Home Blog Page 2699

ગોલ્ડ મેડલ જીતવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનની એથ્લીટ જ્યોતિ યાર્રાજીને નીતા અંબાણીનાં અભિનંદન

મુંબઈઃ આપ સહુ જાણો છો તેમ રિલાયન્સ ફાઉન્ડેશનની જ્યોતી યાર્રાજીએ થાઈલેન્ડના બેંગ્કોક ખાતે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 100 મીટર હર્ડલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપ્સની આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી તે સૌપ્રથમ ભારતીય એથ્લીટ બની છે.

તેની આ સિદ્ધિ પર અભિનંદન પાઠવતા, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન, નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારા રિલાયન્સ ફાઉન્ડેશનની એથ્લીટ જ્યોતિ યાર્રાજીને હાલ ચાલ ચાલી રહેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સમાં 100 મીટર હર્ડલ્સ (વિઘ્ન દોડ) હરીફાઈમાં ગોલ્ડ જીતનારી સર્વપ્રથમ ભારતીય બનવા માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તમે કઠિન પરિશ્રમ અને દૃઢનિર્ધારની શક્તિ સાથે સર્વોચ્ચ કક્ષાના કૌશલ્ય અને ફીટનેસને પ્રદર્શિત કરી છે. તમે આખા દેશને ગૌરવ અપાવ્યું છે અને રમતગમત ક્ષેત્રમાં કાઠું કાઢવાનું સ્વપ્ન જોતી તમામ આકાંક્ષી એથ્લીટ્સ તથા યુવા દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છો. અમે, રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે સહુ કોઈ જ્યોતિની આ સિદ્ધિ પર ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને આપણા દેશના યુવાઓને રમતગમત ક્ષેત્રે આગળ વધીને તેમની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા પ્રોત્સાહિત કરવાની અમારી કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. આ સાથે આપણા ભારતીય રમતવીરોના સૂમહ તથા આપણા રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લીટ્સને આ ગેમ્સમાં વધુ સફળતા તથા વધુ રેકોર્ડ-બ્રેકિંગ ઈવેન્ટ્સની અઢળક શુભકામનાઓ પાઠવીએ છીએ. તમે આ રીતે જ સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરીને પ્રેરણાસ્ત્રોત બનતા રહો!”

ફાઈનલ ઈવેન્ટ બાદ જ્યોતિ યાર્રાજીએ જણાવ્યું હતું કે, વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ થવાનો તેને ખૂબ આનંદ છે. “તાજેતરના સમયગાળામાં મારી સ્પર્ધાઓમાં હું જે સાતત્યતા દર્શાવી રહી છું તેનાથી હું ખૂબ ખુશ છું. મને જાપાનીઝ સ્પ્રિન્ટર્સ તરફથી આકરી સ્પર્ધા મળવાની અપેક્ષા હતી, પરંતુ મેડલ્સ વિશે તો મેં બહુ વિચાર પણ નહોતો કર્યો, તેના બદલે મેં વધુ સારા સમય સાથે દોડ પૂર્ણ કરવા પર બધું ધ્યાન આપ્યું હતું. સતત 13 સેકન્ડની આસપાસના સમય સાથે રેસ પૂર્ણ કરતી રહીને, મને નજીકના ભવિષ્યમાં 12.9, 12.8 અને 12.7 સેકન્ડની આસપાસના સમય સાથે સતત દોડતા રહેવાનો ધ્યેય હાંસલ કરવાનો હવે પૂર્ણ વિશ્વાસ છે.”

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ‘એનએમએસીસી બચપન’ ઉત્સવનું આયોજન

મુંબઈ: નીતા અંબાણીએ ભાવિ પેઢીઓ માટે કળા અને સંસ્કૃતિનું જતન કરવાનું ધ્યેય રાખ્યું છે અને એના ભાગરૂપે અત્રેના ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે’ બાળકો અર્થે ‘એનએમએસીસી બચપન’ નામનો વિશેષ કાર્યક્રમ રાખ્યો છે. 2થી 14 વર્ષનાં બાળકો માટેની એ ખાસ પ્રસ્તુતિ રહેશે.

બાળકો જેમ જેમ મોટાં થતાં જાય એમ એમ સતત કંઈક નવું શીખતાં હોય છે અને એમનામાં સર્જનશક્તિ ખીલતી જતી હોય છે. આ જ બાબતને ‘એનએમએસીસી બચપન’ના કેન્દ્રમાં રાખવામાં આવી છે. બાળકો એમના વિકાસ માટેનાં આ વર્ષોમાં આનંદપ્રદ રીતે અને એકબીજા સાથે આદાનપ્રદાન કરીને કળા તથા સંસ્કૃતિ વિશે કંઈક શીખે એ માટે એમને પ્રોત્સાહિત કરવામાં આવશે. સાથે જ વાલીઓ પણ એમનાં સંતાનોના વિકાસની આ પ્રક્રિયાનાં સાક્ષી બને એવો આ કાર્યક્રમનો પ્રયાસ છે. આથી જ ‘એનએમએસીસી બચપન’માં આનંદ અને શિક્ષણ એ બન્નેનો સમન્વય કરવામાં આવ્યો છે.

