Home Blog Page 2727

-તો ભારતમાં પેટ્રોલ 15 રૂપિયે પ્રતિ લીટર મળી શકેઃ ગડકરી

જયપુરઃ હાલ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ જેવા તમામ મોટા શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ખૂબ ઊંચા છે ત્યારે કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે જો ટ્રાન્સપોર્ટને લગતી અમુક શરતોનું પાલન કરવામાં આવે તો દેશમાં ઈંધણનો ભાવ પ્રતિ લીટર 15 રૂપિયા સુધી નીચે જઈ શકે એમ છે.

(ફાઈલ તસવીર)

એક જાહેર સભાને સંબોધિત કરતાં ગડકરીએ કહ્યું હતું કે, જો સરેરાશ 60 ટકા ઈથેનોલ અને 40 ટકા વીજળી લેવામાં આવે તો દેશમાં પેટ્રોલ પ્રતિ લીટર 15 રૂપિયા જેટલા ઓછા ભાવે મળી શકે. દેશમાં પેટ્રોલ પ્રતિ લીટર 15 રૂપિયે મળે તે એક સપનાની વાત જેવું લાગે, પણ આ પરિસ્થિતિ વાસ્તવિક બની શકે જો પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડી દેવામાં આવે અને લોકો એમના વાહનો ચલાવવા માટે વીજળી અને ઈથેનોલનો વપરાશ વધારી દે તો. આમ થાય તો પ્રદૂષણ અને આયાત, બંને ઘટી જાય. હાલ રૂ.16 લાખ કરોડની આયાત કરવામાં આવે છે અને જો આ રકમ બચી જાય તો એ ખેડૂતોને મળતી થાય.

ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણકુમાર, પુત્રનો કાર અકસ્માતમાં આબાદ બચાવ

મેરઠઃ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર અને એના પુત્ર ગઈ કાલે રાતે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક રોડ અકસ્માતમાં આબાદ રીતે ઉગરી ગયા હતા. તેઓ જે કારમાં જતા હતા તેની સાથે એક ટ્રક અથડાઈ હતી. સદ્દભાગ્યે પ્રવીણ અને એમના પુત્ર, બંનેને કોઈ ઈજા થઈ નથી અને તેઓ સ્વસ્થ છે. આ સમાચાર સાથે વિકેટકીપર રિષભ પંતને ગયા વર્ષે ઉત્તરાખંડના રુડકીમાં નડેલા એક ભયાનક કાર અકસ્માતની યાદ ફરી તાજી થઈ છે.

પ્રવીણકુમાર મેરઠના બાગપત રોડસ્થિત મુલતાન નગરના રહેવાસી છે. તેઓ એમના પુત્રની સાથે એમની કારમાં પાંડવ નગરથી આવી રહ્યા હતા ત્યારે એમને અકસ્માત નડ્યો હતો. ધસમસતી આવેલી એક ટ્રક એમની કાર સાથે પાછળથી અથડાઈ હતી. ટ્રક ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

36 વર્ષીય પ્રવીણકુમાર ભારત વતી 6 ટેસ્ટ, 68 વન-ડે ઈન્ટરનેશનલ અને 10 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમ્યા હતા.

બેંક ઓફ ઇન્ડિયાએ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર રજૂ કર્યું

મુંબઈઃ દેશમાં જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક- બેંક ઓફ ઇન્ડિયાએ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, 2023ને સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે. આ સમારંભનું ઉદઘાટન MD અને CEO  રજનીશ કર્ણાટકે વિડિયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. તેમણે કહ્યું હતું કે બેંક ઓફ ઇન્ડિયા તેની તમામ શાખાઓમાં આ યોજનાને કાર્યરત કરનાર પ્રથમ બેંક છે, જેનાથી તેમને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, 2023 હેઠળ ખાતાં ખોલવા માટે અધિકૃત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વ્યક્તિગત છોકરીઓ અથવા મહિલાઓ કે સગીર છોકરીઓ વતી વાલી મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ માટે ખાતું ખોલાવી શકે છે. ઓછામાં ઓછા રૂ. 1000 અને રૂ. 100ના ગુણાંકમાં કોઈ પણ રકમ જમા કરી શકાય છે, જ્યારે વધુમાં વધુ રૂ. 200,000 સુધીની મર્યાદામાં ડિપોઝિટ કરી શકાય છે. જેતે વ્યક્તિ દરેક ખાતાની વચ્ચે ત્રણ મહિનાના અંતરાલની સાથે ગમે તેટલાં ખાતાં ખોલાવી શકે છે. પરંતુ તેની રોકાણમર્યાદા કુલ રૂ. 2,00,000ની હોય.

