Home Blog Page 2771

આઇસી15 ઇન્ડેક્સ 79 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે વોલેટિલિટી વચ્ચે બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 79 પોઇન્ટ ઘટ્યો હતો. એના ઘટક કોઇનમાંથી શિબા ઇનુ અને એક્સઆરપી સિવાયના તમામ કોઇન ઘટ્યા હતા. કાર્ડાનો, ચેઇનલિંક અને પોલકાડોટ 1થી 4 ટકાની રેન્જમાં ઘટ્યા હતા.

દરમિયાન, બેન્ક ઓફ ફ્રાન્સના ગવર્નરે કહ્યું છે કે ક્રીપ્ટોકરન્સી ક્ષેત્રની મોટી કંપનીઓના નિયમન માટે આંતરરાષ્ટ્રીય સહકાર આવશ્યક છે. બીજી બાજુ, યુક્રેનના નિયમનકારો 2024થી વ્યક્તિઓ અને બિઝનેસોને ક્રીપ્ટોકરન્સીમાં થનારા નફા પર 18 ટકા લેખે કરવેરો લેવાનું વિચારી રહ્યા છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.21 ટકા (79 પોઇન્ટ) ઘટીને 36,876 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,955 ખૂલીને 37,121ની ઉપલી અને 36,746 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

મોબાઇલની લતે 13 વર્ષની કિશોરી માતાપિતાની હત્યાનું કાવતરું રચ્યું?

અમદાવાદઃ બાળકોને મોબાઇલની લત એક સમસ્યા બની ગઈ છે, જેનાથી કેટલાંય માતાપિતા પરેશાન છે. બાળકો એટલા બધા મોબાઇલમય થઈ જાય છે કે તેમને માતાપિતાએ લડવા પડે છે, પણ મોબાઇલને કારણે માતાપિતાની ફટકારને કારણે કોઈ બાળક માતાપિતાની હત્યાનું કાવતરું રચી શકે?

શહેરમાં મોબાઇલની લતનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પશ્વિમ વિસ્તારમાં રહેતા એક દંપતીએ પુત્રીનો મોબાઇલ આંચકી લેતાં પુત્રીએ માતાપિતાને મારવાનો અને નુક્સાન પહોંચાડવાનો પ્લાન બનાવ્યો હતો. દીકરીના આ વર્તન સામે દંપતીએ પોલીસની મદદ લીધી છે.

પશ્ચિમ અમદાવાદમાં રહેતી 45 વર્ષીય કાજલ પરમારે (નામ બદલ્યું છે)એ એક દિવસ ખાંડમાં કંઈક અજુગતું જોયું. ખાંડની ગંધ આવીને તેણે તેને ફેંકી દીધી. આવું એક-બે વાર નહીં, પણ ઘણી વાર બન્યું. જ્યારે તેણે આ બાબતે સતર્કતા રાખવાની શરૂ કરી તો તે ચોંકી ગઈ તેને જાણવા મળ્યું કે તેમની 13 વર્ષની પુત્રી ખાંડમાં બાથરૂમ ક્લીનર અને ફિનાઈલ જેવા પદાર્થો ઉમેરી રહી છે. માત્ર 13 વર્ષની દીકરીનું આ વર્તન તેમના માટે ખૂબ જ આઘાતજનક હતું. કાઉન્સેલિંગ બાદ માલૂમ પડ્યું હતું કે પુત્રી પાસેથી મોબાઇલ લઈ લીધો હોવાથી તે તેમની હત્યા કરવા માગતી હતી. તેને મોબાઇલની લત લાગી ગઈ હતી.

અભયમ 181 મહિલા હેલ્પલાઇને આ બાબતે વધારે ચકાસણી કરી તો મોટા ખુલાસા થયા. થોડા દિવસ પહેલાં જ માતાએ તેની પુત્રી પાસેથી ફોન આંચકી લીધો ત્યારે તે હિંસક બની ગઈ હતી. બૂમો પાડવા લાગી હતી. આ દરમિયાન માતાએ તેને માર માર્યો અને ભવિષ્યમાં ક્યારેય મોબાઇલ ન આપવાની ચેતવણી આપી હતી. માતા-પિતાએ કાઉન્સેલરને જણાવ્યું હતું કે છોકરી લગભગ આખી રાત ફોન પર, મિત્રો સાથે ઓનઇઈન ચેટ કરવામાં અથવા સોશિયલ મિડિયા પર રીલ અથવા પોસ્ટ જોવામાં વિતાવતી હતી. જેના કારણે તે અભ્યાસથી દૂર થઈ ગઈ હતી. તે કોઈની સાથે વાત કરતી ન હતી. તે આખો સમય મોબાઈલ પર જ પસાર કરતી હતી.

