભગ એક વાગ્યાના સુમારે અહીં સરખેજ-ગાંધીનગર (એસ.જી.) હાઈવે પર ઈસ્કોન મંદિર નજીક આવેલા ઈસ્કોન ફ્લાઈઓવર પર બનેલા એક ભયાનક અકસ્માતમાં 9 જણે જાન ગુમાવ્યા છે. ધસમસતી આવેલી એક જગુઆર કારે અનેક લોકોને હડફેટે લીધા હતા. એમાંના 9 જણના મરણ નિપજ્યા છે અને બીજા 10-11 જણ ઘાયલ થયા છે.

કાર ડ્રાઈવર કોઈ શ્રીમંત પરિવારનો નબીરો હોવાનું કહેવાય છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરોની સલાહ મુજબ એની ધરપકડ કરવામાં આવશે, એમ ડીસીપી (ટ્રાફિક વેસ્ટ) નીતા દેસાઈએ કહ્યું છે.

સોલા સિવિલ હોસ્પિટલનાં મેડિકલ ઓફિસર ડો. કૃપા પટેલના જણાવ્યા મુજબ, 9 મૃતકોમાં બે પોલીસ જવાનનો પણ સમાવેશ થાય છે.

કહેવાય છે કે, ઈસ્કોન બ્રિજ પર કોઈક અકસ્માત થયો હતો અને તે જોવા માટે લોકો ટોળે વળ્યા હતા. એ જ વખતે ઘસમસતી જગુઆર કાર એમની પર ફરી વળી હતી. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના રહેવાસી યુવકોનો પણ સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં ભીષણ ભૂસ્ખલનઃ આખા ગામ પર ભેખડો ધસી પડી; ચારનાં મરણ

રાયગડઃ મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના ખાલાપુર તાલુકાના ઈરશાલવાડી ગામમાં ભારે વરસાદને કારણે પહાડ પરથી ભેખડો ધસી પડવાની દુર્ઘટના થઈ છે. એને કારણે ઓછામાં ઓછા ચાર જણના મરણનો અહેવાલ છે. 22 જણને બચાવી લેવામાં આવ્યા છે, પણ કાટમાળ હેઠળ હજી બીજા ઘણા લોકો ફસાયાં હોવાનું મનાય છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા અન્ય પ્રધાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કામગીરીમાં અગ્નિશામક દળ, પોલીસો અને નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ચાર ટૂકડીના જવાનો જોડાયા છે. એનડીઆરએફના વધુ જવાનોને મુંબઈથી બોલાવવામાં આવ્યા છે.

ગઈ કાલે રાતે લગભગ 11-12 વાગ્યાના સુમારે મોટી ભેખડો ગામના 40-50 ઘરો પર પડી હતી. ગામમાં રહેવાસીઓની સંખ્યા 200 જેટલી છે. પરિણામે મરણાંક વધવાની દહેશત છે.

સુવિચાર – ૨૦ જૂલાઈ, ૨૦૨૩

સુવિચાર – ૨૦ જૂલાઈ, ૨૦૨૩

૨૦ જૂલાઈ, ૨૦૨૩

૨૦ જૂલાઈ, ૨૦૨૩

ધારાવીના પુનરુત્થાનની તક મેં કેમ ઝડપી?

ધારાવી- આ નામને કોઇ ઓળખની જરૂર નથી. બલ્કે, આ એક એવું નામ છે, આ એક એવું નગર છે, જે મુંબઇ જેવા મહાનગરની એક વિશેષ ઓળખ છે. અહીં એક એવું ભારત અને એવા ભારતમાંથી આવતા સમુદાયો વસે છે, જે દાયકાઓથી ભારતના અન્ય શહેરોની માફક પુનરુત્થાનની ઝંખના સાથે જીવે છે. મુબંઇ માયાનગરી છે, તો ધારાવી એની એક અજીબ માયા સમાન છે.

