Home Blog Page 2762

કાકાસાહેબ કાલેલકર સાહિત્ય સન્માન સાહિત્યકાર ભાગ્યેન્દ્ર પટેલને

નવી દિલ્હીઃ દક્ષિણ ગુજરાતમાં વાંસદાના ભીનાર ગામમાં એક ખેડૂત કુટુંબમાં જન્મેલા ભાગ્યેન્દ્ર પટેલે મૂક્સેવકની ભૂમિકામાં રહીને સાહિત્યસૃજન અને પ્રસાર ક્ષેત્રે ભૂમિકા ભજવી છે. સાહિત્ય ક્ષેત્રે સિદ્ધિઓ અને પ્રોત્સાહન માટે કાકાસાહેબ કાલેલકર સ્મૃતિ રાષ્ટ્રીય પ્રોત્સાહન સન્માન-૨૦૨૨ જાણીતા સાહિત્યકાર-સંપાદક ભાગ્યેન્દ્ર પટેલને એનાયત થયું છે. શનિવારે દિલ્હીમાં ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા સંસ્થામાં યોજાયેલી સંનિધિ સંગોષ્ઠિમાં ‘જનસત્તા’ દૈનિકના સંપાદક મુકેશ ભારદ્વાજને હસ્તે આ પ્રતિષ્ઠિત સન્માન પટેલને એનાયત કરવામાં આવ્યું હતું. કાકાસાહેબ કાલેલકર તથા વિષ્ણુ પ્રભાકરની સ્મૃતિને સમર્પિત આ સન્માનમાં શાલ સ્મૃતિ-ચિહન તથા પ્રશસ્તિ-પત્ર સામેલ છે. તેમને અગાઉ વર્ષ ૨૦૦૬માં સૂર્યા સંસ્થાન, નોઇડા તરફથી ગુજરાતી વિદ્વાન સન્માન એનાયત થયું હતું.

આ પ્રસંગે ગાંધીવિચાર પ્રણેતા જ્ઞાનેન્દ્ર રાવત, રમેશ શર્મા, વિશ્વ સમન્વય સંઘનાં અધ્યક્ષ કુસુમ શાહ, ઉપાધ્યક્ષ અતુલકુમાર પ્રભાકર, મહામંત્રી અભિનવ આચાર્ય અને મંત્રી રાજકુમાર વગેરે મહાનુભાવો હાજર હતા. આ કાર્યક્રમમાં અન્ય છ પ્રતિભાઓને વિષ્ણુ પ્રભાકર સન્માન એનાયત થયું હતું.

ભાગ્યેન્દ્ર પટેલ લગભગ છેલ્લા ત્રણ દાયકાથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની પુસ્તક પ્રકાશન તથા પ્રસારની અગ્રણી સંસ્થા નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયામાં ગુજરાતી ભાષાના સંપાદક તરીકે કાર્યરત છે. તેઓ ૫૦૦ ઉપરાંત પુસ્તકોના સંપાદન, ૧૦૦ આસપાસ અનુવાદ અને વાર્તા-લેખ-કવિતા વગેરેમાં લેખન-યોગદાનની સાથોસાથ પુસ્તક-વાંચનની આદતના પ્રસાર-પ્રચાર માટે પ્રવૃત્તિશીલ છે. આ સિવાય તેઓ ચિત્રકાર, વકતા, નાટ્યલેખક-દિગ્દર્શક, અભિનેતા અને સ્વર-કલાકાર તરીકે એક અનુભવી પ્રતિભા છે. તેઓ માતૃભાષા-સાહિત્ય-સંસ્કૃતિના સંવર્ધન કાજે સાર્વજનિક ગોષ્ઠિઓ, સામાજિક બાબતો અને શિક્ષણલક્ષી નાટકો, દસ્તાવેજી ચલચિત્રો વગેરેમાં સક્રિય છે. તેમણે આકાશવાણી રાષ્ટ્રીય પ્રસારણ સેવાના ગુજરાતી સમાચાર વિભાગમાં સમાચાર અનુવાદ અને વાચક તરીકે તેર વર્ષ સુધી સેવા આપી હતી. તેમણે ઐતિહાસિક ટીવી-રેડીઓ ધારાવાહિક ‘સ્વરાજ’ની ગુજરાતી આવૃત્તિમાં શરૂઆતના ૧૯ એપિસોડ સુધી મહત્વનાં પાત્રો માટે અવાજ આપ્યો છે.

