Home Blog Page 2697

ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટે શૈક્ષણિક સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજ્યો

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત પૂરી થાય તેટલી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ૬૨માં જન્મદિવસ નિમિત્તે ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળા સેક્ટર -૮ માં શૈક્ષણિક સામગ્રીના વિતરણ નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉદગમના શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવને આવકારીને ઉદગમ ટ્રસ્ટ દ્વારા શાળામાં કરવામાં આવતા શૈક્ષણિક કાર્યોની માહિતી આપી હતી .


ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય રીટાબેન પટેલે ઉદગમના સેવાકાર્યોને બિરદાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શિક્ષણને પાયાની જરૂરીયાત માનીને ખુબ કામ કરવામાં આવી રહ્યું છે. તેઓએ સેક્ટર -૮ના સક્ષમ દાતાઓને શાળાના જરૂરીયાતમંદ બાળકોને દત્તક લેવા માટે ઉદગમ સંસ્થાને પ્રયાસ કરવાની અપીલ કરી હતી.

 

અતિથિવિશેષ પદે  વોર્ડ નં -૧૦ ના નગરસેવક મહેન્દ્રભાઈ પટેલ(દાસ) એ ધારાસભ્યની અપીલને પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. સાથોસાથ ધારાસભ્ય રીટાબેન પટેલની અપીલને વધાવતા ગાંધીનગરના ગાયનેકોલોજિસ્ટ ડો. નીતાબેન શેખાતે ૫ દીકરીઓ અને સામાજિક કાર્યકર મનોજભાઈ જોષીએ બે બાળકો અભ્યાસ માટે દત્તક લેવાની જાહેરાત કરી હતી.

શાળાના વંચિત બાળકોને અભ્યાસ માટે નાના બાળકોને દફતર, તથા ફુલ સ્કેપ ચોપડા અને પેન્સિલ, રબર, ફુટપટ્ટી, સ્કેચપેન, ડ્રોઈંગ બુક ની કીટ વિતરણ કરવામાં આવ્યા. શાળાની દીકરીઓને મનોજભાઈ જોશી એ પ્રોત્સાહન રૂપે રૂપિયા 501 નું કવર ભેટ આપ્યું હતું.

 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ૬૨માં જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય રીટાબેન પટેલના હસ્તે કેક કાપવામાં આવી અને બાળકોને ચોકલેટનું વિતરણ કરવાંમાં આવ્યું. ઉદગમ ટ્રસ્ટના સર્વે ઈંટર્ન્સને સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

‘તુમ કહો મૈં સુનૂ…’ કન્સેપ્ટ નવો છે!

દીકરા મારી પાસે પૈસા તો ઘણા છે પરંતુ મારી સાથે વાત કરનાર કોઇ નથી. તારી સાથે મનની વાત કરી ઘણું સારું લાગ્યું. આ શબ્દો અમદાવાદના ધનીક વિસ્તારમાં રહેતા 75 વર્ષના દાદાના છે. જેમના સંતાનો વિદેશમાં સ્થાઇ છે. અને તેમની વાત દીલખોલીને જે સાંભળી રહ્યો છે તે 26 વર્ષનો યુવાન છે. જેનું કામ જ એકલતાથી પીડાતા, ડિપ્રેશનનો ભોગ બનેલા અને પોતાની વાત કોઇને ન કહી શકતા લોકોને સાંભળવાનું છે. જી હા, વાત છે અમદાવાદના લીસ્ટનર મેન પ્રફુલ પરમારની.