 

 

 

વિશ્વની શ્રેષ્ઠ નવલિકાઓના પઠનનો નોખો કાર્યક્રમ શનિવારે સાંજે કાંદિવલીમાં

મુંબઈઃ સાહિત્ય, કળા, સંગીત, સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત કાંદિવલીની સંસ્થા ‘સંવિત્તિ’ દ્વારા તા. ૨૪ જૂનના શનિવારની સાંજે વાર્તાપઠનના એક નોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘નવી શૈલીની નવલિકાઓ’ શ્રેણી હેઠળ વિશ્વની શ્રેષ્ઠ નવલિકાઓના ગુજરાતી અનુવાદનું પઠન થશે. આ કાર્યક્રમનું સંકલન અને ભૂમિકા કવિ વિવેચક મૂકેશ વૈદ્ય દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમ હેઠળ જે વાર્તા, લેખક અને અનુવાદકને સમાવી લેવાશે તે નીચે મુજબ છે.

1) કૂતરી – કોલેત -ગુલામ મોહમ્મદ શેખ, જેનું પઠન: ડૉ. પ્રિતી જરીવાલા કરશે.

2) ગામડાનો દાક્તર – ફ્રાન્ઝ કાફ્કા – પ્રબોધ ચોક્સી, જેનું પઠન ડૉ. કવિત પંડ્યા કરશે.

3) સાત પૈસા – ઝિગમોન્ડ મોરિત્સ – સુરેશ જોષી, જેનું પઠન વૈશાલી ત્રિવેદી કરશે

કાર્યક્રમનો દિવસ: શનિવાર, તા.૨૪/૦૬/૨૩,

સાંજે ૫.૩૦ થી ૭.૩૦. દરમિયાન.

સ્થળ: કે.ઈ.એસ. ઈન્ટરનેશનલ સ્કૂલ, ગ્રાઉન્ડ ફલોર, ઈરાની વાડી-નંબર-૪, એશિયન બેકરીની સામેની ગલીના બીજા છેડે, કાંદિવલી-વેસ્ટ.

આ કાર્યક્રમ નિ:શુલ્ક છે, સંસ્થા તરફથી રસિકજનોને આમંત્રણ છે.

નિયમ બદલીને JDU સાંસદના પુત્રને રૂ. 1600 કરોડનો કોન્ટ્રેક્ટ

પટનાઃ બિહારમાં રૂ. 1600 કરોડના એમ્બ્યુલન્સના કોન્ટ્રેક્ટના મામલે હવે વિવાદ વધી રહ્યો છે. આરોપ છે કે નિયમ બદલીને JD (U) સાંસદના પુત્રને કોન્ટ્રેક્ટ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. એ કોન્ટ્રેક્ટની પ્રક્રિયા એ વખતે શરૂ કરવામાં આવી હતી, જ્યારે બિહારમાં JD (U)-BJP ગઠબંધનની સરકાર હતી અને મુખ્ય પ્રધાન નીતીશકુમાર હતા. એ સમયે RJD વિધાનસભ્યોએ આ મામલે વાંધો ઉઠાવ્યો હતો. એ સાથે તેમણે તપાસની માગ કરી હતી, પણ એ પછી JD (U)-BJP ગઠબંધન તૂટ્યું અને બિહારની સત્તામાં RJDના સહયોગીથી મહગઠબંધનની સરકાર બની, ત્યાર બાદ એ પૂરો મામલો ઠંડો પડી ગયો હતો.

રાજ્યમાં RJD-JD(U) રાજ્ય સરકારે બિહારમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં કે તરત જ રાજ્યભરમાં ઇમર્જન્સી એમ્યુલન્સ ચલાવવાનો કોન્ટ્રેક્ટ JD (U)ના એક સાંસદના સંબંધીની સગાંવહાલાંની કંપનીને મળી ગયો છે. અમે એમાં વધુ એક કડી ઉમેરાઈ છે. એને ત્રણ વર્ષો માટે વધારવામાં આવે એવી શકયતા છે. જોકે આ મામલો પટના હાઇકોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટે ઓક્સિજન, દવા અને દસ્તાવેજ લીકને લઈને આકરી ટિપ્પણી કરી હતી, તેમ છતાં સરકારે કોર્ટની ટિપ્પણી બાબતે આંખ આડા કાન કર્યા હતા.

