Home Blog Page 2768

યોગ શિક્ષક સ્મિતાકુમારીએ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અમદાવાદઃ છેલ્લાં ચાર વર્ષથી અદાણી ગ્રુપના આરોગ્ય વિભાગમાં કામ કરતી યોગ શિક્ષક સ્મિતાકુમારીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ત્રણ કલાક, 10 મિનિટ અને 12 સેકન્ડ માટે સમકોણાસન યોગની મુદ્રા સાથે અમદાવાદમાં ગિનીઝ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેની આ સિદ્ધ માટે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ ટીમ પાસેથી સર્ટિફિકેટ મેળવ્યું છે અને તેની સાથે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ સિદ્ધિથી ઉત્સાહિત થયેલી સ્મિતાએ કહ્યું હતું કે આ મારા માટે એક વિશેષ ક્ષણ છે. અમારા હેલ્થકેરના વડા ડોક્ટર પંકજકુમાર દોશીએ ચેરમેનને (ગૌતમ અદાણીને) આ વિશે જાણ કરી હતી, જેમને મને આ સર્ટિફિકેટ આપ્યું હતું. આ સાથે મને ગ્રુપના અન્ય મહાનુભાવો- મેનેજિંગ ડિરેક્ટર રાજેશ અદાણીને એગ્રો, ઓઇલ અને ગેસ) અને અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. (AEL)ના ડિરેક્ટરને પણ મળવાની તક મળી હતી. તેમની સાથે મને વિચારવિમર્શ કરવાની તક મળી હતી. એ દરમ્યાન યોગને કેરિયર બનાવવા વિશે પણ મેં તેમની સાથે ચર્ચા કરી હતી. આ રેકોર્ડ બનાવવા માટે મેં ઘણા પડકારોનો સામનો કર્યો હતો અને મેં નક્કી કરેલું લક્ષ્ય હાંસલ કર્યું હતું, એમ તેણે કહ્યું હતું.

મેં ગયા વર્ષે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરવાનો નિર્ણય કર્યો હતો અને એ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મને એ માટેની નોંધણીની પ્રક્રિયા અને પેપરવર્ક અને ફી માટે અદાણી સ્પોર્ટલાઇન ટીમે મને મદદ કરી હતી. અદાણીની સ્પોર્ટસલાઇન ટીમ સાથે ફિઝિયોથેરેપિસ્ટ અને ડાયેટિશિયને પણ મારી ઘણી મદદ કરી હતી. આ સાથે મને મારા સાથી મિત્રોએ પણ ઘણી મદદ કરી હતી, એમ તેણે કહ્યું હતું.

સ્મિતાએ AEL સાથે 2019માં વ્યાવસાયિક યોગ શિક્ષક તરીકે જોડાઈ હતી. આ મારા જીવન માટે અદભુત અનુભવ રહ્યો હતો. 29 વર્ષીય સ્મિતા પાસે યોગાનો બિલકુલ અનુભવ નહોતો અને તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં સુધી તે યોગમાં નિપુણ ના થઈ, ત્યાં સુધી તેણે કલાકો સુધી અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને છેવટે લક્ષ્યને હાંસલ કર્યું હતું.

 

 

 

આઇસી15 ઇન્ડેક્સ 303 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારનો દિવસ વૃદ્ધિનો રહ્યો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15માં 303 પોઇન્ટનો વધારો થયો હતો, જેમાં સોલાના, બિટકોઇન, પોલીગોન અને અવાલાંશનો મોટો ફાળો હતો. ઘટેલા મુખ્ય કોઇન ટ્રોન, પોલકાડોટ, ચેઇનલિંક અને એક્સઆરપી હતા.

