Home Blog Page 2738

સરકાર સંસદના ચોમાસુ સત્રમાં UCC બિલ રજૂ કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે, એમ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. તેમણે લખ્યું હતું કે આ સેશનમાં કુલ 17 બેઠકો થશે. હું બધી પાર્ટીઓને ચોમાસુ સત્રમાં રચનાત્મક યોગદાન આપવાની અરજ કરું છું. ચોમાસા સત્રનો પ્રારંભ જૂની સંસદ ભવનમાં થશે અને ત્યાર બાદ નવા સંસદ ભવનમાં બેઠક થવાની શક્યતા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

આ વખતના ચોમાસુ સત્રમાં ઘણો હંગામો થાવાની આશંકા છે. દિલ્હીની કેજરીવાલ સરકાર કેન્દ્રના વટહુકમનો ભારે વિરોધ કરે એવી શક્યતા છે. કેજરીવાલ સરકાર કેન્દ્રના વટહુકમ સામે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. ત્યાર બાદ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) મુદ્દે ભારે હંગામો થવાની વકી છે, કેમ કે UCC મામલે અનેક પાર્ટીઓ વિરોધ કરી ચૂકી છે.

UCCને લઈને સાંસદોનો મત જાણવા માટે સંસદીય સ્થાયી સમિતિની ત્રણ જુલાઈએ બેઠક બોલાવવામાં આવી છે. આ મુદ્દે કાનૂની મામલાના વિભાગ અને અન્ય વિભાગના પ્રતિનિધિઓને પણ બોલાવવામાં આવી છે.

UCC મુદ્દે વડા પ્રધાને શું કહ્યું હતું?

વડા પ્રધાન મોદીએ ભોપાલમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે દેશના મુસલમાનોએ એ સમજવાનું રહેશે કે કયા રાજકીય પક્ષો તેમને ભડકાવી રહ્યા છે. એક ઘરમાં એક સભ્ય માટે એક કાયદો અને બીજા માટે બીજો કાયદો ના હોઈ શકે. આવી બેવડી વ્યવસ્થાથી દેશ કેવી રીતે ચાલી શકે? જો આ લોકો મુસલમાનોના હિતેચ્છુ હોત તો મુસલમાનો પાછળ ના રહેત. સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે UCC લાવો, પણ મત બેન્કના ભૂખ્યા લોકો આવું કરવા નથી ઇચ્છતા.

 

જૂનમાં GST કલેક્શન શાનદાર, ફરી બન્યો રેકોર્ડ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીએ અમલીકરણના છ વર્ષ પૂર્ણ કર્યા છે. આ છ વર્ષોમાં, GST સિસ્ટમ માત્ર સ્થિર નથી થઈ, પરંતુ સરકારી તિજોરીને પણ ઘણી આવક થવા લાગી છે. જૂન મહિનામાં ફરી એકવાર સરકારી તિજોરીને GSTથી જબરદસ્ત રકમની કમાણી થઈ છે. નાણા મંત્રાલયે આજે 1 જુલાઈના રોજ જૂન 2023 મહિનાના GST ડેટાની જાહેરાત કરી હતી. સરકારી ડેટા અનુસાર, સરકારને જૂન 2023ના મહિના દરમિયાન GSTમાંથી 1.61 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, જે એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં 12 ટકાનો વધારો છે. અગાઉ મે મહિનામાં પણ GST કલેક્શનમાં 12 ટકાનો વધારો થયો હતો.

મે મહિનામાં આ કલેક્શન હતું

અગાઉ મે મહિના દરમિયાન સરકારને જીએસટીમાંથી 1.57 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી. મે 2023 દરમિયાન તિજોરીને આ કમાણી એક વર્ષ પહેલા એટલે કે મે 2022 કરતા 12 ટકા વધુ હતી. મે પહેલા એટલે કે એપ્રિલ મહિના દરમિયાન GST એ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ બનાવ્યો હતો. એપ્રિલ મહિનામાં સરકારને GSTમાંથી 1.87 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે.