શું છે મામલો

31 મેએ 102 ઇમર્જન્સી સર્વિસના ભાગરૂપે 2125 એમ્બ્યુલન્સ ચલાવવા માટે રૂ. 1600 કરોડનો કોન્ટ્રેક્ટ પટનાસ્થિત પશુપતિનાથ ડિસ્ટ્રિબ્યુટર્સ પ્રા. લિ. (PDPL)ને આપવામાં આવ્યો હતો. PDPLને જહાનાબાદના સાંસદ ચંદ્રેશ્વરપ્રસાદનાં સગાવહાલાં દ્વારા ચલાવવામાં આવે છે. આ એમ્બ્યુલન્સ દ્વારા ગંભીર દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ અને બાળકોને નજીકની સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે.

નિયમોમાં ફેરફાર

આ કોન્ટ્રેક્ટ આપવા માટે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પહેલા નિયમ હતો કે ટેન્ડર ભરનારને 750 એમ્બ્યુલન્સના સંચાલન અને વહીવટો અનુભવ હોવો જોઈએ, પણ PDPLએ સ્વતંત્રપણે બિહારમાં એમ્બ્યુલન્સ સેવા નહોતી ચલાવી. જેથી ભાજપે નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે.

 

 

 

RTE અંતર્ગત ખાલી જગ્યા ધરાવતી શાળાઓની કરાશે પુનઃ પસંદગી

RTE(રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ) 2009 અંતર્ગત જે વિદ્યાર્થિઓએ અરજી કરી હોય તેમણે જો શાળાની પુનઃપસંદગી કરવી હોય તો તે 21 જૂન સુધી કરી શકે છે. જેની માટે તેમણે આરટીઇના વેબપોર્ટલ પર જઇને પસંદગી કરવાની રહેશે.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના જણાવ્યા પ્રમાણે RTE અંતર્ગત  પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડના અંતે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓ 21 જૂન બુધવાર સુધીમાં RTEના વેબપોર્ટલ https://rte.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે  આ માટે શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીનાં ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. જો શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકાય છે.

નોંધનીય છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાય તે હેતુથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ સમગ્ર રાજ્યમાં અંગ્રેજી માધ્યમની ૧૩,૦૮૬, ગુજરાતી માધ્યમની ૧૫,૪૦૪, હિન્દી માધ્યમની ૨૮૨૮, અન્ય માધ્યમની ૨૯૧ સહિત કુલ ૩૧,૬૦૯ જેટલી જગ્યાઓ ખાલી છે. માટે જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલી છે અને તેમને RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તે વિદ્યાર્થીઓને આર.ટી.ઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 4 મે  અને બીજો રાઉન્ડ 25 મે જાહેર કરવામાં આવ્યો હતો. બન્ને રાઉન્ડના અંતે એકંદરે ૫૯,૮૬૯ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. ફાળવવામાં આવેલ પ્રવેશ પૈકી ૫૧,૫૨૦ જેટલા બાળકોએ પ્રવેશ ફાળવાયેલ શાળાઓમાં જઈ પ્રવેશ સુનિશ્ચિત કરાવ્યો છે.

હવે થયો ગભરાટઃ મનોજ મુંતશીરે પોલીસ સુરક્ષા માગી, પોલીસે આપી

મુંબઈઃ હાલમાં જ રિલીઝ થયેલી હિન્દી, તેલુગુ ફિલ્મ ‘આદિપુરુષ’ તેના વાંધાજનક સંવાદો અને દિગ્દર્શનની અનેક પ્રકારની ખામીઓને કારણે મોટા વિવાદમાં સપડાઈ ગઈ છે. સંવાદલેખક મનોજ મુંતશિર શુક્લાની સોશિયલ મિડિયા પર આકરી ટીકા કરવામાં આવી રહી છે અને જાહેરમાં પણ લોકોમાં ઘણો રોષ ફેલાયો છે. આને પરિણામે ગભરાઈ ગયેલા મુંતશિરે પોતાનો જીવ જોખમમાં છે એવું જણાવીને મુંબઈ પોલીસ પાસે સુરક્ષા માગી છે. પોલીસે સુરક્ષા પૂરી પાડી છે અને કહ્યું છે કે આ મામલે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

ફિલ્મમાં ભગવાન હનુમાનના સંવાદોને કારણે લોકોમાં ખૂબ નારાજગી અને રોષ ફેલાયો છે. મુંતશિરે કહ્યું છે કે લોકોના રોષને ધ્યાનમાં લઈને નિર્માતાઓએ ફિલ્મના કેટલાક ડાયલોગ્સ બદલવાનું નક્કી કર્યું છે. તે સુધારિત લાઈનો અઠવાડિયામાં ફિલ્મમાં ઉમેરી દેવામાં આવશે.

