અમદાવાદઃ અહીં ચાલી રહેલા ‘U20 મેયરલ સમીટ’ના ચર્ચા સત્રોના ચાર વિષયો પૈકી એક છે – “વિકાસના મુખ્ય પ્રવાહમાં મહિલાઓનો સમાવેશ”. આ હેતુને ચરિતાર્થ કરતો પ્રશંસનીય પ્રયાસ અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ કર્યો છે.
આ જ શૃંખલામાં તેઓ સાણંદ તાલુકાના ચેખલા ગામે પહોંચ્યા હતા. જ્યાં ગામમાં ઉપલબ્ધ વિવિધ સરકારી સુવિધાઓ તેમજ નિર્માણ કાર્યોની સમીક્ષા કરી તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત તેમણે ‘સખી મંડળ’ની બહેનો સાથે પણ વિચારવિમર્શ કર્યો હતો. સખી મંડળના માધ્યમથી મહિલાઓ ઊનની હાથવણાટની વિવિધ વસ્તુઓ બનાવે છે. આ પ્રવૃત્તિને કારણે મહિલાઓ આર્થિક ઉપાર્જન તો કરી જ રહી છે. સાથોસાથ આત્મવિશ્વાસમાં વધારો થવાની સાથે તેમને પગભર પણ બનાવે છે. દવેએ સખીમંડળની બહેનો દ્વારા હાથવણાટથી બનાવાયેલા ઊનના રૂમાલની ખરીદી કરી હતી અને બહેનોને વધુ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે પ્રેરિત કરી હતી.
ચેખલા ગામે કુલ ૪૮ સખી મંડળો કાર્યરત છે. જેમાં ૫૧૦થી વધુ મહિલાઓ જોડાઈ છે. આ મહિલાઓ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મળતા ધિરાણનો ઉપયોગ કરીને ચોખાનાં પાપડ, તોરણ, હાથવણાટની વિવિધ વસ્તુઓ, કટલરી સ્ટોર સહિતની આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ છે.
બ્રિજટાઉનઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી પહેલી ટેસ્ટ મેચ રમાવાની છે. તે પૂર્વે ભારતીય ટીમના ખેલાડીઓ બાર્બેડોસ ટાપુના આ શહેરના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા છે. એ વખતે કેટલાક સ્થાનિક યુવા ખેલાડીઓ ભારતીય ખેલાડીઓની મદદ કરવા આવ્યા હતા. પ્રેક્ટિસ સત્ર બાદ ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એક કેરેબિયન ખેલાડીને પોતાનું બેટ અને બીજા એક ખેલાડીને શૂઝ ગિફ્ટમાં આપ્યા હતા. એને કારણે બેઉ ખેલાડી બહુ ખુશ થઈ ગયા હતા.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ તેનો વિડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
આ પોસ્ટને નેટયૂઝર્સ તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. વિડિયો વાઈરલ થયો છે.
ગાંધીનગરઃ જાપાનના ટોક્યોના ગવર્નર કોઈકે યુરિકો સિંગાપુરના અધિકારીઓના એક પ્રતિનિધિ મંડળની સાથે આઠ જુલાઈએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાંધીનગર (IITGN)ની મુલાકાત લેશે. કોઈકે સતત બીજી વાર (2016 અને 2020)માં ટોક્યોના ગવર્નર તરીકે ચૂંટાયા હતા.
તેમની 30 વર્ષોથી વધુ પોતાની શાનદાર રાજકીય કેરિયર રહી છે. તેમણે પર્યાવરણ મંત્રી (2003), રાષ્ટ્રીય સુરક્ષા મામલોના વડા પ્રધાનના ખાસ સલાહકાર (2006), સંરક્ષણ પ્રધાન (2007) અને ડિરેક્ટર- બજેટ સમિતિ, પ્રતિનિધિ સભા (2011) તરીકે પણ કામગીરી કરી છે. તેમની સાથે જાપાનનું એક પ્રતિનિધિમંડળ પણ હશે, જે સંસ્થાની મુલાકાત લેશે.