આ રેકોર્ડ ગયા મહિને બન્યો હતો

જીએસટી કલેક્શનના આંકડા દર્શાવે છે કે સરકાર આમાંથી સારી કમાણી કરી રહી છે. GSTના 6 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 6 એવા પ્રસંગો આવ્યા છે જ્યારે GSTથી 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. તે જ સમયે, તે ચોથો મહિનો પણ છે જ્યારે GST કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. એટલું જ નહીં, પરંતુ ગયા મહિને એટલે કે જૂન 2023 સતત 15મો મહિનો હતો જ્યારે સરકાર GSTમાંથી 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક એકત્ર કરવામાં સફળ રહી છે.

1.61 લાખ કરોડ આ રીતે આવ્યા

જો તમે જૂન મહિનાના આંકડાઓ પર નજર નાખો તો સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી)માંથી રૂ. 31,013 કરોડ, સ્ટેટ જીએસટી (એસજીએસટી)માંથી રૂ. 38,292 કરોડ અને ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઇજીએસટી)માંથી રૂ. 80,292 કરોડ મળ્યા છે, જેમાંથી રૂ. 39,095 કરોડ મળ્યા છે. માલની આયાત પર એકત્રિત કરવામાં આવી હતી. આ સિવાય સરકારને સેસમાંથી 11,900 કરોડ રૂપિયા મળ્યા છે.

ચંદ્રશેખર પર હુમલો કરનાર ચાર યુવકોની ધરપકડ કરી

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ રાવણ પર હુમલો કરનાર યુવકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. હરિયાણાના અંબાલામાંથી પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી છે, આ યુવકોના નામ લવિશ, આકાશ અને પોપટ છે. આ ત્રણેય યુવકો રણખંડી ગામના રહેવાસી છે. બીજી તરફ એક યુવક હરિયાણાના કરનાલના ગોંદર ગામનો રહેવાસી છે. હવે તેમની પૂછપરછ કર્યા બાદ જ પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં આ હુમલા અંગે ખુલાસો કરી શકે છે.

આપને જણાવી દઈએ કે ભીમ આર્મીના સંસ્થાપક અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ પર દેવબંદમાં કાર સવાર યુવકોએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પોલીસે ચાર શંકાસ્પદોની પણ અટકાયત કરી હતી, આ સાથે જ પોલીસે મિરાગપુર ગામમાંથી ખૂની હુમલામાં વપરાયેલી કાર પણ મળી આવી હતી. પોલીસે ઝડપેલી કારનો રજીસ્ટ્રેશન નંબર HR 70 D 0278 છે.

આ હુમલા અંગે સહારનપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક વિપિન ટાડાએ જણાવ્યું હતું કે આ ઘટના સાંજે લગભગ 5 વાગ્યે દેવબંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન સર્કલ પાસે બની હતી. પોલીસ ટીમ અને ચંદ્રશેખરના સમર્થકો તેને નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા જ્યાંથી તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. TADAએ જણાવ્યું હતું કે ફોરેન્સિક ટીમ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસ મુજબ આઝાદના વાહન પર ચાર ગોળીઓ ચલાવવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરોની સંખ્યા ચારથી પાંચ હતી. જો કે આ હુમલામાં ઘાયલ થયેલા ચંદ્રશેખર અત્યારે સ્વસ્થ છે અને તેમણે પોતાના સમર્થકોને એક વીડિયો સંદેશ દ્વારા શાંત રહેવાની સલાહ આપી છે. આ સાથે ભીમ આર્મી ચીફે કહ્યું કે તેમને આવી ઘટનાની અપેક્ષા નહોતી.

આ ચોમાસે ભૂવા અને પાણી ભરાવાની સમસ્યા યથાવત્

અમદાવાદઃ રાજ્યમાં અષાઢ મહિને ચોમાસું જામ્યું છે. મોટા ભાગના તાલુકામાં મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે. ક્યાંક વરસાદ સોનું સાબિત થયો તો ક્યાંક આફતની જેમ વરસ્યો છે. શહેરમાં શુક્રવારની સાંજે પડેલા વરસાદથી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. રેલવેના અંડરબ્રિજ અને ગરનાળા પાણીથી છલોછલ થઈ ગયા હતા.