કો-ઓપરેટિવ બેંક ઓફ ઈન્ડિયાના નવા ચેરમેન બન્યા અજય પટેલ

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમન અજય પટેલ કો-ઓપરેટિવ બેંક ઓફ ઈન્ડિયાના નવા ચેરમેન તરીકે પાંચ વર્ષ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

નોંધનીય છે કે આ પહેલા તેઓ ગુજરાત રાજ્ય સહકારી બેંક અને અમદાવાદ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પદે રહી ચૂક્યા છે. તેઓ રમતગમત સંગઠનોમાં પણ જોડાયેલા હતા.

અજય પટેલે ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના પ્રમુખ અને રાષ્ટ્રીય રાઈફલ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છે. ગુરુવારે દિલ્હીમાં કો-ઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં અજય પટેલ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે દિલીપ સંઘાણી, ઘનશ્યામ અમીન તેમજ દેશની અને રાજ્યની જુદીજુદી કો-ઓપરેટિવ સંસ્થાઓના ચેરમેન તેમજ સહકારી અગ્રણી આગેવાનોએ અજય પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

 ઔરંગઝેબને વિશ્વના શ્રીમંત ભારતીય વેપારી આપતા લોન, જાણો…

નવી દિલ્હીઃ મોગલોના કાળમાં ભારતીય અર્થતંત્રનો ‘સુવર્ણકાળ’ માનવામાં આવતો હતો. કદાચ એટલે જ આક્રમણકારીઓ વારંવાર ભારત પર હુમલા કરતા હતા. એ કાળમાં પણ કેટલાય એવા વેપારીઓ હતા, જેવા આજના દોરમાં એલન મસ્ક, મુકેશ અંબાણી છે. આ શ્રીમંત વેપારીઓ અંગ્રેજો અને મોગલ બાદશાહોને નાણાં ધીરતા હતા. તેમનો પણ ઠસ્સો એવો કે તેઓ જગત શેઠ તરીકે ઓળખાતા હતા. સુરતના એક શ્રીમંતે તો ઔરંગઝેબને નાણાં ધીરવાનો ધરાર ઇનકાર કર્યો હતો.

મોગલોના કાળમાં સુરતના વેપારી વીરજી વોરા વિશ્વના સૌથી શ્રીમંત વેપારી કહેવાતા હતા. 17મી સદીના મધ્યમાં વીરજી વોરાનો વિશ્વભરમાં ડંકો વાગતો હતો. દક્ષિણના રાજકારણમાં ફસાયેલા ઔરંગઝેબની નાણાકીય સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. તેણે સુરતના વેપારીઓ પાસે વ્યાજમુક્ત લોન માગી હતી, પણ વેપારીઓએ તેને આપવાથી નનૈયો ભણ્યો હતો. વીરજી વોરાની શ્રીમંતાઈ એવી હતી કે તેઓ અંગ્રેજોને પણ લોન આપતા હતા.

તેમને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા વિશ્વના અત્યાર સુધીના સૌથી શ્રીમંત બિઝનેસમેન કહેવામાં આવતા હતા. પ્રાપ્ત માહિતી મુજબ વીરજી વોરા 1617થી 1670ની વચ્ચે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ફાઇનાન્સર હતા. 1590માં જન્મેલા વીરજી વોરાનું 1670માં નિધન થયું હતું. તેઓ એક જથ્થાબંધ વેપારી હતા અને અહેવાલો મુજબ એ સમયે તેમની વ્યક્તિગત સંપત્તિ આઠ મિલિયન રૂપિયા હતી. તેઓ મરી, સોના અને તેજાના સહિત કેટલાંય ઉત્પાદનોનો વેપાર કરતા હતા.

 

 

 

ટેસ્ટ ટીમના કેપ્ટનપદ વિશે અશ્વિને શું કહ્યું?

મુંબઈઃ હાલમાં જ લંડનના ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમના કંગાળ દેખાવને કારણે કેપ્ટન રોહિત શર્માની ખૂબ ટીકા થઈ છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ 1-2થી ગુમાવ્યા બાદ ટેસ્ટ ટીમનું સુકાનીપદ છોડી દીધું હતું. ત્યારબાદ એની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં, ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે કે.એસ. રાહુલ, જસપ્રિત બુમરાહ અને રિષભ પંતના નામો પણ ચર્ચામાં હતા. તે ઉપરાંત ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પણ કેપ્ટન બનાવવાનું વિચારણા હેઠળ હતું. હવે એ મુદ્દે અશ્વિને પોતાના વિચારો જણાવ્યા છે.