આ યોજના હેઠળ જમા કરવામાં આવેલી થાપણો પર વાર્ષિક 7.5 ટકાનું આકર્ષક વ્યાજ મળશે અને તેને ત્રિમાસિક ચક્રવૃદ્ધિથી જોડીને ખાતામાં જમા કરવામાં આવશે. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર હેઠળની તમામ કમાણી હાલની આવકવેરાની જોગવાઈ અનુસાર કરપાત્ર હશે. જોકે યોજના હેઠળ TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) કાપવામાં આવશે નહીં.

ખાતું ખોલાવાની તારીખથી બે વર્ષ પછી પરિપક્વ થઈ જશે અને આ યોજના અંતર્ગત 31/03/2025 સુધી ખાતું ખોલી શકાશે. આ યોજના નોમિનેશનની સુવિધા પણ પૂરી પાડે છે. ખાતેદારના મૃત્યુની સ્થિતિમાં ખાતું સમય પહેલા બંધ કરી શકાય છે. ઉપરોક્ત શરતોના આધીન સમય કરતાં પહેલાં ખાતું બંધ કરવાની સ્થિતિમાં મૂળ રકમ પર યોજના પર લાગુ વ્યાજદર એટલે કે 7.5 ટકા ચૂકવવાપાત્ર હશે. ખાતું ખોલાવ્યાની તારીખથી છ મહિના પછી બે ટકા દંડની સાથે ગ્રાહક ઇમરજન્સીની સ્થિતિમાં અથવા પોતાના વિવેક પર ગ્રાહક દ્વારા ખાતું બંધ કરવાની વિનંતી કરી શકે છે અને લાગુ વ્યાજદર 5.5 ટકા હશે. ખાતેદાર ખાતું ખોલાવ્યાની તારીખથી એક વર્ષ પછી મળવાપાત્ર બેલેન્સના 40 ટકા સુધી આંશિક ઉપાડ પણ કરી શકે છે. આ કાર્યક્રમમાં ED પી.આર.રાજગોપાલ, એમ. કાર્તિકેયન, કોર્પોરેટ ઓફિસમાંથી સીજીએમ, જીએમ અને નેશનલ બેન્કિંગ ગ્રુપ અને ઝોનની તમામ ઓફિસોના પ્રતિનિધિઓ, જેઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

 

 

 

 

 

 

શિષ્યાએ કેલિગ્રાફી દ્વારા તૈયાર કરેલી 75-ફૂટ લાંબી શિક્ષાપત્રી ગુરુકુળને અર્પણ કરી

અમદાવાદ: તાજેતરમાં જ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ દરેક સંપ્રદાયના લોકોએ પોતપોતાની આગવી શૈલીમાં ઉજવ્યો હતો. વ્યક્તિગત રીતે કોઈ માણસની પ્રેરણાથી સાચો માર્ગ મળ્યો હોય એવા ગુરુજનોને યાદ કરી લોકોએ ઋણ અદા કર્યું. ગુરુજનો માટે અનેક કાર્યક્રમોના આયોજનો પણ થયા.

અમદાવાદનાં એક શિષ્યા ભાવિની મિસ્ત્રીએ પોતાનાં ગુરુજનને એક અનોખી ભેટ આપીને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી. ભાવિની મિસ્ત્રીએ પંચોતેર ફૂટ લાંબી અને દોઢ ફૂટ પહોળી હસ્તલિખિત શિક્ષાપત્રી એસ.જી.વી.પી. ગુરુકુળના માધવપ્રિયદાસજી, સંતો અને જયદેવ નાગ્રેચા સાહેબને અર્પણ કરી હતી.

પોતે કેલિગ્રાફીનાં નિષ્ણાત હોવાના કારણે એમણે સ્વામિનારાયણ સંપ્રદાયની અમુલ્ય એવી શિક્ષાપત્રીની ભેટ ગુરુજનો અને ગુરુકુળને આપવાનું નક્કી કર્યું.