આ ધારાવી વસાહતનું નવનિર્માણ કરવાનું બીડું હવે અમદાવાદસ્થિત દેશના અગ્રણી ઉદ્યોગજૂથ અદાણી ગ્રુપે હાથ ધર્યું છે ત્યારે ધારાવીને એક નવા ઇતિહાસનો આરંભ થવા જઇ રહ્યો છે ત્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી એની પાછળના ઇરાદાઓ અને સંકલ્પની વાત આલેખે છે… 

———————————————————————-

(ગૌતમ અદાણી)

ભૂતપૂર્વ હેવીવેઇટ બોક્સિંગ વિશ્વ ચેમ્પિયન માઈક ટાયસનની મહેચ્છાની યાદીમાં ભારતના બે સ્થળનો સમાવેશ હતો કે, જેની તેઓ મુલાકાત લેવા ઈચ્છતા હતા એ બે સ્થળ હતા: આગ્રાનો તાજમહેલ અને બીજું મુંબઇનું ધારાવી.

દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત તરીકે પોતાની ઓળખ ધરાવનાર ધારાવીને જોવા-જાણવાનો પ્રથમ અવસર મને ૧૯૭૦ના દાયકાના આખરમાં મળ્યો હતો, જ્યારે દેશના તમામ યુવાનોની જેમ જિંદગીમાં કંઇક કરી દેખાડવાની તમન્ના લઇને મેં પણ મુંબઈમાં મારો પગ મૂક્યો હતો. એ સપનું હતું હીરાના વેપારમાં કંઇક કરી દેખાડવાનું.

મારા અંગત આશાવાદે આ મહાનગરે મને આકર્ષ્યો હતો. તે સમયે પણ ધારાવી ભારતના તમામ વિસ્તારોની માન્યતાઓ, સંસ્કૃતિઓ અને ભાષાઓની વિવિધતાઓને એક સાથે ઝીલીને ઓગાળનાર એક પાત્ર હતું. એ સમયે ધારાવીની ગલીઓમાં જોયેલી કઠોર પરિશ્રમની અરાજક્તાથી હું મંત્રમુગ્ધ થઈ ગયો હતો, જ્યાં લગભગ તમામ ભારતીય ભાષાઓ એક સમાન પડઘાતી હતી. પરંતુ તે અરાજક્તામાં સંયમ  હતો, ધારાવીના આત્મા દ્વારા તે પ્રદાન કરવામાં આવ્યો હતો એવું લાગતું હતું. હું તેને ક્યારેય કોઇ વ્યાખ્યામાં બાંધી  શક્યો નથી, પરંતુ બહુ જ મજબૂત રીતે એ અનુભવી શક્યો હતો.

ધારાવીની એ મુલાકાત માયાવી અને પરેશાન કરનારી એમ બન્ને પ્રકારની હતી. અહીં વસેલા વિવિધ સમુદાયોનો જીવન ટકાવી રાખવા માટેનો સંઘર્ષ, સમતા, ક્ષમતા અને  ભરપૂર ખુશીઓએ મને પ્રેરણા આપી હતી.

જો કે તેણે મારા મનમાં સવાલની એક ચિનગારી પણ ચાંપી હતીઃ શું તેમનું ભાગ્ય ક્યારેય પલ્ટાશે?

આજે મારા આશ્ચર્યમાં કોઇ ઘટાડો થયો નથી. મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ એપ્રોચ નીચે વિશાળ પેચવર્ક કરેલી રજાઈની જેમ ધારાવીને ફેલાયેલી જોવી એ ફકત માનવીય અનુકૂલન અને વિરોધાભાસી મૂળના વસાહતીઓને અપનાવવાની મુંબઈની તાકાત અને ક્ષમતાની યાદ અપાવે છે. એટલું જ નહી, સાથેસાથે શહેરી અસ્વચ્છતાની સ્થિતિ વચ્ચે રહેતા સમુદાયની પણ એક ગંભીર યાદ અપાવે છે. આ એ સમુદાય છે, આ એ વસાહત છે, જે કાયમ માટે તેના પુનરુત્થાનની રાહ જોઈ રહી છે.