એનએમએસીસીના સ્થાપક અને અધ્યક્ષા નીતા અંબાણીએ કહ્યું છે કે બાળકો માટેના વિશેષ ‘એનએમએસીસી બચપન’ ઉત્સવનું 11 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસોમાં અનોખા શૉ, સર્જનશીલતા માટેની કાર્યશાળાઓ સહિતના વિશેષ કાર્યક્રમો રાખવામાં આવશે. એના દ્વારા બાળકો મનોરંજનની સાથે સાથે પ્રેરણા પણ મેળવશે. આ ઉત્સવ વિવિધલક્ષી છે. કળા અને સંસ્કૃતિનો વિષય પણ બાળકોને આનંદ આપે અને એમના જીવનનો ભાગ બને એ માટે બાળકોને તથા એમના પરિવારજનોને ‘એનએમએસીસી બચપન’ માટે ખાસ આમંત્રણ આપવામાં આવે છે.

‘એનએમએસીસી બચપન’નો પ્રારંભ 20મી જુલાઈએ થશે. એમાં 2થી 14 વર્ષનાં બાળકો ભાગ લઈ શકશે. સ્ટુડિયો થિયેટર, ધ ક્યુબ તથા સેન્ટર ખાતેના અને જાહેર સ્થળોએ યોજાયેલા આ ઉત્સવમાં બાળકોને અનેક પ્રવૃત્તિઓ દ્વારા કળા-સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવશે. ભારતની જાણીતી ટૂંકી વાર્તાઓ, લાઇવ સાયન્સ શૉ, જામિંગ સેસન, નૃત્ય અને સર્કસનું મિલન કરતી ખાસ પ્રસ્તુતિ, મનોરંજક પ્રાદેશિક નાટકો, મોજમસ્તીભર્યાં નૃત્યો, હસતાં-રમતાં કળાત્મક પ્રવૃત્તિઓ, ટેક વર્કશોપ, વગેરે કાર્યક્રમો દ્વારા ઉત્સવની ઊજવણી કરવામાં આવશે.

બાળકોમાં કળા પ્રત્યે આજીવન અભિરુચિ જાગે એવા ઉદ્દેશ્ય સાથે ગ્રાન્ડ થિયેટરમાં કળા પ્રદર્શન રખાશે. ‘ફેબલેબ શૉ’ નામના કાર્યક્રમમાં ‘ચીપ’ નામનો સાયન્સ રોબોટ કો-હોસ્ટ બનશે અને ભારતની વખણાયેલી ટૂંકી વાર્તાઓનો અનોખો માહોલ સર્જવામાં આવશે. આ શોમાં રવીન્દ્રનાથ ટાગોરની ‘કાબુલીવાલા’ વાર્તાની નાટ્યાત્મક પ્રસ્તુતિ પણ કરવામાં આવશે.

એકબીજા સાથે આદાનપ્રદાન કરી શકાય એવી ખાસ પ્રસ્તુતિમાં સ્વદેશ પ્રદર્શનને પણ આવરી લેવામાં આવશે. એમાં ‘લિટલ સ્વદેશ કિલકારી’ એડિશન લૉન્ચ કરવામાં આવશે. આ લૉન્ચિંગ ખાસ ઊભા કરવામાં આવેલા કળા-હસ્તકળા ઝોનમાં કરવામાં આવશે. બાળકોને કઠપૂતળી બનાવવાની પ્રવૃત્તિનો પરિચય કરાવવા ઉપરાંત ભરત-ગૂંથણ દ્વારા રમકડાં બનાવવાની પ્રવૃત્તિ પણ શીખવવામાં આવશે. ભારતના વિવિધ ભાગોમાંથી પરંપરાગત રમતોની ખૂબીઓ પણ બાળકોને બતાવવામાં આવશે, જેથી ‘લિટલ સ્વદેશી કિલકારી’ મારફતે બાળકોને ભારતીય પરંપરાઓનો પરિચય થાય.

‘એનએમએસીસી બચપન’માં અનેક પ્રકારના કાર્યક્રમો થશે, જેમ કે થિયેટર, વર્કશોપ, હસ્તકળા, વગેરે. આ કલ્ચરલ સેન્ટરમાં ભવિષ્યમાં યોજાનારા કાર્યક્રમો માટે આ અનુભવ ઘણો ઉપયોગી સાબિત થશે.