ભાવિની મિસ્ત્રી ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘આપણો હિંદુ ધર્મ જીવન જીવવાની શૈલી, પધ્ધતિ શીખવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયથી તૈયાર થયેલા શિક્ષાપત્રી જેવા સાહિત્ય આપણાં જીવનમાં ડગલે ને પગલે ઉપયોગી થાય છે. એમાંય ગુરુજનો અને સંતોના પોતાના રચનાત્મક કાર્યો, વિચારો આપણને વક્તવ્યો દ્વારા એક નવી ઊર્જા આપે છે. આ બધી બાબતોમાંથી પ્રેરણા લઈને કેલિગ્રાફીથી તૈયાર કરેલી મારી કળા મેં એસ.જી.વી.પી. ગુરુકુળને અર્પણ કરી છે.’

આ અનોખી શિક્ષાપત્રી વિશે ભાવિનીબહેન કહે છે, ‘સતત ત્રણ મહિના અને દરરોજની પાંચ કલાકની કૃતિ ભક્તિથી આ કાર્ય સંપન્ન થયું. આ શિક્ષાપત્રીમાં ભાવ ભક્તિનો તો છે જ, આ સાથે લોકો વાંચી શકે એવું લેખન પણ કર્યુ છે. માવજત સાથે પવિત્રતાનો ખાસ પ્રયાસ કર્યો છે. તલના તેલની દીવની મેશમાંથી શાહી તૈયાર કરી, બરુંના ઝાડની ડાળીમાંથી તૈયાર કરેલી કલમથી લેખન કર્યું. સાગની પેટી શિક્ષાપત્રીની સાચવણી માટે તૈયાર કરવામાં આવી છે. વર્ષોથી કેલિગ્રાફી, ગ્રાફોલોજી, સુંદર અક્ષર લેખનની તાલીમ આપવાનું કામ કરું છું. અનેક શૈક્ષણિક સંસ્થાઓ, સંપ્રદાયો, ગુરુકુળનાં બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. એસ.જી.વી.પી. સંસ્થા અને સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી મને ખૂબ અસર કરી ગઈ. એના કારણે કેલિગ્રાફીની મારી કળા ગુરુકુળ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને અર્પણ કરી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

પ્રધાનમંડળમાં ફેરબદલની ચર્ચા વચ્ચે મંત્રીઓની ભાજપાધ્યાક્ષ સાથે મુલાકાત

 નવી દિલ્હીઃ ભાજપ હાલના દિવસોમાં લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયો છે. મંગલવારે ચાર રાજ્યોના પ્રદેશાધ્યક્ષ બદલ્યા પછી હવે મોદી મંત્રીમંડળમાં ફેરબદલની તૈયારી ચાલી રહી છે. મોદી સરકારમાં સામેલ કેટલાય મંત્રીઓએ ગઈ કાલે ભાજપના વડા જે. પી. નડ્ડાને મળવા પહોંચ્યા હતા.

નાણાપ્રધાન નિર્મલા સીતારામન, કિરણ રિજીજુ સહિત અર્જુન મેઘવાલ જેવા નેતાઓએ આ વાતને ભાજપાધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. દિલ્હીના પ્રગતિ મેદાનમાં વડા પ્રધાને મંત્રીમંડળની એક બેઠક બોલાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે મંત્રીમંડળની એક સાથે સાર્થક બેઠક થઈ છે, જ્યાં અમે વિવિધ નીતિ સંબંધી મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. આ બેઠકમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીની વ્યૂહરચનાને લઈને ચર્ચા થઈ છે.

