Home Blog Page 2759

રાશિ ભવિષ્ય 24/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર, દલાલી, કમીશન, પત્રકાર, લેખનકામ, કાનૂની, નાણાકીય સલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ  તકેદારી રાખવી,  વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે. અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.

વ્હાઈટ હાઉસના સ્ટેટ ડિનરમાં બાઈડન-મોદીએ કર્યું ચીયર્સ…

અમેરિકાની પ્રથમ રાજકીય મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં યૂએસ પ્રમુખ જો બાઈડને એમના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ ખાતે ગુરુવાર, 22 જૂને ડિનરનું આયોજન કર્યું હતું. તેમાં અમેરિકા અને ભારતની અનેક નામાંકિત હસ્તીઓ, બાઈડનના વહીવટીતંત્રના અનેક પ્રધાનો પણ સામેલ થયાં હતાં. ડિનર કાર્યક્રમ સંગીતમય હતો અમેરિકન બેન્ડે ‘ઐ મેરે વતન કે લોગોં…’ ગીત વગાડ્યું હતું.

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સના ટર્નઓવરમાં ૭૭ ટકાની વૃધ્ધિ

મુંબઈ તા. 23 જૂન, 2023: એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સમાં આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ટર્નઓવર નોંધાયું છે. સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ ટર્નઓવર રૂ.6,06,637 કરોડની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. ઓપ્શન્સમાં રૂ.6,06,576 કરોડનું અને ફ્યુચર્સમાં રૂ.61 કરોડનું ટર્નઓવર થયું હતું.

આગલા સપ્તાહની એક્સપાયરીની તુલનાએ ટર્નઓવર 77 ટકા વધીને રૂ.3,42,129 કરોડ થયું છે. કુલ 96.11 લાખ કોન્ટ્રેક્ટ્સના સોદા થયા હતા. કુલ ઓપન ઈન્ટરેસ્ટ સમાપ્તિ પૂર્વે 4.93 લાખ કોન્ટ્રેક્ટ્સના શિખરે પહોંચ્યા હતા.

બીએસઈએ શુક્રવારની સમાપ્તિ સાથેના સેન્સેક્સના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સને 15મી મેથી લોન્ચ કર્યા ત્યારથી તેમાં ટર્નઓવર સતત વધી રહ્યું છે. પ્રથમ સમાપ્તિએ 8,563 કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું, જ્યારે માત્ર છ સપ્તાહમાં ટ્રેડેડ કોન્ટ્રેક્ટ્સની સંખ્યા વધીને 96,11,665ની થઈ છે.

આઇસી15 ઇન્ડેક્સમાં 192 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સતત ત્રણ દિવસ વૃદ્ધિ રહ્યા બાદ શુક્રવારે પ્રોફિટ બુકિંગને પગલે બજાર મામૂલી ઘટ્યું હતું. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટક કોઇનમાંથી ચેઇનલિંકને બાદ કરતાં બધા કોઇનમાં ઘટાડો નોંધાયો હતો. મુખ્ય ઘટેલા કોઇન શિબા ઇનુ, પોલીગોન, સોલાના અને બીએનબી હતા, જેમાં 4થી 7 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. બિટકોઇને 30,000 ડોલરની સપાટી ટકાવી રાખી હતી.

દરમિયાન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઇએમએફ) પ્રકાશિત કરેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે ક્રીપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનું પગલું લાંબા ગાળે ઉપયોગી નહીં થાય. ક્રીપ્ટોકરન્સીના લાભ લેવા માટે એનું નિયમન કરી શકાય છે. બીજી બાજુ, જાપાનની સૌથી મોટી બેન્ક – એમયુએફજી પોતાના બ્લોકચેઇન પ્લેટફોર્મ મારફતે વૈશ્વિક સ્ટેબલકોઇન ઇસ્યૂ કરવાનું વિચારી રહી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.48 ટકા (192 પોઇન્ટ) ઘટીને 39,856 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,048 ખૂલીને 40,135ની ઉપલી અને 39,455 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