રાજ્યમાં ‘લિટલ જાયન્ટ્સ ઇન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપ-2023’ યોજાશે

 અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્પોર્ટ્સ (રમતગમત)ના ટેલેન્ટને વિકસિત કરવા અને પ્રોત્સાહન આપવા અદાણી સ્પેર્ટસલાઇન ટીમ જુલાઈમાં લિટલ જાયન્ટ્સ ઇન્ટર સ્કૂલ ચેમ્પિયનશિપ 2023 યોજવા તૈયાર છે. આ ચેમ્પિયનશિપમાં કંપની કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ અને ફૂટબોલની રમતોની ટુર્નામેન્ટનું આયોજન કરશે. આ ટુર્નામેન્ટનો પહેલો રાઉન્ડ આવતી કાલે સુરતમાં યોજાશે અને આ ચેમ્પિયનશિપની ફાઇનલ અમદાવાદમાં યોજવામાં આવશે.

આ સ્પર્ધાનો મુખ્ય હેતુ રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક પ્રતિભાશાળી યુવા એથ્લીટોની ઓળખ કરવાનો છે. આ હરીફાઈ થકી જે પ્રતિભાશાળી યુવાઓ હશે, તેમના માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ચેમ્પિયનશિપની આ પહેલાંની સ્પર્ધામાં આશરે કબડ્ડી અને ખો-ખો જેવી હરીફાઈમાં રાજ્યમાંથી 12થી 17 વર્ષના 3000થી વધુ યુવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં આંતર- શહેર ફાઇનલ સુરતની પીપી સવાની કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં (15-16 જુલાઈએ), રાજકોટમાં (22-23 જુલાઈએ) વડોદરામાં (29-30 જુલાઈએ) અને અમદાવાદમાં (4-5 ઓગસ્ટે યોજવામાં આવશે. આ હરીફાઈની ફાઇનલ 6-7 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે. પ્રત્યેક શહેરની બે ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરશે, જે અમદાવાદમાં યોજવામાં આવશે.

લિટલ જાયન્ટ્સ ઇન્ટર-સ્કૂલ ખો-ખો ચેમ્પિયનશિપ 2023 અને આંતર શહેર ફાઇનલ સુરતમાં 15 જુલાઈએ યોજવામાં આવશે અને રાજકોટમાં ( 22 જુલાઈએ) વડોદરામાં (29 જુલાઈએ) અને અમદાવાદમાં (ચોથી ઓગસ્ટે) યોજવામાં આવશે.આ સિવાય આ હરીફાઈની ક્રિકેટની અને ફૂટબોલની આંતર શહેર ફાઇનલ અમદાવાદમાં (25-29 જુલાઈ)એ યોજવામાં આવશે અને ફાઇનલ પણ 30 જુલાઈએ યોજવામાં આવશે. આ ચેમ્પિયનશિપમાં આ વખતે સૌપ્રથમ વાર ક્રિકેટ અને ફૂટબોલની રમતોને ઉમેરવામાં આવી છે.

અદાણી સ્પોર્ટ્સલાઇન દ્વારા લિટલ જાયન્ટ્સ ઇન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપ 2023 એ શાનદાર પહેલ છે અને યુવા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં રસ લેતા થાય એ માટે પ્રોત્સાહિત કરવાનો એક પ્રકાર છે. મેં NYP ટ્રાયલમાં સારી યુવા પ્રતિભાઓ જોઈ અને મને આશા છે કે આ ટુર્નામેન્ટમાંથી કોઈક NYP કાર્યક્રમનો હિસ્સો બનશે, એમ અદાણી ગુજરાત જાયન્ટ્સના પ્રો કબડ્ડી લીગના મુખ્ય કોચ રામ મેહર સિંહે જણાવ્યું હતું.

આ ટુર્નામેન્ટ યુવા વિદ્યાર્થીઓને તેમનું કૌશલ બતાવવા માટે સારું પ્લેટફોર્મ પૂરું પાડશે, કેમ કે આ એક રાજ્યવ્યાપી ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટ યુવાઓ ખાસ કરીને મહિલા ક્રિકેટર્સ માટે નવી તકો ઊભી કરશે. મને વિશ્વાસ છે કે આ ટુર્નામેન્ટમાં યુવા ખેલાડીઓમાં સારી હરીફાઈ જોવા મળશે, ખાસ કરીને મહિલા ક્રિકેટમાંથી સારી પ્રતિભાઓ બહાર આવશે, એમ અદાણી ગુજરાત જાયન્ટ્સની મહિલા પ્રીમિયલ લીગનાં માર્ગદર્શક અને સલાહકાર મિતાલીરાજે જણાવ્યું હતું. કપની આ ટુર્નામેન્ટમાં મૂડીરોકાણ કરીને ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા માગે છે અને આ હરીફાઈ થકી સ્થાનિક સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા ધારે છે, જેથી અમારો લિટલ જાયન્ટ્સ સ્કૂલના કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને સારી તક આપવા પ્રત્યે અમે પ્રતિબદ્ધ છીએ, એમ કંપનીના વડા સત્યમ ત્રિવેદીએ કહ્યું હતું.

