Home Blog Page 2706

ICC ટેસ્ટ રેન્કિંગ : ટીમ રેન્કિંગમાં ભારતીય ટીમ ટેસ્ટ અને T-20માં નંબર 1

કેન વિલિયમસન આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે, પરંતુ મોટા સમાચાર એ છે કે સ્ટીવ સ્મિથ બે સ્થાન સરકીને ચોથા નંબર પર આવી ગયો છે. જણાવી દઈએ કે સ્ટીવ સ્મિથ પાસે નંબર 1 બનવાની તક હતી. જો તેણે હેડિંગલી ટેસ્ટમાં સદી ફટકારી હોત તો તે નંબર 1 બની શક્યો હોત પરંતુ આ ખેલાડી બંને ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હતો અને હવે તે ટોપ 3માંથી બહાર થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ ટેસ્ટ રેન્કિંગમાં બીજા નંબર પર પહોંચી ગયો છે. આ ખેલાડીએ બે બેટ્સમેનોને હરાવ્યા છે. આ સાથે જ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ત્રીજા નંબરે પહોંચી ગયો છે.

એશિઝ શ્રેણીમાં નંબર 1 ટેસ્ટ બેટ્સમેન તરીકે શરૂઆત કરનાર માર્નસ લાબુશેનની હાલત વધુ ખરાબ છે. આ ખેલાડી પાંચમા સ્થાને આવી ગયો છે. જો રૂટ છઠ્ઠા નંબર પર છે.

બોલિંગની વાત કરીએ તો અશ્વિન નંબર 1 ટેસ્ટ બોલર છે. જ્યારે રવિન્દ્ર જાડેજા નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે.

ટીમ રેન્કિંગની વાત કરીએ તો ભારતીય ટીમ ટેસ્ટ અને ટી20માં નંબર 1 ટીમ છે. ઓસ્ટ્રેલિયા વનડેમાં નંબર વન છે.

એશિયા કપ-2023: ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, બંનેનો મુકાબલો શ્રીલંકામાં થશે

મુંબઈઃ એશિયા કપ ક્રિકેટ સ્પર્ધા-2023 આગામી મહિને પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્તપણે યોજાવાની છે. સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા માટે ક્રિકેટરસિયાઓમાં ભારે રોમાંચ ફેલાયો છે. બંને ટીમ આ સ્પર્ધામાં લીગ તબક્કામાં એકબીજા સામે બે વાર ટકરાશે. તે પછી ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં નિર્ધારિત વર્લ્ડ કપ-2023માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને કટ્ટર હરીફનો મુકાબલો નિર્ધારિત છે.

આઈપીએલના ચેરમેન અરૂણ ધુમલે કહ્યું છે કે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા ઝાકા અશરફ વચ્ચેની બેઠકમાં એશિયા કપ-2023નો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. ભારતીય ટીમ એશિયા કપની મેચો રમવા માટે પાકિસ્તાન નહીં જાય એ પણ નક્કી થઈ ગયું છે. પાકિસ્તાનમાં સ્પર્ધાની ચાર મેચો રમાશે. ત્યારબાદ 9 મેચ શ્રીલંકામાં રમાશે. આમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની બે લીગ મેચનો સમાવેશ થાય છે. ધારો કે ફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાન આવશે તો તે મેચ પણ શ્રીલંકામાં જ રમાશે. શાહ અને અશરફ વચ્ચેની બેઠકમાં કોઈ લાંબી-લચક ચર્ચા વગર કાર્યક્રમ નક્કી કરી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના સ્પોર્ટ્સ પ્રધાન એહસાન મઝારીએ તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે જો ભારત એશિયા કપની મેચો રમવા પાકિસ્તાન આવવાની ના પાડશે તો પાકિસ્તાન વર્લ્ડ કપ-2023 વખતે પોતાના હિસ્સાની મેચો ભારતમાં નહીં રમવાનું વલણ અપનાવશે.

