Home Blog Page 275

મુનિર સાથે વિશ્વમાં ભીખ માગતા આવે છે શરમઃ શહબાઝ શરીફ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું છે કે જ્યારે તેમને પોતાના દેશ માટે વિશ્વમાં કર્જ (લોન) માગવા ફરવું પડે છે, ત્યારે તેમને ભારે શરમ અનુભવે છે. તેમણે જણાવ્યું હતું કે ફીલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે મળીને વિદેશી મદદ માગવી દેશના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે.

ઇસ્લામાબાદમાં મોટા નિકાસકારો અને વેપારીઓ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું છે કે કર્જનો ભાર દેશની ગૌરવ અને પ્રતિષ્ઠા પર ભારે પડી રહ્યો છે અને હવે નવી આર્થિક યોજનાઓની જરૂર છે.

અમે ઘણી બાબતોને ના પણ કહી શકતા નથી

તેમણે કહ્યું હતું કે જ્યારે ફીલ્ડ માર્શલ આસિમ મુનીર અને હું વિશ્વમાં ફરીને પૈસાની ભીખ માગીએ છીએ, ત્યારે અમને બહુ શરમ લાગે છે. કર્જ લેવું આપણા આત્મસન્માન પર ભારે બોજ છે. અમે શરમથી માથું ઝુકાવીએ છીએ. તેઓ જે કેટલીક બાબતો કહે છે, જેને અમે કરવા નથી ઈચ્છતા, તેને પણ અમે ના કહી શકતા નથી.

પાકિસ્તાન પોતાના દેશના ખર્ચ ચલાવવા માટે મોટા પાયે IMFની મદદ પર નિર્ભર છે અને પહેલેથી જ ભારે કર્જમાં હોવા છતાં વધુ કર્જ લેવાની કોશિશ કરી રહ્યું છે.

શહબાઝે ચીન અને આરબ દેશોની કરી પ્રશંસા

શહબાઝ શરીફે પાકિસ્તાનને ‘હંમેશાં સાથે આપનારા મિત્ર’ ચીનની પ્રશંસા કરી તેમ જ સાઉદી અરેબિયા, યુએઈ અને કતારનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે આ દેશો સારા અને ખરાબ બંને સમયમાં પાકિસ્તાનનો સાથ આપે છે, ભલે પરિસ્થિતિ જેવી પણ હોય.

પાકિસ્તાનની આર્થિક મદદ મોટા ભાગે આ દેશો પર નિર્ભર છે, જે વિદેશી ચલણ ભંડારને સ્થિર રાખવામાં અને દેશને દેવાળિયું થવાથી બચાવવામાં મદદ કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીન અને આરબ દેશોએ પાકિસ્તાનને ભારે કર્જ આપ્યું છે અને આ જ કારણ છે કે પાકિસ્તાન કોઈ પણ કિંમતે આ દેશોના વિરોધમાં બોલતું નથી.

શા માટે આ જ દિવસે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ?

31 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ (International Zebra Day) ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ઝેબ્રા પ્રજાતિના સંરક્ષણ અને અસ્તિત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. ઝેબ્રા તેમના કાળા અને સફેદ પટ્ટાઓ માટે પ્રખ્યાત છે, જે તેમને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે. આ દિવસ આ અદ્ભુત પ્રાણીનું રક્ષણ કેવી રીતે કરી શકાય તે સમજવાની તક પૂરી પાડે છે. વધુમાં, આ દિવસ આપણા પર્યાવરણ અને વન્યજીવન પ્રત્યેની આપણી જવાબદારીને પ્રકાશિત કરે છે. આ દિવસ સાથે સંબંધિત કેટલીક માહિતી જોઈએ.


આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અને તેનો હેતુ શું છે?

આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ દર વર્ષે 31 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. તેનો હેતુ ઝેબ્રાઓની લુપ્તપ્રાય પ્રજાતિઓ અને તેમની સંભાળના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસ લોકોને સંરક્ષણ પ્રયાસોમાં યોગદાન આપવા અને ઝેબ્રા પ્રજાતિઓને બચાવવા માટે પ્રેરણા આપે છે

ઝેબ્રાની કઈ ખાસિયત તેને આટલી પ્રખ્યાત બનાવે છે?

ઝેબ્રા તેમના કાળા અને સફેદ પટ્ટાવાળા ફર માટે પ્રખ્યાત છે, જે દરેક ઝેબ્રા માટે વિશિષ્ટ છે. આ પટ્ટાઓ ઝેબ્રાને શિકારીઓથી બચવામાં મદદ કરવા માટે છદ્માવરણ તરીકે કામ કરે છે. વધુમાં, તેમની સમૂહ જીવનશૈલી પણ તેમને અનન્ય બનાવે છે.

ઝેબ્રાની શારીરિક લાક્ષણિકતાઓ શું છે અને તેઓ અન્ય પ્રાણીઓથી કેવી રીતે અલગ છે?

ઝેબ્રામાં ઘોડા જેવું શરીર હોય છે, પરંતુ તેમના શરીર કાળા અને સફેદ પટ્ટાઓથી બનેલા હોય છે. આ પટ્ટાઓ માત્ર તેમની ઓળખમાં મદદ કરતા નથી પણ ઉનાળાની ગરમી દરમિયાન તેમને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. ઝેબ્રાના પગ મજબૂત હોય છે, જેનાથી તેઓ લાંબા અંતર સુધી દોડી શકે છે.

ઝેબ્રાને બચાવવા માટે કયા સંરક્ષણ પગલાં લેવામાં આવી રહ્યા છે?

ઝેબ્રાને બચાવવા માટે ઘણા સંરક્ષણ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેમ કે સંરક્ષિત વિસ્તારો સ્થાપિત કરવા, શિકાર અટકાવવા માટે કડક કાયદાઓ લાગુ કરવા અને જંગલોનું રક્ષણ કરવું. વધુમાં, સમુદાયોમાં જાગૃતિ લાવવામાં આવે છે જેથી તેઓ ઝેબ્રા અને અન્ય વન્યજીવોના સંરક્ષણમાં યોગદાન આપી શકે.

ઝેબ્રા અને ઘોડા વચ્ચે મુખ્ય તફાવત શું છે?

ઝેબ્રા અને ઘોડા બંને એક જ પરિવારના છે, પરંતુ તેમની વચ્ચે ઘણા તફાવતો છે. સૌથી મહત્વપૂર્ણ તફાવત તેમના શરીરનો રંગ છે – ઝેબ્રા પર કાળા અને સફેદ પટ્ટાઓ હોય છે, જ્યારે ઘોડા પર એક જ રંગની રૂંવાટી હોય છે. વધુમાં, ઝેબ્રા નાના હોય છે અને તેમના શરીરનો આકાર અને રચના ઘોડાઓ કરતા અલગ હોય છે.

કોંગોમાં કોલ્ટન ખાણ ધસી પડતાં 200થી વધુ લોકોનાં મોતઃ અનેક હજુ લાપતા

નવી દિલ્હીઃ પૂર્વી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના રુબાયા વિસ્તારમાં આવેલી એક વિશાળ કોલ્ટન ખાણ ધસી પડવાના ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 227 લોકોનાં કરુણ મોત થયાં છે. ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનને કારણે બુધવારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ખાણના કાટમાળમાં હજુ પણ અનેક લોકો દટાયેલા હોવાની આશંકા છે, જેને કારણે મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે.