 

 

 

 

 

અદાણી વિદ્યામંદિરમાં યોગ દિવસની અનોખી ઉજવણી 

 અમદાવાદઃ અદાણી વિદ્યામંદિરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યામંદિરના પટાંગણમાં આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકગણ સહિત સૌ યોગમય બન્યા હતા. આ વર્ષે ખાસ વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત ઉજવણી કરવામાં આવી હતી.

AVમાં યોગ યુનિફોર્મમાં સજ્જ વિદ્યાર્થીઓની યોગનિષ્ઠા અને શિસ્ત ઊડીને આંખે વળગે તેવા હતા. આ કાર્યક્રમના પ્રારંભે પ્રાર્થના અને પતંજલીના યોગમંત્રની સાથે નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. યોગાભ્યાસુ વિદ્યાર્થીઓએ પરંપરાગતથી અલગ 25 સ્ટેપ્સમાં સૂર્ય નમસ્કાર કરી સૌને અચંબિત કરી દીધા. હતા. યોગના માધ્યમથી બનાવેલી માનવ સાંકળ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. વળી બામ્બુ સ્ટિક્સ અને હુલાહૂપ દ્વારા યોગાસનની પ્રસ્તુતિ મનમોહક હતી.

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મોટિવેશનલ સ્પીકર સાજન શાહ દ્વારા વિદ્યાર્થીઓને પ્લાન્ટેબલ પેન્સિલ અને સફાઈ કામદારોને UV ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું. યોગાસનોમાં SDGs પર આધારિત ઉત્તમ સ્વાસ્થ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પર્યાવરણનું જતન, સામાજિક સમાનતાના હેતુઓને આવરી લેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી કરવી એ આપણી જવાબદારી છે. આપણે સૌ તેની શરૂઆત કરીને ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ.

આ કાર્યક્રમના સમાપનમાં શિક્ષકોએ યોગશક્તિ પ્રદાન કરતા તાલીયોગ અને નૃત્ય પ્રસ્તુત કર્યુ હતું. AVમાં આર્થિક પડકારોનો સામનો કરી રહેલા અસાધારણ પ્રતિભા ધરાવતા બાળકો માટે આદર્શ વિદ્યામંદિર છે. હાલ તેમાં અમદાવાદના 1,000 વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણનાં મૂલ્યો સાથે જીવન ઘડતર થઈ રહ્યું છે.

 

 

‘જરૂર પડશે તો એવું વર્તન ફરી કરીશ’: ઈગોર સ્ટીમેક (ભારતીય ફૂટબોલ ટીમના વડા કોચ)

બેંગલુરુઃ અહીંના કાંતીરવા સ્ટેડિયમ ખાતે SAFF ફૂટબોલ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમના વડા કોચ ઈગોર સ્ટીમેકે પાકિસ્તાનના ખેલાડીના હાથમાંથી બોલ ઝૂંટવી લઈ એને બોલનો થ્રો કરતા અટકાવતાં મેચ રેફરીએ સ્ટીમેકને રેડ કાર્ડ બતાવ્યું હતું. તે છતાં ક્રોએશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય ખેલાડી સ્ટીમેકે કહ્યું છે કે, ‘ભવિષ્યમાં મેદાન પર મારા ખેલાડીઓનું રક્ષણ કરવા માટે જરૂર લાગશે તો આવું વર્તન ફરી કરતાં હું અચકાઈશ નહીં. ફૂટબોલની રમત તો મારે મન એક જુસ્સો છે.’