નવી દિલ્હીઃ 50 વર્ષ પહેલાં ક્રૂર શાસક ઇદી અમીનને કારણે યુગાન્ડામાં ભારતીય મૂળના સુખપાલ સિંહ અહલુવાલિયાનું જીવન ખેદાનમેદાન થઈ ગયું હતું. 1972માં 13 વર્ષની વયે સુખપાલ સિંહ બ્રિટન ચાલ્યા ગયા હતા અને એક શરણાર્થી શિબિરમાં ચાલ્યા ગયા હતા. તેમનો પરિવાર RAF ગ્રીનહેમ કોમનમાં શરણાર્થી શિબિરમાં રહેતો હતો, પરંતુ એનું સપનું તૂટ્યું નહીં, કેમ કે તેમની પાસે ગુમાવવા માટે કંઈ હતું જ નહીં.
અમે સારી રીતે જીવી શકીએ એ માટે મારા માતાપિતાએ ખૂબ સંઘર્ષ કર્યો હતો. પાછળ ફરીને જોવા પર કષ્ટદાયક વાતો હતી, એમ કહેતાં તેઓ ભાવુક થયા હતા. તેઓ નાણાકીય ખેંચને કારણે અભ્યાસ પણ પૂરો નહોતો કરી શક્યા. જોકે પરિવારને ઉપર લાવવા માટે તેમણે 1978માં પહેલો વેપાર યુરો કાર પાર્ટસ -કંપની સ્થાપિત કરવા માટે મહામૂલી બચત લગાવી હતી. કંપનીએ નોંધપાત્ર પ્રગતિ કરી અને યુરોપની કાર સપ્લાયર્સની ટોચની કંપની બની ગઈ હતી.
સુખપાલ સિંહે કહ્યું હતું કે તેમણે 18 વર્ષની વયે હાઇવે ઓટો ખરીદવા માટે પૈસા ઉછીનાં લીધાં હતાં. તેમણે 2011માં 225 મિલિયન પાઉન્ડમાં યુરો કોમ્પોનન્ટ વેચ્યાં હતા. એ જ વર્ષે તેમણે UKમાં રિયલ એસ્ટેટ કંપની ડોમિનવ્સ ગ્રુપની સ્થાપના કરી હતી, જેની સંપત્તિ એક અબજ પાઉન્ડથી વધુ છે.
સુખપાલ સિંહ તેમની સફળતાનું શ્રેય આકરી મહેનત અને લગનને આપે છે. તેમણે કહ્યું હતું કે આપણે તકનો લાભ લેવા માટે હંમેશાં સતર્ક રહેવું જોઈએ.
ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને વિકાસની હરણફાળ ભરતું અમદાવાદ શહેર U20 મેયરલ સમિટના યજમાન બન્યા છે. અર્બન20 મેયરલ શિખર સંમેલનમાં દુનિયાભરના 57 શહેરો અને ભારતના 35 શહેરોનાં મેયર, નાયબ મેયર સહિત 90 જેટલાં પ્રતિનિધિઓ ઉપસ્થિત છે.
આ પ્રતિનિધિઓનાં ભવ્ય સ્વાગત માટે અમદાવાદ અને ગાંધીનગર, બંને શહેરને શણગારવામાં આવ્યા છે.
‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય, વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે U20 સમિટનાં પ્રતિનિધિઓએ મેયરલ સમિટ એક્ઝિક્યુટિવ ગ્રુપ મીટિંગ બાદ શહેરના જુદા જુદા સ્થળોની મુલાકાત પણ લીધી હતી.
ડેલીગેશને ગાંધીનગર અને હેરિટેજ સિટી અમદાવાદ શહેરના જે વિસ્તાર અને સ્થળોની મુલાકાત લીધી એ સ્થળોને શણગારવામાં આવ્યા છે.
ઠેરઠેર હોર્ડિંગ્સ અને બેનર્સ દ્વારા પ્રતિનિધિઓને આવકાર આપવામાં આવ્યો છે.
અમદાવાદના ઉસ્માનપુરા, પંચવટી, કોમર્સ છ રસ્તા, પુષ્પકુંજ જેવા વિસ્તારોમાં સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. વિશાળ શિલ્પકૃતિઓ અમદાવાદીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. માર્ગો પરથી પસાર થતાં લોકો માટે શહેરનો આ નવો શણગાર કુતુહલ સર્જી રહ્યો છે.