શનિવારની સવારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા. શહેરના આશ્રમ રોડને અડીને આવેલા મીઠાખળી અંડરપાસમાંથી પણ પાણી ઊતર્યુ નહોતું. ઘણાં ગરનાળામાંથી ફાઇટર દ્વારા પાણી ખેંચવામાં આવ્યું હતું. આ વરસાદે ઘણા વિસ્તારોમાં ભૂવા પડ્યા હતા.

શહેરના એકદમ ગીચ એવા જમાલપુર કાચની મસ્જિદ વિસ્તારમાં વિશાળ ભૂવો પડ્યો હતો. સતત બીજા દિવસે શહેરમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જેને કારણે મોટી સંખ્યામાં નવા ભૂવા પડ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. અમદાવાદ શહેરના નવા વિકસેલા વિસ્તારોના કેટલાક માર્ગ પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી. જેને કારણે માર્ગ તળાવમાં ફેરવાઈ ગયા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ) 

 

 

રાજ્યમાં શ્રીકાર વરસાદ વચ્ચે ઘેડ પંથક બેટમાં ફેરવાયું

અમદાવાદઃ રાજ્યમાં શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં 1થી 22 ઇંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢના વિસાવદરમાં બારે મેઘ ખાંગા થયા હોય એમ 22 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેથી જનજીવન અસ્તસ્વ્યસ્ત થઈ ગયું છે. આ સાથે ભેંસાણમાં છ ઇંચ વરસાદ, ધરમપુરમાં પાંચ ઇંચ, ધારીમાં સાડાચાર ઇંચ વરસાદ ઓઝત નદીનો પાળો તૂટતાં માણાવદર તાલુકાના ઘેડ પંથકના કોયલાણા ગામમાં પાણી ફરી વળ્યાં છે. ઘેડ પંથક અને બરવાળા બેટમાં ફેરવાયું હતું.

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. વિસાવદરમાં છેલ્લા દોઢ દિવસમાં રેકોર્ડ બ્રેક 22 ઇંચ વરસાદ પડ્યો છે તો ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની પુષ્કળ આવક થઈ છે. જેમાં ઓઝત વિયર ડેમ છલકાતાં 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી નીચાણવાળાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

મુંજિયાસર ડેમ ઓવરફ્લો

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. મુંજિયાસર ડેમ ઓવરફ્લો થવાના કારણે સાતલડી નદી ગાંડીતૂર બની હતી..

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ સમગ્ર સુરત શહેરમાં વરસાદ જામ્યો છે. મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે, તો અનેક ગામો સંપર્કવિહોણાં બની ગયાં છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા NDRFની એક ટીમ તહેનાત કરવામાં આવી છે.

ભેંસાણમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે ભેંસાણ તાલુકાના ભાટગામ પાસે આવેલી ઉબેણ સિંચાઇ યોજના જળાશયમાં પાણીની આવક વધતાં ડેમ ઓવરફ્લો થયો છે.

અમદાવાદ શહેરમાં સાંજે વરસેલા સતત વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભારયાં હતાં. અમદાવાદ અને બોટાદ જિલ્લામાં પણ મેઘરાજાની સવારી ધબધબાટી બોલાવી રહી છે. બરવાળા તાલુકામાં ચાર કલાકમાં સાડાપાંચ ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ગઢડામાં 40 મીમી., ધંધૂકામાં 68 મીમી, ધોળકામાં 30 મીમી વરસાદ નોંધાયો હતો. અમદાવાદ જિલ્લાની સરખામણીમાં બોટાદ જિલ્લામાં વધારે પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. બોટાદ જિલ્લામાં હજી મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે.

હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાંપહેલી જુલાઈથી વરસાદ ઓછો થઈ શકે છે, જ્યારે અમદાવાદમાં બીજી જુલાઈથી વરસાદનું  જોર ઘટે એવી શક્યતા છે. મોહંતીએ ઉમેર્યું કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય રીતે જેટલો વરસાદ થવો જોઈએ તેના કરતાં 107 ટકા વધુ વરસાદ થયો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 110.08 મિલીમીટર રહ્યો છે, પણ આ વર્ષે અત્યાર સુધીમાં 229.02 મિલીમીટર વરસાદ વરસ્યો છે.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદના કારણે અનેક સ્થળોમાં પાણી ભરાયા છે. અનેક ઘરોમાં પાણી ભરાયાં છે. ઘૂંટણસમાં પાણી ભરાતાં સ્થાનિક લોકો મુશ્કેલીમા મુકાયા હતા. ઘરોની અંદર પાણી ભરાતાં ઘરવખરીનો સામાન તણાયો હતો.

 

 

 

 

જામીન ફગાવતાં હાઇકોર્ટનો તિસ્તા સેતલવાડને સરન્ડર થવાનો આદેશ

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે શનિવારે કાર્યકર્તા તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવ્યા પછી તરત સરન્ડર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ગયા વર્ષે એ અરજી દાખલ કરી હતી. તેમના પર વર્ષ 2002નાં ગુજરાતનાં રમખાણોથી જોડાયેલા પુરાવા એકત્ર કરવાનો આરોપ છે.

જસ્ટિસ નિર્જર દેસાઈ આ મામલાની સુનાવણી કરી રહ્યા હતા. તિસ્તા સેતલવાડના વકીલ મિહિર ઠાકોરે કોર્ટના ચુકાદો સંભળાવ્યા પછી કોર્ટ પાસે 30 દિવસો માટે ચુકાદાના અમલ પર રોક લગાવવા વિનંતી કરી હતી.સેતલવાડ પર આરોપ છે કે તેમણે વર્ષ 2002ના ગુજરાતનાં રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા પુરાવા એકત્ર ઘડ્યા હતા. આ આરોપોમાં તેમણે અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાંચ (DCB)ની FIR પર 25 જૂન, 2022એ ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી. તેમને સાત દિવસો સુધી પોલીસ રિમાન્ડમાં રાખવામાં આવ્યા હતા અને બીજી જુલાઈએ ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા હતા.

આ મામલામાં તિસ્તાની સાથે એક વધુ આરોપી ભૂતપૂર્વ IPS આરબી શ્રીકુમારની પણ ધરપકડ થઈ હતી. આ પહેલાં રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના સાંસદ અહસાન જાફરીનાં પત્ની જકિયા જાફરીની વિશેષ તપાસ ટીમની વિરુદ્ધ દાખલ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. SIT દ્વારા દાખલ આરોપ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે તિસ્તા સેતલવાડનાં રમખાણોમાં મોટા પાયે થયેલા મોત માટે તત્કાલીન મુખ્ય પ્રધાન મોદી, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના ટોચના નેતાઓને ફસાવવાના પ્રયાસ કર્યા હતા. ગુજરાતનાં રમખાણોના કાવતરાના આરોપોથી તત્કાલીન મુખ્ય પ્રધાન મોદી અને અન્ય ક્લીનચિટ મળી ચૂકી છે.

 

 

 

HDFC લિ.નું પહેલી જુલાઈથી HDFC બેંકમાં વિલીનીકરણ

મુંબઈઃ દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC અને સૌથી મોટા ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા HDFC બેન્કની સાથે વિલીનીકરણ થયું છે. શેરધારકોની અને અન્ય તમામ નિયામકીય જરૂરિયાતોની મંજૂરી મળ્યા બાદ દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC બેંકે શુક્રવારે ભારતની પ્રમુખ હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિ.નું HDFC બેંકમાં સફળ વિલીનીકરણ થઈ ગયું હોવાની જાહેરાત કરી છે. HDFC બેંક અને HDFC લિ.એ જરૂરી સંમતિઓ અને મંજૂરીઓ પ્રાપ્ત થવાને આધીન ચોથી એપ્રિલ, 2022એ વિલીનીકરણ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. બંને કંપનીઓનાં બોર્ડે શુક્રવારે યોજાયેલી તેમની સંબંધિત બેઠકોમાં નોંધ્યું હતું કે આ વિલીનીકરણ પહેલી જુલાઈથી લાગુ થઈ જશે.