ગઈ કાલે ગ્રુપ-Aની મેચમાં, ભારતે સુનીલ છેત્રીની ગોલ હેટ-ટ્રિકની મદદથી પાકિસ્તાન ટીમને 4-0 ગોલથી પરાજય આપ્યો હતો. છેત્રીએ બે ગોલ પહેલા હાફમાં કર્યા હતા અને ત્રીજો ગોલ બીજા હાફમાં કર્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરની મેચોમાં આ ચોથી વાર હેટ-ટ્રિક કરી છે. મેચમાં 45મી મિનિટે હંગામો થયો હતો. કોચ સ્ટીમેકે પાકિસ્તાનના એક ખેલાડીને ટચલાઈન પર થ્રો-ઈન કરતા અટકાવ્યો હતો. એને કારણે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ચકમક ઝરી હતી. સદ્દભાગ્યે, એ ઝઘડાનું મોટું વરવું સ્વરૂપ થતા રહી ગયું હતું. પરંતુ એ વર્તનને કારણે રેફરીએ સ્ટીમેકને રેડ કાર્ડ બતાવીને એમને આગામી મેચમાંથી સસ્પેન્ડ કર્યા હતા. રેફરીએ પાકિસ્તાન ટીમના મેનેજરને યેલો કાર્ડ બતાવ્યું હતું.

અપહરણ થયેલું ગુજરાતી દંપતી ઇરાનમાંથી હેમખેમ પરત ફર્યું

 અમદાવાદઃ લોકોને વિદેશમાં જઈને ટૂંક સમયમાં ઘણીબધી કમાણી કરી લેવી છે અને એ માટે તેઓ ગેરકાયદે જવા અને જાનનું જોખમ લેવા પણ તૈયાર થઈ જાય છે, પણ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે એ કહેવતને સાર્થક કરે એવો કિસ્સો બન્યો છે. અમદાવાદથી અમેરિકા જવા લાલચમાં દંપતી ફસાઈ ગયું હતું. તેમણે એ માટે લેભાગુ એજન્ટોનો સંપર્ક સાધ્યો હતો, પણ તેઓ એવી લાલચની ચુંગાલમાં ફસાયા કે તેમને છોડાવવા રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નિશા અને પંકજે અમેરિકા જવા માટે રૂ. એક કરોડથી વધુની રકમની એજન્ટો સાથે સોદો થયો હતો, પરંતુ તેમને એજન્ટો દ્વારા અમેરિકા જવાની જગ્યાએ હૈદરાબાદ અને ત્યાંથી ઇરાન પહોંચ્યા હતા, પરંતુ ઇરાનમાં તેમનું અપહરણ થયું હતું અને કેટલાક લોકોએ તેમની પીઠ પર બ્લેડ મારી હતી જેથી તે યુવક લોહીલુહાણ થઇ ગયો હતો અને તેના બદલામાં રૂપિયાની માગ થઈ હતી. આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ થઈ હતી. જે સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ભારતની રો અને એમ્બેસીના કેટલાક અધિકારીઓની મારફતે આ દંપતીને અપહરકર્તાઓ પાસેથી છોડાવવામાં રાજ્ય સરકારને સફળતા મળી હતી અને તેમને હેમખેમ પરત લાવી શકાયા હતા. .

સરકારની સતર્કતાના કારણે આખરે પંકજ અને નિશાનું લોકેશન તહેરાનમાં મળી આવ્યું હતું, જ્યાંથી પોલીસની મદદથી પંકજ અને નિશાને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવામાં આવ્યા હતા.જેના પગલે પીડિતના ભાઈ અને પરિવારજનોએ રાજ્ય સરકારનો અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો પણ આભાર માન્યો હતો.

શો હતો મામલો?

અમદાવાદના નરોડામાં રહેતા દંપતી પંકજ અને નિશા પટેલે એજન્ટ મારફતે વાયા ઇરાન થઈને અમેરિકા જવા નીકળ્યાં હતાં. અમેરિકા જવા માટે રૂ. 1.15 કરોડમાં સોદો થયો હતો.જોકે તેમણે કોઈ રૂપિયા આપ્યા નહોતા. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યા, ત્યાંથી બીજો એજન્ટ વાયા દુબઈ, ઇરાન થઈને અમેરિકા લઈ જશે તેવો સોદો થયો હતો. જોકે અમેરિકા જવાન બદલે ઇરાનમાંથી તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું અને યુવકના શરીર પર બ્લેડના ઘા મારીને યાતનાઓ આપવામાં આવી હતી.