ભાજપના ટોચના નેતાઓની વચ્ચે કેટલીય બેઠકો થઈ છે. આ બેઠકો પછી ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના સંગઠનના મહા મંત્રી બી. એલ. સંતોષે 28 જૂને વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકો અને મુલાકાતો પછી કેબિનેટમાં ફેરબદલની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ભાજપે હાલમાં તેલંગાણા ભાજપના નવા પ્રદેશાધ્યક્ષ કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી બનાવવામાં આવ્યા છે, જ્યારે આંધ્ર પ્રદેશ ભાજપના કે. ડી. પુરંદેશ્વરી, ઝારખંડના પૂર્વ CM બાબુલાલ મરાંડી અને પંજાબના સુનીલ જાખલ ભાજપના નવા પ્રદેશાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય ચર્ચા ચાલી રહી છે કે હવે છ અન્ય રાજ્યોમાં પણ પાર્ટી નવા પ્રદેશાધ્યક્ષોને નિયુક્ત કરશે, જેમાં મધ્ય પ્રદેશ, કેરળ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, કર્ણાટક અને ગુજરાત જેવાં રાજ્યોનાં નામ ટોચ પર છે. વડા પ્રધાન મોદીએ છેલ્લે વર્ષ 2021માં પ્રધાનમંડળમાં ફેરબદલ કર્યો હતો.

 

 

 

પવાર વિરુદ્ધ પવારઃ કોણ ભારે પડશે? આજે ફેંસલો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં જારી રાજકીય બબાલની વચ્ચે NCPના શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથની બેઠક થવાની છે. બંને નેતાઓએ પોતપોતાના વિધાનસભ્યો માટે વ્હિપ જારી કરીને બેઠકમાં સામેલ થવા નિર્દેશ આપ્યા છે. શરદ પવાર જૂથે પાર્ટીની બેઠક દક્ષિણ મુંબઈ સ્થિત યશવંત રાવ ચવ્હાણ કેન્દ્રમાં બપોરે એક કલાકે, જ્યારે અજિત પવારે મુંબઈના બાંદરા સ્થિતિ મુંબઈ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રાંગણમાં બેઠક બોલાવી છે.

અજિત પવારના મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થયા પછી તેમની અને શરદ પવારની વચ્ચે NCP પર દાવેદારીને લઈને લડાઈ તેજ થઈ ગઈ છે. બંને જૂથોની બેઠકની સ્થિતિ આજે સ્પષ્ટ થવાની છે. 288 સભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં NCPના 53 વિધાનસભ્ય છે અને અજિત પવાર દલબદલુ કાનૂન હેઠળ અયોગ્ય ઠરાવવાથી બચવા માટે કમસે કમ 36 વિદાનસભ્યોને સમર્થનની જરૂર છે. અજિત પવાર જૂથે 40 વિધાનસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે, જ્યારે શરદ પવાર જૂથનો દાવો છે કે સરકારમાં સામેલ થવા અજિત પવાર સહિત માત્ર નવ વિધાનસભ્યોએ જ પાલો બદલ્યો છે અને બાકીના શરદ પવારની સાથે છે.  

NCPના રાજકીય ઘમસાણની વચ્ચે NCP નેતા છગન ભુજબળે કહ્યું હતું કે અમે ગુરુ પાસેથી શીખ લીધી છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે તેમને ગુરુ દક્ષિણા આપી છે. અજિત પાવાર જૂથના NCP નેતા ધર્મરાવબાબા અત્રામે કહ્યું હતું કે અમારી સાથે આશરે 50 સભ્યો હશે. બધા સભ્યોએ હસ્તાક્ષર કરી દીધા છે.

 

 

 

 

કોરાનાના 56 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 56 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,407 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,910 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,044 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 69 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1453એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 56,866 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.26 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,40,938 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 104 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

અભિનેતા કાર્તિક આર્યનને મળવાની લાલચમાં મહિલાએ રૂ.82.75 લાખ ગુમાવ્યા

મુંબઈઃ બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન સાથે મુલાકાત ગોઠવી આપવાનું વચન ખોટી રીતે આપીને એક મહિલા સાથે રૂ. 82 લાખ 75 હજારની ઠગાઈ કરવા બદલ મુંબઈમાં અંધેરી (વેસ્ટ)ના અંબોલી પોલીસ સ્ટેશને એક શખ્સ સામે ફરિયાદ નોંધી છે.