વરસાદ અને ભૂસ્ખલન મોતનું કારણ

સ્થાનિક બળવાખોરો દ્વારા નિયુક્ત પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા લુમુમ્બા કામ્બેરે મુયિસાએ જણાવ્યું હતું કે કાટમાળની ઝપટમાં ફક્ત ખાણકામ કરતા મજૂરો જ નહીં, પરંતુ ત્યાં હાજર બાળકો અને બજારમાં કામ કરતી મહિલાઓ પણ આવી ગઈ હતી. તેમના જણાવ્યાનુસાર હાલ વિસ્તારમાં વરસાદી મોસમ ચાલી રહી છે, જેને કારણે જમીન અત્યંત નબળી અને અસ્થિર બની ગઈ હતી. જ્યારે લોકો ખાણના ખાડાઓમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઉપરથી જમીન ધસી પડી અને લોકો જીવતા દફનાઈ ગયા હતા.

મોબાઇલ ફોનમાં વપરાતું ખનિજ અહીંથી મળે છે

રુબાયા વિસ્તાર વૈશ્વિક કોલ્ટન ઉત્પાદનનો આશરે 15 ટકા હિસ્સો પૂરો પાડે છે. આ ખનિજને શુદ્ધીકરણ કરીને ‘ટેન્ટાલમ’ કાઢવામાં આવે છે, જે મોબાઇલ ફોન, લેપટોપ, એરોસ્પેસ પાર્ટ્સ અને ગેસ ટર્બાઇનમાં વપરાતી એક કીમતી ધાતુ છે. વિટંબણા એ છે કે વૈશ્વિક ટેક્નોલોજીને ગતિ આપતું આ ખનિજ અહીં સ્થાનિક મજૂરો દ્વારા માત્ર થોડા ડોલરની દૈનિક મજૂરીમાં જીવના જોખમે કાઢવામાં આવે છે.

બચાવ કામગીરીમાં પડકારો

વર્ષ 2024થી આ ખાણ AFC/M23 બળવાખોર જૂથના નિયંત્રણમાં છે. એક સ્થાનિક ખાણકામદાર ફ્રેંક બોલિંગોએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન એટલું ભયાનક હતું કે ઘણા લોકો સીધા જ શાફ્ટ (ઊંડા ખાડા)માં ફસાઈ ગયા. જોકે કેટલાક લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ છે. આ વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષ અને ખરાબ હવામાનના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

માધુરીની ‘દિલ’ અને ‘બેટા’ ના લોકપ્રિય ગીતોની રસપ્રદ વાતો!

માધુરી દીક્ષિતની ‘દિલ’ (1990) માં ‘દમ દમા દમ’ ગીત પહેલાં હતું જ નહીં. જ્યારે ‘બેટા’ (1992) ના ‘ધક ધક કરને લગા’ ને છેલ્લી ઘડીએ ઉમેરવામાં આવ્યું હતું. બાબા આઝમીની કલાત્મક દૃષ્ટિ અને સરોજ ખાનની કોરિયોગ્રાફીને કારણે જ આ ગીત આટલું આઇકોનિક બની શક્યું હતું. ‘ધક ધક કરને લગા’ નું શૂટિંગ ઉતાવળમાં થયું હતું. કેમ કે ગીત છેલ્લી ઘડીએ ઉમેરાયું હતું. માધુરી પાસે માત્ર 3 દિવસ હતા. તેણે બીજી ફિલ્મની સાથે આ ગીત માટે ડબલ શિફ્ટ કરી હતી.

સરોજ ખાને દિગ્દર્શકને કહી દીધું હતું કે તે પોતાની રીતે હું 3 દિવસમાં આ ગીત પૂરું કરી આપશે. કોઈએ એમાં સવાલ કરવો નહીં. સરોજ ખાન દ્વારા આ ગીત ‘ઓકે નેક્સ્ટ, ઓકે નેક્સ્ટ’ એમ કહીને ખૂબ જ ઝડપથી શૂટ કરવામાં આવ્યું હતું. માધુરી દીક્ષિતે જણાવ્યું હતું કે ‘બેટા’ના ‘ધક ધક કરને લગા’ ગીતના શૂટિંગ દરમિયાન પ્રખ્યાત સિનેમેટોગ્રાફર બાબા આઝમીએ સેટમાં પણ ખૂબ જ મહત્વના ફેરફારો કરાવ્યા હતા. જ્યારે બાબા સેટ પર પહોંચ્યા ત્યારે દિગ્દર્શક ઈન્દ્રકુમારે સેટને ખૂબ જ ભપકાદાર અને રંગીન બનાવ્યો હતો. ત્યાં ઘણા બધા રંગબેરંગી ઘડા અને અન્ય રંગીન વસ્તુઓ મૂકવામાં આવી હતી.