 

 

 

અંતરિક્ષમાં ભારતની હનુમાન છલાંગ: સફળ રહ્યું ‘ચંદ્રયાન-3’નું લોન્ચિંગ

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ): ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રમાં આજે ઈતિહાસ સર્જી દીધો છે. દેશની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’એ શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી નિર્ધાર્યા મુજબ આજે બપોરે બરાબર 2.35 વાગ્યે ‘ચંદ્રયાન-3’ મિશનને સફળતાપૂર્વક અવકાશમાં લોન્ચ કર્યું છે.
આ સિદ્ધિ બદલ ‘ઈસરો’નાં સ્પેસ વિજ્ઞાનીઓ પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

LVM3 રોકેટ ‘ચંદ્રયાન-3’ને લઈને સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ પરથી અવકાશભણી સફળતાપૂર્વક ઉડ્ડયન કર્યું છે.

અવકાશયાનને ભ્રમણકક્ષામાં મૂકી દીધા બાદ ચંદ્રયાન-3 23મી ઓગસ્ટે ચંદ્રમાની ધરતી પર દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે. ચંદ્રના આ ભાગ પર હજી સુધી કોઈ દેશનું યાન ઉતરી શક્યું નથી.

ચંદ્રયાન-3 ઉતરાણ કર્યા બાદ ચંદ્ર ગ્રહની ધરતી તેમજ ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરશે અને તેની વિગતો, તસવીરો ઈસરોના વિજ્ઞાનીઓને મોકલશે.

‘ઈસરો’ સંસ્થાએ ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરને એ જ નામ આપ્યા છે જે ચંદ્રયાન-2 મિશન વખતે આપ્યા હતા. લેન્ડરનું નામ ‘વિક્રમ’ છે અને રોવરનું નામ ‘પ્રજ્ઞાન’ છે. 2019ના જુલાઈમાં ભારતનું ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ ગયું હતું. પરંતુ એ જ વખતે ભારતે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી હતી.

આ તો હજી શરૂઆત છે: યશસ્વી જયસ્વાલ (વિક્રમસર્જક ઓપનર)

રોસો (ડોમિનિકા): વેસ્ટ ઈન્ડિઝ સામે અહીં રમાતી પહેલી ટેસ્ટ મેચમાં ભારતના પહેલા દાવમાં સદી ફટકારીને નવોદિત ઓપનર યશસ્વી જયસ્વાલે નવો વિક્રમ સર્જ્યો છે. 21 વર્ષના જયસ્વાલની કારકિર્દીની આ પહેલી જ ટેસ્ટ મેચ છે અને તેણે પહેલા જ દાવમાં સદી ફટકારી દીધી છે. ગઈ કાલે બીજા દિવસની રમત બંધ રહી હતી ત્યારે ભારતના બે વિકેટે 312 રનના જવાબના સ્કોરમાં જયસ્વાલ 143 રન સાથે દાવમાં હતો. સામે છેડે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 36 રન સાથે રમતો હતો. કેપ્ટન રોહિત શર્મા 103 અને શુભમન ગિલ 6 રન કરીને આઉટ થયો છે. વેસ્ટ ઈન્ડિઝનો પહેલો દાવ 150 રનમાં પૂરો થયો હતો. જયસ્વાલ અને શર્માએ પહેલી વિકેટ માટે 229 રનની ભાગીદારી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટક્રિકેટમાં ભારત વતી આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી થઈ છે. અગાઉ 2006માં વિરેન્દર સેહવાગ અને વાસીમ જાફરે 159 રનની ભાગીદારી કરી હતી.

રમત પૂરી થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જયસ્વાલે કહ્યું હતું કે, આ તો મારી કારકિર્દીની હજી શરૂઆત છે. દાવને કેટલો લાંબે સુધી લઈ જઈ શકાય છે એની મારી કોશિશ રહેશે.

જયસ્વાલે 215 બોલમાં પોતાની શાનદાર સદી પૂરી કરી હતી. તે કુલ 350 બોલનો સામનો કરી ચૂક્યો છે જેમાં એણે 14 ચોગ્ગા ફટકાર્યા છે.

રોહિતભાઈ સાથે મારે ખૂબ વાતચીત થઈ હતી. એ દર વખતે મને જણાવતા રહેતા હતા કે હું કેવી રીતે રન મેળવી શકીશ અને મારે બોલરોનો સામનો કેવી રીતે કરવો. મેચના આરંભ પહેલાં પણ ઘણી ચર્ચા થી હતી.