આ વિલીનીકરણની યોજના મુજબ HDFC બેંક શેરના વિનિમય ગુણોત્તર અનુસાર રેકોર્ડ તારીખ 13 જુલાઈ, 2023 સુધીમાં HDFC લિ.ના શેરધારકો પાસે રહેલા પ્રત્યેક રૂ. બેના ફેસ વેલ્યુના સંપૂર્ણપણે પેઇડઅપ 25 ઇક્વિટી શેરની સામે પાત્ર શેરધારકોને પ્રત્યેક રૂ. એકની ફેસ વેલ્યુના 42 નવા ઇક્વિટી શેર ઇશ્યુ કરશે અને ફાળવશે, જેને સંપૂર્ણપણે પેઇડઅપ તરીકે જમા કરાવી દેવામાં આવશે.

આ વિલીનીકરણની પ્રક્રિયા પૂરી થવા અંગે વાત કરતાં HDFC બેંકના CEO અને MD શશી જગદીશને જણાવ્યું હતું કે આ અમારી વિકાસયાત્રામાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે અને મને વિશ્વાસ છે કે અમારી સંયુક્ત ક્ષમતાની મદદથી અમે નાણાકીય સેવાઓની એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમની રચના કરી શકીશું. અમે HDFC લિ.ની ખૂબ જ પ્રતિભાશાળી ટીમનું HDFC બેંક પરિવારમાં ખરા દિલથી સ્વાગત કરીએ છીએ.

HDFC લિ.ના તમામ કર્મચારીઓ લાગુ થતી તારીખથી HDFC બેંકના કર્મચારીઓ બની જશે. આ વિલીનીકરણ બાદ HDFC બેંકની મહત્ત્વની સહાયક કંપનીઓમાં HDFC સિક્યુરિટીઝ લિ., એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિ., HDFC એસેટ મેનેજમેન્ટ કું. લિ., HDFC અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કું. લિ., HDFC કેપિટલ એડવાઇઝર્સ લિ. અને HDFC લાઇફ ઇન્શ્યોરન્સ કું.લિ.નો સમાવેશ થાય છે.

 

 

IC15 ઇન્ડેક્સ 178 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ અર્થતંત્ર અને બિટકોઇન ઈટીએફને લગતા પ્રોત્સાહક સમાચારને પગલે વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે. શુક્રવારે માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – IC15ના ઘટક કોઇનમાંથી લાઇટકોઇન 18.87 ટકાની વૃદ્ધિ સાથે સૌથી વધુ પ્રમાણમાં વધનારો કોઇન હતો. કાર્ડાનો અને સોલાનામાં 4થી 8 ટકાનો વધારો નોંધાયો હતો.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમમાં કિંગ ચાર્લ્સની મંજૂરીને પગલે ફાઇનાન્શિયલ સર્વિસિસ એન્ડ માર્કેટ્સ બિલ નામનો ખરડો પસાર થયો છે. આ ખરડો કાયદો બનવાને લીધે હવે ત્યાં ક્રિપ્ટોકરન્સીને નિયમન હેઠળની નાણાકીય એસેટ ગણવામાં આવશે. બીજી બાજુ, કેનેડાના સંસદસભ્યોએ બ્લેકચેઇન ટેક્નોલોજી અને ક્રિપ્ટોકરન્સી અપનાવવાની ભલામણ કરી છે. એમણે રાષ્ટ્રીય બ્લોકચેઇન નીતિ ઘડવાનું સૂચન પણ કર્યું છે.