આ પશ્ચાદભૂમિકામાં જ્યારે ધારાવીના નવીનીકરણ કરવાની આ તકે દસ્તક દીધા ત્યારે મેં તેને બંને હાથે ઝડપી લીધી. હું આ કાર્ય પૂરા જોશ સાથે કરવા માંગતો હતો, કારણ કે મુંબઈ વિશેની તે મારી પ્રથમ છાપ સાથે અંગત રીતે એક વિશાળ જોડાણ ધરાવે છે અને કદાચ તેથી જ આ કામ કરવાના અતિઉત્સાહના કારણે અમે આ કામ માટે અઢીગણી ઓવર બીડ કરી હતી, જે અમારા પછી આવનારની બીડ કરતાં સૌથી વધુ હતી.

એની સાથે જ, હવે અહીં ધારાવીમાં ગૌરવ અને પુનરુત્થાનનો એક નવો અધ્યાય આલેખવાની શરુઆત થઇ રહી છે. અમારા માટે ગૌરવપૂર્ણ, સલામત અને સર્વસમાવેશક એવા નૂતન ધારાવીનું નિર્માણ કરવાની આ ઐતિહાસિક તક છે.

યાદ રહે, અમારા માટે આ ફક્ત વ્યવસાયિક પરિયોજના જ નથી, પરંતુ તેનાથી પણ અનેકગણો સંવેદનાસભર એવો એક પ્રકલ્પ છે. સાચું કહું તો, આ યોજનાના માધ્યમથી સમાજને એ તમામ પાછું આપવાનો વિનમ્ર પ્રયાસ છે જે અમારા ઉદ્યોગ સમૂહે વીતેલા વરસોમાં સમાજ પાસેથી પ્રાપ્ત કર્યું છે.

આ પુનર્વસન કાર્યક્રમના માધ્યમથી દેશમાં સંવેદનશીલતાના અભિગમનું નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે. આપણા સૌના દ્રઢ સંકલ્પ અને પ્રયાસોથી અમારા માટે માનવીય ગરીમા, સુરક્ષા અને સર્વસમાવેશકતા ધરાવનારી નૂતન ધારાવીનું નિર્માણ કરવાની આ એક ઐતિહાસિક તક છે.

અમે જ્યારે આ સંપૂર્ણ અજાણી સફરની શરુઆત સાથે  નિર્ધારીત લક્ષ્યને આંબવા માટે એટલા જ કૃતનિશ્ચયી બનીને આગળ વધવાનો આરંભ કરી રહ્યા છીએ ત્યારે અમને આવનારા સમયના પ્રચંડ પડકારોનો પણ પૂરો અહેસાસ છે. અમે જાણીએ છીએ કે પડકારો આવવાના જ છે અને એ પડકારો ખૂબ મોટા હશે, પણ એને પહોંચી વળવા માટે જરૂરી આત્મવિશ્વાસ અને પુરુષાર્થનું બળ પણ અમારી પાસે છે.

કેટલાક લોકો આ પરિયોજનાની સરખામણી ૧૯૬૦ના દાયકામાં સિંગાપોરની હાઉસિંગ કટોકટીને ઉકેલવા માટે સફળ રહેલા ટ્રેલબ્લેજીંગ પ્રોજેક્ટ સાથે કરે છે, પરંતુ ધારાવી ત્રણ કારણસર તેના પોતાનામાં જ એક અનન્ય પ્રોજેક્ટ છે, કહો કે વિશેષ છેઃ

સૌ પ્રથમ તો તે વિશ્વના સૌથી વિરાટ શહેરી પુનર્વસન અને પુનર્જીવન પ્રોજેક્ટ પૈકીનો એક છે, જેમાં અંદાજે દસ લાખ લોકોનું પુનર્વસન અને પુન:સ્થાપન કરવામાં આવશે.

બીજું, આ દરમ્યાન ફક્ત રહેણાંકના એકમોનું જ નહીં, પરંતુ અલગ અલગ આકાર અને કદના વિવિધ વ્યાપારી પ્રતિષ્ઠાનોનું પણ પુનર્વસન થશે. ધારાવીમાં ખિલી રહેલા વિવિધ અને વિશિષ્ટ વ્યવસાયોના સમગ્ર ઇકોસ્ફિયર અને વ્યાપારી તાણાવાણાનું પુનર્વસન અને પુનઃસ્થાપન કરવામાં આવશે.

