૦૭ જૂલાઈ, ૨૦૨૩
૦૭ જૂલાઈ, ૨૦૨૩
Chitralekha Gujarati – July 17, 2023
રાશિ ભવિષ્ય 07/07/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે..
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.
ગૃહસ્થ જીવન સમાજની વૃદ્ધિ તથા વિકાસ માટે જરૂરી
સતયુગમાં જન્મ યોગબળથી થાય છે. જીવન કામ- ક્રોધ વગેરે વિકારોથી સંપૂર્ણ મુક્ત હતું. ત્યાં દેવતાઓ પૂરા જીવન દરમિયાન સંપૂર્ણ પાપ રહિત હતા. સ્ત્રી – પુરુષની સંખ્યા સ્વાભાવિક રીતે સરખી હતી. ત્યાં બધાને એક દીકરો, એક દીકરી હશે. બધાની આત્મિક દ્રષ્ટી-વ્રુત્તિ હોવાના કારણે કોઈપણ પ્રકારની ઈર્ષ્યા કે દ્વેષ ન હતો. ગાય પણ વાઘ થી ડરતી ન હતી. મનુષ્ય તથા પ્રાણીઓમાં પણ અહિંસાની ભાવના હતી. આ કારણે જ સર્વશ્રેષ્ઠ-નિષ્પાપ દાંપત્યજીવનના પ્રતીક સમાન શ્રી લક્ષ્મી તથા શ્રી નારાયણની આજે પણ મંદિરોમાં પૂજા થાય છે. કોઈપણ વસ્તુ હંમેશા એક સમાન નથી રહી શકતી. પરિવર્તન સંસારનો નિયમ છે. દ્વાપરયુગ આવવાથી ગૃહસ્થ જીવનમાં પાપની પ્રવેશતા થઈ. બાળકોનો જન્મ વિકારથી થવા માંડ્યો. વિકારોના કારણે ઉત્પન્ન થયેલ દુઃખ થી પરેશાન થઈ કેટલાક લોકોએ ગૃહસ્થનો સંન્યાસ કરવાની શરૂઆત કરી. તેઓ યોગી, તપસ્વી અથવા ઋષિ-મુનિ કહેવડાવવા લાગ્યા. તેઓ વિકારો થી બચવાના ઉપાયો તથા પરમાત્માને પ્રાપ્ત કરવાની દિશામાં મનન- ચિંતન કરવા લાગ્યા.

આ સમયે વિવિધ શાસ્ત્રોની પણ રચના થઈ. ભક્તિમાર્ગના શાસ્ત્રોમાં લખ્યું છે કે રાજા પરીક્ષિત કે જે પાંડવોનો ઉત્તરાધિકારી હતો તેના સમયમાં કળિયુગે સોનામાં વાસ કર્યો. આ શાસ્ત્ર મતને આધાર બનાવીને લોકો ધનને માયા માનવા લાગ્યા. તેઓ સ્ત્રી- બાળકો, ઘર-પરિવારની સાથે ધન-સંપત્તિનો સન્યાસ કરવા લાગ્યા. એવી માન્યતા બની ગઈ કે ઈશ્વર તથા શ્રેષ્ઠ ગુણોની પ્રાપ્તિમાં ઘન-સંપત્તિ વિઘ્ન રૂપ છે. પરંતુ ભગવાન શિવે પ્રજાપિતા બ્રહ્માના મખકમલ દ્વારા એ રહસ્ય ખોલ્યું કે પહેલું પાપ જે સૌથી પહેલા માનવ જાતિના પતનનું કારણ બન્યું તે ધન નહિ પણ દેહ અભિમાન દ્વારા ઉત્પન્ન કામ-વાસના છે. આ કામ-વાસના જ દેવતાઓને વામમાર્ગમાં લઇ જવા નિમિત્ત બની. કામ વિકારને જ ક્રિશ્ચિયન ગ્રંથોમાં આદમ તથા ઇવ દ્વારા પ્રતિબંધિત ફળ ખાવું તેમ કહેવાયું છે. આ કામ વિકાર રૂપી પ્રતિબંધિત ફળને ચાખી લીધા બાદ બહુજ દુઃખ અને ગરીબીના પહાડ કેવી રીતે તૂટી પડ્યા તેનુ ક્રિશ્ચન ગ્રંથોમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે. દેવતાઓ વામમાર્ગમાં ગયા તેના પરિણામે આવેલ પ્રાકૃતિક આપત્તિઓના કારણે દેવતાઓની સ્વર્ગીય સભ્યતા- સંસ્કૃતિ નાશ પામી.