2014માં બોલીવુડના ભાઇજાન એટલે કે સલમાન ખાનની ફિલ્મ આવી હતી ‘જય હો’, જો કે તે સારી હોવા છતા વિવાદોને કારણે ઝાઝી કમાણી કરી શકી નહીં, પરંતુ તેમાં એક સુંદર વાત રજૂ કરવામાં આવી હતી. ‘તમારી હેલ્પ કોઇ કરે તો તેને થેન્કસ કહેવાની જગ્યાએ ત્રણ વ્યક્તિની મદદ કરવી અને તેમને પણ કહેવું કે તે પણ થેન્કસ કહેવાની જગ્યાએ અન્ય કોઇ ત્રણ વ્યક્તિની મદદ કરે’ જેના કારણે સારી ભાવનાની એક ચેઇન શરૂ થાય અને લોકો એકબીજાની મદદ કરતા થાય. પ્રફુલ પરમારે આવી કોઇ ચેઇન તો શરૂ નથી કરી પરંતુ હા, તેમણે એકલા રહેતા, અને પોતાની કોઇ વ્યક્તિની ઝંખના કરતા લોકો માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

મૂળ મહેસાણાના અને પરિવાર સાથે અમદાવાદમાં રહેતા ગુજરાતી વિષય સાથે સ્નાતક થેયેલા પ્રફુલ પરમાર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, આજની ફાસ્ટ લાઇફમાં કોઇની પાસે સમય નથી કે તે કોઇની વાત સાંભળે, સમજે, કે પછી તેમની મદદ કરે, ઘણી જગ્યાએ તો પોતની કોઇ વ્યક્તિથી જ અન્યને દુઃખ મળ્યું હોય છે. આવી કોઇ પણ વ્યક્તિ સાથે મુલાકાત થાય ત્યારે તેમની માટે બધુય કરી છુટવાની ભાવના થતી. આવા વિચારે જ મને લોકોની વાત સાંભળવાની પ્રેરણા આપી.

વર્તમાન સમયમાં ડિપ્રેશન, એનસાઇટી જેવી અનેક સમસ્યા સામે લોકો લડી રહ્યાં છે, ત્યારે અમારા આ પ્રયત્નથી થોડી પણ મદદ કોઇને થાય તો અમને ખુશી થાય છે. અત્યાર સુધીમાં બેથી પાંચ હજાર લોકોને મળ્યાં છીએ. અને 400થી 500 લોકોની સ્ટોરી સાંભળી છે. છેલ્લા છ મહિનાથી આ કેમ્પેઇન ચાલે છે. વીકમાં બે દિવસ એટલે કે શુક્રવાર સાંજે 6થી 8 અને રવિવાર સવારે 7 થી 10ના સમયગાળામાં હું અને મારી છ વ્યક્તિની ટીમ સરદારબ્રિજ રિવરફ્ર્ન્ટ પર અમદાવાદીઓને મનખોલીને સાંભળીએ છીએ અને તેમની મદદ પણ કરીએ છીએ. લોકોનો સારો પ્રતિભાવ છે. તો સાથે એ પણ જાણવા મળ્યું કે લોકો ઘણા એકલા છે તેમને મિત્રની અને પોતાનું કહી શકાય એવા સબંધની જરૂ છે.

પ્રફુલ પરમાર અને તેમની પાંચ વ્યક્તિની ટીમ રીવરફ્રન્ટ પર હાથમાં FREE HUG, TELL YOUR STORY, HIGH-5 FOR MAKING IT SO FAR!, તુમ કહો મૈં સુનૂ, ના બોર્ડ હાથમાં લઇને ઊભા રહે છે. વધૂમાં પ્રફુલભાઇ કહે છે, ધીમે –ધીમે લોકો મારી સાથે જોડાતા ગયા. કોઇ નાના બાળકો અમને જોઇને તેમની કાલીઘેલી ભાષામાં સ્ટોરી સંભળાવે છે તો કોઇ વડીલ પોતાનું દીલ આંખોના ખુણા લુંછતા અમારી આગળ ખોલે છે. તો વળી કોઇ યુવાન પોતાના બ્રેકઅપની વાત કરે છે, અને મહિલાઓ પણ પોતાની અમારી સાથે બેફીકરાઇથી વાત કરે છે. અત્યારે 70થી 75 લોકો અમારી ટીમ સાથે જોડાયા છે. લોકોમાં હેલ્પ કરવાની અને અન્યને સમજવાની ભાવના તો છે પરંતુ માધ્યમ નથી મળતું. અમારા આ કેમ્પઇનથી લોકોને એ માધ્યમ મળ્યું છે.