નોંધનીય છે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) સરહદ પારના પેમેન્ટ ઝડપથી થઈ શકે એ માટે વૈશ્વિક સ્તરનું સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) માધ્યમ ઉપલબ્ધ બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. દરમિયાન, યુનાઇટેડ કિંગડમની સંસદના ઉપલા ગૃહમાં એવો ખરડો પસાર થયો છે, જે ક્રીપ્ટોકરન્સીને નિયમન હેઠળ લાવવા માગે છે. આ ખરડો ટૂંક સમયમાં કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત કરી લેશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.82 ટકા (303 પોઇન્ટ) વધીને 37,179 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,876 ખૂલીને 37,511ની ઉપલી અને 36,785 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

હ્યુમન ટ્રાફિકિંગઃ નૌકા દુર્ઘટનામાં 800 લોકોમાંથી 500 લોકો લાપતા

મુઝફ્ફરાબાદઃ ગયા સપ્તાહે ગ્રીસના તટ પર ડૂબેલી એક નૌકામાં આશરે 800 લોકો સવાર હતા, જેમાંથી 500થી વધુ લોકો હજી પણ લાપતા છે. પાકિસ્તાનમાં પોલીસની પ્રારંભિક તપાસમાં આ મામલે 14 સંદિગ્ધોની ધરપકડ કરી છે અને પોલીસ અન્ય શકમંદોની તપાસ કરી રહી છે. પાકિસ્તાનની શાહબાઝ સરકારે ગઈ કાલે રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો હતો, એમ એક અહેવાલ કહે છે.

પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફની ઓફિસે એક નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાન સરકારે હ્યુમન નેટવર્ક આ ઘટનામાં સામેલ હોવાની શક્યતાને પગલે ઉચ્ચ સ્તરીય આદેશ આપ્યો હતો.  પાકિસ્તાનની બધી સત્તાવાર ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ હતો.પોલીસે ધરપકડ કરેલા સંદિગ્ધોમાંથી એક જણે નૌકામાં ત્રણ લોકોને મોકલવાની વાત સ્વીકારી હતી. આ નૌકાની ક્ષમતા 300-350 લોકોની હતી, પરંતુ એમાં 800 લોકો સવાર હતા, પોલીસ અધિકારી રિયાઝ મુગલે જણાવ્યું હતું.

જોકે આ નૌકામાં પ્રત્યક્ષદર્શીઓ 400થી 750 લોકોની સંખ્યા જણાવી હતી અને ગ્રીક અધિકારીઓએ કહ્યું હતું કે 104 જીવિત લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને 78 મૃતદેહોને કિનારા પર લાવવામાં આવ્યા હતા.  આ નૌકામાં સવાર એક જણે કહ્યું હતું કે લિબિયા, પાકિસ્તાન અને ગ્રીસમાં ફેલાયેલા હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કની પાછળ મુખ્ય સંદિગ્ધ લિબિયાનો રહેવાસી છે. આ નૌકામાં મૃતકોમાં કમસે કમ 21 લોકો પાકિસ્તાનના કોટલી જિલ્લાથી આવ્યા હતા, જ્યારે લોકો કેટલાંય વર્ષોથી યુરોપ ચાલી ગયા છે.

 

 

ઓલિમ્પિક્સઃ ભ્રષ્ટાચારના સંબંધમાં ‘પેરિસ-2024’ મુખ્યાલય ખાતે પોલીસના દરોડા

પેરિસઃ જાહેર નાણાંની ઉચાપત અને પક્ષપાતના આક્ષેપોને પગલે હાથ ધરવામાં આવેલી તપાસના ભાગરૂપે પેરિસ શહેરની પોલીસે ‘પેરિસ-2024’ ઓલિમ્પિક્સ આયોજન સમિતિના અત્રેના મુખ્યાલય તથા તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારોની ઓફિસો ખાતે દરોડા પાડ્યા છે. પોલીસ વિભાગે કહ્યું કે આ તપાસ છેક 2017ની સાલથી ચાલી રહી છે, જે ઓલિમ્પિક આયોજન સમિતિએ કરેલા કેટલાક કોન્ટ્રાક્ટ્સને લગતી છે.

ફ્રાન્સની ભ્રષ્ટાચાર-વિરોધી એજન્સીએ આપેલા ઓડિટ અહેવાલ બાદ પેરિસ-2024 ગેમ્સના આયોજનમાં ભ્રષ્ટાચાર થયાના વ્યાપક આરોપ મૂકવામાં આવ્યા છે. પેરિસ-2024 આયોજન સમિતિનું કહેવું છે કે તે તપાસનીશ પોલીસ અધિકારીઓને પૂરો સહકાર આપી રહી છે.