“સોનાની દ્વારકા પાણીમાં જતી રહી” એમ કહીને દૈવી સભ્યતાના વિનાશનું વર્ણન કરવામાં આવેલ છે. ગૃહસ્થ જીવન સમાજની અનિવાર્ય સંસ્થા છે તથા સમાજની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. માટે ગૃહસ્થ જીવનમાં પાપની પ્રવેશતા થી સંસારની તમામ પ્રક્રિયા દુષિત બની ગઈ. એક વ્યક્તિ રાજા, મંત્રી, દ્વારપાલ, કિસાન વિગેરે કોઈ પણ હોય પરંતુ તે કોઈ ઘરનો સભ્ય તો જરૂર હોય જ છે. જન્મ પ્રક્રિયાના દુષિત બનવાના કારણે કોઈપણ આત્મા પવિત્ર રહી નથી શકતી તથા દુઃખના વિષ ચક્રમાંથી પસાર થવા માટે બંધાઈ જાય છે.
વર્તમાન સમયે આરક્ષણ નીતિ અપનાવવામાં આવેલ છે. સમાજના તે વર્ગ કે જે કમજોર છે, જેની પાસે ધન, શિક્ષણ, સાધનોની અછત છે, જે વર્ગને આગળ વધવામાં મુશ્કેલીઓ દેખાય છે તે વર્ગને આરક્ષણ આપીને આગળ વધારવામાં આવે છે. તેવી જ રીતે દ્વાપર યુગની શરૂઆતમાં ઋષિમુનિઓએ એ વસ્તુ જાણી લીધી એટલે કે આગળ જતા વિકારોનો પ્રભાવ વધી જશે. પરિણામે અનેક મુશ્કેલીઓનો સમાજે સામનો કરવો પડશે. માટે જ ઋષિ-મુનિઓએ આશ્રમ વ્યવસ્થા દ્વારા બ્રહ્મચર્યને આરક્ષિત કરી દીધું હતું.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
વાસ્તુ: શું દેવસ્થાનોમાં પૈસા આપવાથી બધા પાપ ધોવાઈ જાય?
સત્તા કુદરતી અને અકુદરતી શબ્દો પણ માનવ સર્જિત છે. આપણે ત્યાં છઠ્ઠીના લેખની વાત છે. વિધાતા જે લેખ લખે એ
બદલાય નહિ. થોડા સમય પહેલા જ વિશ્વના ધનાઢ્ય લોકો દરિયાના પેટાળમાં ધરબાઈ ગયા. એ સાબિત કરે છે કે ધન, સંપત્તિ, સત્તા કે ઓળખાણ એ કશું જ કુદરતના નિયમ સામે ચાલતા નથી. દેવસ્થાનમાં પૈસા મુકવાથી પુજારી રિજે. શું ઈશ્વર ક્યારેય પૈસા માંગે છે? આપણે કોઈને મદદ કરીએ છીએ એ વ્યક્તિને અને એના માટેની મદદની વસ્તુની વ્યવસ્થા પણ કુદરત જ કરે છે. માણસ બંને જગ્યાએ નિમિત જ બને છે. ક્યારેક એનો હાથ ઉપર હોય છે તો ક્યારેક નીચે. આપણે જેને અકુદરતી કહીએ છીએ એનું નિર્માણ પણ કુરતી દ્રવ્યોથી જ થાય છે ને? તેથી જ કુદરત જ સર્વ શક્તિમાન છે. માણસ સતત કુદરતને નાથવા પ્રયત્ન કરે છે. પણ શું એ એમાં સફળ થઇ શક્યો છે ખરો?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: મારા એક ઓળખીતા ખુબ જ ધનવાન છે. મેં મારી નજર સામે એમને લોકોનું ખરાબ કરતા જોયા છે. એ દેવસ્થાનોમાં લાખો રૂપિયા આપે છે. અને સામે એમને બાંહેધરી મળે છે કે એમના બધા પાપ ધોવાઈ જશે. શું આવું શક્ય છે ખરું?