 

 

 

 

 

“શાંતિ બિઝનેસ સ્કૂલ”માં યોગ દિવસની કરવામાં આવી ઉજવણી

શાંતિ બિઝનેસ સ્કૂલે તેની ફેકલ્ટીસ અને સ્ટાફ વચ્ચે હેપ્પીનેસ અને માઇન્ડફુલનેસના કલ્ચરને પ્રોત્સાહન આપતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગર્વભેર ઉજવણી કરી. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય યોગ દ્વારા એક સ્વસ્થ અને વધુ સંતુલિત વર્ક એન્વાયર્મેન્ટને ઉત્તેજન આપવાનો હતો.

આ કાર્યક્રમમાં રોજિંદા જીવનમાં યોગના અસંખ્ય લાભો અંગે જણાવી ફેકલ્ટી અને સ્ટાફને યોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા કારણ કે વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે તંદુરસ્ત શરીર અને મન જરૂરી છે.
આ પ્રસંગે અનુભવી યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ

શાંતિ બિઝનેસ સ્કૂલના કર્મચારીઓ માટે યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જસ્મિન પંચાલ ધ્યાન અને વાસ્તુના પ્રેક્ટિશનર અને એવજેનિયા મોજુમદાર – યોગ પ્રેક્ટિશનર હાજર રહ્યા હતા. દરેક વ્યક્તિએ વિવિધ યોગ આસનો (પોઝ), ધ્યાનની કસરતો અને શ્વાસ લેવાની તકનીકોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સત્રો યોગના વિવિધ કૌશલ્ય સ્તરોને પૂરા કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા, જેમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું કે દરેક વ્યક્તિ યોગ સાથેના તેમના અગાઉના અનુભવને ધ્યાનમાં લીધા વિના, આ યોગ અભ્યાસનો લાભ મેળવી શકે.

ઇવેન્ટ દરમિયાન, કર્મચારીઓએ શાંતિ અને કાયાકલ્પનો અનુભવ કર્યો જે યોગ આપે છે, કારણ કે તેઓ તેમના શરીર અને મનને સ્ટ્રેચ, સ્ટ્રોંગ કરવા અને રિલેક્સ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સત્રોએ કર્મચારીઓને તેમના રોજિંદા કામના દિનચર્યાઓમાંથી વિરામ લેવાની અને આંતરિક શાંતિ અને સંતુલનની ભાવનાને ઉત્તેજન આપતા પોતાની સાથે જોડાવા માટેની તક પૂરી પાડી હતી.

શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કંપનીના કર્મચારી કલ્યાણ પ્રત્યેના સમર્પણ અને તંદુરસ્ત કાર્ય-જીવન સંતુલનને પ્રોત્સાહન આપવાના મૂલ્યની તેની માન્યતાનું ઉદાહરણ આપે છે. કોર્પોરેટ કલ્ચરમાં યોગનો સમાવેશ કરીને, શાંતિ બિઝનેસ સ્કૂલનો હેતુ તેના કર્મચારીઓને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને તેમના જીવનની એકંદર ગુણવત્તા વધારવા માટે પ્રેરિત કરવાનો છે.

ઉદ્ધવ, પરિવારજનોની સલામતી ઘટાડાઈ; ‘માતોશ્રી’ની બહાર મેટલ ડીટેક્ટર્સ હટાવી દેવાયા

મુંબઈઃ શિવસેના (યૂબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને એમના પરિવારજનોને સરકાર તરફથી પૂરી પાડવામાં આવતી સલામતી વ્યવસ્થામાં કાપ મૂકી દેવામાં આવ્યે હોવાના અહેવાલ છે. બાન્દ્રા (પૂર્વ) ઉપનગરમાં આવેલા ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર મૂકવામાં આવેલા મેટલ ડીટેક્ટર્સ પણ હટાવી લેવામાં આવ્યા છે. તદુપરાંત, ત્યાં ફરજ પર મૂકવામાં આવેલા બે સ્પેશિયલ પોલીસ ફોર્સ ઓફિસર અને છ પોલીસ જવાનોને પણ હટાવી લેવામાં આવ્યા છે.

માતોશ્રી નિવાસસ્થાન ખાતે સુરક્ષા પૂરી પાડવા માટે મૂકવામાં આવેલા ચાર પોલીસ જવાનોને ચાલુ રખાયા છે.