આવતા વર્ષનો ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાશે. ત્યારબાદ 28 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી આ જ શહેરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટેની પેરાલિમ્પિક ગેમ્સ યોજાશે. પેરિસ-2024નું કુલ બજેટ 88 અબજ યૂરો (9.62 અબજ યૂએસ ડોલર) છે.

ભારતીય સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે મૂડીરોકાણ 44 ટકા ઘટ્યું

નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર્ટઅપ હલમાં નવા મૂડીરોકાણની તંગી સામે ઝઝૂમી રહ્યું છે. નવું મૂડીરોકાણ નથી આવી રહ્યું, જ્યારે હાલના રોકાણકાર પણ વેલ્યુએશનથી સમજૂતી કરીને મૂડીરોકાણ કરવાના વાયદા કરી રહ્યા છે. દેશમાં પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડના મૂડીરોકાણમાં ઘટાડોનો સિલસિલો મેમાં પણ જારી રહ્યો હતો. કુલ મળીને મૂડીરોકાણનું મૂલ્ય ઘટીને આશરે 44 ટકા ઘટીને 3.5 અબજ ડોલર રહ્યું છે, એમ એક તાજો અહેવાલ કહે છે.ઉદ્યોગ માટે જનસંપર્કનું કામકરતી IVCA અને પરામર્શ કંપની EYએ કહ્યું હતું કે પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડનું મૂડીરોકાણ ગયા વર્ષના મેમાં 6.2 અબજ ડોલર તથા એપ્રિલ,2023માં 7.4 અબજ ડોલર હતું. એ દરમ્યાન પ્રાઇવેટ ઇક્વિટીમાં 44 ટકાનો અને વેન્ચર કેપિટલમાં 52 ટકાનો ઘટાડો આવ્યો હતો. ટેક્નિકલ ક્ષેત્રથી જોડાયેલા સૂચકાંકો અને કેટલીક મોટી વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓમાં રિસ્ટ્રક્ચરિંગ જોયા છતાં આ ક્ષેત્રમાં મૂડીરોકાણને લઈને દેશમાં ધારણા નબળી રહી છે, એમ EYના ભાગીદાર વિવેક સોનીએ કહ્યું હતું.

ભારતીય સ્ટાર્ટઅપ નાણાં એકત્ર કરવાને મામલે સુસ્ત રહ્યાં છે. તેમણે કહ્યુ હતું કે માત્ર આરોગ્ય અને નાણાકીય સેવાઓમાં કેટલુંક મૂડીરોકાણ જોવા મળ્યું. જોકે મધ્યમ સમયગાળામાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે મૂડીરોકાણ પ્રોત્સાહક બનવાની અપેક્ષા છે અને આ વર્ષે કુલ ગયા વર્ષે મૂડીરોકાણ ગયા વર્ષની તુલનાએ વધુ આવવાની સંભાવના છે.

સ્ટાર્ટઅપ માટે રિયલ એસ્ટેટ પસંદગીનું ક્ષેત્ર છે. આ ક્ષેત્રે કુલ સોદાની સંખ્યા 71 રહી છે, જે ગયા વર્ષની તુલનાએ 42 ટકા ઓછી છે. આ ક્ષેત્રે સાત સોદા દ્વારા 1.2 અબજ ડોલરનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું.

 

 

 

 

પોતાને શિક્ષણ આપનાર સંસ્થા ‘IIT મુંબઈ’ને નંદન નીલેકણીએ રૂ. 315 કરોડનું દાન આપ્યું

મુંબઈઃ દેશની દિગ્ગજ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ઈન્ફોસીસના સહ-સંસ્થાપક અને નોન-એક્ઝિક્યૂટિવ ચેરમેન નંદન નીલેકણીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-મુંબઈ (આઈઆઈટી-મુંબઈ) સંસ્થાને રૂ. 315 કરોડનું દાન આપ્યું છે. તેઓ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. નીલેકણી રાષ્ટ્રીય ઓળખપત્ર અથવા યૂનિક આઈડેન્ટિટી કાર્ડ (આધાર કાર્ડ) યોજનાના સંસ્થાપક ચેરમેન છે.