AMAમાં જાપાન કલ્ચરલ સેન્ટરનો પ્રારંભ

ઉદ્યોગકાર પારૂ જયકૃષ્ણની પ્રેરણાથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)માં શુક્રવારે જાપાન કલ્ચરલ સેન્ટરનો પ્રારંભ થયો છે. એએમએ માં આ જાપાન કલ્ચરલ સેન્ટર અસાહી સોન્ગવાન અને અક્ષરકેમ ઈન્ડિયાના સહયોગથી સ્થાપવામાં આવ્યું છે.

કોન્સ્યુલર જનરલ ઓફ જાપાન, મુંબઈ ના ડૉ. યાસુકાટા ફુકાહોરી, એ આ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલ અને જેટ્રો અમદાવાદના ડિરેક્ટર જનરલ ટાકેહીકો ફુરૂકાવા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

કોન્સ્યુલર જનરલ ઓફ જાપાન,  મુંબઈ ડૉ. યાસુકાટા ફુકાહોરી ઉદઘાટન પ્રસંગે કહ્યું,  એએમએ ખાતેનું ઝેન-કાઈઝેન સેન્ટર ભારતમાં જાપાન સંબંધિત શ્રેષ્ઠ પ્રવૃત્તિઓમાંનું એક છે. જાપાન કલ્ચરલ સેન્ટર ભારત અને જાપાન વચ્ચેની સાચી મિત્રતાના પ્રતીક તરીકે કામ કરશે. મને વિશ્વાસ છે કે તે ભારતના લોકો સમક્ષ જાપાનનું આકર્ષણ પ્રદર્શિત કરશે.”

ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ગુજરાતના પ્રમુખ મુકેશ પટેલ કહે છે “એએમએ ખાતે જાપાનીઝ લેંગ્વેજ સેન્ટર, જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર, જાપાનીઝ ઝેન ગાર્ડન અને કેએચએસ કૈઝન એકેડેમીને સાંપડેલી ભવ્ય સફળતા પછી અમે અત્યંત ગૌરવ સાથે પાંચમું ડેડીકેટેડ સેન્ટર, “ધ જાપાન કલ્ચરલ સેન્ટર” રજૂ કરી રહ્યા છીએ. એનો ઉદ્દેશ ભારત અને જાપાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોનું સંવર્ધન કરવાનો છે.”

વિતેલા વર્ષોમાં એએમએ ખાતે જાપાન સેન્ટર્સને તેના વિઝન અને ગુજરાતને ભારતનું મિની જાપાન બનાવવાના મિશનને કારણે વ્યાપક માન્યતા અને પ્રસિધ્ધિ પ્રાપ્ત થઈ છે. જાપાન કલ્ચરલ સેન્ટર એ ભારત અને જાપાન તથા ખાસ કરીને ગુજરાત સાથેના સંબંધો વધુ મજબૂત કરવામાં સહાયક બની રહેશે.

“ધ ઈન્ડો-જાપાન ફોટો ફેસ્ટ સ્પર્ધાના” પસંદગીના ફોટાઓના પ્રદર્શનનો પણ પ્રારંભ કર્યો છે. આ પ્રદર્શન જાહેર જનતા માટે શનિવાર (24 જૂન) થી મંગળવાર (જૂન 27) સુધી બપોરના 12-00 થી સાંજના 7-00 વાગ્યા સુધી ખૂલ્લું રહેશે.” 

WI પ્રવાસની ટીમમાંથી પુજારાને પડતો મૂકાયો; રહાણેને ફરી વાઈસ-કેપ્ટન બનાવાયો

મુંબઈઃ બે ટેસ્ટ મેચ, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમવા વેસ્ટ ઈન્ડિઝના આગામી પ્રવાસ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ ટીમમાંથી ટોપ ઓર્ડર બેટર ચેતેશ્વર પુજારાને પડતો મૂકવામાં આવ્યો છે જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શામીને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ અને મુકેશ કુમારને પહેલી જ વાર પસંદ કરવામાં આવ્યા છે. ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ ટીમમાં કમબેક કર્યું છે જ્યારે ઉમેશ યાદવને પડતો મૂકાયો છે.