અને ત્રીજું, આ પ્રોજેક્ટનો હેતુ વ્યાપક અને સર્વગ્રાહી પુનઃવિકાસનો હશે, કારણ કે તેમાં પાત્ર અને અપાત્ર એમ બંને નિવાસીઓના આવાસ અને પુનર્વસનની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવશે.

અમે એક વિશ્વકક્ષાના ઉપનગરનું નિર્માણ કરશું, જે આવનારી પેઢીઓ માટે એક મિસાલ અને પ્રેરણાનું કારણ બની રહે. ૨૧મી  સદી ભારતની સદી છે તેના અહેસાસની અનુભૂતિ દુનિયાને આ પરિયોજનાથી થઇ શકશે. ધારાવીના પુનઃવિકાસ અંગે મારી પાસે હાલ ના તો કોઇ ચોક્કસ વિચારો છે કે ના તો કોઇ ધારણા છે. મારી પાસે કાંઇ છે તો એ છે બસ, એક ઉમદા મકસદ અને આ મકસદના કેન્દ્રમાં છે ધારાવીના લોકોના માનવ-કેન્દ્રિત પરિવર્તન માટેની પોલાદી મનોકામના. તેમના મંતવ્યો અને તેમની લાગણીઓને શક્ય તેટલી વધુમાં વધુ હદ સુધી સમાવીને એમને જ પ્રતિબિંબિત કરે તેવો બોટમ-અપ આ પ્રોજેક્ટ હશે.

અમે માત્ર ધારાવીના લોકોની જ નહીં, પણ શ્રેષ્ઠ બુધ્ધિજીવીઓ અને આ કામ માટે દરકાર કરનારા તમામ મુંબઈગરાઓ, કે જેઓ ધારાવીના પરિવર્તનની આ યાત્રામાં સમાન હિસ્સેદાર છે, તેમની ભાવનાઓને જકડી રાખે તેવું એક સંસ્થાકીય મિકેનિઝમ બનાવીશું. જૂની ધારાવીની ઓળખના સત્વને ગુમાવ્યા વિના નવી ધારાવીનું નિર્માણ અમારી ભાવના, દૃઢતા, વિવિધતામાં એકતા, રંગ અને અમારો સંકલ્પ મુંબઈની અલાયદી ઓળખને પ્રતિબિંબિત કરશે.

અમે વિશ્વકક્ષાના એક અતિ આધુનિક શહેરનું પણ નવસર્જન કરવા જઇ રહ્યા છીએ, જે ૨૧મી સદીના ભારતને વૈશ્વિક મંચ પર તેનું નવું સ્થાન પ્રસ્થાપિત કરતા પુનરુત્થાનશીલ અને ભરપૂર આત્મવિશ્વાસ સાથે વિકસતા ભારતની પ્રતિષ્ઠાને પ્રતિબિંબિત કરશે, કારણ કે ૨૧મી શતાબ્દી ભારતની છે.

ધારાવીમાં પાત્રતા ધરાવતા રહેવાસીઓ તેમના નવા ઘરોમાં રહેવા જાય એવી પણ મારી અંગત પ્રતિબદ્ધતા છે. તેઓ તેમના ઘરો ફક્ત તેમની નજર સામે બંધાતા જોશે એટલું જ નહીં, પરંતુ તેને આકાર આપવામાં પણ તેઓનો અભિપ્રાય મહત્વનો હશે. હાલમાં તેમના ઘરોમાં જે સુવિધાઓ નથી તેવી ગેસ, પાણી, ગટર વ્યવસ્થા, વીજળી, સ્વચ્છતા, આરોગ્યસંભાળ, મનોરંજનની સગવડ અને ખુલ્લી જગ્યાની સુવિધાઓ અમે પૂરી પાડશું. તેઓને વિશ્વકક્ષાની હોસ્પિટલ અને એક શાળાની સુવિધા પણ મળશે. અપૂરતી સગવડોની ગઇગુજરી યાદોના બદલે અહીં એક નવી ધારાવી નજરે ચડશે, જે ગર્વથી ગૂંજી ઉઠશે.