ઉદ્ધવ ઠાકરેને ઝેડ-પ્લસ સિક્યુરિટી કવચ પૂરું પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત એક એસ્કોર્ટ કાર, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ના ત્રણ વાહનોનો સમાવેશ થાય છે. ઉદ્ધવ ઠાકરેની સલામતીનું રક્ષણ કરવા માટે એમના કાફલામાં છ કમાન્ડો વાહન આપવામાં આવ્યા હતા, પરંતુ એમાંથી એક વાહન ઘટાડી દેવામાં આવ્યું છે. હવે પાંચ વાહન રહેશે.

તદુપરાંત, ઉદ્ધવના પત્ની રશ્મી તથા પુત્રો આદિત્ય અને તેજસના કાફલામાંથી પણ એક-એક સુરક્ષા વાહન ઘટાડી દેવામાં આવ્યું છે. આ ત્રણેય સભ્યોને વાઈ-પ્લસ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવેલા સુરક્ષા કવચમાં ઘટાડો શા માટે કરવામાં આવ્યો છે તેનું કારણ હજી જાણવા મળ્યું નથી.

PM મોદીની US મુલાકાત દરમ્યાન H1B વિઝાના નિયમો હળવા કરાશે?

વોશિંગ્ટનઃ વડા પ્રધાન મોદી હાલ અમેરિકાના અતિથિ બન્યા છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડનની સાથે ગઈ કાલે ડિનર કર્યું હતું. બાઇડન વહીવટી તંત્ર અમેરિકામાં રહેતા ભારતીયો માટે રહેવા અને કામ કરવું સરળ થાય એ માટે મહત્ત્વની યોજના પર કામ કરી રહ્યું છે. આ મામલાથી પરિચિત ત્રણ લોકોએ જણાવ્યું હતું કે અમેરિકા સરકાર વડા પ્રધાનની રાજકીય મુલાકાતનો ઉપયોગ ભારતીયોને માટે વિઝા નિયમોમાં ઢીલ આપવા કરી શકે છે.વિદેશ વિભાગ ગુરુવારે ઘોષણા કરી શકે છે કે કેટલાક ભારતીય અને અન્ય વિદેશી કર્મચારી વિદેશ યાત્રા કર્યા વગર અમેરિકામાં H1B વિઝા રિન્યુ કરાવી શકે છે.

આ એક પાઇલટ પ્રોજેક્ટ હશે, જેનું આવનારાં વર્ષોમાં વિસ્તરણ કરવામાં આવી શકે છે. નાણાકીય વર્ષ 2022માં આશરે 4,42,000 લોકોએ H1B વિઝાનો ઉપયોગ કર્યો હતો, જેમાં 73 ટકા ભારતીય નાગરિક હતા. એક અન્ય અધિકારીએ કહ્યું હતું કે અમારા લોકોની ગતિશીલતા અમારા માટે એક મોટી સંપત્તિ છે અને અમારું લક્ષ્ય તેમને સુવિધા ઉપલબ્ધ કરાવવાનું છે. વિદેશ વિભાગ H1B વિઝાને લગતા નિયમોમાં ફેરફાર કરવા માટે આકરી મહેનત કરી રહ્યો છે.

અમેરિકા કુશલ વિદેશી શ્રમિકોની શોધ કરતી કંપનીઓને 65,000 H1B વિઝા આપે છે. એ સાથે માસ્ટર ડિગ્રીવાળા શ્રમિકો માટે વધારાના 20,000 વિઝા જારી કરે છે. આ વિઝા ત્રણ વર્ષ માટે કાયદેસરના હોય છે અને આગામી ત્રણ વર્ષ માટે રિન્યુ કરાવી શકાય છે.  અમેરિકામાં H1B કર્મચારીઓનો ઉપયોગ કરવાવાળી કંપનીઓમાં ઇન્ફોસિસ, TCS, આલ્ફાબેટ અને મેટા અન્ય અન્ય કંપનીઓ સામેલ છે.  