જવાબ: સત્તા અને સંપત્તિ હોય તો બધું જ મળે છે એવી માન્યતા જયારે પ્રસરી રહી હોય ત્યારે લોકોના મનમાં આવા વિચારો આવે. કોઈને સદમાર્ગે પૈસા કમાવાની વાત કરીએ એના કરતા ખોટા રસ્તે પૈસા કમાઈ અને પાપ ધોઈ નાખવાના રસ્તા વધારે ગમે છે. કરુણતા એ છે કે કહેવાતા ધર્માધિકારીઓ જ આવી વાતો કરે છે. ધર્મ માનવ લક્ષી નિયમો દર્શાવે છે. નહિ કે અન્યનું ખરાબ કર્યા બાદ પોતાના કર્મોને ધોવાની વાત કરે છે. વળી કર્મ એ કાઈ કાપડ થોડા છે કે એ ધોવાઈ જાય? ભોગ લગાવવાથી કે ચાદર ચડાવવાથી મનને સારું લાગે. આપણે ધરાવેલો ભોગ ઈશ્વર ખાય છે ખરા? એ તો પુજારી ખાય છે. શું કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ઈશ્વર પૈસા માંગે છે. જેણે આખી સૃષ્ટી બનાવી છે એને વળી અન્ય પાસેથી લેવાની ક્યાં જરૂર છે? આ બધી મનને મનાવવાની વાતો છે. જે લોકો ઈશ્વરને સમજતા નથી એ જ ઈશ્વરને ખરીદવાની વાતો કરી શકે. કર્મનો સિદ્ધાંત એની જગ્યાએ કામ કરે જ છે. આપ યુવાન છો. વિશ્વનું ભવિષ્ય યુવાનોના હાથમાં જ છે. ધર્મ એ કર્મ સાથે જોડાયેલ છે એ સમજવું જરૂરી છે. વળી સત્તા અને સંપતિ બંને મૃત્યુથી બચાવી નહિ શકે. એ સમજણ જયારે આવે છે ત્યારે જ જીવવાના નિયમો સમજાય છે. આપ શિવપૂજા અને ગાયત્રી પૂજા કરો. આંતરિક શક્તિનો વિકાસ જરૂર થશે.
સવાલ: હું એક મોટી અને જાણીતી સોસાયટીમાં રહું છું. અમારી સોસાયટીમાં એક બ્રાહ્મણ રહે છે. એ એવું માને છે કે એ જગતનો ઉદ્ધાર કરવા સક્ષમ છે. ક્યારેક અમે પણ અનુભવ્યું છે કે એનામાં કોઈ એવી શક્તિ છે જેના કારણે કોઈ એનું ખરાબ કરે તો જે તે વ્યક્તિને તકલીફ પડે છે. એ થોડા સમય માટે બહાર ગયા હતા ત્યારે અમે ખુબ હેરાન થયા હતા. એ લાંબા સમય સુધી પૂજા કરે છે. વળી ક્યારેક એવી પોસ્ટ મુકે છે જે વાંચીને પોતાની જાત માટે નફરત થઇ જાય. એ એવું માને છે કે નીતિથી જીવવું જોઈએ. જો રાજકારણ ન કરીએ તો જીવાય કેવી રીતે? વળી સોસાયટીના પ્રશ્નો દર્શાવીને ડરાવે છે. જે થવાનું હશે ત્યારે થશે જ. એના માટે ચેતવણીઓ આપવાની ક્યાં જરૂર છે? એક દિવસ બધાએ મરવાનું છે એ બધાને ખબર છે. તો પછી ચેતવણી આપીને ઉશ્કેરવાની ક્યાં જરૂર છે? મને તો લાગે છે કે એને આવતા ઇલેકશનમાં ઉભા રહીને સોસાયટી પચાવી પાડવી છે. આ માણસ કોઈની સાથે વાત પણ નથી કરતો. પણ અમને એનો બહુ ડર લાગે છે. શું કરી શકાય? મને વાસ્તુ વિષે જાણવામાં રસ છે. પણ હું શ્રેષ્ઠ છું. એટલે કોઈ ઉપાયની મને જરૂર લાગતી નથી. પેલા ભાઈ માટે કોઈ સુચન હોય તો જણાવશો.