બાબાને આટલો બધો રંગ અને ભપકો ગમ્યો નહીં. તેમને લાગ્યું કે આ ગીતની જરૂરિયાત મુજબ આ દેખાવ યોગ્ય નથી. તેમણે તરત કહ્યું કે, ‘મને આ બધું નથી જોઈતું, આ બધું કાઢી નાખો.’ તેમના કહેવાથી આખા સેટનો લુક બદલી નાખવામાં આવ્યો હતો. તેમણે બધી જ દિવાલોને કથ્થઈ રંગથી રંગાવી દીધી અને સેટની આસપાસ થોડું ઘાસ વગેરે નખાવ્યું હતું. બાબાએ ખાસ પ્રકારની લાઇટિંગનો ઉપયોગ કરીને ગીતને એક અલગ જ ઊંડાણ અને ઉત્તેજક લુક આપ્યો હતો. તેમણે રંગને બદલે પ્રકાશ અને પડછાયાની રમત પર વધુ ધ્યાન આપ્યું હતું.

ગીતમાં ફેરફારો પછી જે વિઝ્યુઅલ આકર્ષણ ઊભું થયું હતું તે આજે આપણે જોઈએ છીએ. માધુરીએ ‘દિલ’ના ગીત વિશે પણ કેટલીક રસપ્રદ અને અજાણી વાતો શેર કરી છે. ‘દિલ’ રજૂ થઈને સુપરડુપર હિટ જાહેર પણ થઈ ગઈ હતી. તેમ છતાં દિગ્દર્શક ઈન્દ્રકુમારે એક નવું ગીત ‘દમ દમા દમ’ ઉમેરવાનો નિર્ણય લીધો. માધુરી અને આમિર ખાન બંને તે સમયે અન્ય ફિલ્મોના શૂટિંગમાં ખૂબ વ્યસ્ત હતા.

માધુરીએ કહ્યું કે ફિલ્મ તો હિટ થઈ ગઈ છે હવે શું જરૂર છે? ત્યારે ઈન્દ્રકુમારે કહ્યું કે, ‘ભલે ફિલ્મ હિટ છે પણ મારે તેને હજી મોટી હિટ બનાવવી છે.’ અને આ જીદને કારણે ગીત પાછળથી ઉમેરવામાં આવ્યું હતું. વ્યસ્ત શિડ્યુલને કારણે આમિર અને માધુરી સાથે રિહર્સલ કરી શકતા નહોતા. આમિર પોતાની ફિલ્મના શૂટિંગના લોકેશન પર અને માધુરી પોતાની ફિલ્મના સેટ પર અલગ-અલગ રિહર્સલ કરતા હતા. ત્યારબાદ તેઓ સીધા શૂટિંગ માટે મળતા અને સાથે ડાન્સ કરતા હતા. એ રીતે આ ગીત તૈયાર કરવામાં આવ્યું હતું.

NEET વિદ્યાર્થિની બળાત્કાર કેસ: બિહાર સરકારે CBI તપાસની માગ કરી

પટનાઃ બિહારની રાજધાની પટનામાં શંભુ હોસ્ટેલમાં રહીને NEETની તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થિની સાથે કથિત રીતે બળાત્કારની ઘટના બની હતી. સારવાર દરમિયાન પીડિતાનું હોસ્પિટલમાં મોત થયું હતું. હવે આ મામલે બિહાર સરકારે CBI તપાસની ભલામણ કરી છે. આ મુદ્દે વિપક્ષ સતત સરકાર પર દબાણ બનાવી રહ્યો હતો અને પીડિતાના પરિવારે પણ CBI તપાસની માગ કરી હતી.

