
મનમાં રહેલી ગાંઠો ઉકેલવી
સત્સંગ એટલે સત્યનો સંગ, વાસ્તવિક સાથે સંપર્ક.સત્સંગ એટલે તમને સમજ ના પડે એવા કેટલાક ભજન ગાવા એવું નથી. સંગીત તેનો એક ભાગ છે. બીજો ભાગ છે તર્ક સમજવો. ત્રીજો ભાગ છે ધ્યાનની ગહેરાઈમાં વિશ્રામ કરવો અને પોતાની જાત સાથે રહેવું. તો યોગ્ય સંગ કયો છે? એ કે જેનાથી તમને હળવાશ અનુભવાય,એ કે જેનાથી લાગે કે તમે માન્યું હતું તેના કરતાં સમસ્યા નાની છે. તમને સમસ્યાનું સ્વરૂપ મોટું કરીને બતાવે તો એ સત્સંગ નથી. સત્સંગ એ એવું સ્થળ છે જ્યાં લોકો તમારા વિશે શું વિચારે છે તેને તમે ભૂલી શકો અને તમે જેવા છો એવા રહો. સામાન્ય રીતે જે લોકો ઉજવણી કરતા હોય છે તેઓ ગહેરાઈમાં પહોંચતા નથી અને જે લોકો મૌનનો અનુભવ કરે છે તે ઉજવણી કરતા નથી. પરંતુ જ્યારે આપણે મૌન અને ઉજવણી બન્નેને મહત્વ આપીએ છીએ ત્યારે સત્સંગ થાય છે. સંગીતનો ઉદ્દેશ તમારી અંદર ગહેરાઈમાં મૌન ઉત્પન્ન કરવાનો છે અને મૌનનો ઉદ્દેશ જીવનમાં ગતિશીલતા ઉત્પન્ન કરવાનો છે.

સંગીત ‘લય યોગ’ છે. લય એટલે એકરૂપ થઈ જવું. એ સમાધિની પરાકાષ્ઠા છે(ઈશ્વર સાથે તાદાત્મ્ય). ધ્વનિ ઊર્જાનું એક સ્વરૂપ છે.તમારું આખું શરીર અણુઓનું બનેલું છે. જ્યારે તમે ભજન ગાવ છો ત્યારે ધ્વનિની ઊર્જાના સ્પંદન તમારા શરીરના દરેક કણમાં શોષાય છે. જેવી રીતે માઈક્રોફોન અવાજને શોષે છે અને તેનું વીજળીમાં રૂપાંતર કરે છે તેવી રીતે શરીર સ્પંદનોને શોષે છે અને તેમનું ચેતનામાં રૂપાંતરણ કરે છે.જો તમે બેસીને પંચાત કે ઉશ્કેરણીજનક સંગીત સાંભળતા હોવ તો તમારું શરીર તે શોષે છે અને કંઈ સારો અનુભવ આપતું નથી.જ્યારે તમે જ્ઞાન સાંભળો છો કે ભાવથી જપ કરો છો તો તે તમારી ચેતનાને ઉચ્ચ સ્તરે લઈ જાય છે.
જ્યારે તમે સત્સંગમાં બેસો છો ત્યારે તમારું આખું શરીર ઊર્જામાં તરબોળ થઈ જાય છે અને પરિવર્તન થાય છે. તમારામાં ઊર્જા ઉત્પન્ન થાય છે અને ચેતનાને ઊંચકે છે કારણ કે ધ્વનિની ઊર્જા બહુ સહેલાઈથી મનમાં ઉતરે છે. શરીર પાંચ તત્વોનું બનેલું છે–પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. ધ્વનિ એ આકાશનો ગુણ છે, ધ્વનિ ઐક્ય સાધે છે. તે તમારા શરીરના સમસ્ત પોલાણોમાં સ્પંદન કરે છે. તે રીતે મન અને ચેતનાનું નિર્માણ થાય છે. આપણા મન અને ચેતના બહુ પ્રાચીન છે;હજારો વર્ષ જૂના છે. જ્યારે તમે ચેતનાના વિવિધ સ્તરમાં જાવ છો ત્યારે ત્યાં અલગ અલગ ભાષાઓ હોય છે. આપણી ચેતનાનું સૌથી પ્રાચીન સ્તર દુનિયાની સૌથી પ્રાચીન ભાષા -સંસ્કૃત સમજી શકે છે. જ્યારે આપણે બેઠા હોઈએ, વિચારતા હોઈએ કે વાતો કરતા હોઈએ ત્યારે દરેક મન જુદી રીતે વિચારતું હોય છે, એક સરખી રીતે નહીં પરંતુ જ્યારે આપણે સંસ્કૃત ભજન ગાઈએ છીએ ત્યારે આપણું મન કે જે અતિ પ્રાચીન છે તે આ જૂના ભજનોની છાપને ઓળખી કાઢે છે. આપણી ચેતના સાથે તે છાપ એકરૂપ થઈ જાય છે અને અંદર ગહેરાઈમાં ક્યાંક સંયોજન થાય છે. ભજનો અને મંત્રો મનમાં ઊંડી છાપ પાડે છે જ્યાં તે લાંબા સમય સુધી રહે છે. આ એક બ્રશ જેવું છે. બધા દાંતા સાથે મળીને મનની બધી ગાંઠો સાફ કરે છે.