આ એફઆઈઆર ઐશ્વર્યા શર્મા નામની 39 વર્ષીય મહિલાએ નોંધાવી છે જે ગોરેગાંવ (ઈસ્ટ)ની રહેવાસી છે. તેની ઈચ્છા ફિલ્મ નિર્માત્રી બનવાની હતી. ઘણા પ્રયાસો કર્યાં તે છતાં એને સફળતા મળી નહોતી. એવામાં તેની ઓળખાણ મૂળ નવી દિલ્હીના કૃષ્ણા શર્મા નામના એક વ્યક્તિ સાથે થઈ હતી. ઐશ્વર્યા બોલીવુડમાં કૃષ્ણાની વગની વાતોથી પ્રભાવિત થઈ ગઈ હતી અને પેલાએ તેને આપેલા મસમોટાં વચનો પર ભરોસો કરી દીધો હતો. ઐશ્વર્યા શર્મા ‘લવ’ નામની એક ફિલ્મ બનાવવા માગતી હતી. કૃષ્ણાએ ઐશ્વર્યાને ખાતરી આપી હતી કે તે એની ફિલ્મમાં કામ કરવા માટે અભિનેતા કાર્તિક આર્યન સાથે લંડનમાં મુલાકાત ગોઠવી આપશે. એણે તે માટે ઐશ્વર્યા શર્મા પાસેથી પૈસા માગ્યા હતા. તેણે ઐશ્વર્યા પાસેથી ધીમે ધીમે કરીને રૂ. 82.75 લાખ પડાવ્યા હતા. પરંતુ પૈસા લીધાં બાદ તેણે મહિલાને બહાના બતાવવાનું શરૂ કરી દીધું હતું. કાર્તિક આર્યન સાથે મુલાકાત ન થતાં મહિલાએ એનાં પૈસા પાછાં આપવા કહ્યું હતું, પરંતુ પેલાએ આપ્યા નહોતા. આખરે મહિલાને સમજાયું હતું કે પોતે છેતરાઈ ગઈ છે અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ભારતીય ફોજદારી ધારાની કલમ 406 અને 420 અંતર્ગત કૃષ્ણા શર્મા સામે કેસ નોંધ્યો છે.

બેડમિન્ટનઃ વર્લ્ડ સિંગલ્સ રેન્કિંગ્સમાં સિંધુ 15મા ક્રમે ઉતરી ગઈ

મુંબઈઃ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) દ્વારા નવા બહાર પાડવામાં આવેલા મહિલા ખેલાડીઓનાં વર્લ્ડ સિંગલ્સ રેન્કિંગ્સમાં બે વખત ઓલિમ્પિક્સ મેડલ જીતનાર પી.વી. સિંધુ વધુ ત્રણ ક્રમ નીચે ઉતરી ગયેલી છે. ભૂતકાળમાં દ્વિતીય ક્રમ સુધી પહોંચેલી સિંધુનાં રેન્કિંગ્સમાં આ વર્ષના આરંભથી જ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 2023ની મોસમના આરંભે એ વિશ્વસ્તરે સાતમા ક્રમે હતી, પરંતુ ત્યારબાદ એપ્રિલમાં એ ટોપ-10માંથી બહાર થઈ ગઈ હતી.

હૈદરાબાદનિવાસી 27 વર્ષીય સિંધુ 2017ના એપ્રિલમાં વિશ્વસ્તરે બીજા નંબર પર પહોંચી હતી. કારકિર્દીમાં એ તેનો સૌથી ઊંચો ક્રમ રહ્યો છે. સિંધુએ 2022માં બર્મિંઘમમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ ત્યારબાદ લાંબો સમય સુધી ચાલેલી ઈજાને કારણે તે આ મોસમમાં સારું ફોર્મ મેળવવા ખૂબ ઝઝૂમતી જોવા મળી છે.

સિંધુની સાથી ઓલિમ્પિક મેડલવિજેતા સાઈના નેહવાલ મહિલા સિંગલ્સના વર્લ્ડ રેન્કિંગ્સમાં 30મા ક્રમે છે.

પુરુષોના વિભાગમાં, એચ.એસ. પ્રણય વર્લ્ડ મેન્સ સિંગલ્સ રેન્કિંગ્સમાં, આઠમા ક્રમે છે. ટોપ-10 રેન્કિંગ્સમાં તે ભારતનો એકમાત્ર ખેલાડી છે અને તેણે આ સ્થાન જાળવી રાખ્યું છે. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 કિદામ્બી શ્રીકાંત હાલ 20મા ક્રમે છે.

વાહ ભાઈ વાહ! – ૦૫ જૂલાઈ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૦૫ જૂલાઈ, ૨૦૨૩