Home Blog Page 2740

પંચાંગ 01/07/2023

શેરબજારમાં લાલચોળ તેજીઃ સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ

અમદાવાદઃ સ્થાનિક શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં અને જુલાઈ કોન્ટ્રેક્ટના પ્રારંભે શેરોમાં લાલચોળ તેજી થઈ હતી. બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીએ પહેલી વાર 64,000 અને 19,000ની ઉપર બંધ આવ્યા છે. BSE સેન્સેક્સ 803.14 પોઇન્ટ ઊછળીને 64,718.56ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 216.95 પોઇન્ટ ઊછળી 19,189.05ના મથાળે બંધ થયો હતો. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં 1400 પોઇન્ટ ઊછળીને 64,400ને પાર પહોંચ્યો હતો.

સ્થાનિક શેરબજારોમાં આગઝરતી તેજી થઈ હતી. આઇટી ઇન્ડેક્સ 2.5 ટકા, PSU બેન્ક ઇન્ડેક્સ બે ટકા, ઓટો અને કેપિટલ ગુડેઝ ઇન્ડેક્સ બે-બે ટકા વધીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ લાવ-લાવ હતું.

બજારમાં તેજીની વચ્ચે BSE પર 3648 શેરોમાં સોદા પડ્યા હતા, જ્યારે 1548 શેરોમાં  ઘટીને બંધ થયા હતા. આ સિવાય 138 શેરો સ્થિર રહ્યા હતા, જ્યારે 199 સ્ટોક્સ એક વર્ષની ઊંચાઈએ અને 34 શેરો એક વર્ષની નીચલી સપાટીએ પહોંચ્યા હતા. આ સાથે 185 શેરોએ ઉપલી સરકિટ બનાવી હતી, જ્યારે 11 શેરોએ લોઅર સરકિટ બનાવી હતી. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને 2,96,48,118.86 કરોડે પહોંચ્યું હતું. જ્યારે ગઈ કાલનું માર્કેટ કેપ રૂ, 2,94,11,131.69 કરોડ હતું. આમ રોકાણકારોની અસ્કયામતોમાં રૂ. 2,37 લાખ કરોડનો વધારો થયો હતો.

ભારતીય માર્કેટમાં વિદેશી રોકાણકારોએ મોટા પાયે મૂડીરોકાણ કર્યું છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ ચાલુ નાણાકીય વર્ષમાં શેરબજારમાં 10 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે.

 

 

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત મહિલા કુલપતિની નિયુક્તી

ગુજરાત યુનિવર્સિટીમાં  નવા કુલપતિની નિયુક્તી કરવામાં આવી છે.  હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ મળી ગયા છે. મહત્વની બાબત એ છે કે યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષ બાદ પ્રથમવાર એક મહિલાની નિયુક્તી કુલપતિ તરીકે કરવામાં આવી છે.

1949 માં સ્થાપિત રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સીટીના 18 માં કુલપતિ તરીકે મૂળ અમદાવાદી અને સાંચી યુનિવર્સિટી ઓફ બુધ્ધિસ્ટ-ઇન્ડિક સ્ટડી, સાંચી, મધ્યપ્રદેશ ના કુલપતિ ડૉ નિરજા ગુપ્તાની પસંદગી કરાઈ છે. 30 જૂને ડૉ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ પૂર્ણ થઈ રહી હતી.

ડો.નીરજા ગુપ્તા અગાઉ ભવન્સ કોલેજના આચાર્ય રહી ચૂક્યા છે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય, સેનેટ સભ્ય, અને ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલના પણ સભ્ય રહી ચૂક્યા છે. એટલુ જ નહીં ગુજરાત સરકારના સ્ટડી ઇન ગુજરાત કેમ્પિયનના સભ્ય તરીકે પણ ડો. નીરજા ગુપ્તાએ ફરજ બજાવી છે.