ઉત્તર પ્રદેશ નિવાસી જયસ્વાલે અન્ડર-19 ક્રિકેટ મેચોમાં અને આ વર્ષની આઈપીએલમાં જોરદાર દેખાવ કર્યો હતો. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં જયસ્વાલ માત્ર 26 દાવમાં 80.21ની સરેરાશ સાથે 1,845 રન ફટકારી ચૂક્યો છે. આઈપીએલમાં તે રાજસ્થાન રોયલ્સ વતી રમ્યો હતો અને 163.61ના સ્ટ્રાઈક રેટ સાથે 625 રન ફટકાર્યા હતા. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારીને તે આ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી યુવાન વયનો ચોથો બેટર બન્યો છે. કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત થતાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે જયસ્વાલને પસંદ કરવામાં આવ્યો હતો. રોહિત શર્માએ એને ઈલેવનમાં પસંદ કર્યો એટલું જ નહીં, એને પોતાની સાથે દાવનો આરંભ કરવા માટે લીધો અને જયસ્વાલે સુવર્ણ તકને બરાબર ઝડપી લીધી. કારકિર્દીની પહેલી જ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર તે 17મો ભારતીય બેટર બન્યો છે.

ઇસરો ચંદ્રયાન-3 આજે લોન્ચ કરશે: કાઉન્ટડાઉન શરૂ

નવી દિલ્હીઃ યંદ્રયાન-3 મિશનની ઊલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. બપોરે 2.35 કલાકે એને શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3 મિશન માત્ર પર ભારત જ નહીં વિશ્વની નજર છે. ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઊતરતાં જ ભારત વિશ્વનો આવું કરવાવાળો ચોથો દેશ હશે.

ચંદ્રયાન-3 મિશન દ્વારા ઇસરો ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઊતરવાના પ્રયાસ કરશે. આ મિશન દ્વારા ચંદ્રની સપાટી પરના રસાયણો અને ભૌગોલિક માહિતી એકત્ર કરશે. આ મિશન દ્વારા પૃથ્વીની ઉત્ત્પત્તિ પણ માલૂમ કરી શકાશે. ચંદ્રયાન-3 લાગેલા રોવર દ્વારા અનેક માહિતી એકઠી કરવામાં આવશે.

ઇસરોના વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી હતી કે લેંડર અને રોવર એક લૂનર ડે સુધી કામ કરશે. લૂનર પૃથ્વી 14 દિવસ બરાબર હોય છે. ચંદ્રયાન-રને LVM-3 રોકેટ લોન્ચર લઈને જશે. આ રોકેટ લોન્ચરને બાહુબલી રોકેટ લોન્ચર પણ કહેવામાં આવે છે. એણે અત્યાર સુધી બધાં મિશનને સફળતાપૂર્વક પૂરાં કર્યાં છે. ચંદ્રયાન-2ને પણ આ રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું.  ચંદ્રયાન-3માં કુલ છ પેલોડ્સ લાગેલાં છે. પેલોડ્સ મતલબ એવાં યંત્ર જે ચંદ્રમા પર તપાસ કરી શકે. લેન્ડરમાં રંભા એલપી ચાસ્તે અને ILSA લાગેલાં છે.  જ્યારે રોવરમાં APXS અને LIBS પેલોડ લાગેલાં છે.

આ પૂરું મિશન 45થી 50 દિવસનું હશે. ઇસરોના પ્રમુખ સિવને જણાવ્યું હતું કે જો મિશન યોજના હેઠળ ચાલશે તો 23-24 ઓગસ્ટે લેન્ડર અને રોવરને ચંદ્રની સપાટી પર ઉતારવાના પ્રયાસ કરવામાં આવશે, પણ જો કોઈ કારણથી લેન્ડિંગમાં મુશ્કેલીઓ થશે તો સપ્ટેમ્બરમાં ફરીથી લેન્ડ કરવાના પ્રયાસ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે આ વખતે મને આશા છે કે અમે ચંદ્રયાન-2થી સબક લેતાં નાની-મોટી ભૂલોને દૂર કરી છે. એટલે અમને વિશ્વાસ છે કે આ વખતે અમે ચંદ્રની સપાટી પર સફળતાથી ઊતરીશું.

 

 

 

 

 

PM મોદીને મળ્યું ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘લીઝન ઓફ ઓનર’

પેરિસઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાંસમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘લીઝન ઓફ ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. PM મોદી આ સન્માન મેળવનાર પહેલા ભારતીય વડા પ્રધાન બની ગયા છે. આ સન્માન વિશ્વની કેટલીક જ હસ્તીઓને આપવામાં આવ્યું છે.

આ પહેલાં આ સન્માન જે લોકોને આપવામાં આવ્યું છે, એમાં સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ મહાસચિવ બુટ્રોસ-ઘાલી, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, વેલ્સના તત્કાલીન રાજકુમાર કિંગ ચાર્લ્સ અને જર્મનીના ભૂતપૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલ વગેરે સામેલ છે. આ પહેલાં ફ્રાંસ પહોંચવા પર વડા પ્રધાન મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાંસ પહોંચવા પર ત્યાંના PM એલિઝાબેથ બોર્ને મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અહીં વડા પ્રધાન મોદીને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું અને બંને દેશોનાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યાં હતાં.