અગાઉ, ત્રણ વર્ષે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.44 ટકા (178 પોઇન્ટ) વધીને 40,554 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,376 ખૂલીને 40,944ની ઉપલી અને 40,050 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

 

સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ભીષણ બસ દુર્ઘટનામાં 26નાં મોત

પુણેઃ મહારાષ્ટ્રના યવતમાળથી પુણે જઈ રહેલી એક બસમાં આગ લાગવાથી 26 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના શુક્રવારે રાતના બે કલાકની છે. સમૃદ્ધિ એક્સપ્રેસવે પર બુલઢાણામાં આગ લાગવાથી આ દુર્ઘટના બની હતી.

યવતમાળથી પુણે જઈ રહેલી બસ થાંભલા સાથે અથડાઈ હતી અને ડિવાઇડર પર ચઢીને પલટી ગઈ હતી. એને કારણે બસમાં આગ લાગી ગઈ. આ બસમાં 33 લોકો સવાર હતા, જેમાંથી 26 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જોકે બસની બારીના કાચ તોડીને સાત લોકોએ પોતાનો જીવ બચાવ્યો હતો. અન્ય ઇજાગ્રસ્તોને બુલઢાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનિએ જણાવ્યું હતું. બુલઢાણાના ADMએ જણાવ્યું હતું કે બસ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે.

તેમણે જણાવ્યું હતું કે ટાયર ફાટી ગયા પછી આ અકસ્માત થયો હતો. ત્યાર બાદ બસની ડીઝલ ટાંકીમાં આગ લાગી હતી, જે બસમાં પ્રસરી હતી.  આ અકસ્માતમાં ત્રણ બાળકોનાં પણ મોત થયાં છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી લક્ઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, ત્યારે પિંપલખુટા ગામ પાસે આ અકસ્માત થયો હતો.

વડા પ્રધાન મોદીએ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર બુલઢાણામાં બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે રૂ. બે લાખ આપવાની જાહેરાત કરી હતી. તેમણે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને રૂ. 50,000 આપવાની પણ ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુલઢાણા બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને મુખ્ય મંત્રી રાહત ફંડમાંથી રૂ. પાંચ-પાંચ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે મુખ્ય મંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

 

 

 

 

 

નક્કી કર્યા મુજબનું મહેનતાણું ચૂકવવામાં ધાંધિયા કરવા નહીં

સ્વામિનારાયણ સંપ્રદાયની સુપ્રસિદ્ધ શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક 152માં કહેવાયું છેઃ પોતાના કામકાજ માટે મજૂર બોલાવ્યા હોય તો તેમને પહેલેથી નક્કી થયું હોય એટલું ધન કે ધાન્ય આપવું; તેનાથી ઓછું જરાય આપવું નહીં. કોઈને કરજ આપ્યું હોય તો એ વાત કોઈનાથી છાની રાખવી નહીં; પોતાનો વંશ કે કન્યાદાન પણ છાનું રાખવું નહીં. દુષ્ટ લોકો સાથે વ્યવહાર નહીં કરવો.

નાણાકીય વ્યવહારને લગતા ઘણા જ અગત્યના મુદ્દા આ શ્લોકમાં છે. એક, બોલેલું પાળવું. બે, કરજની ચૂકવણી કર્યાનો દસ્તાવેજ રાખવો અને ત્રણ, દુષ્ટ લોકો સાથે વ્યવહાર કરવો નહીં.

રોજબરોજના જીવનમાં આપણાં અનેક કામ કરી આપનારા લોકો સાથે કે સમાજ કે સમુદાય સાથે વ્યવહાર કરતી વખતે દરેકને યોગ્ય મોંબદલો આપવો જરૂરી છે. કામ માટે નક્કી કરાયેલા દામની ચૂકવણી કરી જ દેવી જોઈએ. કંપનીઓએ કર્મચારીઓને પગાર આપ્યો ન હોય એવા કિસ્સા યાદ કરો. એ કંપનીઓના માલિકો, તેમની કંપનીઓ તથા તેમના પરિવારોની શું હાલત થાય છે?