અજિંક્ય રહાણેને ટીમમાં ફરી સામેલ કરવામાં આવ્યો છે એટલું જ નહીં, ઉપસુકાનીપદ પણ એને ફરી સુપરત કરવામાં આવ્યું છે. હાલમાં જ લંડનના ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારત વતી રહાણે ટોપ સ્કોરર રહ્યો હતો. એનું તેને આ ઈનામ મળ્યું છે.

કેરીબિયન ખાતેના પાછલા પ્રવાસ વખતે ભારતે ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ પર 2-0થી જીત હાંસલ કરી હતી.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકા ટાપુના રોસો શહેરના વિન્ડસર પાર્ક મેદાન પર અને બીજી તથા આખરી ટેસ્ટ મેચ 24 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેન (ટ્રિનિડાડ)ના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાશે. ત્યારબાદ બંને ટીમ 27, 29 જુલાઈ અને 1 ઓગસ્ટે અનુક્રમે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. પહેલી બે મેચ બાર્બેડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટિન ઓવલ મેદાન પર રમાશે અને ત્રીજી મેચ ટ્રિનિડાડના ટેરોબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. તે પછી બંને ટીમ 3, 6, 8, 12, 13 ઓગસ્ટે પાંચ ટ્વેન્ટી-20 મેચ રમશે, જેમાં પહેલી મેચ ટ્રિનિડાડના લારા સ્ટેડિયમમાં, બીજી અને ત્રીજી મેચ ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં, ચોથી અને પાંચમી મેચ અમેરિકાના ફ્લોરિડાના લોડરહિલના સેન્ટ્રલ બ્રોવર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાશે.

ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.

ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર.

‘કોકોપીટ’ના ઉપયોગથી પાવાગઢ ડુંગર બન્યો લીલોછમ

ગુજરાતમાં અનેક મોટાં મંદિરો આવેલા છે જેવાકે, અંબાજી, પાવાગઢ, પાલિતાણા, બહુચરાજી, ગિરનાર, સોમનાથ, દ્વારકા, ડાકોર, શામળાજી જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ દેવ-દેવીને શ્રીફળ એટલે કે નારિયળ અર્પણ કરતાં હોય છે.

ગુજરાતનાં પાવાગઢ ખાતે મા કાલિકાનાં દર્શને દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે, જાહેર રજાના દિવસોમાં આ સંખ્યા લાખોમાં હોય છે. અહીં રોજ આવતા હજારો શ્રીફળ અને તેના છોતરાંના લીધે મંદિર પરિસર તેમજ પાવાગઢનાં પર્વત ઉપર ઘણી ગંદકી થતી હતી. દુકાનદારો દ્વારા નારિયેળનાં છોતરાં સળગાવવાથી કાર્બન ડાયોક્સાઈડ તેમજ ક્યારેક વધુ પડતા પવનના લીધે પાવાગઢ પર્વતનાં જંગલોમાં દવ એટલે કે આગ લાગવાના બનાવો બનતા હોય છે જેનાથી પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થતું હોય છે. જેના ઉકેલ માટે પાવાગઢ મા કાલિકા મંદિરના ટ્રસ્ટીઓ અને વન વિભાગ વચ્ચે બેઠક યોજાઈ. જેમાં એક નવા વિચારને અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો. આ વિચાર હતો કોકોપીટનો(નારિયેળનાં છોતરાંમાંથી સેંદ્રીય ખાતર બનાવવાનો) અને તેના ઉપયોગનો. કોકોપીટનો ઉપયોગ નર્સરીમાં છોડ ઉછેર કરવા માટે કરાય છે.