વગર ડ્યૂટી પર આવ્યે પગાર મેળવતા UPના 742 ડોક્ટરો

લખનઉઃ ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાં તહેનાત આશરે 742 ડોક્ટરો લાંબા સમયથી ડ્યુટીથી ગાયબ માલૂમ પડ્યા હતા, જેમાં કેટલાંક પાંચ વર્ષથી વધુ સમયથી કામ પર નહોતા આવી રહ્યા. ડિરેક્ટોરેટ ઓફ મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસિસે 2010થી 2022ની વચ્ચે નિયુક્ત થયેલા આ ડોક્ટરોની યાદી રાજ્ય સરકારને સોંપી છે અને ટૂંક સમયમાં તેમની સર્વિસ ખતમ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. આરોપ છે કે આમાં કેટલાક ડોક્ટર આરોગ્ય વિભાગના અધિકારીઓની મિલીભગતથી વિના કામ કર્યે નિયમિત પગાર પણ લઈ રહ્યા હતા.

શું છે પૂરો મામલો?

ઉત્તર પ્રદેશના આરોગ્ય વિભાગની એક મોટી લાપરવાહીને કારણે 700થી વધુ ડોક્ટરો કામ પર ના આવવા છતાં તેઓ પગાર મેળવી રહ્યા હતા અને આવું એ વિભાગમાં મિલીભગતની સાથે કરી રહ્યા હતા. આ મુદ્દે બોલતાં મેડિકલ અને હેલ્થ સર્વિસના ડિરેક્ટર (વહીવટી) ડો. રાજગણપતિ આરે કહ્યું હતું કે લાપતા ડોક્ટરોને સ્પષ્ટીકરણ માગવા માટે સતત ત્રણ નોટિસ મોકલવામાં આવી હતી, પણ એમાંથી કોઈએ જવાબ નથી આપ્યો.તેમની પાસેથી પગારની વસૂલાતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

કેવી રીતે સામે આવ્યો મામલો?

ડોક્ટરોના ગાયબ થવાના મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે ઉપ મુખ્ય મંત્રી બ્રજેશ પાઠકને નિરીક્ષણ દરમ્યાન કેટલાક ડોક્ટરોને ડ્યુટી પરથી ગાયબ થયેલા માલૂમ પડ્યા હતા. ત્યાર બાદ તેમણે મેડિકલ અને હેલ્થ ડિરેક્ટોરેટને લાંબા સમયથી ગાયબ બધા ડોક્ટરોની રાજ્યવ્યાપી યાદી તૈયાર કરવા માટે નિર્દેશ આપ્યા હતા, જે પછી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. છેલ્લા ચાર મહિનામાં મંત્રે કમસે કમ 29 ડોક્ટરોની સેવાઓ પૂરી કરી નાખી છે, જે લાંબા સમયથી કામ પર નહોતા આવ્યા.

આગ્રાના એક વરિષ્ઠ સરકારી ડોક્ટરે કહ્યું હતું કે UPમાં એવી કોઈ સરકારી હોસ્પિટલ નહીં હોય, જ્યાં આવશ્યક સંખ્યામાં ડોક્ટર અને પેરામેડિકલ કર્મચારીઓ ડ્યુટી પર હોય. જિલ્લા હોસ્પિટલો અને ગ્રામીણ ક્ષેત્રોનાં આરોગ્ય કેન્દ્રોમાં સ્થિતિ બદથી બદતર છે.

 

 

 

 

એશિયન ગેમ્સ-2023: BCCIએ ભારતીય ટીમનું એલાન કર્યું

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ-2023 માટે BCCIએ ભારતીય ટીમનું એલાન કર્યું છે. ભારતીય સિલેક્ટર્સે બધાને ચોંકાવતાં આ ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાની કમાન ઋતુરાજ ગાયકવાડના હાથોમાં સોંપી છે. જ્યારે IPL 2023માં સારો દેખાવ કરનારા ક્રિકેટરોને ટીમમાં સામેલ કર્યા છે.