સમ્રાટ ચૌધરીએ શું માહિતી આપી?

રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરીએ ખુદ આ માહિતી આપી છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર તેમણે લખ્યું કે બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે ભારત સરકારને પટનામાં થયેલા NEET વિદ્યાર્થિની હત્યાના કેસ (કાંડ નંબર 14/26)ની CBI દ્વારા તપાસ કરવાની વિનંતી કરી છે. આ ઘટનાની પારદર્શક અને ન્યાયસંગત તપાસ સુનિશ્ચિત કરવામાં આવે.

સંપૂર્ણ મામલો શું છે?

પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ જાન્યુઆરીએ પટનાના એક ગર્લ્સ હોસ્ટેલમાં NEETની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીને અચેત હાલતમાં મળી હતી. તેને તરત પ્રભાત મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 6 થી 8 જાન્યુઆરી સુધી સારવાર ચાલી. હાલત બગડતાં 9 જાન્યુઆરીએ તેને મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને 11 જાન્યુઆરીએ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું સામે આવ્યું?

આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટે પોલીસ તપાસ પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે. રિપોર્ટ મુજબ વિદ્યાર્થિની સાથે બળજબરી કરવામાં આવી હતી. ગળા અને ખભા પાસે નખોનાં ઊંડાં નિશાન મળ્યાં, છાતી અને ખભાની નીચે ખંજવાળ જેવા ઘા હતા, ખાનગી ભાગમાં તાજી ઇજા જોવા મળી અને બળજબરીથી પ્રવેશ (ફોર્સફુલ પેનેટ્રેશન)ની પુષ્ટિ થઈ. સૌથી મહત્વની વાત એ હતી કે પીડિતા બેભાન નહોતી અને તેણે પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

દહીં તીખારી

ગૃહિણીને રોજેરોજ શાક શું બનાવવું એવી મથામણ તો રહી જ! પરંતુ ક્યારેક સાવ સરળ રીતે વગર શાકે, શાક બનાવવું હોય તો તેનો પર્યાય છે, દહીં તીખારી!

સામગ્રીઃ

  • તાજું મોળું દહીં 2 કપ
  • લસણ 10-12 કળી
  • કાંદો 1, તેલ 2 ટે.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • સૂકા લાલ મરચાં 1-2
  • કાશ્મીરી મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • રાઈ ¼ ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • ધોઈને સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન

રીતઃ કાંદો સમારી લો. લસણ તેમજ લાલ મરચાં પાઉડરને મિક્સ કરીને, વાટીને લસણની ચટણી બનાવી લો.

એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરી દો. રાઈ તતડે એટલે જીરૂ વઘારી સૂકું લાલ મરચું તોડીને તેમાં વઘારી લો. હવે હીંગ વઘારીને કાંદો તેમાં સાંતળી લો. ત્યારબાદ તેમાં લસણની ચટણી સાંતળીને મીઠું સ્વાદ મુજબ, હળદર, ધાણાજીરૂ મેળવીને એકાદ મિનિટ સાંતળીને ગેસ બંધ કરી દો.

મિશ્રણ ઠંડું થાય એટલે તેમાં દહીં મેળવીને કોથમીર ભભરાવીને તૈયાર થયેલું શાક દહીં તીખારી રોટલી, ભાખરી કે પરાઠા સાથે પીરસો.

૩૧ જાન્યુઆરી ૨૦૨૬

પંચાંગ 31/01/2026

ગુજરાતના ટેબ્લોને “પોપ્યુલર ચોઈસ” શ્રેણીમાં પ્રથમ ક્રમે એવોર્ડ એનાયત

ગાંધીનગર: 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી  સંજય સેઠના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ તેનો સ્વીકાર કર્યો હતો. આ સાથે જ ટેબ્લો નિર્માણની પ્રક્રિયા સમયે રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યોની સ્પર્ધામાં ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત થયું હતું. ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.

