

(તસવીર, વિડિયો: માનસ સોમપુરા)


(તસવીર, વિડિયો: માનસ સોમપુરા)
ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરે (IITGNએ) આજે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગના – શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિવિધ લાભો મેળવવા માટે આ ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્થાના ફિઝિકલ એજ્યુકેશન વિભાગે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 30 દિવસીય યોગ સત્રનું આયોજન 23 મેથી કર્યુ હતું, જેમાં સંસ્થાએ કલાત્મક યોગ, શીર્ષાસન સ્પર્ધા, યોગ પર પ્રશ્નોત્તરી, યોગ ક્રિયાની વર્કશોપ, મેડિટેશન વગેરે પ્રવૃત્તિઓ રાખી હતી. આ 30 દિવસીય યોગ સત્ર -IDY-2023માં ભાગ લેનારાને યોગ આસનોનાં વિવિધ આસનો- કમર (સ્પાઇન કોડ)ના આરોગ્યનું સંતુલન, લવચિકતા, શક્તિ, તાણમુક્ત અને ધ્યાન પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
સંસ્થાના મુખ્ય યોગ શિક્ષક તુલસા પૂજારી દ્વારા બધાં ગ્રુપના સ્પર્ધકોએ યોગ આસનો, પ્રાણાયમ અને સહજ યોગ કર્યા હતા. આ યોગ સત્રમાં ભાગ લેનારા સ્પર્ધકોને યોગના વિશિષ્ટ લાભો અને એમને કરવાના પ્રાર વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારે બાદ ડો. વિજ્યાલક્ષ્મીએ અને અતિથિ રજની મુનાએ યોગને દૈનિક જીવનમાં કેવી રીતે વણી લેવા એ વિશે વ્યાખ્યાન આપ્યાં હતાં.
સંસ્થાની યોગ ટીમો માટે યોગ ડાન્સ સ્પર્ધામાં તેમણે પર્ફોર્મ કર્યું હતું, દજેમાં તેમણે યોગ ડાન્સ, પરંપરાગત યોગા અને જોડીમાં યોગા કર્યા હતા. આ યોગ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યાં હતાં.સંસ્થાના વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, કર્મચારીઓએ અને તેમના પરિવારના સભ્યોમાં ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લીધો હતો.
સંસ્થા હંમેશા પોતચાના સમુદાયને ગેમ્સમાં સક્રિય અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહન આપતો છે.
અમદાવાદઃ આજે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે આર્ટ ઓફ લિવિંગના સહયોગથી અમદાવાદ સેન્ટ્રલ જેલના ત્રણ વિભાગોમાં યોગાભ્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જેલના કેદીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓને જુદા જુદા યોગાસન, પ્રાણાયામ કરતાં અને ધ્યાન ધરતાં શીખડાવવામાં આવ્યું હતું.
અમદાવાદ સેન્ટ્રલ જેલનાં અધિક્ષક શ્વેતા શ્રીમાલી અને ગુજરાત જેલના એડિશનલ ડી.જી.પી. ડૉ. કે.એલ.એન. રાવ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.
આર્ટ ઑફ લિવિંગ સંસ્થાના અમદાવાદ ચેપ્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ૨૦થી પણ વધારે સ્થળોએ ૮૦,૦૦૦થી વધારે લોકોને સંસ્થાનાં શિક્ષકો અને સ્વયંસેવકો દ્વારા યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરાવવામાં આવ્યા હતા.
પીપાવાવઃ પશ્ચિમ ભારતના અગ્રણી ગેટવે બંદરોમાંના એક APM ટર્મિનલ્સ પીપાવાવે ગયા સપ્તાહે જ્યારે SM મનાલી જહાજ 10 જૂને બંદર પર ઊતર્યું ત્યારે CCG (કોલંબો કોચીન ગલ્ફ) સર્વિસનો પ્રારંભ થયો હતો. CCG સર્વિસ દુબઈસ્થિત અગ્રણી કન્ટેનર ફીડર સર્વિસ ખાનગી ક્ષેત્રની કંપની ગ્લોબલ ફીડર શિપિંગની પેટા કંપની સીમા મરીન ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ઓફર કરવામાં આવતી ફ્લેગશિપ કોસ્ટલ સર્વિસ છે.