એશિયન ગેમ્સ-2023 માટે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવાનો નિર્ણય ઘણો ચોંકાવનારો તો છે, કેમ કે એવું માનવામાં આવતું હતું કે શિખર ધવનને આ ટુર્નામેન્ટ માટે ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવશે. જોકે ઋતુરાજને IPL-2023 અને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર દેખાવ કરવા બદલ બેવડું ઇનામ આપવામાં આવ્યું છે.

વેસ્ટ ઇન્ડીઝની સામે થનારી T-20 સિરીઝ માટે રિંકુ સિંહને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો, પરંતુ એશિયન ગેમ્સ-2023 માટે રિન્કુ સિંહને એશિયન ગેમ્સ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત IPLમાં સારો દેખાવ કરનારા-જિતેશ શર્મા, તિલક વર્મા, રાહુલ ત્રિપાઠી, પ્રભાસિમસન સિંહ, શિવમ માવી અને મુકેશ કુમાર જેવા ક્રિકેટરોને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ સાથે આ ટીમમાં શિવમ દુબેની લાંબા સમય પછી ભારતીય ટીમમાં વાપસી થઈ છે. દુબેએ IPLમાં CSK વતી સુંદર દેખાવ કર્યો હતો. આ સાથે વોશિંગ્ટન સુંદર પણ T20 ટીમમાં કમબેક કરવામાં સફળ રહ્યો હતો. એશિયન ગેમ્સ-2023 માટે શિખર ધવનને ટીમમાં સામેલ નથી કર્યો, જ્યારે ધવનને 2022માં છેલ્લી વનડે મેચ રમી હતી અને છેલ્લી T20 વર્ષ 2021માં રમી  હતી. આ સાથે દીપક હુડ્ડા અને વેંકટેશન ઐયરને એશિયન ગેમ્સની ટીમ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

 

 

 

 

 

મહેસાણામાંથી ‘નકલી માર્કશીટ’ મોટું કૌભાંડ પકડાયું

અમદાવાદઃ રાજ્યમાં નકલી માર્કશીટનું મોટું કૌભાંડ મહેસાણાથી પકડાયું છે. મહેસાણામાં માત્ર બે મિનિટમાં ડુપ્લિકેટ ડોક્યુમેન્ટનું રેકેટ ઝડપાયું છે. આ નકલી માર્કશીટથી લોકો સરકારીની સાથે-સાથે ખાનગી નોકરીઓ પણ મેળવતા હોવાની માહિતી સામે આવી છે. મહેસાણાના બેચરાજીમાં એક ઝેરોક્સની દુકાનમાં આ કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. મહેસાણા LCB દ્વારા સંચાલક કુલદીપ હરગોવિંદ સોલંકી સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મહેસાણાના બેચરાજીના શંખલપુર ગામે રહેતો 23 વર્ષીય કુલદીપ પરમાર અને એક અન્ય યુવક બેચરાજીમાં દુકાન ભાડે રાખી પોતાના કોમ્પ્યુટરમાં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમાની માર્કશીટો સ્ટોર કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા પકડાયા છે. આ યુવકોએ બે માસમાં 50 વિદ્યાર્થીને નકલી માર્કશીટ બનાવી આપી હતી. હાલ કેટલાક વિદ્યાર્થીઓ આ માર્કશીટ પર અલગ-અલગ કંપનીમાં નોકરીએ પણ લાગી ગયા હોવાનું સામે આવ્યું છે.

કુલદીપે બે માસમાં 50 વિદ્યાર્થીને ધોરણ 10થી માંડી ITI સુધીની નકલી માર્કશીટ બનાવી આપી છે. આ કામના બદલે તે રૂ. 1500 રૂપિયા ચાર્જ પણ લેતો હતો. જોકે દરોડા દરમિયાન મહેસાણા LCB ટીમે કુલદીપ પરમાર અને વિજય સિંહ લક્ષમણ સિંહને ઝડપી પાડ્યા હતા.

સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે યુવક વિડિયોમાં કહી રહ્યો હતો કે ‘હું જ પ્રિન્સિપાલ, હું જ ટીચર’ છું’, એમ કહીને વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી વેચતો હતો. હાલ તો આ વાઇરલ વિડિયોએ પણ ચર્ચા જગાવી છે. ધોરણ 10 હોય કે ડિપ્લોમા હોય, તમામની માર્કશીટ મિનિટોમાં તૈયાર કરી આપતો હતો. તેઓ ખુલ્લેઆમ આ કૌભાંડ ચલાવી રહ્યા હતા. તેઓ LC પણ કાઢી આપતા હતા.

પોલીસે દુકાનમાં ઘૂસી દરોડા પાડયા હતા. આ દુકાનમાં તપાસમાં કોમ્પ્યુટરમાંથી એક ફોલ્ડરમાં ઓરિજિનલ માર્કશીટ મૂકી હતી, જેને એડિટિંગ કરી અન્ય વિદ્યાર્થીઓનાં નામો એડ કરી તેમને 1500 રૂપિયામાં નકલી માર્કશીટ આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.

 

 

 

 

બિહાર રાજકારણઃ ચિરાગ પાસવાન–ભાજપ વચ્ચે ગઠબંધન નક્કી થયું

નવી દિલ્હીઃ બિહારના રાજકારણમાં ચિરાગ પાસવાન અને ભાજપ ફરી એક વાર સાથે દેખાશે, એ લગભગ નક્કી થઈ ગયું છે. ગયા સપ્તાહે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે ચિરાગ પાસવાન સાથે મુલાકાત કરી હતી. હવે ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને પત્ર લખીને 18 જુલાઈએ થનારી NDAની મીટિંગમાં આમંત્રિત કર્યા છે. આ પત્રમાં ચિરાગ પાસવાનની પાર્ટી જનશક્તિ (રામ વિલાસ)ને NDAનો મહત્ત્વનો હિસ્સો જણાવ્યો છે.

ભાજપાધ્યક્ષે દિલ્હીની હોટેલ અશોકમાં વડા પ્રધાનની હાજરીમાં NDAની બેઠકમાં ઉપસ્થિત રહેવા ચિરાગ પાસવાનને આમંત્રણ આપ્યું છે. NDAના મહત્ત્વના ઘટક દળ તરીકે તમારી ભૂમિકા અને તમારો સહયોગ ગઠબંધનને ના માત્ર મજબૂત બનાવશે, પણ દેશની વિકાસ યાત્રાને દ્રઢતા પ્રદાન કરશે.

 કાકા કરતાં વધુ લાભ કરાવશે ચિરાગ પાસવાન?

ઓક્ટોબર, 2020માં ચિરાગ પાસવાનના નિધન પછી તેમના કાકા પશુપતિ પારસે પાર્ટી પર દાવો કર્યો હતો. મોદી સરકારમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે લોકસભા ચૂંટણી 2024થી પહેલાં ભાજપે ફરી એક વાર ચિરાગ પાસવાનનો સાથ લેવાના સંકેત સ્પષ્ટ કરી ચૂકી છે. ચિરાગ પાસવાનની પાસે આ સિવાય કોઈ અન્ય વિકલ્પ પણ નથી દેખાતો.

અહેવાલ છે ચિરાગ પાસવાનને મોદી સરકારમાં મંત્રીપદ અપાય એવી શક્યતા છે. જો એવું થયું તો પશુપતિ પારસની ઉપસ્થિતિ પર સવાલ ઊભા થશે. અહેવાલ છે કે ચિરાગ પાસવાન આગામી લોકસભાની ચૂંટણીમાં કાકા પશુપતિની વિરુદ્ધ અથવા ખુદ ચૂંટણી લડી શકે છે અથવા હાજીપુર લોકસભા સીટ પરથી પાર્ટીના કોઈ મોટો ચહેરો ઉતારી શકે છે. રામ વિલાસ પાસવાન આ સીટ પરથી આઠ વાર સાંસદ ચૂંટાઈ આવ્યા છે. ચિરાગ હાલ જમુઈથી સાંસદ છે.