ભલે આપણને કેટલાક શબ્દોના અર્થ ખબર ના હોય છતાં આપણે તેમનો જપ કરીએ છીએ કારણ કે માત્ર તેમને જપવાની સકારાત્મક અસર હોય છે. અર્થ ખબર હોવો એ અગત્યનું નથી. માત્ર અવાજ પૂરતો છે. આથી જ્યારે આપણે ગાઈએ છીએ ત્યારે આપણે કેટલું ગાઈએ છીએ અને ક્યાં ગાઈએ છીએ એ અગત્યનું નથી. બસ તમારી આંખો બંધ કરો અને સંગીત તથા અવાજ સાથે એકરૂપ થઈ જાવ. ભજન દ્વારા બનતા અવકાશમાં એકરૂપ થઈ જાવ.
આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ભજન એટલે માત્ર ગીતો ગાવા. એ એવું નથી. ભજન એટલે વહેંચવું. ઈશ્વર પ્રેમસ્વરુપ છે. તમે જ્યારે એ પ્રેમમાં ખીલો છો ત્યારે તમે એ પ્રેમ વહેંચો છો. ઈશ્વર કરુણાસ્વરુપ છે. તમે જ્યારે કરુણા દાખવો છો ત્યારે તમે ભજનમય હોવ છો. જ્યારે મન સો ટુકડાઓમાં વહેંચાયેલું હોય છે ત્યારે દુખ ઉત્પન્ન થાય છે. મનના એ જ ટુકડાઓ જ્યારે એકત્રિત થાય છે ત્યારે એક એકમ બને છે ત્યારે આનંદ ઉદ્ભવે છે. જ્યારે તમે સત્સંગમાં બેસો છો, જ્યારે ધ્યાન કરો છો ત્યારે તમે પોતાની જાતને એ આંતરિક સંગીતના, સંપૂર્ણ આનંદના સ્રોતની સમીપ લાવો છો. એકવાર જ્યારે ચેતના એકત્રિત થયેલી હોય છે, એકરૂપ હોય છે ત્યારે ચેતનાની તે અવસ્થા આનંદ કહેવાય છે. કુદરત લયબદ્ધ રીતે કામ કરે છે!આપણું શરીર લયબદ્ધ રીતે કામ કરે છે!જ્યારે જ્ઞાન, ધ્યાન અને સંગીત લયબદ્ધ બને છે ત્યારે જીવન એકદમ સંવાદિત બને છે. આપણી લય કુદરત સાથે સંવાદિત હોય છે ત્યારે જીવન એક અદ્ભૂત અનુભવ બની રહે છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
નોટ આઉટ @ 89 : સુરેશ બેન્કર
MBBSના ત્રીજા-વર્ષમાં ભણતો પૌત્ર અહન બેન્કર ગર્વથી કહે છે: “કોમ્પ્યુટર પર કામ કરતાં તો મને મારા દાદાએ
શીખવ્યું!” દાદા એટલે વિશ્વવિખ્યાત શિક્ષણ-સંસ્થા IIM-Aના પાયાની પહેલી ઈંટ મૂકનાર, અમદાવાદના જાણીતા સ્ટ્રકચરલ-એન્જિનિયર સુરેશ બેન્કર!