નોંધનીય છે કે ડો. નીરજા ગુપ્તા આરએપીજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યા છે. 2006થી 2012 સુધી ડો.ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેસન પ્રોગ્રામના સલાહકાર રહ્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેઓ ઉર્દૂ પર પ્રભુત્વ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે હરસિદ્ધભાઇ દિવેટીયા, મગનભાઇ દેસાઇ, ડો. ઉમાશંકર જોષી, જસ્ચિસ નોમનભાઇ મિયાભોય, ડો. પી.સી. વૈધ જેવી વ્યક્તિઓએ ફરજ નિભાવી છે ત્યારે પ્રથમ વખત મહિલા તરીકે ડો. નિરજા ગુપ્તાની નિયુક્તી કરવામાં આવી છે.

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝની રેકોર્ડ સ્તરે આગેકૂચ યથાવત

 મુંબઈ: એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટે આજે સાપ્તાહિક અને માસિક બંને કોન્ટ્રેક્ટની એક્સપાયરી પૂરી થતાં રેકોર્ડ ઉચ્ચ સ્તરે આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.

અગાઉના સપ્તાહના રૂ. 6,06,637 કરોડના એક્સપાયરી ટર્નઓવરથી 37 ટકા વધીને, આ સપ્તાહનું નોશનલ ટર્નઓવર રૂ. 8,28,100 કરોડ (ઓપ્શન્સમાં રૂ. 8,28,000 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 100 કરોડ) પર પહોંચી ગયું છે.

 

કુલ ઓપન ઇન્ટરેસ્ટ એક્સપાયરી પહેલાં 6.62 લાખ કોન્ટ્રાક્ટ્સ સાથે રૂ. 42,850 કરોડની મૂલ્ય પર પહોંચ્યું હતું. કુલ 1.28 કરોડ કોન્ટ્રેક્ટ ટ્રેડ થયા હતા.

 

 

 

 

 

કેન્દ્ર વિરુદ્ધ કેજરીવાલઃ બે બળિયા બાથે વળિયા

 નવી દિલ્હીઃ દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમે ફરી એક વાર અધિકારોના વિવાદને સુપ્રીમ કોર્ટમાં પહોંચાડ્યો છે. કેજરીવાલ સરકારે એક અરજી દાખલ કરીને એ વટહુકમને પડકાર આપ્યો છે, જેના દ્વારા અધિકારીઓના પોસ્ટિંગની તાકાત ફરી LGને આપવામાં આવી હતી. હવે એ વટહુકમની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી છે. એ સાથે ચોથી જુલાઈએ એ વટહુકમની કોપીને સળગાવવાની તૈયારી છે.

સુપ્રીમ કોર્ટે અધિકારોની લડાઈમાં આમ આદમી પાર્ટીને મોટી રાહત આપી હતી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો હક ચૂંટાયેલી દિલ્હી સરકારની પાસે રહેશે. કોર્ટે તર્ક આપ્યો હતો કે ચૂંટાયેલી સરકાર પ્રતિ અધિકારીઓની જવાબદારી રહેવી જરૂરી છે, પરંતુ કોર્ટના એ ચુકાદાની સામે કેન્દ્ર સરકાર એક વટહુકમ બહાર પાડ્યો હતો. એ અધ્યાદેશમાં કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફરમાં અંતિમ નિર્ણય LG પાસે રહેશે.

વાસ્તવમાં કેન્દ્રએ એક સમિતિની રચના કરી હતી, જેમાં ત્રણ લોકો રહેશે- દિલ્હીના મુખ્ય પ્રધાન અને દિલ્હીના મુખ્ય સચિવ અને ગૃહપ્રધાન સચિવ. હવે આ સમિતિ જે નિર્ણય કરશે એનો અંતિમ નિર્ણય LGએ કરવાનો રહેશે. આમ આદમી પાર્ટીએ કેન્દ્રના વટહુકમને કોર્ટના ચુકાદાની વિરુદ્ધ ગણાવ્યો હતો. પાર્ટીએ એને લોકતંત્રની હત્યા પણ ગણાવી હતી.