જવાબ: તમે સાચે જ બહુ નકારાત્મક વિચારો ધરાવો છો. જો કે સત્ય બધા નથી સમજી શકતા. સહુથી પહેલા તો વધારે પડતું વિચારવાનું બંધ કરો. કોઈ શું વિચારે છે એ પણ તમારે વિચારવાનું? સાચા માણસને રંજાડવામાં આવે તો કુદરત એના પરિણામો દેખાડે છે. જે માણસ કોઈને મળતો પણ નથી એ ચૂંટણીમાં ભાગ લેશે? એને તમારા લોકોની ભલાઈમાં રસ છે અને તમે એને દુશ્મન માની બેઠા છો. હકીકતોને સ્વીકારતા શીખો. કાલ્પનિક ભય માંથી બહાર આવો. ભયભીત માનસના લીધે જ માનવ જાતિએ મોટાભાગના નકારાત્મક નિર્ણયો લીધા છે. તમને પોતાની જાત માટે શરમ આવે એવું કામ કરો છો જ શું કામ? વળી રાજકારણ વિના ન જીવાય? જીવવા માટે રાજકારણ જરૂરી છે એવું ક્યાં લખ્યું છે? આપ જીવનને સમજી જ નથી શક્યા. જીવનમાંથી રાજકારણ કાઢીને એકાદ દિવસ જીવી જુઓ. પરિવાર અને લાગણીઓ વિશેની સાચી સમજણ આવી જશે. જો મૃત્યુ નિશ્ચિત છે એવી સમજણ છે તો શું આપ તત્કાલ મૃત્યુ ઈચ્છશો? કોઈ ન ઈચ્છે. કોઈ સારા ભાવથી ચેતવણી આપે તો એને દુશ્મન ન માની શકાય. તમે નસીબદાર છો કે કોઈ તમને ચેતવે છે. સાચે જ તમારી દયા આવે છે. તમારા ઘરનું મુખ્ય દ્વાર નૈરુત્ય દક્ષિણમાં છે. અને અગ્નિમાં દેવસ્થાન છે. ઉત્તરમાં ટોઇલેટ છે અને દક્ષિણમાં રસોઈઘર છે. આ બધીજ બાબતોના લીધે આપ આવા વિચારો ધરાવો છો. આપણે કોઈ સૂચનની જરૂર નથી. એ સારી વાત છે. આ બધું કાર્મિક હોય છે. પેલા ભાઈ માટે એક જ સુચન છે કે સુપાત્રને દાન આપવું જોઈએ. સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ ટકી શકે. ગમે તેને સાચી સલાહ આપીને સમય અને ઉર્જાનો બગાડ ન કરાય.
આજનું સુચન: સપ્ત્પરણી અને કોનોકાર્પસના વૃક્ષ શ્વસનતંત્ર માટે હાનીકારક છે. તેથી એ ન વાવવા જોઈએ. જો કોઈ કારણથી એ વાવી દેવામાં આવ્યા હોય તો વડ, પીપળો, લીમડો જેવા વૃક્ષો વાવીને આ વૃક્ષો કાઢી નાંખવા જોઈએ. માણસ હોય કે વૃક્ષ બંને નકારાત્મક હોય તો એનાથી દુર થઇ જવું જોઈએ.
(આપના સવાલો મોકલી આપો Emai: vastunirmaan@gmail.com)
કેબિનેટ અને સંગઠનમાં ફેરબદલની અટકળો વચ્ચે PM મોદીની મહત્વની બેઠક
ભાજપ સંગઠનમાં ફેરફાર અને કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પાર્ટીના નેતાઓ સાથે તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. જો કે, નડ્ડા થોડા સમય પછી બીજા કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળી ગયા હતા. આ પછી અમિત શાહ અને પીએમ મોદીની મુલાકાત લગભગ બે કલાક સુધી ચાલી હતી.

છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ટોચના નેતાઓ સતત બેઠકો કરી રહ્યા છે. શાહ, નડ્ડા અને પાર્ટીના મહાસચિવ બીએલ સંતોષે તાજેતરમાં અનેક રાઉન્ડની બેઠકો યોજી હતી. માનવામાં આવે છે કે ત્રણેય નેતાઓએ આ વર્ષના અંતમાં યોજાનારી તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપી સંગઠનમાં ફેરફાર અંગે ચર્ચા કરી હતી.