નીલેકણીએ અગાઉ પણ આઈઆઈટી-મુંબઈ સંસ્થાને રૂ. 85 કરોડનું દાન આપ્યું હતું. દાનની નવી રકમથી આ સંસ્થાને જાગતિક સ્તરે પાયાભૂત સુવિધા તૈયાર કરવામાં મદદ મળશે. તે ઉપરાંત, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં નવા સંશોધન અને સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં પ્રોત્સાહન પણ મળશે.

આઈઆઈટી-મુંબઈને નીલેકણીએ આપેલું દાન સૌથી મોટી રકમનું છે. એમણે 1973માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી માટે આઈઆઈટી-મુંબઈમાં પ્રવેશ મેળવ્યો હતો. નીલેકણીએ કહ્યું છે, આ સંસ્થાનું મારા જીવનમાં અસાધારણ મહત્ત્વ છે. આ સંસ્થાએ મને ઘણું જ આપ્યું છે. મારી જિંદગીના શરૂઆતના તબક્કામાં મારી કારકિર્દીને આકાર આ સંસ્થાએ આપ્યો હતો. આ સંસ્થા સાથેના મારા સંબંધે આજે 50મા વર્ષમાં પદાર્પણ કર્યું છે. તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મેં આ દાન આપ્યું છે.

‘વસુધૈવ કુટુંબકમ્’, G-20ની થીમ સાથેની ટ્રક આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ 146મી રથયાત્રામાં જુદી-જુદી થીમ,  વેશભૂષા, મંદિરો,  કંપનીઓની  જાહેરાતો, પ્રસાદના અને અમદાવાદને નશામુક્ત બનાવવાના મેસેજ સાથેના ટ્રકો જોવા મળ્યા હતા, પરંતુ આ બધીય ટ્રકોમાં પાલડીના એક ડેકરેટર્સની ટ્રક આકર્ષણનું કેન્દ્ર હતી. જેમાં G-20ની થીમ ટ્રક પર તૈયાર કરવામાં આવી હતી. હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

આ સાથે દુનિયા એક પરિવાર છે. એ સંદેશો ‘વસુધૈવ કુટુંબકમ્’ ના નારા સાથે જગતને જોડવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદ શહેરની રથયાત્રાનું જીવંત પ્રસારણ થતું હોય છે. હાલ દેશમાં G-20 એક ચર્ચાનો વિષય છે. ત્યારે રથયાત્રાની એક ટ્રકમાં ભારત, રશિયા, અમેરિકા, જાપાન, ઈન્ડોનેશિયા, ઇટાલી, ઓસ્ટ્રેલિયા,  કેનેડા, ફ્રાન્સ અને યુકે જેવા દેશોના વડા પ્રધાનો સાથે નરેન્દ્ર મોદીનો મૈત્રી ભાવ દર્શાવતા કટ આઉટ અને વિવિધ દેશોના ફ્લેગ તૈયાર કરી મૂકવામાં આવ્યા હતા.

આ ધાર્મિક રથયાત્રામાં દેશોને જોડવાનો વિચાર અને વસુધૈવ કુટુંબકમની પ્રસ્તુતિ દર્શાવતી પાલડીની ટ્રક તમામ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

અમદાવાદની 146મી રથયાત્રાની તસવીરી ઝલક…

 અષાઢી બીજે ભગવાન જગન્નાથજી નગરજનોને દર્શન આવા માટે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નવા રથમાં વિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદની રથયાત્રા રંગેચંગે સંપન્ન થાય એ માટે સુરક્ષા સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે પ્રથમ વખત એન્ટિ ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. હિટ ટીમ અને 3ડી મેપિંગ ટેક્નોલોજીથી પ્રથમ વખત સમગ્ર રૂટનો 3ડી મેપ તૈયાર કર્યો છે.