પુનર્વસન ઉપરાંત આજીવિકા પણ એક મોટો પડકાર છે. તેને પહોંચી વળવા માટે હાલના માઇક્રો-સાહસો અને નાના ઉદ્યોગોને ટેકો આપવાની સાથે મજબૂત કરવાના ઉપાયો વિચારીને યુવાનો અને મહિલાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને નવા યુગની નોકરીઓને પ્રોત્સાહન આપીને હું ધારાવીને આધુનિક બિઝનેસ હબમાં પરિવર્તિત કરવાનો ઈરાદો ધરાવું છું. ક્ષેત્રીય નિષ્ણાતો અને સભ્ય સમાજની મદદથી બહુસ્તરીય વ્યૂહરચનાનો ઉપયોગ કરીને તે લક્ષ્ય હાંસલ કરવામાં આવશે. તે કાર્યકુશળતાને ઉંચે લઇ જવા પર લક્ષ્ય કેન્દ્રિત કરીને ઉત્પાદન-આધારિત તેમજ સેવા-આધારિત સાહસિકતા મોડલ માટે સામાન્ય સુવિધા કેન્દ્રો, સંશોધન અને વિકાસ કેન્દ્રો, ડેટા સેન્ટર્સ, તાલીમ કેન્દ્રો, એમએસએમઇ હેલ્પ ડેસ્કનું સંયોજન કરી શકાય છે. ઓપન નેટવર્ક ફોર ડીજીટલ કોમર્સ (ONDC)ને અનુરૂપ સંગઠિત અને પ્રણાલીગત બજારોની રચના પણ બીજું એક અગત્યનું પાસું હોઈ શકે છે.

ધારાવીની કાયાપલટ કરવાનો પ્રયાસ નવી વાત નથી, પરંતુ તેનો લગભગ અડધી સદીનો લાંબો ઈતિહાસ છે. આ વખતે અગાઉના અનુભવોના આધારે ટેન્ડર ડિઝાઇનમાં કેટલાક પરિણામલક્ષી ફેરફારોના કારણે બિડર્સની ભાગીદારી અને તેની પૂર્ણતા સફળતાપૂર્વક સુનિશ્ચિત કરી છે. ઉદાહરણ તરીકે, આ ટેન્ડર અયોગ્ય ભાડૂઆતોને પુનર્વસન પૂરું પાડે છે. ધારાવીને અડીને આવેલી ૪૫ એકર રેલ્વે જમીનના સમાવેશથી ઇન-સીટુ પુનઃસ્થાપન અને ડે-ઝીરો પ્રોજેક્ટની શરૂઆત સુનિશ્ચિત થઈ છે.

અહીં એ મહત્વનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે મહારાષ્ટ્રની રાજ્ય સરકારો, રાજકીય પક્ષો તેમજ રેલ્વે જમીન પૂરી પાડનાર વર્તમાન કેન્દ્ર સરકારના સંપૂર્ણ સમર્થન અને મક્કમ પ્રતિબદ્ધતાના કારણે જ આ પ્રોજેક્ટ ખરા અર્થમાં અમલવારીના માર્ગે આગળ વધશે. અન્યથા આ પ્રોજેક્ટમાં આગળ વધવાનો આ દિવસ આપણે જોઇ શક્યા ન હોત!

હું અને મારી ટીમ એ બાબતથી સંપૂર્ણ માહિતગાર છીએ કે ધારાવી પ્રોજેક્ટની ડિઝાઇન અને તેના અમલીકરણનો વ્યાપ તેમજ તેના પરિમાણો એક પડકારરૂપ છે. આ પ્રોજેક્ટ અમારી સ્થિતિસ્થાપકતા, અમારી ક્ષમતા અને અમલવારીની અમારી કુશળતા અને તેની મર્યાદાઓની કસોટી કરશે તેનો પણ અમને ખ્યાલ છે. અદાણી ગ્રુપે વર્ષોથી અનુભવી અને મહેનતુ ટીમ દ્વારા નિર્ધારીત પરિણામ અને ઉકેલલક્ષી કાર્યશૈલી વિકસાવી છે. મને વિશ્વાસ છે કે તમામ હિતધારકોના મજબૂત ટેકાથી અમે ઇતિહાસ રચીશું અને ધારાવી, મુંબઈ અને ભારતને ગૌરવ અપાવીશું.

આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી જો માઈક ટાયસન ફરીથી ધારાવીની મુલાકાત લેશે તો તેઓ અગાઉ જોયેલી ધારાવીને ઓળખી શકશે નહીં, પરંતુ મને ખાતરી છે કે તે હજી પણ તેના આત્માને હંમેશની જેમ ઉત્સાહિત અને જીવંત જોશે. પરમાત્માની કૃપાથી ડેની બોયલ જેવા લોકો શોધી શકશે કે નવી ધારાવી સ્લમડોગ ઉપસર્ગ વિના કરોડપતિઓનું નિર્માણ કરી રહી છે.

(લેખક અદાણી ગ્રુપના ચેરમેન છે.)

આ પતંગીયા કીચડવાળી જમીનમાં બેસીને શું કરતા હશે?

જંગલમાં વાઘ કે સિંહ જોવા જઈએ ત્યારે ઘણી બધી કુદરતની અજાયબ રચનાઓ અને ઘટનાઓ જંગલમાં થતી હોય છે.  વાઘ-સિંહ જોવાના ચક્કરમાં આ બધુ જોવાનું અને જાણવાનું કે માણવાનું રહી જાય છે.

આવી જ એક ઘટના છે જંગલમાં કોઈ જગ્યાએ કીચડ હોય કે લાંબા સમય માટે ભીની રહેતી જમીન હોય ત્યાં બહુ બધા પતંગીયા જમીન પર બેઠેલા જોવા મળે છે.

ભીની કે કીચડ વાળી જમીન પર પતંગીયાની બેસવાની આ ઘટનાને અંગ્રેજીમાં “Mud Puddling” કહે છે. આ રીતે કીચડ પર બેસી “મડ પડલીંગ” કરતા મોટા ભાગના નર પતંગીયા હોવાનું કેટલાક વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલ છે. કીચડ કે ભીની જમીનમાં બેસી અને પતંગીયા તેમના બ્રીડીંગ માટે જરૂરી વિવિધ ક્ષાર, એમીનો એસીડ અને અન્ય પોષક તત્વો મેળવે છે.

પંચાંગ 20/07/2023

તાલિબાનથી ગળે આવી ગયું પાકિસ્તાન, ઈરાન સાથે મળીને ‘આતંકવાદ’ સામે લડશે

અફઘાનિસ્તાનથી વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને ઈરાન સાથે હાથ મિલાવ્યા છે. અફઘાનિસ્તાન તરફથી આતંકવાદના વધતા પડકારો વચ્ચે, આ બંને દેશોએ હવે આ ‘સામાન્ય ખતરો’ સાથે મળીને સામનો કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની તેહરાનની બે દિવસીય મુલાકાતના અંતિમ દિવસે રવિવારે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો સરહદ સુરક્ષાના નવા રસ્તા શોધવાનો પ્રયાસ કરશે, જેથી તેઓ આતંકવાદનો સામનો કરી શકે.

ગયા અઠવાડિયે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક જ દિવસે બે ઘાતક આતંકવાદી હુમલામાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે એક પણ દિવસે આટલી સંખ્યામાં સૈનિકોએ જીવ ગુમાવ્યો નથી. આ ઘટનાઓ બાદ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન સામે ગુસ્સો ઉભો થયો છે. અફઘાનિસ્તાન પર શાસન કરતા તાલિબાન દ્વારા આતંકવાદીઓને આશ્રય આપવાના કારણે પાકિસ્તાનમાં આવા હુમલાઓ થઈ રહ્યા હોવાના ખુલ્લેઆમ આક્ષેપો થયા છે. પાકિસ્તાનને નિશાન બનાવી રહેલા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નો અફઘાનિસ્તાનમાં બેઝ છે જ્યાંથી તે હુમલાઓ કરે છે.