ગુજરાતમાં પાવાગઢ એક એવું મંદિર છે, જ્યાં કોકોપીટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અહીં શ્રીફળ વધેરવાનું મશીન મૂકવામાં આવ્યું છે.

કોકોપીટના ઉપયોગથી છોડ ઉછેરવામાં આવે તો તેની ભેજ સંગ્રહશક્તિમાં વધારો થાય છે. કોકોપીટ વજનમાં હલકું હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘટે છે તથા સહેલાઇથી છોડની હેરફેર પણ થઈ શકે છે.

મંદિરે આપેલા બજેટમાંથી વન વિભાગે કોકોપીટ બનાવવાની કામગીરી શરુ કરીને નવલખી કોઠાર વિસ્તારમાં ૧૦ હેક્ટર જમીનમાં વડ, પીપળ, જાંબુ, પારિજાત, કરમદાં, સીસમ, પાણીકણજી, કણજ, આમળાં ઉમરો, ગુંદા તેમજ અલગ અલગ  ૨૮થી ૩૦ જાતનાં- ૪૨,૦૦૦ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું. પાવાગઢ તળેટીમાં ૨૦ હેક્ટર જમીનમાં ૩૨,૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યાં છે. તો વળી ચાંપાનેર તળેટીથી પાવાગઢના માચી સુધી રોડની બંને સાઇડ પાનાગારુ, કચનાર, ગરમાળો, ગુલમહોર, તબુબિયાં જેવાં ૨૫૦૦ રોપા અને વૃક્ષોનું વાવેતર પણ કરાયું છે.

નવલખી કોઠાર પાસે વૃક્ષોને ભેજ અને પાણી મળી રહે તે માટે પાવાગઢ હિલ ઉપર બે લાખ ક્યુસેક લિટર સંગ્રહશક્તિ ધરાવતા એક તળાવનું નિર્માણ કરાયું છે. જયારે પાવાગઢ હિલ ઉપર ૧૦ હેક્ટરમાં છોડવે-છોડવે પાણી મળી રહે એ માટે ડ્રીપ ઇરિગેશન પણ કરાયું છે.

હાલોલના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતીશ બારિયાએ જણાવ્યું હતું કે, કોકોપીટનું કામ શરૂ થવાથી ૮થી ૧૦ પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. જેમને કામ પ્રમાણે મહેનતાણું પણ ચૂકવાય છે. રોજનું અહીં ૧૫થી ૨૦ કિલો કોકોપીટ તૈયાર થાય છે. જયારે જિલ્લા વન અધિકારી મોરારીલાલ મીના (ડીસીએફ)એ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભદ્રકાળી મંદિરની આજુબાજુ દસ હેકટરમાં જમીનમાં ૧૧,૧૧૧ રોપા અને ભોજનાલયની સામેની બાજુએ ૫ હેક્ટર જમીનમાં ૪૪૪૪ રોપા ઉછેરાશે. ડુંગરની આજુબાજુ સીડ સોઇંગ એટલે કે બીજનો છંટકાવ ડ્રોન દ્વારા કરીને વૃક્ષો ઉછેરવાની કામગીરી પણ કરવામાં આવશે. ભવિષ્યમાં કોકોપીટના વેચાણ માટે કેન્દ્ર પણ બનાવવામાં આવશે.

(પારૂલ મણીયાર)

ઘઉંના લોટના ક્રિસ્પી રોલ

સમોસા, કચોરી અને પકોડીનો સ્વાદ ફક્ત એક જ વાનગીમાં મળી જાય એવી આ સ્વાદિષ્ટ વાનગી બાળકો માટે તો વેરાયટી બની રહેશે! તો વાંચી લો આપેલી રીત!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 1 કપ
  • રવો 2  ટે.સ્પૂન
  • મીઠું ½ ટી.સ્પૂન અથવા સ્વાદાનુસાર
  • અધકચરા વાટેલાં લાલ મરચાં 1 ટી.સ્પૂન (અથવા ચિલી ફ્લેક્સ)
  • તેલ મોણ માટે 2  ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • ટોમેટો કેચઅપ
  • લીલી ચટણી