ઈન્ડિયન એક્સપ્રેસને આપેલી મુલાકાતમાં 36 વર્ષીય અશ્વિને પહેલી જ વાર ટેસ્ટ ટીમના સુકાનીપદ વિશે દિલ ખોલીને જણાવ્યું છે. તેણે કહ્યું કે, અનેક જણે હું ઓવરથિંકર છું એવી વાતો ફેલાવી હતી. જે ખેલાડીને સતત 15-20 ટેસ્ટ મેચ રમવા મળે એને ઓવરથિંકર બનવાની જરૂર જ ન હોય. મારી છાપ ઓવરથિંકર તરીકે ઊભી કરવામાં આવી એને કારણે જ મને ટીમનું સુકાનીપદ મળી શક્યું નથી. સતત આટલી બધી ટેસ્ટ મેચો રમનાર ખેલાડી પોતાની જવાબદારી સમજતો હોય, એ સુકાની તરીકેની ભૂમિકા પણ ભજવવા સક્ષમ હોય. ઓવરથિંકરનું ટેગ માત્ર મારા માટે જ બનાવવામાં આવ્યું છે, મારી વિરુદ્ધ વાપરવા માટે જ બનાવવામાં આવ્યું છે. જ્યારે ટીમના નેતૃત્ત્વનો મુદ્દો મારી સમક્ષ આવ્યો હતો ત્યારે કેટલાક લોકોએ મારી વિરુદ્ધમાં ઓવરથિંકરની વાતો ચગાવી.

અશ્વિન છેલ્લા એક દાયકામાં ભારતનો શ્રેષ્ઠ ટેસ્ટ સ્પિનર રહ્યો છે. આધુનિક સમયની ક્રિકેટમાં મેચોમાં, સૌથી વધારે વિકેટ લેનાર સ્પિનરોમાં અશ્વિનની ગણના થાય છે.

આદિપુરુષ પર પ્રતિબંધ મૂકવાની સાધુ-સંતોની માગ

મુંબઈઃ પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર આદિપુરુષ વિવાદોમાં ઘેરાયેલી છે. હિન્દુ સેનાએ હાલમાં જ દિલ્હીની હાઇકોર્ટમાં ફિલ્મની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. એ અરજીમાં ફિલ્મના કેટલાય સીન, ડાયલોગ્સ અને પાત્રોને દૂર કરવાની માગ કરવામાં આવી છે. આ ફિલ્મના ડિરેક્શન અને ડાયલોગ્સ-બંનેની ચોમેરથી ટીકાઓ થઈ રહી છે. આ ફિલ્મના ડાયલોગ્સથી નારાજ અયોધ્યાના સંતોએ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. આ બીજી વખત સાધુ-સંતોએ ફિલ્મની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આ પહેલાં ફિલ્મના ટીઝરમાં દેખાતી વિકૃતિને લઈને તેમણે વાંધો ઉઠાવ્યો હતો.

તેમણે દાવો કર્યો હતો કે આ ફિલ્મમાં રામાયણનાં પાત્રોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યાં છે અને હિન્દુ દેવી-દેવતાઓને વિકૃત દર્શાવવામાં આવ્યાં છે. રામ જન્મભૂમિના પ્રમુખ પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે પહેલાંના વિરોધ છતાં ફિલ્મનિર્માતાઓએ રામાયણનાં પાત્રોને ખોટી રીતે રજૂ કર્યાં છે. આ ફિલ્મના ડાયલોગ્સ શરમજનક છે અને આ ફિલ્મ પર તત્કાળ પ્રતિબંધ મૂકવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

દેવી-દેવતાઓને ખોટી રીતે બતાવ્યાઃ રાજુ દાસ

ભગવાન રામ, હનુમાનજી અને રાવણને સંપૂર્ણ રીતે અલગ રીતે રજૂ કરવામાં આવ્યા છે. અયોધ્યાના પ્રસિદ્ધ હનુમાન ગઢી મંદિરના પૂજારી રાજુ દાસે પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે બોલીવૂડ હિન્દુ ધર્મને વિકૃત કરવાના પ્રયાસ કરી રહ્યો છે. આ ફિલ્મના નિર્માતાઓને હિન્દુ ભાવનાઓની કોઈ ચિંતા નથી. અયોધ્યામાં સંતોની સૌથી શક્તિશાળી સંસ્થા મણિરામ દાસ છાવણી પીઠે પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગને ટેકો આપ્યો હતો.

આ ફિલ્મે તમામ વિવાદોની વચ્ચે બોક્સ ઓફિસ પર ત્રણ દિવસમાં રૂ. 300 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મના નિર્માતાઓએ હાલમાં જ ફિલ્મના વિવાદિત ડાયલોગ્સ બદલવાની જાહેરાત કરી હતી.