એશિયા કપમાં, પાકિસ્તાન ઘરઆંગણે નેપાળ સામે રમશે. તે ઉપરાંત અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ, બાંગ્લાદેશ-શ્રીલંકા અને શ્રીલંકા-અફઘાનિસ્તાન મેચ રમાશે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૨ જૂલાઈ, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૨ જૂલાઈ, ૨૦૨૩

વિપક્ષની બેઠક: સોનિયા ગાંધીએ વિરોધ પક્ષોને ડિનર માટે આમંત્રણ આપ્યું

કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠક માટે આમ આદમી પાર્ટી સહિત 24 પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસે AAPને પણ બેઠકમાં હાજરી આપવા માટે બોલાવ્યા છે. 18 જુલાઈએ બેંગલુરુમાં મીટિંગ થશે અને તેના એક દિવસ પહેલા ડિનર રાખવામાં આવ્યું છે. આ બેઠક 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે સ્પર્ધા કરવા માટે વિપક્ષી દળોને એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહી છે. આ પહેલા બિહારના મુખ્યમંત્રી અને JDUના વડા નીતિશ કુમારે 23 જૂને પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી હતી, જેમાં 15 પાર્ટીઓએ ભાગ લીધો હતો.

આ પાર્ટીઓને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું હતું

સૂત્રોએ દાવો કર્યો છે કે આ બેઠકમાં 8 વધુ પાર્ટીઓ પણ ભાગ લેવા જઈ રહી છે. મારુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK), કોંગુ દેસા મક્કલ કાચી (KDMK), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP), ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, કેરળ કોંગ્રેસ (જોસેફ) અને કેરળ કોંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ખડગેએ કહ્યું, છેલ્લી બેઠક સફળ રહી હતી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી પાર્ટીઓને બેઠક માટે આમંત્રણ આપતાં કહ્યું કે છેલ્લી બેઠક સફળ રહી હતી અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આવી ચર્ચાઓ ભવિષ્યમાં પણ ચાલુ રહે તે જરૂરી છે. પટનામાં આયોજિત બેઠકમાં AAP વતી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભાના સાંસદો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા હાજર રહ્યા હતા. આ દરમિયાન કેજરીવાલે દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર સંબંધિત મામલામાં કેન્દ્રના વટહુકમનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મોદીના ગઢમાં કોંગ્રેસનો ‘મૌન સત્યાગ્રહ’

અમદાવાદઃ શહેરમાં ગાંધી આશ્રમની સામે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ‘મૌન સત્યાગ્રહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ શહેરના ગાંધી આશ્રમની સામે ‘મૌન સત્યાગ્રહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સત્ય અહિંસા અને નિર્ભયતાના સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે વિરોધ કરવાનું આહવાન કર્યું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં હાઈકોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ દ્વારા ધરણાં યોજવામાં આવ્યાં છે.

રાહુલ ગાંધીને મોદી સરનેમને લઈ ચાલી રહેલા માનહાનિ કેસમાં હાઈકોર્ટે સજા પર સ્ટે માગતી અરજીને ફગાવી દીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ અપેક્ષાથી વિપરીત નિર્ણય આવતાં વિરોધ નોંધાવ્યો છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ ,મધુસુદન મિસ્ત્રી, અમીબેન યાજ્ઞિક, હિંમતસિંહ પટેલ સહિત અગ્રણી નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

રાહુલ ગાંધીને થયેલી સજા અને  CBI- ED જેવી સંસ્થાઓના દુરુપયોગ જેવી અનેક બાબતો સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોંગ્રેસ સમિતિએ કાળી પટ્ટી બાંધી દિવસ દરમિયાન ‘મૌન સત્યાગ્રહ’ કર્યો હતો.  કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા મૌન સત્યાગ્રહને જોવા માટે નીચેનો વિડિયો ક્લિક કરો…

(પ્રજ્ઞેશ વ્યાસ)

‘આદિપુરુષ’ના નિર્માતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, અલ્હાબાદ હાઈકોર્ટે 27 જુલાઈએ હાજર થવાનો આદેશ આપ્યો

આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં હાજરી સામે બુધવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમના વકીલે અલાહાબાદ હાઈકોર્ટના આદેશનો મામલો મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો, પરંતુ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તેઓ આવતીકાલે તેમની સામે સુનાવણી માટે વિનંતી કરે. હકીકતમાં, હાઈકોર્ટે ફિલ્મમાં ધાર્મિક પાત્રોને ખોટી રીતે દર્શાવવા બદલ નિર્માતા, દિગ્દર્શક અને સંવાદ લેખકને 27 જુલાઈએ રૂબરૂ હાજર થવા માટે કહ્યું છે.