ઍરલાઇન્સના બિઝનેસમાં ઘૂસીને પાયમાલ થયેલા દારૂના ધંધાના એક અગ્રણી ઉદ્યોગપતિએ કર્મચારીઓને પગાર ચૂકવ્યો નહીં હોવાનું બહાર આવ્યું છે. આજે એ વ્યક્તિએ દેશની બહાર ભાગી જવું પડ્યું છે. અહીં કર્મચારીઓને ઉક્ત શ્લોકનો ત્રીજો મુદ્દો લાગુ પડે છે. તેમણે કૌભાંડી વ્યક્તિની કંપનીમાં કામ કર્યું અને તેથી તેમણે મહેનતાણું ગુમાવવાનો વખત આવ્યો.

મોટાભાગના કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે અનૈતિક લોકો સાથે કામ કરવાથી કે સંકળાવાથી આખરે માણસે પોતાના ભાગનું પણ ગુમાવવાનો વખત આવે છે. નઠારા માણસો પોતે તો ચૂકવણીમાં ધાંધિયા કરે ને કરે જ, પણ ક્યારેક બીજાઓને પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોટાં કામમાં ધકેલતા હોય છે. એવા માણસે પોતે કરેલા ગુનાઓની સજા બીજાઓએ ભોગવવી પડે એવા પણ દાખલા છે.

અહીં મને ઘણા ઓછા સમયમાં ઉંચા વળતરનું વચન આપતી એવી સ્કીમો યાદ આવે છે, જેમાં લોકો પોતાની મહેનતની કમાણી રોકે છે અને પછી મુદ્દલ પણ ગુમાવી બેસે છે. આવી સ્કીમો શરૂ કરનારા લોકો કપટી હોય છે અને પોતાનાં વચનો પાળતા નથી તથા પોતાની સાથે સંકળાયેલા લોકોની જીવનભરની કમાણીનું નુકસાન કરાવે છે.

તમે પોન્ઝી સ્કીમનું નામ તો સાંભળ્યું જ હશે. લુચ્ચા લોકો ઉંચા વળતરની લાલચ બતાવીને આવી સ્કીમો શરૂ કરે છે. પોન્ઝી સ્કીમ શરૂ કરનારા મોટાભાગના લોકો પોલીસના સકંજામાં આવી જતા હોય છે. તેને પગલે રોકાણકારોએ નાણાં ગુમાવવાનો વખત આવે છે. ટૂંકા ગાળામાં શ્રીમંત બનાવવાની લાલચ આપનારી આવી સ્કીમો વાસ્તવમાં માણસને ટૂંકા ગાળામાં ગરીબ બનાવી દે છે.

કરજની પરત ચૂકવણીનો મુદ્દો પણ ઉક્ત શ્લોકમાં છે. આ બાબતે મને મારા એક ક્લાયન્ટનો કિસ્સો યાદ આવે છે. તેઓ પોતાની કિશોરાવસ્થાની વાત મને કરી રહ્યા હતા. તેમના પિતા અચાનક હાર્ટ ઍટેકથી ગુજરી ગયા ત્યારે તેમની ઉંમર 19 વર્ષની હતી. તેમના પિતા મેટલ માર્કેટમાં વેપારી હતા. પિતાના મૃત્યુ બાદ અનેક લોકો તેમના પિતાએ લીધેલું કરજ પાછું મેળવવા આવવા લાગ્યા. તેમના પિતાજી નોંધ રાખવામાં કાચા હતા. તેને લીધે મારા ક્લાયન્ટે કરજ ચૂકવવા માટે પોતાની અનેક મિલકતો વેચી દેવી પડી. છેવટે, તેમના પિતાએ ખરેખર કરજ લીધાં હતાં કે કેમ એ સવાલ ઊભો ને ઊભો જ રહ્યો.

ઉપરોક્ત ત્રણે મુદ્દાઓના દાખલા આપણને વાસ્તવિક જીવનમાંથી મળી આવ્યા એ જ બાબત દર્શાવે છે કે તેમનું કેટલું મૂલ્ય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)