આ સાથે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શાહ, નડ્ડા અને બીએલ સંતોષ વચ્ચે કેબિનેટ ફેરબદલને લઈને વાતચીત થઈ હતી. આ પછી, ત્રણેય નેતાઓએ 28 જૂને પણ પીએમ મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ 3 જુલાઈએ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી હતી.
ભાજપે સંગઠનમાં આ ફેરફારો કર્યા છે
પીએમ મોદી સાથે કેન્દ્રીય મંત્રીઓની બેઠક બાદ ભાજપે ચાર રાજ્યોમાં પ્રમુખ પદની જવાબદારી આપી છે – ઝારખંડમાં બાબુલાલ મરાંડી, પંજાબમાં સુનીલ જાખડ, આંધ્રપ્રદેશમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડી પુરંદેશ્વરી અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી તેલંગાણા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ ટૂંક સમયમાં વધુ છ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરશે. આ રાજ્યો કર્ણાટક, ગુજરાત, કેરળ, હરિયાણા, મધ્યપ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર છે.

મંત્રીઓ જેપી નડ્ડાને મળ્યા
કેબિનેટમાં ફેરબદલની અટકળો વચ્ચે BJP પ્રમુખ નડ્ડાએ મંગળવાર (4 જુલાઈ) અને બુધવારે (5 જુલાઈ)ના રોજ અનેક કેન્દ્રીય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. છેલ્લા બે દિવસમાં નડ્ડા સાથે મુલાકાત કરનારાઓમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે.
‘હું NCP પ્રમુખ છું’, પાર્ટીની બેઠક બાદ શરદ પવારે અજિત પવારને આપ્યો જવાબ
અજિત પવારના નેતૃત્વમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં બળવો શરૂ થયા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય તાપમાનમાં વધારો થયો છે. દરમિયાન, શરદ પવારની NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ગુરુવારે દિલ્હીમાં યોજાઈ હતી. બેઠક બાદ પૂર્વ સીએમ શરદ પવારે કહ્યું કે અજિત પવારને પાર્ટીના અધ્યક્ષ બનાવવા વિશે તેઓ જાણતા નથી. હું NCPનો પ્રમુખ છું. આવી સ્થિતિમાં જો કોઈ કહે કે હવે હું NCPનો અધ્યક્ષ છું તો તેને મહત્વ ન આપવું જોઈએ.

અજિત પવારના નિવૃત્તિના નિવેદન પર તેમણે કહ્યું કે હું 82 વર્ષનો હોઉં કે 92 વર્ષનો, તેનાથી કોઈ ફરક પડતો નથી. બેઠક બાદ એનસીપીના નેતા પીસી ચાકોએ કહ્યું કે પાર્ટીએ પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને NDA સાથે હાથ મિલાવનારા 9 ધારાસભ્યોને હાંકી કાઢવાના શરદ પવારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. શરદ પવાર સાથે 27 રાજ્ય સમિતિઓ છે. અમે આગળની કોઈપણ કાર્યવાહી માટે શરદ પવારને અધિકૃત કર્યા છે. જણાવી દઈએ કે અજિત પવાર, છગન ભુજબળ, દિલીપ વાલસે પાટીલ અને હસન મુશ્રીફ સહિત નવ ધારાસભ્યોએ NCP સામે બળવો કર્યો હતો.

બેઠક પર અજિત પવારનું નિવેદન
આ બેઠક અંગે ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે તેની કોઈ કાનૂની માન્યતા નથી. મને પાર્ટીના ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, આવી સ્થિતિમાં શરદ પવારને આવી બેઠક યોજવાનો કોઈ અધિકાર નથી.