પેરિસઃ આ વર્ષે ફ્રાંસમાં બેસ્ટિલ ડે સમારોહમાં ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ કરવા માટે પંજાબ રેજિમેન્ટ્સને પસંદ કરવામાં આવી છે.પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોની 269 સભ્યોની ત્રિ-સેવા ટુકડી ફ્રાંસના સમકક્ષોની સાથે માર્ચ કરતાં સામેલ થશે. આ પરેડ 14 જુલાઈ થશે. ફ્રાંસના રાષ્ટ્રીય દિવસે દળ ગુરુવારે ફ્રાંસ જવા રવાના થયું છે.
પંજાબ રેજિમેન્ટ્સની ટુકડીના કેપ્ટન અમન જગતાપના નેતૃત્વમાં ત્રણ અધિકારી, ચાર જુનિયર કમિશન્ડ અધિકારી અને 69 અન્ય રેન્ક સામેલ છે. ભારતીય નેવીના દળનું નેતૃત્વ કમાન્ડર વ્રત બધેલ અને એરફોર્સની ટુકડીનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર સિંધુ રેડ્ડી કરી રહ્યા છે. આ ટુકડીમાં કુલ 77 માર્ચ કર્મચારીઓ અને 38 બેન્ડ સભ્યોની ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કેપ્ટન અમન જગતાપ કરી રહ્યા છે.
સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ પંજાબ રેજિમેન્ટ દ્વારા કરવામાં આવે છે, જે ભારતીય સેનાની સૌથી જૂની રેજિમેન્ટોમાંની એક છે. રેજિમેન્ટના સૈનિકોએ બંને વિશ્વ યુદ્ધોની સાથે સ્વતંત્રતા પછીનાં ઓપરેશનમાં પણ ભાગ લીધો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધમાં તેમને 18 યુદ્ધ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વીર સૈનિકોએ મેટાપોટામિયા, ગેલિપોલી, ફિલિસ્તિન, મિસ્ર, ચીન, હાંગકોંગ દમિશ્ક અને ફ્રાંસમાં લડાઈ લડી હતી. ફ્રાંસમાં તેમણે સપ્ટેમ્બર 1915માં ન્યુવે ચેપલની પાસે એક આક્રમક હુમલામાં ભાગ લીધો હતો અને તેમણે લૂસ અને ફ્રાંસ એન્ડ ફ્લેન્ડર્સ એવોર્ડ એનાયત થયો હતો.
આજે (7 જુલાઈએ) ઝી5 પર રિલીઝ થઈ છેઃ ‘તરલા,’ જે આપણાં સૌનાં પ્રિય પાક-સમ્રાજ્ઞી તરલા દલાલના જીવન પર આધારિત છે. તરલાબહેનની ભૂમિકા હુમા કુરેશીએ ભજવી છે, ડિરેક્ટર છે પીયૂષ ગુપ્તા. ફિલ્મમાં હુમા કુરેશી ઉપરાંત ફિલ્મમાં શરીબ હાશમી (જે બન્યો છે તરલા દલાલના હસબન્ડ નલ્લુ અથવા નલિન દલાલ), ભારતી આચરેકર, વીણા નાયર, વગેરે છે.
ફિલ્મ ઓપન થાય છે પુણેની જવાન, મધ્યમવર્ગી તરલા શાહના કૉલેજના દિવસોથી. તરલાને જીવનમાં કંઈ કરવું છે, પરંતુ એના સપનાને પાંખો મળે ત્યાં તો એનાં લગ્ન મુંબઈના ધનાઢ્ય પરિવારના નલિન દલાલ સાથે થાય છે. અહીંથી શરૂ થાય છે પાકકલાને વન-વુમન બિઝનેસ એમ્પાયર બનાવી દેનારી એક સ્ત્રીનો પ્રવાસ. પ્રખ્યાત શેફ, દોઢસોથી વધુ કૂક બુકનાં લેખિકા, ટીવી પર રસોઈ-શોનાં સંચાલિકા, પાકશાસ્ત્ર શીખવતાં પ્રશિક્ષક પદ્મશ્રી તરલાબહેનનો પ્રવાસ. આમાં કેવીક અડચણ આવે છે, એનો સામનો એ કેવી રીતે કરે છે.