પૂરણ માટેઃ

  • બાફેલા બટેટા 2
  • લીલા મરચાં 2
  • મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • શેકેલા જીરાનો પાવડર ½ ટી.સ્પૂન, ચાટ મસાલો ½ ટી.સ્પૂન

રીતઃ લોટમાં આપેલી બધી વસ્તુઓ મેળવી લો. આ લોટમાંથી 2-3  ટે.સ્પૂન લોટ એક વાટકીમાં એક બાજુએ કાઢી રાખો.

લોટના મિશ્રણમાં થોડું થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો. આ લોટને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો.

બાફેલા બટેટા છીણી લો અથવા એનો બારીક છૂંદો કરી લો. તેમાં લીલા મરચાં, કોથમીર સુધારીને બાકીના મસાલા મેળવી દો. મીઠું થોડું જ મેળવો. કારણ કે, ચાટ મસાલામાં પણ મીઠું હોય છે.

બાંધેલા લોટમાં ફરીથી 1 ટી.સ્પૂન તેલનું મોણ દઈ લોટ કુણી લો. એમાંથી મોટો લૂવો લઈ તેનો જાડો રોટલો વણી લો. હવે રોટલા પર બટેટાનું પૂરણ ચમચી વડે ચારેકોર ફેલાવીને એક લેયર બનાવી લો. તેની ઉપર ટોમેટો કેચઅપ તેમજ લીલી ચટણી પણ ફેલાવીને ચમચી વડે લગાડી લો.

હવે રોટલાનો રોલ વાળો અને સહેજ દબાવીને ચપટો બનાવી દો. આ રોલના ચપ્પૂ વડે કટકા કરી લો. દરેક પીસને હાથમાં લઈ ચપટા કરી લો. જેથી તે ફ્રાય કરતી વખતે કાચા ન રહે.

શરૂમાં લોટના મિશ્રણમાંથી 2 ટે.સ્પૂન લોટ એક વાટકીમાં કાઢી રાખ્યો હતો. તેમાં પાણી મેળવીને પાતળું ખીરું બનાવી લો. તેમાં થોડો હળદર પાવડર મેળવી લો. એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એક એક રોલને ચમચીમાં લઈ ખીરામાં ડુબાડીને, નિતારીને ફ્રાઈપેનમાં ગોઠવી દો. એકબાજુ સોનેરી રંગની થાય એટલે ફેરવીને બીજીબાજુ પણ સોનેરી રંગની તળી લો. ગેસની આંચ ધીમી-મધ્યમ રાખવી.

આ રોલ ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે પીરસો.

વિસ્તારા ફ્લાઈટમાં પ્રવાસીએ ફોન પર ‘હાઈજેક’ શબ્દ ઉચ્ચાર્યો; પોલીસ આવીને પકડી ગઈ

મુંબઈઃ વિસ્તારા એરલાઈનની મુંબઈ-દિલ્હી ફ્લાઈટ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક-ઓફ્ફ કરે એની થોડી જ વાર અગાઉ 23 વર્ષનો એક પ્રવાસી યુવક એના ફોન પર કોઈકની સાથે વાત કરતો હતો. એમાં તેણે ‘હાઈજેક પ્લાન’ શબ્દો ઉચ્ચાર્યા જે વિમાનનાં ક્રૂ સભ્યોનાં કાને પડ્યાં. એમણે તરત જ પાઈલટને જાણ કરી હતી. પાઈલટે તરત જ પોલીસ સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી. પોલીસો તાબડતોબ વિમાનમાં આવી પહોંચ્યા હતા અને તે યુવકની ધરપકડ કરી હતી. તે યુવક હરિયાણાનો વતની છે.