આ પ્રકારનું 3D મેપિંગ, AI ઇમેજિંગ અને 360 ડિગ્રી મોનિટરિંગ સિસ્ટમનો સમન્વય કે જ GPS સક્ષમ સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમની મદદથી અમદાવાદ પોલીસ રથયાત્રાના રૂટ પર પળેપળની સ્થિતિ પર બાજ નજર રાખી રહી છે.  સવારથી શરૂ થયેલી રથયાત્રા કોટ વિસ્તારમાં થઈને સાંજે નિજમંદિરે પરત ફરશે.

જમાલપુર નિજ મંદિરથી પ્રસ્થાન થયેલા ભગવાનના ત્રણેય રથ બપોર સુધીમાં મોસાળ સરસપુરમાં પહોંચે છે. જ્યાં ઢોલ-નગારા અને માનવમેદની વચ્ચે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યા બાદ મામેરું ભરવામાં આવે છે. ભગવાનનાં દર્શન કરવા માટે શહેરમાં માનવ મહેરામણ ઊભરાય છે.

જગન્નાથજીના મંદિરેથી નીકળેલી રથયાત્રા પરંપરાગત માર્ગ પર- શહેરના જમાલપુર, ખમાસા, દાણાપીઠ અને મહાનગરપાલિકાની કચેરીથી આગળ વધી રહેલી રથયાત્રા મોસાળ સરસપુર જઈ ભોજન અને વિરામ લે છે.

ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજી નવા રથમાં બિરાજમાન હતા. રથયાત્રાના રૂટ પરના તમામ માર્ગો પર ભાવિક ભક્તો ભગવાનનાં દર્શનની એક ઝલક મેળવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ રથયાત્રામાં અખાડા દ્વારા વિવિધ કરતબો કરવામાં આવી રહ્યા છે. 

બીજી તરફ બાગેશ્વરની ઝાંખીએ પણ આકર્ષણ જમાવ્યું, જેનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વખતે પણ જુદા-જુદા થીમ સાથે શણગારેલી ટ્રકો એ રથયાત્રામાં ભાગ લીધો હતો. લાકડી દાવ, બોડી બિલ્ડિંગ અને જોખમી કરતબ કરતાં અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભગવાનની રથયાત્રા હોય એટલે ઉત્સાહી અને ભાવિક ભક્તોની  ભજન મંડળીઓ તો હોય જ.

આ વખતે રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ જોડાઈ છે અને રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ આપવામાં આવશે.

રથયાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં જગન્નાથજીની નાની પ્રતિકૃતિ, રંગબેરંગી પહેરવેશ, શરીર પર ચિત્રો,  ટેટુ લખાણ સાથે ભજન મંડળીઓએ વાતાવરણને ભક્તિમય કરી દીધું હતું. જે વિસ્તારમાંથી જગન્નાથજીની રથયાત્રા પસાર થઈ ત્યાં સ્થાનિક આગેવાનો, સામાજિક સંગઠનો અને ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.

ગૃહપ્રધાન અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લીધો હતો. રાજ્યના મુખ્યમંત્રીને મળે છે. રથયાત્રાના પ્રારંભે CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી છે. તેમની સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

અમેરિકામાં અનેક નામાંકિત હસ્તીઓ સાથે મોદીજીની મુલાકાત નિર્ધારિત છે

ન્યૂયોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખના આમંત્રણનો સ્વીકાર કરીને પહેલી જ વાર આ દેશની સત્તાવાર મુલાકાત લઈ રહ્યા છે. તેઓ આજે નવી દિલ્હીથી રવાના થઈ ચૂક્યા  છે અને 24 જૂન સુધી ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસીમાં રહેશે. પહેલાં તેઓ ન્યૂયોર્કમાં રહેશે. ત્યાં તેઓ લગભગ 24 મહારથીઓને મળવાના છે. એમાં નોબેલ ઈનામ વિજેતાઓ, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વિજ્ઞાનીઓ, ઉદ્યોગસાહસીઓ, વિદ્વાનો, શિક્ષણશાસ્ત્રીઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો તથા બીજા ઘણાનો સમાવેશ થાય છે.