વડા પ્રધાન મોદી આજે ફ્રાંસના બેસ્ટિલ ડે પરેડમાં સામેલ થશે. તેઓ રાષ્ટ્રપતિ ઇમેન્યઅલ મેક્રોના ખાસ આમંત્રણ પર એમાં સામેલ થવા પહોંચ્યા છે. બેસ્ટિલ ડે સમારોહમાં વડા પ્રધાન  મોદી વિશેષ અતિથિ હશે. ફ્રાંસ માટે બેસ્ટિલ ડે કોઈ તહેવારથી ઓછો નથી. આ દિવસે ફ્રેન્ચ ક્રાંતિ એટલે કે ફ્રાંસિસી ક્રાંતિની યાદમાં ઊજવવામાં આવે છે. પ્રતિ વર્ષ 14 જુલાઈએ ઊજવાતા બેસ્ટિલ ડેને ફ્રાંસનો નેશનલ ડે પણ કહેવામાં આવે છે. આ દિવસે ફ્રાંસમાં રજા હોય છે અને દેશમાં ઉજવણીનો માહોલ હોય છે.

વડા પ્રધાન મોદીના ફ્રાંસ પહોંચવા પર તેમના સન્માનમાં એલિસી પેલેસમાં ખાનગી રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં વડા પ્રધાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારતની ધરતી એક મોટા પરિવર્તનની સાક્ષી બની રહી છે. તેમણે કહ્યું હતું કે વિશ્વ નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. ભારતની ભૂમિકા ઝડપથી બદલાઈ રહી છે.  

 

 

 

 

બનાવટી બુદ્ધિમતા સામે પડે છે એથન કુમાર…

ભઈ, આ તો ઘરના પ્રસંગ જેવી ફિલ્મઃ ‘મિશનઃ ઈમ્પોસિબલ- ડેડ રેકનિંગ.’ એમાંય હીરો ટૉમ ક્રૂઝ. 61 વર્ષના ટૉમ કુમારે જે જલવા દેખાડ્યા છે એ રૂવાંડાં ઊભાં કરી દે છે. 12 જુલાઈએ ફિલ્મ રિલીઝ થઈ ને (ભારતીય ટિકિટબારી પર) ભૂકા કાઢી નાખ્યા. અલબત્ત, આ વર્ષે ‘જૉન વિક 4,’ ‘આન્ટ-મૅન’ અને ‘વૅસ્પઃ ક્વાન્ટમૅનિયા’ જેવી મોટી ફિલ્મો આવી, પણ એ બધીમાં આગળ નીકળી ગઈ ‘મિશન: ઈમ્પોસિબલ 7.’

હશે. આપણો વિષય હોલિવૂડની ફિલ્મોનો બિઝનેસ નથી. વાત કરવી છે એના વિલનની. ખાસ તો, ‘મિશનઃ ઈમ્પોસિબલ’ના લેટેસ્ટ વિલનની.

ઓલરાઈટ, જે લોકો મોડા પડ્યા છે એમને માટે એક ઝડપી રિરનઃ મારધાડથી ભરપૂર જાસૂસી કથાવાળી, બ્રાયન પાલ્મા દિગ્દર્શિત પહેલી ‘મિશનઃ ઈમ્પોસિબલ’ 1996માં આવેલી. 007 જેમ્સ બૉન્ડની માફક અહીં જાસૂસી સંસ્થા ‘ઈમ્પોસિબલ મિશન ફૉર્સ’ (‘આઈએમએફ’)નો રૂપાળો એજન્ટ એથન હંટ (ટૉમ ક્રૂઝ) છે. આ ખૂફિયા એજન્સી અને એથન હંટ જેવા બહાદુર એજન્ટોનું કામ છેઃ શત્રુસેનાને અને વિશ્વ સમસ્તને નષ્ટ કરે એવી આપદાને રોકવી. પહેલી ફિલ્મથી જ એથન હંટ અને એની જાસૂસી સૃષ્ટિ સિનેમાપ્રેમીઓને એવી ગમી ગઈ કે જોતજોતાંમાં એ શ્રેણીની સાતમી ફિલ્મ આવી ગઈ. અને, સાતમી ફિલ્મ હજુ તો આવી નહોતી ત્યાં સર્જકોએ ઘોષણા કરી નાખીઃ 2024ના જૂનમાં ‘ડેડ રેકનિંગ’નો બીજો પાર્ટ રિલીઝ થશે.