તરલાબહેનનાં સંતાન દીપકભાઈ-રેણુબહેન અને સંજયભાઈમાં સૌથી નાના, બાહોશ આન્ત્રપ્રેન્યોર સંજય દલાલ માતાના પાકકૌશલને એક નવી ઊંચાઈએ લઈ ગયા. રેણુબહેને પણ મમ્મીનો વારસો સાચવ્યો. સંજયભાઈએ મમ્મીની રેસિપી વિશેની વેબસાઈટ, પુસ્તકો, રેડી-ટુ-મેક વ્યંજનો ‘તરલા દલાલ ફૂડ્સ’ (‘ટીડીએફ’) પર ઘણું કામ કર્યું. એમનાં પત્ની મોના દલાલે પણ સાસુમાનો વારસો સાચવ્યો. ‘મેન્યૂસ્ક્રિપ્ટઃ ફૂડસ્ટોરીઝ બાય મોના દલાલ’ હેઠળ એ શુદ્ધ મેક્સિકન સેવપૂરી, થાઈ કચોરી ચાટ, ઢોકળાં સુશી જેવી અઢળક ફ્યુઝન વાનગીઓ તથા જાતજાતની કેક્સ બનાવે છે.
મને યાદ છે, વર્ષો પહેલાંની ‘ટીડીએફ’ અંગેનું એક ઘરેલુ પત્રકારમિલન. તરલાબહેને વિકસાવેલી અમુક પંજાબી સબ્જી ચખાડવા તરલાબહેન-સંજયભાઈએ દક્ષિણ મુંબઈમાં એમના ઘરે ચૂંટેલા 5-6 પત્રકારોને બોલાવેલા, જેમાં આપનો વિશ્વાસુ ગયેલો. તરલાબહેને ‘ટીડીએફ’ના પૅકેટ્સમાંથી રસોઈ બનાવી અમને જમાડેલા. પત્રકારોની વિદાય બાદ અમે ગપ્પાં મારતાં બેઠેલાં.
રસોઈને લગતી ૧૪૦થી વધુ કૂક બુક લખનારાં તથા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે પદ્મશ્રી એવૉર્ડ મેળવનારાં તરલાબહેનનો જન્મ-ઉછેર પુણેમાં. ગુલાબબહેન અને ધરમદાસ શાહનાં મોટાં દીકરી તરલાબહેનને યુવાવસ્થામાં રસોઈમાં કોઈ ખાસ રુચિ નહોતી. જો કે શૈશવકાળમાં એમનાં માતાની તબિયત નરમગરમ રહ્યાં કરતી એટલે આઠેક વર્ષની ઉંમરથી એમને રોટલી-શાક, દાળ-ભાત, બનાવતાં આવડી ગયાં.
સાસરામાં મહારાજ, બાઈ, વગેરે હતાં, પણ પતિને ખુશ કરવા તરલાબહેન નિતનવી રેસિપી શીખતાં. નલિનભાઈ અમેરિકાથી ભણીને આવેલા એટલે એમને વેસ્ટર્ન ફૂડ ભાવતું અને તરલાબહેનને ગુજરાતી રસોઈ સિવાય કંઈ ન આવડે, પણ પુસ્તકો વાંચીને એ શીખ્યાં. તે વખતે મુંબઈમાં એક પારસી બાનુના કૂકિંગ ક્લાસ ચાલતા, પણ એ નૉન-વેજિટેરિયન વાનગી શીખવતાં એટલે શુદ્ધ શાકાહારી તરલાબહેનને એ ન ફાવ્યું. એમણે પોતાની રીતે ઘરે પ્રયોગ કરવા માંડ્યા. પછી તો એમણે કૂકિંગ ક્લાસ શરૂ કર્યા.
વાનગીઓની રીતનું તરલાબહેનનું પહેલું પુસ્તક પ્રકાશિત કરનાર ‘વકીલ ઍન્ડ સન્સ’ના અરુણભાઈ મહેતાએ મને એક રસપ્રદ કિસ્સો કહેલો. ગયા વર્ષે 90 વર્ષની વયે અરુણભાઈનું નિધન થયું. એમના શબ્દોમાં, “1960ના દાયકામાં મારા કાકા અમારો પ્રિન્ટિંગ બિઝનેસ સંભાળતા. તે વખતે તરલાબહેને એમને રસોઈની રીત વિશેનું પુસ્તક છાપવા કહ્યું તો કાકાએ છાશિયું કરતાં કહ્યું, “બૈરાં તો બાળપણથી જ રસોડામાં હોય… રસોઈ બનાવવાની ચોપડી એ કયે દહાડે વાંચવાનાં?”