પીએમ મોદી ટેસ્લા કંપનીના સહ-સ્થાપક ઈલોન મસ્ક, ખગોળભૌતિકશાસ્ત્રી નીલ ડીગ્રાસ ટાયસન, ગ્રેમી એવોર્ડવિજેતા ભારતીય-અમેરિકન ગાયિકા ફાલુ (ફાલ્ગુની શાહ), પૌલ રોમર, નિકોલસ નસીમ તલેબ, રે ડેલિઓ, જેફ સ્મિથ, માઈકલ ફ્રોમેન ડેનિયલ રસેલ, એલ્બ્રિજ કોલ્બી, ડો. પીટર એગર, ડો. સ્ટીફન ક્લાસ્કો, ચંદ્રિકા ટંડન જેવા દિગ્ગજ વ્યક્તિઓને મળવાના છે. મોદીએ અમેરિકા માટે રવાના થતા પૂર્વે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એમના આ પ્રવાસનો ઉદ્દેશ્ય વ્યાપાર-ઉદ્યોગ, વાણિજ્ય, ઈનોવેશન, ટેક્નોલોજી તથા આવા અન્ય ક્ષેત્રોમાં ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને વધારે મજબૂત બનાવવાનો છે.

આવતીકાલે 21 જૂને, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોઈ, પીએમ મોદી ન્યૂયોર્કમાં યૂએન મુખ્યાલયમાં યોગ દિવસના ઉજવણી કાર્યક્રમની આગેવાની લેશે. તે કાર્યક્રમમાં અનેક દેશોના પ્રતિનિધિઓ, રાજદૂતો, અધિકારીઓ, સિલિકોન વેલીના ટેક્નોલોજી મહારથીઓ પણ એમની સાથે જોડાશે.

અમેરિકન પ્રમુખ જો બાઈડન અને એમના પત્ની ફર્સ્ટ લેડી જિલ બાઈડને એમના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ ખાતે પીએમ મોદીના માનમાં ખાસ ભોજન સમારંભનું આયોજન કર્યું છે. અમેરિકાની મુલાકાત બાદ 24-25 જૂન મોદી ઈજિપ્ત જશે. કોઈ ભારતીય વડા પ્રધાન ઈજિપ્તના સત્તાવાર પ્રવાસે આવે એવો 1995 બાદ આ પહેલો જ પ્રસંગ બનશે.

‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મૂકોઃ સિનેમાક્ષેત્રના કાર્યકરોની પીએમ મોદીને અપીલ

મુંબઈઃ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે થિયેટરોમાં ‘આદિપુરુષ’ ફિલ્મના પ્રદર્શન પર તેઓ તત્કાળ પ્રતિબંધ મૂકાવે અને આ ફિલ્મને ભવિષ્યમાં ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર પણ રજૂ કરવા પર પ્રતિબંધ મૂકી દે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે, આ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત, સંવાદલેખક મનોજ મુંતશિર શુક્લા અને નિર્માતાઓ વિરુદ્ધ પોલીસમાં એફઆઈઆર ફરિયાદ નોંધાવી જોઈએ. ‘આદિપુરુષ’ ફિલ્મની પટકથા અને સંવાદો ભગવાન રામ અને ભગવાન હનુમાનની પ્રતિષ્ઠાને લાંછન લગાડનાર છે. આ ફિલ્મે હિન્દુ અને સનાતન ધર્મનાં લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે. પ્રભુ શ્રી રામ ભારતમાં પ્રત્યેક જણ માટે ભગવાન છે, પછી એ વ્યક્તિ ભલે કોઈ પણ ધર્મની હોય. આ ફિલ્મમાં ભગવાન રામ અને રાવણના પાત્રોને કોઈ વિડિયો ગેમના પાત્રો જેવા દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના ડાયલોગ્સ ભારતમાં તેમજ દુનિયાભરમાં વસતા પ્રત્યેક ભારતીયની લાગણીને ઠેસ પહોંચાડનારા છે. ભારતીય સિનેમાના ઈતિહાસની આ સૌથી શરમજનક ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાને કામ કરવું જોઈતું નહોતું. ‘આદિપુરુષ’ ફિલ્મ શ્રી રામ અને રામાયણ ગ્રંથમાં રહેલી આપણી શ્રદ્ધા પર એક ઘોર આપત્તિ સમાન છે.