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
અમદાવાદના સંસ્કારી કુટુંબમાં જન્મ. મામા ચંપકભાઈ બેન્કર પ્રમુખસ્વામીના પરમ-ભક્ત! પરદાદા અમદાવાદના શ્રેષ્ઠી નરોત્તમ ગુલાબચંદ! સાત ભાઈ,એક બહેનનું શિક્ષિત કુટુંબ. શરૂઆતનું ભણતર અને ઘડતર “બાલકુંજ”માં. મેડમ મોન્ટેસરીના હાથે ભોજનનો લાભ મળ્યો.પછી નવચેતન હાઇસ્કુલમાં. 1942ની ચળવળમાં મોટાભાઈએ ભાગ લીધો. વીર વિનોદ કિનારીવાળાને ગોળી વાગી ત્યારે મોટાભાઈ ત્યાં હાજર! LD એન્જિનિયરિંગમાંથી સિવિલ એન્જિનિયરિંગ ભણ્યા. નવું-નવું શીખવાની ખૂબ હોંશ એટલે વિવિધ પ્રોજેક્ટ પર કામ કર્યું. કંડલા-પોર્ટ પ્રોજેક્ટમાં, TIFRમાં ડૉ. હોમી ભાભાસાહેબ સાથે, ભુતા & એસોસિયેટમાં, આઇઆઇટી-પવાઈ, આઇઆઇએમ-અમદાવાદ, એનઆઈડી, ગાંધીનગર, જેવાં મોટાં પ્રોજેક્ટમાં શરૂઆતના તબક્કામાં કામ કર્યું. ગુણવત્તા સાથે બિલકુલ બાંધછોડ કરી નહીં, કામના વખાણ થાય ત્યારે આનંદ અને અભિમાન થાય છે. લુઈ કા’ન, બી.વી. દોશીસાહેબ, વિક્રમ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ, ગૌતમભાઈ અને ગીરાબહેન સારાભાઈ, ડૉ. હોમી ભાભાસાહેબ, સેન કાપડિયા, JRD તાતા, પુપુલ જયકર, હેરી વીસ જેવા મહાનુભાવો સાથે કામ કરવાનું મળ્યું, ક્યાંક અંગત સંબંધો પણ બંધાયા! CEPT, SBSTમાં ડાયરેક્ટર તરીકે માનદ સેવાઓ આપી. ઇન્ડિયન કોન્ક્રીટ ઇન્સ્ટિટ્યૂટની ગુજરાતમાં સ્થાપના કરી, પહેલું નેશનલ કન્વેન્શન અમદાવાદમાં યોજ્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ :
નાની ઉંમરમાં આંખની તકલીફ થઈ. પિતાને મદદ કરવા દીકરો(ડૉ. અલય બેન્કર) રેટિના-સ્પેશિયાલિસ્ટ થયો! આંખની તકલીફ છતાં રોજ બે કલાક છાપુ વાંચે. સંગીત સાંભળે, જાતજાતનું સંગીત ડાઉનલોડ કરે! ઘરમાં થોડું ચાલે. બપોરે જમીને આરામ કરે. નાનપણમાં કસરત કરેલી, ક્રિકેટ રમતા, એટલે કસાયેલું શરીર. સાંજે બહાર આંટો મારે. મોડી-સાંજે ફેમિલી સાથે જમે, વાતો કરે, ટીવી ઉપર સમાચાર, ક્રિકેટ, ડિટેક્ટિવ-સીરીયલ, વગેરે જુએ. પુત્ર સાથે ફોનથી અમેરિકા વાત કરે! દિવસ આખો પ્રવૃત્તિમાં જાય.