 

 

 

રવા પકોડા

વરસાદ વરસી રહ્યો છે અને ભજીયા ખાવાનું મન થઈ રહ્યું છે! તો બનાવો રવા પકોડા! રવા પકોડા?  હાં, જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે!

સામગ્રીઃ

  • રવો 1 કપ
  • દહીં ¼ કપ
  • કાંદો 1
  • લીલા મરચાં 3
  • આદુની પેસ્ટ 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2  ટે.સ્પૂન
  • કળીપત્તાના પાન 7-8
  • હીંગ ચપટી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન
  • તેલ તળવા માટે

રીતઃ એક વાસણમાં રવો લો. તેમાં દહીં મિક્સ કરી લો. હવે તેમાં સમારેલી કોથમીર, ઝીણો સમારેલો કાંદો તેમજ લીલા મરચાં, આદુની પેસ્ટ મેળવી કળીપત્તાના પાનને પણ સમારીને ઉમેરો. મીઠું સ્વાદ મુજબ, હીંગ મેળવી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી મેળવીને ખીરું તૈયાર કરવું.

તૈયાર થયેલું ખીરું ઢાંકીને 10 મિનિટ માટે એકબાજુ રહેવા દો. 10 મિનિટ બાદ જો ખીરું વધુ ઘટ્ટ થયું હોય તો તેમાં જરા પાણી ઉમેરીને ભજીયાના ખીરા પ્રમાણેનું ખીરું તૈયાર કરી લો. હવે તેમાં બેકીંગ સોડા પણ મેળવી દો.

કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે આ ભજીયા સોનેરી રંગના ક્રિસ્પી તળી લો.

આ ગરમાગરમ પકોડા ટોમેટો કેચઅપ  અથવા લીલી ચટણી સાથે પીરસો.

આ પણ એસ જી હાઈવે છે…!

શહેર ના સરખેજ વિસ્તાર થી ગાંધીનગર તરફ જવા માટે વાહનોને સરળતા રહે એ માટે વ્યસ્ત જગ્યાઓ નક્કી કરી ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યા.

અમદાવાદ શહેરનો એસ.જી હાઇવે એકદમ આધુનિકં બિલ્ડિંગ, ઓફિસો, હોટલો, મોલ, ક્લબો,શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક થી લગભગ ભરાઈ ગયો છે. શૈક્ષણિક સંસ્થાઓ, મોલ જેવી જગ્યાઓ પાસે સુંદરતા વધે એ માટે ઓવરબ્રિજ, અંડર બ્રિજ, સર્કલો ની સુંદરતા નો વધારો થાય એવો પ્રયાસ કરાયો છે.

જ્યારે એસ.જી.હાઇવે ના એક છેડા સરખેજ પાસે જાણે ઓરમાયું વર્તન થયું હોય એવું લાગે છે. સરખેજ થી સાણંદ વિરમગામ તરફ જતા માર્ગ પર આવેલું સર્કલ બિસ્માર હાલતમાં છે. જ્યાર થી ઓવરબ્રિજ બનતો હતો ત્યાર પછી ખુલ્લો મુકાયા ના આજ દિન સુધી એ સર્કલ નું નવીનીકરણ શરૂ કર્યા બાદ અધુરું છે.

ઓવરબ્રિજ નવો છે,જેને રંગરોગાન પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. પરંતુ સરખેજ નું સૌને ઉડીને આંખે વળગે એવા સર્કલ પર ખાનાબદોશ લોકો નો અડ્ડો છે. એક તરફ એસ.જી હાઇવે બીજી તરફ સાણંદ વિરમગામ તરફ જવાય એવું સર્કલ બદસુરત છે.

આ સર્કલ ઘણાં સમય થી બિસ્માર અને અધુરું બનાવેલું પડ્યું છે.ઓવરબ્રિજ નીચે વ્યાપારી વાહનો પાર્ક કરવી નહીં. એવા અંગ્રેજી અને ગુજરાતી ભાષા માં પાટિયાં લગાડવા માં આવ્યા હોવા છતાં અસંખ્ય વાહનોનો અડીંગો ચોવીસ કલાક લાગેલો હોય છે.