માહિતી કમિશનર કિશોર બચાણીના દિશાદર્શન અને અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ. સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નિયામક ભાવના વસાવા દ્વારા આ ટેબ્લો નિર્માણની સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી.

2023માં પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલરૂપે રજૂ કરવામાં આવેલા ‘ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’ ટેબ્લોને ‘પોપ્યુલર ચોઈસ’ શ્રેણીમાં એવોર્ડ સાથે શરૂ થયેલી આ વિજય પરંપરાને આગળ વધારતાં વર્ષ 2024માં રજૂ કરવામાં આવેલા ગુજરાતના ‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ થીમ આધારિત ટેબ્લોએ ‘પોપ્યુલર ચોઈસ’ શ્રેણીમાં એવોર્ડની સાથે સાથે ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની ‘જ્યુરીઝ્ ચોઈસ’ શ્રેણીમાં પણ બીજો ક્રમ મેળવ્યો હતો.

જ્યારે વર્ષ 2025માં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તેની વિકાસ ગાથા અને પ્રાચીન વિરાસતની ઝાંખી દર્શાવતો ‘આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ’ ટેબ્લો ‘પોપ્યુલર ચોઇસ એવોર્ડ’ જીત્યા બાદ સતત ચોથા વર્ષે આ શ્રેણીમાં વર્ષ 2026 નો આ રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને ગુજરાતે ઈતિહાસ સર્જ્યો છે.

રાજકોટમાં પૂલ પરથી ખાબકી કાર, ત્રણ લોકો જીવતા ભૂંજાયા

રાજકોટઃ રાજ્યના રાજકોટથી અંદાજે 40 કિમી દૂર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ગોંડલ–આટકોટ હાઈવે પર શુક્રવારની સવારે મોટો માંડવા અને મોટો દડવા ગામ વચ્ચે કાર 8 ફૂટ ઊંચાઈ પરથી પૂલ નીચે પડી ગઈ, જેને કારણે તેમાં ભયાનક આગ લાગી. આ અકસ્માતમાં કારમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકો બહાર નીકળ્યા પહેલાં જ જીવતા સળગી ગયા હતા.

 

કારના દરવાજા સંપૂર્ણ રીતે જામ થયા હતા

પ્રાપ્ત  માહિતી મુજબ આગ લાગવાને કારણે કારના દરવાજા સંપૂર્ણ રીતે જામ થઈ ગયા હતા. તેજ ગતિએ જઈ રહેલી હ્યુન્ડાઈ કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો, જેને કારણે કાર રસ્તા પરથી ઊતરી પુલ નીચે પલટી ગઈ હતી.

બહાર નીકળવાનો મોકો મળ્યો નહીં

કાર પલટી ખાતાં જ શોર્ટ સર્કિટ અથવા ફ્યુઅલ લીકેજને કારણે તેમાં ભયાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે અંદર બેઠેલા લોકોને દરવાજા ખોલવાનો પણ મોકો મળ્યો નહીં. કારમાં સવાર તમામ લોકો જીવતા સળગી ગયા હતા.

કારની અંદરથી બે હાડપિંજર મળ્યા

આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ બળી રાખ થઈ ચૂક્યું હતું. કારની અંદર તપાસ દરમિયાન બે લોકોનાં હાડપિંજર મળ્યા, જે અકસ્માતની ભયાનકતા દર્શાવે છે.

મૃતકોની ઓળખ થઈ

મૃતકોનાં નામ ચૌધરી આશા, ચૌધરી નીતા અને બરૈયા પ્રયોગ છે. ત્રણેય શિક્ષક હતા અને છોટા ઉદેપુરમાં રહેતા હતા. તેઓ પરિવારના કામ માટે ગોંડલ આવ્યા હતા.