શોખના વિષયો :
શાસ્ત્રીય-સંગીતનો શોખ, શીખેલા પણ ખરા. રસોઈના ટીવી પ્રોગ્રામ જોવા ગમે. પ્રવાસનો ઘણો શોખ. દર-વર્ષે ગાડી લઈને ફેમીલી સાથે નીકળી પડતા. ચારધામથી રામેશ્વર સુધી, આખો દેશ ફરેલા છે. દીકરો સ્ટેનફર્ડમાં ભણી અમેરિકા રહે છે. 10-12 વખત અમેરિકા ગયેલા છે, ત્યાં પણ ઘણું ફર્યા છે! પતંગ ચગાવવા ગમે. દરેક ઉતરાયણમાં 50-60 મિત્રો અગાસીમાં ભેગા થાય, સાથે જમે, પતંગ ચગાવે અને આનંદ કરે! કોલેજકાળમાં ક્રિકેટ રમતા…તેમની ટીમ ઇન્ટર-કોલેજ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થઈ હતી!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
આંખનો રેટીનાનો પ્રોબ્લેમ ઘણા વખતથી છે. 2008માં હાર્ટ-અટેક આવ્યો હતો. બંને પગના ઓપરેશન થઈ ગયા છે. બાકી તબિયત એકદમ સરસ છે!
યાદગાર પ્રસંગ:
2008નો ઉતરાણનો દિવસ હતો. પુત્રના મિત્રો સાથે તેઓ ધાબે પતંગ ચગાવતા હતા. થોડીવારે પેટમાં દુખાવા લાગ્યું. પત્ની પણ ડોક્ટર(રમીલાબહેન બેન્કર,૨૦૨૦માં દેવ થયાં). તેમને લાગ્યું કે કંઈક અજુગતું થઈ રહ્યું છે. તેમણે દીકરાને બોલાવ્યો. હાજર મિત્રોમાં એક હાર્ટ-સર્જન. શું થઈ રહ્યું છે તેનો તરત ખ્યાલમાં આવી ગયો. ફોન કરીને 108 બોલાવી અને હોસ્પીટલમાં સમયસર ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. 11:00 વાગે તેમણે પહેલી ફરિયાદ કરી અને 11:45 વાગે તો હોસ્પિટલમાં તેમના હૃદયમાં સ્ટેન્ટ લાગી ગયો હતો! આજે પંદર વર્ષે પણ હૃદયમાં બધું બરાબર છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવું-નવું કરવાનો અને શીખવાનો શોખ. નવી ટેકનોલોજી વિકસાવે અને અજમાવે! પુત્રવધૂ ડૉ. દીપા બેન્કર(બાળ-રોગ-નિષ્ણાત, VS Hospital) ના મતે: “દાદા નવી ટેકનોલોજીથી વ્યસ્ત અને મસ્ત રહે છે..Technology Keeps Him Young!”

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
આઝાદીની ચળવળનો જુસ્સો અત્યારના યુવાનોમાં ક્યાંથી હોય? પણ આજના યુવાનોમાં તરવરાટ તો છે! સાચા રસ્તે જાય તો ભારતનું ભાવિ ઉજ્વળ છે! ભારતની બોલબાલા ભારતના યુવાનોને લીધે જ છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?
પૌત્ર અહન અને તેના મિત્રોને દાદા સાથે બહુ ફાવે! દાદાને પણ નવી જનરેશન સાથે ગમે. દાદાની પ્રોફેશનલ-વારસદાર આર્કિટેક્ટ પૌત્રી આહનાનો ખાસ આગ્રહ હતો: “ગ્રેજ્યુએશન માટે પપ્પા-મમ્મીની સાથે દાદાએ અમેરિકા આવવું જ પડે!” આ કૌટુંબિક પ્રેમ વારસામાં મળ્યો છે: સુરેશભાઈના પિતા આઠે ભાઈબહેનોને સાથે બેસાડીને છાપાં-મેગેઝીન વાંચતા!

સંદેશો :
ભારતમાં મોટો પ્રોબ્લેમ ભ્રષ્ટાચાર છે. ટેકનોલોજીના ઉપયોગથી મોદીસાહેબ વચેટીયાઓને ખસેડીને સીધા આમજનતા સુધી પહોંચ્યા છે. આપણે તેમને સહકાર આપવો જોઈએ. ટેકનોલોજીને લીધે તકો વધી છે. અસમાનતા દૂર થશે ત્યારે ભ્રષ્ટાચાર દૂર થશે.
(તસવીરો: મહેન્દ્ર દલવાડી)
રાશિ ભવિષ્ય 21/06/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.
આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.
આજનો દિવસ સારો છે,તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.