-અને હવે વિલનઃ મોસ્ટ ઓફ ધી ‘મિશનઃ ઈમ્પોસિબલ’ ફિલ્મોમાં ઘાતક વાઈરસ કે રાસાયણિક શસ્ત્રો (કેમિકલ વેપન્સ) કે ન્યુક્લીઅર બૉમ્બ ધરાવતા માથાફરેલા, લાલચુડા અને અમુક રીતે વિકૃત એવા ખલનાયક હોય છે, જે દુનિયાઆખીને ખતમ કરવાની બીક બતાવી અબજો ડૉલરનો ખેલો કરતા હોય. આ વખતે ‘મિશન…’ના ડિરેક્ટર ક્રિસ્ટોફર મેક્વાયરી (આ પહેલાંની બે ફિલ્મ એમણે ડિરેક્ટ કરેલી) એક નવી ટાઈપનો વિલન લાવ્યા છે, જેનું નામ છે ‘એન્ટિટી’ અને એ છે બનાવટી બુદ્ધિમતા એટલે જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI). યસ્સ, આખી ફિલ્મમાં વિલનનો હેતુ, એ ક્યાંનો છે, એનું અંતિમ લક્ષ શું છે એ બધું એક અકળ લીલા જેવું છે. આનાથી વાર્તામાં તાજગી તો આવી જ, બલકે એ સાંપ્રત પણ લાગે છે. આજે એઆઈથી જગતઆખા સામે જે ખતરો ઊભો થયો છે એની ચર્ચા ચોમેર ચાલી રહી છે. હમણાં જ પેપરમાં વાંચ્યું કે AI દ્વારા કોઈ ગંભીર ગુનો થાય, ફ્રૉડ થાય તો એની જવાબદારી કોની?

વાર્તાનો આરંભ પાછલી ફિલ્મ ‘ફૉલઆઉટ’ના અંતથી થાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે અમેરિકા-રશિયા વચ્ચે એક સબમરીનની ટક્કર થાય છે, જેના લીધે અનેક એજન્ટનાં મૃત્યુ થાય છે. એક ચાવી ખોવાઈ ગઈ છે. આ એ ચાવી છે, જેના વડે એક ખતરનાક શસ્ત્ર પૃથ્વીનો નાશ કરવા માટે તૈયાર થઈ જાય છે ને એને રોકવાનું માનવીના હાથમાં નથી, અને જે નરાધમની આ મલિન યોજના છે એનેય શોધી શકાય એમ નથી. એટલેસ્તો તો એને ઈમ્પોસિબલ મિશન અર્થાત્ અશક્ય લાગે એવું કામ કહેવાય છે, પણ એથન હંટ જેનું નામ. હર વખતની જેમ વ્હાઈટ શર્ટ-બ્લૅક સુટ-બૂટમાં સજ્જ એથન હંટ અને એના સાથીદાર દુનિયાને બચાવવામાં લાગી જાય છે. એથન કેવી રીતે સફળતા મેળવે છે એ જાણવા ફિલ્મ જોવી પડે, કેમ કે અજાણ્યા વિલન ‘એન્ટિટી’ વિશે વધુ કંઈ લખવામાં સ્પોઈલર છે, ફિલ્મ જોવાની તમારી મજા બગડી જાશે.

ઓક્કે. કોઈ પણ ઍક્શન ફિલ્મની પહેલી શરત એ કે એનો વિલન માથાભારે, સશક્ત અને ડરામણો હોવો જોઈએ. તો હીરો સામે પડકાર ઊભો થાય ને તો ફિલ્મરસિક એમાં ઓતપ્રોત થાય, સીટ સાથે ચોંટી જાય. આમાં ‘મિશન…’ દર વખતની જેમ નહીં, પણ એક ડગલું આગળ નીકળીને બાજી જીતી ગઈ છે. ફિલ્મમાં એક ડાયલૉગ છેઃ “એનિમી ઈઝ એવરીવ્હેર ઍન્ડ નોવ્હેર” અર્થાત્ “માળોહાળો દાનવ બધે જ છે અને ક્યાંય નથી.” ડિરેક્ટર ક્રિસ્ટોફર, એમના રાઈટર ને કૅમેરામૅન (અલબત્ત, આખી ટીમ, દરેક ડિપાર્ટમેન્ટ)નો આ મહાવિજય છે. આ ફિલ્મ થિએટરમાં મોટા પરદા પર જોજો.

કોરાનાના 45 નવા કેસો, એકનું મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 45 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,665 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,914 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,455 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 60 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1396એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 57,206 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.29 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,46,704 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 445 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

બી. કે. શિવાની: ગૃહસ્થને આશ્રમ કયા સુધી કહેવાય?

ગૃહસ્થને આશ્રમ ત્યાં સુધી જ કહેવાય જ્યાં સુધી તે મનુષ્યને દૈવી ગુણો બનાવી સમાજ ઉત્થાનના કાર્ય માટે લાયક બનાવે. મનુ મહારાજે મનુષ્યની સરેરાશ ઉંમર 100 વર્ષ ગણીને 25-25 વર્ષની ઉંમરના ચાર આશ્રમ બનાવી દીધા પહેલા 25 વર્ષ અખંડ બ્રહ્મચર્ય (મનમાં પણ વિકારનો વિચારના આવે, દ્રષ્ટિ પણ વિકારી ન બને અને વિકારી કર્મ પણ ન બને) નું પાલન કરતા-કરતા વિદ્યા અભ્યાસ, રમતગમત, શરીર-નિર્માણ વિગેરે માટે નિશ્ચિત કરવામાં આવેલ. પછીના 25 વર્ષ લગ્ન, નોકરી-ધંધો, મનોરંજન માટે નકકી કરીને ગૃહસ્થાશ્રમ નિર્ધારીત કરવામાં આવ્યો. આમ કામવાસનાને જીવનના આ 1/4 ભાગ સુધી મર્યાદિત કરવામાં આવ્યો.