પોશ વિસ્તારો ની એકદમ નજીકનો રાજધાની તરફ જતો ગોડાઉન અને ગેરેજથી ભરપૂર વિસ્તારમાં પણ સુંદરતા ઝંખે છે. કારણ આર્થિક સધ્ધરતા ખેતી , ઉદ્યોગ ને પ્રોત્સાહન થી જ વધે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

મૈનપુરીમાં રૂ. 10 માટે દુકાનદારની હત્યા કરાઈ

લખનઉઃ ઉત્તર પ્રદેશના મૈનપુરથી આશ્ચર્યચકિત કરનારા સમાચાર આવ્યા છે. અહીં રૂ. 10ના વિવાદમાં દુકાનદારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા પછી આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. એ વિસ્તારમાં ગોળી ચાલવાને કારણે લોકોમાં ભય છે. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં માત્ર રૂ. 10ના વિવાદમાં એક દુકાનદાર મહેશચંદ્ર જાટવની હત્યા કરવામાં આવી છે તે દલિત હતો. તે તેની દુકાનની બહાર સૂતો હતો, ત્યારે ગુલફામ ઉર્ફે ગુલ્લા બંજારા તરીકે ઓળખાતા આરોપીએ તેના માથામાં ગોળી મારી દીધી હતી. આ મામલો 12 જૂનનો છે. હત્યા કર્યા પછી આરોપી ફરાર  થયો હતો. પોલીસે તેની તપાસ કરવા માટે ટીમ બનાવી હતી, જે પછી મંગળવારે (27 જૂને) તેની ધરપકડ કરવામાં આવી છે.

ગુલફામે ખુલાસો કરતાં કહ્યું હતું કે જાટવની દુકાન પર અન્ય સામાન સિવાય તે પેટ્રોલ પણ વેચતો હતો. ગુલફામે જાટવ પાસે પેટ્રોલ ખરીદ્યું હતું. ગુલફામના ગયા પછી જાટવને લેવડદેવડમાં રૂ. 10ની ગરબડ નજરે ચઢી. જેથી તેણે ગુલફામને બાકીના રૂ. 10 આપવા કહ્યું, પરંતુ ગુલફામે તેને પૈસા આપવાનો ઇનકાર કર્યો. બંને વચ્ચે રૂ. 10ને લઈને તૂતમૈંમૈં થઈ ગઈ. જે પછી જાટવે ગુલફામને ધમકી આપી હતી, જાટવથી ધમકી મળવા પર ગુલફામે બદલો લેવાનો નિર્ણય કર્યો. 12 જૂને જાટવ દુકાનની બહાર સૂતો હતો, ત્યારે ગુલફામે તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે હાલ આરોપી ગુલફામની ધરપકડ કરી છે.

 

 

 

 

હાઇકોર્ટે કેન્દ્રની વિરુદ્ધ ટ્વિટરની અરજી ફગાવી, દંડ ફટકાર્યો

બેંગલુરુઃ કર્ણાટકની હાઇકોર્ટે ટ્વિટર ઇન્ક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં કંપનીએ સામગ્રી દૂર કરવા માટે અને બ્લોક કરવા સંબંધી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના આદેશને પડકારવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કંપનીની અરજીનો કોઈ આધાર નથી.

જસ્ટિસ કૃષ્ણ એસ. દીક્ષિતે ટ્વિટર કંપની પર રૂ. 50 લાખનો દંડ પણ ફટકાર્યો હતો અને એને 45 દિવસોની અંદર કર્ણાટક રાજ્યના કાયદાકીય સત્તાવાળાઓ પાસે જમા કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ચુકાદોનો મુખ્ય ભાગ વાંચતાં કહ્યું હતું કે ઉપરોક્ત પરિસ્થિતિઓમાં એ અરજી આધાર રહિત હોવાને કારણે અનુકરણીય દંડની સાથે ફગાવી દેવામાં આવે છે. અરજીકર્તા પર રૂ. 50 લાખનો દંડ ફટકારવામાં આવે છે, જે 45 દિવસોમાં બેંગલુરુમાં ભરવાનો છે. જો એમાં વિલંબ થશે તો એના પર પ્રતિ દિન રૂ. 5000નો વધારાનો દંડ ફટકારવામાં આવશે.