દરિયાપુરમાં બાલ્કની તૂટતાં એકનું મોત, 10થી વધુ લોકોને ઇજા
અમદાવાદઃ શહેરમાં જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થાય છે. એ દરિયાપુરનું એકદમ નજીક આવેલા કડિયાનાકા વિસ્તારની એક જર્જરિત ઇમારતનો સ્લેબ તુટી પડ્યો હતો. રથયાત્રાની ભીડ અને માનવ મહેરામણથી ધમધમતા વિસ્તારમાં સ્લેબ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત અને 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
દરિયાપુરના કડિયાનાકા પાસે એક જર્જરિત ઇમારતની બાલ્કનીમાં રથયાત્રા આ લોકો ઊભા હતા, ત્યારે આ બાલ્કની તૂટવાની આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોમાં નાનાં બાળકો પણ હતાં. આ ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે તાત્કાલિક અસરથી શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. .રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે, આથી નીચે ભગવાન જગન્નાથનાં દર્શન કરવા ઊભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો, આથી પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ બાળક અને 10થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.
પોલીસે તમામ ઇજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જોકે રથયાત્રા વિના અવરોધે આગળ વધી રહી છે. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે.રથયાત્રા ચાલી રહી હતી એ દરમિયાન ટ્રકમાંથી લોકો પ્રસાદ આસપાસના લોકોમાં વહેંચી રહ્યા હતા. જોકે તેમને પણ પ્રસાદ આપવામાં આવ્યો હતો અને પ્રસાદ લેવા લોકો નીચે વળતાં બાલ્કની તૂટી પડી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.
‘પિંક વોટ્સએપ’ ડાઉનલોડ કરશો નહીં’: મુંબઈ પોલીસની નાગરિકોને ચેતવણી
મુંબઈઃ આજકાલ સાઈબર બદમાશો વોટ્સએપનું બેકગ્રાઉન્ડ ગુલાબી રંગનું (પિન્ક) કરવાના નામે એક લિન્ક મોકલે છે. એની લાલચમાં આવીને નાગરિકોએ તે લિન્કને ક્લિક કરવી નહીં, કારણ કે તેની મારફત સાઈબર લૂંટારાઓ લોકોનાં મોબાઈલ ફોન હેક કરે છે. આ કૌભાંડમાં ડેટા લીક ઉપરાંત બેન્કિંગ છેતરપિંડી પણ કરવામાં આવે છે. સાઈબર અપરાધીઓ દ્વારા મોકલવામાં આવતી આ લિન્ક મેલવેર છે. તેને એપીકે ફાઈલ મારફત મોકલવામાં આવે છે. જે મોબાઈલ ફોનમાં ગુપ્ત રીતે ઈન્સ્ટોલ થઈ જાય છે અને તે પછી સાઈબર ચોરટા એમની મરજી મુજબ મોબાઈલ ફોન અને વોટ્સએપને રીમોટલી એક્સેસ કરે છે. આજકાલ સોશિયલ મિડિયા પર ‘વોટ્સએપ પિન્ક અપડેટ’ નામે એક લિન્ક ખૂબ શેર થઈ રહી છે.
મુંબઈ પોલીસે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ મારફત નાગરિકોને આ કૌભાંડ વિશે ચેતવ્યા છે અને કહ્યું છે કે, ‘કોઈએ આની લિન્ક પર ક્લિક કરવું નહીં. સાઈબર ફ્રોડ દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે પિન્ક વોટ્સએપ લિન્ક ઓફિશિયલ અપડેટ છે, પરંતુ વાસ્તવમાં, હેકર્સ દ્વારા મોકલવામાં આવેલો તે એક મેલવેર છે. આને આ રીતે મોકલવામાં આવે છેઃ Officially Whatsapp Launched Pink Whatsapp With Extra New Features Must Try this. http://pinkapp.xyz/?whatsapp (નાગરિકોએ આની પર ક્લિક કરવું નહીં) કારણ કે તે પછી સાઈબર ચોરો મોબાઈલ ફોન ધારકના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેશે. આ મેલવેર જો એક વાર મોબાઈલ ફોનમાં આવી જશે તો એને દૂર કરવો મુશ્કેલ બની જાય છે. એને કોઈ જાણકાર જ હટાવી શકે છે.’