જીવનનો બાકીનો ભાગ વાનપ્રસ્થ અને સંન્યાસના રૂપમાં બધા લોકોના કલ્યાણ માટે તથા આત્મિક ઉન્નતિ માટે નક્કી કરવામાં આવ્યો. આ પ્રકારે જીવનનો 3/4 ભાગ બ્રહ્મચર્ય માટે આરક્ષિત કરવામાં આવ્યો. ભલે વિકારોની છૂટ રહી પરંતુ ભારતમાં 365 દિવસોમાં 366 ઉત્સવ, વ્રત, તીર્થ વિગેરે આવવાના કારણે વિકાર મર્યાદામાં રહ્યા. તે સમયે મનુષ્યોની સંખ્યા વધુ ન હતી પરિણામે બાળકના જન્મ પર અંકુશ ન હતો, પરંતુ વિકારો પર અંકુશ રહ્યો. આ પ્રકારે મનુ મહારાજની આશ્રમ વ્યવસ્થામાં જીવનના ચોથા ભાગમાં અનેક મર્યાદાઓ સાથે કામ-ભોગની છૂટ આપવામાં આવી હતી.

જે વસ્તુનો જે મૂળ ગુણ હોય છે તેને ધર્મ કહેવાય છે જેવી રીતે આંખનો ધર્મ છે – જોવું. પરંતુ જો જોવામાં કામ, ક્રોધ, કપટ યુક્ત ભાવનાઓ હોય તો આંખ દ્વારા કરવામાં આવેલ કર્મ અધર્મ કહેવાશે. તેવી જ રીતે ગૃહસ્થને ધર્મ ત્યાં સુધીજ કહેવાય કે જ્યાં સુધી તે મનુષ્યને દૈવી ગુણો વાળો બનાવી સમાજ ઉત્થાન માટે લાયક બનાવે. પરંતુ જ્યારે ગૃહસ્થ જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વિગેરે એ પ્રવેશ કર્યો અર્થાત તેણે પોતાના ધર્મનો ત્યાગ કરી દીધો. અને ગૃહસ્થ ધર્મ ન રહેતા અધર્મ બની ગયો. પત્ની પણ ધર્મપત્ની ન રહેતા વિષય વાસનાને પૂરી કરનાર આધાર માત્ર બની ગઈ. આજના સમાજમાં જ્યારે કોઈ બીજાના બાળકને ગોદ લે છે તો તેને ધર્મનો બાળક કહેવાય છે. જેનો અર્થ છે કે તે બાળક વિકારો વિના પ્રાપ્ત થયેલ છે.

કળિયુગમાં તમો પ્રધાનતા ખૂબ વધી જવાના કારણે વિકારોનું પૂર એટલું ઝડપથી આવ્યું કે મનુ મહારાજે નિર્ધારિત કરેલ આશ્રમ વ્યવસ્થાના બધા નિયમો તૂટી ગયા. મનુષ્ય પશુ સમાન બની ગયો. ગૃહસ્થ જીવન કામ ભોગની છૂટનો ખુલ્લો અડ્ડો બની ગયો. દરેક મનુષ્ય આ કામની આગમાં સળગતો દેખાવા લાગ્યો. જેને આ આગ જોરથી લાગે કરે છે તે પોતાની ઉંમર તથા શરીરની પ્રકૃતિ ને ભૂલી જાય છે. એક તરફ 12 થી 15 વર્ષના બાળકો આ કામવાસનાનો ભોગ બને છે તો બીજી તરફ પુત્રો તથા પૌત્રો થી ભરેલ પરિવાર વાળા 70 વર્ષના વિધુર પોતાની પુત્રીની ઉંમરની છોકરીને પત્ની બનાવીને ઘરમાં લઈ આવે છે. આ બધું જોઇને પ્રશ્ન ઉઠે છે કે ક્યાં ગયો વાનપ્રસ્થ આશ્રમ! ક્યાં ગયો બ્રહ્મચર્યાશ્રમ! ક્યાં ગયો સન્યાસ! તમામ બંધનોને તોડીને કામવાસનાનું જહેર સમાજમાં ફેલાઈ ગયું છે. કોઈ-કોઈ ભગવા વસ્ત્રધારી સન્યાસી પણ પોતાની શિષ્યાઓના માધ્યમથી ગૃહસ્થ વિષને ભોગવવામાં લાગ્યા રહે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)