 

 

 

કોરાનાના 50 નવા કેસો, એકનું પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 50 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,765 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,914 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,497 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 42 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1408એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 46,514 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.31 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,47,103 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 399 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સોનમ ખાને નામ બદલી ઉંમર છુપાવી

‘ત્રિદેવ’ (૧૯૮૯) થી વધારે જાણીતી થનાર અભિનેત્રી સોનમ ખાને એટલી નાની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો કે નામ બદલવા સાથે ઉંમર છુપાવી હતી. સોનમે પરિવારને મદદરૂપ થવા ૧૪ વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ શરૂ કર્યું હતું. રઝા મુરાદની એ ભત્રીજી હતી અને દાદા બોલિવૂડ સાથે સંકળાયેલા હોવાથી બોલિવૂડમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી ન હતી. સોનમ એક ફોટોસેશન કરીને ફિરોઝ ખાનને બતાવવા ગઈ હતી. એમણે સ્ક્રીન ટેસ્ટ લઈને ફિલ્મ ‘યલગાર’ માટે સાઇન કરી લીધી હતી. ફિરોઝે ખાસ કહ્યું હતું કે તારું નામ સારું હોવાથી ના બદલીશ.

સોનમનું નામ બખ્તાવર ખાન હતું. પરંતુ એમણે કોઈ કારણથી ત્યારે ‘યલગાર’ બંધ કરી દીધી અને ‘દયાવાન’ (૧૯૮૮) બનાવવાનું આયોજન કર્યું હતું. ફિરોઝે એને ફિલ્મમાં વિનોદ ખન્ના સામે લઈ શકે એમ ના હોવાનું જણાવ્યું હતું. કેમકે તે વિનોદ સામે ઉંમરમાં હકીકતમાં નાની હતી અને દેખાતી પણ હતી. તે એમાં વિનોદની પુત્રીની ભૂમિકા પણ આપવા માગતા ન હતા. કેમકે એ સમયમાં કલાકાર ટાઈપકાસ્ટ થઈ જતાં હતા. પહેલી વખત પુત્રીની ભૂમિકા ભજવ્યા પછી એવી જ ભૂમિકાઓ મળે એમ હતી. તેથી હીરોઈન તરીકે તક મળવાની શક્યતા રહેતી ન હતી. સોનમે એમની વાત માની લીધી અને બીજા નિર્માતાઓને ત્યાં ચક્કર મારવા લાગી હતી. એક જગ્યાએ એને રિશી કપૂર મળી ગયા. એમણે કહ્યું કે યશ ચોપડા એની સાથે એક ફિલ્મનું આયોજન કરી રહ્યા છે. તું પ્રયત્ન કરી જો. અને ‘યલગાર’ માટે ફિરોઝે જે સ્ક્રીન ટેસ્ટ લીધો હતો એ લઈને સોનમ યશ ચોપડાને મળી.

યશ ચોપડાએ સ્ક્રીન ટેસ્ટથી પ્રભાવિત થઈ એને ફિલ્મ ‘વિજય’ (૧૯૮૮) માટે ઋષિ કપૂર સામે સાઇન કરી લીધી. પણ એમ કહીને નામ બદલવા કહ્યું કે બખ્તાવર ખાન ડાકુનું હોય એવું લાગે છે. એમણે જ નવું નામ સોનમ પણ આપી દીધું. યશજીએ સોનમને એક સારી વાત એ કહી કે એ તેની સાથે કોઈ ખાસ પ્રકારનો કરાર કરશે નહીં. ફિલ્મ મલ્ટીસ્ટારર હતી અને એમાં સોનમની ભૂમિકા નાની હતી એટલે એમણે એને બીજી ફિલ્મો સાઇન કરવા આઝાદી આપી હતી. અને સોનમે ટૂંકા ગાળામાં અનેક ફિલ્મો સાઇન કરી લીધી હતી. એ રોજ બે-ત્રણ શિફ્ટમાં કામ કરતી હતી. સોનમે યશજીને પોતાની ઉંમર ખોટી બતાવી હતી. એ ૧૪ વર્ષની હતી પણ ૧૮ વર્ષની કહી હતી. જ્યારે ફિલ્મ ‘વિજય’ ના શૂટિંગ માટે વિદેશ જવાનું થયું અને એનો સ્કૂલનો દાખલો માગ્યો ત્યારે પોલ ખૂલી ગઈ હતી. એમણે સોનમને ફિલ્મમાંથી કાઢી મૂકવાની વાત કરી હતી. પરંતુ સોનમે કરગરીને એમને મનાવી લીધા હતા. સોનમે પહેલી ફિલ્મ ‘વિજય’ માં બિકિનીમાં બિન્દાસ દ્રશ્યો આપીને ધમાલ મચાવી દીધી હતી. તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. યશ ચોપડાની સલાહ હતી કે કારકિર્દી સારી ચાલી રહી હોવાથી લગ્ન ના કરીશ. પણ સોનમે નિર્દેશક રાજીવ રાય સાથે લગ્ન કરીને ફિલ્મોને અલવિદા કહી દીધું હતું.