યોગ શિક્ષક સ્મિતાકુમારીએ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
અમદાવાદઃ છેલ્લાં ચાર વર્ષથી અદાણી ગ્રુપના આરોગ્ય વિભાગમાં કામ કરતી યોગ શિક્ષક સ્મિતાકુમારીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ત્રણ કલાક, 10 મિનિટ અને 12 સેકન્ડ માટે સમકોણાસન યોગની મુદ્રા સાથે અમદાવાદમાં ગિનીઝ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેની આ સિદ્ધ માટે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ ટીમ પાસેથી સર્ટિફિકેટ મેળવ્યું છે અને તેની સાથે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ સિદ્ધિથી ઉત્સાહિત થયેલી સ્મિતાએ કહ્યું હતું કે આ મારા માટે એક વિશેષ ક્ષણ છે. અમારા હેલ્થકેરના વડા ડોક્ટર પંકજકુમાર દોશીએ ચેરમેનને (ગૌતમ અદાણીને) આ વિશે જાણ કરી હતી, જેમને મને આ સર્ટિફિકેટ આપ્યું હતું. આ સાથે મને ગ્રુપના અન્ય મહાનુભાવો- મેનેજિંગ ડિરેક્ટર રાજેશ અદાણીને એગ્રો, ઓઇલ અને ગેસ) અને અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. (AEL)ના ડિરેક્ટરને પણ મળવાની તક મળી હતી. તેમની સાથે મને વિચારવિમર્શ કરવાની તક મળી હતી. એ દરમ્યાન યોગને કેરિયર બનાવવા વિશે પણ મેં તેમની સાથે ચર્ચા કરી હતી. આ રેકોર્ડ બનાવવા માટે મેં ઘણા પડકારોનો સામનો કર્યો હતો અને મેં નક્કી કરેલું લક્ષ્ય હાંસલ કર્યું હતું, એમ તેણે કહ્યું હતું.
મેં ગયા વર્ષે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરવાનો નિર્ણય કર્યો હતો અને એ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મને એ માટેની નોંધણીની પ્રક્રિયા અને પેપરવર્ક અને ફી માટે અદાણી સ્પોર્ટલાઇન ટીમે મને મદદ કરી હતી. અદાણીની સ્પોર્ટસલાઇન ટીમ સાથે ફિઝિયોથેરેપિસ્ટ અને ડાયેટિશિયને પણ મારી ઘણી મદદ કરી હતી. આ સાથે મને મારા સાથી મિત્રોએ પણ ઘણી મદદ કરી હતી, એમ તેણે કહ્યું હતું.
સ્મિતાએ AEL સાથે 2019માં વ્યાવસાયિક યોગ શિક્ષક તરીકે જોડાઈ હતી. આ મારા જીવન માટે અદભુત અનુભવ રહ્યો હતો. 29 વર્ષીય સ્મિતા પાસે યોગાનો બિલકુલ અનુભવ નહોતો અને તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં સુધી તે યોગમાં નિપુણ ના થઈ, ત્યાં સુધી તેણે કલાકો સુધી અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને છેવટે લક્ષ્યને હાંસલ કર્યું હતું.
આઇસી15 ઇન્ડેક્સ 303 પોઇન્ટ વધ્યો
મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારનો દિવસ વૃદ્ધિનો રહ્યો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15માં 303 પોઇન્ટનો વધારો થયો હતો, જેમાં સોલાના, બિટકોઇન, પોલીગોન અને અવાલાંશનો મોટો ફાળો હતો. ઘટેલા મુખ્ય કોઇન ટ્રોન, પોલકાડોટ, ચેઇનલિંક અને એક્સઆરપી હતા.