આ ઘટના ગુરુવારે સાંજે લગભગ 6.30 વાગ્યે બની હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસોએ તરત જ આવીને તે યુવકને વિમાનમાંથી નીચે ઉતાર્યો હતો અને પૂછપરછ માટે સુરક્ષા વિભાગને હવાલે કરી દીધો હતો. ત્યારબાદ વિમાનની વ્યાપક રીતે ચકાસણી કરવામાં આવી હતી અને સત્તાવાળાઓએ મંજૂરી આપ્યા બાદ બાકીના પ્રવાસીઓ સાથે વિમાનને દિલ્હી માટે રવાના કરવામાં આવ્યું હતું.

શિક્ષણથી વંચિત બાળકોની મદદ માટે સમારા આર્ટ ગેલેરીમાં યોજાશે પેઇન્ટિંગ એક્ઝિબિસન

શિક્ષણ આજે પાયાની જરૂરિયાત છે. છતા પણ એવા અનેક બાળકો છે જે હજુ પણ શિક્ષણથી વંચિત છે. આવા બાળકોને સહાય ફાઉન્ડેશ દ્ધારા શિક્ષીત કરવાની નેમ લેવામાં આવી છે. આ અંતર્ગત નેચર થેરાપી ફાઉન્ડેશનના કામીની પટેલે સહાય એનજીઓના બાળકોને મદદ કરવાના હેતુથી એક એક્ઝિબિશન કાર્યક્રમનું આયોજન કર્યુ છે.

#NTartseries Exhibit 1.0 (આર્ટ સિરીઝ 1.0 પ્રદર્શન)નું આયોજન આગીમી તારીખ 27 જૂન અને 28 જૂનને સોનલ અંબાણીની સમારા આર્ટ ગેલેરીમાં યોજાશે. મંગળવાર અને બુધવાર સવારે 10.30થી સાંજે 7 વાગ્યા સુધી આ પ્રદર્શન ચાલુ રહેશે. આ એક્ઝિબિશનમાં વિવધ કલાકારો અને સહાય ફાઉન્ડેશનના બાળકો દ્ધારા બનાવવામાં આવેલા આર્ટ વર્ક(પેઇન્ટિંગ) વેચાણ માટે મુકવામાં આવશે. આ ફંડનો ઉપયોગ સહાયના બાકોના શિક્ષણ માટે કરવામાં આવશે.

કલાકારો દ્ધારા બનાવામાં આવેલા ચિત્રોની કિંમત રૂપિયા 2000થી શરૂ થશે. આ એક્ઝિબિશનમાં એવા પેઇન્ટિંગને વેચાણ માટે મુકવામાં આવશે જેને ઘર, ઓફિસમાં સુશોભિત કરી શકાશે. આ વીશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા નેચર થેરાપીના ફાઉન્ડર કામિની પટેલ કહે છે: સહાય ફાઉન્ડેશન એવા બાળકોને મદદ કરે છે જે શિક્ષણથી વંચિત છે. ‘સહાય’નો હેતુ બાળકોને માત્ર શિક્ષણ પુરુ પાડવાનો નથી. ‘સહાય’ શિક્ષણની સાથે બાળકોને ટ્યુટરની સુવિધા પણ પુરી પાડે છે. માત્ર સારી શાળામાં પ્રવેશ અપાવી દેવાથી બાળકો પ્રત્યેની ફરજ પુર્ણ નથી થતી. હકીકતમાં તો શિક્ષણથી વંચિત બાળકો જ્યારે સારી શાળામાં પ્રવેશ મેળવે છે ત્યાર પછી ત્યાંના વાતાવરણમાં સેટ થવામાં અને અભ્યાસ માટે સંર્પુણ સુવિધા પુરી પાડવાની જવાબદારી રહેલી છે.

સહાય ફાઉન્ડેશન વંચિત બાળકોની તમામ જરૂરિયાતને પ્રાથમિક્તા આપે છે. પેઇન્ટિંગ એક્ઝિબિશન દ્ધારા જે ભંડોળ આવશે તેનો તમામા ઉપયોગ બાળકોના શિક્ષણ માટે કરવામાં આવશે.