અપવિત્ર ધન જતી વખતે સમસ્યાઓ સર્જીને જાય છે

સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિને અર્થે કોઈ મનુષ્યની હિંસા કોઈ પણ પ્રકારે ક્યારેય ન કરવી, એવું સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક 13માં કહેવામાં આવ્યું છે.

આપણે ધનની વાતો કરી રહ્યા છીએ અને આ શ્લોકમાં ધનનો ઉલ્લેખ છે. ધન પ્રાપ્ત કરવા માટે હિંસાનો સહારો લેવો નહીં એ ઘણી જ મહત્ત્વની વાત આ શ્લોકમાં કરાઈ છે. અહિંસા પણ મન, વચન અને કર્મની હોવી જોઈએ. વળી, અહિંસા માત્ર મનુષ્યો માટે નહીં, તમામ જીવો માટે હોવી જોઈએ.

આપણે સૌથી પહેલાં કર્મની અહિંસા વિશે વાત કરીએ. એક બોધકથા મુજબ, જંગલમાંથી પસાર થતા એક માણસને ડાકુઓ લૂંટી લેવા માટે આંતરે છે અને કટારીથી મારી નાખે છે. એ જ વખતે એક હૉસ્પિટલમાં કોઈ અસાધારણ બીમારી ધરાવતા દરદી પર ઓપરેશન ચાલી રહ્યું હોય છે. દરદી જીવતો રહેવાની શક્યતા સાવ ઓછી હોય છે. બધાએ આશા છોડી દીધી હોય છે, પરંતુ ડૉક્ટરોના નિયમ પ્રમાણે છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન છોડવામાં આવતા નથી. ડૉક્ટર દરદીના પેટ પર કાપો મૂકે છે અને દરદીનું મોત થાય છે.

આમાંથી કઈ ઘટનામાં હિંસા થઈ કહેવાય? શ્લોકમાં કહેવાયું છે કે ધન કમાવા માટે હિંસાનો સહારો લેવો નહીં. ડાકુઓના કિસ્સામાં ધન પ્રાપ્ત કરવાનો ઈરાદો હતો અને ડૉક્ટરના કિસ્સામાં જીવ બચાવવાનો પ્રયાસ હતો.

જો જીવજંતુઓને લીધે રોગચાળો ફેલાતો હોય તો તેને દૂર કરવાની જરૂર પડે છે. રોગચાળો મનુષ્યને, ઊભા પાકને કે અન્ય જીવને લાગુ પડી શકે છે. આવા સમયે જીવ હણવાને કદાચ હિંસા ન કહેવાય. જો જીવજંતુઓ કે અન્ય જીવને મારીને તેમાંથી ખાદ્યપદાર્થ બનાવીને કે વસ્ત્રો તૈયાર કરીને પૈસા રળવાનો ઉદ્દેશ્ય હોય તો એ હિંસા કહેવાય.

આમ, હિંસા-અહિંસા વચ્ચે ઘણી પાતળી ભેદરેખા હોય છે. શું આપણે મત્સ્યોદ્યોગને કે માછીમારને હિંસાવાદી કહી શકીએ? આ પ્રશ્ન ગહન ચર્ચા માગી લેનારો છે. ક્યારેય કોઈની ટીકા કરવી નહીં, કારણકે એ પણ હિંસા છે. એ હિંસા મનથી થયેલી હિંસા છે.