CCG સર્વિસ એ પોર્ટની આગેવાનીના વિકાસ દ્વારા જળમાર્ગો અને દરિયાકાંઠાની સંભવિતતાને અનલોક કરવાની ભારત સરકારની પહેલ સાગરમાલાના નેજા હેઠળ ડિઝાઇન કરવામાં આવી છે. સર્વિસ રોટેશનમાં મુંદ્રા, પીપાવાવ, મેંગલોર, કોચીન, કોલંબો, કટુપલ્લી, વિઝાગ, કૃષ્ણપટ્ટનમ, કટુપલ્લી, કોલંબો, કોચીન અને મુંદ્રાનો સમાવેશ થાય છે.
બર્થ પર ટિપ્પણી કરતાં APM ટર્મિનલ્સ પીપાવાવના MD ગિરિશ અગ્રવાલે જણાવ્યું હતું કે અમને APM ટર્મિનલ્સ પીપાવાવમાં CCG સર્વિસને આવકારતાં આનંદ થાય છે. અમે અમારા ગ્રાહકોને કાર્યક્ષમ અને વિશ્વસનીય સર્વિસીઝ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને સીમા મરીન ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથેની આ ભાગીદારી દરિયાકાંઠાના અને એક્ઝિમ ક્ષેત્રો દ્વારા સીમલેસ વેપારને સરળ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. અમે વેપારમાં સફળ સહયોગ અને પરસ્પર લાભોના આદાનપ્રદાન માટે આતુર છીએ.
સીમા મરીન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ માઇક હિલ્ટને પણ સર્વિસના પ્રારંભ કરવા વિશે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે CCG સર્વિસ આ પ્રદેશમાં ટોચના કોર્પોરેટ્સની જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરશે અને સોડા એશ, ઘઉં, ટાઇલ્સ અને કપાસ જેવી કોમોડિટીની સતત અવરજવરને સરળ બનાવશે. સ્પર્ધાત્મક દરો ઓફર કરીને અને કન્ટેનર કોસ્ટલ મુવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની પહેલને ટેકો આપીને અમારો હેતુ ભારતની સફળતાની વાર્તાનો અભિન્ન ભાગ બનવાનો છે.
મુંબઈઃ ‘મહાભારત’ ટીવી સિરિયલમાં ભીષ્મ પિતામહનું પાત્ર ભજવનાર અને ‘શક્તિમાન’ સિરિયલમાં શિર્ષક ભૂમિકા ભજવનાર અભિનેતા મુકેશ ખન્ના ‘આદિપુરુષ’ ફિલ્મના પાત્રોનાં વાંધાજનક કોસ્ચ્યૂમ્સ અને વિવાદાસ્પદ સંવાદોને કારણે ખૂબ જ ભડકી ગયા છે.
એક ઈન્ટરવ્યૂમાં ખન્નાએ કહ્યું કે, ‘ફિલ્મના સર્જકોએ હિન્દુ ગ્રંથ રામાયણ વાંચ્યો જ નથી. ભગવાન શિવજીએ રાવણને વરદાન આપ્યું હતું. હવે જે લોકોને એ વિશેનું જરાય જ્ઞાન નથી તેઓ મોટી મોટી વાતો કરે છે. તદ્દન વાહિયાત છે. ગઈ કાલે જ મેં મારી ચેનલ પર કહ્યું હતું કે ‘આદિપુરુષ’ની આખી ટીમને 50 ડિગ્રી સેલ્સિયસમાં ઊભા રાખીને બાળી મૂકવી જોઈએ.’ ખન્નાએ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત અને સંવાદલેખક મનોજ મુંતશિરની ઝાટકણી કાઢી છે. ‘મને તો એમ હતું કે વિવાદ થવાથી એ લોકો સંતાઈ જશે, પણ એનાથી ઊલટું, એ લોકો જાહેરમાં આવ્યા છે અને વાહિયાત ખુલાસા કરી રહ્યા છે. ‘આદિપુરુષ’ના નિર્માતાઓએ હિન્દુ ધર્મની મજાક ઉડાવી છે,’ એમ તેમણે વધુમાં કહ્યું.