શું છે સમગ્ર મામલો

તાજેતરમાં જ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ફિલ્મ આદિપુરુષના નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર, સંવાદ લેખક મનોજ મુન્તાશિર ઉર્ફે મનોજ શુક્લાને સમન્સ પાઠવ્યા હતા અને આ તમામને કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાથે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ફિલ્મ અંગે પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટે 27 જુલાઈએ હાજર થવાનો આદેશ આપ્યો હતો

આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે ફિલ્મ આદિપુરુષને લઈને દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી કરી હતી. જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ શ્રી પ્રકાશ સિંહની વેકેશન બેન્ચે ફિલ્મ પર પ્રતિબંધની વિનંતી કરતી બે અલગ-અલગ અરજીઓની સુનાવણી કરી. આ અરજીઓ કુલદીપ તિવારી અને નવીન ધવન વતી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં ફિલ્મ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

Adipurush

કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ફિલ્મ બનાવતી વખતે લોકોની ભાવનાઓનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. જે બાદ અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર, ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરને 27 જુલાઈના રોજ હાજર થવાનો આદેશ આપ્યો હતો.

ગુજરાતમાંથી રાજ્યસભામાં રાજ્ય બહારના ચૂંટાયેલા મહાનુભાવો

અમદાવાદઃ રાજ્યસભા માટે ત્રણ રાજ્યોની 10 બેઠકો પર 24 જુલાઈએ મતદાન થવાનું છે, જેમાં ગુજરાતની ત્રણ સીટો સામેલ છે. ગુજરાતમાં વિદેશપ્રધાન એસ. જયશંકરે, બાબુભાઈ દેસાઈએ અને કેસરીદેવસિંહ ઝાલાએ ઉમેદવારીપત્ર ભર્યું છે. રાજ્યસભામાં ઉમેદવારીપત્ર ભરવાનો આવતી કાલે છેલ્લો દિવસ છે.

જોકે રાજ્યસભામાં ઉમેદવારી કરનારા મહાનુભાવોમાં એક બિનગુજરાતી છે, જ્યારે અન્ય બે ઉમેદવારો ગુજરાતી છે. જોકે આ પહેલાં પણ રાજ્યસભાની ગુજરાત બેઠક પરથી અનેક બિનગુજરાતીઓએ ઉમેદવારી કરી છે. જેમાં મહાત્મા ગાંધીનાં પૌત્રી સુમિત્રા કુલકર્ણી (રામદાસ ગાંધીના પુત્રી)એ કોંગ્રેસમાંથી (વર્ષ- 1972-78) ઉમેદવારી કરી હતી.

ત્યાર બાદ ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન એલ. કે. અડવાણી રાજ્યસભા માટે ગુજરાતમાંથી (વર્ષ-1976-82) સુધી ઉમેદવારી કરી હતી. એ પછી કોંગ્રેસના અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાજ્યસભા માટે ગુજરાતમાંથી (1981-87) સુધી ઉમેદવારી કરી હતી.  રાજ્યસભા માટે ગુજરાતમાંથી ઉમેદવારી કરનાર બિનગુજરાતી ઉમેદવારોમાં જનતા પક્ષ-સ્વતંત્ર પક્ષના નેતા પીલુ મોદી (1978), ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. શિવશંકરે (1985-87) કોંગ્રેસમાંથી બે વાર (1987-93) માટે પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ સિવાય ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ બાંગારુ લક્ષ્મણે રાજ્યસભા માટે (1996-2002) ગુજરાત માટે ઉમેદવારી કરી હતી અને કેન્દ્રીય પ્રધાન યોગેન્દ્ર કે. અલઘે (1996-2000) સુધી અને ભૂતપૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીએ ત્રણ વાર (2000-18) સુધી ઉમેદવારી કરી હતી.

આ સાથે ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જના કૃષ્ણમૂર્તિએ (2002-08), કેબિનેટપ્રધાન સ્મૃતિ ઇરાનીએ બે વાર (2011-23) સુધી ઉમેદવારી કરી હતી. ત્યાર બાદ તેઓ અમેઠીમાં લોકસભામાંથી ચૂંટાઈ આવતાં રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. હવે ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાંથી ચૂંટાઈ આવતાં વિદેશપ્રધાને એસ. જયશંકરે ખાલી બેઠક પરથી બીજી વાર ઉમેદવારી કરી છે.