 

 

 

સિંગર હની સિંહને ‘ગોલ્ડી બ્રારે’ જાનથી મારવાની ધમકી આપી

નવી દિલ્હીઃ જાણીતા રેપર અને સિંગર હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેણે દિલ્હી પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે 19 જૂને તેના મેનેજર રિહિત છાબરાને કેનેડા સ્થિત ગેન્ગસ્ટર ગોલ્ડી બ્રારનો કોલ આવ્યો હતો, જેમાં તેને જાનથી મારી નાખવાની ધમકીની સાથે રૂ. 50 લાખની ખંડણીની માગ કરવામાં આવી હતી. કોલરે ખુદને ગોલ્ડી બ્રાર જણાવ્યો હતો. ત્યાર બાદ મેનેજરને વિદેશી નંબરથી કેટલાક ધમકીભર્યા કોલ વોઇસ નોટ પણ મળ્યા હતા. આ ફરિયાદને આધારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે IPCની કલમ 387, 506 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

હની સિંહ અને તેના મેનેજર, સાંસદ પ્રવેશ શર્માની સાથે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોડા અને સ્પેશિયલ સેલના સ્પેશિયલ કમિશનર એજીએસ ધાલીવાલથી મળ્યા હતી અને ફરિયાદ કરી હતી. હની સિંહ આ ધમકીભર્યા ફોનથી ખૂબ ડરેલો છે. તેણે કહ્યું હતું કે તે અને તેના પરિવારને મોત નો ડર છે. પોલીસ વહીવટી તંત્ર એની મદદ કરે અને તેને સુરક્ષા પૂરી પાડે.હાલમાં જ સિદ્ધુ મૂસેવાલાને પણ ગોલ્ડી બ્રારના ઇશારે ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેની ગેન્ગના લોકોએ પણ મોતના મુખમાં ધકેલ્યો હતો. સૌપ્રથમ વાર હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી ધમકી અને રૂ. 50 લાખની ખંડણી આપવા માટે કોલ આવ્યો હતો.  

પંજાબના શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર ગુનાની દુનિયામાં તેના કઝિન ભાઈ ગુરલાલ બ્રારની હત્યા કર્યા પછી આવ્યો હતો. આ હત્યામાં યૂથ કોંગ્રેસ લીડર ગુરલાલ પહેલવાનનું નામ સામે આવ્યું હતું. ત્યાર બાદ ગોલ્ડીએ ગુરલાલ પહેલવાનની પણ હત્યા કરી હતી.

 

 

કોરાનાના 95 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 95 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,93,766 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,900 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,60,082 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 95 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1784એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 61,201 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.20 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,35,342 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 375 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

માનવજાતને મળેલી બહુમૂલ્ય ભેટ

આજે વાત કરવી છે માનવજાતને મળેલી એક એવી અમૂલ્ય સંપત્તિની, જે આપણે ન તો કોઈને દાન, ભેટ કે વારસામાં નથી આપી શકતા કે ન તો ઉછીની મળે છે. એ ખરીદી કે વેચી પણ નથી શકાતી. એને બૅંકમાં પણ સાચવી નથી શકાતી. તેનો કેવળ ઉપયોગ જ કરવો પડે. જો ન કરીએ તો આપમેળે ખર્ચાઈ જાય. આ અતિ મૂલ્યવાન સંપત્તિ એટલે સમય.

મહામનિષી ચાણક્ય કહેતા કે, જિંદગીની વીતી ગયેલી પળ એક કરોડ સોનામહોર આપવાથી પણ પાછી મળતી નથી. ખરેખર, સમયનું મૂલ્ય સમજી વિશ્વના સર્વે મહાપુરુષોએ ટાણે તેનો યોગ્ય વિનિમય કરી મહત્તમ લાભ પ્રાપ્ત કરવાની અનુભવપૂર્ણ શિખામણ સમાજને આપી છે. જે વ્યક્તિના જીવનઘડતરમાં પ્રગતિનો પથ અજવાળે છે.

સમય રૂપી મૂડી દરેક પાસે સરખી જ છે. તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરનાર જિંદગીમાં બાજી મારી ગયા. આ જ ભેદ છે સામાન્ય અને અસામાન્ય વ્યક્તિ વચ્ચેનો. મહાન વ્યક્તિઓએ સમયને સંપત્તિ ગણી તેનો આયોજનપૂર્વક અને સમજદારીથી ઉપયોગ કર્યો, જેના ફ્ળસ્વરૂપે તેઓ સફ્ળતાનાં શિખર સર કરે છે. સમયનો સદુપયોગ એટલે ચોકસાઈ અને પ્રામાણિકતાથી ખટકો રાખી ખંતપૂર્વક કાર્ય કરવામાં ખર્ચેલો સમય, જેનું પરિણામ અકલ્પનીય હોય છે.