જો કે તરલાબહેને મનમાં ગાંઠ વાળેલી કે પુસ્તક તો છપાવવું જ છે. 1973-1974ના અરસામાં, દલાલપરિવારના પડોશી એવા અરુણભાઈએ એમનું પહેલું પુસ્તક છાપ્યું- ‘ધ પ્લેઝર ઑફ વેજિટરિયન કૂકિંગ.’ આ પુસ્તકની પાંત્રીસથી વધુ આવૃત્તિ થઈ, પંદર લાખથી વધુ કૉપીઝ ભારત ઉપરાંત આફ્રિકા જેવા દેશોમાં વેચાઈ.
-અને ફિલ્મ કેવી છે? ફિલ્મ ઓકે છે. શરૂઆતમાં ગતિ થોડી ધીમી છે, પણ પછી એક પછી એક પ્રસંગની ઘટમાળ આવતી જાય છે. ‘દંગલ,’ ‘છિછોરે,’ ‘સિઆચીન વૉરિયર્સ’ જેવી ફિલ્મમાં રાઈટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળનાર ડિરેક્ટર પીયૂષ ગુપ્તાની તરલા ત્રણ હજાર રૂપિયા-પર-ડિશ જેવી, જોતાં જ આફરો ચડાવી દેતા બૂફે જેવી નથી, પણ ભાણજી લવજીના ચોખ્ખા ઘીથી મઘમઘતી સાદી, પણ સ્વાદિષ્ટ વાનગી જેવી છે.
જામનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી MISHTI (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes) યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં 3500 એકર વિસ્તારમાં ચેર (મેન્ગ્રુવ્સ)નાં જંગલોના સર્જન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગર અને દ્વારકાનાં સાંસદ પૂનમબહેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન મંત્રી મૂળુભાઈ બેરા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડિરેક્ટર તથા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.આ કરાર અનુસાર આગામી પાંચ વર્ષમાં રૂ. 510 લાખના ખર્ચે ચેરનાં વૃક્ષોના વનનું નિર્માણ કરવામાં આવશે. સમુદ્રતટના ક્ષાર પ્રવેશને રોકવા તથા દરિયાઈ ઈકોસિસ્ટમની જાળવણી અને પર્યાવરણ સંતુલનમાં આ ચેર ખૂબ મોટું યોગદાન આપશે.
આ કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી અને ડિરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ ચંદ્ર પ્રકાશ ગોયલ, ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ એસ.કે.ચતુર્વેદી તથા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.
શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીરમાં ભારે વરસાદ છે અને તેમાંય કશ્મીર પ્રદેશના અનેક ભાગોમાં હવામાન ખરાબ થતાં અમરનાથ યાત્રાને કામચલાઉ રીતે સ્થગિત કરી દેવામાં આવી છે.
યાત્રાને બાલતાલ અને પહલગામ, બંને રૂટ પર સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. એક પણ યાત્રીને આજે સવારથી બાબા અમરનાથના બરફના શિવલિંગવાળી પવિત્ર ગુફા તરફ જવા દેવામાં આવ્યા નથી. પહલગામ પટ્ટાવિસ્તારમાં હવામાન વધારે ખરાબ થયું છે. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે.
પહલગામ બેઝ કેમ્પ તરફ આગળ વધતા 4,600 યાત્રાળુઓના જથ્થાને ચંદરકોટમાં રોકી દેવામાં આવ્યો છે. હવામાન સારું થશે એ પછી તરત જ યાત્રાને ફરી શરૂ કરવામાં આવશે.
દક્ષિણ કશ્મીરમાં હિમાલય પર્વતમાળામાં આવેલી પવિત્ર ગુફાના ગુરુવારે 17,202 લોકોએ દર્શન કર્યા હતા. આ સાથે આ વર્ષે પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કરનારાઓનો આંકડો વધીને 84,768 થયો છે. દરિયાઈ સપાટીથી 3,888 મીટર ઊંચે આવેલી પવિત્ર ગુફા માટેની વાર્ષિક અમરનાથ યાત્રા આ વખતે 1 જુલાઈથી શરૂ થઈ છે અને તેનું સમાપન 31 ઓગસ્ટે થશે. પવિત્ર ગુફા સુધી જવા માટે બે માર્ગ છે. અનંતનાગ જિલ્લામાં પહલગામથી અને ગંદેરબાલ જિલ્લામાં બાલતાલથી.