નોંધનીય છે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) સરહદ પારના પેમેન્ટ ઝડપથી થઈ શકે એ માટે વૈશ્વિક સ્તરનું સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) માધ્યમ ઉપલબ્ધ બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. દરમિયાન, યુનાઇટેડ કિંગડમની સંસદના ઉપલા ગૃહમાં એવો ખરડો પસાર થયો છે, જે ક્રીપ્ટોકરન્સીને નિયમન હેઠળ લાવવા માગે છે. આ ખરડો ટૂંક સમયમાં કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત કરી લેશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.82 ટકા (303 પોઇન્ટ) વધીને 37,179 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,876 ખૂલીને 37,511ની ઉપલી અને 36,785 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
હ્યુમન ટ્રાફિકિંગઃ નૌકા દુર્ઘટનામાં 800 લોકોમાંથી 500 લોકો લાપતા
મુઝફ્ફરાબાદઃ ગયા સપ્તાહે ગ્રીસના તટ પર ડૂબેલી એક નૌકામાં આશરે 800 લોકો સવાર હતા, જેમાંથી 500થી વધુ લોકો હજી પણ લાપતા છે. પાકિસ્તાનમાં પોલીસની પ્રારંભિક તપાસમાં આ મામલે 14 સંદિગ્ધોની ધરપકડ કરી છે અને પોલીસ અન્ય શકમંદોની તપાસ કરી રહી છે. પાકિસ્તાનની શાહબાઝ સરકારે ગઈ કાલે રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો હતો, એમ એક અહેવાલ કહે છે.
પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફની ઓફિસે એક નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાન સરકારે હ્યુમન નેટવર્ક આ ઘટનામાં સામેલ હોવાની શક્યતાને પગલે ઉચ્ચ સ્તરીય આદેશ આપ્યો હતો. પાકિસ્તાનની બધી સત્તાવાર ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ હતો.પોલીસે ધરપકડ કરેલા સંદિગ્ધોમાંથી એક જણે નૌકામાં ત્રણ લોકોને મોકલવાની વાત સ્વીકારી હતી. આ નૌકાની ક્ષમતા 300-350 લોકોની હતી, પરંતુ એમાં 800 લોકો સવાર હતા, પોલીસ અધિકારી રિયાઝ મુગલે જણાવ્યું હતું.
જોકે આ નૌકામાં પ્રત્યક્ષદર્શીઓ 400થી 750 લોકોની સંખ્યા જણાવી હતી અને ગ્રીક અધિકારીઓએ કહ્યું હતું કે 104 જીવિત લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને 78 મૃતદેહોને કિનારા પર લાવવામાં આવ્યા હતા. આ નૌકામાં સવાર એક જણે કહ્યું હતું કે લિબિયા, પાકિસ્તાન અને ગ્રીસમાં ફેલાયેલા હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કની પાછળ મુખ્ય સંદિગ્ધ લિબિયાનો રહેવાસી છે. આ નૌકામાં મૃતકોમાં કમસે કમ 21 લોકો પાકિસ્તાનના કોટલી જિલ્લાથી આવ્યા હતા, જ્યારે લોકો કેટલાંય વર્ષોથી યુરોપ ચાલી ગયા છે.
ઓલિમ્પિક્સઃ ભ્રષ્ટાચારના સંબંધમાં ‘પેરિસ-2024’ મુખ્યાલય ખાતે પોલીસના દરોડા
પેરિસઃ જાહેર નાણાંની ઉચાપત અને પક્ષપાતના આક્ષેપોને પગલે હાથ ધરવામાં આવેલી તપાસના ભાગરૂપે પેરિસ શહેરની પોલીસે ‘પેરિસ-2024’ ઓલિમ્પિક્સ આયોજન સમિતિના અત્રેના મુખ્યાલય તથા તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારોની ઓફિસો ખાતે દરોડા પાડ્યા છે. પોલીસ વિભાગે કહ્યું કે આ તપાસ છેક 2017ની સાલથી ચાલી રહી છે, જે ઓલિમ્પિક આયોજન સમિતિએ કરેલા કેટલાક કોન્ટ્રાક્ટ્સને લગતી છે.
ફ્રાન્સની ભ્રષ્ટાચાર-વિરોધી એજન્સીએ આપેલા ઓડિટ અહેવાલ બાદ પેરિસ-2024 ગેમ્સના આયોજનમાં ભ્રષ્ટાચાર થયાના વ્યાપક આરોપ મૂકવામાં આવ્યા છે. પેરિસ-2024 આયોજન સમિતિનું કહેવું છે કે તે તપાસનીશ પોલીસ અધિકારીઓને પૂરો સહકાર આપી રહી છે.
આવતા વર્ષનો ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાશે. ત્યારબાદ 28 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી આ જ શહેરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટેની પેરાલિમ્પિક ગેમ્સ યોજાશે. પેરિસ-2024નું કુલ બજેટ 88 અબજ યૂરો (9.62 અબજ યૂએસ ડોલર) છે.