મુંબઈઃ બ્લેકરોકે બિટકોઇનનો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)નો ઇસ્યૂ લાવવા માટે અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)માં ફાઇલિંગ કર્યું એને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં જોરદાર વૃદ્ધિ થઈ છે. બુધવારે 1,867 પોઇન્ટ વધેલા બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના તમામ ઘટક કોઇનમાં વધારો નોંધાયો હતો. એમાંથી લાઇટકોઇન, બિટકોઇન, અવાલાંશ અને કાર્ડાનો 7થી 10 ટકા સાથે મુખ્ય વધેલા કોઇન હતા.
દરમિયાન, અમેરિકાની પાંચ કાયદાપાલન એજન્સીઓએ ડાર્કનેટ માર્કેટપ્લેસ એન્ડ ડિજિટલ કરન્સી ક્રાઇમ ટાસ્ક ફોર્સ નામની નવી સંસ્થા રચી છે. એનો ઉદ્દેશ્ય ડાર્કનેટ અને ડિજિટલ કરન્સીને લગતા ગુનાઓ ખાળવાનો છે. બીજી બાજુ, યુનિવર્સિટી ઓફ નિકોસિયાએ મેટાવર્સને લગતું શિક્ષણ આપવા માટે વિશ્વનો પહેલો માસ્ટર્સ ઓફ સાયન્સ ઇન મેટાવર્સ નામનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.02 ટકા (1,867 પોઇન્ટ) વધીને 39,046 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,179 ખૂલીને 39,176ની ઉપલી અને 37,063 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
અમદાવાદઃ વિશ્વભરમાં દર વર્ષે ૨૧ જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનને દિવસે ‘યોગ દિવસ’ની ઉજવણી કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો સ્વીકાર કરીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘યોગ દિવસ’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ 2015થી દર 21 જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઊજવવામાં આવે છે. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસે’ ઠેર-ઠેર લોકો યોગાસનો કરતા હોય છે. જેમાં નાનાં બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો પણ જોડાય છે. ત્યારે ગુજરાત સાયન્સ સિટીમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત યોગ બોર્ડ અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહભાગી થવા માટે શહેરના દરેક નાગરિકોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુજરાત યોગ બોર્ડના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે છથી 7:30 વાગ્યા સુધી સહભાગીઓએ વિવિધ પ્રકારનાં યોગાસનો કર્યાં હતાં અને શરીર તથા મનની હળવાશનો અનુભવ કર્યો હતો. આ કાર્યક્રમમાં આશરે 500 જેટલા સહભાગીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ અંતર્ગત ગુજરાત સાયન્સ સિટીમાં પાંચ જૂનથી 20 જૂન સુધી યોગ તાલીમ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ નિષ્ણાતો દ્વારા લોકોને અલગ-અલગ પ્રકારનાં યોગાસનો કરવાની રીતો અને તે કરવાથી સ્વાસ્થ્યમાં થતા ફાયદા વિશે લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે ચીનનો પ્રેમ ફરી એક વાર જગજાહેર થયો છે. ચીનને કારણે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં લશ્કરે તૈયબાના આતંકવાદી સાજિદ મીર ફરી એક વાર વૈશ્વિક આતંકવાદી જાહેર નથી થયો, જેને લઈને ભારતે UNમાં ચીનને આડે હાથ લીધું હતું. ભારતે UNમાં જ ચીનને ઉઘાડું પાડી દીધું હતું. ભારતે આતંકવાદી સાજિદ મીરની એક ઓડિયો ક્લિપ UNમાં ચલાવી દીધી હતી, જેને ત્યાં બધાએ સાંભળી હતી.
UNમાં ભારતે જે ઓડિયો ક્લિપ સંભળાવી છે, એમાં આતંકી સાજિદ મીર સાથી આતંકવાદીઓથી ગોળી ચલાવવાની વાત કહેતાં સાંભળી શકાય છે. તે મુંબઈ હુમલાના આતંકવાદીઓને કહી રહ્યો છે કે કોઈ પણ વિદેશી વ્યક્તિ જીવતો બચીને ના જાય. બધા વિદેશીઓને મારી નાખો. જ્યારે તે વાત પૂરી કરે છે, ત્યારે બીજો આતંકવાદી ફોન પર બોલે છે… ઇન્શાઅલ્લા.
મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રકાશ ગુપ્તાએ UNમાં આ મામલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીનની આ હરકતથી 26/11ના પીડિતોને હજી સુધી ન્યાય નથી મળ્યો.
આતંકવાદી સાજિદ મીર વર્ષ 2008માં થયેલા મુંબઈ હુમલાનો આરોપી છે, જેમાં 166 લોકોનાં મોત થયાં હતાં. મુંબઈ હુમલામાં તેની ભૂમિકા જોતાં અમેરિકાએ પણ તેના પર 50 લાખ ડોલર (આશરે 41 કરોડ રૂપિયા)નું ઇનામ રાખ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે સાજિદ મીરને પાકિસ્તાને સાત વર્ષ પહેલાં 2016માં મૃત ઘોષિત કર્યો હતો, પણ પાકિસ્તાનની આતંકવાદીવિરોધી કોર્ટે સાજિદ મીરને ટેરર ફન્ડિગ મામલે 15 વર્ષની સજા સંભળાવી હતી, પરંતુ ચીન અને પાકિસ્તાન તેમનાં ષડયંત્રોથી બાજ નથી આવતાં.
સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ(SWAC)હેઠળના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ અપનાવવામાં આવ્યો હતો. ત્યારથી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) હેઠળના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 21 જૂન 2023 ના રોજ પણ પૂરા ઉત્સાહ સાથે યોગ દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોએ ભાગ લીધો હતો.
નોંધનીય છે કે આયુષ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ યોગ અને ધ્યાન સત્ર હાથ ધરવામાં આવ્યું હતું. યોગ સત્રમાં વિવિધ આસનો જેવા કે સ્ટ્રેચિંગ, સ્ટેન્ડિંગ, સિટિંગ, પ્રોન, સુપિન, બ્રિથ્રીંગ એક્સેસાઇઝ અને ધ્યાનનો સમાવેશ થાય છે. બીના રાવત અને તેમની ટીમ દ્વારા યોગ સંકલ્પ કરીને ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું.
પણજી (ગોવા): ‘અતિથિ દેવો ભવ’ દ્રષ્ટાંત આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 સમૂહના પ્રતિનિધિઓને 2024ની લોકસભા ચૂંટણી વખતે ‘લોકશાહીની જનની’ સમાન દેશ ભારત આવવા અને લોકશાહીનો મહોત્સવ નિહાળવાનું આજે આમંત્રણ આપ્યું છે.
મોદીનો એક રેકોર્ડેડ મેસેજ આજે ગોવામાં જી-20 ટૂરિઝમ પ્રધાનોની બેઠકના ઉદઘાટન સત્ર વખતે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. એમાં વડા પ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ‘પર્યટન સમાજમાં કોમી એખલાસનું સર્જન કરવા માટે સક્ષમ છે. આતંકવાદ સમાજને તોડે છે, પણ પર્યટન સમાજને જોડે છે.’
મોદીએ સંદેશમાં, જી-20 પ્રતિનિધિઓને 2024માં ભારત આવવાનું આમંત્રણ આપતાં કહ્યું કે, ‘ચૂંટણી વખતે અમારે ત્યાં 10 લાખ કરતાંય વધારે વોટિંગ બૂથ ઊભાં કરવામાં આવે છે. હું આપ સહુને ‘અતુલ્ય ભારત’ની મુલાકાતે આવવાનું આમંત્રણ આપું છું. લોકશાહીનો મહોત્સવ નિહાળવા માટે આપને માટે જગ્યાની જરાય કમી નહીં રહે. ‘(‘અતુલ્ય ભારત’ કે ‘ઈનક્રેડિબલ ઈન્ડિયા’ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પર્યટન મંત્રાલયે આદરેલી લોકપ્રિય ઝુંબેશ માટેની ટેગલાઈન છે)