જસ્ટિસ દીક્ષિતે ટ્વિટરની અરજી ફગાવતાં કહ્યું હતું કે હું કેન્દ્રની એ દલીલ સાથે સહમત છું કે એની પાસે ટ્વીટને બ્લોક કરવાની અને એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાની શક્તિ છે.  કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું હતું કે ટ્વિટર તેના યુઝર્સ વતી વાત કરી શકે નહીં. આ કિસ્સામાં તેને કોર્ટમાં અપીલ દાખલ કરવાનો કોઈ અધિકાર નથી. ટ્વીટ બ્લોક કરવાનો આદેશ વિવેક વગર કે એકપક્ષી રીતે લેવામાં આવ્યો ન હતો. રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને, ટ્વિટરને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને કારણે લિંચિંગ અને ટોળાની હિંસાની ઘટનાઓને રોકી શકાશે.

 

 

 

 

 

ફ્રાન્સમાં રસ્તાઓ પર ‘યુદ્ધ જેવી સ્થિતિ’: ઘરો-કારોને આગ લગાડાઈ

પેરિસઃ ફ્રાંસના પાટનગર પેરિસના ઉપનગર નૈંટરમાં થયેલા પોલીસ ફાયરિંગમાં એક સગીર યુવકના માર્યા ગયા પછી દેશમાં હિંસા ભડકી ગઈ છે. સતત ત્રીજા દિવસે જારી હિંસામાં સેંકડો ઘરો પર પથ્થરમારો થયો છે અથવા એમાં આગ લગાડી દેવામાં આવી છે. આ સિવાય અનેક કારો, બસો અને અન્ય વાહનોને સળગાવીને ખાખ કરી દેવામાં આવ્યાં છે. હિંસાને નિયંત્રિત કરવામાં 150થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. પોલીસે 421 દેખાવકારોની ધરપકડ કરી છે. તોફાનો પર કાબૂ મેળવવા માટે રસ્તા પર હજારો સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યાં છે.

ફ્રાંસ પોલીસે એક 17 વર્ષના યુવકને ટ્રાફિક પોલીસે અટકાવ્યો હતો, પણ તે અટક્યો નહોતો. જેથી પોલીસે તેને ગોળી મારી દીધી હતી. ગોળી મારવાવાળા પોલીસ અધિકારી પર હત્યા કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોએ કહ્યું હતું કે આ શૂટઆઉટ અક્ષમ્ય છે. એક યુવકના મોતને તમે યોગ્ય ના ગણાવી શકો. 

આ યુવકની ગોળી મારીને હત્યા કરનાર પોલીસ અધિકારીએ પીડિત પરિવાર પાસે માફી માગી લીધી હતી. જોકે આ ઘટનાના ફુટેજ સોશિયલ મિડિયા પર વાઇરલ થયા પછી હિંસા દેશઆખામાં ફેલાઈ ગઈ હતી. ગૃહપ્રધાન ગેરાલ્ડ ડર્મે નિને કહ્યું હતું કે હિંસા દરમ્યાન ટાઉન હોલ, સ્કૂલો અને પોલીસ સ્ટેશનોમાં આગ લગાડવામાં આવી હતી.

નૈંટરે શહેરમાં દેખાવકારોએ 50 કારો અને એક બેન્કના બિલ્ડિંગમાં આગ લગાડી દીધી હતી. પોલીસ પર ગોળાઓ ફેંક્યા હતા. અનેક શહેરોમાં દેખાવો દરમ્યાન દુકાનો લૂંટફાટ થઈ હતી. અનેક શહેરોમાં દેખાવકારોએ પોલીસ સ્ટેશન, સ્કૂલ અને બસોને આંગ ચાંપવાના બનાવ બન્યા હતા.