 

 

 

 

 

વેબસીરિઝ ‘ધ ટ્રાયલઃ પ્યાર, કાનૂન, ધોખા’ના પ્રમોશનલ કાર્યક્રમમાં કાજોલ

ડિઝની+હોટસ્ટાર પર 14 જુલાઈથી નવી, રહસ્યથી ભરપૂર હિન્દી વેબસીરિઝ ‘ધ ટ્રાયલઃ પ્યાર, કાનૂન, ધોખા’ રિલીઝ કરવામાં આવનાર છે. 12 જુલાઈ, બુધવારે મુંબઈમાં તે માટે આયોજિત એક પ્રમોશનલ કાર્યક્રમમાં અભિનેત્રી કાજોલ અને દિગ્દર્શક સુપર્ણ વર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. વેબસીરિઝની વાર્તા એક ગૃહિણી પર આધારિત છે જેને એનાં પતિની ભ્રષ્ટાચાર અને સેક્સકૌભાંડમાં જેલની સજા થયા બાદ પરિવારની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવાની ફરજ પડે છે. વેબસીરિઝના અન્ય કલાકારો છેઃ કુબ્રા સૈત, ફ્લોરા સૈની, જિશુ સેનગુપ્તા, અલી ખાન.

કાજોલ આ પહેલી જ વાર વેબસીરિઝમાં ચમકશે.

દિગ્દર્શક સુપર્ણ વર્મા: આ સીરિઝ અમેરિકન ટીવી શો ‘ધ ગુડ વાઈફ’ની હિન્દી રીમેક છે.

સુપર્ણ વર્માઃ અમેરિકન સીરિઝ સાત સીઝનની હતી. આપણા દર્શકોને ગમશે તો નવી સીઝન બનાવીશું, નહીં ગમે તો પડદો પાડી, તાળી વગાડીને સમાપ્ત કરી દઈશું.

કોણ છે ભાજપના રાજ્યસભાના અન્ય બે ઉમેદવાર? જાણો…

ગાંધીનગરઃ ભાજપે રાજ્યસભાની ચૂંટણીની ત્રણે ગુજરાતમાંની બેઠક પર ત્રણે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે,. જેમાં વિદેશપ્રધાન એસ. જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે જે બીજી બે બેઠક પરના ઉમેદવારો જાહેર કર્યા છે, એમાં રબારી સમાજના દાનવીર અને બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાનાં નામ ભાજપે જાહેર કર્યાં છે. આ બંને ઉમેદવારોએ બપોરે ફોર્મ ભર્યાં હતાં. તેમની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપાધ્યક્ષ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રબારી સમાજના દાનવીર બાબુભાઈ દેસાઈ

બાબુભાઈ રબારી સમાજમાં દાનવીર કહેવાય છે, તેઓ મૂળ બિલ્ડર છે. અને તેમાંથી તેઓ ધારાસભ્ય બન્યા હતા. તેમનો હાલ કૃષિ અને પશુપાલનની સાથે લેન્ડ ડેવલપર્સ એન્ડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે અને તેઓ સામાજિક પ્રવૃત્તિ પણ કરે છે. તેઓ કન્યા કેળવણી માટે કાર્યરત છે. તેઓ 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે.

વાંકાનેર સ્ટેટના રાજવી કેસરીદેવસિંહ ઝાલા

કેસરીદેવસિંહ વાંકાનેર સ્ટેટના રાજવી અને ભાજપના સંનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે. તેઓ રાજકોટ અને મોરબી જિલ્લાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ હતા.. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી અને સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરજાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમને 2011માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.

 

 

 

 

 

 

 

ગાઢ નાતો મુંબઈ-ચોમાસાનો; અગ્રગણ્ય ફોટોજર્નાલિસ્ટ્સે પાડેલી યાદગાર વરસાદી તસવીરોનું પ્રદર્શન

દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં NCPA સ્થિત દિલીપ પિરામલ આર્ટે ગેલેરી ખાતે એક અનોખું પ્રદર્શન યોજાયું છે. શહેરના પ્રચારમાધ્યમોના કેટલાક નામાંકિત ફોટોજર્નાલિસ્ટ્સ દ્વારા મુંબઈમાં છેલ્લા અનેક વર્ષોમાં વરસાદની મોસમ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ભારે તકલીફ વેઠીને, કઠિન-પડકારજનક સંજોગોમાં ખેંચવામાં આવેલી લગભગ 100 જેટલી શ્રેષ્ઠતમ તસવીરોને આ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટકે પાડેલી એક તસવીરનો પણ આ પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉક્ત તસવીર મૌલિકભાઈએ એક વહેલી સવારે પાડી હતી વિલે પારલે (વેસ્ટ)ના જુહૂ વિસ્તારમાં. આ તસવીરમાં જોઈ શકાય છે કે, ધોધમાર વરસાદને કારણે રસ્તો જળબંબાકાર થઈ ગયો હોવા છતાં એક દૂધવાળો તેની સેવા બજાવવા રાબેતા મુજબ નીકળ્યો છે અને તેની મોટરબાઈકને પાણી વચ્ચેથી પસાર કરાવી રહ્યો છે. એક હાથે એણે બાઈકનું હેન્ડલ પકડ્યું છે અને બીજા હાથે એ પોતાનો મોબાઈલ ફોન બ્રાઉઝ કરી રહ્યો છે… ભારે હિંમતબાજ…! ઉલ્લેખનીય છે કે મૌલિકભાઈ એક અચ્છા ફોટોગ્રાફર પણ છે અને તેમની ફોટોગ્રાફી કળા પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવી છે. એમણે મુંબઈના સ્થળોએ ફરતાં ફરતાં પાડેલી ઉત્કૃષ્ટ તસવીરોની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન જુહૂ બીચ’નું 2019માં મુંબઈમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

આ ફોટો એક્ઝિબિશન 23 જુલાઈ સુધી ચાલશે. પ્રદર્શન જોવા માટેનો સમય છેઃ બપોરે 12થી રાતે 8 વાગ્યા સુધીનો. આ પ્રદર્શન ઉક્ત ગેલેરીના ક્યૂરેટર અને ભૂતપૂર્વ ફોટોજર્નાલિસ્ટ મુકેશ પારપિયાની દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું શિર્ષક છે ‘મુંબઈ મોન્સૂન બીયોન્ડ 24×7’. આ પ્રદર્શનમાં સામેલ કરવામાં આવેલી તસવીરો સાથે તસવીરકારનું નામ છે. ઉક્ત તસવીર ફોટોગ્રાફર ધર્મેન્દ્ર કાનાણી (DNA)ની છે.

ડો. નીતિન સોનાવણે – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (ઈકોનોમિક ટાઈમ્સ)

મુકેશ પારપિયાની (ધ ડેઈલી)

સ્વ. મહેન્દ્ર પરીખ (ઈન્ડિયન એક્સપ્રેસ)

સ્વ. મહેન્દ્ર પરીખ – એર ઈન્ડિયા કોલોની (ઈન્ડિયન એક્સપ્રેસ)

મુકેશ પારપિયાની – બોમ્બે સ્ટોક એક્સચેન્જ (મિડ-ડે)

શૈલેષ મુળે (ફોટો કોર્પ)

મુકેશ પારપિયાની (મિડ-ડે)

મુકેશ પારપિયાની (મિડ-ડે)

નિમેષ દવે – દહિસર પૂર્વ (મિડ-ડે)

ડો. નીતિન સોનાવણે (ઈકોનોમિક ટાઈમ્સ)

સ્વ. પ્રશાંત નાડકર – સાયન અને સુમન નગર વચ્ચેનો વિસ્તાર (ઈન્ડિયન એક્સપ્રેસ)

રાજેશ જાધવ – વડાલા (એશિયન એજ)

સચીન હળદે – નાલાસોપારા (દબંગ દુનિયા)

સમીર મારકંડે – પવઈ સરોવર (મિડ-ડે)

સંજય હડકર – મુંબઈ એરપોર્ટ (ટાઈમ્સ ઓફ ઈન્ડિયા)

સંજય હડકર – ગેટવે ઓફ ઈન્ડિયા, તાજમહલ હોટેલ (ટાઈમ્સ ઓફ ઈન્ડિયા)

સતેજ શિંદે – કાન્હા પાડા, મલાડ (મિડ-ડે)

સૈયદ સમીર અબેદી – દાદર પશ્ચિમ રેલવે (મિડ-ડે)

શાંતનૂ દાસ (ટાઈમ્સ ઓફ ઈન્ડિયા)

વિજયાનંદ ગુપ્તા – ચુનાભટ્ટી સ્ટેશન (હિન્દુસ્તાન ટાઈમ્સ)

વિજયાનંદ ગુપ્તા – ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ચુનાભટ્ટી સ્ટેશન પાસે (હિન્દુસ્તાન ટાઈમ્સ)

સ્વ. વિવેક બેન્દ્રે – મકાન હોનારત (ઈન્ડિયન એક્સપ્રેસ)