હેન્રી વર્ડ્સવર્થ લોંગફેલો નામના પ્રસિદ્ધ અમેરિકન કવિ અને શિક્ષણશાસ્ત્રીને કૉફી બનાવતાં દસ મિનિટ થતી. ચૂલા ઉપર કૉફી મૂકી તેઓ પુસ્તકનું ભાષાંતર કરવા માંડે. કૉફી તૈયાર થાય ત્યાં સુધીમાં અડધા પાનાનું ભાષાંતર થઈ જાય. આવી જ રીતે સમયનો ઉપયોગ કરીને લોંગફેલોએ ‘ઈન્ફર્નો’ નામના પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કરેલો.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ નાના-નાના સમયનો ઉપયોગ કરવામાં કુશળ હતા. મૉર્નિંગ વૉક લેતાં એ સંતો-ભક્તોને સાથે રાખીને ચાલતાં-ચાલતાં તેમના પ્રશ્નો કે વાત સાંભળી લેતા. ક્યારેક ભોજન સમયે જ સત્સંગ સંબંધી રિપોર્ટ કે વિશિષ્ટ પ્રસંગોની વાત સંતો પાસેથી સાંભળી લેતા. આવું કરવામાં તેમને ભ્રમણ કે ભોજનના કાર્યમાં સહેજ પણ વિક્ષેપ થતો નહીં.

એક ઉક્તિ છેઃ સમય અને ભરતી કોઈની રાહ જોતાં નથી. જો આપણે સમય નહીં વાપરીએ તો તે સ્વયં વપરાઈ જશે. અ સ્ટિચ ઈન ટાઈમ, સેવ્સ નાઈન અર્થાત્ યોગ્ય સમયે લેવામાં આવેલો એક ટાંકો બીજા નવ ટાંકા બચાવે છે, અને ટાણે ન થયેલું કામ ઘણા પ્રશ્નોની ભેટ આપે છે. વર્તમાન સમયમાં પ્રત્યેક વ્યક્તિ ખૂબ વ્યસ્ત હોવાની માનસિક ભ્રમણામાં ઘેરાયેલા જોવા મળે છે. તેના દૈનિક જીવનમાં કાંઈક અલગ કે વિશેષ કામ માટે વાત આવશે તો કહેશે મને સમય જ ક્યાં મળે છે? પરંતુ, આ જ મહાશયના ઘણા કલાકો મોબાઈલ, વૉટ્સઍપ, ઈન્ટરનેટ, ટીવી જોવામાં વેડફાઈ જતા હોય છે. આ જ બતાવે છે કે સમય નથી મળતો એ દલીલ બોદી છે.

વેડફાતા સમય માટે આધુનિક માનવ સભાન નથી. તે એક પ્રકારની જાત સાથેની છેતરપિંડી છે. વાસ્તવમાં તો દાનતનો અભાવ હોય છે. પ્રબળ ઈચ્છાશક્તિ અને દાનત હોય તો સમયનો અભાવ આડે આવતો નથી. શેક્સપિયર કહેતા કે જે સમયને બરબાદ કરે છે તેને સમય બરબાદ કરે છે. ઘડિયાળના કાંટાને ક્યારેય અટકાવી શકાય નહીં માટે સમયરૂપી સંપત્તિનો મહત્તમ લાભ મળે તે માટે વ્યવસ્થિત ઢબે આયોજન કરવું જોઈએ. આ આયોજન એટલે જ ટાઈમ મૅનેજમેન્ટ. સફ્ળતા માટે વર્તમાન સમયની આ એક ગુરુચાવી છે.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ‘ઘીની તાવણી અને અષાઢી બીજની વાવણીમાં મુહૂર્ત જોવાનું ન હોય.’ તો આવો, તેજીને ટકોરો તેમ જીવનઘડતર અને સુખી ભવિષ્ય માટે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો દૃઢ સંકલ્પ કરીએ. મોબાઈલ, ઈન્ટરનેટ અને ટીવીના સકંજામાંથી સમયનું રક્ષણ કરીને કારકિર્દીનું શ્રેષ્ઠ આયોજન કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)