અજિત પવારે શું કહ્યું?
અજિત પવારે બુધવારે કાકા શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે IAS અધિકારીઓ 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. રાજકારણમાં પણ ભાજપના નેતાઓની નિવૃત્તિની ઉંમર 75 વર્ષની છે. તમે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના ઉદાહરણો જોયા હશે. તમે 83 વર્ષના છો. શું તમે રોકવાના નથી? તમારા આશીર્વાદ આપો અને અમે તમારા લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીશું. તમને જણાવી દઈએ કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, 30 જૂનના રોજ 40 ધારાસભ્યોના સમર્થનના પત્ર સાથે અજિત પવારને એનસીપીના અધ્યક્ષ બનાવવાની માહિતી ચૂંટણી પંચને મોકલવામાં આવી હતી. આ પત્ર કેન્દ્રીય ચૂંટણી પંચને 5 જુલાઈએ મળ્યો હતો.
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત મળશે કે સજા યથાવત રહેશે? આવતીકાલે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં આપવામાં આવેલી સજા સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવશે. સુરત કોર્ટે તેને દોષિત ઠેરવતા 23 માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી. દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. સભ્યપદેથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમનો અવાજ દબાવવાનું કામ કરી રહી છે, પરંતુ તેઓ ડરતા નથી.

કોંગ્રેસ અને ભાજપ શું કહે છે?
રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મોઢ અને તેલી સહિત ઘણા લોકો ગુજરાતમાં મોદી સરનેમ લખે છે. રાહુલના નિવેદનને દરેક સાથે જોડવું યોગ્ય નથી. અરજીકર્તાનું કહેવું છે કે દેશના 13 કરોડ લોકોની બદનામી થઈ છે. તે પોતે જ એક મજાક છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના અન્ય નેતાઓએ આ સમગ્ર મામલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ અન્ય પછાત વર્ગ (ઓબીસી)નું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં તેમણે ઓબીસી સમાજની માફી માંગવી જોઈએ.

રાહુલ ગાંધીએ શું કહ્યું?
ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કર્ણાટકમાં રાહુલ ગાંધીના 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર ભાષણને લઈને સુરતની કોર્ટમાં તેમની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે, જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી કેમ છે ? કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આવું કહીને મોદી સરનેમના લોકોને બદનામ કર્યા છે.
નેધરલેન્ડ્સ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું, 11 નવેમ્બરે ભારત સાથે સામે રમશે
નેધરલેન્ડે સ્કોટલેન્ડને હરાવીને વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય કર્યું છે. વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023ની મેચમાં નેધરલેન્ડે સ્કોટલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે નેધરલેન્ડ ક્વોલિફાય થઈ ગયું. વર્લ્ડ કપમાં નેધરલેન્ડની ટીમ 11 નવેમ્બરે ભારત સામે મેચ રમશે. તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે, જે હૈદરાબાદમાં રમાશે.
When you know you are going to #CWC23 ✨ pic.twitter.com/3feqVwXCFC
— ICC (@ICC) July 6, 2023
ક્વોલિફાયરની સુપર સિક્સીસની 8મી મેચ નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડે 42.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ માટે બાસ ડી લીડે શાનદાર સદી ફટકારી હતી. તેણે 92 બોલનો સામનો કરીને 123 રન બનાવ્યા હતા. લીડની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. ઓપનર વિક્રમજીત સિંહે 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા સામેલ હતા.
Hello, #CWC23 🇳🇱😍 pic.twitter.com/jGYdAmruv0
— ICC (@ICC) July 6, 2023
વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે છે. આ મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. આ પછી 9 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે અને 17 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે મેચ રમાશે. ટીમ 21 ઓક્ટોબરે શ્રીલંકા અને 25 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. 28 ઓક્ટોબરે નેધરલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ પછી અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ સાથે મેચ રમાશે. 11 નવેમ્બરે નેધરલેન્ડની ભારત સાથે મેચ રમાશે. આ મેચ બેંગ્લોરમાં રમાશે.
WHAT. A. GAME 🤯
Bas de Leede produces an all-round performance for the ages to take Netherlands to #CWC23 🌟#SCOvNED: https://t.co/d9Ke8xmAoU pic.twitter.com/SqLzIofgMe
— ICC (@ICC) July 6, 2023
નેધરલેન્ડે ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમને ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મેચમાં 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેણે અમેરિકા અને નેપાળને હરાવ્યું. તેણે નેપાળ સામે 7 વિકેટે જીત મેળવી હતી. આ પછી વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચ ટાઈ રહી હતી. નેધરલેન્ડને શ્રીલંકા સામે 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ઓમાન અને સ્કોટલેન્ડ પર જીત મેળવી હતી