ટીટીપીની ગતિવિધિઓએ ભૂતકાળમાં પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તણાવ પેદા કર્યો છે. હવે પાકિસ્તાન સરકારના સૂત્રોએ ખુલ્લેઆમ આરોપ લગાવ્યો છે કે કાબુલ પર કબજો કરી રહેલા તાલિબાને આઈએસ-ખુરસાન સિવાય આવા તમામ જૂથોને રક્ષણ આપ્યું છે. નિરીક્ષકોના મતે આ વખતે પાકિસ્તાન દ્વારા તાલિબાન વિરુદ્ધ જે કડક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પહેલા જોવા મળ્યો ન હતો.

ગયા શુક્રવારે પાકિસ્તાન આર્મીના પબ્લિક રિલેશન ઓફિસે એક નિવેદનમાં કહ્યું હતું કે- TTPને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય અને તેની પ્રવૃત્તિઓને ચલાવવાની સ્વતંત્રતા મળી છે, જેની અમે નિંદા કરીએ છીએ. શનિવારે સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાલિબાન પર “તેમના પડોશી અને મિત્ર દેશો પ્રત્યેની તેમની ફરજની અવગણના” કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે તાલિબાન દોહા શાંતિ સમજૂતીમાં કરવામાં આવેલા તેના વચનોનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરી રહ્યું છે. ખ્વાજાએ કહ્યું- ‘આ સ્થિતિને લાંબા સમય સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય નહીં.

પાકિસ્તાને હજુ સુધી તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી કે તે TTP ઠેકાણાઓ પર હુમલો કરવા માટે સરહદ પાર કરશે કે કેમ. પરંતુ વિશ્લેષકોના મતે, પાકિસ્તાનની ધીરજ બરતરફ થઈ રહી છે, પાકિસ્તાનની સેના અને સરકારે આ સંકેત આપવામાં કોઈ કસર છોડી નથી. પાકિસ્તાની અખબારોમાં છપાયેલી ટિપ્પણીઓ આરોપ લગાવે છે કે TTP કાબુલ સરકારની સૌથી નજીકની સાથી છે. એક રીતે, તે કાબુલથી ચાલતી સરકારનો એક હિસ્સો છે. આ રીતે પાકિસ્તાન પર થયેલા આતંકવાદી હુમલાનો દોષ હવે આડકતરી રીતે તાલિબાન સરકાર પર ઢોળી રહ્યો છે. જનરલ મુનીરની ઈરાન મુલાકાત દરમિયાન જારી કરાયેલ સંયુક્ત નિવેદનને આ સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠનોના ચાલી રહેલા ઠેકાણાઓથી ઈરાન પણ પરેશાન છે.

કર્ણાટક વિધાનસભામાં સ્પીકર તરફ પેપર્સ ફેંકાયા, 10 બીજેપી ધારાસભ્યો સસ્પેન્ડ

કર્ણાટક વિધાનસભામાં બુધવારે અત્યંત અસ્તવ્યસ્ત દ્રશ્ય જોવા મળ્યું હતું. બપોરના ભોજન માટે રોકાયા વિના ગૃહની કાર્યવાહી ચલાવવાના સ્પીકરના નિર્ણયથી નારાજ ભાજપના સભ્યોએ સ્પીકરના પોડિયમ તરફ કાગળો ફેંક્યા હતા. જ્યારે ડેપ્યુટી સ્પીકર રૂદ્રપ્પા લામાણી કાર્યવાહી ચલાવી રહ્યા હતા ત્યારે ભાજપના સભ્યોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ પછી, સ્પીકર પર પેપર ફેંકવાના આરોપમાં 10 બીજેપી ધારાસભ્યોને બાકીના વિધાનસભા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, કર્ણાટક વિધાનસભા સત્રમાંથી ભાજપના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા પછી, ભાજપ અને જેડીએસએ સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની નોટિસ આપી છે.