ઘણી વખત હિંસા અનિવાર્ય હોય છે. જ્યારે પણ ઘર, ઑફિસ, ફેક્ટરી, રસ્તા, રેલવે, બંધનું બાંધકામ થતું હોય કે બીજું કોઈ ડેવલપમેન્ટ થતું હોય ત્યારે મોટાપાયે જીવહિંસા થતી હોય છે. તો શું એ બાંધકામ કરવું નહીં? શું એ હિંસા ટાળી શકાય છે? શું આપણે ભટકતી જાતિની જેમ જંગલમાં રહેવું?

શું આપણે રસ્તા, પુલ, બંધ, રેલવે, વગેરે વગર જીવી શકીએ છીએ? આ બધી વસ્તુઓ આખરે તો મનુષ્યોના લાભાર્થે કે કોઈની આવક માટે જ બંધાતી હોય છે.

પ્રાણી સંગ્રહાલય, પશુઓના રક્ષણ માટેના કેન્દ્ર કે દવાખાનું કે હૉસ્પિટલનું બાંધકામ થતું હોય ત્યારે શું થાય છે?

પ્રાણીઓ માટેની જગ્યાઓ બંધાય એ પણ બાંધકામ છે. બાંધકામને લગતા આ સવાલ માટે મારી પાસે સ્પષ્ટ જવાબ નથી. આમ છતાં, ઉક્ત શ્લોકને લક્ષમાં રાખીને વિચાર કરવો જરૂરી છે. એ વખતે કઈ બાબત ધ્યાનમાં લેવી? શું ફક્ત પૈસા કમાવા માટે હિંસાનો આશરો લેવાયો છે? શું મૂળભૂત જરૂરિયાત પૂરી કરવા માટે હિંસા કરાઈ છે કે પછી મોજશોખની વસ્તુઓ લેવા માટે કરાઈ છે? શું તેનાથી જીવોનું કલ્યાણ થવાનું છે? શું એ હિંસા કરવાથી મન શાંત થાય છે કે મનની શાંતિ ડહોળાય છે?

મન અને વચનથી પણ હિંસા કરવાનું પણ સ્વીકાર્ય નથી. કોઈને ઘર ખાલી કરવા માટે ધમકાવવું, પરાણે પૈસા પડાવવા, ઉદ્ધત વર્તન કરવું, એ બધા પણ હિંસાના પ્રકાર છે. કોઈની પરિસ્થિતિનો કે નબળાઈનો ગેરલાભ લેવાનું પણ ખોટું છે. કોઈ ડૉક્ટર સર્જરી પહેલાં કે સર્જરી દરમિયાન દરદીના પરિવાર પાસેથી વધારે પૈસા માગે એ પણ હિંસાનું જ સ્વરૂપ છે.

કોઈની સંપત્તિ વિશે ખરાબ ભાવના રાખવી એ પણ હિંસા છે. બધા જ શ્રીમંતો ગરીબોનું શોષણ કરીને ધનવાન બન્યા છે, સરકાર હંમેશાં પૈસાદારોને લાભ થાય એવા જ નિયમો ઘડે છે, એણે આટલા બધા પૈસા ખોટા રસ્તે જ કમાયા હશે, વગેરે જેવા વિચારો હિંસા દર્શાવે છે. એમાં માણસની ઈર્ષ્યા પણ ઝળકે છે. ઈર્ષ્યાને લીધે લોભ, ચિંતા, ઘમંડ, લઘુતાગ્રંથિ જેવી લાગણીઓ પેદા થાય છે.

હિંસા કોઈ પણ સ્વરૂપે હોય, એ અપવિત્ર છે. અપવિત્ર ધનને લક્ષ્મી ન કહેવાય. લક્ષ્મી ન કહી શકાય એવું ધન લાંબું ટકતું નથી. ઉલટાનું, તે જતી વખતે સમસ્યાઓ સર્જીને જાય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

 

ગુલકંદ – ૧૫ જૂલાઈ, ૨૦૨૩

ગુલકંદ – ૧૫ જૂલાઈ, ૨૦૨૩