 


ગૃહની કાર્યવાહી દરમિયાન, વિપક્ષ ભાજપ અને જેડીએસના ધારાસભ્યો વિરોધ કરવા માટે વેલમાં આવ્યા, કોંગ્રેસ સરકારે તેના ગઠબંધન નેતાઓની સેવામાં 30 IAS અધિકારીઓને તૈનાત કર્યાનો આરોપ લગાવ્યો. જેઓ 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ ઘડવા માટે બેંગલુરુમાં સોમવાર અને મંગળવારે મળ્યા હતા અને નવા જોડાણને ભારતનું નામ આપ્યું હતું.


મઘ્યાહ્ન ભોજન માટે વિરામ

ધાંધલ ધમાલ વચ્ચે સ્પીકર યુટી ખાદરે કહ્યું કે ગૃહની કાર્યવાહી લંચ માટે બંધ નહીં થાય અને બજેટ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રહેશે. આ પછી, ડેપ્યુટી સ્પીકર રુદ્રપ્પા લામાણી ગૃહનું સંચાલન કરી રહ્યા હતા, ત્યારે ગુસ્સે થયેલા ધારાસભ્યોએ અચાનક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ખુરશી તરફ કાગળો ફેંક્યા અને ધારાસભ્યોએ માંગ કરી કે કયા નિયમ હેઠળ લંચ રદ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો

ભાજપના સભ્યોએ સોમવારે વિપક્ષી નેતાઓ માટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા આયોજિત રાત્રિભોજનમાં સ્પીકર ખાડેર હાજરી આપવાનો મુદ્દો પણ વારંવાર ઉઠાવ્યો હતો. ઘણા સભ્યોએ વારંવાર ડેપ્યુટી સ્પીકર પર કાગળો ફેંક્યા પછી, જે રીતે ગૃહ ચલાવવામાં આવી રહ્યું હતું તેના પર વાંધો ઉઠાવ્યો, એસેમ્બલી માર્શલ્સે સ્પીકરને ઘેરી લીધા અને લામાણીને બચાવવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપના ધારાસભ્યોના બેફામ વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી ડેપ્યુટી સ્પીકરે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી.

 

ભાજપના ધારાસભ્ય બેહોશ થઈ ગયા

અગાઉના દિવસે, વિધાનસભાએ કોઈપણ ચર્ચા વિના પાંચ બિલ પસાર કર્યા હતા, જ્યારે ભાજપ અને જેડી(એસ) સભ્યોએ ગૃહમાં વિરોધ કરવાનું ચાલુ રાખ્યું હતું. ડેપ્યુટી સ્પીકરે ગૃહને સ્થગિત કર્યા પછી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈ સહિતના ભાજપના નેતાઓએ કહ્યું કે તેઓ સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું વિચારી રહ્યા છે. કર્ણાટક વિધાનસભાની બહાર હંગામા બાદ કર્ણાટક ભાજપના ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલ બેહોશ થઈ ગયા. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

જૈન સાધુની હત્યાની તપાસ CID કરશે

કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ બુધવારે આ મહિનાની શરૂઆતમાં બેલાગવી જિલ્લામાં એક જૈન સાધુની ક્રૂર હત્યાની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) તપાસની જાહેરાત કરી હતી. વિરોધ પક્ષ ભાજપ અને જૈન સમુદાયના એક વર્ગે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સિદ્ધારમૈયાએ વિધાનસભામાં નિવેદન આપ્યું હતું અને ઘટના અને અત્યાર સુધીની તપાસની વિગતો શેર કરતાં કહ્યું હતું કે આ મામલો સંવેદનશીલ હોવાથી અને લોકોની વિનંતી બાદ આ બાબતની તપાસ CID દ્વારા કરવામાં આવશે.

 

નંદી પર્વત આશ્રમના જૈન સાધુ કામકુમાર નંદી મહારાજની ચિક્કોડી તાલુકાના હિરેકોડી ગામમાં કથિત રીતે હત્યા કરવામાં આવી હતી અને તેમના મૃતદેહને રાયબાગ તાલુકાના ખટકભાવી ગામમાં બોરવેલના ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં નારાયણ બસપ્પા માડી અને હસન દલાયથની ધરપકડ કરી છે.